Thursday, July 11, 2019

વ્યક્તિ વિશેષ : ડૉ. મફતલાલ પટેલ


શિક્ષણ, સેવા અને સાદગીથી મધમધતું વ્યક્તિત્વ : ડૉ.મફતલાલ પટેલ.



                ડૉ. મફતલાલ પટેલ
             શિક્ષણ, પત્રકારત્વ અને સામાજિક સેવાઓ જેવા બહુવિધ ક્ષેત્રે ખૂબ આદર અને સન્માન સાથે લેવાતું એક મધમધતું નામ છે. સફળતાના ઉચ્ચત્તમ શિખરે પહોંચેલ એક વિદ્વાન વ્યક્તિ ડૉ. મફતલાલ પટેલ સાહેબની વિનમ્રતા કોઈના પણ દિલને સ્પર્શી જાય એવી છે. ત્યાશી વર્ષે પણ યુવાનોને શરમાવે તેવો તળવળાટ ધરાવે છે. આઠ દાયકાની જિંદગીની સફરમાં અનેક તડકા છાંયા જોયા છે. અનેક સંઘર્ષો અને પડકારોને પડકારી સફળતાના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેઓની જીવન યાત્રા કિશોરો, યુવાનો અને વડીલો માટે પ્રેરણા રૂપ છે. 
               મહેસાણા જિલ્લાના વિસનગર પાસેનું કડા ગામ એ તેઓનું વતન. તેઓના માતા-પિતા બંને નિરક્ષર. ખેતર ખેડી જીવન નીરવાહ કરે. અત્યંત ગરીબાઈમાં અનેક અભાવો વચ્ચે તેઓનો ઉછેર થયો. આઝાદી પહેલાના એ સમયમાં શિક્ષણ પ્રત્યે એટલી લોકજાગૃતિ પણ નહીં. છતાં કોઈની મદદ કે સહાય વિના જાત મહેનતે આગળ આવ્યા. 
             પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી શાળામાં લીધું. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને પરિણામે હાઈસ્કૂલ અને કોલેજનું શિક્ષણ ઘરે બેઠા જ લીધું. વાર્નાક્યુલર ફાઇનલ થઈને ગુજરાતી શાળાના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી એટલે શિક્ષકની નોકરી કરતાં કરતાં અભ્યાસ ચાલું જ રાખ્યો. પ્રાઇવેટ કેન્ડીડેટ તરીકે મેટ્રિક અને બી.એ. થયા. બી.એ.માં ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા. ત્રણ વાર જુદા જુદા વિષયમાં ( મનોવિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત) બી.એ. અને એમ.એ . કર્યું. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવચસ્પતિની ઉચ્ચત્તમ ડિગ્રી પ્રાપ્ત કરી. પ્રાથમિક શિક્ષક તરીકે શરૂ કરેલી કારકિર્દીથી યુનિવર્સિટીના ઉચ્ચત્તમ પદ પર તેઓએ 38 વર્ષ સુધી સેવાઓ આપી નિવૃત્ત થયા. 
             શૈક્ષણની 38 વર્ષની  યશસ્વી સફર દરમિયાન તેઓએ અનેક ક્રાંતિકારી પરિવર્તનો સિદ્ધ કરી બતાવ્યાં. કેળવણીની એક નવી જ કેડી કંડારી. તેઓના શૈક્ષણિક ચિંતને શિક્ષણ જગતને અનેક પુસ્તસ્કો ભેંટ આપ્યા. 
                 આઝાદી સમયે સામાજિક પરિસ્થિતિ અત્યંત દયનીય હતી. સમગ્ર સમાજ કુરિવાજો,  રૂઢિઓ, અંધશ્રદ્ધામાં સપડાયો હતો. તે સમયે આ વિરલ પુરુષે સમાજ સાથે રહીને ક્રાંતિકારી કદમ ઉઠાવ્યા છે. આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી કે "હું માત્ર સો રૂપિયામાં લગ્ન કરીશ. લગ્નમાં કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચાઓ નહીં કરું. દહેજ નહીં જ સ્વીકારું." આ પ્રતિજ્ઞાનું પાલન તેઓએ રૂઢિચુસ્ત સમાજ વચ્ચે કરી બતાવ્યું. અને તેઓ હાલના મધ્ય પ્રદેશના મહામાહિમ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ યશસ્વી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા.  સંજયભાઈ અને અનારબહેન   તેઓના બે સંતાનો. તેઓ પણ  સામાજિક સંસ્થાઓ સાથે મળી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં છે. 
                શિક્ષણ સેવાની સાથે સાથે ડૉ. મફતલાલ સમાજ સેવા અને બેદાગ જાહેર જીવનથી પણ તેઓ અળગા રહ્યા નથી. તેઓ 20 વર્ષ (1981-2000) સુધી અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા. ચાર ટર્મ સુધી જંગી બહુમતીથી ચૂંટાયા. જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેઓએ કરેલા કાર્યો આજે પણ અમદાવાદ જિલ્લાના લોકો આદર સાથે યાદ કરે છે. આપની જાણીને નવાઈ લાગશે કે એ સમયમાં સમગ્ર ગુજરાતમાંની જિલ્લા પંચાયતમાં ભાજપના એકમાત્ર વ્યક્તિ ડો. મફતલાલ પટેલ ચૂંટાઈ આવેલા. તેઓ સાચા અર્થમાં પ્રજાના સેવક હતા. અનેક સેવાકીય કર્યો થકી જનતાના હૃદય તેઓએ જીતી લીધા હતા. તેઓએ 1000 ગરીબોના ઘરે ઘરે ફરીને રેશનીંગ કાર્ડ કઢાવી આપ્યા હતા. ચૂંટાયા પછી સેવક તરીકે તેઓએ જે કાર્ય કરી બતાવ્યું જેના પરિણામે બીજી ચૂંટણીમાં તેઓની સામે ઊભા રહેલા તમામ ઉમેદવારોને ડિપોઝીટ ડુલ થઈ ગઈ હતી. મેમનગરમાં 1700 ના મતદાનમાં તેઓને 1620 મતો મળ્યા હતા. કોંગ્રેસ માંડ માંડ 80 મત મેળવી શકી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેઓએ જે સેવાઓ આપી છે તે અમદાવાદ જિલ્લો ક્યારેય ભૂલી શકશે નહીં. 
                તેઓ   મૂળ શિક્ષણના અને કેળવણીના જીવ. તેઓની દીર્ઘ દૃષ્ટિ થી અમદાવાદ જિલ્લાની 1065 શાળાઓની કાયાપલટ કરી નાખી. અમદાવાદ જિલ્લાનું એક પણ ગામ એવું નહીં હોય કે તેઓએ તેની મુલાકાત લીધી ન હોય લોકભાગીદારીથી શાળા રીપેરીંગ નું કાર્ય સૌથી પહેલાં તેઓ શરૂ કરાવ્યું તેઓએ પ્રાથમિક શિક્ષણને સુધારવા જે નીતિઓ નક્કી કરી તેનો આજે પણ ગુજરાત સરકાર અમલ કરી રહી છે. જિલ્લા પંચાયતમાં 20 વર્ષ સુધી સેવાઓ આપવા છતાં બ્રષ્ટાચાર તેઓને સ્પર્શ કરી શક્યો નથી. પોતે ગાંધીવાદી વિચારક છે. ગાંધી મૂલ્યોનું જતન તેઓનો જીવન સંદેશ છે. 
             ડૉ. મફતલાલ પટેલ બહુમુખી પ્રતિભા ધરાવતું મધમધતું વ્યક્તિત્વ છે. તેઓ વિશ્વ પ્રવાસી છે. દુનિયાના વિવિધ દેશોમાં ફરે છે. પ્રવાસ કરે છે. અને ત્યાં ની શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. તેઓએ અમેરિકા, કેનેડા ઈંગ્લેન્ડ, યુરોપ, ઈઝરાઈલ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, સિંગાપુર, થાઇલેન્ડ, ચીન, નેપાળ વગેરે દેશોનો અભ્યાસ કરીને આ દેશના શિક્ષણ તેમજ સામાજીક શૈક્ષણિક બાબતોને લાગતા સંશોધનાત્મક અને માહિતીપ્રદ પુસ્તકો લખ્યા છે. હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં તેઓ એ પુસ્તકોનું સર્જન કર્યું છે. અત્યાર સુધી 70 જેટલાં પુસ્તકો તેઓ લખી ચુક્યા છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો તૈયાર થાય છે, તેમાં પણ ડૉ. મફતલાલ પટેલનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત અસાધારણ મનોવિજ્ઞાન જે આજે પણ એમ.એ. ની ટેક્સ બુક છે. યુવાનોને જાગૃત કરવા અને નશા મુક્ત કરવા માટે તેઓએ "યુવાનો જાગો પરિવર્તન તમારા હાથમાં છે" નામની શિબિરો ગમે ગામ યોજીને યુવાનોના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
                ડૉ. મફતલાલ પટેલે ધંધુકા તાલુકાનું હરીપુરા નામનું એક પછાત, અશિક્ષિત ગામને દત્તક લઈને ગુજરાતનું એક આદર્શ ગામ બનાવ્યું છે. આ ગામમાં તમામ પ્રકારની વ્યવસ્થા જેવી કે શિક્ષણ, કોમ્પ્યુટર, અલગ ગ્રામ પંચાયત, દરેક નાગરિક કોઈ પણ પ્રકારનો ગૃહઉધોગ છે. આ ગામમાં આજે એક પણ વ્યક્તિ અભણ નથી. કોઈ પણ વ્યક્તિ બેકાર નથી. કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. 1985માં દત્તક લીધેલા આ ગામમાં આજે 85 જેટલી બહેનો ગ્રેજ્યુએટ થઈ છે. ગુજરાત રાજ્યના પૂર્વ તમામ મુખ્યમંત્રીશ્રી ઓ એ આ ગામની મુલાકાત લીધી છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાંસદો માટે ગામ દત્તક લેવાનું પ્રેરણાસ્ત્રોત હરીપુરા ગામ રહ્યું છે . ગ્રામોઉત્થાનનું અજોડ કાર્ય કરવા બદલ ડો. મફતભાઈ પટેલને આ ગામના લોકો "હરીપુરાના ગાંધી" તરીકે ઓળખે છે. 
            અત્યારે ડૉ. મફતલાલ પટેલ "અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ"ના મેનેજિંગ ટ્રસ્ટી છે આ ટ્રસ્ટ "અચલા" નામનું શૈક્ષણિક સામાયિક પ્રગટ કરે છે. શિક્ષકોને પ્રોત્સાહિત કરતા તેઓના માનસિક વલણો બદલવામાં "અચલા"નો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કામ કરતાં ઉત્તમ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ આ ટ્રસ્ટ કરે છે ગામડામાં રહેતી ગરીબ ઘરની દીકરીઓને ભણાવવામાં પણ આ ટ્રસ્ટ મદદરૂપ બને છે.
           ડૉ. મફતલાલ પટેલનો પોતાના વતન પ્રત્યેનો અનહદ પ્રેમ અને વતનની માટીનું ઋણ ચૂકવવાની ભાવનાથી તેઓની પ્રેરણા થકી કડા ગામમાં એક અધતન, સમૃદ્ધ સાર્વજનિક પુસ્તકાલય નિર્માણ પામ્યું છે. ત્રણ માળ ધરાવતું વિશાળ પુસ્તકાલય ગામના ઘરેણા સમાન શોભી રહ્યું છે. ગામના વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓ પુસ્તકાલયમાં આવી જ્ઞાન પીપાસા સંતોષે છે. માતૃભૂમિ ની માટી તેઓને સાદ કરી પુકારે ત્યારે સમયની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ દર પંદર દિવસે વતનમાં દોડી આવે છે. કોઈ પણ પ્રોટોકોલ વગર દરેકના ઘરે જાય છે. સૌને હળીમળી તમામની ખબર અંતર પૂછે છે. જરૂરિયાતમંદો ને મદદ પહોંચાડે છે. 
            ડૉ. મફતલાલ પટેલ ઉત્તર ગુજરાતનું જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતનું ગૌરવ છે.

 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

2 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts