પ્રાચીન સ્થાપત્યો, કલા-સંસ્કૃતિના અતુલ્ય વારસાના સંવર્ધનનું સપનું આંખોમાં આંજી એક યુવાને કમર કસી છે. નામ છે : કપિલ ઠાકર
પ્રાચીન શિલ્પને કોઈ સાધારણ
જણ નિહાળે તો એને એ મૂર્ત પથ્થર જ લાગે. પણ જો કોઈ અભ્યાસુ કે સંશોધક એ શિલ્પને કાન
ધરે તો એ શિલ્પ ભવ્ય વિરાસતની અને આપણા ભવ્ય વારસાની વાત માંડે તો નવાઈ નહિ !. પાષણને
પ્રગટેલી વાચા સંભાળવા માટે કેળવાયેલા કાન અને પારખું નજર જોઈએ એ પહેલી શરત.
પ્રાચીન વાવો, શિલ્પો, સ્થાપત્યોની વાચા જન જન સુધી પહોચાડવા કપિલ ઠાકર નામના યુવાને
કમર કસી છે. કોણ છે કપિલ ઠાકર ?? શિલ્પ, સ્થાપત્ય, કલા વારસાના સંશોધકો અને જિજ્ઞાસુઓ
માટે તીર્થરૂપ એક નામ એટલે કપિલ ઠાકર. આ એક
એવું નામ છે જેને વિસરાયેલી પ્રાચીન વિરાસત સમાન શિલ્પો, સ્થાપત્યો કલા સંસ્કૃતિને
પુનઃ ધબકતી કરવા એકલે હાથે મથામણ આદરી છે.
બનાસકાંઠાના પાલનપુર
પાસે આવેલી દાંતીવાડા તેમનું વતન. ઈતિહાસ સંશોધન તેમનો રસનો વિષય. વર્ષ 2007માં ઈતિહાસ અને
પુરાતત્વ વિષયને સાથે રાખી ગૂજરાત વિદ્યાપીઠમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુર્ણ કર્યો. અભ્યાસ
દરમિયન ઉત્તર ગુજરાતની વાવો પર તેઓએ અભ્યાસપૂર્ણ રીસર્ચ કર્યું. અભ્યાસનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ શોધ નિબંધ દરમ્યાન કપિલ ઠાકરનાં માનસમાં
હેરીટેજનાં સંવર્ધનના બીજ રોપાયા.
કપિલ ઠાકર અભ્યાસ
દરમ્યાન જ્યારે જીલ્લામાં આવેલ વાવ સ્થાપત્ય પર સંશોધન કરતા હતા ત્યારે વાવોની
કફોડી અને ખંડેર સ્થિતિ જોતા તેઓના મનમાં વિચાર આવ્યો કે જો સ્થાપત્યો જ નહી રહે
તો સંશોધકો સંશોધન કેવી રીતે કરશે ? વળી, ગુજરાત
જેવા ઐતિહાસિક અને વિશાળ રાજ્યમાં શહેર અને ગામોમાં કુલ કેટલા સ્થાપત્યો આવેલા છે
તેની સાચી હકીકત પણ કોઈને ખબર નથી. આ બાબતથી પ્રેરણા લઈ તેઓ વર્ષ 2008થી
ઈતિહાસ, કલા
અને સંસ્કૃતિનાં સંવર્ધનમાં સક્રીય રીતે મચી જ પડ્યા. અત્યાર સુધી તેઓએ સ્થાનિક વહીવટીતંત્ર, સ્વૈચ્છિક
સંગઠનો અને મિત્રો સાથે મળીને 50 થી વધારે વાવો સાફ કરાવી છે અને ઘણી
જગ્યાએ વાવને સમારકામ કરવાની કામગીરી પાર પાડી છે. મિત્રો સાથે મળી તેઓએ 2008માં
હિસ્ટોરિકલ એન્ડ કલચરલ રીસર્ચ સેન્ટર નામે સંસ્થા સ્થાપી અને ત્યારબાદ ન માત્ર
બનાસકાંઠામાં પણ સમગ્ર રાજ્યમાં હેરીટેજને જીવંત કરવાનું અભિયાન આદર્યુ.
હેરીટેજની કામગીરીમાં
સ્થાનિક લોકોને જોડવા અને પોતાના વિચાર અને આયોજનો ઝડપથી લોકો સમક્ષ પહોચાડવા
અતુલ્ય વારસો નામે સામયિકનો પ્રારંભ કર્યો, જેના અત્યાર સુધી 40થી
વધારે અંક પ્રકાશિત થઈ ચુક્યા છે અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ સુધી સરળતાથી પહોચે
તે માટે પ્રયત્નશીલ છે. અતુલ્ય વારસો દ્વારા તેઓએ અનેક વિશેષ અંકો પ્રકાશિત કરી
અંબાજી, દ્વારકા, વડનગર, પાટણ, મેળા
અને ઉત્સવો, ગુજરાતની
બુધ્ધિસ્ટ સાઈટ, જળ
સ્થાપત્યો વગરેને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. સંસ્થા સાથે જોડાયેલા સભ્યો સાથે
રૂબરુ મળી વિચારોનું આદાન પ્રદાન થઈ શકે તે માટે તેઓએ 2016થી
ટી પાર્ટીનું આયોજન કરવાનો પ્રારંભ કર્યો. જેનો હેતુ એ છે કે ચાય પીતાં પીતાં હળવી
પળોમાં તમામ સભ્યો પોતાની વાત રજુ કરી શકે અને આગામી આયોજનો ઘડી શકાય. અત્યાર સુધી
તેઓએ રાજ્યનાં લગભગ બધા શહેરોમાં મળીને 50થી વધારે ટી
પાર્ટીનું આયોજન કર્યુ છે અને કુલ 10,000 થી વધુ લોકોને પોતાની
સાથે જોડ્યા છે. આ સાથે તેઓએ વાત વતનની અભિયાન ચાલુ કર્યુ છે જે અંતર્ગત મુંબઈ, દિલ્હી, સિંગાપોર
ખાતે જઈ ગુજરાતી સમાજ સાથે મિટિંગ કરી વતનના વારસાને ઉજાગર કરવા પ્રયાસો કર્યા, આગામી
સમયમાં લંડન ખાતે ગુજરાતીઓને જોડવા આયોજન ચાલી રહ્યું છે.
કપિલભાઈએ અત્યાર સુધી ચાર પુસ્તકો પ્રગટ કર્યા છે. જેમાં 1. બનાસકાંઠા જીલ્લામાં
આવેલ વાવ સ્થાપત્ય, 2. અંબાજી
પ્રવાસન, 3. આપણું
બનાસકાંઠા અને 4. સોમનાથ
વૈભવી વારસોનો સમાવેશ થાય છે, આગામી 2 પુસ્તકો ટૂંક સમયમાં
પ્રકાશિત થનાર છે. તાજેતરમાં તેઓએ “અતિતનું
અજવાળુ”
નામે નવુ અભિયાન હાથ ધર્યું છે જેનાં ભાગરૂપે રાજ્યનાં પૌરાણિક મંદિરોને ઉજાગર
કરવા, ત્યા
જઈ સ્થાનિક લોકોને જોડી મહાઆરતીનું આયોજન અને જરૂરીયાત મુજબ સાઈટ ડેવેલોપમેન્ટની
કામગીરી હાથ ધરે છે.
કપિલ ઠાકર તેમની
કાર્ય શૈલી વિશે જણાવેછે કે “અમો
કુલ પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામગીરી કરીએ છીએ જેમાં સર્વેક્ષણ, સંશોધન
અને દસ્તાવેજીકરણ, પ્રકાશન, સાઈટ
ડેવેલોપમેન્ટ, હેરીટેજ
પ્રવાસનનો સમાવેશ થાય છે. અમે લગભગ રાજ્યનાં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં
સર્વેક્ષણ કરતા રહેતા હોઈએ છીએ અને ગીર સોમનાથ, બનાસકાંઠા અને
સુરેન્દ્રનગરમાં અમારી કામગીરી ચાલી રહી છે. અમારો હેતુ છે કે હેરીટેજ સ્મારકો
જીવંત થાય અને ત્યા સમયાંતરે કાર્યક્રમો થતા રહે, જો સ્મારકો વપરાશમાં
હશે તો સચવાશે.”
કપિલભાઈનું મિશન છે
કે ગુજરાતનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર સમા સ્થળો ઉજાગર થાય અને જીવંત બને.
ભવિષયમાં તેઓ ગુજરાતમાં એવું સંશોધન કેન્દ્ર તૈયાર કરવા માંગે છે કે જેના થકી
લોકોને હેરીટેજ વિષયમાં રોજગારીની તકો ઉભી થાય અને વિદેશી સંશોધનાત્મક સંસ્થાઓ
સાથે જોડાણ કરી વિશ્વસ્તરનું હેરીટેજ સેન્ટરનો આપણા રાજ્યમાં વિકાસ થાય. તેમનો
પરીવાર તેમના આ પ્રયાસમાં હંમેશા સાથે રહ્યો છે અને પતિ-પત્નિ બંને હેરીટેજ
વિકાસની આ સફરમાં જોડાયેલા છે સાથે તેઓની પાંચ વર્ષની દિકરીનાં પણ અત્યાર સુધીનાં
તમામ જન્મદિન વાવ/કુંડમાં જ ઉજવણી કરવામાં આવ્યા છે.
અતુલ્ય વારસો એવોર્ડ
થકી કલા-વારસા પ્રેમીઓ અને બાળકોનું સન્માન કરવાનો અનોખો પ્રયોગ આ સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર
દ્વારા “અતુલ્ય-વારસો
આઈડેન્ટીટી એવોર્ડ - ૨૦૨૨”
થી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં
૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા
અને સંસ્કૃતિ.
૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ.
૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા
વગેરે)
૪) લેખન અને પ્રકાશન
૫) હેરીટેજ પ્રવાસન
આ પાંચ ક્ષેત્રોમા પ્રદાન કરનાર વ્યક્તિ કે સંસ્થાનું જાજરમાન સન્માન કરવામાં
આવે છે, આ પુરસ્કાર પાછળ હેતુ એવો છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની
કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું
ગરીમામયી સન્માન થાય. આ
વર્ષે પણ દ્વારા “અતુલ્ય-વારસો
આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૪”
ગાંધીનગર ખાતે યોજાયો જેમાં ૧૩૨ થી વધુ કલા
સાધકોનું સન્માન કરવામાં આવ્યું. આ નાનકડો
પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો
જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે.
પ્રાચીન સ્થાપત્યો, કલા-સંસ્કૃતિના
અતુલ્ય વારસાના સંવર્ધનનું સપનું આંખોમાં આંજી કપિલ ઠાકરે કમર કસી છે એ જતાં લાગે છે
એમનું સપનું સાકાર થશે જ એમાં કોઈ બેમત નથી.
(માહિતી સહોયોગ : ડૉ. શિવશંકર જોશી )
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
અદ્વિતીય કાર્ય
ReplyDelete