નાનકડા "કડા" ગામનું અનોખું અદ્યતન પુસ્તકાલય
"એક સારા પુસ્તકનું વાંચન માણસને પસ્તી બનાવતાં રોકે છે. "
કડા.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનુ સુવિકસિત અને સુશિક્ષિત આ ગામ છે. ગામની સીમમાં આવેલું પૌરાણીક મંદિર અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે.માઁ શિદ્ધેશ્વરી આશીર્વાદ આ ગામ પર હંમેશા વરસતા રહે છે. ગામમાં પ્રવેશતા જ સાફસુથરા પહોળા રસ્તા ગામના નાગરિકોની દૂરંદેશીનો ખ્યાલ આપે છે. આ ગામ આધુનિક ઘણી શકાય એવી બધી સગવડ ધરાવે છે. કડા ગામ એક નાનકડા શહેર જેવું લાગે છે. આ ગામના જાગૃત વડીલોના દીર્ઘદ્રષ્ટિના પરિણામે અનેક જાહેર સંસ્થાઓ વટવૃક્ષની જેમ અહીં ફૂલીફાલી છે. આ બધી સંસ્થાઓમાં સવિશેષ ધ્યાન ખેંચે છે એક સદી કરતાં પણ પુરાણો ઈતિહાસ ધરાવતું ગામનું અદ્યતન સાર્વજનિક પુસ્તકાલય. આશરે સાડા છ હજાર વસ્તી ધરાવતું આ ગામમાં જીર્ણોદ્ધાર પામેલું ત્રણ મજલા વાળુ અત્યાધુનિક પુસ્તકાલય ગામના નાગરિકોની શિક્ષણ પ્રીતિ અને પુસ્તક પ્રીતિનો ખ્યાલ આપે છે.
પુસ્તકાલયના ઇતિહાસની તવારીખો ઉપર નજર કરીએ તો આઝાદી પહેલા કડા ગામ વડોદરા રાજ્યના તાબાનું ગામ. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ પ્રજાપ્રેમી પ્રજાવત્સલ અને શિક્ષણપ્રેમી રાજવી હતા. એ જમાનામાં આ વિદ્યા પ્રેમી રાજવીએ પોતાના રાજ્યમાં શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. શિક્ષણમાં સહયોગી થવા પોતાના રાજ્યના દરેક ગામોમાં સાર્વજનિક પુસ્તકાલય શરૂ કર્યા હતા. 1912માં કડા ગામની પ્રાથમિક શાળામાં મિત્ર મંડળ પુસ્તકાલયના નામે એક સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી.
આ સાર્વજનિક પુસ્તકાલયનું સ્વતંત્ર ભવન 1935માં ગાયકવાડ સરકારે બંધાવ્યું હતું. 19 ડિસેમ્બર 1952ના રોજ નં. ઇ -246 નામે મહેસાણા ખાતે સાર્વજનિક પુસ્તકાલયની રજીસ્ટર નોંધણી ગામના વડીલ ફકીર ચંદ શાહે કરાવેલી. સંસ્થા રજીસ્ટર્ડ થતાં સરકારી મદદ પણ મળવા લાગી. તે વખતે સામાન્ય રીતે પુસ્તકાલયનો વહીવટ પ્રાથમિક શાળાના આચાર્ય કે શિક્ષક સંભાળતા. દરેક શિક્ષક સાંજના સમયે પુસ્તકાલય ખોલતા. વર્તમાન પત્રો વાંચવા લોકો આવતાં. સાથે સાથે પુસ્તકો વાંચવા માટે ઘરે લઈ જતા. ત્યારબાદ યુવક મંડળની સ્થાપના થઇ યુવક મંડળ દ્વારા અનેકવિધ ગ્રામસેવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. એમાં સાર્વજનિક પુસ્તકાલયનો વહિવટ પણ યુવક મંડળે સંભાળી લીધો. આ પુસ્તકાલયથી ગામના તથા આજુબાજુના ગામના લોકો પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવવા લાગ્યા અને ઘણા લોકો તેમના જીવનમાં આ વાંચન થકી વિકાસ કરી આગળ વધવા લાગ્યા.
સમય જતા વર્ષોજૂના પુસ્તકાલય ભવન જર્જરિત બન્યું. તેમાં વસ્તુ આવેલા જૂના પુસ્તકો પડી રહેલાં. પુસ્તકાલય જાણે મૃતપાય સ્થિતિમાં આવી ગયું. પુસ્તકાલયની આવી દયનીય હાલત જોઇને ગામના વિદ્વાન સાહિત્યકાર કેળવણીકાર અને સામાજિક કાર્યકર ડો મફતલાલ જે. પટેલ એ આ પુસ્તકાલયનું જિર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું. ગામના આગેવાનોના સહકારથી અને તેમના અથાગ પુરુષાર્થ ગામનું ખંડેર થઈ ગયેલ પુસ્તકાલય નિર્માણ કામ નો 2007માં આરંભ કરવામાં આવ્યો. પુસ્તકાલય નિર્માણમાં સૌથી પહેલું 11,00,000/- (અગિયાર લાખ) રૂપિયાની માતબર રકમનું દાન ડૉ. મફતલાલ પટેલે આપ્યું.
ગામના વડીલ પ્રફુલભાઈ અંબાઈદાસ પટેલ અને મુરલી ભાઈ જોશીનો પણ સાથ મળ્યો. 2007થી ગુજરાત સરકાર તેમજ રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો. રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશનની છ લાખ જેટલું માતબર દાન મંજૂર કર્યું. શ્રીમતી સ્મૃતિ ઈરાની એ આ પુસ્તકાલય નિર્માણ માટે 15,00,000/- ( પંદર લાખ) રૂપિયાનું દાન આપ્યું. કડા ગામના રહેવાસીઓ જેવો વ્યવસાય અર્થે અમદાવાદ, મુંબઇ, અંકલેશ્વર, વાપી રહેતા હતા ત્યાં રૂબરૂ મળવા ગામના વડીલો ગયા. અને સર્વે એ દરિયાદીલી દાખવી દાનની સરવાણી વહાવી. પુસ્તકલયના આ ભાગીરથ કાર્ય માટે વડીલો દાન લેવા ફરતા ત્યારનો એક પ્રસંગ ટાંકતા ડૉ. મફતલાલ પટેલ જણાવે છે કે એક હરીજન પરિવારે તેઓની દાન માટે પોતાના ઘરે બોલાવ્યા. સર્વે તે હરીજનના ઘરે ગયા. ખૂબ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા આ પરિવારે પુસ્તકાલય નિર્માણ માટે 50 હજાર રૂપિયા ડો. મફતલાલ પટેલના હાથમાં મુક્યા. આ રકમ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. એક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતો હરિજન પરિવાર પુસ્તકાલય નિર્માણ માટે આટલી મોટી રકમ દાનમાં આપે એ કોઇ સામાન્ય વાત નથી. આવા અનેક નાના મોટા દાતાઓના સહયોગથી 2007માં આરંભેલું આ કામ 2017માં પૂર્ણ થયું.
વડીલો ની મહેનત રંગ લાવી આખરે ત્રણ માળ ધરાવતું અદ્યતન પુસ્તકાલય ગામના ચોરામાં ઘરેણા સમાન અડીખમ ઉભું છે. 17 જાન્યુઆરી 2017 ના રોજ રાજ્યના મહા મહિનો રાજ્યપાલ ઓ પી કોહલી ની અધ્યક્ષતા માં લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. દૂર-સુદૂર, દેશ-વિદેશમાં વસતા આ ગામના નાગરિકો આ કાર્યક્રમ માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ અદ્યતન પુસ્તકાલય અત્યાધુનિક સગવડો થી સજજ છે. ગાયકવાડ સમયના 7 લાકડાના કબાટો આજે પણ સાચવી રાખવામાં આવ્યા છે. પુસ્તકો મુકવા આ જે પણ એ કબટ નો ઉપયોગ કરવામાં આવે છે. વીસ હજાર ઉપરાંત પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. બાળકોથી માંડી વડીલો માટે ઉપયોગી થઇ શકે તે તમામ પ્રકારનું સાહિત્ય આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી છે. ઓ.એન.જી.સી. દ્વારા આ પુસ્તકાલયની 10 કોમ્પ્યુટર ભેટ આપવામાં આવ્યા છે. ઈન્ટરનેટ કનેક્ટેડ કોમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ વિશ્વભરની માહિતી એક ક્લિક માત્રથી મેળવી શકે છે. અને જે તે વિષયનું રિસર્ચ પણ કરી શકે છે. પુસ્તક યુએઇમાં ઉપલબ્ધ કોઈ સાહિત્યની જો કોઈ વિદ્યાર્થી ઝેરોક્ષ કરવા ઇચ્છે તે માટે અહીં ઝેરોક્ષ મશીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને લેમિનેશન સુવિધા પણ વિકસાવવામાં આવી છે.
અહીં સુપ્રસિદ્ધ તમામ સામાયિકો અને ભારતના તમામ પ્રમુખ વર્તમાન પત્રો આવે છે ગામના વિદ્યાર્થીઓ વડીલો અહીં બેસી વાંચી શકે છે સિનિયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પુસ્તકાલયમાં વાંચનાલય ની સાથે સાથે બહારગામથી આવેલા મુલાકાતીઓ અને મહેમાનો માટે અલગથી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની લગતું તમામ સાહિત્ય આ પુસ્તકાલયમાંથી વિનામૂલ્યે વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે છે. અને વાંચન માટેની સાનુકૂળતા ઊભી કરવામાં પુસ્તકાલય ભારે જહેમત ઉઠાવી છે. પરિણામે ગત વર્ષે યોજાયેલી પોલીસ જવાનોની ભરતીમાં આ નાનકડા ગામના 28 જવાનોની પસંદગી થઇ. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીઓમાં પસંદગી પામ્યા છે.
હાલમાં ત્રણ કર્મચારીઓ પૂર્ણ સમય માટે સેવા આપે છે. જેમાં પૂરી લાયકાત ધરાવતા ગ્રંથપાલ બેન, મદદનીશ ગ્રંથપાલ અને બીજા એક કર્મચારીની નિમણૂક પુસ્તકાલયની રોજ-બરોજ ની કામગીરી સંભાળવા માટે કરવામાં આવી છે. હાલમાં 40થી 50 વિદ્યાર્થીઓ આખો દિવસ અને રાત્રીના અગિયાર વાગ્યા સુધી પુસ્તકાલયના વાંચનાલય માં અભ્યાસ માટે આવે છે. હવે પછીની ગામની નવી પેઢીને કારકિર્દીની તકો, ધંધાકીય માર્ગદર્શન અને અંગ્રેજી, કોમ્પ્યુટર અને વ્યક્તિત્વ વિકાસ ની તાલીમના વર્કશોપ કરી વિદ્યાર્થીઓ ને સજ્જ કરવામાં આવી રહ્યા છે.
અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓની નબળી આર્થિક સ્થિતિ વાળા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી લઈ જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધીના તમામ પુસ્તકો વિનામૂલ્યે આ પુસ્તકાલય દ્વારા પૂરા પાડવામાં આવે છે. વિદ્યાર્થીને જોઈતા પુસ્તકો ખરીદી તેનું બીલ પુસ્તકાલયમાં જમા કરતાં તરત જ તે વિદ્યાર્થીને બિલની રકમ રોકડમાં ચૂકવી દેવામાં આવે છે.
આ પુસ્તકાલય જ્ઞાન મંદિર બની ગયું છે. આ સાર્વજનિક પુસ્તકાલય અને આવનારા સૈકાઓ સુધી અહર્નિશ કાર્યરત રાખવા માટે એક ફંડ એકઠું કરી એફ.ડી કરવામાં આવી છે ગામના પુસ્તકાલય આવનાર પેઢી ના ઘડતરમાં શ્રેષ્ઠ ભૂમિકા પૂરી પાડશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. તેની પ્રવૃત્તિઓ ઉત્તરોઉત્તર વિકસતી રહે ગામની શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકાલયનો લાભ ઉઠાવીને હજારો ભાઈઓ-બહેનો દેશ-વિદેશમાં ઠરીઠામ થઈને સુખી જિંદગી જીવશે એનાથી વિશેષ પુણ્યનું કામ વાળી બીજું શું હોઈ શકે.
અદ્યતન પુસ્તકાલય નિર્માણ ની પાયાની પ્રથમ ઈંટ મુકનાર શિક્ષણ પ્રેમી કડા ગામના વડીલો, શ્રેષ્ઠીઓ અને દાતાઓ ને કોટી કોટી વંદન.
લેખન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ વોટ્સએપ દ્વારા મોકલી શકો છો. મો. નં. 98251 42620)
Very Good iswarbhai
ReplyDelete