Monday, July 29, 2019

આપણો જિલ્લો , આપણું વતન અરવલ્લી ભાગ : 26


અરવલ્લીની ઓળખ સમી અનોખી સેવાકીય સંસ્થા

 અન્નપૂર્ણા


                 અન્નપૂર્ણા એ અનેકવિધ ક્ષેત્રે ઉમદા સેવાઓ પ્રદાન કરી એક આગવી ઓળખ ઉભી કરી છે. અન્નપૂર્ણા હવે કેવળ સંસ્થાન નથી રહી અન્નપૂર્ણા આ પ્રદેશનું એક આંદોલન બની ગયું છે. વર્ષે દહાડે લાખો ગરીબ દર્દીઓ અન્નપૂર્ણાના અન્નનો અમી ઓડકાર ખાઈ આશિષ પાઠવે છે. નાનકડા વિચારબીજ માંથી વટવૃક્ષ બનેલી આ સંસ્થાના કાર્યનો પરિચય મેળવવા જેવો છે.
             શિક્ષણનગરી તરીકે સુવિખ્યાત બનેલું અરવલ્લી જિલ્લાનું મુખ્યમથક મોડાસા આરોગ્યધામ તરીકે પણ પ્રચલિત બન્યું છે. આ નગરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ વિખ્યાત સાર્વજનિક હોસ્પિટલ ઉપરાંત નાની-મોટી પચાસેક ખાનગી હોસ્પિટલો પણ છે. અને તેમાં ઉત્તરોઉત્તર ઉમેરો થતો રહે છે. 
             આ હોસ્પિટલોમાં મોડાસા પ્રદેશના પાસેના પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા જિલ્લાના તેમજ રાજસ્થાનના છેક અંતરિયાળ વિસ્તારના ગરીબ અસંખ્ય દર્દીઓ સારવાર માટે અહીં આવે છે. આજથી બરાબર સત્યાવીસ વર્ષ પહેલાં આવા દર્દીઓનાં લાભાર્થે રાહત દરનું ભોજનાલય શરુ કરવાનો એક વિચાર વહેતો થયો હતો. જશવંતભાઈ શાહ, રતિલાલ શાહ, નટુભાઈ જી. શાહ, હસમુખભાઈ કે. શાહ અને મોડાસા નગરના અન્ય સેવાભાવી વડીલોએ આવી ઉમદા સંસ્થા વિકસાવવાનું વિચારબીજ રોપ્યું. અને એ વિચાર બીજ એટલે કે આજે વટવૃક્ષ બનીને ફૂલીફાલેલી સંસ્થા અન્નપૂર્ણા. 
          સંસ્થાનું એ સદભાગ્ય હતું કે શરૂઆતના તબક્કામાં જ મુંબઈના શ્રી ચંદ્રવદનભાઈ શાહ અને મોડાસાના શ્રી મનુભાઇ શાહ ( લાટીવાળા )નો સહયોગ પ્રાપ્ત થયો. શ્રીમતી કપિલાબેન જે. બી. શાહ ટ્રસ્ટી આ પ્રવૃત્તિ માટે મોખાની જગ્યા કોઈપણ જાતની શરત વગર નિઃશુલ્ક આપી. વિકસતા જતા મોડાસા નગરની મધ્યમાં આવેલી કરોડોની મિલકતનું આ વિશાળ બિલ્ડીંગ ઉમદા સેવા માટે દાતા શ્રીઓએ સમર્પિત કરી દીધું. પ્રારંભિક તબક્કામાંથી મોડાસા નાગરિક સહકારી બેંકનો પણ સંસ્થાને ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો. માત્ર 2 રૂપિયાની ટોકન લઈ દૂર સુદૂર થી સારવાર માટે આવતા દર્દીઓને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ટિફિન આપવાનું નક્કી કર્યું. 
           શરૂઆતમાં તો એમ લાગતું હતું કે આ ગંજાવર કામ આજના મોંઘવારીના સમયમાં કરી શકાશે કે નહીં?? માત્ર બે રૂપિયામાં એક ટંકનું ભોજન આપી શકાશે કે કેમ? સદ્કાર્યના આ સેવાયજ્ઞમાં દાતાઓનું અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો. દાનની સરવાણી વહી. 1 એપ્રિલ 1993ના રામનવમીના પવિત્ર દિવસથી અન્નપૂર્ણા સેવાયજ્ઞનાના શ્રી ગણેશ થયા. 
          શરૂઆતમાં માત્ર બપોરના ટંકનું ભોજન અપાતું હતું. પરંતુ દાનનો પ્રવાહ અવિરત રીતે વહેતા 1995થી રામનવમીથી સાંજનું રસોડું પણ શરૂ કરવામાં આવ્યું. મોડાસા થી તેમજ મોડાસા પ્રદેશના દેશ-દેશાવરમાં વસતા લોકો તરફથી અન્નપૂર્ણાને અભૂતપૂર્વ આવકાર મળ્યો. મોડાસાથી જેમની ખાસ સંબંધ નથી તેવા લોકો પણ આ સેવાયજ્ઞમાં પોતાનો ફાળો નોંધાવતા રહ્યા છે. સામાન્ય વર્ગ પણ સેવાયજ્ઞમાં આહુતિ આપવામાં પાછો નથી રહ્યો. જોતજોતામાં 26 વર્ષની મજલ કાપી આ સંસ્થા 27 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. હાલમાં સવાર તેમજ થઈને 500 ની આસપાસની સંખ્યામાં અલ્પ સાધન ધરાવતા દર્દીઓ અને તેઓના સગાસંબંધીઓ અન્નપૂર્ણા ટિફિન સેવાનો લાભ લે છે. વર્ષે દહાડે આ સંસ્થા દ્વારા દોઢથી બે લાખ ટિફિનનું વિતરણ કરવામાં આવે છે. 
               અસહ્ય મોંઘવારીના જમાનામાં માત્ર બે રૂપિયા જેવી મામૂલી રકમમાં અન્નપૂર્ણા દ્વારા ભોજન અપાય છે. ભોજનની ગુણવત્તા પર આયોજક કમિટી સંપૂર્ણ દેખરેખ રાખે છે. દર્દીઓને પૌષ્ટિક ટિફિન મળે તેની પૂરેપૂરી કાળજી લેવાય છે. 
        પહેલા દર્દીઓની સેવાઓમાં રોકાયેલી વ્યક્તિઓને દૂરદૂરથી હોસ્પિટલોમાંથી માલપુર રોડ પરની અન્નપૂર્ણા સંસ્થામાં દરરોજ સવાર સાંજ ટિફિન લેવા આવવું પડતું હતું. ઉનાળાનો ધમધોખતો તાપ હોય કે પછી ચોમાસામાં વરસાદની ઝડી વરસતી હોય ત્યારે દર્દીના સગાને સંસ્થા માં ટિફિન લેવા આવવાની ખૂબ તકલીફ પડતી. લાભાર્થીઓની આ તકલીફને ધ્યાનમાં લઈને મોડાસા નગરના જુદા જુદા વિસ્તારોમાં ટિફિન વિતરણ માટે પાંચ સબસેન્ટર ખોલવામાં આવ્યાં છે. રીક્ષાઓ તો હાથવગી હતી જ. રિક્ષા દ્વારા નિશ્ચિત સ્થળે અને સમયે ભોજન લાભાર્થીઓને પહોંચે તેવી વ્યવસ્થા 2017 - 18 થી કરવામાં આવી છે. મોડાસા નગરમાં સૌથી જૂની હોસ્પિટલ સાર્વજનિક હોસ્પિટલ એટલે પહેલું સેન્ટર ત્યાં જ કર્યું. બીજું સેન્ટર કૃષ્ણ હોસ્પિટલ મેઘરજ રોડ ઉપર કર્યું. ત્રીજુ સેન્ટર શામળાજી રોડ પર ડીપમાં કર્યું અને ચોથું સેન્ટર એસટી સ્ટેન્ડ પાસે ડોક્ટર હાઉસની ગલીમાં કરવામાં આવ્યું છે. પાંચમો સેન્ટર સંજીવની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં મોડાસાના ડોક્ટરો અને નગરજનોએ સાથ આપ્યો. આ સુવિધાને લીધે લાભાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ. પહેલા સવાર-સાંજ થઇને અઢીસોથી ફોન થતા હતા. હવે સવાર સાંજ થઈને રોજના 400 થી 500 ટિફિન જાય છે. પ્રભુકૃપા અને દર્દીઓના અંતરની આશિષ કેવી કાયાપલટ કરે છે તેનું આનાથી વધારે ઉત્કૃષ્ટ ઉદાહરણ કયું હોઈ શકે!!
             અન્નપૂર્ણા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા બારમાસી મિનરલ વોટરની પરબની સુવિધા શરૂ કરી છે. મોડાસા નગરના વૃદ્ધ સહાય અપંગ વ્યક્તિઓને પણ અન્નપૂર્ણા નો લાભ આપવામાં આવે છે. જરૂરિયાત મંદ લોકો ની આતરડી અન્નપૂર્ણા દ્વારા ઠરે છે. તેનો યશ માનવતાના આ મહાન કાર્યમાં સહયોગ આપતાં દિલદાર દાતાઓના ફાળે જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભોજનનું દાન દેવું એ સેવા જ માત્ર નથી પરંતુ વૈદિક કાળથી ચાલી આવતી આપની ભવ્ય પરંપરા છે. અન્નદાનથી મૂલ્યવાન એવી કોઈ ઉદાર ભેટ આ જગતમાં નથી. 
            અન્નપૂર્ણાના દિલદાર દાતાઓના સહયોગથી અન્નપૂર્ણા એ રોટી મેકિંગ મશીન વસાવ્યું છે હમ સીનથી કલાકમાં 700 થી 800 ગરમાગરમ રોટલી તૈયાર થઈ શકે છે. સવાર-સાંજ આ ટિફિનની રસોઈ બનતી હોવા છતાં અન્નપૂર્ણાના રસોડાની જગ્યાની ચોખ્ખાઈ, એની સુઘડતા ઉડીને આંખે વળગે તેવી છે. 
              અન્નપૂર્ણા ટ્રસ્ટની સાથે સાથે અહીં ડોક્ટર નાથાલાલ જે. શાહ સાધન સુવિધા કેન્દ્ર પણ કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા ઘેર બેઠા સારવાર લેતા હોય તેવા દર્દીઓની જરૂરી સાધનો લઈને પૂરા પાડવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા વોકરથી માંડી વિલચેર સુધીના નાના-મોટા સાધનો અપાય છે. 
              શ્રીમતી નિર્મલા બહેન ઓચ્છવભાઈ ગાંધી નિર્મલ છાસ કેન્દ્ર દ્વારા દર વર્ષે એપ્રિલ મે અને જૂન એમ ત્રણ મહિના છાસ નું વિતરણ કરવામાં આવે છે. જેમાં સબરડેરી નો પણ સહયોગ પ્રાપ્ત થયો. રસ્તે જતા રાહદારીઓ માત્ર એક રૂપિયો ટોકન લઈને સાબરડેરીની મસાલેદાર છાશ આપવામાં આવે છે. 
               તુલસીદાસ પી. શાહ વિઝન સેન્ટર
           શ્રીમતી કપિલાબેન જે બી શાહ શિશુ મહિલા કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ મોડાસા સંચાલિત દ્રષ્ટિ કેન્દ્ર દ્વારા શરીરના રતન રૂપ આંખની સારવાર માટેનું બંધ 2014-15 વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે.   દર બુધવારે સવારે 8:30  થી 100 જેટલાં દર્દીઓને તપાસવામાં આવે છે.  આ કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાતમંદોને રાહત દરે ચશ્મા અને દવાઓ પણ અપાય છે.  અમદાવાદના સમતા ટ્રસ્ટ અને અંધજન મંડળનું ખુબ સુંદર સહયોગ આ કાર્યને સાંપડ્યો છે. આ ઉપરાંત ગાબટના વતની અને હાલ અમેરિકા સ્થિત રમેશભાઈ શાહ, રસિકભાઈ શાહ, આર.પી. શાહ, અમદાવાદના જીતુભાઈ શાહ, વિજયભાઈ શાહનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહે છે. 
                વૃદ્ધ ,વડીલ નિવૃત્ત સજ્જન અને સન્નારીઓ પોતાનું નિરાંતનો સમય સમય સાથે ગાળી શકે અને પોતાના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને સંવર્ધન કરી શકે તેવા ઉદ્દેશથી અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા મોડાસા નાગરિક સહકારી બેંક કો-ઓપરેટીવના સહયોગથી દાદા દાદીનો વિસામો અહીં શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થી પ્રસન્ન થઈ મોડાસા નગરની દાદા દાદીની વાડીને મોડાસા નાગરિક બેંકેે કુલ ત્રણ લાખ રૂપિયાની ઉદાર સખાવત આપી છે. તેથી ધી મોડાસા નાગરિક સહકારી બેન્ક લી દાદા-દાદીનો વિસામો એ રીતે તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. 
             દાદા દાદીનો વિસામો દરરોજ સાંજના 4 થી 7 ખુલ્લો રહે છે. સાંજના સમયે વરીષ્ઠ નાગરિકો અહીં આવે છે . અખબારો અને પુસ્તકોનું વાંચન કરે છે. જુદી જુદી ઇન્ડોર ગેમ રમે છે. બૌધ્ધિક ચર્ચાઓ કરે છે. અહીં એક સુંદર પુસ્તકાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં તમામ પ્રતિષ્ઠિત સામયિકો અને અખબારો નિયમિત આવે છે. વરિષ્ઠ નાગરિકો આરામ દાયક રીતે વાંચી શકે એવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેમની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. સાંજ પડે અહીં વડીલોનો મેળાવડો જામે છે. અહીં આવીને વડીલોના ચહેરા પરનું સ્મિત જુઓ તો સમજાય કે જીવન સંધ્યા પણ મેઘધનુષી રંગો જેવી રંગીન હોય છે. દાદા દાદીના વિસામામાં આવતા વડીલો માટે રોજ અલગ અલગ ગરમા ગરમ ચા નાસ્તાની પણ વ્યવસ્થા છે. દાદા-દાદીના વિસામા નિભાવ સહયોગ તરીકે હાલમાં દર મહિને માત્ર 200 રૂપિયા લેવામાં આવે છે. 58 વર્ષ કે તેથી વધારે વર્ષની વ્યક્તિ આ પ્રોજેક્ટના લાભાર્થી બની શકે છે.
                  અન્નપૂર્ણા સંસ્થાના કર્તાહર્તા ટ્રસ્ટી મંડળનો હેતુ ઉમદા અને નિઃસ્વાર્થ છે. પારદર્શક વહીવટ થકી સમાજના સામાન્ય માનવીથી લઈ શ્રેષ્ઠીઓનો વિશ્વાસ સંપાદન કર્યો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતી નાનામાં નાનો માણસ પોતાની બચતની રકમ અન્નપૂર્ણાના સેવાયજ્ઞમાં આપી પ્રસન્નતા અનુભવે છે. અન્નપૂર્ણા દિવસે ને દિવસે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને સાંકળી સેવાની સૌરભ સમગ્ર પંથકમાં પ્રસરાવી છે. મોડાસાની મુલાકાતે આવતા પ્રવાસીઓએ આ સંસ્થાની મુલાકાત અચૂક લેવી જોઈએ.

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, July 25, 2019

સન્ડે સ્પેશિયલ


અરવલ્લી- અમેરીકા એક સાથે ગૌરવ લઈ શકે એવું એક નામ રમેશભાઈ શાહ 



         ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમેરિકા યાત્રા અવિસ્મરણીય બની રહી. અમેરિકાના રાજનેતાઓ અને પ્રજાજનોએ મોદી સાહેબનું જે સ્વાગત અને સન્માન કર્યું એ જોઈ આખું વિશ્વ દંગ રહી ગયું.  એક ભારતીય હોવાના નાતે ગૌરવ અને આનંદ અનુભવાય એ સ્વાભાવિક છે. મોદી સાહેબ જ્યારે પણ  અમેરિકા મુલાકાત લેતા હોય છે એ દરમિયાન અમેરિકામાં મોદી સાહેબના તમામ કાર્યક્રમોમાં  અરવલ્લીની એક વિરલ વ્યક્તિ ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. બહુ ઓછા લોકો એ વિરલ વ્યતીના વ્યક્તિત્વથી પરિચિત હશે. 
          તેમનું નામ છે  રમેશભાઈ શાહ. તેઓ  અરવલ્લીની માટીનું અનમોલ રતન છે. 
વિશ્વ કક્ષાએ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આ વિરલ વ્યક્તિના નામથી અરવલ્લી અને ઉત્તર ગુજરાતના ખૂબ ઓછા લોકોને પરિચય હશે. કારણ તેઓ પદ, પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાથી હંમેશા દૂર રહ્યા છે. અહીંના લોકો રમેશભાઈ શાહના નામથી પરિચયમાં ત્યારે આવ્યા જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામાની સલાહકાર સમિતિમાં તેઓની હોનહાર દીકરી સોનલ શાહની નિમણુંક થઈ. અરવલ્લીના અંતરિયાળ ગામડાના એક પરિવારની દીકરીએ પોતાની કાબેલિયત થકી સમસ્ત ભારતને ગૌરવ અપાવ્યું છે. સોનલ શાહે અરવલ્લીના ખોબા જેવડા ગામને દેશ દુનિયાના નકશા પર ચમકાવ્યું.
           છેલ્લા સાડા ચાર દાયકા પહેલાં અમેરિકામાં સ્થાયી થયેલા રમેશભાઈ અનન્ય વતન પ્રેમ ધરાવે છે. વતનથી જોજનો દૂર હોવા છતાં માતૃભૂમિની માવજત માટે સસત ચિંતત રહે છે, સતત પ્રયત્નશીલ રહે છે. વિશ્વના અનેક વિધ દેશોમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી તેઓ સંકળાયેલા છે. અરવલ્લી જિલ્લાના છેક છેવાડે આવેલ ગાબટ તેઓનું મૂળ વતન. અમેરિકા ના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ઓબામાની સલાહકાર સમિતિમાં જ્યારે સોનલ શાહ પસંદગી પામી ત્યારે આ ગામમાં પણ ફટાકડા ફૂટ્યા હતા અને મીઠાઈ વહેંચાઈ હતી. 
               આજે ભારત , અમેરિકા અને અન્ય અનેક દેશોમાં જેઓનું નામ ખૂબ આદર સાથે લેવાય છે એ રમેશભાઈ શાહનું બાળપણ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આ ગાબટ ગામની ગલીઓમાં વીત્યું છે. પિતાનું નામ પૂનમચંદ અને માતાનું નામ માણેક બા. પિતાજી ગાબટમાં કરિયાણાની અને ફટાકડાની દુકાન ચલાવે. એ જમાનામાં આ આખા વિસ્તારમાં શિવ કાશીનું દારૂખાનું અહીંથી જતું. રમેશભાઈનું પ્રાથમિક શિક્ષણ ગાબટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં લીધું. S.S.C કપડવંજથી કર્યું. અને વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં એન્જિનિયર થઈ ને સુરત બરોડા રેયોનમાં નોકરી.આ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારોથી તેઓ પ્રભાવિત થયા. બહોળા વાંચન થકી સ્વામી વિવેકાનંદના વિચારોની ખૂબ ઊંડી છાપ તેઓના વ્યક્તિત્વ પર પડી. ઉચ્ચ અભ્યાસ માટે રમેશભાઈ શાહ 1970 માં યુ.એસ. ગયા અને ત્યાં સ્થાઈ થયા. રમેશભાઈ શાહ વિશ્વભરના દેશમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં અને ભારતીય સમુદાયના કલ્યાણ માટે છેલ્લા 40 વર્ષથી કામ કરે છે. 
            બસપ્ટેમ્બર 2014 માં ભવ્ય મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાયેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક પ્રવચન કોણ ભૂલી શકે?? આ કાર્યક્રમ ને લઈને વિશ્વભરમાં એક ઉન્માદ હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ઐતિહાસિક ભવ્ય કાર્યક્રમના સફળ આયોજન પાછળ રમેશભાઈ શાહનો હાથ હતો. 
                    1978 માં હ્યુસ્ટનના ગુજરાતી સમાજની સ્થાપના કરી. 
તેમણે યુ.એસ. અને ભારતમાં લગભગ રાજકીય ઝુંબેશો માટે આગેવાની લીધી. ઇમિગ્રેશન સંદર્ભે પડતી મુશ્કેલીઓ માટે 2010 માં શાહે ભારતના વિદેશ મંત્રાલયને એક અરજી કરી હતી. અને અન્યાયીતાના વિરોધમાં મૌન અને ભૂખ હડતાલ થકી સત્યાગ્રહની આગેવાની લીધી હતી. અને અમેરિકામાં વસતા હજારો ભારતીયોને ન્યાય અપાવ્યો. આજે પણ અમેરિકા અભ્યાસ માટે જતા ભારતીય યુવાનો અને બીજા નાગરિકોને કોઈ પણ મુશ્કેલી ઉભી થાય તો તેઓ રમેશભાઈ શાહનો સંપર્ક કરે છે. રમેશભાઈ તેઓની બનતી તમામ મદદ પહોંચાડે છે. અમેરિકા અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની રહેવા જમવાની અન્ય કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં તમામ વ્યવસ્થા તેઓ પુરી પાડે છે. 
        ભારતમાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ પ્રદાન કરવાના હેતુથી રમેશભાઈ શાહે 'એકલ વિદ્યાલય' ની સ્થાપના કરી. એકલ વિદ્યાલય એ ગ્રામીણ અને આદિવાસી ભારત અને નેપાળના વિકાસમાં સંકળાયેલી એક મૂવમેન્ટ છે. આ ચળવળમાં હાથ ધરવામાં આવેલી મુખ્ય પ્રવૃત્તિ એ દરેક બાળકને શિક્ષણ લેવા માટે દૂરના ગ્રામીણ અને આદિવાસી ગામોમાં, સમગ્ર ભારતમાં એક શિક્ષક શાળા (એકલ વિદ્યાલય તરીકે ઓળખાય છે) ચલાવવાનું છે. 
         હાલમાં, એકલ વિદ્યાલય એક એવી ચળવળ છે  જેમાં 83,289 શિક્ષકો, 6,000 સ્વૈચ્છિક કામદારો, 35 ક્ષેત્ર સંગઠન (સમગ્ર 22 ભારતીય રાજ્યો), અને 8 સહાય એજન્સીઓ. તે 83,289 થી વધુ શાળાઓમાં કાર્યરત છે અને 2 મિલિયનથી વધુ બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરે છે . ન્યૂનતમ સ્તરના લર્નિંગના રાષ્ટ્રીય ધોરણોને પ્રાપ્ત કરવાના લક્ષ્ય ઉપરાંત, એકલ વિદ્યાલય કાર્યકારી શિક્ષણ, હેલ્થકેર એજ્યુકેશન, વિકાસ શિક્ષણ, સશક્તિકરણ શિક્ષણ અને નીતિશાસ્ત્ર અને મૂલ્ય શિક્ષણ દ્વારા ગ્રામ્ય સમુદાયને પોતાના સ્વ વિકાસ માટે સશક્ત બનાવવા માંગે છે. 
         તેઓ હવે એકલ વિદ્યાલયના વૈશ્વિક સંકલનકર્તા છે, જ્યાં તેઓ વિશ્વભરમાં ડેનમાર્કથી ન્યુ ઝિલેન્ડ સુધી એકલના મિશનનો પ્રચાર પ્રસાર કરે છે. તેઓ અને તેમની પત્ની કોકિલા બેન દર વર્ષે ભારતના એકલ વિદ્યાલય શાળાઓમાં 3-4 મહિના પસાર કરે છે. રમેશભાઈ શાહ દૂરના આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ લાવવા માટે ભારત, યુરોપ અને અમેરિકા એમ અનેક દેશોના પ્રવાસ કરે છે.
             તેઓની આ અમૂલ્ય સેવાઓ બદલ જાન્યુઆરી 2017 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા "પ્રવાસી ભારતીય" ના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. ભારત અને વિદેશમાં સેવાકીય સિદ્ધિઓ માટે ભારત સરકાર દ્વારા વિદેશી ભારતીયોને અપાતું આ ઉચ્ચ સન્માન છે. 
           તેઓનાં પત્ની કોકિલા બહેન રમેશ ભાઈના સેવા કાર્યના સાહસોમાં સેંકડો લોકોની સંભાળ રાખવા માટે તેનું હૃદય અને ઘર ખોલ્યું છે.  સેવા તેમના પરિવારનો ભાગ છે. તેમણે તેમના બાળકો અને ઘણા યુવાન લોકોને નિઃસ્વાર્થ રીતે સેવા આપવા પ્રેરણા આપી છે.

            રમેશભાઈની પ્રેરણા થકી અરવલ્લીના અંતરિયાળ ગામડાઓમાં પણ અનેક સેવા કાર્યોની સૌરભ પ્રસરી છે. સાબરકાંઠા અરવલ્લીના છેવાડાના ગામ સુધી આઈ કેમ્પ કરીને હજારો વ્યક્તિને મોતિયાનાં વિના મૂલ્યે ઓપરેશન કરવાની સેવા પ્રવૃત્તિ 2011 થી કાર્ય ચાલુ જ છે. હજારો ગરીબ લોકો ને આ ઓપરેશન થકી નવી દૃષ્ટિ મળી છે. આજે અરવલ્લીના મોટા ભાગ ના વિસ્તારમાં સંપૂર્ણ મોતિયા મુકત થયેલ છે. કાયમી વ્યવસ્થા ના ભાગ રૂપે વાત્રક, મોડાસા ,ભિલોડા દર અઠવાડિયે સેવા યજ્ઞ થાય છે.
વાત્રક સાર્વજનિક હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે સુખનું સરનાનું છે. ત્યાં સારવાર લેતા દર્દીઓ અને દર્દીની સેવા માટે સાથે રહેતા સ્વજનો માટે બે ટાઈમ જમવાનું ફકત 5 રૂપિયા માં છેલ્લાં 4 વર્ષથી નિયમિત આપવામાં આવે છે. ટિફિ
     રમેશભાઈના પરિવારે પોતાનું સમસ્ત જીવન અંતરિયાળ વિસ્તારમાં  પછાત જાતિઓના વિકાસ માટે ખર્ચી નાખ્યું છે.  અમેરિકાની વૈભવી લાઈફ સ્ટાઇલ છોડી તેઓ 4- 6 મહિના ભારત આવી અંતરિયાળ ગામડાઓ ખૂંદી વળે છે. શક્ય એટલો બીજાને મદદરુપ થવા પ્રયત્નશીલ રહે છે.રમેશભાઈ શાહના કાર્યોથી પ્રેરણા લઈ વિજયભાઈ શાહ પોતે પણ અનેક વિધ સેવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. 
               રમેશભાઈ શાહ  માતૃભૂમિનું ઋણ અદા કરવા ગાબટ ગામના વિકાસમાં સતત તેઓનું માર્ગદર્શન અને સહયોગ સાંપડે છે. તેઓની પ્રેરણા થકી જ ગાબટ ગામ મા 12 વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઇ. પીવાના પાણીની નવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. 
         સમયની આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેઓ આજે પણ દર વર્ષે ગાબટ વતનની મુલાકાત અચૂક લઇ પ્રેરણારૂપ કાર્ય હાથ પર લઈને યુવાનોથી નવી વ્યવસ્થાની સ્થાપના કરે છે.
       .

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)






Sunday, July 21, 2019

આપણો જિલ્લો આપણું વતન : અરવલ્લી ભાગ- 25

અરવલ્લીનું અનુપમ અરણ્ય



           વન વિનાના વિશ્વની કલ્પના કરવી મુશ્કેલ છે. વૃક્ષો, વેલાઓ, વનરાઈઓ સાચા અર્થમાં સૃષ્ટિના શણગાર છે. ભારતમાં પર્યાવરણને આદીકાળથી માનવ જીવનના તાણાવાણા સાથે વણી લેવામાં આવેલ છે. પર્યાવરણના તત્વોને અતિપવિત્ર ગણીને ભારતમાં પૂજા કરવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર, નક્ષાત્રો, પૃથ્વી, પર્વતો, હવા, પાણી, અગ્નિ વગેરેને દેવ ગણીને પૂજા થાય છે. વૃક્ષો, નદીઓ, સમુદ્રોની પણ ભારતીય પરંપર મુજબ પૂજા કરવામાં આવે છે. ભારતની સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે વડલાની પૂજા કરે છે. પીપળામાં ભગવાનનો વાસ છે અને પિતૃઓનું તે માધ્યમ છે તેમ માનીને તેની પૂજા કરી પાણી અર્પણ કરવામાં આવે છે. તુલસીજીને ભગવાનની પત્ની માનીને દરેક આંગણામાં શોભા આપે તે માટે સૌ પ્રયાસો કરે છે. આમ, ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને ભોગવાદી ભૌતિક દ્રષ્ટિકોણથી નહી પણ આધ્યાત્મિક અભિગમથી નિહાળવામાં આવે છે. વૈજ્ઞાનિક ગણતરી મુજબ જોઈએ તો 50 વર્ષનું એક મોટું વૃક્ષ તેના જીવનકાળ દરમ્યાન આશરે 15.70 લાખ રૂપિયા જેટલો ફાયદો આપે છે.
અરવલ્લી જિલ્લો પણ કુદરતી સંપદાઓથી ભરપૂર છે. 
                   ભારતની કુલ જમીનનો 6% ભાગ ગુજરાત રાજય ધરાવે છે.
ગુજરાત રાજ્યના વન અહેવાલ (200 9) મુજબ, ગુજરાત પાસે તેના ભૌગોલિક ક્ષેત્રનો માત્ર 11.04% જંગલો તરીકે જાહેર કરાયો છે, જે રાષ્ટ્રીય સરેરાશથી ઘણો ઓછો છે.  ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર 196024 ચોરસ છે. કિ.મી. જેમાંથી, 18961.69 ચો. કિ.મી. (9.67%) જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવે છે. 
               ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લો વિવિધ કુદરતી વનસ્પતિઓ અને વન્ય પ્રાણી સમૃદ્ધ જેવિક વિવિધતા ધરાવે છે. અરવલ્લી જીલાના વન વિભાગ હેઠળ કુલ પાંચ ક્ષેત્રીય રેન્જો આવેલ છે. (1) મોડાસા (2) માલપુર (3) મેઘરજ (4) ભિલોડા (5) શામળાજી
અરવલ્લી વન વિભાગ મોડાસાનો કુલ જંગલ વિસ્તાર 58752.35 હેક્ટરમાં આવેલું છે. જેમાં આદિવાસી વિસ્તારના 58 ટકા અને બિન આદિવાસી વિસ્તારના 42 ટકાનો સમાવેશ થાય છે. વર્ષ 2015-16 માં પ્લાન્ટેશન માં રેન્જ વાર 100 ટકા સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ઓર્ગેનિક સર્ટિફિકેટ છત્તીસગઢ સોસાયટી (CGCERT) દ્વારા અરવલ્લી જિલ્લાની મંડળીઓને ઓર્ગેનિક પ્રોડક્ટ નું પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ છે. જેમાં 3 તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમકે મેઘરજ, માલપુર અને ભિલોડા ( કુંડોલપાલ) ખાતે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે.
                અરવલ્લી જિલ્લામાં મોટા ભાગે સૂકા અને પાનખર જંગલો આવેલા છે. અહીં આવેલ જંગલ વિસ્તારની જમીન ડુંગરાળ, પથ્થર વાળી, મધ્યમથી ભારે ઢોળાવવાળી, કાંકરાવાળી, લાલ વનોથી છવાયેલી છે. મોટાભાગનો વિસ્તાર મધ્યમ જાળીવાળો છે. મોટાભાગનો વિસ્તાર વૃક્ષોથી છવાયેલ છે . અરવલ્લીના જંગલ વિસ્તારમાં મોટેભાગે સાગ, ટીમરું, સીતાફળ, નીલગીરી, ખેર, કડો, દૂધી, મહુડાં, દેશીબાવળ, બોર, આવળ, ખીજડો, આમળાં, ખાખરા વગેરે વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે. પાંખા જંગલો હોવાને કારણે અહીં મોટા પશુઓ માટે અનુકૂળતા ન હોય અહીંના જંગલોમાં ફક્ત શિયાળ, નીલગાય, સસલા, જરખ, નાર વગેરે સામાન્ય નાના જંગલી પ્રાણીઓ જોવા મળે છે. 
                 અરવલ્લી જિલ્લાના હાલના જંગલ વિસ્તાર પાંખા થયેલા વનો અને પુરતા પ્રમાણમાં જંગલો ન હોવાથી આબોહવા સૂકી છે અને વિષમ છે. જેના ઉપાય રૂપે વિવિધ યોજનાઓ હેઠળ દર વર્ષે વન વિભાગ દ્વારા ખુલ્લી જમીન તથા પાંખા વન વાળી, કોતર વાળી જમીન ઉપર વનીકરણ કરી, વનની ગીચતા વધારવા, પર્યાવરણની સમતુલા જાળવવા અને જમીનનું ધોવાણ અટકાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે . જેને કારણે લોકોની રોજગારી અને આર્થિક ઉત્પાદન મળી રહે છે.
               ભૂતકાળમાં મોટાભાગના જંગલો જાગીરી જંગલો હતા. 1973 થી સરકાર હસ્તક ખાનગી જંગલ સંપાદન થતાં વન ખાતાએ સંભાળેલ છે. ભૂતકાળના જાગીરદારો એ જંગલોની ઉચ્ચક રકમ થી ઇજારદારને આપતા હતા. તેથી જાગીરદારો એ આ વિસ્તારમાં જંગલો સાફ કરીને ખુલ્લી ડુંગરાળ જમીનનું બનાવી દીધેલ વિસ્તાર વનવિભાગે સંભાળેલ છે. જેના લીધે મોટાભાગના કિંમતી જંગલોનો નાશ ઝડપથી થતાં અને વરસાદની અનિયમિતતાને કારણે જંગલો પાંખા થવા પામેલ છે.
          વનખાતાએ આ જંગલો સંભાળ્યા બાદ ગૌણ પેદાશની વિકાસ નિગમ ગુજરાત રાજ્ય મારફતે એકત્ર કરી નિકાલ કરવામાં આવી છે. જેના કારણે વનખાતાને આવક તથા સ્થાનિક લોકોને રોજગારી મળે છે. અહીંના જંગલોમાં થતા ટીમરૂના પાન, મહુડાનાં ફૂલ, મહુડાની ડાળી વગેરે અહીના લોકો એકત્ર કરે છે. તેનું મોટાભાગનો જથ્થો ગુજરાત રાજ્ય વન વિકાસ દ્વારા સહકારી ભાવથી ખરીદ કરવામાં આવે છે. જેથી મજૂરોનું ખાનગી વેપારીઓ દ્વારા થતું શોષણ અટકે છે. અને મજૂરોની વ્યાજબી ભાવ પણ મળે છે. આમ આ વિસ્તારમાં રહેતા લોકોને રોજીરોટી મળી રહે છે. અહીંના વિસ્તારોમાં જંગલની જમીનમાં ભેજ સંરક્ષણ તથા પાણી સંગ્રહના કામો કરવા ખૂબ જ જરૂરી છે તેમ જ આવશ્યક છે. તેથી વરસાદના વહેતા પાણીના યોગ્ય ઉપયોગ કરી વૃક્ષ ઉછેર કરવામાં મદદરૂપ થઈ શકે તેવી કાર્યવાહી જરૂરી છે. 
             અહીંના જંગલ વિસ્તારની બિનઅધિકૃત કટિંગ તથા સ્થાનિક લોકો મારફતે જંગલોમાં થતું નુકશાન અટકે એ અતિ આવશ્યક છે. અહીં વન સંરક્ષણની કામગીરી ખૂબ જ કઠિન બની રહી છે પરંતુ આવા જંગલોમાં ગેરકાયદેસર થતું નુકશાન અટકાવવા માટે સહભાગી વન વ્યવસ્થા હેઠળ બનાવેલ ગામોની વન મંડળીઓ મારફતે લોકોનો સાથ સહકાર મેળવી, ગામલોકો સાથે સુમેળ ભર્યું વાતાવરણ ઊભું કરી તથા ગામ આગેવાનોના સહકાર મેળવી સ્થાનિક સ્ટાફ મારફતે સમયસર આયોજન કરી વન વિસ્તાર વધારવામાં મદદ લેવાઈ રહી છે. 
              જગતભરના વન સંરક્ષણ માટે 21મી માર્ચનો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે.   વિશ્વના જંગલોની વાત કરીએ તો અમેરિકા ખંડની એમેઝોન નદી નીતાર પ્રદેશમાં ફેલાયેલું એમેઝોન જંગલ 70 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે. એ જંગલનો સૌથી મોટો ગાઢ વન વિસ્તાર છે. જોકે સૌથી મોટા જંગલો રશિયાની ઉત્તરે આવેલા જંગલો છે. સાહેબ 85 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે એટલે કે આખા ભારતના વિસ્તાર કરતા અઢી ઘણા વિસ્તારમાં માત્ર જંગલ છે. 
દર સેકન્ડ ફૂટબોલ મેદાન જેટલા વર્ષા જંગલો સાફ થઈ રહ્યા છે. જ્યાં બારેમાસ વરસાદ પડતો રહેતો હોય, વાતાવરણ ભેજવાળું હોય અને વાતાવરણ અત્યંત ભેજ વાળું હોય એવા જંગલો વરસાદ જંગલ તરીકે ઓળખાય છે. 
પૃથ્વીના 31 ટકા ભાગ પર વનો વિસ્તરેલા છે. એ વનો પૃથ્વીના કુલ વિસ્તાર ચાર અબજ હેક્ટર જેટલો થાય છે. જગતમાં 10 દેશો એવા છે જેની પાસે જંગલો જ નથી. તો સામે પક્ષે સાત દેશો એવા છે જેની પાસે જગતનો 60 ટકા વન વિસ્તાર છે. 
સૌથી વધુ જંગલો ધરાવતા 10 દેશોમાં પહેલો ક્રમ રશિયાનો આવે છે. જેની પાસે સાઇબિરીયાના જંગલો છે. એ પછી બ્રાઝિલ, કેનેડા, અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા એન્ગલો અને પેરું આવે છે. 
વનસ્પતિના બેફામ નાશને લીધે હવામાં રહેલા અંગારવાયુ (કાર્બન ડાયોકસાઈડ) નો વપરાશ ઘટવાથી વાતાવરણમાં તેનું પ્રમાણ વધતું જાય છે અને સાથે સાથે ઔદ્યોગીક પ્રદુષણને લીધે પણ વાતાવરણમાં ધૂમાડાનું પ્રમાણ વધે છે. જેને લીધે આપણે એમ કહી શકીયે છીએ કે, વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું અભેદ આવરણ છવાઈ જવાને લીધે સૂર્યના કિરણોનું પૃથ્વી ઉપર અસહય ઠંડુ વાતાવરણ ફેલાશે અને વિશ્વ હિમયુગમાં સપડાઈ જશે. 
અત્યાર સુધીમાં જંગલોનો બહુ મોટા પ્રમાણમાં નાશ કરવામાં આવ્યો છે. પરિણામે પ્રકૃતિ પર ખૂબ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કેટલીય જંગલી પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે. દિવસે ને દિવસે વાતાવરણમાં આવતો પલટો, અનિયમિત વરસાદ, અસહ્ય ગરમી, ઠંડી પર્યાવરણ ની અસંતુલાને પરિણામે છે. વનકાટાઇની આ પપ્રક્રિયાને રોકવામાં નહી આવે તો એક સમય એવો આવીને ઉભો રહેશે કે માનવ સ્વહિત પાછળ પૃથ્વી પર એક ઝાડને ઉભું નહી રહેવા દે અને ત્યાર બાદ જે પર્યાવણીય અસમતુલા પેદા થશે તે માનવજાતને ખતમ કરી નાખશે.

લેખન - સંકલન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, July 18, 2019

વ્યક્તિ વીશેષ : ડૉ. મોતીભાઈ પટેલ.


                   શિક્ષણ અને સાહિત્ય જગતનું પણીદાર મોતી :
                                     ડૉ. મોતીભાઈ પટેલ



                 ડૉ. મોતીભાઈ મ. પટેલ
              ગુજરાતના શિક્ષણ જગત અને સાહિત્ય જગતમાં ખૂબ આદર અને ગૌરવ સાથે લેવાતું આ નામ છે. આમ તો આઝાદી પહેલા દસ વર્ષ અગાઉ ઇડર સ્ટેટના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાના નાનકડા ઇસરી ગામમાં તેઓનો જન્મ. મોતીભાઈ પટેલ સાચા અર્થમાં ગુજરાતના શિક્ષણ અને સાહિત્ય જગતમાં એક અણમોલ મોતી છે. ગુજરાતના જાણીતા ચિંતક ગુણવંત શાહ કહે છે " મોતીભાઈ પાસે શિક્ષણની સુગંધ ધરાવતી અત્તર દાની છે." ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરી ફરી તેઓ સુગંધ વહેંચતા રહે છે. મોતીભાઈ પટેલ જે ગુજરાતના પ્રથમ હરોળના શિક્ષણ શાસ્ત્રી તરીકે પોખાયા છે. જેમના હાથ નીચે ઘણા સર્જકો અને ઉત્તમ આચાર્યો અને શિક્ષકો બન્યા હોય. ગુજરાત યુનિવર્સીટી અને ગુજરાત વિદ્યાપીઠમાં મહત્વના હોદ્દા પર રહી એના વિકાસમાં પોતાનું અનન્ય યોગદાન આપ્યું હોય.
જે આવનારી પેઢી માટે એક પ્રેરણા તીર્થ હોય છે. એક મિશાલ છે. 
              અરવલ્લી જિલ્લાનું અંતરિયાળ એવું ઇસરી એ તોઓનું વતન અને મોસાળ પણ ખરું. પિતાના ઘરની આર્થિક સ્થિતિ ઘણી નબળી પરંતુ મામાના ઘરે જાહોજલાલી. ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. ઘરના સૌની ઇચ્છા કે મોતીભાઈ વેપાર-ધંધામાં પલોટાય. નાની ઉંમરે ખેતી પણ કરી. પરંતુ કાચી ઉંમર હોવાથી વાત જામી નહીં. વેપાર માટે મૂક્યા પણ તેમાંય ઠરીઠામ ન થયા. લોટ પીસવાની ચક્કીમાં પણ મૂકી જોયા પણ ત્યારે મોતીભાઈ ન ટક્યા. આખરે મામાના ઘરના નળીયા ચાળતા મામાની ટકોર હૃદયમાં લાગી ગઈ. નળિયા ચારતા હતા ત્યારે મામાએ ભાણેજની લાઈન દોરી આપી કહ્યું 'જોજે ભાણા, તારી લાઇન સીધી રાખજે. લાઈન આડી થઈ તો દુઃખી થઈ જઈશ . કુટુંબના એક વિસુ માણસને ખવડાવવામાં ખેતર નાનું પડે છે અને અનાજ દળવાની ઘંટી એ બેસી રહીશને તો લોટ ફકતો રહીશ.' અને ભાણેજી મામાની વાત ગાંઠે જ નહીં હૈયે પણ બાંધી. 
          દસ રૂપિયા ખિસ્સામાં લઈ  14 વર્ષની ઉંમરે    ઘર છોડી દીધું. શામળાજી તરફ ચાલતી પકડી. હિંમતનગરની હિમ્મત હાઇસ્કુલ સુઈ રહ્યા. દુકાનમાં કામે લાગ્યા. લેવડ-દેવડ, નાની-મોટી મહેનત-મજૂરી કરી . દુકાનના માલિકની પત્ની બપોરે જમવા આપ્યું પણ જુદો બેસાડીને! પિત્તો ગયો ને મોતીલાલ પહોંચ્યા કડિયાદરા. કાકા કડિયાદરાની પ્રાથમિક શાળાના આચાર્ય ત્યાં રહે થોડા દાડા થયા ત્યાં ઘરે થી ટપાલ આવી કે મોતી ભાગી ગયો છે. કડીયાદરામાં પડોશીની દરજીની દુકાને હજુ ગાજબટનની તાલીમ લેતા મોતી પાસે જઈને કાકાએ પીઠ થાબળી. પોતે માસ્તર ખરાને! પાસેના કંટાળું ગામે એક માસ્તરની અવેજીમાં ત્રણ મહિના માટે મોતીભાઈ ને ગોઠવી દીધા. શામળાજીની આદિવાસી સેવા સમિતિ ના સંચાલક નરસિંહભાઈ ભાવસારની પારખુ નજર એ આ પાણીદાર મોતી ચડ્યું અને જાને શિક્ષણનો જીવનભરનો પરવાનો મળી ગયો.
            શામળાજી આશ્રમમાં શિક્ષક થવા ગયા ત્યારે કાનમાં લવિંગિયા અને કેડીયુ પહેરેલા દાખલ થયેલા. છોકરાં માસ્તર કરતા મોટા. ડુંગરા ઉપર ઝૂંપડીની ઝૂંપડીમાં નિશાળ ડુંગરે ડુંગરે ચડી ઉતરી ને નિશાળીયાં ભેગાં કરવાનાં. પાંચને શીખવીને બીજા પાંચ શોધવા જાય ત્યાં પેલા પાંચ ભાગી છૂટે ગામે સીધું આપ્યું ને વિદ્યાર્થીઓએ રોટલા કરતા શીખવું ઇન્સ્પેકશન આવ્યું નિરીક્ષક તો કામથી એવા રાજી થયા કે મોતીભાઈની રાજસ્થાનની સરહદે વાઘપુર બદલ્યા. મોતીભાઈને કાયમી કરવા માટે સંચાલક મંડળે એમની મોકલ્યા નવશિક્ષક તાલીમ કેન્દ્ર બોચાસણ. ત્યાં મળ્યા વિરલ શિક્ષકો શ્રી શીવાભાઇ ગોર અને શ્રી રવિશંકર મહારાજ મોતીબાઈ ખડખડાટ હાસ્ય કરતાં આજે કબૂલે છે કે શિક્ષક તો હતો જ પણ જોડાક્ષર હું બોચાસણમાં માસ્તર થયાના બે વર્ષે શીખ્યો. ઉંમરમાં નાના પણ હોશિયારીમાં મોટા. પછીના બે વર્ષ સ્વરાજ આશ્રમ વેડછીમાં પીટીસી કરી. અહીં હર્ષકાન્ત વોરા, ચીમનભાઈ ભટ્ટ અને જુગતરામ દવે મોતીભાઈ પટેલ ની જિંદગીને અદભુત વળાંક આપ્યો. અહીં વાંચન નો ચસ્કો લાગ્યો. 
             ગુજરાતના બધા અધ્યાપન મંદિરોમાં સર્વ પ્રથમ નંબર મેળવનાર મોતીભાઈની પછી તો બધી જ પરીક્ષાઓમાં પહેલા આવવાની ટેવ પડી ગઈ. શામળાજીની શાળાના આચાર્ય મોતીભાઈ એ ઘેર બેઠા અભ્યાસ કરીને એસએસસી પાસ કર્યું. એ વખતે મોતીભાઈ શિક્ષક હતા. શાળાના હતા પરણેલા હતા અને બે સંતાનોના પિતા પણ હતા. પણ સ્નાતક ન હોવાના કારણે પગાર સવાસોના બદલે 80 નક્કી થયો. એટલે મોતીભાઈએ નોકરી છોડી સ્નાતક થવા ગુજરાત વિદ્યાપીઠ ગયા. સ્વયંપાકી રસોડામાં જોડાયા એટલે ખર્ચ આવે 15 રૂપિયા. બીજા રસોડા કરતા પંદર રૂપિયા ઓછા. અહીં છાપાં વહેંચી, લહિયાગીરી કરીને ખર્ચ કાઢે. 
           એમણે 1962 માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ સ્નાતકની પદવી મેળવી. બીજા જ વર્ષે રાજપીપળા જઈ ગુજરાતમાં પ્રથમ ક્રમે વિશેષ યોગ્યતા સાથે જી.બી.ટી.સી કર્યું. તરત જ અમદાવાદની સી.એન.વિદ્યાલય માં પહેલા પીટીસી કોલેજમાં અને પછી જી.બી.ટી.સી માં અધ્યાપક થયા. ત્યાં ભણાવતા ભણાવતા જ એમ.એડ કર્યું. અહીં મોતીભાઈ ને જયેન્દ્ર દવે નારાયણભાઈ પટેલ જેવા મિત્રો મળ્યા. ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી મોતીભાઈએ જીવનનું એક વિરલ સ્વપ્ન સાકાર કરવા પ્રયાસ કર્યો.પોતાના વતનની ધરતી નજીક આદર્શ વનવાસી વિદ્યાવિહાર ડોડીસરાની સ્થાપના કરી. કવિ ઉમાશંકર જોશી અહીં આવવાના હતા અને વરસાદ વરસે ધોધમાર મોતીભાઈ અને વાલીઓએ કવિને ખભા પર ઉચકી શાળા સુધી હરખભેર લઈ ગયા. આજે પણ મોતીભાઈના ખભા કોઈને કોઈ સાહિત્યકારને ઉચકે છે. એ વહાલથી ખંભાતથી બી.એડ કોલેજના પ્રાચાર્ય આકૃવાલાએ દ્વારિકાની વિદ્યાપીઠ કોલેજની શિક્ષણ વિદ્યાશાખા સંભાળવા મોતીભાઈને મોકલ્યા ચિઠ્ઠીમાં લખ્યું અહીં મને ખોટ પડશે પણ તમારી સંસ્થાની પ્રગતિ માટે મોતીભાઈની ભલામણ કરું છું. પણ એ સાધુ છે અને સાધુ તો ચલતા ભલા એ ન્યાયે એ કેટલું ટકશે એ તમે જાણો.
          મોતીભાઈએ દ્વારકાને જાણે માથે લીધું. તીનબત્તી ચોકમાં બુધવારીયું જમાવ્યું. કોઈ બંધારણ નહીં. કોઇ હોદ્દેદાર નહીં. પણ પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલે. પરિસંવાદ, કાર્યશિબિરો, ગોષ્ઠિઓ, પ્રવચનો, સંગીતની બેઠકો એમ કહોને કે ગુજરાતના સાહિત્યકારો શિક્ષણવિદો દ્વારકામાં માથું ટેકવી ગયા. તેઓ અહીં 15 વર્ષ રહ્યા એમાં ગુજરાતના ગુણવંતી ટહુકા સમા ગુણવંત શાહ પંદર વખત સુરતથી દ્વારકા આવ્યા. જામનગર જિલ્લાની શિક્ષણ સમિતિના સભ્ય આખા જિલ્લામાં પુસ્તકાલયો સમૃદ્ધ બનાવ્યા. ચારેબાજુ વિદ્યાર્થીનું વાતાવરણ સર્જ્યું. ત્યારથી 'પારેવડું'  ત્રિમાસિક શરૂ કર્યું. તે આજે "શમણું"ના નામથી ગુજરાત ભરમાં છવાયેલું છે. 
        છેલ્લો સ્પેલ જબરુ પ્રદાન કરનારો બન્યો. સુરેન્દ્રનગરના નાગજીભાઈ અને શાંતાતાઈના માનવ મંદિરમાં મૈત્રી વિદ્યાપીઠ બી.એડ કોલેજનો પાયો નાખ્યો મોતીભાઈએ. ગુજરાતમાં એક આદર્શ બેનમૂન બી.એડ કોલેજનું સ્વપ્ન સાકાર કર્યું. મોતીભાઈ અહીં પ્રથમ આચાર્ય તરીકે of કેમ્પસ અને શૈક્ષણિક પ્રવાસોઓની શૈક્ષણિક સાચી સંકલ્પના રોચી આપી. મોતીભાઈ જ્યારે સુરેન્દ્રનગર બી.એડ. કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા ત્યારે એમની અંદર બેઠેલો આચાર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. નાગજીભાઈએ લખ્યુ : "ચાંદીના રણકાર જેવો કાનને ગમે એવો અવાજ એ યુવાનનો. મૈત્રીની મહોબ્બતથી ભીંજાઈ જાય અને બીજાની ભીંજવી ન નાખે તો એ મોતીભાઈ શના!!
           મોતીભાઈ પટેલના લેખો સંદેશની એમની કોલમમાં સમકાલીન શિક્ષણ જગતની દશા અને દિશા સંદર્ભે વર્ષો સુધી લખાયેલા. ગુજરાતના શિક્ષણ અને સહિત જગતની અનેક પુસ્તકો તેઓએ ભેટ ધર્યા છે. 'આજીવન શિક્ષણના ભેખધારી રૂપે' શ્રી નટુભાઈ ઠક્કર એવોર્ડ જેવાં અનેક પ્રતિષ્ઠિત સન્માન નથી તેઓને સન્માનવામાં પણ આવ્યા છે. 
               આમ, વૃંદાવન નિવાસી છતાં જાણી પરિવ્રાજક હોય એમ આખું ભારત મોતીભાઈ ખૂંદી વળ્યા છે. તદ્ઉપરાંત થાઇલેન્ડ, હોંગકોંગ, સિંગાપુર પ્રવાસ તેમજ વિશ્વ શાંતિ પરિષદ નિમિત્તે સભી રૂપે જાપાનની યાત્રા ખેડી છે.
             છેલાં 20 વર્ષથી તેઓ નિવૃત્ત છે. નિવૃત્તિ પછી મોતીભાઈ અધિક શોભાયમાન બની રહ્યા. અઢળક વાંચે છે. ભરપૂર લખે છે. અને બે લગામ રખડે છે.  મોતીભાઈ ગુજરાતના ખૂણે ખાંચરે તેઓ પહોંચે છે. કાર્યક્રમોમાં જાય છે. ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ માં જઈને શિક્ષણના વિચારો વહેંચવાનું શરૂ કર્યું. આજે તેઓ વિડછીથી વિસનગર અને વિસાવદર થી વલ્લભવિદ્યાનગર સુધીના વિસ્તારોમાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવચન કરે છે. સૌને પોરસ ચડાવે છે. તથા મિત્રોની ફરિયાદ પણ છે કે મોતીભાઈ વધારે પડતા ગુણગ્રાહી છે. પણ એમનો જવાબ સાંભળવા જેવો છે. ' ખરાબ હોય તો પણ હું જોતો નથી, પણ સારું જોવાની ટેવ પાડશો તો સારું જ મળશે.' તેઓનો મત છે કે જિંદગીની તૃપ્તિ નિવૃત્તિ પછી થઈ છે. કેટલાયને લખતા કર્યા. કેટલાની વાચતાં કર્યા. કેટલાને બોલતા કર્યા. અને સંશોધનની કેડીએ વળ્યા મોતીભાઈએ. 
            મૈત્રીનો મોલ કદી સુકાતો નથી. વૃંદાવન નિવાસે સંબંધોની સોગાતો મોતીભાઈની જીવન મૂડી છે. તેઓ હસે  કે બોલે તો પણ એટલા આત્મવિશ્વાસથી કે તમારો નબળો વિશ્વાસ બમણો થાય તમને બધી જ મર્યાદાઓ સાથે સ્વીકારે. મિત્રોની માતબર મૈત્રી નો માભો લઇ ને ફરનાર મોતીબાઈ વગર વાદળ વરસાદના માણસ છે. 

સંદર્ભ : અરવલ્લીનું વનફૂલ  : રમેશ મો. પટેલ
મુઠ્ઠી ઊંચેરા  100 માનવ રત્નો : ભદ્રાયું વચ્છરાજાની

( આવી જ વિરલ વ્યક્તિ વિશે જાણીશું આવતા ગુરુવારે)

લેખન - સંકલન : ઈશ્વર પ્રજાપતિ.
( આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp નંબર પર મોકલી શકો છો. 9825142620)
આપ ઈચ્છો તો આ બ્લોગની લીંક શેર કરી શકો છો. પરંતુ લખાણને કોપી-પેસ્ટ કરી પોતાના નામે ચડાવી શેર કરી આવિવેક ન કરવા વિનંતી.





Monday, July 15, 2019

આપણો જિલ્લો આપણું વતન : અરવલ્લી ભાગ -24


 અરવલ્લી - સાબરકાંઠાની લાઈફ લાઈન સાબરડેરી


              સાબર ડેરી. 
         સાબર ડેરી એ માત્ર ડેરી નથી પરંતુ સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો અને નાના ખેડૂતો માટેની લાઈફ લાઇન છે. માત્ર 19 દૂધ મંડળીઓના સંઘ અને 5100 લીટર દૂધથી શરૂૂ   થયેલી  સાબર ડેરી  આજે વટવૃક્ષ બની ફૂલી ફાલી છે. જેની છત્ર છાંયામાં અરવલ્લી અને સાબરકાંઠાના લખો પશુપાલક મહિલાઓ અને ખેડૂતો આત્મસન્માન સાથે જીવી રહ્યા છે. આજે અરવલ્લી અને સાબરકાંઠાના ગામે ગામ દૂધ મંડળીઓ સ્થપાઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં ઉત્પાદન પ્લાન્ટ્સ નાખવામાં આવ્યા છે. સાડા પાંચ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સબરડેરીની સ્થાપનાનો ઇતિહાસ જાણવા જેવો અને ગૌરવપ્રદ છે. સાબરડેરીના પાયાની ઈંટ મુકવા આપણા જિલ્લાના પ્રામાણિક અને નિષ્ઠાવાન વાડીલોએ પોતાની જાત ઘસી નાખી છે. 
             આજથી પાંચ દાયકા અગાઉના સમયમાં દૂધ વેચી ન શકાય તેવી માન્યતા દૂધ ઉત્પાદકોમાં પ્રવર્તતી હતી. અને જે લોકો દૂધ વેચીને આર્થિક રીતે આવકનું સાધન ઉભુ કરવા માંગતા હતા, તેમનું ખાનગી વ્યાપારીઓ દ્વારા રીતસર શોષણ કરવામાં આવતું હતું. તેવા સમયે પ્રાંતિજ તાલુકાના ઘડકન ગામના વતની ભૂરાભાઈ ખોડીદાસ પટેલે સાબરડેરીનું વિરાટ સ્વપ્ન સેવ્યું. લોકો તેમને ભૂરા કાકાના નામથી પણ ઓળખે છે. વર્ષો પહેલા તેમણે સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો માટેની અમુલ જેવી ડેરી ઊભી કરવાનું સ્વપ્ન નિહાળ્યું. એ વખતે બાબુભાઈ રબારી નામના એક યુવાને લઈ ડેરી ઊભી કરવા ફર્યા કરે. બાબુભાઈ રબારીના હાથમાં એક બ્રીફકેસ હોય. તેમાં ડેરી ઊભી કરવાના કાગળીયાં હોય. બાબુભાઈ હસમુખા અને હોશિયાર વહીવટકર્તા હતા. એ વખતે દૂધનો ધંધો જે ખાનગી સપ્લાયર્સ પાસે હતો. તેઓ પશુપાલક અને ગ્રાહકોને લૂંટતા. આ શોષણમાંથી મુક્તિ અપાવવા ભુરાભાઈ પટેલ આણંદ જઈ ડૉ. વર્ગીસ કુરિયનને મળ્યા. તેમની સલાહથી ભૂરાભાઈ પટેલ સાબરકાંઠાની આગવી સહકારી ડેરી ઉભી કરવા નિર્ણય કર્યો અને તેમના પ્રયાસોથી ઊભી થઈ સાબરડેરી જે સાબરકાંઠા અને અરવલ્લીનું એક આગવું નજરાણું છે.
            પ્રાંતિજ તાલુકાના ઘડકનના વતની ભુરાભાઈ ખોડીદાસ પટેલ, તલોદના અંબુભાઇ દેસાઇ, પોગલુંના ગોપાળભાઈ પટેલ તેમના તાલુકાના દૂધ ઉત્પાદકોને સંગઠિત થઈ ડેરી બનવા અનુરોધ કર્યો હતો. અને ગ્રામકક્ષાએ દૂધ મંડળીની રચના કરવા માટેના સક્રિય પ્રયાસો શરૂ કર્યા. અને તમામ મુશ્કેલીઓ માં વચ્ચે 27 નવેમ્બર 1964માં પ્રાંતિજ તાલુકાની 19 દૂધ મંડળીઓના સહકારથી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની સ્થાપના કરવામાં આવી. અને 29 ઓક્ટોબર 1965 લાભ પાંચમના શુભ દિવસે ઘરે ઘરે ફરીને 5100 લીટર દૂધ એકત્રિત કરીને જિલ્લામાં કોઈ પ્લાન્ટ કેન્દ્ર ન હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ ડેરી માં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
        ઇ.સ. 1970માં તાત્કાલિન સાંસદ સી. સી. દેસાઇના પ્રયાસોથી એન. ડી.ડી. બી . તેમજ ઇન્ડિયન ડેરી  કોર્પોરેશનના  અને દેશના શ્વેતક્રાંતિના સર્જક ડૉક્ટર વર્ગીસ કુરિયનના પ્રયાસોથી ઓપરેશન ફ્લડ નંબર 1 યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં અધ્યતન ડેરી પ્રોજેક્ટ ઉભો કરવા 2.52 કરોડ નાંણાકીય સહાય મળતા હિંમતનગર તાલુકાના બોરીયા ગામ (અમદાવાદ હાઇવે ટચ જગ્યા) માં જમીન ખરીદીને ૧૧મી જૂન 1971ના દૈનિક 1.5 લાખ લીટર જેટલા દુધની ક્ષમતા ધરાવતી સાબરડેરીના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત ડો વર્ગીસ કુરિયનના હસ્તે કરવામાં આવ્યું હતું. અને સાબર ડેરીના સ્થાપક અને પ્રથમ ચેરમેન ભુરાભાઈ ખોડીદાસ પટેલના હસ્તે 1974માં સાબરડેરીનો પ્રોજેક્ટ ધમધમતો થઇ ગયો હતો.
             આજે દેશના જુદા જુદા રાજ્યોમાં સાબર ડેરી દ્વારા પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેમાં દૂધની બનાવટની અનેક ચીજ વસ્તુઓ બને છે. તે પ્રવાહી દૂધ પેક કરે છે અને લગભગ તમામ પ્રકારનાં દૂધ ઉત્પાદનો ઉત્પન્ન કરે છે. તેમાંથી ઉત્પાદિત મોટા ઉત્પાદનોમાં બટર, શિશુ દૂધ પાવડર, ડેરી વ્હાઇટનર, ઘી, પનીર, દહીંઅને છાશ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા અમુલ બ્રાન્ડ હેઠળ છે. આ તમામ પ્રોડક્ટ્સ ભારત ઉપરાંત દુનિયાના બીજા દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. 

             બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ભૂરાભાઈ પટેલ રોજ સવારે ચાર વાગે ઉઠી ને 20 થી 22 ગામોની મુલાકાત લેતા. તે ગામોના ખેડૂતોની ભેગા કરી ગામમાં સહકારી મંડળી ઉભી કરવા સમજાવતાં રાતના બાર વાગે ઘરે પાછા પહોંચતા સાબરકાંઠામાં મોટાભાગના ગામોમાં આજે દૂધ મંડળીઓ સારી રીતે ચાલી રહી છે અને ડેરીના પાક્કા મકાનો છે. નાના ખેડૂતો વિધવાઓ અને ગરીબોને દૂધની આવક મળી તે ભૂરા કાકા ને આભારી છે.

                 ભુરાભાઈ ખોડીદાસ પટેલ કે સાબરડેરીના આદ્યસ્થાપક અને ડેરીના પ્રથમ ચેરમેન બન્યા. ઘડકન ગામના વતની ભુરાભાઈ ખોડીદાસ પટેલ એક મધ્યમ ખેડૂત પરિવારમાં જન્મેલા. માત્ર ગુજરાતી ધોરણ છઠ્ઠું પાસ હોવા છતાં તેમનામાં વિચક્ષણ બુદ્ધિ મતદાન હતી. ખેડૂત કુટુંબમાં જન્મેલા હોવાના લીધે ખેતીનો વિકાસ અને ખેડૂતોનું હિત તેમના હૈયામાં વસેલું હતું. ભણતર ઓછું હોવા છતાં એમને વાંચવાનો ખુબ શોખ હતો. ખાસ કરીને તેઓ નવલકથાઓ ખૂબ વાંચતા. જીવનના છેલ્લા વર્ષો સુધી તેમણે વાંચવાનો શોખ જાળવી રાખ્યો. ભુરાભાઇની વકૃત્વ પ્રભાવશાળી હતી. એક તો તેમનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું અને બીજું દાખલા દલીલો સાથે ભાષણ કરવાની તેમની શૈલી વિશિષ્ટ હતી. પોતાના 42-84 કડવા પાટીદાર સમાજ તેમજ ગુજરાતના અન્ય પાટીદાર સમાજમાં ચાલી રહેલા જુનવાણી રોવા કૂટવાના, બારમા-તેરમાના, લગ્ન વરઘોડા તેમજ કરિયાવરના ખોટા ખર્ચાના વહેમો, અંધશ્રદ્ધાઓ વગેરે દૂર કરવા અંગે તેમણે જેહાદ ઉપાડેલી. તેથી માત્ર તેમના સમાજના જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના સમાજસુધારક તરીકે ગણના પામ્યા હતા.
            ભુરાકાકા અલ્પશિક્ષિત બહુ જ ઓછું ભણેલા, પણ એમની તર્કશક્તિ, વિચારશક્તિ, પરખ શક્તિ, નિર્ણયશક્તિ, કાર્યશક્તિ, તથા કોઠાસૂઝ ભલભલાની ચકિત કરી દે તેવા હતા. ભૂરાકાકા પણ લોકોને પોતાનામાં જ એક લાગતાં. અને એટલે એમની અને ગ્રામજનોની વચ્ચે તશુંભાર જેટલું પણ અંતર ન હતું. એમનું બોલવું , ચાલવું , પહેરવું , ખાવું-પીવું, હરવું-ફરવું બધું જ ગ્રામ્યલક્ષી ગામડાના લોકો જેવું જ. તેઓ ગામડાના સીધા-સાદા જીવ હતા એમની બોલી એટલે ખેડૂતોની બોલી, ગામડાની બોલી. એમના વક્તવ્યમાં આવતાં તળપદા શબ્દો-વાક્યો સોંસરવા નીકળી જાય તેવા , ધારી અસર કરી તેવા. ક્યાંય દંભ કે બનાવટી છાંટ જોવા ન મળે ખેતર ખેતી અને ખેડૂતની વાત કરે ત્યારે બધી આપવીતિ ઓ માંથી પસાર થયેલા કોઈ ખેડૂત બોલતા હોય તેવું લાગે. ભુરાભાઈ કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ તથા ઊંઝા ઉમિયામાતા સંસ્થાનના સાથે પણ સંકળાયેલા હતા.
              સ્ત્રી કેળવણીના પણ ભુરાભાઈ જબરજસ્ત હિમાયતી હતા. ચંદ્રાલા એ તેમનું કન્યા કેળવણીનું એક મહાન સ્વપ્ન હતું. તેઓ કહેતાં કે મારે કન્યાઓને એવી કેળવણી આપવી છે કે ઘોડે સવારી શીખે, બંદૂક ટચલાવતા શીખે, તરતા શીખે, જુડો કરાટે શીખે અને શારીરિક- માનસિક રીતે એટલી મજબૂત થાય કે અડધી રાત્રે પણ જ્યાં જવું હોય ત્યાં હિંમતભેર જઈ શકે તેવી કેળવણી મારે કન્યાઓને આપવી છે.
              ભૂરાકાકા એ કન્યા કેળવણીને ખુબ જ મહત્વ આપ્યું હતું. કન્યા કેળવણીના સ્વપ્નને સાકાર કરવા તેઓએ પોતાના શરીરની પણ ચિંતા કર્યા વિના ઉમાશંકર તીર્થ નામના કન્યા કેળવણીના સંકુલની મૂર્તિમંત કર્યું છે. આ સંકુલને જ તેઓ પોતાનું ઘર માનતા. તેમાં ભણતી બહેનોને પોતાની દીકરીઓ માનીને વહાલ કરતાં. તેથી તો બહેનોએ તેઓને દાદાના નામથી બોલાવતી હતી.
             ખેડબ્રહ્મા તાલુકાના પાદરડી ગામે દૂધ મંડળીનું ઉદ્ઘાટન કરવા ગયા ત્યારે બધુ પતી ગયા પછી જ્યારે જમવા બેઠા ત્યારે સદાય કહ્યું કે અહીંયા બાજરી નથી. થતી એટલે મને મકાઈનો રોટલો આપો બાજુમાંથી લાવી આપ્યો તો તે પ્રેમથી જમ્યા. ગ્રામ્ય જે સ્થિતિ હોય સંજોગો હોય તેને તેઓ અનુકૂળ થઈ જતા. રાત્રી રોકાણ દરમિયાન રાત્રી ઉપર પ્રોગ્રામ રાખ્યો. ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભેગી કરી. અને બહેનોને સમજે એવી રીતે ભવિષ્યમાં દૂધ જીવનમાં કેવો કેવો આર્થિક ભાગ ભજવશે તે રાત્રીના એક વાગ્યા સુધી સમજાવ્યું. બીજા કોઈ આડંબર નહીં. હારતોરા નહિ. એક પાટ ઉપર બેઠેલા દાદાને બહેનો પ્રશ્નો પૂછતી જાય ને દાદા જવાબ આપતા જાય. આજે આ બધી વાતો સાચી પડી છે ઓછા પાણીવાળા વિસ્તારમાં જીવન જીવવાનો મુખ્ય વ્યવસાય દૂર રહ્યો છે. 
                  ભૂરાકાકાએ દુનિયાના 30 દેશોના પ્રવાસો કર્યા છે. 90 વર્ષની વયે પણ વાંચનનો શોખ જાળવી રાખ્યો હતો. લીમડાને તેઓ તંદુરસ્તીનું પ્રતીક માનતા. અમદાવાદ હિંમતનગરના માર્ગ ઉપર સંસ્કારતીર્થ કેમ્પસમાં લીમડાના ઝુંડ જોવા મળે છે. એ ભૂરા કાકા ની મહેનતનું જ પરિણામ છે. 
ખેડૂતોના હિતચિંતક હોવાને લીધે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે તેમને 'ખેડૂત રત્ન' પુરસ્કાર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના 82-84 સમાજે કાકાને 91 વર્ષની વયે રૂપિયા 91000 ની થેલી આપી સમાજ રત્નનો ઈન્કલાબ આપ્યો હતો. તારીખ 1 ઓગસ્ટ 1995 ના રોજ ભૂરાકાકાનું 95 વર્ષની વયે દુખદ અવસાન થયું સાબર ડેરી તેમનું જીવતુંજાગતું સ્મારક છે. 

(સંદર્ભ : શ્વેત ક્રાંતિના સર્જક - પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ
સહયોગ : નીરવ પટેલ)

લેખન - સંકલન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.


Sunday, July 14, 2019

નાનકડા "કડા" ગામનું અનોખું અદ્યતન પુસ્તકાલય


નાનકડા "કડા" ગામનું અનોખું અદ્યતન પુસ્તકાલય

"એક સારા પુસ્તકનું વાંચન માણસને પસ્તી બનાવતાં રોકે છે. "
             કડા.
            મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનુ સુવિકસિત અને સુશિક્ષિત આ ગામ છે. ગામની સીમમાં આવેલું પૌરાણીક મંદિર અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે.માઁ શિદ્ધેશ્વરી આશીર્વાદ આ ગામ પર હંમેશા વરસતા રહે છે. ગામમાં પ્રવેશતા જ સાફસુથરા પહોળા રસ્તા ગામના નાગરિકોની દૂરંદેશીનો ખ્યાલ આપે છે. આ ગામ આધુનિક ઘણી શકાય એવી બધી સગવડ ધરાવે છે. કડા ગામ એક નાનકડા શહેર જેવું લાગે છે. આ ગામના જાગૃત વડીલોના દીર્ઘદ્રષ્ટિના પરિણામે અનેક જાહેર સંસ્થાઓ વટવૃક્ષની જેમ અહીં ફૂલીફાલી છે. આ બધી સંસ્થાઓમાં સવિશેષ ધ્યાન ખેંચે છે એક સદી કરતાં પણ પુરાણો ઈતિહાસ ધરાવતું ગામનું અદ્યતન સાર્વજનિક પુસ્તકાલય. આશરે સાડા છ હજાર વસ્તી ધરાવતું આ ગામમાં જીર્ણોદ્ધાર પામેલું ત્રણ મજલા વાળુ અત્યાધુનિક પુસ્તકાલય ગામના નાગરિકોની શિક્ષણ પ્રીતિ અને પુસ્તક પ્રીતિનો ખ્યાલ આપે છે. 
             પુસ્તકાલયના ઇતિહાસની તવારીખો ઉપર નજર કરીએ તો આઝાદી પહેલા કડા ગામ વડોદરા રાજ્યના તાબાનું ગામ. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ પ્રજાપ્રેમી પ્રજાવત્સલ અને શિક્ષણપ્રેમી રાજવી હતા. એ જમાનામાં આ વિદ્યા પ્રેમી રાજવીએ પોતાના રાજ્યમાં શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. શિક્ષણમાં સહયોગી થવા પોતાના રાજ્યના દરેક ગામોમાં સાર્વજનિક પુસ્તકાલય શરૂ કર્યા હતા. 1912માં કડા ગામની પ્રાથમિક શાળામાં મિત્ર મંડળ પુસ્તકાલયના નામે એક સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. 
              આ સાર્વજનિક પુસ્તકાલયનું સ્વતંત્ર ભવન 1935માં ગાયકવાડ સરકારે બંધાવ્યું હતું. 19 ડિસેમ્બર 1952ના રોજ નં. ઇ -246 નામે મહેસાણા ખાતે સાર્વજનિક પુસ્તકાલયની રજીસ્ટર નોંધણી ગામના વડીલ ફકીર ચંદ શાહે કરાવેલી. સંસ્થા રજીસ્ટર્ડ થતાં સરકારી મદદ પણ મળવા લાગી. તે વખતે સામાન્ય રીતે પુસ્તકાલયનો વહીવટ પ્રાથમિક શાળાના આચાર્ય કે શિક્ષક સંભાળતા. દરેક શિક્ષક સાંજના સમયે પુસ્તકાલય ખોલતા. વર્તમાન પત્રો વાંચવા લોકો આવતાં. સાથે સાથે પુસ્તકો વાંચવા માટે ઘરે લઈ જતા. ત્યારબાદ યુવક મંડળની સ્થાપના થઇ યુવક મંડળ દ્વારા અનેકવિધ ગ્રામસેવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. એમાં સાર્વજનિક પુસ્તકાલયનો વહિવટ પણ યુવક મંડળે સંભાળી લીધો. આ પુસ્તકાલયથી ગામના તથા આજુબાજુના ગામના લોકો પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવવા લાગ્યા અને ઘણા લોકો તેમના જીવનમાં આ વાંચન થકી વિકાસ કરી આગળ વધવા લાગ્યા. 
                 સમય જતા વર્ષોજૂના પુસ્તકાલય ભવન જર્જરિત બન્યું. તેમાં વસ્તુ આવેલા જૂના પુસ્તકો પડી રહેલાં. પુસ્તકાલય જાણે મૃતપાય સ્થિતિમાં આવી ગયું. પુસ્તકાલયની આવી દયનીય હાલત જોઇને ગામના વિદ્વાન સાહિત્યકાર કેળવણીકાર અને સામાજિક કાર્યકર ડો મફતલાલ જે. પટેલ એ આ પુસ્તકાલયનું જિર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું. ગામના આગેવાનોના સહકારથી અને તેમના અથાગ પુરુષાર્થ ગામનું ખંડેર થઈ ગયેલ પુસ્તકાલય નિર્માણ કામ નો 2007માં આરંભ કરવામાં આવ્યો. પુસ્તકાલય નિર્માણમાં સૌથી પહેલું 11,00,000/- (અગિયાર લાખ) રૂપિયાની માતબર રકમનું દાન ડૉ. મફતલાલ પટેલે આપ્યું. 
             ગામના વડીલ પ્રફુલભાઈ અંબાઈદાસ પટેલ અને મુરલી ભાઈ જોશીનો પણ સાથ મળ્યો. 2007થી ગુજરાત સરકાર તેમજ રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો. રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશનની છ લાખ જેટલું માતબર દાન મંજૂર કર્યું. શ્રીમતી સ્મૃતિ ઈરાની એ આ પુસ્તકાલય નિર્માણ માટે 15,00,000/- ( પંદર લાખ) રૂપિયાનું દાન આપ્યું. કડા ગામના રહેવાસીઓ જેવો વ્યવસાય અર્થે અમદાવાદ, મુંબઇ, અંકલેશ્વર, વાપી રહેતા હતા ત્યાં રૂબરૂ મળવા ગામના વડીલો ગયા. અને સર્વે એ દરિયાદીલી દાખવી દાનની સરવાણી વહાવી. પુસ્તકલયના આ ભાગીરથ કાર્ય માટે વડીલો દાન લેવા ફરતા ત્યારનો એક પ્રસંગ ટાંકતા ડૉ. મફતલાલ પટેલ જણાવે છે કે એક હરીજન પરિવારે તેઓની દાન માટે પોતાના ઘરે બોલાવ્યા. સર્વે તે હરીજનના ઘરે ગયા. ખૂબ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા આ પરિવારે પુસ્તકાલય નિર્માણ માટે 50 હજાર રૂપિયા ડો. મફતલાલ પટેલના હાથમાં મુક્યા. આ રકમ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. એક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતો હરિજન પરિવાર પુસ્તકાલય નિર્માણ માટે આટલી મોટી રકમ દાનમાં આપે એ કોઇ સામાન્ય વાત નથી. આવા અનેક નાના મોટા દાતાઓના સહયોગથી 2007માં આરંભેલું આ કામ 2017માં પૂર્ણ થયું. 
વડીલો ની મહેનત રંગ લાવી આખરે ત્રણ માળ ધરાવતું અદ્યતન પુસ્તકાલય ગામના ચોરામાં ઘરેણા સમાન અડીખમ ઉભું છે. 17 જાન્યુઆરી 2017 ના રોજ રાજ્યના મહા મહિનો રાજ્યપાલ ઓ પી કોહલી ની અધ્યક્ષતા માં લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. દૂર-સુદૂર, દેશ-વિદેશમાં વસતા આ ગામના નાગરિકો આ કાર્યક્રમ માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

            આ અદ્યતન પુસ્તકાલય અત્યાધુનિક સગવડો થી સજજ છે. ગાયકવાડ સમયના 7 લાકડાના કબાટો આજે પણ સાચવી રાખવામાં આવ્યા છે. પુસ્તકો મુકવા આ જે પણ એ કબટ નો ઉપયોગ કરવામાં આવે છે. વીસ હજાર ઉપરાંત પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. બાળકોથી માંડી વડીલો માટે ઉપયોગી થઇ શકે તે તમામ પ્રકારનું સાહિત્ય આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી છે. ઓ.એન.જી.સી. દ્વારા આ પુસ્તકાલયની 10 કોમ્પ્યુટર ભેટ આપવામાં આવ્યા છે. ઈન્ટરનેટ કનેક્ટેડ કોમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ વિશ્વભરની માહિતી એક ક્લિક માત્રથી મેળવી શકે છે. અને જે તે વિષયનું રિસર્ચ પણ કરી શકે છે. પુસ્તક યુએઇમાં ઉપલબ્ધ કોઈ સાહિત્યની જો કોઈ વિદ્યાર્થી ઝેરોક્ષ કરવા ઇચ્છે તે માટે અહીં ઝેરોક્ષ મશીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને લેમિનેશન સુવિધા પણ વિકસાવવામાં આવી છે. 
               અહીં  સુપ્રસિદ્ધ તમામ સામાયિકો અને ભારતના તમામ પ્રમુખ વર્તમાન પત્રો આવે છે ગામના વિદ્યાર્થીઓ વડીલો અહીં બેસી વાંચી શકે છે સિનિયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પુસ્તકાલયમાં વાંચનાલય ની સાથે સાથે બહારગામથી આવેલા મુલાકાતીઓ અને મહેમાનો માટે અલગથી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
          સ્પર્ધાત્મક પરીક્ષાની લગતું તમામ સાહિત્ય આ પુસ્તકાલયમાંથી વિનામૂલ્યે વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે છે. અને વાંચન માટેની સાનુકૂળતા ઊભી કરવામાં પુસ્તકાલય ભારે જહેમત ઉઠાવી છે. પરિણામે ગત વર્ષે યોજાયેલી પોલીસ જવાનોની ભરતીમાં આ નાનકડા ગામના 28 જવાનોની પસંદગી થઇ. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીઓમાં પસંદગી પામ્યા છે. 

હાલમાં ત્રણ કર્મચારીઓ પૂર્ણ સમય માટે સેવા આપે છે. જેમાં પૂરી લાયકાત ધરાવતા ગ્રંથપાલ બેન, મદદનીશ ગ્રંથપાલ અને બીજા એક કર્મચારીની નિમણૂક પુસ્તકાલયની રોજ-બરોજ ની કામગીરી સંભાળવા માટે કરવામાં આવી છે. હાલમાં 40થી 50 વિદ્યાર્થીઓ આખો દિવસ અને રાત્રીના અગિયાર વાગ્યા સુધી પુસ્તકાલયના વાંચનાલય માં અભ્યાસ માટે આવે છે. હવે પછીની ગામની નવી પેઢીને કારકિર્દીની તકો, ધંધાકીય માર્ગદર્શન અને અંગ્રેજી, કોમ્પ્યુટર અને વ્યક્તિત્વ વિકાસ ની તાલીમના વર્કશોપ કરી વિદ્યાર્થીઓ ને સજ્જ કરવામાં આવી રહ્યા છે. 
              અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓની નબળી આર્થિક સ્થિતિ વાળા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી લઈ જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધીના તમામ પુસ્તકો વિનામૂલ્યે આ પુસ્તકાલય દ્વારા પૂરા પાડવામાં આવે છે. વિદ્યાર્થીને જોઈતા પુસ્તકો ખરીદી તેનું બીલ પુસ્તકાલયમાં જમા કરતાં તરત જ તે વિદ્યાર્થીને બિલની રકમ રોકડમાં ચૂકવી દેવામાં આવે છે. 
          આ પુસ્તકાલય જ્ઞાન મંદિર બની ગયું છે. આ સાર્વજનિક પુસ્તકાલય અને આવનારા સૈકાઓ સુધી અહર્નિશ કાર્યરત રાખવા માટે એક ફંડ એકઠું કરી એફ.ડી કરવામાં આવી છે ગામના પુસ્તકાલય આવનાર પેઢી ના ઘડતરમાં શ્રેષ્ઠ ભૂમિકા પૂરી પાડશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. તેની પ્રવૃત્તિઓ ઉત્તરોઉત્તર વિકસતી રહે ગામની શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકાલયનો લાભ ઉઠાવીને હજારો ભાઈઓ-બહેનો દેશ-વિદેશમાં ઠરીઠામ થઈને સુખી જિંદગી જીવશે એનાથી વિશેષ પુણ્યનું કામ વાળી બીજું શું હોઈ શકે. 
               અદ્યતન પુસ્તકાલય નિર્માણ ની પાયાની પ્રથમ ઈંટ મુકનાર શિક્ષણ પ્રેમી કડા ગામના વડીલો, શ્રેષ્ઠીઓ અને દાતાઓ ને કોટી કોટી વંદન. 

લેખન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ વોટ્સએપ દ્વારા મોકલી શકો છો. મો. નં. 98251 42620)

Thursday, July 11, 2019

વ્યક્તિ વિશેષ : ડૉ. મફતલાલ પટેલ


શિક્ષણ, સેવા અને સાદગીથી મધમધતું વ્યક્તિત્વ : ડૉ.મફતલાલ પટેલ.



                ડૉ. મફતલાલ પટેલ
             શિક્ષણ, પત્રકારત્વ અને સામાજિક સેવાઓ જેવા બહુવિધ ક્ષેત્રે ખૂબ આદર અને સન્માન સાથે લેવાતું એક મધમધતું નામ છે. સફળતાના ઉચ્ચત્તમ શિખરે પહોંચેલ એક વિદ્વાન વ્યક્તિ ડૉ. મફતલાલ પટેલ સાહેબની વિનમ્રતા કોઈના પણ દિલને સ્પર્શી જાય એવી છે. ત્યાશી વર્ષે પણ યુવાનોને શરમાવે તેવો તળવળાટ ધરાવે છે. આઠ દાયકાની જિંદગીની સફરમાં અનેક તડકા છાંયા જોયા છે. અનેક સંઘર્ષો અને પડકારોને પડકારી સફળતાના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેઓની જીવન યાત્રા કિશોરો, યુવાનો અને વડીલો માટે પ્રેરણા રૂપ છે. 
               મહેસાણા જિલ્લાના વિસનગર પાસેનું કડા ગામ એ તેઓનું વતન. તેઓના માતા-પિતા બંને નિરક્ષર. ખેતર ખેડી જીવન નીરવાહ કરે. અત્યંત ગરીબાઈમાં અનેક અભાવો વચ્ચે તેઓનો ઉછેર થયો. આઝાદી પહેલાના એ સમયમાં શિક્ષણ પ્રત્યે એટલી લોકજાગૃતિ પણ નહીં. છતાં કોઈની મદદ કે સહાય વિના જાત મહેનતે આગળ આવ્યા. 
             પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી શાળામાં લીધું. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને પરિણામે હાઈસ્કૂલ અને કોલેજનું શિક્ષણ ઘરે બેઠા જ લીધું. વાર્નાક્યુલર ફાઇનલ થઈને ગુજરાતી શાળાના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી એટલે શિક્ષકની નોકરી કરતાં કરતાં અભ્યાસ ચાલું જ રાખ્યો. પ્રાઇવેટ કેન્ડીડેટ તરીકે મેટ્રિક અને બી.એ. થયા. બી.એ.માં ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા. ત્રણ વાર જુદા જુદા વિષયમાં ( મનોવિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત) બી.એ. અને એમ.એ . કર્યું. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવચસ્પતિની ઉચ્ચત્તમ ડિગ્રી પ્રાપ્ત કરી. પ્રાથમિક શિક્ષક તરીકે શરૂ કરેલી કારકિર્દીથી યુનિવર્સિટીના ઉચ્ચત્તમ પદ પર તેઓએ 38 વર્ષ સુધી સેવાઓ આપી નિવૃત્ત થયા. 
             શૈક્ષણની 38 વર્ષની  યશસ્વી સફર દરમિયાન તેઓએ અનેક ક્રાંતિકારી પરિવર્તનો સિદ્ધ કરી બતાવ્યાં. કેળવણીની એક નવી જ કેડી કંડારી. તેઓના શૈક્ષણિક ચિંતને શિક્ષણ જગતને અનેક પુસ્તસ્કો ભેંટ આપ્યા. 
                 આઝાદી સમયે સામાજિક પરિસ્થિતિ અત્યંત દયનીય હતી. સમગ્ર સમાજ કુરિવાજો,  રૂઢિઓ, અંધશ્રદ્ધામાં સપડાયો હતો. તે સમયે આ વિરલ પુરુષે સમાજ સાથે રહીને ક્રાંતિકારી કદમ ઉઠાવ્યા છે. આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી કે "હું માત્ર સો રૂપિયામાં લગ્ન કરીશ. લગ્નમાં કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચાઓ નહીં કરું. દહેજ નહીં જ સ્વીકારું." આ પ્રતિજ્ઞાનું પાલન તેઓએ રૂઢિચુસ્ત સમાજ વચ્ચે કરી બતાવ્યું. અને તેઓ હાલના મધ્ય પ્રદેશના મહામાહિમ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ યશસ્વી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા.  સંજયભાઈ અને અનારબહેન   તેઓના બે સંતાનો. તેઓ પણ  સામાજિક સંસ્થાઓ સાથે મળી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં છે. 
                શિક્ષણ સેવાની સાથે સાથે ડૉ. મફતલાલ સમાજ સેવા અને બેદાગ જાહેર જીવનથી પણ તેઓ અળગા રહ્યા નથી. તેઓ 20 વર્ષ (1981-2000) સુધી અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા. ચાર ટર્મ સુધી જંગી બહુમતીથી ચૂંટાયા. જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેઓએ કરેલા કાર્યો આજે પણ અમદાવાદ જિલ્લાના લોકો આદર સાથે યાદ કરે છે. આપની જાણીને નવાઈ લાગશે કે એ સમયમાં સમગ્ર ગુજરાતમાંની જિલ્લા પંચાયતમાં ભાજપના એકમાત્ર વ્યક્તિ ડો. મફતલાલ પટેલ ચૂંટાઈ આવેલા. તેઓ સાચા અર્થમાં પ્રજાના સેવક હતા. અનેક સેવાકીય કર્યો થકી જનતાના હૃદય તેઓએ જીતી લીધા હતા. તેઓએ 1000 ગરીબોના ઘરે ઘરે ફરીને રેશનીંગ કાર્ડ કઢાવી આપ્યા હતા. ચૂંટાયા પછી સેવક તરીકે તેઓએ જે કાર્ય કરી બતાવ્યું જેના પરિણામે બીજી ચૂંટણીમાં તેઓની સામે ઊભા રહેલા તમામ ઉમેદવારોને ડિપોઝીટ ડુલ થઈ ગઈ હતી. મેમનગરમાં 1700 ના મતદાનમાં તેઓને 1620 મતો મળ્યા હતા. કોંગ્રેસ માંડ માંડ 80 મત મેળવી શકી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેઓએ જે સેવાઓ આપી છે તે અમદાવાદ જિલ્લો ક્યારેય ભૂલી શકશે નહીં. 
                તેઓ   મૂળ શિક્ષણના અને કેળવણીના જીવ. તેઓની દીર્ઘ દૃષ્ટિ થી અમદાવાદ જિલ્લાની 1065 શાળાઓની કાયાપલટ કરી નાખી. અમદાવાદ જિલ્લાનું એક પણ ગામ એવું નહીં હોય કે તેઓએ તેની મુલાકાત લીધી ન હોય લોકભાગીદારીથી શાળા રીપેરીંગ નું કાર્ય સૌથી પહેલાં તેઓ શરૂ કરાવ્યું તેઓએ પ્રાથમિક શિક્ષણને સુધારવા જે નીતિઓ નક્કી કરી તેનો આજે પણ ગુજરાત સરકાર અમલ કરી રહી છે. જિલ્લા પંચાયતમાં 20 વર્ષ સુધી સેવાઓ આપવા છતાં બ્રષ્ટાચાર તેઓને સ્પર્શ કરી શક્યો નથી. પોતે ગાંધીવાદી વિચારક છે. ગાંધી મૂલ્યોનું જતન તેઓનો જીવન સંદેશ છે. 
             ડૉ. મફતલાલ પટેલ બહુમુખી પ્રતિભા ધરાવતું મધમધતું વ્યક્તિત્વ છે. તેઓ વિશ્વ પ્રવાસી છે. દુનિયાના વિવિધ દેશોમાં ફરે છે. પ્રવાસ કરે છે. અને ત્યાં ની શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. તેઓએ અમેરિકા, કેનેડા ઈંગ્લેન્ડ, યુરોપ, ઈઝરાઈલ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, સિંગાપુર, થાઇલેન્ડ, ચીન, નેપાળ વગેરે દેશોનો અભ્યાસ કરીને આ દેશના શિક્ષણ તેમજ સામાજીક શૈક્ષણિક બાબતોને લાગતા સંશોધનાત્મક અને માહિતીપ્રદ પુસ્તકો લખ્યા છે. હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં તેઓ એ પુસ્તકોનું સર્જન કર્યું છે. અત્યાર સુધી 70 જેટલાં પુસ્તકો તેઓ લખી ચુક્યા છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો તૈયાર થાય છે, તેમાં પણ ડૉ. મફતલાલ પટેલનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત અસાધારણ મનોવિજ્ઞાન જે આજે પણ એમ.એ. ની ટેક્સ બુક છે. યુવાનોને જાગૃત કરવા અને નશા મુક્ત કરવા માટે તેઓએ "યુવાનો જાગો પરિવર્તન તમારા હાથમાં છે" નામની શિબિરો ગમે ગામ યોજીને યુવાનોના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
                ડૉ. મફતલાલ પટેલે ધંધુકા તાલુકાનું હરીપુરા નામનું એક પછાત, અશિક્ષિત ગામને દત્તક લઈને ગુજરાતનું એક આદર્શ ગામ બનાવ્યું છે. આ ગામમાં તમામ પ્રકારની વ્યવસ્થા જેવી કે શિક્ષણ, કોમ્પ્યુટર, અલગ ગ્રામ પંચાયત, દરેક નાગરિક કોઈ પણ પ્રકારનો ગૃહઉધોગ છે. આ ગામમાં આજે એક પણ વ્યક્તિ અભણ નથી. કોઈ પણ વ્યક્તિ બેકાર નથી. કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. 1985માં દત્તક લીધેલા આ ગામમાં આજે 85 જેટલી બહેનો ગ્રેજ્યુએટ થઈ છે. ગુજરાત રાજ્યના પૂર્વ તમામ મુખ્યમંત્રીશ્રી ઓ એ આ ગામની મુલાકાત લીધી છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાંસદો માટે ગામ દત્તક લેવાનું પ્રેરણાસ્ત્રોત હરીપુરા ગામ રહ્યું છે . ગ્રામોઉત્થાનનું અજોડ કાર્ય કરવા બદલ ડો. મફતભાઈ પટેલને આ ગામના લોકો "હરીપુરાના ગાંધી" તરીકે ઓળખે છે. 
            અત્યારે ડૉ. મફતલાલ પટેલ "અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ"ના મેનેજિંગ ટ્રસ્ટી છે આ ટ્રસ્ટ "અચલા" નામનું શૈક્ષણિક સામાયિક પ્રગટ કરે છે. શિક્ષકોને પ્રોત્સાહિત કરતા તેઓના માનસિક વલણો બદલવામાં "અચલા"નો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કામ કરતાં ઉત્તમ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ આ ટ્રસ્ટ કરે છે ગામડામાં રહેતી ગરીબ ઘરની દીકરીઓને ભણાવવામાં પણ આ ટ્રસ્ટ મદદરૂપ બને છે.
           ડૉ. મફતલાલ પટેલનો પોતાના વતન પ્રત્યેનો અનહદ પ્રેમ અને વતનની માટીનું ઋણ ચૂકવવાની ભાવનાથી તેઓની પ્રેરણા થકી કડા ગામમાં એક અધતન, સમૃદ્ધ સાર્વજનિક પુસ્તકાલય નિર્માણ પામ્યું છે. ત્રણ માળ ધરાવતું વિશાળ પુસ્તકાલય ગામના ઘરેણા સમાન શોભી રહ્યું છે. ગામના વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓ પુસ્તકાલયમાં આવી જ્ઞાન પીપાસા સંતોષે છે. માતૃભૂમિ ની માટી તેઓને સાદ કરી પુકારે ત્યારે સમયની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ દર પંદર દિવસે વતનમાં દોડી આવે છે. કોઈ પણ પ્રોટોકોલ વગર દરેકના ઘરે જાય છે. સૌને હળીમળી તમામની ખબર અંતર પૂછે છે. જરૂરિયાતમંદો ને મદદ પહોંચાડે છે. 
            ડૉ. મફતલાલ પટેલ ઉત્તર ગુજરાતનું જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતનું ગૌરવ છે.

 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, July 4, 2019

વ્યકતિ વિશેષ : રજનીભાઈ પટેલ


અરવલ્લીને રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ નામના અપાવનાર કૃષિ વૈજ્ઞાનિક રાજની પટેલ



              ભારત દેશ ઋષિ અને કૃષિ પરંપરાનો દેશ છે. અહીં ખેડૂતને 'જગતનો તાત' કહી નવાજવામાં આવ્યો છે. એમ છતાં ભારતમાં ખેડૂતોની દશા જોઈએ તે પ્રમાણમાં સારી નથી. ભારતનો આજનો ખેડૂત અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યો છે. અત્યંત મોંઘા રાસાયણિક ખાતર બિયારણ, જમીનની ઘટતી જતી ફળદ્રુપતા અને ઘટતું જતું ઉત્પાદન જેવા અનેક પડકારોનો સામનો કરતો કિસાન દેવાના બોજ તળે ડૂબી રહ્યો છે અને આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં અરવલ્લીના એક ધરતીપુત્રએ આગવી સૂઝથી કરેલા સંશોધનો દ્વારા ખેડૂતોમાં આશાની ઉમિદ જગાવી છે. અનાજ ના ઓછા ભાવ મળવાની કાગારોળ કરતા ખેડૂતો છેવટે આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે ત્યારે આ પ્રગતિશીલ ખેડુતના દ્વારે બમણા ભાવે અનાજ ખરીદવા માટે પ્રતિષ્ઠિત લોકો રીતસરના કતારમાં ઊભા રહે છે. 
            તેઓનું નામ છે રજનીભાઈ પટેલ.
           અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં વસતા રજનીભાઈ પટેલ 1984 માં ગ્રામ સેવક તરીકે સરકારી નોકરીમાં જોડાયા. નોકરી દરમિયાન ખેડૂતો સાથે રહેવાનું થયું. તનતોડ મહેનત કરી બે પાંદડે થવા મળતા ખેડૂતોની દશા જોઈ હૃદય વલોવાયું. જો ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે અને કુદરતી પ્રસાધનોનો ઉપયોગ વધારી ખેતી કરે તો જગતનો તાત ખેતીના ખોટા ખર્ચમાંથી બચી શકે અને સન્માનપૂર્વક જીવી શકે તે માટે નવા નવા સંશોધનો આદર્યા. પોતે કિસાન પુત્ર તો હતા જ. તેથી પોતાની જમીન ઉપર જ જુદા જુદા પ્રયોગો કરવાના શરૂ કર્યા.

           તેઓ જણાવે છે કે આપણા પૂર્વજો દ્વારા પહેલા સજીવ ખેતી કરવામાં આવતી ધીરે-ધીરે રસાયણોના વપરાશની ચાલુ થવાથી સજીવખેતી લુપ્ત થવાના આરે આવીને ઊભી છે. પર્યાવરણ અને માનવ જીવનમાં વધતાં જતાં ઝેરી રસાયણોના પ્રસારથી માનવજીવન અનેક રોગોનો ભોગ બની રહ્યું છે. ઘણા સમયથી વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખેડૂત મિત્રો દ્વારા વધુ ઉત્પાદન મેળવવાની લાયમાં જમીન તથા પર્યાવરણની થતી આડઅસરોને ધ્યાને લીધા વગર આડેધડ કૃષિ રસાયણો જેવા કે રાસાયણિક ખાતરો જંતુનાશકો ફુગનાશક ઓ તથા નિંદામણનાશક કોનો વધુ પડતો ઉપયોગ કરે છે આમ રસાયણોના વધુ પડતા ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ તેમ જ વધુ પડતા ખાતરોના મિશ્રણથી પોષકતત્વો અલભ્ય સ્વરુપમાં ફેરવાય જવાથી જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદન ક્ષમતા ઘટી છે વધુ પડતી રાસાયણિક દવાઓના ઉપયોગને કારણે રોગ જીવાત ની પ્રતિકારક ક્ષમતા પણ ઘટી છે આ ઉપરાંત આ જમીનોના તૈયાર થતાં ઉત્પાદનોનો ઉપયોગ થકી મનુષ્ય પક્ષીઓ તથા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરિત અસર જોવા મળે છે .કેટલીક અત્યંત ઝેરી રાસાયણિક દવાઓ પાક રક્ષણની દવાઓ જેવી કે ડી.ડી.ટી., બી. એચ. સી, લિન્ડેન ઉપર સરકાર પ્રતિબંધ મુકવા મજબુર બની છે.
            આમ જમીન પ્રાણીઓ તથા મનુષ્યને થતી આડઅસરો ને રોકવા માટે રસાયણ વિહીન સજીવ ખેતી એક જ યોગ્ય રસ્તો છે જે થકી આપણને જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ."
        છેલ્લા ચાર દાયકાની ધીરજ પૂર્વકની મહેનત થકી તેઓએ કૃષિ વૈજ્ઞાનિકોને શરમાવે તેવા સંશોધનો કરેલ છે. સરકારી નોકરી કરતા તેઓ સતત વિચારતા કે આપણો માનવજીવનમાં આયુર્વેદ વનસ્પતિના ઉપયોગ થી રોગ અટકાવી શકાતા હોય તો વનસ્પતિ અને ખેતીમાં આવતા રોગ, જીવાત કેમ ના અટકાવી શકાય? તેથી પર્યાવરણ બગડે નહીં. મિત્ર કીટકોનું રક્ષણ થાય અને માનવને શુદ્ધ ખોરાક મળી શકે. 1990માં આવા વિચારોથી સંશોધનના પ્રયોગ શરૂ કર્યા. ૧૯૯૫ માં તેઓને પહેલી સફળતા મળી. થોરના દૂધનો આ જીવાત અને રોગોનું નિયંત્રણ મેળવી શકાય છે તે 1995માં તેઓ સાબિત કર્યું. પ્રથમ સફળતાથી તેઓના આનંદનો પાર ન રહ્યો. ત્યારથી શરૂ કરી અલગ-અલગ વનસ્પતિ જેવીકે ગંધાતી, રતન જ્યોત, તમાકુની છીકણી, પીલુ, 'નિકુછી' એટલે કે નીમ તેલ કુંવરપાઠું અને ચીકણી કાળી વેલડી વગેરે વનસ્પતિઓ દ્વારા જુદા જુદા સંશોધનો કર્યા જેનાથી પાકને નુકસાનકારક જીવાત પર નિયંત્રણ ખૂબ સારી રીતે મેળવી શકાય છે. 
           તેઓના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોએ વનસ્પતિઓના ઉપયોગ દ્વારા ઝેરી રસાયણો થી મુક્તિ મેળવી, લાખો રૂપિયા બચાવ્યા તેમજ પર્યાવરણને પણ બચાવ્યું છે. આવા પ્રયોગો થી મળેલી સફળતા ના કારણે સજીવ ખેતી ને ખૂબ જ વેગ મળ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈ પકવતા મોટાભાગના ખેડૂતો ગાભમારા ની ઈયળ ના નિયંત્રણ માટે નો ઉપયોગ કરતા થઈ ગયા છે અને ગાભમારાની ઈયળ નું ખૂબ જ સફળતાપૂર્વક નિયંત્રણ મેળવી શક્યા છે. 
           અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત સમસ્ત ગુજરાત અને ભારત દેશમાં સજીવ ખેતી ના પ્રચાર-પ્રસાર માટે રજનીભાઈ એ ખૂબ જ રસ લીધો છે અત્યારે અનેક ખેડૂતો તેમના આ કાર્ય થી પ્રભાવિત થઈ અને પોતાના ખેતરોમાં પણ આવા પ્રયોગો કરવાના શરૂ કર્યા છે અને સંપૂર્ણ સજીવખેતી આધારે ખેતી કરતા થયા છે. હજારો ખેડૂતો યશ સજીવ ખેતીનું રાહ અપનાવ્યો છે. 
             રાજ્ય હોય કે રાજ્યની બહાર સજીવ ખેતીની શિબિરોમાં તેઓ ભાગ લઈ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું રાજ્યના ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા અનેક પ્રયત્નો કર્યા. દુરદર્શન પર આવતા ગ્રામ જગત કાર્યક્રમે રજનીભાઈ ના આ સંશોધનો ની નોંધ લીધી અને સમસ્ત ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન કરવા માટે અનેક વાર આ ગ્રામ જગત કાર્યક્રમમાં તેઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય પણ ખાનગી ટીવી ચેનલો એ રજની વાયરની આ સંશોધન પ્રવૃત્તિ નથી પ્રેરાઈને તેઓને પોતાના કાર્યક્રમોમાં સામેલ કર્યા છે.

              ખેતીમાં પાક સંરક્ષણ અંગેના આ સંશોધનો કરવા બદલ 1997માં સૃષ્ટિ સંસ્થા દ્વારા લોકવિજ્ઞાન સંકલન હરીફાઈમાં તેઓને પુરસ્કૃત કરવામાં આવ્યા વર્ષ 2001માં રાષ્ટ્રીય કક્ષાએ એન. આઈ. એફ. દ્વારા ગ્રાસરૂટ ઇનોવેશન માટે સ્ટેટ એવોર્ડ માટે રાજની ભાઈ ને રૂપિયા 25000ના રોકડ પુરસ્કારથી દિલ્હી ખાતે તેઓને સન્માનવામાં આવ્યા. વર્ષ 2004માં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિન માનનીય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે જૈવિક પાક સંરક્ષણ કરવા બદલ સરદાર પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.
             સાબરકાંઠા ઈકોકલબ દ્વારા પર્યાવરણ સંરક્ષણ સજીવખેતી કરવા બદલ ઇકો એવોર્ડ પણ રજનીભાઈને એનાયત કરવામાં આવેલ છે. ગૌસેવા આયોગ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગાય આધારિત સજીવ ખેતીના કાર્યક્રમ ચલાવવા બદલ વર્ષ 2012માં પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા. 
          અનેક સંશોધનો બાદ વર્ષ 2004માં મગફળી ક્રિષ્ના જાત તેઓએ વિકસાવી છે. જે વધુ તેલ અને વધુ ઉત્પાદન આપતી જાત છે અને નાઇટ્રોજન વધુ મેળવે છે. 2004 પાંચમાં ઘઉંની નવી જાતની શોધ કરી જેની 2009 10માં લોક બાલ જાત શોધી છે કે ઓર્ગેનિક ખેતીમાં ખૂબ જ અનુકૂળ વધુ ઉત્પાદન આપતી જાત છે. અને ટુકડી પ્રકારની ઘઉંની જાત શોધી છે જે ખાવામાં ખૂબ જ અનુકૂળ છે. 
           વર્ષ 2008માં અડદની નવી જાત શોધવાનું તેઓ શરૂ કર્યું વર્ષ 2015 16 માં અડદની નવી જાત ભૈરવ 1 તેઓના સંશોધનનું પરિણામ છે. જે ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત થઇ છે. જેનું ઉત્પાદન અન્ય જાતિઓ કરતાં બમણું મળે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે. વરસાદમાં બગડતી નથી. સિંગ ફાટતી કે ખરતી નથી. જેથી ખેડૂતોનો ખૂબ જબરો પ્રતિસાદ મળ્યો છે. ખેડૂતોએ આ જાત અપનાવી લીધી છે. 
                 રજનીભાઈનો પ્રકૃતિપ્રેમ અનન્ય છે. તેઓના સંશોધનોમાં તેઓના પરિવારનો સહકાર પણ દાદ માંગી લે તેવો છે. તેઓનો પરિવાર ચોમાસા દરમિયાન ધાબા પર નું પાણી ભૂગર્ભ ટાંકામાં એકત્રિત કરી તેનો સંગ્રહ કરે છે અને આખા વર્ષ દરમિયાન એ વરસાદી પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે. બજારમાં મળતું મિનરલ વોટર તેઓ ક્યારેય ખરીદતા નથી. 
           રજનીભાઈ પટેલ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ છે તેઓ મોસમી પવનોના પણ અભ્યાસી છે. ઉત્તરાયણના દિવસે સૂર્યોદય પહેલા અગાસી પર જઈ સૂર્યાસ્ત સુધી વાતા પવનો નો અભ્યાસ કરે છે. દરેક સેકન્ડ અને મીની તે મિનિટે દિશા બદલતા પવનોની તેઓ નોંધ કરે છે. જે પ્રશ્નો ના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેની તેઓ ભવિષ્યવાણી કરે છે. કઈ તારીખે કેટલા પ્રમાણમાં વરસાદ પડશે તેની સચોટ આગાહી તેઓ પવનના અભ્યાસ દ્વારા કરી શકે છે. પાછલા વર્ષો ની આગાહી જોતા તેઓની આગાહી સચોટ અને સત્ય સાબિત થઈ છે. 
              ખેતીક્ષેત્રે વિવિધ સંશોધનો બદલ તાજેતરમાં જ નાયબ મુખ્ય મંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે રજનીભાઈ નું સન્માન કરવામાં આવ્યું છે. હજી પણ રજનીભાઈ ના ખેતી પર નાર સંશોધનો ચાલુ છે. બહુમુખી પ્રતિભા ધરાવતા રજનીભાઈ પટેલ એ ખરા અર્થમાં અનેક પડકારોનો સામનો કરી રહેલા ખેડૂતો માટે એક આદર્શ છે.

 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી


સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts