Thursday, September 26, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા રાકેશ નવા નદીસર


શાળાને વેરાન થી વનરાવનમાં પરિવર્તિત કરનાર  મિજાજનના વિદ્યાર્થી પ્રિય શિક્ષક : રાકેશભાઈ નવા નદીસર 



              રાકેશ નવા નદીસર ઉર્ફે રાકેશ પટેલ.
             ગોધરા થી 30 કિલોમીટર દૂર અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં આવેલી એક ખોબા જેવડા ગામની શાળાને રાજ્ય અને રાષ્ટ્રની એક નમૂનેદાર શાળા તરીકે પ્રસ્થાપિત કરનાર રાકેશભાઈ નોખા મિજાજના શિક્ષક છે.  શિક્ષકની નોકરીની શરૂઆતના બીજા જ દિવસે શાળાની હાલત જોઈ રાજીનામું આપવા નીકળેલા રાકેશભાઈ માટે દાદીમાની એક સલાહ  ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.  આ ટર્નિંગ  પોઈંટે ગુજરાતના શિક્ષણ જગતને એક ઉમદા શિક્ષક ભેટ ધર્યો.  એ પછે તો  વિદ્યાર્થીમય બનેલા રાકેશભાઈનું શિક્ષત્વ સોળે કળાએ ખિલ્યું, મહોર્યું અને અની સુવાસ રાજ્ય અને રાષ્ટ્રની સીમાઑ ઓળંગી વિશ્વ સ્તરે વિસ્તરી.   જે શાળા અને ગામનું વાતાવરણ જોઈ રાજીનામું ધરી દેવાનું નક્કી કર્યું હતું એ શાળા આજે દેશભરના શિક્ષણ રસિકો અને અભ્યાસુઓ માટે સંશોધન કેન્દ્ર બની છે. અહીં નિત નૂતન નવતર પ્રયોગો થતા રહે છે. વેરાનમાંથી વનરાવન બનેલી આ શાળામાં પ્રવેશતાં જ આંખો અને દિલને શિતળતાનો અહેસાસ કરાવે છે. લીલુંછમ્મ અને વૃકક્ષાચ્છદિત શાળા પરિસર સંપુર્ણ ચાઇલ્ડ ફ્રેઈન્ડલી છે. 

              પરંપરાગત નિયમોને કોરાણે મૂકીને નવા અને અનોખા શિક્ષણ પ્રયોગની પ્રયોગશાળા એટલે મસ્તી કી પાઠશાલા. ઉર્ફે  નવા નદીસર પ્રાથમિક શાળા. જ્યાં શિક્ષણકાર્ય ફરજના ભાગરૂપે નથી થતું પણ એક સામાજિક ઉત્થાનના હેતુથી યજ્ઞની જેમ થાય છે. આ યજ્ઞની સફળ બનાવવા માટે ઘણી બધી રૂઢી અને પરંપરાને તોડી નંંખાઈ છે.  શૂન્ય થી શિખર પર પહોંચેલી આ શાળાની વિકાસ ગાથા રોમાંચક છે. નિષ્ઠાવાન શિક્ષકોની ફલશ્રુતિ છે.
           જ્યારે પીટીસી પૂરું કર્યા પછી પોતાના ગામની નજીકના જ ગામમાં રાકેશભાઈની પહેલ વહેલી નિમણૂક થઈ. તાલીમના બે વર્ષ દરમિયાન મળેલું જ્ઞાન વિદ્યાર્થીઓમાં દેવાનો ઉત્સાહ ઉછાળા મારતું હતું. પરંતુ શાળામાં પહેલા દિવસે જ જે વાતાવરણ જોયું એનાથી મોતિયા મરી ગયાં. વિદ્યાર્થીઓ મેલા ઘેલાં , કપડા ફાટેલા , નાક વહેતાં હોય , મરજી પડે ત્યારે શાળાએ આવે અને મરજી પડે ત્યારે પાછા ઘરે! પાઠ્યપુસ્તક ખોલીને કૃષ્ણ અને સુદામા નો પાઠ ભણાવવાની શરૂઆત કરી તો બાળકો મોઢા વકાસીને જોયા કરે. ચાલો પાઠમાં રસ ના પડ્યો તો હવે ગવડાવું. એ તો ગમશે જ. પણ ગવડાવવા ની શું વાત કરી ઓ એક પણ બાળક જીલી ન શકે. એક જ દિવસમાં બે વર્ષની તાલીમ નો બધો કે ઉતરી ગયો. અને સાંજ સુધીમાં તો નક્કી પણ કરી લીધું કે અહીં આ નોકરી આપણાથી નહીં કરી શકાય. ઘરે આવી દાદીમાંજી નિવૃત્ત શિક્ષિકા હતા. અને સવારે ઉત્સાહથી જેની પગે લાગીને શાળાએ પ્રસ્થાન કરેલું.  એમને નિર્ણય જણાવી દીધો કે હું આવતીકાલથી શાળાએ નહિ જાઉં. અને રાજીનામું આપું છું. દાદીનું અનુભવી મન સમજી ગયું.  હકીકતનો અંદાજ આવી ગયો કઈ જ ન કહ્યું ઓમ શીખામણ ન આપી કે ન સમજાવવાની કોશિશ કરી. બસ એટલું જ કહ્યું "દીકરા ! તારી મરજી પણ મારી એક વાત માન. આવતીકાલે ખાલી એક દિવસ શાળાએ જજે અને બાળકોને ખાલી એટલું પૂછજે કે કેટલા બાળકો નાહીને આવ્યા છે? બ્રશ કરીને આવ્યા છે? જમીને આવ્યા છે? " દાદીમાનો માં રાખવા રાકેશભાઈ બીજા દિવસે સ્કૂલે ગયા અને કેટલા બાળકો નાહીને આવ્યા છે એ જાણવાની કોશિશ કરી બસ એમાંથી બાળકોના મન અને ઘરની પરિસ્થિતી સુધી પહોંચી ગયા. જે કાંઈ જોયું જાણ્યું અને સમજાયું એનાથી હૃદય હચમચી ગયું.
            મહીસાગર ડેમ બનાવતી વખતે જે ગામો ડૂબમાં ગયાં એના વિસ્થાપિતોની અહીં ફરીથી સાચવવી લા એટલી ગામનું નામ નવા નદીસર. ગામલોકો કારમી ગરીબીમાં જીવતાં. અને મજૂરી એ એકમાત્ર વિકલ્પ. રોજ ઊઠીને પેટનો ખાડો પુરવાની મથામણ. મોટો મજૂરીએ જાય ત્યારે બે ટંકનું માંડવરાય અને મા-બાપ મજૂરીએ જાય એટલે મોટા બાળકો શાળા છોડીને ઘરે નાનકડા બાળકોને સાચવવા રહેવું પડે. ક્યારેક મજૂરી માટે આખા પરિવારે દૂરના વિસ્તારો સુધી સ્થળાંતર કરવું પડે. ત્યારે મહિનાઓ સુધી શાળાની ભૂલી જવી પડે. આવી સ્થિતિમાં શિક્ષણના પરંપરાગત ખ્યાલો નિયમો અને સિદ્ધાંતો ક્યાંથી કામ કરે? ધીમે-ધીમે સંજોગો અનુસાર નવી કેડી કંડારતા ગયા. ને આજે એવી સ્થિતિ આવીને ઉભી છે. ક નવા નદીસર માત્ર ગુજરાતની જ નહીં પરંતુ ભારતની એક ઉદાહરણરૂપ શાળા બની ગઈ છે.  
શાળામાં શિક્ષણ કરતાં વિશેષ નાગરિક ઘડતર ઉપર ધ્યાન આપવામાં આવે છે. આજે આખી શાળાનું સંચાલન સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના હાથમાં છે. શાળામાં રાષ્ટ્રીય તહેવારો ઉપરાંત સામાજિક તહેવારો ની ઉજવણી તો થાય જ છે પરંતુ મહાપુરુષોના જન્મ દિવસ ઉજવાય છે અને એ તમામ ઉજવણીનું આયોજન બાળકો જ કરે છે. બાળકો નાટકો લખે છે ડિરેક્ટ કરે છે અને ભજવી પહોંચી અને આ રીતે પાઠ્યપુસ્તકોમાં ભણતર પાત્રોને જીવંત કરીને શીખે છે.
          રાકેશભાઈ કહે છે અમે કશું જ નવું નથી કરી પણ શાળાના એવા કેટલાક નિયમો જે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણે શું ઈચ્છતા હતા?  મારું બાળપણ યાદ કરીને મને તે સમયે જેવું કરવું ગમતું તે બધું જ મારી શાળાના બાળકો કરી શકે તેવા પર્યાવરણવાળા વર્ગખંડના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો. સાથીદારોએ પ્રયત્નોમાં તેલ પૂર્યું. જેમ અનુભવ થતો ગયો તેમ તેમ બાળકોના મનમાં ઝાંકી તેમની અવસ્થાને સમજી તેમને ગમે તેવી પ્રવૃત્તિઓ વધવા લાગી. હાથવગુ જે હોય એ અમારું ટી.એલ.એમ. બન્યું. જીવનનું શિક્ષણ એ અમારી પ્રાથમિકતા શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનિર્માણ એ અમારું ધ્યેય વાક્ય બન્યું. ઘણા વિદ્યાર્થીઓ ને એવું લાગતું હશે કે શીખવા માટે અમુક સમયથી અમુક સમય સુધી એક ઓરડામાં જ શા માટે પુરાઈ રહેવું પડે? અમુક રીતે જ બેસવાનું એવું શા માટે ?અમુક રીતે જ બોલાય એવું કેમ? ન ગમતા નિયમો દુર કર્યા અને વિદ્યાર્થીઓની સ્વતંત્રતા આપી. જેમ કે ગમે ત્યાં અને ગમે તે રીતે બેસવું, ગમે ત્યારે વાંચવું, લખવું, શાળામાં જોરજોરથી હસવું, ગાવું, વોર્ગને બદલે ખુલ્લા આકાશ નીચે જઈને ભણવું.  " ટૂંકમાં કહીએ તો નકામા નિયમોથી સંપૂર્ણ આઝાદી! અહીં યોજાતી પ્રવૃત્તિઓ બીજા કોઈને નહીં પણ નહીં પણ વિદ્યાર્થીઓના રસ રુચિ મુજબનું હોય. વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબ અભ્યાસ કરી શકે.
                શરૂઆતમાં ગામલોકોનો જોઈએ તેટલો સહકાર મળી શકતો ન હતો પરંતુ રાકેશભાઈ નોકરી શરુ કરી સોશિયલ પ્લેટફોર્મનો ડિજીટલ ઉપયોગ શરુ કર્યો. ગામ સાથે નાતો જોડી રાખવા શાળા અને ગામનું વોટ્સએપ ગુ્રપ બનાવીને શાળામાં થતી પ્રવૃતિઓને વહેચવાનું શરૂ કર્યું. અન્ય લોકોને સંદેશો આપવાના શરૂ કર્યા કે તારો પુત્ર કે પુત્રી સરસ ગાય છે અથવા વાંચે છે. શાળા પરિવારના પ્રયત્નોના કારણે આખરે શિક્ષકોએ ગામ લોકોના દિલ જીતી લીધા.  વાલીને ગૌરવ થયું સાથે જ તે વાલીની સંતાન તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ !
               છેલ્લા બે વર્ષથી શાળાનો વાર્ષિક ઉત્સવની જવાબદારી ગામલોકોએ ઉપાડી લીધી અને આ ઉત્સવ બન્યો ગ્રામોત્સવ!! જે છેલ્લા બે વર્ષથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ગ્રામોત્સવમાં આબાલ-વૃદ્ધ સૌ જોડાય છે અને ગામમાં અનોખા ઉત્સવનું વાતાવરણ સર્જાય છે.

ગેરહાજરીના પ્રશ્નો આપણે ત્યાં તો બહુ છે.ગેરહાજર હોય એને ઠપકાની બીક હોય. તેથી શાળાએ જે ફળિયા અથવા મહોલ્લામાંથી વિદ્યાર્થીઓ વધુ અનિયમિત રહેતા હોય ત્યાં જ સવારની પ્રાર્થના કરવાનું આયોજન કર્યું.એવો નવો જ  આઈડિયા 'હાજરી ધ્વજ' ! જેમાં અઠવાડિયા દરમિયાન જો છોકરાઓની હાજરીની ટકાવારી વધારે હોય તો શાળાની મુખ્ય ઈમારત પર છોકરાઓનો અને છોકરીઓની હાજરી વધુ હોય તો છોકરીઓનો હાજરી ધ્વજ ફરકાવવામાં આવે છે. આમ સરખામણીમાં હાજર રહેવાની ચડસાચડસી થાય !

          બાળકોને સીધા જવાબો આપવાને બદલે સવાલ આપવાના શરૂ કર્યા જેમાં તેમને ગામમાં ફરી, ચોપડી વાંચી, પોતાની જાતે અનુભવો મળેવી કૈંક જાણવાનું કરે.. બધું શિક્ષક  જ શીખાવડી દે એમ નહિ, જાતે શીખવાનું. આપણે જયારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે તેનો જવાબ સાચો જ બોલાવી શાબાશી આપીએ છીએ.
             તેમાં જેને ના આવડતો હોય તે લઘુતાગ્રંથિ અનુભવે...એના બદલે તેમની રમત જ એવી કે જે પૂછું તેનો ખોટો જવાબ આપવાનો. કૌન બનેગા જૂઠપતિ ! એટલે ગપ્પા મારીને પણ બધા ભાગ લેતા થાય. એ જ રીતે સ્પેલિંગ ખોટો પડે તો પાંચ વખત લખવા આપીએ ત્યારે આપણે તે જોડણી બાળકના મગજમાં છપાઈ જાય તેવું ઇચ્છીએ, પણ એ ગોખવાનું થયું. એને બદલે બોર્ડ પર લખેલા સ્પેલિંગ ને પાંચ ખોટી રીતે લખી બતાવો એવી ચેલેન્જ આપો, ત્યારે તેઓ મગજમાં સાચો જવાબ ઉપસાવતા રહે છે, પણ રસથી એને ઉલટસૂલટ કરી રમવા લાગે.


             આ શાળામાં એટલી બધી વૈવિધ્યસભર અને નવીન પ્રવૃતિઓ થતી રહે છે કે એ દરેક વિશે અહીં એક વાક્ય લખાય તોપણ મહાનિબંધ થાય. આ શાળા વિશે અને એમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે તમારે વિગતવાર જાણવું હોય તો તમારે એના બ્લોગ ની મુલાકાત લેવી જ રહી. અને હા, અહીં એ પણ કહેવું જરૂરી છે કે નવા નદીસર એ ગુજરાતની પહેલ વહેલી શાળા છે કે જેને બ્લોગ શરૂ કર્યો હોય. 2008થી આ શાળાની પ્રવૃત્તિઓ નું ડોક્યુમેન્ટેશન કરવાના હેતુથી શરૂ કરાયેલો બ્લોગ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના  મુખ્યમંત્રી હતા ત્યારે તેમના એક વક્તવ્યમાં વખાણ્યો. ૨૦૧૦ થી નિયમિત  આ શાળા ઈ મેગેજિન બયોસ્કોપ બહાર પાડે છે.  જેમાં માસ દરમિયાન શાળાએ કરેલી પ્રવૃત્તીઓ નો સમાવેશ કરવામાં આવે છે. 
       શાળાને ઉચ્ચત્તમ શિખરે પહોચાડવા શાળા ના કર્મઠ શિક્ષકો કટીબધ્ધ છે. સૌ ખભે ખભા મિલાવી કામ કરી શિક્ષન જગતમા એક આદર્શ પૂરો પાડ્યો છે. રકેશભાઈની અને શાળાની વિશિષ્ઠ કામગિરી બદલ શિક્ષણ જગતના અનેક પ્રતિષ્ઠિત સન્માનો પણ રકેશભાઈને પ્રાપ્ત થયાં. ગત વર્ષે મહામહિમ રાષ્ટ્રપતિ ના હસ્તે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાકેશભાઈને સન્માનિત કરવામાં  આવ્યા.
          કાશ! ભારતની તમામ શાળાઓને આવો એક રાકેશ મળી જાય!

રાકેશભાઈ પટેલ સંપર્ક નં - 99745 98817

લેખન : ઈશ્વર પ્રજાપતિ


( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ

4 comments:

  1. રાકેશભાઈ સર્વ વિચારક શિક્ષકની પરિપક્વતા એ પહોંચેલ કર્મઠ શિક્ષક છે.
    આપે એમની શાળાના કામને ઉજાગર કર્યું ..પ્રશંશનિય

    ReplyDelete
  2. પ્રેરણારુપ શાળા વિચારવંત શિક્ષક

    ReplyDelete
  3. જોરદાર મુલાકાત કરવી છે એકવાર સાહેબ તમારી ને શાળા ની

    ReplyDelete