Monday, September 16, 2019

સત્યઘટના આધારીત જિંદગી જિંદાબાદ -3


" હે પ્રભુ!! આ જન્મે મળેલાં માતા પિતા જન્મો જનમ મળે તો,  અંધાપાનો અફસોસ નથી" : કલગી રાવલ 


"દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી !"
             કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યાની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિઓ સાંભળતાં જ હ્રદયમાંથી સંવેદનાની સરવાણી ફૂટે છે. કુદરત એક હાથે કંઈક લઈ લે છે તો બીજા હજાર હાથે એનું વળતર ચૂકવી દે છે. સવાલ માત્ર એટલો છે કે તમે ગુમાવેલી વસ્તુ વેદનાને આજીવન ગાયા કરો છો કે પછી પ્રભુ તરફથી એના બદલામાં મળેલા વરદાનના વૈભવને માણ્યા કરો છો ?? આજની સત્ય ઘટના આધારિત પ્રેરક કથા એવી જ એક ગુજરાતી દીકરીની છે કે જેણે કુદરતે આપેલી વેદનાને વરદાન રૂપે સ્વીકારી. મુસીબતોને અવસરમાં પલટી નાખી. અમદાવાદમાં રહેતી આ દીકરીની જીંદાદિલી જોઈ એની હિંમત આગળ આદરથી મસ્તક ઝૂકી જાય છે.
            વર્ષ 2012 ની આ વાત છે. 'ચાલો ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત અમેરિકાનું ન્યૂઝર્શી શહેર ગુજરાતી કલાકારોને આવકારવા સજ્જ છે. ખ્યાતનામ ગુજરાતી કલાકારોની આખી ફોજ અમેરિકાની ધરતી પર પર્ફોર્મ કરવા ઉતરી છે. સાત સમુંદર પાર અમેરિકામાં વસતાં 10,000 ગુજરાતીઓની માનવ મેદની એકત્રિત થઈ છે. જાજરમાન કાર્યક્રમની શરૂઆત થઈ. કર્ણપ્રિય અને ઉર્જાવાન અવાજ સૌના કાનમાં રેડાયો. સુંદર ઉદઘોષણા અને નસેનસમાં નવી ચેતનાનો સંચાર કરતી મોટીવેશનલ સ્પીચ સાંભળી સૌ મંત્રમુગ્ધ બન્યાં છે. સ્પીચ પુરી થતાં જ 10, 000 લોકો એ સ્ટેન્ડિંગ ઓવેશન આપી આદર સાથે વક્તવ્યને વધાવી લીધું. આ પ્રભાવશાળી વક્તવ્ય હતું ગુજરાતની એક પ્રતિભાસંપન્ન દિવ્યાંગ દીકરી કલગી રાવલનું. જેણે પરદેશની ધરતી પર હજારો લોકોનાં દિલ જીતી લીધાં.
              હા, આ વાત છે અમદાવાદમાં રહેતી કલગી રાવલની. જે જન્મથી જ દિવ્યાંગ છે. સો ટકા અંધ હોવા છતાં તેણે પોતાની જિંદગીમાં દિવ્યાંગતાને અવગણીને દિવ્ય દૃષ્ટિથી દેશ અને વિદેશમાં નામના મેળવી છે.
                  બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં ખુશીની લહેર પ્રસરી જતી હોય છે. કલગીના જન્મ સમયે પણ એના માતા મીનાબેન પિતા ટીકેન્દ્રભાઈના હરખનો પાર ન હતો. પરંતુ ડોક્ટરે ટીકેન્દ્રભાઈને  બોલાવીને કહ્યું કે "કલગી ક્યારેય દુનિયાને પોતાની આંખે જોઈ શકશે નહીં." ડોક્ટરની આ વાત સાંભળતા જ કલગીના પિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. દીકરીની દૃષ્ટિ માટે કલગીના માતાપિતા એ મોટી મોટી હોસ્પિટલના પગથિયાં ઘસી નાંખ્યા. આઈ સ્પેશિયાલિસ્ટ તમામ મોટા ડોક્ટર્સને બતાવ્યા છતાં કોઈ પરિણામ ન મળ્યું. તમામ પ્રયત્નો ને અંતે સફળતા ન મળતાં માતા પિતાએ હતાશ થવાના બદલે દીકરીને વધાવી લઈ, સમાજમાં અને વિશ્વમાં દીકરીને એક અલાયદું સ્થાન અપાવવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે જ્યારે છોકરા ની લાલચમાં છોકરીને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે ત્યારે આ પ્રજ્ઞાચક્ષુ બાળકીને નવજીવન બક્ષવા માતા-પિતાએ બીજું સંતાન ન થવા દીધું.
                 માતા પિતાએ દીકરી કલગીને સતત પ્રોત્સાહિત કરી. આંખો ન હોવાનો અહેસાસ એને ક્યારેય લાગવા ન દીધો. ઉપરથી જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલી નાંખ્યો. માતા પિતાની ધીરજ પૂર્વકની અથાગ મહેનતના પરિણામે કલાગીનું એક્સ્ટ્રાઓર્ડિનરી વ્યક્તિત્વ નિખર્યું. કલગી જન્મથી જ અંધ છે છતાં તેનો આત્મવિશ્વાસ ગજબનો છે. અંધત્વ નો અફસોસ કર્યા વગર સામાન્ય વ્યક્તિ ન કરી શકે તેવી સિદ્ધિઓ તેને હાંસલ કરી છે. 'અંધ હોવું એ અભિશાપ છે' આ દૃઢ થયેલી માન્યતા કલગીએ બદલી કાઢી. તેણે પોતાની જાત મહેનત થી સાબિત કર્યું કે દુનિયામાં કશું પણ અસંભવ નથી.
                 જન્મથી જ દિવ્યાંગ દીકરી કલગી ક્યારેય અંધ શાળાનું પગથિયું ચડી નથી, પરંતુ પાંચ વર્ષની ઉંમરમાં સામાન્ય બાળકોની સાથે નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરીને તેની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી. સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં કલગી પહેલી દીકરી હતી કે જેણે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અંગ્રેજી માધ્યમમાં સામાન્ય શાળામાં ભણવાનું શરૂ કર્યું. સામાન્ય સ્કૂલમાં અભ્યાસ કરી સામાન્ય લોકો સામે કલગીએ પડકાર ફેંક્યો. સામાન્ય શાળાના બાળકો સાથે સ્પર્ધા કરીને કલગી ધોરણ એક થી પાંચમાં અન્ય સામાન્ય બાળકો કરતાં સૌથી વધુ ટકાવારી મેળવીને ક્લાસમાં નંબર વન રહી . ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કલગી એ અભ્યાસ પડતો મુક્યો.
               ઓપન સ્કૂલમાં એડમિશન લીધા બાદ ઘરે બેઠાં કલગી વિવિધ એક્ટિવિટી કરતી. માતા મીના બહેન ઘરે આઠ આઠ કલાક સુધી કલગીને ટ્રેઇનિંગ આપતાં. સાથે તેણે એન્કરિંગ અને રેડિયો જોકીના અલગ અલગ કોર્ષ કર્યા. એ સમય દરમિયાન જુનિયર રેડિયો જોકી માટેની જાહેરાત ન્યૂઝપેપરમાં આવી. એ વાતની ખબર પડતાં જ કલગી તરત જ એના માટે એપ્લાય કરી. કલગીનો અવાજ કર્ણ પ્રિય છે. શુદ્ધ ગુજરતી ઉચ્ચારણ સાથે અંગ્રેજી પર ગજબનું પ્રભુત્વ ધરાવે છે. કલગીનું સિલેક્શન તરત જ જુનિયર આર.જે. તરીકે થયું. તેણે 13 વર્ષની ઉંમરે લિટલ રેડિયો જોકી તરીકે પ્રાઇવેટ રેડિયો સ્ટેશનમાં એક કલાકનો શો કર્યો હતો. આર. જે. તરીકે લોકોને હસાવવાની સાથે ઇન્સ્પાયર પણ કરતી અને ઘણા લોકો એનો સ્પિરિટ જોઈ એને આર્શીવાદ પણ આપતા. સાથે કલગી સંદેશ ન્યુઝ ચેનલ માં ન્યુઝ રીડીંગ પણ કર્યું છે.
         
              ત્યારબાદ ધોરણ 5 નો અભ્યાસ અધૂરો મૂક્યોહતો જેને આગળ વધારવા 2014 માં ડાયરેક્ટ ધોરણ-10ની પરીક્ષા આપી હતી, જેમાં કોઈપણ શાળા માં કે કોઈપણ ટ્યુશન શિક્ષક કે ટ્યુશન ક્લાસીસ વિના માત્ર બે મહિનાની મહેનત માં ધોરણ 10માં 76 ટકા માર્ક મેળવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી.
          જેમાં કલગી ની સૌથી મોટી સિદ્ધિ હતી કે ગુજરાતમાં ચાલતી એક પણ અંધ શાળા માં ઇંગ્લીશ મીડીયમ ન હોવા છતાં ઘરે બેસીને પોતાના પરિવાર અને મિત્રોની મદદથી ધોરણ 10 ની અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી હતી. અને76 ટકા મેળવ્યા હતા.
            આજના ડિજિટલ યુગમાં કલગી પણ સોશિયલ મીડિયામાં સહેજ પણ પાછળ નથી. કલગી પોતાના ટચ સ્ક્રીન મોબાઇલથી વિશ્વ સાથે જોડાયેલી છે. 2010 થી તે લેપટોપના માધ્યમથી પોતાનું કામ કરી રહી છે. અને મોબાઈલમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ થી માંડીને email સુધીનું બધું જ કામ તે જાતે કરી શકે છે. કલગીની એક એવી પણ સિદ્ધિ છે કે તે પોતાના ટચ સ્ક્રીન મોબાઈલ થી સેલ્ફી પણ લઈ શકે છે. કલગી એક સામાન્ય છોકરીની જેમ તેના મિત્રો સાથે હેંગ આઉટ કરવા જાય છે. તે ઘરમાં કચરા પોતાં જાતે જ કરે છે. જ્યારે ફ્રી થાય ત્યારે મોબાઇલ પર ઓડિયો બુક સાંભળતી નજરે પડે છે.
            કલગીને જ્યારે પૂછ્યું કે જિંદગી ની યાદગાર આનંદની પળ કઈ હતી ? જવાબમાં કલગી જણાવે છે કે " નરેન્દ્ર મોદીને ગુજરાતના સી.એમ. હતા ત્યારે બે વાર હું મળી ચૂકી હતી. એટલે 2016માં સુગમ્ય ભારત અભિયાન વિશે જાણીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવા દિલ્હી ગઈ હતી. પ્રધાનમંત્રીના કાર્યાલયમાં પ્રવેશ કર્યો ત્યાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહ્યું "બેટા કલગી બહું સમય પછી મળી" વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મારુ નામ હજી યાદ છે એ જાણીને મારા આશ્ચર્ય વચ્ચે આનંદનો પાર રહ્યો ન હતો. વડાપ્રધાનને મળવાનો 5 મિનિટ નો સમય માંગ્યો હતો એના બદલામાં અનેક વ્યસ્તતા હોવા છતાં નરેન્દ્રભાઈ મોદીએ 20-25 મિનિટ સુધી અમારી સાથે હળવીફુલ વાતો કરી. આ ઉષ્મા પૂર્ણ મુલાકાત મારા જીવનનું એક યાદગાર સંભારણું છે"
           કલગીની ઈચ્છા એવી હતી કે સુગમ્ય ભારત અભિયાન ની સોશિયલ એમ્બેસેડર બનીને દિવ્યાંગો માટે કંઈક અલગ કાર્ય કરી શકાય. જ્યારે કરી વડાપ્રધાન શ્રી ને મળી ત્યારે તેમને કલગી ને પૂરેપૂરો સહિયોગ આપવા માટેની ખાતરી આપી. ત્યારબાદ 2017માં કલગી ગુજરાતની સુગમ્ય ભારત ની એકમાત્ર સોશિયલ એમ્બેસેડર બની. તે પછી અલગ-અલગ કાર્યો કરીને સુગમ્ય ભારત અભિયાન માટે જાગૃતિના કાર્યક્રમો કરતી રહી.
           કલગીએ દિવ્યાંગોની મદદ કરવા માટે અને દિવ્યાંગોને પોતાના કમ્ફર્ટ લેવલ માંથી બહાર લાવવા માટે કલગી ફાઉન્ડેશનની સ્થાપના કરી.
છેલ્લાં બે વર્ષથી કલગી ફાઉન્ડેશને ગુજરાતના વિવિધ વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર 30 દિવ્યાંગો ને દિવ્યાંગ રત્ન એવોર્ડ સાથે સન્માન કરવાના અનોખા કાર્યક્રમનું આયોજન કરી રહી છે. .
            આવું ગુજરાતમાં સૌપ્રથમ વખત બન્યું કે એક દિવ્યાંગ દીકરીના કલગી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ હતી કે દિવ્યાંગ રત્ન એવોર્ડ માં મહેમાન તરીકે આવેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિમાંશુભાઈ પંડ્યાએ જાહેરાત કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીને સંપૂર્ણપણે સુગમ્ય બનાવી દેવામાં આવશે એટલે કે દિવ્યાંગોને સરળતાથી હરીફરી શકે તેવું યુનિવર્સિટીનું કેમ્પસ બની જશે આ ઉપરાંત દિવ્યાંગોની ટ્યૂશન ફી માફ કરવાની પણ જાહેરાત કુલપતિએ કરી હતી. કલગીના પ્રયત્નોથી આ કાર્ય શક્ય બન્યું.
આ વર્ષે પણ ફરી એકવાર કલગી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રના ત્રીસ દિવ્યાંગોને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગો ને પ્રોત્સાહિત કર્યા હતા.
         કલગીની આ સેવાઓ અને સિદ્ધિ અને ગુજરાત સહિત ગુજરાત બહારની પણ અનેક સેવાભાવી સંસ્થાઓ એ વધાવી છે. જેમાં કલગી ને 50થી વધુ સંસ્થાઓ દ્વારા ખાસ એવોર્ડ આપવામાં આવ્યા છે. 13 વર્ષની ઉંમરથી સામાજિક સેવા સાથે સંકળાયેલી કલગી ને માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં વિશ્વના અનેક અખબારો અને ટીવી માધ્યમોએ ખાસ કવરેજ આપીને તેનો ઉત્સાહ વધાર્યો છે. જ્યારે પાંચ હજારથી વધુ લોકોને કલગી એ મોટિવેટ કર્યા છે.  ગુજરાતમાં પણ અલગ-અલગ સ્થળોએ તેણે એન્કરિંગ ની સાથે મોટીવેશન લેક્ચર શરૂ કર્યા. જેમાં ખાસ કરીને ગામડાની મહિલાઓ અને દીકરીઓને બેટી બચાવો બેટી ભણાવો અંગે જાગૃત કરવા માટે અનેક ગામડાઓ ખૂંદી વળી.
       સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે એક પણ અંગ્રેજી સ્કૂલ નથી ત્યારે કલગી ની ઈચ્છા છે કે ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની અંધશાળા હોસ્ટેલ સાથે બનાવવામાં આવે. "હું છું દિવ્યાંગ સાથે, હું બનાવીશ સુગમ્ય ગુજરાત" ના સૂત્ર સાથે આગળ વધી રહેલી કલગી અને કલગી ફાઉન્ડેશનમાં અત્યાર સુધી પાંચસોથી વધુ વોલેન્ટીયર જોડાયા છે.
              કલગીના પિતા ટીકેન્દ્ર રાવલ હાલ દિવ્યભાસ્કરમાં પોલિટીકલ રીપોર્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે માતા મીનાબેન હાઉસવાઈફ છે.પોતાના એકમાત્ર સંતાનની જિંદગીમાં રંગો પુરવા માટે તેમણે ઘણા બલિદાનો આપ્યા છે.
             પોતાનાં માતા પિતાને આદર્શ માનતી કલગી જણાવે છે કે "હું જે પણ કંઈ કરી શકી છું એ મારા માતા પિતાને આભારી છે. તેઓએ મને પૂરતી આઝાદી આપી છે. હું જે ઈચ્છું એ કરી શકું છું. હું મારાં માતાપિતા ની આંખે દુનિયા નિહાળી રહી છું. સાચે જ દુનિયા ખૂબ સુંદર છે. હું રોજ સવારે વહેલાં ઉઠી પોતાની જાત સાથે સંવાદ કરું છું અને કહું છું I wish, I can, I will. અને જે મારા પર તરસ ખાય છે તેને હું કહીશ કે They see my disability but I see my ability હે પ્રભુ ! આ જન્મે  મળેલાં  માતા-પિતા જન્મો જનમ મળે તો અંધાપાનો મને અફસોસ નથી"
કલગી ની જિંદાદિલી ને લાખ લાખ સલામ!

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)

(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)


5 comments:

  1. ખુબજ સુંદર કહાની બેસ્ટ ઓફ લક કલગી બીટા અને લેખનન માધ્યમ થી અમારા સુધી વાત પહોંચાડનાર ઈશ્વરભાઈ ને સો સલામ

    ReplyDelete
  2. સલામ....સલામ..સલામ....આ દેશની દીકરીને લાખો સલામ.
    પોતાની જિંદગીના રંગોથી જેણે દીકરીની દુનિયા રંગીન બનાવી એવી જનનીને વંદન....
    દીકરી એટલે બાપની દુનિયાનું અલાયદું અજવાળું. ટીકેન્દ્રભાઈને વંદન.

    કલમના કસબી ઈશ્વરભાઈ,આપ મુઠ્ઠી ઊંચેરુ કામ કરી રહ્યા છો. આપની નિષ્ઠાને મારાં વંદન.

    ReplyDelete
  3. જોરદાર.. .ધારદાર

    ReplyDelete