Monday, July 15, 2019

આપણો જિલ્લો આપણું વતન : અરવલ્લી ભાગ -24


 અરવલ્લી - સાબરકાંઠાની લાઈફ લાઈન સાબરડેરી


              સાબર ડેરી. 
         સાબર ડેરી એ માત્ર ડેરી નથી પરંતુ સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો અને નાના ખેડૂતો માટેની લાઈફ લાઇન છે. માત્ર 19 દૂધ મંડળીઓના સંઘ અને 5100 લીટર દૂધથી શરૂૂ   થયેલી  સાબર ડેરી  આજે વટવૃક્ષ બની ફૂલી ફાલી છે. જેની છત્ર છાંયામાં અરવલ્લી અને સાબરકાંઠાના લખો પશુપાલક મહિલાઓ અને ખેડૂતો આત્મસન્માન સાથે જીવી રહ્યા છે. આજે અરવલ્લી અને સાબરકાંઠાના ગામે ગામ દૂધ મંડળીઓ સ્થપાઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં ઉત્પાદન પ્લાન્ટ્સ નાખવામાં આવ્યા છે. સાડા પાંચ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સબરડેરીની સ્થાપનાનો ઇતિહાસ જાણવા જેવો અને ગૌરવપ્રદ છે. સાબરડેરીના પાયાની ઈંટ મુકવા આપણા જિલ્લાના પ્રામાણિક અને નિષ્ઠાવાન વાડીલોએ પોતાની જાત ઘસી નાખી છે. 
             આજથી પાંચ દાયકા અગાઉના સમયમાં દૂધ વેચી ન શકાય તેવી માન્યતા દૂધ ઉત્પાદકોમાં પ્રવર્તતી હતી. અને જે લોકો દૂધ વેચીને આર્થિક રીતે આવકનું સાધન ઉભુ કરવા માંગતા હતા, તેમનું ખાનગી વ્યાપારીઓ દ્વારા રીતસર શોષણ કરવામાં આવતું હતું. તેવા સમયે પ્રાંતિજ તાલુકાના ઘડકન ગામના વતની ભૂરાભાઈ ખોડીદાસ પટેલે સાબરડેરીનું વિરાટ સ્વપ્ન સેવ્યું. લોકો તેમને ભૂરા કાકાના નામથી પણ ઓળખે છે. વર્ષો પહેલા તેમણે સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો માટેની અમુલ જેવી ડેરી ઊભી કરવાનું સ્વપ્ન નિહાળ્યું. એ વખતે બાબુભાઈ રબારી નામના એક યુવાને લઈ ડેરી ઊભી કરવા ફર્યા કરે. બાબુભાઈ રબારીના હાથમાં એક બ્રીફકેસ હોય. તેમાં ડેરી ઊભી કરવાના કાગળીયાં હોય. બાબુભાઈ હસમુખા અને હોશિયાર વહીવટકર્તા હતા. એ વખતે દૂધનો ધંધો જે ખાનગી સપ્લાયર્સ પાસે હતો. તેઓ પશુપાલક અને ગ્રાહકોને લૂંટતા. આ શોષણમાંથી મુક્તિ અપાવવા ભુરાભાઈ પટેલ આણંદ જઈ ડૉ. વર્ગીસ કુરિયનને મળ્યા. તેમની સલાહથી ભૂરાભાઈ પટેલ સાબરકાંઠાની આગવી સહકારી ડેરી ઉભી કરવા નિર્ણય કર્યો અને તેમના પ્રયાસોથી ઊભી થઈ સાબરડેરી જે સાબરકાંઠા અને અરવલ્લીનું એક આગવું નજરાણું છે.
            પ્રાંતિજ તાલુકાના ઘડકનના વતની ભુરાભાઈ ખોડીદાસ પટેલ, તલોદના અંબુભાઇ દેસાઇ, પોગલુંના ગોપાળભાઈ પટેલ તેમના તાલુકાના દૂધ ઉત્પાદકોને સંગઠિત થઈ ડેરી બનવા અનુરોધ કર્યો હતો. અને ગ્રામકક્ષાએ દૂધ મંડળીની રચના કરવા માટેના સક્રિય પ્રયાસો શરૂ કર્યા. અને તમામ મુશ્કેલીઓ માં વચ્ચે 27 નવેમ્બર 1964માં પ્રાંતિજ તાલુકાની 19 દૂધ મંડળીઓના સહકારથી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની સ્થાપના કરવામાં આવી. અને 29 ઓક્ટોબર 1965 લાભ પાંચમના શુભ દિવસે ઘરે ઘરે ફરીને 5100 લીટર દૂધ એકત્રિત કરીને જિલ્લામાં કોઈ પ્લાન્ટ કેન્દ્ર ન હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ ડેરી માં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
        ઇ.સ. 1970માં તાત્કાલિન સાંસદ સી. સી. દેસાઇના પ્રયાસોથી એન. ડી.ડી. બી . તેમજ ઇન્ડિયન ડેરી  કોર્પોરેશનના  અને દેશના શ્વેતક્રાંતિના સર્જક ડૉક્ટર વર્ગીસ કુરિયનના પ્રયાસોથી ઓપરેશન ફ્લડ નંબર 1 યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં અધ્યતન ડેરી પ્રોજેક્ટ ઉભો કરવા 2.52 કરોડ નાંણાકીય સહાય મળતા હિંમતનગર તાલુકાના બોરીયા ગામ (અમદાવાદ હાઇવે ટચ જગ્યા) માં જમીન ખરીદીને ૧૧મી જૂન 1971ના દૈનિક 1.5 લાખ લીટર જેટલા દુધની ક્ષમતા ધરાવતી સાબરડેરીના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત ડો વર્ગીસ કુરિયનના હસ્તે કરવામાં આવ્યું હતું. અને સાબર ડેરીના સ્થાપક અને પ્રથમ ચેરમેન ભુરાભાઈ ખોડીદાસ પટેલના હસ્તે 1974માં સાબરડેરીનો પ્રોજેક્ટ ધમધમતો થઇ ગયો હતો.
             આજે દેશના જુદા જુદા રાજ્યોમાં સાબર ડેરી દ્વારા પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેમાં દૂધની બનાવટની અનેક ચીજ વસ્તુઓ બને છે. તે પ્રવાહી દૂધ પેક કરે છે અને લગભગ તમામ પ્રકારનાં દૂધ ઉત્પાદનો ઉત્પન્ન કરે છે. તેમાંથી ઉત્પાદિત મોટા ઉત્પાદનોમાં બટર, શિશુ દૂધ પાવડર, ડેરી વ્હાઇટનર, ઘી, પનીર, દહીંઅને છાશ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા અમુલ બ્રાન્ડ હેઠળ છે. આ તમામ પ્રોડક્ટ્સ ભારત ઉપરાંત દુનિયાના બીજા દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. 

             બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ભૂરાભાઈ પટેલ રોજ સવારે ચાર વાગે ઉઠી ને 20 થી 22 ગામોની મુલાકાત લેતા. તે ગામોના ખેડૂતોની ભેગા કરી ગામમાં સહકારી મંડળી ઉભી કરવા સમજાવતાં રાતના બાર વાગે ઘરે પાછા પહોંચતા સાબરકાંઠામાં મોટાભાગના ગામોમાં આજે દૂધ મંડળીઓ સારી રીતે ચાલી રહી છે અને ડેરીના પાક્કા મકાનો છે. નાના ખેડૂતો વિધવાઓ અને ગરીબોને દૂધની આવક મળી તે ભૂરા કાકા ને આભારી છે.

                 ભુરાભાઈ ખોડીદાસ પટેલ કે સાબરડેરીના આદ્યસ્થાપક અને ડેરીના પ્રથમ ચેરમેન બન્યા. ઘડકન ગામના વતની ભુરાભાઈ ખોડીદાસ પટેલ એક મધ્યમ ખેડૂત પરિવારમાં જન્મેલા. માત્ર ગુજરાતી ધોરણ છઠ્ઠું પાસ હોવા છતાં તેમનામાં વિચક્ષણ બુદ્ધિ મતદાન હતી. ખેડૂત કુટુંબમાં જન્મેલા હોવાના લીધે ખેતીનો વિકાસ અને ખેડૂતોનું હિત તેમના હૈયામાં વસેલું હતું. ભણતર ઓછું હોવા છતાં એમને વાંચવાનો ખુબ શોખ હતો. ખાસ કરીને તેઓ નવલકથાઓ ખૂબ વાંચતા. જીવનના છેલ્લા વર્ષો સુધી તેમણે વાંચવાનો શોખ જાળવી રાખ્યો. ભુરાભાઇની વકૃત્વ પ્રભાવશાળી હતી. એક તો તેમનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું અને બીજું દાખલા દલીલો સાથે ભાષણ કરવાની તેમની શૈલી વિશિષ્ટ હતી. પોતાના 42-84 કડવા પાટીદાર સમાજ તેમજ ગુજરાતના અન્ય પાટીદાર સમાજમાં ચાલી રહેલા જુનવાણી રોવા કૂટવાના, બારમા-તેરમાના, લગ્ન વરઘોડા તેમજ કરિયાવરના ખોટા ખર્ચાના વહેમો, અંધશ્રદ્ધાઓ વગેરે દૂર કરવા અંગે તેમણે જેહાદ ઉપાડેલી. તેથી માત્ર તેમના સમાજના જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના સમાજસુધારક તરીકે ગણના પામ્યા હતા.
            ભુરાકાકા અલ્પશિક્ષિત બહુ જ ઓછું ભણેલા, પણ એમની તર્કશક્તિ, વિચારશક્તિ, પરખ શક્તિ, નિર્ણયશક્તિ, કાર્યશક્તિ, તથા કોઠાસૂઝ ભલભલાની ચકિત કરી દે તેવા હતા. ભૂરાકાકા પણ લોકોને પોતાનામાં જ એક લાગતાં. અને એટલે એમની અને ગ્રામજનોની વચ્ચે તશુંભાર જેટલું પણ અંતર ન હતું. એમનું બોલવું , ચાલવું , પહેરવું , ખાવું-પીવું, હરવું-ફરવું બધું જ ગ્રામ્યલક્ષી ગામડાના લોકો જેવું જ. તેઓ ગામડાના સીધા-સાદા જીવ હતા એમની બોલી એટલે ખેડૂતોની બોલી, ગામડાની બોલી. એમના વક્તવ્યમાં આવતાં તળપદા શબ્દો-વાક્યો સોંસરવા નીકળી જાય તેવા , ધારી અસર કરી તેવા. ક્યાંય દંભ કે બનાવટી છાંટ જોવા ન મળે ખેતર ખેતી અને ખેડૂતની વાત કરે ત્યારે બધી આપવીતિ ઓ માંથી પસાર થયેલા કોઈ ખેડૂત બોલતા હોય તેવું લાગે. ભુરાભાઈ કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ તથા ઊંઝા ઉમિયામાતા સંસ્થાનના સાથે પણ સંકળાયેલા હતા.
              સ્ત્રી કેળવણીના પણ ભુરાભાઈ જબરજસ્ત હિમાયતી હતા. ચંદ્રાલા એ તેમનું કન્યા કેળવણીનું એક મહાન સ્વપ્ન હતું. તેઓ કહેતાં કે મારે કન્યાઓને એવી કેળવણી આપવી છે કે ઘોડે સવારી શીખે, બંદૂક ટચલાવતા શીખે, તરતા શીખે, જુડો કરાટે શીખે અને શારીરિક- માનસિક રીતે એટલી મજબૂત થાય કે અડધી રાત્રે પણ જ્યાં જવું હોય ત્યાં હિંમતભેર જઈ શકે તેવી કેળવણી મારે કન્યાઓને આપવી છે.
              ભૂરાકાકા એ કન્યા કેળવણીને ખુબ જ મહત્વ આપ્યું હતું. કન્યા કેળવણીના સ્વપ્નને સાકાર કરવા તેઓએ પોતાના શરીરની પણ ચિંતા કર્યા વિના ઉમાશંકર તીર્થ નામના કન્યા કેળવણીના સંકુલની મૂર્તિમંત કર્યું છે. આ સંકુલને જ તેઓ પોતાનું ઘર માનતા. તેમાં ભણતી બહેનોને પોતાની દીકરીઓ માનીને વહાલ કરતાં. તેથી તો બહેનોએ તેઓને દાદાના નામથી બોલાવતી હતી.
             ખેડબ્રહ્મા તાલુકાના પાદરડી ગામે દૂધ મંડળીનું ઉદ્ઘાટન કરવા ગયા ત્યારે બધુ પતી ગયા પછી જ્યારે જમવા બેઠા ત્યારે સદાય કહ્યું કે અહીંયા બાજરી નથી. થતી એટલે મને મકાઈનો રોટલો આપો બાજુમાંથી લાવી આપ્યો તો તે પ્રેમથી જમ્યા. ગ્રામ્ય જે સ્થિતિ હોય સંજોગો હોય તેને તેઓ અનુકૂળ થઈ જતા. રાત્રી રોકાણ દરમિયાન રાત્રી ઉપર પ્રોગ્રામ રાખ્યો. ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભેગી કરી. અને બહેનોને સમજે એવી રીતે ભવિષ્યમાં દૂધ જીવનમાં કેવો કેવો આર્થિક ભાગ ભજવશે તે રાત્રીના એક વાગ્યા સુધી સમજાવ્યું. બીજા કોઈ આડંબર નહીં. હારતોરા નહિ. એક પાટ ઉપર બેઠેલા દાદાને બહેનો પ્રશ્નો પૂછતી જાય ને દાદા જવાબ આપતા જાય. આજે આ બધી વાતો સાચી પડી છે ઓછા પાણીવાળા વિસ્તારમાં જીવન જીવવાનો મુખ્ય વ્યવસાય દૂર રહ્યો છે. 
                  ભૂરાકાકાએ દુનિયાના 30 દેશોના પ્રવાસો કર્યા છે. 90 વર્ષની વયે પણ વાંચનનો શોખ જાળવી રાખ્યો હતો. લીમડાને તેઓ તંદુરસ્તીનું પ્રતીક માનતા. અમદાવાદ હિંમતનગરના માર્ગ ઉપર સંસ્કારતીર્થ કેમ્પસમાં લીમડાના ઝુંડ જોવા મળે છે. એ ભૂરા કાકા ની મહેનતનું જ પરિણામ છે. 
ખેડૂતોના હિતચિંતક હોવાને લીધે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે તેમને 'ખેડૂત રત્ન' પુરસ્કાર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના 82-84 સમાજે કાકાને 91 વર્ષની વયે રૂપિયા 91000 ની થેલી આપી સમાજ રત્નનો ઈન્કલાબ આપ્યો હતો. તારીખ 1 ઓગસ્ટ 1995 ના રોજ ભૂરાકાકાનું 95 વર્ષની વયે દુખદ અવસાન થયું સાબર ડેરી તેમનું જીવતુંજાગતું સ્મારક છે. 

(સંદર્ભ : શ્વેત ક્રાંતિના સર્જક - પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ
સહયોગ : નીરવ પટેલ)

લેખન - સંકલન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.


No comments:

Post a Comment