Sunday, April 28, 2024

સન્ડે સ્પેશિયલ

 સાબરકાંઠા લોકસભા મત ક્ષેત્ર માંથી ચૂંટાઈને બે બે  વખત કાર્યવાહક  PM બનનારા એ  નેતા જેમનો કુલ  સામાન એક પેટીમાં સમાય એટલો જ હતો.

    
       
 લોકસભાની ચુંટણીનો મહાસગ્રામ જબરજસ્ત જામ્યો છે. ત્યારે આજે એવા એક રાજનેતાની વાત કરવી છે કે જેઓની  પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠાની વાતો આજની પેઢીને કદાચ દંતકથા સમાન જ લાગે  ! વાત છે સાબરકાંઠા મત ક્ષેત્રમાંથી ચૂંટાઈને લોકસભામાં પહોંચેલા બે બે વાર કાર્યકારી વડાપ્રધાન પદ શોભાવનાર  ભારતરત્ન ગુલઝારી લાલ નંદાની !   

    એક 94 વર્ષના વૃદ્ધને ભાડાના મકાનમાંથી મકાન માલિકે બહાર કાઢી મુક્યા. આ વૃદ્ધ માણસ પાસે પોતાની જૂની પથારીકેટલાક એલ્યૂમિનિયમના વાસણોપ્લાસ્ટિકની ડોલ અને ટમલર સિવાય ભાગ્યે જ કોઈ સામાન હતો. આ બધો જ સામાન મકાન માલિકે રસ્તા ઉપર ફેંકી દીધો. 94 વર્ષના વૃદ્ધે મકાન માલિકને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપવા વિનંતી કરી. પડોશીઓને પણ આ વૃદ્ધ પર દયા આવી અને તેમણે મકાન માલિકને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપવા માટે સમજાવ્યા હતા. અંતે આ મકાનમાલિકે વૃદ્ધને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપ્યો. આ વૃદ્ધ માણસ તેમની વસ્તુઓ ઘરની અંદર પરત લઈ ગયા. ત્યાંથી પસાર થતા એક પત્રકારે રોકાઈને આ સમગ્ર ઘટનાક્રમ જોયો. 

        પત્રકાર ભાડુઆત અને મકાનની કેટલીક તસવીરો  લીધી અને તેના તંત્રીને જઈ આ ઘટના અંગે વિગતવાર જણાવ્યું. તંત્રી તસવીરો જોઈને ચોંકી ગયા.  તેમણે પત્રકારને એકીશ્વાસે પૂછ્યું  "તું આ વૃદ્ધને ઓળખે છે ".  પત્રકારે કહ્યુંના.." બીજા જ દિવસે આ અખબારના પહેલા પેઈજ પર મોટા સમાચાર છપાયા. હેડિંગ હતું, "ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા એક દયનીય જીવન જીવી રહ્યા છે." આ સમાચારમાં આગળ લખ્યું કે કેવી રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન ભાડું ચૂકવવામાં અસમર્થ હતા અને કેવી રીતે તેમને ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. 

        આ સમાચાર છપાયાના બીજા દિવસે તત્કાલીન વડાપ્રધાને તેમના પ્રધાનો અને અધિકારીઓને વાહનોના કાફલા સાથે ગુલઝારીલાલ નંદના ઘરે મોકલ્યા હતા.  આટલા બધા વીઆઈપી વાહનોનો કાફલો જોઈને મકાન માલિક પણ સ્તબ્ધ થઈ જાય છેજ્યારે તેને ખબર પડી કે તેમના ભાડૂઆત બીજુ કોઈ નહી પરંતુ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા છે.  મકાનમાલિકે તરત જ ગુલઝારીલાલ નંદાના પગમાં પડી પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. અધિકારીઓ અને વીઆઈપીઓએ ગુલઝારીલાલ નંદાને સરકારી આવાસ અને અન્ય સુવિધાઓ સ્વિકારવા વિનંતી કરી પણ ગુલઝારીલાલ નંદાએ એમ કહીને તેમની ઓફર ન સ્વીકારી કે આ વૃદ્ધાવસ્થામાં આવી સુવિધાઓનું હવે મારે શું કામ છે. તેમના છેલ્લા શ્વાસ સુધી તેઓ એક સામાન્ય નાગરિકની જેમ સાચા સ્વાતંત્ર્ય સેનાની રહ્યા હતા. 1997 માં  તેમને "ભારત રત્ન" એનાયત કરવામાં આવ્યો હતો. 

      વિરલ રાષ્ટ્રભક્ત નંદાજી  વધુ એક પ્રેરક દાહરણ પ્રસ્તુત છે.  સન 1951-52નું વર્ષ હતું.  મુંબઈના નેપિયન્સી રોડ ઉપરમુંબઈ રાજ્યના તત્કાલીન મંત્રી શ્રી ગુલઝારીલાલ નંદાજી પોતાના બંગલામાં ભોજન લેવા બેઠા હતા. એ સમયે ભારતની પછાત પ્રજા માટે રશિયાથી આયાત કરાયેલા હલકી કક્ષાના લાલ ઘઉંની ભાખરી તેઓ જમી રહ્યા હતા. તેમના એક મિત્ર તે વખતે ત્યાં આવ્યા ને પૂછ્યું : ‘તમે શા માટે આવું હલકું ધાન જમો છો આપણને તો સારા ઘઉં મળે જ છે ને !’

     નંદાજીએ કહ્યું : ‘હું જે પ્રજાનો નેતા બન્યો છું એ મોટા ભાગની પ્રજા આ જ ઘઉં ખાય છેતો મારાથી સારા ઘઉં કઈ રીતે જમાય ?’નંદાજીના આ ઉત્તરે મિત્રને નતમસ્તક બનાવ્યા.

       અમદાવાદ મેમનગરમાં એક નાની સોસાયટીમાં બે રૂમ રસોડાના સાવ નાના મકાનમાં નંદાજીને મળતાં કોઈને પણ એમના વાર્તાલાપમાં અણસાર સુધ્ધાં ન આવતો કે તેઓ વર્ષો સુધી ભારતના કેન્દ્રીય મંત્રી અને બબ્બે વખત કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે રહી ચૂકેલ વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે ! ન કોઈ બ્લેકકેટ કમાન્ડોની કિલ્લેબંદી કે ન કોઈ દોરદમામ ! ન કોઈ અહંકાર કે ન કાંઈ કરી નાંખ્યાનો ગર્વ ! નરી સરળતા અને સાદગી ! આંજી નાંખે તેવા મુખ પર છલકાતો જીવનનો પરમ પરિતોષ !

    ગુલજારીલાલ નંદાનો જન્મ જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોરઆગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય (1920-1921)માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ (મુંબઇ)માં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આ જ વર્ષે તેઓ અસહયોગ આંદોલનમાં સામેલ થયાં. 1922માં અમદાવાદ ટેક્સ્ટાઇલ લેબર એસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે 1946 સુધી કામ કર્યું. તેમને 1932માં સત્યાગ્રહ માટે જેલ જવું પડ્યું તેમજ ફરી 1942થી 1944 સુધી પણ તેઓ જેલમાં રહ્યા.

    નંદાજી 1937માં બોમ્બે વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા તેમજ 1937થી 1939 સુધી તેઓ બોમ્બે સરકારના સંસદિય સચિવ (શ્રમ તેમજ ઉત્પાદ શૂલ્ક) રહ્યા. પાછળથી બોમ્બે સરકારના શ્રમમંત્રી (1946થી 1950 સુધી)ના રૂપે તેમણે રાજ્ય વિધાનસભામાં સફળતાપૂર્વક શ્રમ વિવાદ વિધેયક રજૂ કર્યું. તેમણે કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેહિન્દુસ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે તેમજ બોમ્બે આવાસ બોર્ડમાં અધ્યક્ષ તરીકે કાર્યું કર્યું. તેઓ રાષ્ટ્રીય યોજના સમિતિના સદસ્ય પણ રહ્યા હતા. રાષ્ટ્રીય મજદૂર કૉંગ્રેસના આયોજનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પછીથી તેમના અધ્યક્ષ બન્યા હતા. 1947માં તેમણે જિનેવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં એક સરકારી પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો. તેમણે સંમેલન દ્વારા નિયુક્ત ‘ધ ફ્રીડમ ઓફ એસોસિયેશન કમિટિ’ પર કાર્ય કર્યું તેમજ સ્વીડનફ્રાન્સસ્વીટ્ઝરર્લેન્ડબેલ્જિયમ તેમજ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી. જેથી તેઓ એ દેશોમાં શ્રમ અને આવાસની સ્થિતિનું અધ્યયન કરી શકે.

     માર્ચ 1950માં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. પછીના વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ કેન્દ્ર સરકારના યોજના મંત્રી બન્યા હતા. આ ઉપરાંત તેમને સિંચાઇ તેમજ વિજળી વિભાગોનો પ્રભાર પણ અપાયો હતો. તેઓ 1952ની સામાન્ય ચૂંટણીમાં મુંબઇથી લોકસભા માટે ચૂંટાયા અને ફરીથી યોજના સિંચાઇ તેમજ વિજળીમંત્રી તરીકે નિયુક્ત થયા હતા. તેમણે 1955માં સિંગાપોરમાં આયોજિત યોજના સલાહકાર સમિતિ તેમજ 1959માં જિનેવામાં આયોજિત આંતરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

    નંદાજી 1957ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા તેમજ શ્રમ તથા રોજગાર અને નિયોજનના કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવ્યા હતા. પછીથી તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ નિયુક્ત થયાં હતા. તેમણે 1959માં જર્મની સંઘીય ગણરાજ્યયુગોસ્લાવિયા તેમજ ઓસ્ટ્રીયાની મુલાકાત લીધી હતી.

    1962ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ગુજરાતના સાંબરકાંઠાથી લોકસભા માટે ફરીથી ચૂંટાયા હતા. તેઓ 1962 તેમજ 1963માં કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી તેમજ 1963થી 1966 સુધી ગૃહમંત્રી રહ્યા હતા.

    તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું નિધન 1964ની 27 મેના રોજ થયું હતું. તેમના મૃત્યુ પછી ગુલઝારીલાલ નંદાએ નવમી જૂન સુધી દેશના કાર્યવાહક વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. એ પછી લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા. તાંશ્કદમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ફરીથી 11 જાન્યુઆરી 1966માં તેમણે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. બે વાર કાર્યવાહક વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા સાદગીને પવિત્રતાની મૂર્તિ હતા.

     રાજકારણમાં ગુલઝારીલાલ નંદા જેવા નખશીખ પ્રમાણિક રાજનેતાની   અછત વર્તાય છે. જેઓ બે વખત વડાપ્રધાન હતા.

     ગુલઝારીલાલ નંદા કહેતા હતા કે ગાંધીજીના સિદ્ધાંતોથી વિચલિત થવું એ તમામ ભ્રષ્ટાચારનું મૂળ છે. તેમણે માત્ર એવું કહ્યું જ ન હતુંતેનું આચરણ પણ કર્યું હતું. તેથી જ કદાચ તેમના બૅન્ક એકાઉન્ટમાં થોડાક હજાર રૂપિયાથી વધારે રકમ ક્યારેય રહી ન હતી. ગુલઝારીલાલ નંદાને  રાજકારણનું રત્ન કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

Thursday, April 25, 2024

યુદ્ધ : થ્રીલ - સસ્પેન્સથી ભરપુર સ્ટોરી, અદભુત અભિનય અને ક્રિએટિવ દિગ્દર્શન.

                    યુદ્ધ

થ્રીલ - સસ્પેન્સથી ભરપુર સ્ટોરી, અદભુત અભિનય અને ક્રિએટિવ  દિગ્દર્શન.


      ફિલ્મ હોય, ડ્રામા હોય કે પછી વેબ સીરીઝ હોય આ ક્ષેત્ર ગળાકાપ  હરીફાઈથી બાકાત નથી. જેનો શિકાર ઘણી ઉત્કૃષ્ઠ ફાઈલ ડ્રામા કે વેબ  સિરીઝ પણ બનતી હોય છે. ભલે  ફિલ્મનું નિર્માણ શ્રેષ્ઠતમ રીતે થયું હોય એમ છતાં તેની ભાગ્યેજ નોંધ લેવાતી હોય છે. જ્યારે ચિલા ચાલુ સ્ટરીઝ હોય અને દમ વિનાનું દિગ્દર્શન હોય તોય એની બોલબાલા બોલાય છે. એનું શું  કારણ છે એમાં નથી પડવું પણ આજે વાત કરવી છે એવી જ એક ઉત્કૃષ્ટ ગુજારતી વેબ સિરીઝ યુદ્ધ  ની !જે થોડા સમય પહેલાં જ JOJO OTT પર પ્રસ્તુત થઈ. શ્રેષ્ઠતમ કક્ષાની આ વેબ સિરીઝ છે. એમ છતાં એની ચર્ચા ભગ્યેજ ક્યાંય થતી જોવા મળી. ચીલા ચાલુ વેબ સિરીઝ કરતાં કથા વાર્તાથી માંડી અભિનય અને દિગ્દર્શન  દાદા માંગી લે છે.

      આદરણીય દેવેન્દ્રભાઇ પટેલ સાહેબ* લિખિત *"અનાહિતા"*   રહસ્ય અને રોમાંચથી ભરપૂર આ નવલકથા અત્યંત લોકપ્રિય બની. એનાહિતા નવલકથા પરથી નિર્માણ પામેલ *"યુદ્ધ"* - થ્રિલર વેબ સીરીજ  JOJO ઓટીટી પર રજૂઆત પામી છે.  અનેક લોકોએ આ વેબજે આજે  *સંદેશ  લાઈબ્રેરી* ખાતે યુદ્ધ વેબ સિરીઝનો શૉ યોજવામાં આવ્યો.
     આ વેબ સિરીઝમાં ગુજરતી હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા  ચેતન  ધનાની અભિનેત્રી પૂજા જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સાથે અન્ય પાત્રો માટેની  પસંદગી અને તેમના દ્વાર થયેલ અભિનય કાબિલે  તારીફ છે. કર્તવ્ય શાહનું દિગ્દર્શન દાદ માંગી લે છે.
     ગુજરાતી  ભાષામાં નિર્માણ પામેલી  થ્રીલ અને સસ્પેન્સથી ભરપૂર આ કક્ષાની યુદ્ધ વેબ સિરીઝે  ગુજરતી દર્શકોમાં નવી આશા જન્માવી છે. સીરીઝ ના કુલ પાંચ ભાગમાં છે. પહેલા ભાગથી જ  પટકથા દર્શકોના દિલોદિમાગ પર પક્કડ જમાવવામાં સફળ રહી છે. એક વાર જોવાનું શરૂ કરીએ એટલે આગળના ભાગ જોવા ઉત્કંઠા દર્શક ખાળી શકતો નથી. એક જ બેઠકમાં સીરીઝ જોવા દર્શક મજબૂર બની જાય છે.
    સસ્પેન્સ અને થ્રીલર વેબ સિરીઝને *JOJO OTT* platform પર ફ્રી જોઈ શકો છો.
     કર્તવ્ય શાહ દ્વાર ડિરેકટ થયેલી અદભૂત વેબસિરીઝના પ્રોડ્યુસર સ્નેહી મિત્ર સલિલભાઈ પટેલ  છે.  થ્રીલ અને સસ્પેન્સ સ્ટોરી માણવા
Play store પર થી JOJO ડાઉનલોડ કરી આપ પણ યુદ્ધ વેબ સિરીઝ અચૂક નિહાળશો.

- ઈશ્વર પ્રજાપતિ.

Sunday, April 21, 2024

સન્ડે સ્પેશિયલ

ભૂખ્યા જનોની જઠરાગ્રની ઠારતી અવલ્લીની ઓળખ સમી અનોખી સેવાકીય સંસ્થા :

 અન્નપૂર્ણા ટ્રસ્ટ 


               અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલું   અન્નપૂર્ણા ટ્રસ્ટ  એ અનેકવિધ ક્ષેત્રે ઉમદા સેવાઓ પ્રદાન કરી એક આગવી ઓળખ ઉભી કરી છે. અન્નપૂર્ણા હવે કેવળ સંસ્થાન નથી રહી અન્નપૂર્ણા આ પ્રદેશનું એક આંદોલન બની ગયું છે. વર્ષે દહાડે લાખો ગરીબ દર્દીઓ અન્નપૂર્ણાના અન્નનો અમી ઓડકાર ખાઈ આશિષ પાઠવે છે. નાનકડા વિચારબીજ માંથી વટવૃક્ષ બનેલી આ સંસ્થાના કાર્યનો પરિચય મેળવવા જેવો છે.
             શિક્ષણનગરી તરીકે સુવિખ્યાત બનેલું અરવલ્લી જિલ્લાનું મુખ્યમથક મોડાસા આરોગ્યધામ તરીકે પણ પ્રચલિત બન્યું છે. આ નગરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ વિખ્યાત સાર્વજનિક હોસ્પિટલ ઉપરાંત નાની-મોટી પચાસેક ખાનગી હોસ્પિટલો પણ છે. અને તેમાં ઉત્તરોઉત્તર ઉમેરો થતો રહે છે. 
             આ હોસ્પિટલોમાં મોડાસા પ્રદેશના પાસેના પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા જિલ્લાના તેમજ રાજસ્થાનના છેક અંતરિયાળ વિસ્તારના ગરીબ અસંખ્ય દર્દીઓ સારવાર માટે અહીં આવે છે. આજથી બરાબર સત્યાવીસ વર્ષ પહેલાં આવા દર્દીઓનાં લાભાર્થે રાહત દરનું ભોજનાલય શરુ કરવાનો એક વિચાર વહેતો થયો હતો. જશવંતભાઈ શાહ, રતિલાલ શાહ, નટુભાઈ જી. શાહ, હસમુખભાઈ કે. શાહ અને મોડાસા નગરના અન્ય સેવાભાવી વડીલોએ આવી ઉમદા સંસ્થા વિકસાવવાનું વિચારબીજ રોપ્યું. અને એ વિચાર બીજ એટલે કે આજે વટવૃક્ષ બનીને ફૂલીફાલેલી સંસ્થા અન્નપૂર્ણા. 
          સંસ્થાનું એ સદભાગ્ય હતું કે શરૂઆતના તબક્કામાં જ મુંબઈના શ્રી ચંદ્રવદનભાઈ શાહ અને મોડાસાના શ્રી મનુભાઇ શાહ ( લાટીવાળા )નો સહયોગ પ્રાપ્ત થયો. શ્રીમતી કપિલાબેન જે. બી. શાહ ટ્રસ્ટી આ પ્રવૃત્તિ માટે મોખાની જગ્યા કોઈપણ જાતની શરત વગર નિઃશુલ્ક આપી. વિકસતા જતા મોડાસા નગરની મધ્યમાં આવેલી કરોડોની મિલકતનું આ વિશાળ બિલ્ડીંગ ઉમદા સેવા માટે દાતા શ્રીઓએ સમર્પિત કરી દીધું. પ્રારંભિક તબક્કામાંથી મોડાસા નાગરિક સહકારી બેંકનો પણ સંસ્થાને ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો. માત્ર 2 રૂપિયાની ટોકન લઈ દૂર સુદૂર થી સારવાર માટે આવતા દર્દીઓને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ટિફિન આપવાનું નક્કી કર્યું. 
           શરૂઆતમાં તો એમ લાગતું હતું કે આ ગંજાવર કામ આજના મોંઘવારીના સમયમાં કરી શકાશે કે નહીં?? માત્ર બે રૂપિયામાં એક ટંકનું ભોજન આપી શકાશે કે કેમ? સદ્કાર્યના આ સેવાયજ્ઞમાં દાતાઓનું અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો. દાનની સરવાણી વહી. 1 એપ્રિલ 1993ના રામનવમીના પવિત્ર દિવસથી અન્નપૂર્ણા સેવાયજ્ઞનાના શ્રી ગણેશ થયા. 
          શરૂઆતમાં માત્ર બપોરના ટંકનું ભોજન અપાતું હતું. પરંતુ દાનનો પ્રવાહ અવિરત રીતે વહેતા 1995થી રામનવમીથી સાંજનું રસોડું પણ શરૂ કરવામાં આવ્યું. મોડાસા થી તેમજ મોડાસા પ્રદેશના દેશ-દેશાવરમાં વસતા લોકો તરફથી અન્નપૂર્ણાને અભૂતપૂર્વ આવકાર મળ્યો. મોડાસાથી જેમની ખાસ સંબંધ નથી તેવા લોકો પણ આ સેવાયજ્ઞમાં પોતાનો ફાળો નોંધાવતા રહ્યા છે. સામાન્ય વર્ગ પણ સેવાયજ્ઞમાં આહુતિ આપવામાં પાછો નથી રહ્યો. જોતજોતામાં 31 વર્ષની મજલ કાપી આ સંસ્થા 32માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. હાલમાં સવાર તેમજ થઈને 500 ની આસપાસની સંખ્યામાં અલ્પ સાધન ધરાવતા દર્દીઓ અને તેઓના સગાસંબંધીઓ અન્નપૂર્ણા ટિફિન સેવાનો લાભ લે છે. વર્ષે દહાડે આ સંસ્થા દ્વારા દોઢથી બે લાખ ટિફિનનું વિતરણ કરવામાં આવે છે. 
               અસહ્ય મોંઘવારીના જમાનામાં માત્ર બે રૂપિયા જેવી મામૂલી રકમમાં અન્નપૂર્ણા દ્વારા ભોજન અપાય છે. ભોજનની ગુણવત્તા પર આયોજક કમિટી સંપૂર્ણ દેખરેખ રાખે છે. દર્દીઓને પૌષ્ટિક ટિફિન મળે તેની પૂરેપૂરી કાળજી લેવાય છે. 
        પહેલા દર્દીઓની સેવાઓમાં રોકાયેલી વ્યક્તિઓને દૂરદૂરથી હોસ્પિટલોમાંથી માલપુર રોડ પરની અન્નપૂર્ણા સંસ્થામાં દરરોજ સવાર સાંજ ટિફિન લેવા આવવું પડતું હતું. ઉનાળાનો ધમધોખતો તાપ હોય કે પછી ચોમાસામાં વરસાદની ઝડી વરસતી હોય ત્યારે દર્દીના સગાને સંસ્થા માં ટિફિન લેવા આવવાની ખૂબ તકલીફ પડતી. લાભાર્થીઓની આ તકલીફને ધ્યાનમાં લઈને મોડાસા નગરના જુદા જુદા વિસ્તારોમાં ટિફિન વિતરણ માટે પાંચ સબસેન્ટર ખોલવામાં આવ્યાં છે. રીક્ષાઓ તો હાથવગી હતી જ. રિક્ષા દ્વારા નિશ્ચિત સ્થળે અને સમયે ભોજન લાભાર્થીઓને પહોંચે તેવી વ્યવસ્થા 2017 - 18 થી કરવામાં આવી છે. મોડાસા નગરમાં સૌથી જૂની હોસ્પિટલ સાર્વજનિક હોસ્પિટલ એટલે પહેલું સેન્ટર ત્યાં જ કર્યું. બીજું સેન્ટર કૃષ્ણ હોસ્પિટલ મેઘરજ રોડ ઉપર કર્યું. ત્રીજુ સેન્ટર શામળાજી રોડ પર ડીપમાં કર્યું અને ચોથું સેન્ટર એસટી સ્ટેન્ડ પાસે ડોક્ટર હાઉસની ગલીમાં કરવામાં આવ્યું છે. પાંચમો સેન્ટર સંજીવની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં મોડાસાના ડોક્ટરો અને નગરજનોએ સાથ આપ્યો. આ સુવિધાને લીધે લાભાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ. પહેલા સવાર-સાંજ થઇને અઢીસોથી ફોન થતા હતા. હવે સવાર સાંજ થઈને રોજના 400 થી 500 ટિફિન જાય છે. પ્રભુકૃપા અને દર્દીઓના અંતરની આશિષ કેવી કાયાપલટ કરે છે તેનું આનાથી વધારે ઉત્કૃષ્ટ ઉદાહરણ કયું હોઈ શકે!!


             અન્નપૂર્ણા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા બારમાસી મિનરલ વોટરની પરબની સુવિધા શરૂ કરી છે. મોડાસા નગરના વૃદ્ધ સહાય અપંગ વ્યક્તિઓને પણ અન્નપૂર્ણા નો લાભ આપવામાં આવે છે. જરૂરિયાત મંદ લોકો ની આતરડી અન્નપૂર્ણા દ્વારા ઠરે છે. તેનો યશ માનવતાના આ મહાન કાર્યમાં સહયોગ આપતાં દિલદાર દાતાઓના ફાળે જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભોજનનું દાન દેવું એ સેવા જ માત્ર નથી પરંતુ વૈદિક કાળથી ચાલી આવતી આપની ભવ્ય પરંપરા છે. અન્નદાનથી મૂલ્યવાન એવી કોઈ ઉદાર ભેટ આ જગતમાં નથી. 
            અન્નપૂર્ણાના દિલદાર દાતાઓના સહયોગથી અન્નપૂર્ણા એ રોટી મેકિંગ મશીન વસાવ્યું છે હમ સીનથી કલાકમાં 700 થી 800 ગરમાગરમ રોટલી તૈયાર થઈ શકે છે. સવાર-સાંજ આ ટિફિનની રસોઈ બનતી હોવા છતાં અન્નપૂર્ણાના રસોડાની જગ્યાની ચોખ્ખાઈ, એની સુઘડતા ઉડીને આંખે વળગે તેવી છે. 
              અન્નપૂર્ણા ટ્રસ્ટની સાથે સાથે અહીં ડોક્ટર નાથાલાલ જે. શાહ સાધન સુવિધા કેન્દ્ર પણ કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા ઘેર બેઠા સારવાર લેતા હોય તેવા દર્દીઓની જરૂરી સાધનો લઈને પૂરા પાડવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા વોકરથી માંડી વિલચેર સુધીના નાના-મોટા સાધનો અપાય છે. 
              શ્રીમતી નિર્મલા બહેન ઓચ્છવભાઈ ગાંધી નિર્મલ છાસ કેન્દ્ર દ્વારા દર વર્ષે એપ્રિલ મે અને જૂન એમ ત્રણ મહિના છાસ નું વિતરણ કરવામાં આવે છે. જેમાં સબરડેરી નો પણ સહયોગ પ્રાપ્ત થયો. રસ્તે જતા રાહદારીઓ માત્ર એક રૂપિયો ટોકન લઈને સાબરડેરીની મસાલેદાર છાશ આપવામાં આવે છે. 
               તુલસીદાસ પી. શાહ વિઝન સેન્ટર
           શ્રીમતી કપિલાબેન જે બી શાહ શિશુ મહિલા કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ મોડાસા સંચાલિત દ્રષ્ટિ કેન્દ્ર દ્વારા શરીરના રતન રૂપ આંખની સારવાર માટેનું બંધ 2014-15 વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે.   દર બુધવારે સવારે 8:30  થી 100 જેટલાં દર્દીઓને તપાસવામાં આવે છે.  આ કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાતમંદોને રાહત દરે ચશ્મા અને દવાઓ પણ અપાય છે.  અમદાવાદના સમતા ટ્રસ્ટ અને અંધજન મંડળનું ખુબ સુંદર સહયોગ આ કાર્યને સાંપડ્યો છે. આ ઉપરાંત ગાબટના વતની અને હાલ અમેરિકા સ્થિત રમેશભાઈ શાહ, રસિકભાઈ શાહ, આર.પી. શાહ, અમદાવાદના જીતુભાઈ શાહ, વિજયભાઈ શાહનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહે છે. 
                વૃદ્ધ ,વડીલ નિવૃત્ત સજ્જન અને સન્નારીઓ પોતાનું નિરાંતનો સમય સમય સાથે ગાળી શકે અને પોતાના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને સંવર્ધન કરી શકે તેવા ઉદ્દેશથી અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા મોડાસા નાગરિક સહકારી બેંક કો-ઓપરેટીવના સહયોગથી દાદા દાદીનો વિસામો અહીં શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થી પ્રસન્ન થઈ મોડાસા નગરની દાદા દાદીની વાડીને મોડાસા નાગરિક બેંકેે કુલ ત્રણ લાખ રૂપિયાની ઉદાર સખાવત આપી છે. તેથી ધી મોડાસા નાગરિક સહકારી બેન્ક લી દાદા-દાદીનો વિસામો એ રીતે તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. 
             દાદા દાદીનો વિસામો દરરોજ સાંજના 4 થી 7 ખુલ્લો રહે છે. સાંજના સમયે વરીષ્ઠ નાગરિકો અહીં આવે છે . અખબારો અને પુસ્તકોનું વાંચન કરે છે. જુદી જુદી ઇન્ડોર ગેમ રમે છે. બૌધ્ધિક ચર્ચાઓ કરે છે. અહીં એક સુંદર પુસ્તકાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં તમામ પ્રતિષ્ઠિત સામયિકો અને અખબારો નિયમિત આવે છે. વરિષ્ઠ નાગરિકો આરામ દાયક રીતે વાંચી શકે એવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેમની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. સાંજ પડે અહીં વડીલોનો મેળાવડો જામે છે. અહીં આવીને વડીલોના ચહેરા પરનું સ્મિત જુઓ તો સમજાય કે જીવન સંધ્યા પણ મેઘધનુષી રંગો જેવી રંગીન હોય છે. દાદા દાદીના વિસામામાં આવતા વડીલો માટે રોજ અલગ અલગ ગરમા ગરમ ચા નાસ્તાની પણ વ્યવસ્થા છે. દાદા-દાદીના વિસામા નિભાવ સહયોગ તરીકે હાલમાં દર મહિને માત્ર 200 રૂપિયા લેવામાં આવે છે. 58 વર્ષ કે તેથી વધારે વર્ષની વ્યક્તિ આ પ્રોજેક્ટના લાભાર્થી બની શકે છે.
                  અન્નપૂર્ણા સંસ્થાના કર્તાહર્તા ટ્રસ્ટી મંડળનો હેતુ ઉમદા અને નિઃસ્વાર્થ છે. પારદર્શક વહીવટ થકી સમાજના સામાન્ય માનવીથી લઈ શ્રેષ્ઠીઓનો વિશ્વાસ સંપાદન કર્યો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતી નાનામાં નાનો માણસ પોતાની બચતની રકમ અન્નપૂર્ણાના સેવાયજ્ઞમાં આપી પ્રસન્નતા અનુભવે છે. અન્નપૂર્ણા દિવસે ને દિવસે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને સાંકળી સેવાની સૌરભ સમગ્ર પંથકમાં પ્રસરાવી છે. મોડાસાની મુલાકાતે આવતા પ્રવાસીઓએ આ સંસ્થાની મુલાકાત અચૂક લેવી જોઈએ.

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)



Wednesday, April 17, 2024

મૂળ અરવલ્લીના વતની સ્મિત UPSC માં ઝળક્યા.

      સ્મિત પટેલે માત્ર ગામનું જ નહી પરંતુ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.



 સ્મિત નવીનભાઈ પટેલ તેમનું મૂળ વતન તો ધનસુરા તાલુકાનું ધરમેડા કંપા. આ માંડ ત્રીસેક ઘરની વસ્તી ધરાવતો આ કંપો ગૂગલમાં શોધવા બેસીએ તો ગૂગલ પણ ગોથે ચડે...


સ્મિતાના દાદા ધનજીભાઈ સહકારી આગેવાન અને પિતા નવિનભાઇ પટેલ બિઝનેસમેન  છે. તેઓ વ્યવસાય અર્થે મુંબઇ સ્થાયી થયેલા એટલે સ્મિતનું શિક્ષણ મુંબઈમાં થયું. સ્મિત એક તેજસ્વી અને તપસ્વી વિદ્યાર્થી. UPSC ક્રેક કરવાની તાલાવેલી બરાબરની લાગેલી. દિવસ  રાત જોયા વિના શિસ્તબદ્ધ મહેનત કરવા મચી પડ્યો. મુંબઇ દિલ્હી કોચિંગ લીધું. ગત વેકેશનમાં વતન ધરમેડા કંપા રોકાવાનું થયું. એ દરમિયાન વાંચવા લખવા માટે યોગ્ય વાતાવરણ ની તલાશમાં સંદેશ લાઈબ્રેરી મુલાકાત લીધી. લાયબ્રેરીનું વાતાવરણ સ્મિતને એટલું તો પસંદ આવી ગયું કે તેણે જાહેરમાં સ્વીકાર્યું કે એક અંતરિયાળ ગામડામાં નિશુલ્ક  સેવા આપતી આવી અદ્યતન અને સમૃદ્ધ  લાયબ્રેરી મે મેટ્રો સિટીમાં પણ નથી જોઈ. એ પછીતો સ્મિત અમારી લાઈબ્રેરીનો કાયમી સદસ્ય બની ગયો.

બે દિવસ પહેલાં upsc નું પરિણામ આવ્યું.  જેમાં સફળ  થયેલ વિધાર્થીની યાદીમાં સ્મિતનું પણ નામ હતું. સ્મિતનો ફોન આવ્યો. અને ખુશીના સમાચાર આપ્યા "સાહેબ હું પાસ થઈ ગયો છું. મારી સફળતામાં સંદેશ લાયબ્રેરીનો પણ ફાળો છે એનો આનંદ વ્યક્ત કરું છું" આ ક્ષણ મારા માટે પણ જીવનની યાદગાર પળોમાંની એક હતી..

એક લાઈબ્રેરી શું કામ કરી શકે એનું એનું આ દૃષ્ટાંત છે. આદરણીય  દેવેન્દ્રભાઇ પટેલ સાહેબના દીર્ઘદૃષ્ટિનું પરિણામ સંદેશ લાયબ્રેરી છે. સૌ દાતાશ્રીઓ એ  આપેલા અમુલ્ય  સહીયોગ થકી જે ભગીરથ કાર્ય થયું છે જેનો લાભ  આસપાસના અનેક વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.

લાયબ્રેરીમાં તૈયારી માટે આવતા વિધાર્થીઓ માટે સ્મિત એક રોલ મોડેલ બની ચૂક્યો છે. ઉજ્જવલ ભવિષ્ય માટે સ્મિતને ખૂબ ખૂબ શુભકમનાઓ.

दुर्लभम भारते जन्म।" : પ્રકાશ શાહ.

 "ભારત જેવી પવિત્ર ભૂમિ મળવાની નથી. दुर्लभम भारते जन्म।" : પ્રકાશ શાહ.


    વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા હોવા છતાં નખશિખ જેઓ સવાયા ભારતિય છે, માતૃભૂમિની માટીને જેઓ અંતરના ઊંડાણથી ચાહી છે. ગાંધીયન ફિલોસોફી જેમના જીવનમાં વણાયેલી છે એવું મુઠ્ઠી ઊંચેરું એક નામ એટલે પરમ આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ.
    આંતરરાષ્ટ્રીય અનેક વિરલ વિભૂતિઓ સાથે અંગત ઘરોબો ધરાવતા હોવા છતાં તેમના સ્વભાવની સાદગી પર મોહી પડાય છે. તેમના સેવા ક્ર્યોની સૌરભ ચોમેર પ્રસરતી રહે છે એમ છતાં તેમના સેવાકાર્યો વિશે વાત કરીએ તો તેઓ કહે છે "હું તો મિટ્ટી નો ઠુર છું. માતૃ ભૂમિનું તર્પણ કરવા આવું છું." આ શબ્દો સાંભળતા જ આ વિરલ વિભૂતિના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા રોકી શકાતી નથી.
    16 ડિસેમ્બર 2023 ના રોજ ગાંઘીનગર પુનીતવનમાં મોર્નિંગ વોક્ દરમિયાન આદરણીય પ્રકાશભાઈ શાહ સાથે સુદીર્ઘ વાર્તાલાપ થયો હતો. તેનો પ્રથમ ભાગ શબ્દશઃ અહીં પ્રસ્તૂત છે.
      પ્રકાશ શાહ કહે છે. : 
    "આ ગાંધીનો દેશ છે. ગાંધીના આત્માને કેટલું દુઃખ થતું હશે? ભારતને આઝાદી તો મળી પણ આર્થિક આઝાદી આજે પણ નથી મળી શકી. હિંદુ  શાસ્ત્રો મુજબ આત્મા મરતો નથી. અજર અમર છે. એટલે  ભારતની આ સ્થિતિ જોઈ બાપુનો આત્મા જ્યાં પણ હશે ત્યાં દુઃખી હશે.
    બ્રિટિશ શાસનને આપણને સંપૂર્ણ ગુલામ બનાવી  દીધા હતા. એમાં બ્રિટિશરોનો વાંક નથી. એમણે તો દુનિયાને ગુલામ બનાવવી હતી. એમને તો દુનિયા  ઉપર રાજ કરવું હતું. એ માટે જે પણ કરવું પડે એ કર્યું. પણ ગાંધીજીનું વિઝન શું હતું? કોઈ પણ કિંમતે મારે આઝાદી જોઈએ છે. મારો દેશ કોઈનો ગુલામ ના હોવો જોઈએ.
        અંગ્રેજ લોકો શાતિર હતા. એનાલીસિસ કરીએ તો સમજાય કે જે તે સમયે અંગ્રેજોએ જ એવા વાતાવરણનું નિર્માણ કરાવ્યું કે ભારતના ભાગલા થાય. મહંમદ જિન્નાહે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. એક બાજુ દેશ  આઝાદીનો જશ્ન મનાવવાની તૈયારીમાં લાગેલો  હતો તો બીજી બાજુ લાખો લોકોની કત્લેઆમ થઈ રહી હતી. નોઆખલીમાં હિંદુ મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યાં. અંગ્રેજો એ સાબિત કરવાની ફિરાકમાં હતા કે "ભારતને અમે તો આઝાદી આપી પરંતું આ દેશના  લોકો એટલા પછાત છે કે તેઓ આઝાદી મેળવી સારી રીતે દેશ ચલાવી શકશે નહી. એટલે એમના પર અગ્રેજો એ જ પોતાનું શાસન ચાલુ રાખવું."  આવી મેલી મુરાદ અંગ્રેજો સેવતા હતા.
         જિન્નાહને ભારતનું વિભાજન કરી પ્રેસિડેન્ટ ઓફ પાકિસ્તાન બની રાજ કરવું હતું. એ પોતે જાણતો જતો કે એ ટી.બી. ના રોગથી પીડાય છે. એક વર્ષથી વધુ તો એ જીવી શકે એમ પણ નહોતો. એમ છતાં સત્તા મેળવવાના અંગત સ્વાર્થ ખાતર એને પાકિસ્તાનનું જ બહુ મોટું નુકશાન કર્યું છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે, જ્યાં સ્વાર્થ હોય ત્યાં માણસ નિષ્કામ ભાવે કામ નથી કરતો. સત્તા લોલુપતા માણસને અંધ બનાવી દે છે. જિન્નાહએ માત્ર અંગત સ્વાર્થ માટે દેશના ભાગલા પાડ્યા. જિન્નાહએ પાકિસ્તાનનું જેટલું નુકશાન કર્યુ છે એટલું બીજા કોઈએ નથી કર્યું. જીન્નાહની  સ્વાર્થવૃત્તિ પરાકાષ્ઠાએ હતી .એ ઈચ્છતો હતો કે ભલે થોડા જ મહિનામાં ટી .બી. કારણે મારું મૃત્યુ થાય. પરંતુ મારતાં પહેલાં પ્રેસિડેન્ટ ઓફ પાકિસ્તાન બની ને જ રહું.
       જ્યારે આપણા સરદાર પટેલની વાત ન્યારી હતી. તેઓ ત્યાગની મૂર્તિ હતા. તેમના માટે દેશહિત સર્વોપરી હતું. સરદાર પટેલે મારા પિતા કે.કે. શાહને કહ્યું હતું.. "કે.કે. મને કેન્સર છે. મારી પાસે વધુ સમય નથી. મારું મૃત્યુ નજીકમાં છે." સરદાર પોતાની અસાધ્ય બીમારીથી અવગત હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં બહુમતી મળવા છતાં વડાપ્રધાન પદ જતું કર્યું. સરદાર પટેલ કહેતા કે હું ભવિષ્ય જોઉં છું. સરદાર પટેલની આચાર અને વિચાર સાચા હતા.
જીન્નાહ એ અંગત સ્વાર્થ ખાતર આખા દેશને કદી  ભરપાઈ ન થઈ શકે એવું નુકશાન પહોંચાડ્યું.
         દેશ આખો આઝાદીના જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે નોઆખલીમાં લાખો નિર્દોષ લોકો ની હત્યા થઈ રહી હતી. આવી પરિસ્થતિ માં  ગાંધીજી કોઈ જશ્નમાં ભાગ લેવાને બદલે નોઆખલીમાં પીડિતો વચ્ચે  ગયા. અને મુસ્લિમ પરિવારના ત્યાં રોકાયા. આ માણસે અહિંસાના બળે એકલા હાથે રમખાણો અટકવ્યાં. કેટલો પાવરફુલ માણસ !!!
લોકોમાં એક ખોટી ગેરસમજ પ્રવર્તે છે કે ગાંધીજીએ પાકિસ્તાનને બધું આપી દીધું. એ ખોટી વાત છે. ગાંધીજીએ કહ્યું છે કે જો તમે પ્રેમથી માણસના વિચારોને પરિવર્તિત કરવા પ્રયત્નો કરશો તો એનું પરિણામ ચોક્કસ હકારાત્મક મળે છે.
      અહીં ઓરીઝનલ મુસ્લિમ કોણ છે?? ઇતિહાસનો  અભ્યાસ કરી શાંતિ થી વિચારશો તો સમજાશે. They all are converted. ઇસ્લામ ધર્મ ખોટો નથી. માની લો કે તમારો કોઈ ભાઈ હોય તેને કોઈ બળજબરી ધર્મ પરિવર્તન કરાવે તો એ શું કરે ? એણે જો કહેવામાં આવે કે જો તું મારો ધર્મ સ્વીકાર નહીં કરે તો તારું ગળું કાપી નાખવામાં આવશે. આવા સંજોગોમાં સામાન્ય માણસ શું નિર્ણય લે??
    આઝાદી મળવાનું બીજું પણ કારણ છે. ગાંધીજી અને બ્રિટનની રાણી સ્ટેટ્સ મેન હતાં. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકાર આર્થિક રીતે ખુવાર થઈ ગઈ હતી. સૈનિકોને વેતન આપવાના પૈસા પણ બ્રિટેન પાસે નહોતા.  કોઇ માણસને વેતન વિના તમે કેટલા દિવસ કામ કરાવી શકો ??  આ સ્થિતિમાં સૈનિકો દ્વારા બળવો થવાની પૂરેપૂરી સંભાવના હતી.  બ્રિટનને અમેરિકા પાસેથી આર્થિક મદદ મેળવવી પડી. આવા સમયે ગાંધીજીએ કુનેહ પૂર્વક નિર્ણય લઈ બળવો કરવાને બદલે  રાણીને સપોર્ટ કર્યો. ગાંધીજીના  આ નિર્ણયે રાણીને પોતાના તરફેણમાં કરી લીધાં. રાણીને થયું ગાંધી ખરા અર્થમાં મહાન આત્મા છે. મારે ભારત દેશની આઝાદી માટે કોઈ ફોર્મ્યુલા  ઘડી કાઢવી  જોઈએ. એ  ચતુરાઈ પૂર્વકની ફોર્મ્યુલા મુજબ ભાગલાની લકીર ખેંચાઈ.
      ગાંધીજી વ્યથિત હતા. તેઓ સમજાવવા માંગતા હતા કે જીન્નાહ ખોટી જીદ લઈને બેઠા છે. બાપુ ભવિષ્ય જોઈ શકતા હતા. તેથી તેમને અંદાજ હતો જ કે એક દિવસ પાકિસ્તાન પાયમાલ થઈ જશે. અને આજે પાકિસ્તાનની પરિસ્થિતિ શું છે એ આપણે સુપેરે જાણીએ છીએ.
આઝાદી તો મળી પણ ભાગલાની ખેંચાયેલી લકીરે ક્યારેય ન કલ્પેલા પરિણામ ભારતે ભોગવવાં પડ્યાં. દેશ બે ભાગમાં વિભાજીત થતાં લોકોને પોતાની માલ મિલકત અને માતૃભૂમિ છોડી પહેરેલાં કપડે હિજરત કરવી પડી. લાખો લોકોની કત્લેઆમ થઈ. આવી નાજુક સ્થિતિમાં ગાંધીજી યોગ્ય માર્ગ કાઢવા સતત પ્રયત્નશીલ રહ્યા.
       ગાંધીજીને સમજ્યા વગર લોકો ગાળો આપે છે એ હરગિજ ન ચાલે. બાપુ ન હોત તો આઝાદી ન મળી હોત. આજે પણ આપણે ગુલામીમાં સબડતા હોત."
      પ્રકાશ શાહ આગળ જણાવે છે. " ગાંધીજી એ આઝાદી અપાવી એટલે હું આઝાદ છું. એટલે જ હું આજે ઇન્ડિયન સિટીઝન છું. મારા જીવનનો મોટાભાગનો સમય મેં પરદેશમાં વિતાવ્યો છે. હું દુનિયા ફર્યો છું. મારા  વર્ષોના અનુભવના આધારે સાચું કહું છું કે ભારત જેવી પવિત્ર ભૂમિ મળવાની નથી. "दुर्लभम भारते जन्म।"
આવનારી પેઢી ગાંધીજીને સંત પુરુષ તરીકે પૂજશે."
(ક્રમશઃ ) To be continued....


-ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, April 14, 2024

સન્ડે સ્પેશિયલ

 પ્રાચીન સ્થાપત્યો, કલા-સંસ્કૃતિના અતુલ્ય વારસાના સંવર્ધનનું સપનું આંખોમાં આંજી એક યુવાને કમર કસી છે. નામ છે : કપિલ ઠાકર



પ્રાચીન શિલ્પને કોઈ સાધારણ જણ નિહાળે તો એને એ મૂર્ત પથ્થર જ લાગે. પણ જો કોઈ અભ્યાસુ કે સંશોધક એ શિલ્પને કાન ધરે તો એ શિલ્પ ભવ્ય વિરાસતની અને આપણા ભવ્ય વારસાની વાત માંડે તો નવાઈ નહિ !. પાષણને પ્રગટેલી વાચા સંભાળવા માટે કેળવાયેલા કાન અને પારખું નજર જોઈએ એ પહેલી શરત. પ્રાચીન વાવો, શિલ્પો, સ્થાપત્યોની વાચા જન જન સુધી પહોચાડવા કપિલ ઠાકર નામના યુવાને કમર કસી છે. કોણ છે કપિલ ઠાકર ??   શિલ્પ, સ્થાપત્ય, કલા વારસાના સંશોધકો અને જિજ્ઞાસુઓ માટે તીર્થરૂપ એક નામ એટલે કપિલ ઠાકર.  આ એક એવું નામ છે જેને વિસરાયેલી પ્રાચીન વિરાસત સમાન શિલ્પો, સ્થાપત્યો કલા સંસ્કૃતિને પુનઃ ધબકતી કરવા એકલે હાથે મથામણ આદરી છે.

બનાસકાંઠાના પાલનપુર પાસે આવેલી દાંતીવાડા તેમનું વતન. ઈતિહાસ સંશોધન તેમનો રસનો વિષય.  વર્ષ 2007માં ઈતિહાસ અને પુરાતત્વ વિષયને સાથે રાખી ગૂજરાત વિદ્યાપીઠમાંથી  પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુર્ણ કર્યો. અભ્યાસ દરમિયન ઉત્તર ગુજરાતની વાવો પર તેઓએ અભ્યાસપૂર્ણ રીસર્ચ કર્યું.  અભ્યાસનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ  શોધ નિબંધ દરમ્યાન કપિલ ઠાકરનાં માનસમાં હેરીટેજનાં સંવર્ધનના બીજ રોપાયા.

કપિલ ઠાકર અભ્યાસ દરમ્યાન જ્યારે જીલ્લામાં આવેલ વાવ સ્થાપત્ય પર સંશોધન કરતા હતા ત્યારે વાવોની કફોડી અને ખંડેર સ્થિતિ જોતા તેઓના મનમાં વિચાર આવ્યો કે જો સ્થાપત્યો જ નહી રહે તો સંશોધકો સંશોધન કેવી રીતે કરશે ? વળી, ગુજરાત જેવા ઐતિહાસિક અને વિશાળ રાજ્યમાં શહેર અને ગામોમાં કુલ કેટલા સ્થાપત્યો આવેલા છે તેની સાચી હકીકત પણ કોઈને ખબર નથી. આ બાબતથી પ્રેરણા લઈ તેઓ વર્ષ 2008થી ઈતિહાસ, કલા અને સંસ્કૃતિનાં સંવર્ધનમાં સક્રીય રીતે મચી જ  પડ્યા. અત્યાર સુધી તેઓએ સ્થાનિક વહીવટીતંત્ર, સ્વૈચ્છિક સંગઠનો અને મિત્રો સાથે મળીને 50 થી વધારે વાવો સાફ કરાવી છે અને ઘણી જગ્યાએ વાવને સમારકામ કરવાની કામગીરી પાર પાડી છે. મિત્રો સાથે મળી તેઓએ 2008માં હિસ્ટોરિકલ એન્ડ કલચરલ રીસર્ચ સેન્ટર નામે સંસ્થા સ્થાપી અને ત્યારબાદ ન માત્ર બનાસકાંઠામાં પણ સમગ્ર રાજ્યમાં હેરીટેજને જીવંત કરવાનું અભિયાન આદર્યુ.

હેરીટેજની કામગીરીમાં સ્થાનિક લોકોને જોડવા અને પોતાના વિચાર અને આયોજનો ઝડપથી લોકો સમક્ષ પહોચાડવા અતુલ્ય વારસો નામે સામયિકનો પ્રારંભ કર્યો, જેના અત્યાર સુધી 40થી વધારે અંક પ્રકાશિત થઈ ચુક્યા છે અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ સુધી સરળતાથી પહોચે તે માટે પ્રયત્નશીલ છે. અતુલ્ય વારસો દ્વારા તેઓએ અનેક વિશેષ અંકો પ્રકાશિત કરી અંબાજી, દ્વારકા, વડનગર, પાટણ, મેળા અને ઉત્સવો, ગુજરાતની બુધ્ધિસ્ટ સાઈટ, જળ સ્થાપત્યો વગરેને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. સંસ્થા સાથે જોડાયેલા સભ્યો સાથે રૂબરુ મળી વિચારોનું આદાન પ્રદાન થઈ શકે તે માટે તેઓએ 2016થી ટી પાર્ટીનું આયોજન કરવાનો પ્રારંભ કર્યો. જેનો હેતુ એ છે કે ચાય પીતાં પીતાં હળવી પળોમાં તમામ સભ્યો પોતાની વાત રજુ કરી શકે અને આગામી આયોજનો ઘડી શકાય. અત્યાર સુધી તેઓએ રાજ્યનાં લગભગ બધા શહેરોમાં મળીને 50થી વધારે ટી પાર્ટીનું આયોજન કર્યુ છે અને કુલ 10,000 થી વધુ લોકોને પોતાની સાથે જોડ્યા છે. આ સાથે તેઓએ વાત વતનની અભિયાન ચાલુ કર્યુ છે જે અંતર્ગત મુંબઈ, દિલ્હી, સિંગાપોર ખાતે જઈ ગુજરાતી સમાજ સાથે મિટિંગ કરી વતનના વારસાને ઉજાગર કરવા પ્રયાસો કર્યા, આગામી સમયમાં લંડન ખાતે ગુજરાતીઓને જોડવા આયોજન ચાલી રહ્યું છે.

કપિલભાઈએ  અત્યાર સુધી ચાર પુસ્તકો પ્રગટ કર્યા  છે. જેમાં 1. બનાસકાંઠા જીલ્લામાં આવેલ વાવ સ્થાપત્ય, 2. અંબાજી પ્રવાસન, 3. આપણું બનાસકાંઠા અને 4. સોમનાથ વૈભવી વારસોનો સમાવેશ થાય છે, આગામી 2 પુસ્તકો ટૂંક સમયમાં પ્રકાશિત થનાર છે. તાજેતરમાં તેઓએ અતિતનું અજવાળુ નામે નવુ અભિયાન હાથ ધર્યું છે જેનાં ભાગરૂપે રાજ્યનાં પૌરાણિક મંદિરોને ઉજાગર કરવા, ત્યા જઈ સ્થાનિક લોકોને જોડી મહાઆરતીનું આયોજન અને જરૂરીયાત મુજબ સાઈટ ડેવેલોપમેન્ટની કામગીરી હાથ ધરે છે.

કપિલ ઠાકર તેમની કાર્ય શૈલી વિશે જણાવેછે કે અમો કુલ પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામગીરી કરીએ છીએ જેમાં સર્વેક્ષણ, સંશોધન અને દસ્તાવેજીકરણ, પ્રકાશન, સાઈટ ડેવેલોપમેન્ટ, હેરીટેજ પ્રવાસનનો સમાવેશ થાય છે. અમે લગભગ રાજ્યનાં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં સર્વેક્ષણ કરતા રહેતા હોઈએ છીએ અને ગીર સોમનાથ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં અમારી કામગીરી ચાલી રહી છે. અમારો હેતુ છે કે હેરીટેજ સ્મારકો જીવંત થાય અને ત્યા સમયાંતરે કાર્યક્રમો થતા રહે, જો સ્મારકો વપરાશમાં હશે તો સચવાશે.

કપિલભાઈનું મિશન છે કે ગુજરાતનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર સમા સ્થળો ઉજાગર થાય અને જીવંત બને. ભવિષયમાં તેઓ ગુજરાતમાં એવું સંશોધન કેન્દ્ર તૈયાર કરવા માંગે છે કે જેના થકી લોકોને હેરીટેજ વિષયમાં રોજગારીની તકો ઉભી થાય અને વિદેશી સંશોધનાત્મક સંસ્થાઓ સાથે જોડાણ કરી વિશ્વસ્તરનું હેરીટેજ સેન્ટરનો આપણા રાજ્યમાં વિકાસ થાય. તેમનો પરીવાર તેમના આ પ્રયાસમાં હંમેશા સાથે રહ્યો છે અને પતિ-પત્નિ બંને હેરીટેજ વિકાસની આ સફરમાં જોડાયેલા છે સાથે તેઓની પાંચ વર્ષની દિકરીનાં પણ અત્યાર સુધીનાં તમામ જન્મદિન વાવ/કુંડમાં જ ઉજવણી કરવામાં આવ્યા છે.  

અતુલ્ય વારસો એવોર્ડ થકી કલા-વારસા પ્રેમીઓ અને બાળકોનું સન્માન કરવાનો અનોખો પ્રયોગ   સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ - ૨૦૨૨ થી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં

 ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ.

૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ.

૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)

૪) લેખન અને પ્રકાશન

૫) હેરીટેજ પ્રવાસન

      આ પાંચ ક્ષેત્રોમા પ્રદાન કરનાર વ્યક્તિ કે સંસ્થાનું જાજરમાન સન્માન કરવામાં આવે છે,  આ પુરસ્કાર પાછળ  હેતુ એવો છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય.  આ વર્ષે પણ દ્વારા અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૪  ગાંધીનગર ખાતે યોજાયો જેમાં ૧૩૨ થી વધુ કલા સાધકોનું સન્માન કરવામાં આવ્યું.  આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે. 

    પ્રાચીન સ્થાપત્યો, કલા-સંસ્કૃતિના અતુલ્ય વારસાના સંવર્ધનનું સપનું આંખોમાં આંજી કપિલ ઠાકરે કમર કસી છે એ જતાં લાગે છે એમનું સપનું સાકાર થશે જ એમાં કોઈ બેમત નથી.

(માહિતી સહોયોગ : ડૉ. શિવશંકર જોશી )

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts