Sunday, April 21, 2024

સન્ડે સ્પેશિયલ

ભૂખ્યા જનોની જઠરાગ્રની ઠારતી અવલ્લીની ઓળખ સમી અનોખી સેવાકીય સંસ્થા :

 અન્નપૂર્ણા ટ્રસ્ટ 


               અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલું   અન્નપૂર્ણા ટ્રસ્ટ  એ અનેકવિધ ક્ષેત્રે ઉમદા સેવાઓ પ્રદાન કરી એક આગવી ઓળખ ઉભી કરી છે. અન્નપૂર્ણા હવે કેવળ સંસ્થાન નથી રહી અન્નપૂર્ણા આ પ્રદેશનું એક આંદોલન બની ગયું છે. વર્ષે દહાડે લાખો ગરીબ દર્દીઓ અન્નપૂર્ણાના અન્નનો અમી ઓડકાર ખાઈ આશિષ પાઠવે છે. નાનકડા વિચારબીજ માંથી વટવૃક્ષ બનેલી આ સંસ્થાના કાર્યનો પરિચય મેળવવા જેવો છે.
             શિક્ષણનગરી તરીકે સુવિખ્યાત બનેલું અરવલ્લી જિલ્લાનું મુખ્યમથક મોડાસા આરોગ્યધામ તરીકે પણ પ્રચલિત બન્યું છે. આ નગરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ વિખ્યાત સાર્વજનિક હોસ્પિટલ ઉપરાંત નાની-મોટી પચાસેક ખાનગી હોસ્પિટલો પણ છે. અને તેમાં ઉત્તરોઉત્તર ઉમેરો થતો રહે છે. 
             આ હોસ્પિટલોમાં મોડાસા પ્રદેશના પાસેના પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા જિલ્લાના તેમજ રાજસ્થાનના છેક અંતરિયાળ વિસ્તારના ગરીબ અસંખ્ય દર્દીઓ સારવાર માટે અહીં આવે છે. આજથી બરાબર સત્યાવીસ વર્ષ પહેલાં આવા દર્દીઓનાં લાભાર્થે રાહત દરનું ભોજનાલય શરુ કરવાનો એક વિચાર વહેતો થયો હતો. જશવંતભાઈ શાહ, રતિલાલ શાહ, નટુભાઈ જી. શાહ, હસમુખભાઈ કે. શાહ અને મોડાસા નગરના અન્ય સેવાભાવી વડીલોએ આવી ઉમદા સંસ્થા વિકસાવવાનું વિચારબીજ રોપ્યું. અને એ વિચાર બીજ એટલે કે આજે વટવૃક્ષ બનીને ફૂલીફાલેલી સંસ્થા અન્નપૂર્ણા. 
          સંસ્થાનું એ સદભાગ્ય હતું કે શરૂઆતના તબક્કામાં જ મુંબઈના શ્રી ચંદ્રવદનભાઈ શાહ અને મોડાસાના શ્રી મનુભાઇ શાહ ( લાટીવાળા )નો સહયોગ પ્રાપ્ત થયો. શ્રીમતી કપિલાબેન જે. બી. શાહ ટ્રસ્ટી આ પ્રવૃત્તિ માટે મોખાની જગ્યા કોઈપણ જાતની શરત વગર નિઃશુલ્ક આપી. વિકસતા જતા મોડાસા નગરની મધ્યમાં આવેલી કરોડોની મિલકતનું આ વિશાળ બિલ્ડીંગ ઉમદા સેવા માટે દાતા શ્રીઓએ સમર્પિત કરી દીધું. પ્રારંભિક તબક્કામાંથી મોડાસા નાગરિક સહકારી બેંકનો પણ સંસ્થાને ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો. માત્ર 2 રૂપિયાની ટોકન લઈ દૂર સુદૂર થી સારવાર માટે આવતા દર્દીઓને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ટિફિન આપવાનું નક્કી કર્યું. 
           શરૂઆતમાં તો એમ લાગતું હતું કે આ ગંજાવર કામ આજના મોંઘવારીના સમયમાં કરી શકાશે કે નહીં?? માત્ર બે રૂપિયામાં એક ટંકનું ભોજન આપી શકાશે કે કેમ? સદ્કાર્યના આ સેવાયજ્ઞમાં દાતાઓનું અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો. દાનની સરવાણી વહી. 1 એપ્રિલ 1993ના રામનવમીના પવિત્ર દિવસથી અન્નપૂર્ણા સેવાયજ્ઞનાના શ્રી ગણેશ થયા. 
          શરૂઆતમાં માત્ર બપોરના ટંકનું ભોજન અપાતું હતું. પરંતુ દાનનો પ્રવાહ અવિરત રીતે વહેતા 1995થી રામનવમીથી સાંજનું રસોડું પણ શરૂ કરવામાં આવ્યું. મોડાસા થી તેમજ મોડાસા પ્રદેશના દેશ-દેશાવરમાં વસતા લોકો તરફથી અન્નપૂર્ણાને અભૂતપૂર્વ આવકાર મળ્યો. મોડાસાથી જેમની ખાસ સંબંધ નથી તેવા લોકો પણ આ સેવાયજ્ઞમાં પોતાનો ફાળો નોંધાવતા રહ્યા છે. સામાન્ય વર્ગ પણ સેવાયજ્ઞમાં આહુતિ આપવામાં પાછો નથી રહ્યો. જોતજોતામાં 31 વર્ષની મજલ કાપી આ સંસ્થા 32માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. હાલમાં સવાર તેમજ થઈને 500 ની આસપાસની સંખ્યામાં અલ્પ સાધન ધરાવતા દર્દીઓ અને તેઓના સગાસંબંધીઓ અન્નપૂર્ણા ટિફિન સેવાનો લાભ લે છે. વર્ષે દહાડે આ સંસ્થા દ્વારા દોઢથી બે લાખ ટિફિનનું વિતરણ કરવામાં આવે છે. 
               અસહ્ય મોંઘવારીના જમાનામાં માત્ર બે રૂપિયા જેવી મામૂલી રકમમાં અન્નપૂર્ણા દ્વારા ભોજન અપાય છે. ભોજનની ગુણવત્તા પર આયોજક કમિટી સંપૂર્ણ દેખરેખ રાખે છે. દર્દીઓને પૌષ્ટિક ટિફિન મળે તેની પૂરેપૂરી કાળજી લેવાય છે. 
        પહેલા દર્દીઓની સેવાઓમાં રોકાયેલી વ્યક્તિઓને દૂરદૂરથી હોસ્પિટલોમાંથી માલપુર રોડ પરની અન્નપૂર્ણા સંસ્થામાં દરરોજ સવાર સાંજ ટિફિન લેવા આવવું પડતું હતું. ઉનાળાનો ધમધોખતો તાપ હોય કે પછી ચોમાસામાં વરસાદની ઝડી વરસતી હોય ત્યારે દર્દીના સગાને સંસ્થા માં ટિફિન લેવા આવવાની ખૂબ તકલીફ પડતી. લાભાર્થીઓની આ તકલીફને ધ્યાનમાં લઈને મોડાસા નગરના જુદા જુદા વિસ્તારોમાં ટિફિન વિતરણ માટે પાંચ સબસેન્ટર ખોલવામાં આવ્યાં છે. રીક્ષાઓ તો હાથવગી હતી જ. રિક્ષા દ્વારા નિશ્ચિત સ્થળે અને સમયે ભોજન લાભાર્થીઓને પહોંચે તેવી વ્યવસ્થા 2017 - 18 થી કરવામાં આવી છે. મોડાસા નગરમાં સૌથી જૂની હોસ્પિટલ સાર્વજનિક હોસ્પિટલ એટલે પહેલું સેન્ટર ત્યાં જ કર્યું. બીજું સેન્ટર કૃષ્ણ હોસ્પિટલ મેઘરજ રોડ ઉપર કર્યું. ત્રીજુ સેન્ટર શામળાજી રોડ પર ડીપમાં કર્યું અને ચોથું સેન્ટર એસટી સ્ટેન્ડ પાસે ડોક્ટર હાઉસની ગલીમાં કરવામાં આવ્યું છે. પાંચમો સેન્ટર સંજીવની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં મોડાસાના ડોક્ટરો અને નગરજનોએ સાથ આપ્યો. આ સુવિધાને લીધે લાભાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ. પહેલા સવાર-સાંજ થઇને અઢીસોથી ફોન થતા હતા. હવે સવાર સાંજ થઈને રોજના 400 થી 500 ટિફિન જાય છે. પ્રભુકૃપા અને દર્દીઓના અંતરની આશિષ કેવી કાયાપલટ કરે છે તેનું આનાથી વધારે ઉત્કૃષ્ટ ઉદાહરણ કયું હોઈ શકે!!


             અન્નપૂર્ણા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા બારમાસી મિનરલ વોટરની પરબની સુવિધા શરૂ કરી છે. મોડાસા નગરના વૃદ્ધ સહાય અપંગ વ્યક્તિઓને પણ અન્નપૂર્ણા નો લાભ આપવામાં આવે છે. જરૂરિયાત મંદ લોકો ની આતરડી અન્નપૂર્ણા દ્વારા ઠરે છે. તેનો યશ માનવતાના આ મહાન કાર્યમાં સહયોગ આપતાં દિલદાર દાતાઓના ફાળે જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભોજનનું દાન દેવું એ સેવા જ માત્ર નથી પરંતુ વૈદિક કાળથી ચાલી આવતી આપની ભવ્ય પરંપરા છે. અન્નદાનથી મૂલ્યવાન એવી કોઈ ઉદાર ભેટ આ જગતમાં નથી. 
            અન્નપૂર્ણાના દિલદાર દાતાઓના સહયોગથી અન્નપૂર્ણા એ રોટી મેકિંગ મશીન વસાવ્યું છે હમ સીનથી કલાકમાં 700 થી 800 ગરમાગરમ રોટલી તૈયાર થઈ શકે છે. સવાર-સાંજ આ ટિફિનની રસોઈ બનતી હોવા છતાં અન્નપૂર્ણાના રસોડાની જગ્યાની ચોખ્ખાઈ, એની સુઘડતા ઉડીને આંખે વળગે તેવી છે. 
              અન્નપૂર્ણા ટ્રસ્ટની સાથે સાથે અહીં ડોક્ટર નાથાલાલ જે. શાહ સાધન સુવિધા કેન્દ્ર પણ કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા ઘેર બેઠા સારવાર લેતા હોય તેવા દર્દીઓની જરૂરી સાધનો લઈને પૂરા પાડવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા વોકરથી માંડી વિલચેર સુધીના નાના-મોટા સાધનો અપાય છે. 
              શ્રીમતી નિર્મલા બહેન ઓચ્છવભાઈ ગાંધી નિર્મલ છાસ કેન્દ્ર દ્વારા દર વર્ષે એપ્રિલ મે અને જૂન એમ ત્રણ મહિના છાસ નું વિતરણ કરવામાં આવે છે. જેમાં સબરડેરી નો પણ સહયોગ પ્રાપ્ત થયો. રસ્તે જતા રાહદારીઓ માત્ર એક રૂપિયો ટોકન લઈને સાબરડેરીની મસાલેદાર છાશ આપવામાં આવે છે. 
               તુલસીદાસ પી. શાહ વિઝન સેન્ટર
           શ્રીમતી કપિલાબેન જે બી શાહ શિશુ મહિલા કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ મોડાસા સંચાલિત દ્રષ્ટિ કેન્દ્ર દ્વારા શરીરના રતન રૂપ આંખની સારવાર માટેનું બંધ 2014-15 વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે.   દર બુધવારે સવારે 8:30  થી 100 જેટલાં દર્દીઓને તપાસવામાં આવે છે.  આ કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાતમંદોને રાહત દરે ચશ્મા અને દવાઓ પણ અપાય છે.  અમદાવાદના સમતા ટ્રસ્ટ અને અંધજન મંડળનું ખુબ સુંદર સહયોગ આ કાર્યને સાંપડ્યો છે. આ ઉપરાંત ગાબટના વતની અને હાલ અમેરિકા સ્થિત રમેશભાઈ શાહ, રસિકભાઈ શાહ, આર.પી. શાહ, અમદાવાદના જીતુભાઈ શાહ, વિજયભાઈ શાહનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થતો રહે છે. 
                વૃદ્ધ ,વડીલ નિવૃત્ત સજ્જન અને સન્નારીઓ પોતાનું નિરાંતનો સમય સમય સાથે ગાળી શકે અને પોતાના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને સંવર્ધન કરી શકે તેવા ઉદ્દેશથી અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા મોડાસા નાગરિક સહકારી બેંક કો-ઓપરેટીવના સહયોગથી દાદા દાદીનો વિસામો અહીં શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થી પ્રસન્ન થઈ મોડાસા નગરની દાદા દાદીની વાડીને મોડાસા નાગરિક બેંકેે કુલ ત્રણ લાખ રૂપિયાની ઉદાર સખાવત આપી છે. તેથી ધી મોડાસા નાગરિક સહકારી બેન્ક લી દાદા-દાદીનો વિસામો એ રીતે તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. 
             દાદા દાદીનો વિસામો દરરોજ સાંજના 4 થી 7 ખુલ્લો રહે છે. સાંજના સમયે વરીષ્ઠ નાગરિકો અહીં આવે છે . અખબારો અને પુસ્તકોનું વાંચન કરે છે. જુદી જુદી ઇન્ડોર ગેમ રમે છે. બૌધ્ધિક ચર્ચાઓ કરે છે. અહીં એક સુંદર પુસ્તકાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં તમામ પ્રતિષ્ઠિત સામયિકો અને અખબારો નિયમિત આવે છે. વરિષ્ઠ નાગરિકો આરામ દાયક રીતે વાંચી શકે એવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેમની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. સાંજ પડે અહીં વડીલોનો મેળાવડો જામે છે. અહીં આવીને વડીલોના ચહેરા પરનું સ્મિત જુઓ તો સમજાય કે જીવન સંધ્યા પણ મેઘધનુષી રંગો જેવી રંગીન હોય છે. દાદા દાદીના વિસામામાં આવતા વડીલો માટે રોજ અલગ અલગ ગરમા ગરમ ચા નાસ્તાની પણ વ્યવસ્થા છે. દાદા-દાદીના વિસામા નિભાવ સહયોગ તરીકે હાલમાં દર મહિને માત્ર 200 રૂપિયા લેવામાં આવે છે. 58 વર્ષ કે તેથી વધારે વર્ષની વ્યક્તિ આ પ્રોજેક્ટના લાભાર્થી બની શકે છે.
                  અન્નપૂર્ણા સંસ્થાના કર્તાહર્તા ટ્રસ્ટી મંડળનો હેતુ ઉમદા અને નિઃસ્વાર્થ છે. પારદર્શક વહીવટ થકી સમાજના સામાન્ય માનવીથી લઈ શ્રેષ્ઠીઓનો વિશ્વાસ સંપાદન કર્યો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતી નાનામાં નાનો માણસ પોતાની બચતની રકમ અન્નપૂર્ણાના સેવાયજ્ઞમાં આપી પ્રસન્નતા અનુભવે છે. અન્નપૂર્ણા દિવસે ને દિવસે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને સાંકળી સેવાની સૌરભ સમગ્ર પંથકમાં પ્રસરાવી છે. મોડાસાની મુલાકાતે આવતા પ્રવાસીઓએ આ સંસ્થાની મુલાકાત અચૂક લેવી જોઈએ.

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)



4 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts