Sunday, July 30, 2023

સન્ડે સ્પેશિયલ

 ખુબ ઓછા સમયમાં ગુજરાતનું  બેસ્ટ સેલર બનેલું  "કર્તવ્ય" પુસ્તક લખવા માટેની પ્રેરણા મને ક્યાંથી મળી ?


ગુજરાતી ભાષાનું પ્રતિષ્ઠિત સામાયિક અભિયાન ગુજરાતના બેસ્ટ સેલર પુસ્તકોની યાદી નિયમિત પ્રગટ કરતુ હોય છે. આ યાદીમાં  પોલીસના સાહસ અને દિલધડક ઓપારેશનોની સત્ય કથા આધારિત “કર્તવ્ય” પુસ્તકનો સમાવેશ થયો એ મારા માટે ગૌરવની બાબત છે. પુસ્તક પ્રકાશિત થતા પહેલાં જ પુસ્તકની તમામ નકલોનું બુકિંગ થઇ ગયું હતું. એટલું જ નહિ બીજી આવૃત્તિ આવતાં એ પણ તરત વેચાઈ ગઈ. ખુબ ઓછા સમયમાં અત્યંત લોકપ્રિયતા પામનાર આ પુસ્તક લખવાની પ્રેરણા મને ક્યાંથી મળી એની કથા પણ રસપ્રદ છે.

વર્ષ ૨૦૨૦ની આ વાત છે. કોરોના કાળ દરમિયાન  વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબે ‘ધ ગ્રેટ કોરોના વોરિયર’ નામે સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ  પુસ્તક અરવલ્લી જિલ્લાના  પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબને  પહોંચાડવાની જવાબદારી તેમણે  મને સોંપી  હતી. જ્યારે હું પોલીસ અધિક્ષકની કચેરીએ પુસ્તક ભેટ આપવા ગયો. મને એ તારીખ  બરોબર યાદ છે.  તારીખ હતી  ૧ લી  સપ્ટેમ્બર ૨૦૨૦.  આ પહેલાં ક્યારેય પોલીસ સ્ટેશન કે કોઈ પોલીસ ઓફિસરની ઓફિસમાં જવાનું થયું જ  નહોતું. ફિલ્મો અને ટી..વી. સીરીયલોમાં દર્શાવવામાં આવતા પોલીસ ઓફિસરના ચરિત્રો આધારે પોલીસ ઓફિસર બાબતે  મનોવલણ ઘડાયું હતું. એ જ  મનોવલણ સાથે પોલીસ અધિક્ષકની ઓફિસમાં હું દાખલ થયો.

   જિલ્લાપોલીસ અધિક્ષક સંજય ખરાત સાહબે ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો. સાથે લઈ ગયો હતો એ પુસ્તક ભેટ આપ્યું. સાહેબ સાથે અડધા કલાકથી વધુ સત્સંગ જામ્યો. એક IPS ઓફિસરનું સાહજિક  વર્તન અને ઉષ્માપૂર્ણ વ્યવહાર જોઈ મારા અચરજનો પાર ન રહ્યો. આ અમારી પહેલી મુલાકાતમાં  ફિલ્મો અને સીરીયલોએ વર્ષોથી ઘડેલાં પોલીસ ઓફિસર વિશેનાં મનોવલણો થોડી મિનિટોટોમાં બદલાઈ ગયાં. સાહેબનો સરળ અને શાલીન સ્વભાવ હૃદયને સ્પર્શી ગયો. એ પછી તો નિયમિત અમારી મુલાકાતો થતી રહી.  તેમને નજીકથી કામ કરતા નિહાળવાનો અવસર મળ્યો.

સંજય ખરાત સાહેબના  હકારાત્મક અભિગમથી જિલ્લાપોલીસની કાર્ય પદ્ધતિમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું. જિલ્લાપોલીસે આદરેલી કડક કાર્યવાહીથી ખૂંખાર ગુનેગારો અને અસામાજિક તત્ત્વો રીતસરના ફફડવા લાગ્યા. જિલ્લામાંબનેલા ચોરી, હત્યા અને  લૂંટના જટિલ કેસોને ગણતરીના દિવસોમાં ઉકેલી પ્રજાનો વિશ્વાસ જીતી લીધો.  ગુનાખોરીનો ગ્રાફ નીચે ઉતરતો ગયો. જિલ્લામાંસૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થયું.

ફિલ્મો અને સિરિયલો આધારે અનેક લોકો પોલીસ વિષે નકારાત્મક મનોવલણ ધરાવતા હોય છે. અને અખબારો અને સમાચાર ચેનલો દ્વારા પણ મોટાભાગે  નકારાત્મક સમાચારોને પ્રસારિત કરવામાં આવતા હોય છે. જેનાથી લોકોના મનમાં પોલીસ વિશે  ઘડાયેલું  નકારાત્મક મનોવલણ વધુ પ્રબળ બને છે. પરંતુ હકીકત એનાથી ઉલ્ટી હોય છે. રાત દિવસ ખડે પગે ઊંભા રહી પ્રજાની સુરક્ષા માટે પોલીસ ફરજ બજાવે છે. કુદરતી આપદા હોય કે કોરોના કાળ જેવી અન્ય કોઈ આફત પોલીસ પોતાની જાનની પરવા કર્યા  વિના  ઢાલ બનીને ઊભી રહી જાય છે. આવા કિસ્સાઓ જલ્દી પ્રકાશમાં નથી આવતા.  ખાખી એ માત્ર રંગ નથી પણ એક ઝનૂન છે. છેલ્લા ત્રણેક વર્ષથી પોલીસની કામગીરી  નિકટથી નિહાળી હું પ્રભાવિત થયો.   

અરવલ્લીની જાંબાઝ પોલીસે જાનના જોખમે પાર પાડેલા અનેક ઓપરેશનની સકસેસ સ્ટોરીઝ પુસ્તક રૂપે સમાજ સમક્ષ મૂકવાની મારી પ્રબળ ઇચ્છાનાં બીજ તો કયારનાય રોપાઈ ચૂક્યા હતા..  સંજય ખરાત સાહેબ પાસે  પુસ્તક પ્રગટ કરવાની અનુમતિ માંગી અને તેઓએ અનુમતિ આપી. પુસ્તક લેખન માટે જુદા જુદા કેસની વિગતો એકત્ર કરતો હતો એ દરમિયાન ધ્યાને આવ્યું કે ખૂંખાર ગુનેગારોને પકડવા પોલીસે કેવાં- કેવાં  જોખમો લેવાં પડતા હોય છે. અનેક જોખમોની વચ્ચે પણ પોલીસ ધાર્યું ઓપરેશન પાર પાડીને જ રહે છે. આવા અનેક દિલચસ્પ કિસ્સાઓ તમને આ પુસ્તકમાં વાંચવા મળશે.

રસપ્રદ અને જટિલ કેસ અરવલ્લી જિલ્લાપોલીસે અનેક પડકારોની વચ્ચે કેવી રીતે ઉકેલી નાખ્યા ? ચોતરફ દહેશત ફેલાવનાર ગેંગના ગુંડાઓને જેલના સળિયા પાછળ કેવી રીતે ધકેલી દીધા ? બેફામ બનેલા બુટલેગરોમાં ફફડાટ કેમ ફેલાયો ? આવા કિસ્સા જાણવા અને માણવા વાચકોને ગમશે જ.  સાથે સાથે મહિલા બૂટલેગરોને રચનાત્મક માર્ગે વાળવા પોલીસે કરેલા પ્રયત્નો, દારુણ ગરીબીમાં જીવવા મજબૂર બનેલા  બ્લાઈંડ આંતરરાષ્ટ્રીય  ક્રિકેટરના જીવનમાં જિલ્લાપોલીસે કેવી રીતે પ્રકાશ પાથર્યો ? પુસ્તકમાં પ્રગટ થયેલા આવા   જિલ્લા પોલીસના માનવીય અભિગમનાં  પ્રકરણો  વાચકોના હૃદયને ભાવવિભોર કરે છે.

આ પુસ્તકના પાયામાં સંજય ખરાત સાહેબનો માનવીય અભિગમ રહેલો છે. મારી કારકિર્દી દરમિયન અનેક અધિકારીઓને મળવાનું બન્યું છે. પરંતુ IPS કક્ષાની વ્યક્તિની વિનમ્રતા અને શાલીનતા સંજય ખરાતમાં જોવા મળી એ પહેલાં ક્યારેય કોઈ ખાતાના અધિકારીમાં જોવા મળી.

વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી  દેવેન્દ્ર પટેલ લખે છે કે  “હું મારા પત્રકારત્વની 55 વર્ષની કારકિર્દી દરમિયાન જે ઉચ્ચ પોલીસ અધિકારીઓથી પ્રભાવિત થયો છું. તેમાંનું એક નામ બહુ થોડા સમય માટે ગુજરાતના પોલીસ વડા તરીકે આવેલા સુપર કોપ જુલિયો રિબેરો છે એવા જ બીજા એક ગુજરાતના પોલીસ વડા ખંડવાવાલા હતા. અરવલ્લી જિલ્લાના  એસ. પી. સંજય ખરાત પણ એ જ શ્રેણીમાં આવે છે. જેમણે પોતાના વ્યવસાયને એક મિશન પણ બનાવી દીધું છે. સંજય ખરાત સાહેબ માટે એક જ વાક્યમાં લખવું હોય તો લખી શકાય કે, ‘સંજય ખરાત સાહેબ એક વર્સેટાઇલ પર્સનાલિટીછે. તેઓ આ ક્ષેત્રમાં આવવા માગતા યુવક-યુવતીઓ માટે અને બીજા પોલીસ અધિકારીઓ માટે એક રોલ મોડેલ પણ છે."

સખત મહેનત કરી ઉચ્ચ પદ પર તો પહોંચી શકાય છે. પરંતુ સફળતા  સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી જમીન સાથે જોડાઈ રહેવાનું કામ કપરું હોય છે. ઉચ્ચ પદ પર પહોંચ્યા પછી સ્વભાવમાં સરળતા જાળવી રાખવું એ ધારીએ છીએ એટલું સરળ નથી.

      Young and dynamic personality એવા I.P.S. ઑફિસર માનનીય_સંજય_ખરાત સાહેબે. શાલીન, સાહિત્યપ્રેમી અને ઉષ્માસભર વ્યક્તિત્વ એવા અરવલ્લી જિલ્લા પોલીસ વડા (S.P) માનનીય સંજય ખરાત સાહેબ એટલે હકારાત્મકતાથી ભર્યું ભર્યું મઘમઘતું વ્યક્તિત્વ ધરાવે છે..

    સંજય ખરાત સાહેબે અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે આશરે ત્રણ  વર્ષ પહેલાં ચાર્જ સંભળ્યો. ત્રણ  વર્ષના ટૂંકા ગાળામાં અરવલ્લી જિલ્લામાં તેઓએ જે કામ કરી બતાવ્યું છે તે ખરા અર્થમાં કાબિલેદાદ છે. તેઓના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લા પોલીસના નામથી અસામાજિક તત્વો, બુટલેગરો અને ગુનેગારો રીતસરના ધ્રુજવા લાગ્યા. કેટલાય નામચીન બુટલેગરો આજે જેલના સળિયા પાછળ છે. કેટલાય જટિલ કેસોને કુનેહપૂર્વક ઊકેલ્યા છે. માત્ર બહારના જ ગુનેગારો નહીં પરંતુ ડિપાર્ટમેન્ટની અંદર રહેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરી સમસ્ત ગુજરાતના પોલીસ જગતમાં સંજય ખરાત સાહેબે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

               ગુનેગારો અસામાજિક તત્ત્વો  વિરુદ્ધમાં કડક હાથે કામ લેતા ખરાત સાહેબ ખરા અર્થમાં તો ઋજુ હૃદય ધરાવે છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટે તેઓની ઓફિસના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખ્યા. કોઈની પણ ઓળખાણ કે વગ વિનાના કોઈપણ ફરિયાદી નિઃસંકોચપણે પોતાની ફરિયાદ તેઓને કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કર્યું.. ફરિયાદીની ફરિયાદ સાંભળી તેના નિરાકરણ માટે દિલ રેડીને કામ કરવું એ તેમનો સ્વભાવ છે. તેઓની કાર્ય કરવાની પદ્ધતિ જ નોખી છે.

 કહેવાય છે ને કે જંગલમાં પણ સીધું ઝાડ પહેલું કપાય છે એ જ ન્યાયે ફરજ દરમિયાન અનેક  સંઘર્ષો આવ્યા. આવા  સમયે પણ ધીરજ જાળવી પોતાના કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરી પ્રજા માટે અવિરત કામ કરતા રહ્યા.  તેઓએ પ્રજાનો એવો  અપાર પ્રેમ પ્રાપ્ત કર્યો કે નાજુક સમયે જિલ્લાની સમસ્ત જનતા તેમની પડખે આવી ઊભી રહી. કોઈપણ અધિકારી માટે સમાજનો અપાર પ્રેમ એ જ સૌથી મોટો પુરસ્કાર છે. 

             સંજય ખરાત સાહેબ માનવીય અભિગમથી પોતાના કાર્યક્ષેત્ર સિવાય પણ અનેક સેવાકીય કર્યો કરતા રહે છે. લોકડાઉન દરમિયાન થેલેસેમીયાનાં  ભોગ બનેલાં બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરી ખાસ્સી એવી રક્તની બોટલ એકત્રિત કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.  આ ઉપરાંત તેઓ હંમેશા પ્રજાની સેવા માટે તત્પર રહે છે. અનેક કામોની વ્યસ્તતા વચ્ચે પણ તેઓની પાસે આવનારને શાંતિથી સાંભળી માત્ર સાંત્વના જ નથી આપતા પરંતુ બનતી તમામ મદદ કરે છે. પોલીસના વ્યવસાયમાં આમ તો સતત તણાવભરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એમ છતાં ખરાત સાહેબના મુખ પરનું સ્મિત ક્યારેય કરમાતું નથી. નાનામોટા સૌને સસ્મિત આવકારતા સંજય ખરાત સાહેબ ખરા અર્થમાં  હકારાત્મકથી ભર્યું ભર્યું ઉર્જાજાવાન  વ્યક્તિત્વ છે. સાચેજ જિલ્લાના પોલીસ વડા હોવા છતાં તેઓના સ્વભાવની સરળતા કોઈને પણ સ્પર્શી જાય તેવી છે.

 "કર્તવ્ય" પુસ્તક થકી સંજય ખરાત સાહેબના નેતૃત્વમાં અરવલ્લી જીલ્લા પોલીસની કામગીરી કર્તવ્ય પુસ્તક થકી શબ્દબદ્ધ કરવાનું સૌ ભાગ્ય મને પ્રાપ્ત થયું એનો આનંદ અને ગૌરવ છે.

      સંજય ખરાત સાહેબનું તાજતરમાં  પોસ્ટીંગ ગાંધીનગર ખાતે થયું છે. સાહેબ જ્યાં પણ જશે ત્યાં તેમની કાર્યોની સુવાસ પ્રસરવાની જ છે એમાં કોઈ બે મત નથી. અરવલ્લી જીલ્લાના પ્રજાજનોના હૃદયમાં સંજય ખરાત સાહેબનું સ્થાન ચીરકાળ સુધી હ્રદયસ્થ રહેશે.   સાહેબની આગામી સફર માટે અનેકાનેક શુભકામનાઓ. માન, શૈફાલી બરવાલ (IPS) અરવલ્લી જીલ્લાનાં પ્રથમ મહિલા પોલીસ અધિક્ષક પ્રાપ્ત થયાં છે. આ તબક્કે તેમનું પણ ઉષ્મા ભર્યું સ્વાગત !

    પુસ્તકની અપ્રતિમ સફળતાનો યશ હું માન. સંજય ખરાત સાહેબ અને અરવલ્લી જીલ્લા પોલીસની સમસ્ત ટીમે અર્પણ કરું છું. 

 ('કર્તવ્ય' પુસ્તક ખરીદવા 9825142620 whatsapp પર નામ સરનામું મોકલી બુકિંગ કરાવી શકો છે. મૂલ્ય : ૩૦૦ રૂપિયા ) 

-     ઈશ્વર પ્રજાપતિ

9825142620

 

 

Sunday, July 23, 2023

સન્ડે સ્પેશિયલ

 મોડાસામાં (સં. 1956)  છપ્પનીયા  દુકાળમાં  1498 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 

        જેમ પ્રાચીન સમયથી મોડાસા નગરની મહત્તા રહેલી છે.તેમ બ્રિટિશ શાસન દરમ્યાન પણ મોડાસાની ભૂમિકા મહત્વની રહી હતી. 1912 માં અમદાવાદના ગોરા કલેકટરે લખેલું "Modasa is an old fashioned town which shows considerable public spirit" 

         આ વાત છે 1818 જ્યારે મોડાસા પ્રદેશ પર બ્રિટિશ અને ઇડર સ્ટેટ એમ બેવડી હુકુમત હતી. આઝાદીની એક સદી પહેલાં 1848 માં અંગ્રેજ સરકાર અને ઈડર સંસ્થાન  વચ્ચે ગામડાઓની વહેંચણી થઈ. તેમાં મોડાસા પ્રદેશ અંગ્રેજોના તાબામાં આવ્યો.
   એક લોકવાયકા એવી છે કે 1857ના વિપ્લવ બાદ મરાઠા વીર તાત્યાટોપેએ મોડાસામાં મજૂમ નદીના સામા કિનારે થોડા દિવસો કાઢ્યા હતા. એમના માટેની ખાદ્ય સામગ્રી મોડાસાના ગાંધીવાડામાં વસતા નગરશેઠના ત્યાંથી મોકલવામાં આવતી હતી. આ ઘટના શ્રી ભોગીલાલ ગાંધીએ "પુરુષાર્થની પ્રતિમા" નામે ગ્રંથ માં આલેખી છે.
         એ સમય દરમ્યાન મોડાસામાં સાવા સો ઉપરાંત તેલની ઘાણીઓ ધમધમતી હતી. અહીંનું તેલ વઢવાણ, લીમડી અને ધોલેરા સુધી જતું. અને એ જમાનામાં ધોલેરાથી અહીંની વસ્તુઓ પરદેશમાં નિકાસ થતી. અહીંનું ડોળીયું (મહુડાનું તેલ) પણ વખણાતું. રંગવાના, છાપવાના, ખરાદીકામ અને કાપડનો ધંધો ફુલ્યો ફાલ્યો હતો. મોડાસા અને માળવા વચ્ચે ઊંટ દ્વારા માલની હેરફેર થતી. એક સરકારી અહેવાલ પ્રમાણે એ અરસામાં મોડાસાની વસ્તી 4059 હતી.
          મોડાસા મ્યુનિ. ની સ્થાપના ૧/૧૦૧૮૫૯ માં થઈ. તે વખતે બધા જ સભ્યો સરકાર નીમતી હતી. સને ૧૮૭૯ માં ચૂંટણીનું ધોરણ દાખલ થયું. મોડાસા મ્યુનિસિપાલિટીના પ્રથમ ચૂટાયેલા પ્રમુખજહાજી મહમદ ખાન સાહેબ હતા.
     અંગ્રેજી શાસન કાળ દરમિયાન મોડાસાની ધરતીએ ઘણી લીલી સૂકી જોઈ છે. 1900 માં કોલેરાએ અહીં કાળો કેર વર્તવેલો. તે પછી છપ્પનીયો  દુકાળમાં (સં. 1956) મોડાસામાં 1498 માણસો મરી ગયાની મ્યુનિસિપાલિટીના દફતરે નોંધ છે.
       1948 માં દેશ સ્વતંત્ર થયો અને 10/6/1948 ના રોજ સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ત્યારે આખા જિલ્લામાં દસ હજારથી વધારે વસ્તી વાળું ગામ એક માત્ર મોડાસા હતું. તે સમયે હિંમતનગરની વસ્તી માત્ર ચાર હજાર હતી.
          અગામી  અંધાધૂંધીના પ્રમાણમાં અંગ્રેજ રાજ્ય અમલમાં શાંતિ હતી. એટલે વેપાર ધંધા સ્થિર થયા. અને લૂંટફાટો અટકી હતી. તેની લોકમાનસ પર ઘણી મોટી અસર થઈ હતી. કવિ દલપતરામે તો ગાયું પણ છે કે 
" ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળો કેર ગયા કારનાર!
ઉપકાર ગણી અંગ્રેજી હરખ હવે તું હિંદુસ્તાન!"

         સ્વાતંત્ર્ય ચળવળમાં પણ મોડાસા નું મહત્વનું યોગદાન રહેલું છે. ચંદુલાલ શંકરલાલ બુટાલા, મથુરદાસ ગાંધી, ભોગીલાલ ગાંધી, રમણલાલ સોની જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ આઝાદીની લડતમાં મોડાસાની આગેવાની લીધી હતી. મહેસુલકરની લડત માટે મોડાસાની મેડનીને સંબોધ્યા બાદ મથુરદાસ ની ધરપકડ થઈ હતી. ત્યારે હજારોની મેદની કચેરીએ ધસી ગઈ. બીજે દિવસે મથુરદાસ ને હારમાળાઓ પહેરાવી જય ગરજનાઓ વચ્ચે વિદાય આપી ગાયું 
"મથુરભાઈ! સ્વરાજ લઈ વ્હેલા આવજો રે"
        1930 ની નમક સત્યાગ્રહમાં ભાગ લેતા  લાંબો જેલવાસ ભોગવ્યો. 1942 ઓપરેશન કરાવેલી હાલતમાં જેલવાસ ભોગવ્યો. તેઓ મુંબઈ ધરાસભાના સભ્ય પણ બન્યા હતા.
     મોડાસા કેળવણીના પાયાના કાર્ય કર.મથુરદાદાએ મોડાસામાં શિક્ષણ ક્ષેત્રે, ગ્રામોદ્યોગ ક્ષેત્રે, હરિજન વિકાસ ક્ષેત્રે, કૃષિ વિકાસ ક્ષેત્રે એમ તમામ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું.
    મોડાસા આજે વિદ્યાનગરી બની છે. દૂર સુદુરથી વિદ્યાર્થીઓ આજે અભ્યાસાર્થે આવતાં થયાં છે પરંતુ મોડાસામાં સરકારી પ્રાથમિક શાળા ની સ્થાપના 29/4/1858 ના રોજ થઈ હતી. 1/10/1865 માં કન્યા શાળા સ્થપાઈ.
       અંગ્રેજી અમલની શરૂઆત પછીના આધુનિક મોડાસાના ઘડતરમાં સૌથી મોટો ફાળો કોઈ વ્યક્તિનો હોય તો તે શંકરલાલ પિતામ્બર દાસ બુટલા. તેઓએ નગરના આગેવાનો શ્રી વલ્લભ દાસ બાપુજી દેસાઈ, રણછોડદાસ ભાયચંદ સુરા, લાલજી પીતાંબર ગાંધી, હાજી મહમદ ખાનજી જેવા વ્યક્તિઓનો સહકારથી મોડાસામાં1896 માં ચાર ધોરણ ની "એન્ગલો વાર્નાક્યુલર સ્કુલ" ચાલુ કરી.
         મોડાસા કપડવંજ વચ્ચે દોડતી રેલવે માટે 1912 પહેલો ઠરાવ કર્યાની ચોપડે નોંધઃછે. દયકાઓ બાદ મોડાસા નગરનું   રેલવેનું  સપનું સાકાર થયું.આઝાદીના એક દાયકા પછી મોડાસામાં વીજળી આવી. અને મોડાસા ઝળહળવા લાગ્યું.
       અમદાવાદની પોળો જેમ પ્રસિદ્ધ છે એમ મોડાસા નગરની શેરીના નામોનો પણ ઇતિહાસ છે. જેમકે ભાવસારવાડો, ગાંધીવાડો, મુસ્લિમવાડો,માળી વાડો, કુંભારવાડો, આ શેરી નામોના અભ્યાસ વિષયક  ડો. વિનોદ પુરાણી સાહેબે  ખૂબ સુંદર પુસ્તિકા તૈયાર કરી છે
          જ્યારે સાબરકાંઠા જિલ્લામાં અરે કપડવંજ જેવા મોટા શહેરોમાં હાઈસ્કૂલ ન હતી ત્યારે મોડાસાના આગેવાનોએ બરાબર એક સદી પહેલાં 1919 માં "મોડાસા કેળવણી મંડળ ની સ્થાપના કરી. આ કેળવણી મંડળ આ વર્ષે એક સદી પૂર્ણ કરી શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે. મોડાસા પ્રદેશની કેળવણી ના પાયામાં શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધી, મોહનભાઇ વિઠ્ઠલભાઈ જેવા વડીલો રહેલા છે. આવા વડીલોના ઋણ સ્વીકાર સ્વરૂપે મોડાસા કોલેજના સંચાલક મંડળે કોલેજનું નામ મથુરદાસ લાલજીભાઈ ગાંધી એટલે કે મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ એવું નામ આપ્યું છે. શ્રી રાયચંદ દાસ ખાતુદાસ શાહ મંડળના પ્રથમ પ્રમુખ હતા. પ્રાણલાલ ગિરધર લાલ શેઠ Phd કરી  ડૉક્ટરેટ ની પદવી મેળવનાર મોડાસા નગરના પ્રથમ વ્યક્તિ હતા. તેઓએ એ જમાનામાં અમેરિકામાં ભણી ડોક્ટરેટની ઉચ્ચ પદવી મેળવી હતી.
શિક્ષણપ્રેમી વડવાઓએ રોપેલ કેળવણીના બીજ આજે વટવૃક્ષ બની ફાલ્યાં છે.
            શિક્ષણ ક્ષેત્રે મોડાસાનો વિકાસનો સિલસિલો ચાલુ જ રહયો આજે મોડાસામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ, સરકારી અને ખાનગી એન્જિનિયર કૉલેજ, ફાર્મસી કોલેજ, BBA, BCA, જેવી અનેક કોલેજોનું વિદ્યાધામ બન્યું છે. 
            પ્રતિષ્ઠિત ડોક્ટરો દ્વારા અહીં આધુનિક તબીબ સેવાઓથી સજ્જ અનેક હોસ્પિટલ આકાર પામી છે. જેમાં માત્ર અરવલ્લી જિલ્લાના જ નહીં પરંતુ પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા અને રાજસ્થાન, મધ્યપ્રદેશના દર્દીઓ તબીબી સારવાર માટે મોડાસા આવવાનું પસંદ કરે છે. અહીં છેલ્લા 26 વર્ષ થી અન્નપૂર્ણા ટ્રસ્ટ કાર્યરત છે જે દૂરથી તબીબી સારવાર મેળવવા આવતા દર્દીઓ અને તેઓના સગાઓ માટે માત્ર બે રૂપિયામાં ટિફિન સેવા પુરી પાડે છે. અહીં દાદા દાદીની વાડી નામે એક સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે જ્યાં રોજ સાંજે 4-7 સિનિયર સીટીઝન આવે છે. અને અખબાર, મેગેઝીન, પુસ્તકો વાંચે છે.વડીલો માટે રોજ ગરમ નાસ્તાની અને ચાની વ્યવસ્થા પણ કરાય છે. અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓથી મોડાસા ધમધમે છે.
         નગરપાલિકાના પ્રયત્નોથી ઓધારી તળાવ નવા રૂપરંગ સાથે સજ્જ છે. સવાર સાંજ અહીં બગીચામાં નગર વાસીઓની ભીડ ઉમટે છે. 15 મી સદીમાં થઈ ગયેલ દેવાયત પંડિતની ચેતન સમાધિ પણ અહીં મોડાસાના બાજકોટ પાસે આવેલી છે.  મહંતશ્રી ધનગીરીજી એ આ સમાધિસ્થળની કાયાપલટ કરી મનોરમ્ય તીર્થસ્થાન બનાવ્યું છે. જ્યાં દૂર સુદુરથી ભક્તો દર્શનાર્થે આવે છે. દર બીજે અને પૂનમે અહીં મેળા જેવો માહોલ હોય છે. કાશીવિશ્વનાથ અને ગેબીનાથ મહાદેવનું પ્રાચીન મંદિર તેમ જ સાંઈ મંદિર અને જબિજા અનેક મંદિરો આવેલાં છે. ઉપરાંત મોડાસામાં મુસ્લિમ સમુદાયની વસ્તી પણ નોંધપાત્ર છે તેથી  કલાત્મક મસ્જીદો પણ આકાર પામી છે.
             મોડાસામાં અદ્યતન બસ સ્ટેશન આકાર લઈ રહ્યું છે. અહીં GIDC પણ આવેલી છે.  શામળાજી બાય પાસ રોડ પર સરકારી કચેરીઓ નિર્માણ પામી છે. મલપુર રોડ, મેઘરજ રોડ, બાયપાસ રોડ, શામળાજી રોડ વીજળીની ગતિએ વિકાસ સાધી રહ્યા છે.
       ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ૬૭,૬૪૮ વસ્તી ધરાવતી મોડાસા મ્યુનિસિપાલિટીની ખુબ જડપથી વિકાસ સાધી રહ્યું છે.
 (સંદર્ભ :"મારુ ગામ મોડાસા" લેખક ; રમણલાલ સોની)
લેખન :ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)

Saturday, July 22, 2023

IPS બનવું સહેલું છે. संजय खरात બનવું અઘરું છે.

IPS બનવું સહેલું છે. संजय खरात બનવું અઘરું છે.


     અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબની વિનમ્રતા અને સ્વભવાની શાલીનતા આલેખવા શબ્દોનું ગજ ઘણું ટૂંકું પડે. માત્ર એટલુંજ કહી શકું " #IPS બનવું સહેલું છે. संजय खरात બનવું અઘરું છે.

    જયારે જયારે પણ તેઓને મળ્યો છું ત્યારે ત્યારે લાગ્યું છે કે આ માણસ કોઈ જુદી માટીનો બનેલો છે. 
    પદ અને પાવરને સાચા અર્થમાં પચાવી જાણ્યા છે.  આવા બીજા થોડાએક  संजय खरात ભારતને મળી જાય તો દેશની સિકકલ બદલાઈ જાય ! 


    ગુજરાતના સુપ્રસિદ્ધ કેળવણીકાર આદરણીય ડૉ . મોતીભાઈ મ. પટેલની વાત જ્યારે પહેલી વાર  સાહેબને કરી ત્યારથી તેઓ મોતિદાદાને મળવાની તીવ્ર ઈચ્છા દર્શાવી હતી. સાહેબ કહેતા કે " કેળવણી ક્ષેત્રે આટલું માતબર પ્રદાન કરનાર મહાનુભાવને મળવું મને પણ ખુબ ગમશે. 
    મોતીદાદા તેમના વતન ઇસરીના વૃંદાવન ફરમ હાઉસ પર આવેલા હતા. આ સમાચાર મેં સાહેબ ને આપ્યા. અને સાહેબ અને હું બંને દાદાના ફરમ પર મળવા ગયા. દાદાએ સાહેબનું ખાખરાના પાનથી સ્વાગત કર્યું. ખુબ લાંબો સત્સંગ જામ્યો. વિદાય લેતાં સાહેબે દાદાને ઓફિસે પગલાં કરવા નિમંત્રણ આપ્યું. 


    દાદા ફરી જ્યારે ઇસરી આવ્યા ત્યારે સાહેબની ઓફિસે જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો. દાદાની કાર જેવી ઓફીસ નીચે પહોંચી સાહેબ ખુદ દાદાને આવકારવા નીચે પધાર્યા. જાણે કૃષ્ણ સુદામાને આવકારવા દોડ્યા હતા એમ જ ! દાદાની ઉંમર ૮૭ વર્ષ છે. આ ઉમરે પગથીયા ચડવા ડોકટરે પણ નાં પાડી છે. એમ છતાં દાદા હિમત રાખી દાદરો ચઢી પહેલા માળે ગયા. દાદરો ચડતાં ખુદ એસ.પી. સાહેબે દાદાનો હાથ પકડી સંભાળી રહ્યા હતા. આ દૃશ્ય આત્યંત સંવેદનાસભર હતું. 


    સાહેબે દાદાનો હાથ પકડી દોરી રહ્યા હતા. એક ઉચ્ચ અધિકારીની આટલી વિનમ્રતા જોઈ કોઈને પણ અચરજ થયા વિના રહે નહિ. પણ પહેલા કહ્યું એમ સંજય ખરાત સાહેબ જુદી જ માટીના બનેલા માનવી છે. ડાઉન તૂ અર્થ રહીને કામ કરવામાં માને છે.   
  મોતીદાદા એ પણ કહ્યું આજ સુધીમાં અનેક પોલીસ મિત્રો રહ્યા છે. પણ એમાં સંજય ખરાત સાહેબની વાત ન્યારી છે. જીલ્લાનું સદભાગ્ય છે કે આવા બાહોશ અને માનવીય અભિગમ ધરાવતા અધિકારી અરવલ્લીને પ્રાપ્ત થયા છે.  
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

"......….. તો ઈશ્વરભાઈ મારે તમને લાંચ આપવી છે." : પદ્મ શ્રી ગુણવંત શાહ

 "......….. તો ઈશ્વરભાઈ મારે તમને લાંચ આપવી છે." : પદ્મ શ્રી ગુણવંત શાહ



    ગુજરાતના વિચાર પુરુષ તરીકે લાખો હૃદયમાં સ્થાન પામેલ પદ્મશ્રી ગુણવંત શાહનું નામ કોઈ પરિચયનું મ્હોંતાજ નથી. શાહ સહબેના લાખો વાચકોનો બહોળો ચાહક વર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે. તેમનો એક હું પણ ખરો ! જ્યારથી વાંચનની સમજ કેળવાઈ ત્યારથી તેમના લેખો અને પુસ્તકો વાંચતો રહ્યો છું. ગુજરાતના સુખ્યાત શિક્ષણવિદ આદરણીય ડૉ. મોતીભાઈ પટેલ ઉર્ફે મોતીદાદાનું સાનિધ્ય પ્રાપ્ત થયું ત્યારથી આદરણીય ગુણવંત શાહ સાહેબ સાથેના સબંધનો સેતુબંધ વધુ મજબૂત બન્યો.
    દિ. ભા.ની રસરંગ પૂર્તિમાં દર રવિવારે પ્રગટ થતી કૉલમ "વિચારોના વૃંદાવનમાં" વાંચી તેમની સાથે અવાર નવાર ફોન પર વાત થતી રહેતી. ગત રવિવારે પણ બક્ષીબાબુ વિશેનો સુંદર આર્ટિકલ વાંચી આદરણીય ગુણવંત શાહ સાહેબને ફોન જોડ્યો. આર્ટિકલ વિશેતો વિસ્તૃત વાત થઈ. સાથે તેમને રૂબરૂ મળી સંવાદ કરવાની ઈચ્છા પ્રગટ કરી. તો શાહ સાહેબે કહ્યું "ઈશ્વરભાઈ, વડોદરા જરૂર પધારો. અને સાથે મોતીભાઈને લેતા આવો તો તમે કહો એટલી મારે તમને લાંચ આપવી છે."કેવી ગજબની મૈત્રી !
    પદ્મ શ્રી ગુણવંત શાહ સાહેબ અને મોતીદાદા વચ્ચે દાયકાઓથી ગાઢ મૈત્રી અકબંધ છે. દાદાને મેં વાત કરી કે જો તમે થોડી તૈયારી બતાવો તો મને એક વિશિષ્ઠ વ્યક્તિ પાસે
થી મોટી લાંચ મળી શકે એમ છે "
    દાદા કહે "શું વાત કરે છે ? લાંચ ? અને એમાં મારો સાહિયોગ ?" દાદાને વિગતે વાત કરી કે જો ગુણવંત શાહ સાહેબને મળવા તમને સાથે લઈ જાઉં તો ગુણવંત શાહ સાહેબે હું કહું એટલી રૂશવત આપવાનું કહ્યું છે. 87 વર્ષના દાદાએ તરત તારીખ નક્કી કરી નાખી અને અમે બંને ભાડાનો રથ લઈ આજે વડોદરા "ટહુકો"ના મહેમાન બન્યા.


    ગુણવંત શાહ સાહેબ સાથે ફોન પર વાત થતી રહેતી આજે એ વિભૂતિના દર્શનનો અવસર મળ્યો. મોતીદાદા અને શાહ સાહેબની ગોઠડી જામી વીતી ગયેલાં વર્ષો સ્મરણમાં પુનઃ આળસ મરડી જાણે બેઠાં થયાં. કેટકેટલાં સંસ્મરણો તાજાં કર્યાં. બન્નેની આંખોમાં કોઈ અલગ જ પ્રકારનું તેજ નીરખી શકાતું હતું. શાહ સાહેબે હૃદય ખોલીને વાતો કરી. તાજેતરમાં પ્રગટ થયેલાં બે પુસ્તકો સાહેબેને ભેંટ ધર્યા. અવંતિકા બહેને ખૂબ ભાવ પૂર્વક આવકાર પણ હ્રદયસ્થ રહેશે.
    ગુણવંત શાહ સાથેબના પિતરાઈ આદરણીય કિશોરભાઈ શાહ અને ઊર્મિલાબહેનનું આતિથ્ય માણ્યું. તેમના આતિથ્યની જે મધુરપ માણી છે એના વિશે તો એક આર્ટિકલ અલગથી લખવા વિચાર્યું છે. ઉર્મિલાબહને ભાવથી સ્વાદીષ્ટ રસોઈ જમાડી છે એની સોડમ ભુલાય એમ જ નથી.


    અને હા, ગુણવંત શાહ સાહેબે બોલયેલા શબ્દો અક્ષર સહ: સાચા પાડ્યા. મોતી દાદાને લઈને ગયો એના બદલામાં ગુણવંત શાહ સાહેબે લાંચ રૂપે મબલક આશીર્વાદની વર્ષા કરી.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

Friday, July 21, 2023

સટરપટરની ઈશ્વર સંગાથે અવિસ્મરણીય અને અલૌકિક સુરેન્દ્રનગર યાત્રા ! - 2

ભાગ 1 વાંચવા અહીં ક્લિક કરો.

સટરપટરની ઈશ્વર સંગાથે  અવિસ્મરણીય અને અલૌકિક સુરેન્દ્રનગર યાત્રા  ! - 2

       શ્રી ડી. વી. શાહ સાહેબના આલીશાન બંગલાના શયનખંડના બેડ પર જેવું લંબાવ્યું કે આંખ ક્યારે મળી ગઈ એની ખબર જ ન પડી. સાડા ત્રણ - ચારની વચ્ચે બ્રહ્મ મુહૂર્તમાં થોડા સળવળાટથી મારી આંખ ખુલી. અધખૂલી આંખથી જોયું તો દાદાની નિત્યક્રમ પ્રમાણે કસરત ચાલુ હતી. દાદાની 87 વર્ષની ઉંમરે આ નિયમિતતા જ તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કારણભૂત હશે. 17 ના યુવાનને શરમાવે તેવી ત્વરાથી દાદા કસરત કરી રહ્યા હતા. આંગિક કસરત સાથે સાથે યોગ અને પ્રાણાયામ પણ ખરા. મારી તો ઊંઘ હજી ઉડી જ ન હતી. હું જાગ્યો ત્યારે તો દાદા નાહી ધોઈને તૈયાર તૈયાર હતા. દાદાને જોઈ હું પણ તરત નાહી ધોઈ તૈયાર થઈ ગયો.

સવારના સાત થવા આવ્યા હતા. ઘરમાં બીજું કોઈ હજી જાગ્યું હોય એવું લાગતું નહતું. પરંતુ રસોડામાં ડી. વી. શાહ સાહેબનાં પત્ની સ્મિતાબેન અમારા માટે ચા-નાસ્તો બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં. સાહેબના ઘેર સવારનો ચા-નાસ્તો થોડો લેટ થતો હશે. પરંતુ દાદાની કાળજી લેવા જ સ્મિતાબેન વહેલા ઉઠી ચા-નાસ્તો તૈયાર કરી દીધો હતો. ચા ગરમાગરમ થેપલાં અને ભાખરી તૈયાર હતી. મારે તો ઉપવાસ હતો એટલે મારા માટે સ્મિતાબહેને સાબુદાણાની ખીચડી બનાવી રાખી હતી. સવાર સવારમાં એટલા ભાવથી નાસ્તો કરાવ્યો કે હવે આખો દિવસ કશું જ જમવા ન મળે તો પણ વાંધો ન આવે. સ્મિતાબેન સાક્ષાત અન્નપૂર્ણાનાં અવતાર લાગ્યાં.

          આદરણીય ડી. વી. શાહ સાહેબનું વ્યક્તિત્વ અત્યંત ઋજુ અને શાલીન. ખૂબ ઓછું બોલે. પણ જે બોલે એ પણ ખૂબ સૌમ્ય !એમ થાય કે એ હજી કાંઈક વધુ બોલે તો સાંભળ્યા જ કરીએ. ડી. વી. શાહ સાહેબ સુરેન્દ્રનગરના એવા શ્રેષ્ઠી છે જેમના હૈયે નગરનું હિત વસેલું છે. શબ્દલોકના સભાખંડને વતાનુકૂલિત બનાવવા ડી. વી. શાહ સાહેબે જ ઉદાર હાથે માતબર દાનની સરવાણી વહાવી હતી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓને ધબકતી રાખવા શાહ સાહેબે તેમનો ખજાનો ખુલ્લો મુક્યો છે. તેમના ઘેર આતિથ્ય માણતા જરા પણ ભાર અનુભવાયો નહિ. સાહેબની વિનમ્રતા મારા હૈયે વસી ગઈ. નગરે નગર ને આવા ડી. વી. શાહ સાહેબ જેવા સાચુકલા સમાજસેવકની અત્યંત જરૂર છે.

હવે સાહેબના ઘેરથી વિદાઈ લઈ દાદાના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મિત્રોના ઘેર જવાનું હતું. રથ (ગાડી)ના રેડિયેટરમાં ફરી પાણી ભરી તૈયાર કરી દીધી. દાદા રથમાં આરૂઢ થયા. ડી. વી. શાહ સાહેબ છેક ગાડી સુધી વળાવવા આવ્યા. હું શાહ સાહેબની સાદગી અને શાલીનતાને વંદી રહ્યો.

સવાર ના 8 :15 કલાકે અમે નીકળ્યા. સૌથી પહેલાં અમારે ભૂપતભાઈ ઝાલાને ઘેર જવાનું હતું. ભૂપતભાઈ  અમને લેવા સામે આવ્યા. ઝાલાભાઈ એ વ્યક્તિ કે જેઓ એક સમયે કોલેજમાં સેવક તરીકે ફરજ બજાવતા હતા. પણ દાદાએ આગળ ભણવા સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું. આગળ ભણવા માટેના ઘણા પડકારો હતા. ઉચ્ચ અભ્યાસ માટે કોર્ટના દરવાજા પણ ખાખડવા પડ્યા. પણ આખરે જીત થઈ. ભૂપતભાઈ આગળ ભણ્યા અને સેવકમાંથી ક્લાર્ક બન્યા. અને હાલ નિવૃત્ત સુખેથી જીવન ગાળે છે. ભૂપતભાઈ કહે છે : "એ સમયે દાદાએ હામ ન આપી હોત તો આજે હું આટલી સારી સ્થિતિમાં ન હોત ! જે પણ કાંઈ છું એ દાદાના પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદના પ્રતાપે છું ! દાદાનું ઋણ ક્યારેય ચૂકવી શકાય એમ નથી."

ભૂપતભાઈને ઘરના દ્વારે પહોંચતાં જ તેમનાં પત્ની અને મોટો દીકરો દાદાને આવકારવા દોડી આવ્યાં. વર્ષો પછી દાદા આંગણે આવ્યા હતા. આખો પરિવાર દાદાને આવકારવા ઘેલો ઘેલો બન્યો હતો. ઝાલા પરિવારજનોના આંખોમાં દાદા પ્રત્યે નીતરતો સ્નેહ સ્પષ્ટ જોઈ શકાતો હતો. દાદા આખા પરિવારના સભ્યોને નામથી ઓળખે !
ભૂપતભાઈનાં પત્ની ઠકરાણીએ ખૂબ હેતપૂર્વક દાદા માટે શિરો બનાવી દીધો. ચા નાસ્તો કરીને જ નીકળ્યા હતા, એમ છતાં ભાવથી પિરસાયેલો શિરો જમ્યા. દાદાની સાથે લઈ જવા માટે શિરાનો ડબ્બો ભરી દીધો..



ભૂપતભાઈના દીકરાના લગ્ન પણ નજીકમાં આવી રહ્યા છે. દરબાર સમાજના લગ્નનો એક નવો રિવાજ અહીં જાણવા મળ્યો. આ સમજના રિવાજ પ્રમાણે જાનમાં વરરાજા જતા નથી પણ તેમની તલવારની જાન જોડાય છે. કન્યા તલવાર સાથે સાસરે આવે છે. અને અહીં વિધિ પૂર્વક વર કન્યાનાં લગ્ન થાય છે. આ પરંપરા હજી ચાલુ છે. સાંભળીને મને ઘણું આશ્ચર્ય થયું કે જેના લગ્ન હોય એ વરરાજા જ ઘેર હોય ! આ કેવું ! આવી કેટકેલિય પરંપરાઓ આપણી સંકૃતિ છે. અને કેટલાય સમાજને આધુનિકતાએ અભડાવ્યા નથી. આવા પરિવારો સાંસ્કૃતિક પરંપરાનુ આજે પણ જતન કરી રહ્યા છે.
ભૂપતભાઈના ઘેરથી હવે અમારે હિરજીભાઈને ત્યાં જવાનું હતું.

ભૂપતભાઈ અને દર્શન વિદ્યાલયના સંચાલક મહેશભાઈ કાનાની અમારા પથદર્શક બની તેમની બાઇક અમારા રથ આગળ હંકારી અમને રસ્તો બતાવતા.
હિરજીભાઈ નાકરાણી પીટીસી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે. 
મુ.હીરજીભાઈ અમારે ત્યાં કેમ્પસમાં જ P.T.C. કૉલેજ હતી એમાં તેઓ આચાર્ય તરીકે 15 થી 18 વર્ષ સેવા નિવૃત થયા. અને એમના મોટા દીકરા હાલ ગુજરાત આયુર્વેદ યુનિ જામનગર ના વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવે છે અને નાના દીકરા હાલ અમદાવાદ ચાંદલોડિયમાં ઉદ્યોગપતિ છે

    તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. અમે તેમના ઘેર પહોંચ્યા તો તેઓ પણ દરવાજે આવકારવા ઊભા હતા. વર્ષો પછી બે મિત્રોનું મિલન થઈ રહ્યું હતું. હિરજીભાઈ અને દાદાએ જુના સંસ્મરણો તાજાં કર્યા. ખમણ ઢોકળાંનો નાસ્તો તૈયાર હતો. નાસ્તો કરી દાદાના બીજા એક મિત્રના ત્યાં જવાનું હતું.

એ મિત્ર એટલે ગુજરાતનું ઘરેણું કહી શકાય એવું અણમોલ રતન પૂજલભાઈ રબારી. તેઓ તો હાલ હયાત નથી. પણ દાદાના ખૂબ આત્મીય મિત્ર હતા. સુરેન્દ્રનગરમાં ખૂબ જાણીતી શ્રદ્ધા હોટેલના તેઓ મલિક ! એક ઉત્તમ લોક સાહિત્યકાર, ગરવો ગાયક, શ્રેષ્ઠ કથાકાર અને સંવેદનાથી ભર્યો ભર્યો માનવી એટલે પૂજલભાઈ રબારી. તેમના ઘરમાં પ્રવેશતાં જ કોઈ અલગ પ્રકારનું વાઈબ્રેશન અનુભવાય. આ ભૂમિ કોઈ તપસ્વી એ તપ કર્યું હોય એવી તપો ભૂમિ જણાઈ આવતી હતી. ઘરમાં પ્રવેશતાં જ માઁ સરસ્વતીની મોટી તસ્વીર જોતાં જ આંખો ઠરે. વીણા હાથોમાં લઈ માઁ શારદા આશિષ વરસાવતાં હોય એમ જ લાગે. ઘરમાં મંદિર પાસે જઈ દાદા બેઠા. પૂજા અર્ચના કરી. ત્યાં જ મિત્રની યાદમાં દાદાનું હૈયું ભરાઈ આવ્યું. નાના બાળકની જેમ દાદા ધ્રુસકે ચડ્યા. માંડ શાંત થઈ શક્યા.

કુદરત કસોટી કરે ત્યારે કોઈ કસર બાકી નથી રાખતી. પૂજલભાઈની વિદાય બાદ દીકરો સુરેશ કોરોનમાં પટકાયો. દવાઓની આડ અસરથી નાજુક સ્થિતિમાં સરી પડ્યો. આજે પણ કોમા જેવી અવસ્થામાં તેના શ્વાસો ચાલી રહ્યા છે. પરિવાર ખડેપગે સેવામાં રત રહે છે. ઘરના એક ખંડમાં હોસ્પિટલ જેવી વ્યવસ્થા ઉભી કરી છે. દાદા મિત્રના દીકરાની ખબર જોવા એ રૂમમાં ગયા. દાદાએ આશ્વાસન આપ્યું. કે દીકરા ચિંતા ન કરીશ. તારો મોક્ષ નિશ્ચિત છે." દાદા આથી વધારે એકપણ શબ્દ બોલી શક્યા નહી.
        દીકરાની ખબર જોઈ દાદા પૂજલભાઈના રૂમમાં ગયા. પૂજલભાઈનો રૂમ આ પરિવારે ખૂબ સુંદર રીતે સાચવ્યો છે. પૂજલભાઈને મળેલા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ , સન્માનો ત્યાં સાચવાયા છે. પૂજલભાઈ જે વાદ્યો વગાડતા એ વાદ્યો પણ સાચવી રાખવામાં આવ્યા છે. પૂજલભાઈના રૂમમાં બેસીએ તો લાગે કે પૂજલભાઈનો પવિત્ર આત્મા હજી અહીં ક્યાંક ધબકે છે. જ્યાં દાદા અને પૂજલભાઈ બેસી કલાકો સુધી ગોષ્ઠી કરતા હતા એ સોફા પર બેસી દાદા ફરી ધ્રુસકે ચડ્યા. દાદાની આંખોમાંથી આંસુની ધારા રોકાવાનું નામ જ લેતી ન હતી. મિત્રની તસવીર સામે જોઈ દાદા નાના બાળકની જેમ જ રડી પડતા. દાદાને સ્વસ્થ થવામાં થોડો સમય લાગ્યો. પૂજલભાઈના રૂમમાં કબાટમાં અલભ્ય સાહિત્યનો ખજાનો ખૂબ સારી રીતે સાચવી રખાયો છે. કેટલાંય અલભ્ય પુસ્તકોનો ખજાનો છે. પુસ્તકો જોઈને જ થાય કે આ માણસે કેટલો ઊંડો અભ્યાસી હતો ! પૂજલભાઈ માઁ સરસ્વતીનો સાચા સાધક હતા.

દાદાએ પૂજલભાઈના પૌત્રોને બોલાવી દાદાનો વારસો જાળવી રાખવા વચનબદ્ધ કર્યા. પૂજલભાઈને જે સાલોથી સન્માન કરાયું હતું એ બધી થોકબંધ સાલો પણ કબાટમાં સાચવી રાખી છે. દાદાએ પૌત્રને કહ્યું કે આમાંથી એક સાલ મને ઓઢાડ. આ સાલ મારા મિત્રનો સ્પર્શ પામેલી સાલ છે. એ બહાને એનો સ્પર્શ આજે હું પામવા માંગુ છું. દાદાને સાલ ઓઢાડી. દાદા ફરી ભાવુક બન્યા. એમાંની એક સાલ મને પણ અર્પણ કરી. હું સાલ મારા માટે પ્રસાદ સમાન હતી..હું ધન્ય થયો.
દાદાએ પૂજલભાઈનો એકતારો માંગ્યો હાથમાં લઈ તેના તાર છેડયા. અને જાણે એમાંથી પૂજલ રાગ પ્રગટ થયો. ભાવનાત્મક દૃશ્યો સર્જાયાં હતાં. ચા-કોફી પીવાની કોઈને ઈચ્છા ન હતી. એમ છતાં આ તો રબારીનું ખોરડું ! પરિવારે પ્રેમાગ્રહ પૂર્વક દહીં વલોવી છાશ તૈયાર કરી દીધી. છાશ પણ એટલી મીઠી કે જાણે ગોકુળમાં નંદ બાવાના ઘરની ઘોરીમાં જશોદા મૈયાએ વલોવી ન હોય ! ઘૂંટડે ઘૂંટડે છાશ પીધી. છાશને ધરતી પરનું અમૃત કેમ કહેવાયું હશે એ આજે સમજાયું. ત્યારબાદ અમે પૂજલભાઈના ઘેરથી વિદાય લીધી.

હવે દાદાના બીજા એક મિત્રના ઘેર જવાનું હતું. તેમનું નામ ગોવિંદભાઈ નકુમ. ગોવિંદભાઈના ઘરે પહોંચ્યા. અહીં દાદા માટે નાસ્તામાં સુવાળી સુખડી અગાઉથી બનાવી તૈયાર રાખી હતી. દાદાએ પ્રસાદી જેટલી સુખડી લીધી. બીજી સુખડી દાદા સારું એક ડબ્બામાં ભરી આપી.

આજનું ભોજન લેવા અમારે સુરેન્દ્રનગરના પ્રથમ નાગરિક એવા વીરેન્દ્રભાઈ આચાર્યના ત્યાં લેવાનું હતું. 11:30 કલાકે ભોજન માટે પહોંચવાનું હતું. પરંતુ દાદાના ભાવકો જ એટલા કે કોના ઘેર જવું અને કોનું ઘર ટાળવું જે સવાલ હતો. દાદા કોઈનું મન તોડવા માગતા નહતા. સવારથી અમારા પથદર્શક બની સાથે ફરી રહેલા મહેશભાઈ કાનાનીનો આગ્રહ હતો કે દાદા તેમના ઘેર પધારે. હવે અમે મહેશભાઈના ઘેર જવા નીકળ્યા.

સુરેન્દ્રનગર આમ તો ઐતિહાસિક અને સુંદર શહેર છે. પણ કેટલિક ગલીઓ ખૂબ સાંકળી છે. ભોગાવો નદી કિનારે વસેલું શહેર મોજીલું છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેર વચ્ચેથી ઘણી વાર આમતેમ જવાનું થયું. પસાર થતાં થતાં શહેરની સુંદરતા માણી.
શહેર વચ્ચેથી પસાર થઈ રતનપરા મહેશભાઈને ઘેર પહોંચ્યા. મહેશભાઈનાં માતા છોડના કુંડાંને પાણી પાતાં હતાં. આ માણસે ઘરને પણ શાળા બાનવી દીધી છે. મહેશભાઈનાં પત્નીએ અમારા માટે બદામશેક તૈયાર કરી દીધો. ત્યાં દાદાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની મંજુલા બેન આવી ગયાં. તેમનો પણ આગ્રહ કે દાદા મારા ઘેર આવો જ આવો બસ !

મંજુલાબેન કાનાનીના પ્રેમાગ્રહને વશ થઈ અમે તેમના ઘેર પહોંચ્યા. મંજુલાબેન એકલાં રહે છે. અને સુંદર બાલમંદિર ચલાવે છે. મંજુલાબેન એક તાકાતવાન મહિલા છે. એક નારી સો નર પર ભારે પડે એવી હિંમત વાળી છે. આજના સમયમાં એક મહિલા માટે એકલા રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. પણ મંજુલાબેન મર્દાની મહિલા છે. ભલભલા ચમરબંદી મંજુલાબેનના નામ માત્ર થી ધ્રુજવા લાગે છે. તેમનો પરચો કેટકલાક માથાભારે લોકોને પણ મળી ગયો છે. દાદાએ મંજુલાબેનના બાલમંદિરની મુલાકાત લુધી. નાના ભૂલકાઓની કાલીઘેલી ભાષામાં બાળગીત પણ સાંભળ્યું.હવે 11:30 થવા આવ્યા હતા. જમવા માટે વીરેન્દ્રભાઈને ત્યાં પહોંચવાનું હતું.

મંજુલાબેનના ઘેરથી નીકળી અમે વીરેન્દ્રભાઈ આચાર્યના ઘરે પહોંચ્યા.
વીરેન્દ્રભાઈનો પરિચય સીમિત શબ્દોમાં આપવો શક્ય નથી. તેમના પરિચય માટે એક અલગથી આર્ટિકલ કરી શકાય એવું મઘમઘતું વ્યક્તિત્વ. મૂળ તો તેઓ દાદાના જ વિદ્યાર્થી. એક પ્રતિબદ્ધ આચાર્ય. અને સક્રિય રાજનેતા. વીરેન્દ્રભાઈ એક એવા રાજનેતા છે કે રાજનેતા માટેની આપણી જે કલ્પનાઓ છે એ બધી કલ્પનાઓ બધી ખોટી ઠારે. સત્તાભિમાનથી આ વ્યક્તિ યોજનો દૂર છે. સુરેન્દ્રનગર નગરપાલિકાનો અંદાજે ત્રણસો કરોડનો વહીવટ સાંભળે છે એમ છતાં દામનમાં ક્યાંય દાગ પડવા નથી દીધો. વીરેન્દ્રભાઈને મળો તો તમને જરા પણ અણસાર ન આવે કે આ વ્યક્તિ પાસે અમર્યાદિત સત્તાઓ છે. ડાઉન ટુ અર્થ રહેવામાં માને છે. એવો જ સરળ સ્વભાવ તેમનાં પત્ની જયશ્રીબેનનો છે.

અમે જેવા એમના ઘરના પ્રવેશ દ્વારે પહોંચ્યા આખો પરિવાર અમને આવકારવા દરવાજે ઊભો હતો. ડી. વી. શાહ સાહેબ પણ અમારી સાથે જ ભોજન લેવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જયશ્રીબેને અગાઉના દિવસે જ દાદાની પસંદગીની વાનગીનાં નામ જાણી લીધાં હતાં. જયશ્રીબેન અને તેમની દીકરી સંજ્ઞાબેને સાથે મળી સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરી હતી. દાદાને ભાવતું ભોજન બનાવ્યું હતું. વીરેન્દ્રભાઈનાં પત્ની જયશ્રીબેન અને તેમની દીકરી સંજ્ઞાબેને ખૂબ ભાવ પૂર્વક અને આગ્રહ પૂર્વક ભોજન જમાડતાં વીરેન્દ્રભાઈની દીકરી સંજ્ઞાબેન પણ એક ઉત્તમ લેખિકા અને આચાર્યા છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક લેખન સાથે પણ તેણી જોડાયેલાં છે. વાતો કરતાં ખબર પડી કે એમના અને મારા કોમન ફ્રેઇન્ડ્સ તો ઘણા છે. એક નવો પરિચય થયો.

ભોજન બાદ ડી.વી. શાહ સાહેબે એક ચેક લખ્યો. ચેક સવા લાખ રૂપિયાનો હતો. વીરેન્દ્રભાઈ અને ડી.વી. શાહ સાહેબે ચેક દાદાને અર્પણ કર્યો.. દાદાએ પહેલાં તો ચેકનો સ્વીકાર કરવાની ના કહી, પણ બન્ને યજમાનોએ જીદ કરી કે "ભલે તમે ન સ્વીકારો પણ અમારે તો તમને આ ચેક અર્પણ કરવાનો જ છે." ડી. વી. શાહ સાહેબ ને વીરેન્દ્રભાઈના પ્રેમાગ્રહને વશ થઈ દાદાએ ચેક સ્વીકાર કર્યો. શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે દાદાએ બનાવેલા ટ્રસ્ટ નામે ચેક દાદાએ સ્વીકાર કર્યો.
સ્વાદિષ્ટ ભોજન અને ભાવ ભર્યા આતિથ્ય માણ્યા બાદ હવે આમરે સુરેન્દ્રનગર છોડવાનું હતું. ડી.વી. શાહ સાહેબ અને વીરેન્દ્રભાઈના પરિવારે અમને ભાવભીની વિદાય આપી.

સુરેન્દ્રનગરની બહાર નીકળવાના રસ્તાના માર્ગદર્શન માટે ડી. વી. શાહ સાહેબની કાર અમારી કાર આગળ આગળ જઈ હતી. જ્યાં આમરે ટર્ન લેવાનો હતો ત્યાં શાહ સાહેબે તેમની કાર ઉભી રાખી, નીચે ઉતર્યા અને ફરી આવજો કહી વિદાય આપી. આટલી ઊંચા ગજાની વ્યક્તિની વિનમ્રતા જોઈ હું દંગ રહી ગયો.

હવે અમદાવાદ તરફની યાત્રાનો આરંભ થયો. કાર હિટ ન પકડે એની કાળજી લેવાની હતી. ગાડી થોડી સ્પીડ પકડે દાદા તરત કહે "ધીમે ધીમે, નહિ તો રથ ગરમી પકડી લેશે." સુરેન્દ્રનગર આવતી વખતે જ્યાં ગાડી બંધ પડી હતી અને જે રામાપીરના મંદિરથી ગાડીમાં પાણી નાખ્યું હતું એ મંદિરે જઈ બેસવાની દાદા અને મારી ખૂબ ઈચ્છા હતી. દાદા અને મારી નજર રસ્તાની એ બાજુ એ મંદિર શોધ્યા કરતી. દાદા ફરી આ વિસ્તારની ખાસિયાતી અને તેમના સંસ્મરણ તાજા કરી રહ્યા હતા. હું તો બસ મુગ્ધ બની સાંભળી રહેતો. દાદા વર્ષો સુધી આ રસ્તે પસાર થયા હતા. આ રસ્તો પિયરની વાટ જેવો જ પોતીકો અને પ્રિય લાગતો હતો.

વાતો કરતાં કરતાંય અમારી નજર પેલા મંદિરને શોધતી હતી. પણ ન જાણે કેમ એ મંદિર ક્યાંય નજરે ન ચડ્યું તે ન જ ચડ્યું. છેક વિઠલાપર પહોંચી ગયા. મંદિર કદાચ હવે પાછળ જ રહી ગયું હશે. દાદા અને મારી રામાપીર એ મંદિરના દર્શન કરવાની તીવ્ર ઝંખના હતી. પણ એ ન થયા. હરિ ઈચ્છા બલવાન !
રથ સારી રીતે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. હવે કોઈ જગ્યા એ CNG સ્ટેશન આવે તો ગેસ ભરાવી લેવો પડે એમ હતો. એક જગ્યા એ પમ્પ આવ્યો પણ સંજોગો વસાત ત્યાં ગેસ ન ભરાવી શક્યા. એટલે પેટ્રોલ ભરાવી લીધું.

સુરેન્દ્રનગરથી અમદાવાદ એકધારી ગાડી ચાલી પણ ક્યાંય હિટ ન પકડી એ મારા માટે પણ અચરજ સમાન હતું. પણ રિંગ રોડ પહોંચતાં જ CNG પૂરું. ગાડી પેટ્રોલ પર કરી. પેટ્રોલમાં.કચરો આવી ગયો કે શું ગાડી આંચકા મારવાનું શરૂ કર્યું. રેસ આપું તો આખી ગાડી વાઈબ્રેટ થાય. એક્સીલેટર કામ જ ન કરે અને કાર બંધ જ થઈ જાય. ઘર આંગણે આવી કાર કસોટી કરવા બેઠી. દાદાનું નિવાસ હવે 10 કિ. મી. જ હતું. પણ ટ્રાફિકમાં આ સિચ્યુએશનમાં કાર ચલાવવી ખૂબ અઘરું હતું. ઘણી વખત તો સિગ્નલ પર કાર બંધ થઈ જાય, પાછળ ટ્રાફિક પણ જામ થઈ જાય. માંડ માંડ ગાડી દાદાના નિવાસે પહોંચી ખરી. શામળિયાએ થોડી કસોટી કરી પણ અમદાવાદ સુધીની યાત્રા હેમખેમ પૂર્ણ થઈ. બરાબર પાંચ વાગે દાદાને તેમના નિવાસે ઉતારી હું મોડાસા જવા નીકળ્યો.

 હવે દાદા સાથે નહતા એટકે ગાડી બગડે તો પણ પહોંચી વળીશું એવા વિચારે ગાડી ઉપાડી. પહેલું કામ CNG ભરવાનું કર્યું. પછી તો રથ રમરમાટ ઉપાડ્યો. એકલા હાથે દ્રઇવિંગ કર્યું હતું એટલે થોડો થાક હતો અને ઊંઘ પણ આવતી હતી. રસ્તામાં ક્યાંક ઉભા રહી ચા પીવાની ઈચ્છા હતી. મનમાં નક્કી એવું કર્યું કે મજરા જઈને ચા પીવી. કાર હિટ ન પકડે એનું ધ્યાન રાખતો હળવે હળવે રથ હંકારી હું મજરા પહોંચ્યો.

મહારાજા હોટેલમાં ચા માટે ગાડી બ્રેક કરી. હોટેલની બાજુમાં જ એક મંદિર હતું. હોટેલની બાજુમાં મંદિર ભાગ્યેજ જોવા મળે એટલે મને આશ્ચર્ય પણ થયું. મને થયું લાવ પહેલાં દર્શન કરી લઉં પછી ચા પીએ. મંદિર આગળ પહોંચ્યો અને મૂર્તિ નિહાળી અંતરમાં ઝળહળ અજવાળું અજવાળું થયું. આ મંદિર બીજા કોઈ દેવી-દેવતાનું નહિ પણ વિષ્ણુ અવતારી રામાપીરનું હતું. ફરી એકવાર શામળિયો મારી સામે સાક્ષાત ઊભો મેં નિહાળ્યો. શું આ પણ જોગાનુજોગ હતું ? કે કોઈ ચમત્કાર હતો? કોઈ સંકેત હતો? કે પછી બીજું કશું ? શામળિયાની લીલા પામવી અકળ છે. મારા જીવનમાં પળે પળે કૃષ્ણ લીલાનાં સાક્ષાત દર્શન થતાં રહ્યાં છે. મારું સંપૂર્ણ જીવન કૃષ્ણમય છે. હું કૃષ્ણની ચરણરજ છું.

મંદિરના દર્શન કરી જે અનુભવ્યું એ શબ્દોમાં વ્યક્ત કરવાની વસ્તુ જ નથી. એ પળને અનુભવવાની વાત છે. જે મેં અનુભવ્યું. મહારાજા હોટેલમાં ચા પી હું મોડાસા જવા રવાના થયો. રાત્રીના સાડા આઠ વાગે મોડાસા મારા નિવાસે પહોંચ્યો. સુરેન્દ્રનગરથી મોડાસા સુધી 250 - 300 કિલોમીટરની એકધારી મુસાફરીમાં મારી ગાડી એ ક્યાંય હિટ ન પકડી એ આજે પણ મારા માટે કોયડો છે.

જય દ્વારિકાધીશ.

- ઈશ્વર પ્રજાપતિ

9825142620

સટરપટરની ઈશ્વર સંગાથે અવિસ્મરણીય અને અલૌકિક સુરેન્દ્રનગર યાત્રા !

 સટરપટરની ઈશ્વર સંગાથે  અવિસ્મરણીય અને અલૌકિક સુરેન્દ્રનગર યાત્રા  ! - 1

આવળ, બાવળ અને બોરડીની નહીં પણ સાહિત્ય, શિક્ષણ અને સંવેદનાની ભૂમિ એટલે ઝાલાવાડ.




         જીવનની કેટલીક સફર યાત્રા બની જતી હોય છે. મારા જીવનની આવી જ એક અવિસ્મરણીય અને અલૌકિક યાત્રાની વાત આજે માંડવી છે. મારી આ યાત્રા દરમિયાન જે જે વ્યક્તિઓને મળ્યો, જ જે સંસ્થાઓની મુલાકાત લીધી, જેમનું આતિથ્ય માણ્યું એ સર્વ અવિસ્મરણીય તો છે જ પણ અલૌકિક એટલા માટે કે યાત્રા દરમિયાન જે પ્રસંગો નિર્માણ પામ્યા તેને કોઈ "જોગાનુજોગ" કહેશે તો કોઈ ચમત્કારમાં ખપાવશે અથવા તો કોઈ ગપગોળા સમજી મજાક ઉડાવશે પણ તેને હું કૃષ્ણકૃપા જ સમજુ છું.

         ગુજરાતના શિક્ષણજગતમાં જેમનું નામ ખૂબ આદર સાથે લેવાય છે, એવા કેળવણીના કબીરવડ સમાન પરમ આદરણીય ડૉ. મોતીભાઈ મ. પટેલ ઉર્ફે મારા મોતીદાદાએ 11 જુલાઈ 2023ના રોજ એક નિમંત્રણ પત્રિકા મને વોટ્સએપથી મોકલી આપી. દાદા અમથું કાંઈ ન મોકલે દરેક સંદેશા પાછળ કોઈને કોઈ ગુઢાર્થ રહેલો હોય છે. એ નિમંત્રણ પત્રિકા હતી શબ્દલોક - સુરેન્દ્રનગરની હતી. સાહિત્યિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વર્તુળ સુરેન્દ્રનગર દ્વારા તારીખ 16 જુલાઈ 2023ના રોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1. વતાનુકૂલિત ભવન 2. શ્રી સ.વા. વાંચનલય 3. કવિશ્વર દલપતરામ એવોર્ડ -2023.

આ પત્રિકામાં મહેમાનોની યાદીમાં ડૉ. મોતીભાઈ પટેલનું નામ જોઈ મને ચિંતા મિશ્રિત આશ્ચર્ય થયું કે દાદા 87 વર્ષેની ઉંમરે આટલી લાંબી મુસાફરી કરી સુરેન્દ્રનગર જશે ખરા ?? દાદાને કોઈ જ પ્રશ્ન પૂછવાની મારી હિંમત ન ચાલી. પણ 12 જુલાઈએ મારા ફોનમાં દાદાનો મેસેજ ફ્લેશ થયો. "રવિએ તારે શામળિયોરથી થઈ, રથ લઈને સુરેન્દ્રનગર આવવાનો શામળિયાનો આદેશ."

આ બ્લોગ ચલાવવા આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

દાદાનો મેસેજ મને સમજાયો નહીં એટલે તરત ફોન જોડ્યો અને પૂછ્યું કે "દાદા મેસેજ કાંઈ સમજાયો નહીં." તો દાદાએ તરત કહ્યું "ન સમજાય એવું શું છે એમાં ? તારે તારો રથ લઈ મારી સાથે સુરેન્દ્રનગર અવવાવાનું છે."

દાદા સાથે મુસાફરી કરવા મળે એ તો જીવનનું સદભાગ્ય જ કહેવાય પણ દાદાની વાત સાંભળી હું વિમાસણમાં મુકાયો. મારો રથ એટલે કે મારી ગાડી અલ્ટો 800ની કેપેસિટી હું બરાબર જાણું. ટાયરની બેરિંગ અને એક્સલમાંથી જુદા જુદા આવજો આવે. એમ જ કહો ને કે ગાડીમાં હોર્ન સિવાય બધું વાગે ! બ્રેકના ઠેકાણાં નહિ, થોડા કિલોમીટર ગાડી ચાલે ત્યાં હિટ પકડી લે. નાના અમથા ખાડા કે બમ્પ ઉપર ધડામ લઈને પછડાય. દાદા માટે તો બિલકુલ આરામદાયક નહિ. અને બીજી પણ કેટલીય મર્યાદાઓ. આટલા લાંબા રૂટમાં મારી ગાડી ન જ ચાલે એ હું સુપેરે જાણતો હતો. એટલે દાદાને મેં વિનંતી કરી કે દાદા મારા મિત્રની કોઈ સારી ગાડી હું માંગી લઉં છું. આપણે મારા મિત્રની ગાડી લઈ જઈએ તો કેવું ?? દાદા એ ઘસીને ના પાડી દીધી. અને કહ્યું "સુરેન્દ્રનગર તારા જ રથમાં જવાનું છે. જવામાં હજી ત્રણ દિવસ વચ્ચે છે. ગાડીને ગેરેજમાં મૂકી આવ અને તૈયાર કરાવી દે."

મારા માટે ધર્મ સંકટ હતું. એ દિવસે સવારે જ ગાડીને ગેરેજમાં મૂકી દીધી. ગેરેજ વાળાને સમજવાતો રહ્યો કે "ભાઈ ગાડી અપ ટૂ ડેટ કરી નાખજો. લાંબી મુસાફરીમાં ગાડી અટકી ન પડે એનું ધ્યાન રાખજો. સાંજે ગાડી તૈયાર હતી. લઈને બીજા દિવસે શાળાએ જવા નીકળ્યો ત્યાં ટાયરમાંથી અવાજ આવવાનો ચાલુ થયો. સાંજે ફરી ગાડી લઈ હું ગેરેજ ગયો. ફરી ગાડી ખોલી અને રીપેર કરી.

આમારી યાત્રા સુખરૂપ પૂર્ણ થાય એ માટે શામળિયાને પ્રાર્થી રહ્યો. રવિવારે સવારે સુરેન્દ્રનગર મોડામાં મોડું 11:00 કલાકે પહોંચવાનું હતું અમદાવાદથી દાદાના નિવાસેથી તેમેને લઈ સવારે 8:00 કલાકે નીકળવાનું નક્કી કર્યું.
એટલે હું શનિવારે જ નરોડા પહોંચી ગયો. 16 જુલાઈ રવિવારે સવારે વહેલા ઉઠી ગાડી સાફ કરી અને ગાડી ગરમ ન થાય એ માટે રેડિયેટરમાં પાણી ભરી દીધું. રથ હવે યાત્રા માટે સજ્જ હતો. સવારે 7 :15 કલાકે નરોડાથી યાત્રાનો આરંભ થયો. બરાબર 7:45 કલાકે દાદાના નિવાસે પહોંચી ગયો. દાદા ખાદીના શ્વેત વસ્ત્રોમાં સજ્જ હતા. દાદાનો સમાન ગાડીમાં ગોઠવ્યો. દાદા રથમાં આરૂઢ થયા. આમારી યાત્રાનો હવે સાચા અર્થમાં આરંભ થયો.

સારથી ભલે હું હતો પણ દિશા નિર્દેશ દાદા કરતા હતા. અમદાવાદના રસ્તાઓ બાબતે દાદાનું જ્ઞાન અચરજ પમાડે તેવું છે. અમદાવાદ શહેરમાં ઓવર બ્રીજ આવે એટલે ગૂગલ પણ ગોથે ચડે. ત્યારે દાદા તેમની લાક્ષણિક અદામાં કહેતા "તારો નકશો બંધ કર. હું કહું તેમ લઈ લે." દાદાના દિશા સુચને જ સુરેન્દ્રનગર જવા માટે સાણંદના રસ્તે ચડ્યા.

મોતીદાદા સુરેન્દ્રનગરની બી. એડ. કોલેજના પ્રિન્સિપાલ હતા. નિવૃત્તિ પછી પણ તેઓ સુરેન્દ્રનગર ઘણા વર્ષો રહ્યા. દાદાએ જીવનના મહત્વપૂર્ણ 27 વર્ષ સુરેન્દ્રનગર પસાર કર્યા છે. આઠ વર્ષ પછી દાદા કર્મભૂમિની ખબર કાઢવા દાદા નીકળ્યા હતા. ઝાલાવાડની ભૂમિને દાદા હૃદયના ઊંડાણેથી ચાહી છે. સુરેન્દ્રનગરની ભૂમિનું ગજબનું ખેંચાણ જ દાદાને 87 વર્ષની ઉંમરે અહીં આવવા મજબૂર કર્યા હતા. કોઈ સ્ત્રીને પિયર જવાનો જેટલો હરખ હોય એટલો હરખ દાદાના ઉરે ઉભરાતો હતો.
દાદાની આંખોમાં અનોખી ચમક ઉતરી આવી હતી. રસ્તે જતા એક એક ગામની ભૂગોળ અને ઇતિહાસ દાદા વર્ણવે જતા હતા. માડી એટલે કે રંજનબેન સાથે આ રસ્તા પરથી પસાર થયાના કેટકેટલાય મધુર સંસ્મરણો દાદાએ તાજાં કર્યા.

રસ્તાની બંને તરફ વરસાદ પડ્યા પછી છલોછલ પાણીથી ભરાયેલા તળાવો, ખેતરો અને ચોતરફ ફેલાયેલી હરિયાળીનાં દૃશ્યો નયનરમ્ય હતાં. દાદા આ વિસ્તારની આબોહવા અને ભૂગોળની ખાસિયતો જણાવે જતા હતા. આ વિસ્તાર વિશે મને બધું જ જણાવી દેવાનો દાદાનો ઉમળકો મને આનંદ આપતો હતો. નયનરમ્ય નજારો જોતાં, દાદાનાં સ્મરણો સાંભળતાં યાત્રા આગળ વધી રહી હતી.

 સમયસર વિરમગામ વટાવી દીધું. આગળ વિઠલાપર આવ્યું. અને ગાડીના એ. સી.એ ગરમ પવન ફેંકવાનું શરૂ કર્યું. મને જે ભીતિ હતી એ જ થવા જઈ રહ્યાનો મને તો અણસાર આવી જ ગયો. દાદા એ પૂછ્યું પણ ખરું "ઈશું, એ.સી. કેમ ગરમ પવન ફેંકે છે? " ગાડી હિટ પકડી રહી હતી. ગાડી હિટ પકડ્યાની લાલ લાઈટ પણ ઇન્ડિકેટ થઈ રહી. દાદાને કહ્યું "દાદા હવે સુરેન્દ્રનગર સમયસર પહોંચવું મુશ્કેલ છે. ગાડીએ હિટ પકડી લીધી છે. હવે ઠંડી પડે અને રેડિયેટરમાં પાણી નાખીએ પછી ગાડી આગળ જશે"

ગાડી જ્યાં ઊભી હતી એ નિર્જન વિસ્તાર હતો. ત્યાં ક્યાંયથી પાણી પણ મળે તેમ ન હતું. દાદાને કાર્યક્રમમાં સમયસર પહોંચાડવાની મને ચિંતા હતી. પણ દાદા નિશ્ચિન્ત જણાતા હતા. દાદા કહેતા શામળિયાએ ધાર્યું હશે એમ જ થશે.
ગાડી ઉભી હતી ત્યાંથી 100 મીટર દૂર રસ્તાની ધાર પર એક ઓરડી જેવું દેખાતું હતું. ગાડી ચાલુ કરી ત્યાં સુધી લઈ જવાનું સાહસ કર્યું. ઓરડીની બાજુમાં એક વૃદ્ધ દાદા ખાટલો ઢાળી બેઠા હતા. ગાડીમાંથી ઉતરી હું ઓરડી પાસે ગયો. ત્યાં બે-ચાર ડોલ પાણી ભરેલું હતું. ગાડી થોડી ઠંડી પડે એટલે પાણી રેડિયેટરમાં નાંખી લઉં. એટલી વારમાં દાદા એ સુરેન્દ્રનગર ફોન કરી જાણ કરી કે અમારી ગાડી બગડી છે. આવતાં થોડું મોડું થશે. સુરેન્દ્રનગરથી પ્રોફેસર પાર્થ આચાર્ય તાબડતોબ એમની ગાડી લઈ દાદાને સામા લેવા આવવા નીકળી પડ્યા.

ગાડી થોડી ઠંડી પડી એટલે રેડિયેટરમાં પાણી નાખ્યું. દાદાએ સો રૂપિયા કાઢી મને આપ્યા અને કહ્યું વાડીમાં પેલા વૃદ્ધ વડીલ બેઠા છે એમને આપી આવ. હું પૈસા આપવા ગયો. ત્યાં અંદર ગયો, જોયું તો છત નીચે વિષ્ણુ અવતારી રામપીરનું મંદિર હતું. મંદિરમાં જઈ દર્શન કર્યા. શામળિયાની અકળ લીલા નિહાળી હું આવક હતો. દાદાને કહ્યું દાદા શામળિયો તો શામળિયો જ છે. ક્યાં અને કયા રૂપે પ્રગટ થાય કશું જ કહેવાય નહીં ! અમારી ગાડી આ જ જગ્યાએ કેમ બંધ પડી હશે ? એનો સંકેત હું અને દાદા સમજી ગયા.

એ પછી ગાડી ઉપડી એ ઉપડી ક્યાંય અટકી નહિ. પ્રોફેસર પાર્થ આચાર્ય દાદાને લેવા માટે લખતર સુધી પહોંચી ગયા હતા. તેમણે દાદાને તેમની કારમાં બેસવા વિનંતી કરી. પણ દાદાએ કહ્યું "ના, હું આ રથમાં જ બેસીસ. તમે આગળ ધીમે ધીમે જવા જવાદો."
          બરાબર 11:00 કલાકે સુરેન્દ્રનગરમાં અમે પહોંચી ગયા. આદરણીય ડી. વી. શાહ સાહેબ તેમના નિવાસસ્થાને આમરી રાહ જોતા બેઠા હતા. આમારી ગાડી તેમના દરવાજે પહોંચતાં જ દાદાને આવકારવા તેઓ બહાર દોડી આવ્યા. તેમના ભવ્ય નિવાસસ્થાને આમરો ઉતારો હતો. ફ્રેશ થઈ ઝડપથી શબ્દલોક ભવન જ્યાં કાર્યક્રમમાં દાદાની રાહ જોવાઇ રહી હતી ત્યાં પહોંચ્યા.

સભાખંડના પ્રવેશદ્વાર પર ઢોલના નાદથી દાદાનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યું.
કવિઓ, સાહિત્યકારો, અને સાહિત્યપ્રેમીઓથી સભાખંડ ચિક્કાર ભરાઈ ગયો હતો. અમારા રથે સર્જેલી ક્ષતિના કારણે કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં થોડો મોડો શરૂ થયો. એમ છતાં સૌ ભાવકો ધીરજ અચરજ પમાડે તેવી હતી. સાહિત્યના કાર્યક્રમમાં આવું શિસ્તબદ્ધ ભાવકો આજના સમયે ભાગ્યે જ જોવા મળે ! આ તો ઝાલાવાડનું સુરેન્દ્રનગર ! કવિશ્વર દલપતરામની ભૂમિ ! સાહિત્યપ્રેમ આ ભૂમિપુત્રોને વરસમાં મળ્યો છે.

વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મોતીદાદા, જેઓની ઉદાર સખાવતથી વાંચનલય વતાનુકૂલિત બન્યું છે એવા આ પંથકના ભામાશા શ્રી. ડી વી. શાહ સાહેબ, સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ સેવક (સાચા અર્થમાં સેવક ) અને શબ્દલોકના શ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય, જાણીતા કવિ અને કોલમિસ્ટ એસ.એસ. રાહી, કવિશ્વર દલપતરામ એવોર્ડથી જેઓનું સન્માન થવાનું હતું તેવા કવિ શ્રી દિલીપ જોશી, શબ્દ લોકના ઉપપ્રમુખ ચંદ્રકાન્ત વ્યાસ જેવા મહાનુભાવોથી મંચ શોભી રહ્યું હતું. દીપ પ્રાગટયથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવમાં આવી. સુપ્રસિદ્ધ ગાયિકા હેમાંગીબેન રાવલના મધુર કંઠે પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવી.

કાર્યક્રમમાં વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક માન. જગદીશભાઈ મકવાણા સાહેબ વ્યસ્તતા વચ્ચે પણ ખાસ ઉપસ્થિત રહ્યા, એટલુંજ નહિ પરંતુ કોઈ સર્જકને શરમાવે તેવું મનનીય પ્રવચન પણ તેમને આપ્યું. તેમના પ્રવચનમાં તેમનો સાહિત્ય પ્રત્યેની પ્રીતિનાં દર્શન થતાં હતાં. રાજકારણ સાથે જોડાયેલી એક વ્યક્તિ આવું સાહિત્યિક પ્રવચન કરે એ ગુજરાતે ગૌરવ લેવા જેવી બાબત છે. તેમના સ્વભાવની વિનમ્રતા હૃદયસ્પર્શી હતી.
એસ. એસ. રાહી એ દિલીપ જોશીના સાહિત્ય સર્જન વિશે કેફિયત પ્રસ્તુત કરી અને કેટલાક કાવ્યોનો આસ્વાદ કરાવ્યો હતો. મંચસ્થ મહાનુભાવોના હાથે કવિ દિલીપ જોશીને કવિશ્વર દલપતરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

આખા કાર્યક્રમમાં મોતીદાદાનું વ્યાખ્યાન કેન્દ્ર સ્થાને રહ્યું. 15 મિનિટના ટૂંકા પ્રવચનમાં દાદા મન મૂકીને ખીલ્યા હતા. દાદાએ શબ્દલોક સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. સાથે સાથે કોઈનીય સડાબારી રાખ્યા વિના દાદાએ સ્વભાવગત કેટલાક વિઘ્નસંતોષીઓને માર્મિક ટકોર કરતાં ચાબખ્યા હતા. દાદાને જે કહેવું હોય એ કોઈનીય શેહશરમ રાખ્યા વિના મંચ પરથી જાહેરમાં જ કહી નાખવાની સ્ટાઇલ આજે પણ બરકરાર રાખી છે.

કાર્યક્રમની આભારવિધિ કલાના કસબી અને કર્મઠ આચાર્ય ડૉ. નરેન્દ્રભાઈ રાવલ દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી. આખા કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. બળવંત વ્યાસે કર્યું હતું. કર્યક્રમ પૂર્ણ થતાં જ દાદાના ચાહકો દાદાના ફરતે વીંટળાઈ વળ્યાં. આ બધા જ દાદાની એક ઝલક માટે આતુર બન્યાં હતા. વર્ષો પછી દાદા બધાને મળતા હતા એમ છતાં બધાને દાદા નામથી બોલવાતા. તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ નિવૃત્ત થઈ ગયા છે. દાદાએ વિદ્યાર્થીઓના પરિવારજનોને પણ નામથી ઓળખે ! આ દૃશ્ય જોઈ મનમાં એક સવાલ ઊઠે કે નિવૃત થયાના દાયકાઓ પછી પણ શિષ્યોના પરિવાર સાથે આત્મીય ઘરોબો ધરાવતા હોય એવા ગુરુજનો આજના સમયમાં કેટલા ???

દાદાએ સુરેન્દ્રનગરમાં કેટકેટલા સંબંધોનું વાવેતર કર્યું છે એ તો અહીં સર્જાયેલાં દૃશ્યો નિહાળો તો જ સમજાય. એક તો દાદાનો સ્વભાવ આકરો ને બીજું તેઓ  આખા બોલા. દાદાના સ્વભાવથી પરિચિત ન હોય તો દાદા બોલે તો ચોક્કસ માઠું જ લાગે ! પણ જેઓ દાદાના સ્વભાવને જાણે છે તેઓ ને ખબર છે દાદા શ્રીફળ જેવા છે. ઉપર થી કઠણ અને અંદરથી સાવ મુલાયમ.

કાર્યક્રમ બાદ સૌ રોટરી કલબના ભવનમાં ભોજન માટે ગયા. ભોજનની સુંદર વ્યવસ્થા હતી. મારે ચાતુર્માસના ઉપવાસ હતા એટલે એકટાણું સાંજે કરવાનું હતું. દાદાને ડાઇનિંગ પર બેસાડી જમાડ્યા. જમીને પાછા અમારા ઉતારે ડી.વી. શાહ સાહેબના બંગલા પર પહોંચ્યા.

અઢી-ત્રણ વાગી ચુક્યા હતા. ચાર વાગે રતનપરમાં આવેલી દર્શન વિદ્યાલયમાં દાદા સાથે ગોષ્ઠીનો એક કાર્યક્રમ ગોઠવ્યો હતો. દાદાએ 15 મિનિટ આરામ કરી દર્શન વિદ્યાલયમાં જવા તૈયાર થઈ ગયા. અમે દર્શન વિદ્યાલય પહોંચ્યા. ત્યાં દાદાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બીજા એમના કેટલાક ચાહકો આવી ગયા હતા. પરંતુ આ બધામાં એક વ્યક્તિએ મારુ વિશેષ ધ્યાન ખેંચ્યું. દર્શન વિદ્યાલયના દરવાજે એક યુવાન દાદાના આવવાની રાહ જોતો ઊભો હતો. દાદાને જોતાં જ યુવાને ચરણસ્પર્શ કર્યા. અને દાદાને કહ્યું "દાદા મને ઓળખ્યો ? " દાદા એના ચહેરાને ધારીને જોઈ રહ્યા. યુવાને ઓળખ આપતાં કહ્યું "દાદા, નાનો હતો ત્યારે તમારા ઘેર દૂધ આપવા હું આવતો. તમારા અને માડીના ખોળામાં ખૂબ રમ્યો છું."
દાદાએ એના માથે હાથ ફેરવ્યો અને કહ્યું "અરે ! કેટલો મોટો થઈ ગયો. શું કરે છે અત્યારે ?" યુવાને કહ્યું દાદા અત્યારે પાણીપુરીની લારી કરી છે અને સારું એવું કમાઈ લઉં છું."

એક દૂધવાળાનો દીકરો આટલા વર્ષે દાદાના વહાલને વિસરી શક્યો નથી. દાદાના આવવાના સમાચાર ક્યાંયથી જાણી દાદાને મળવા દોડી આવ્યો. એક નાના માણસના દિલમાં સ્થાન પોમવું આ ઉપલબ્ધી કોઈ રાષ્ટ્રીય પુરસ્કારથી કમ છે ???
             
દર્શન વિદ્યાલયના સંચાલક મહેશભાઈ કાનાની ઓફિસમાં ગોષ્ઠિ જામી. શાળાના સંચાલક મહેશભાઇ એ કહ્યું કે "હું દાદાનો વિદ્યાર્થી નથી પણ એમના કોલેજ કેમ્પસમાં પીટીસી કર્યું છે એમની વાછટથી ભીંજાયો છું." મહેશભાઈ એક સાહસિક સંચાલક છે. પરિવારની પરિસ્થિતિ સાવ સાધારણ ! વિદ્યાર્થીકાળ દરમિયાન શાળામાં વેકેશન હોય ત્યારે મજૂરી કરે. ભણવમાં તેજસ્વી પ્રાથમિક શિક્ષક બન્યા. માણસ હોશિયાર એટલે શિક્ષક બની બેસી ન રહ્યો. કોઠાસૂઝ બળે પોતાની જ શાળા ઉભી કરી દીધી. શિક્ષક તરીકે રાજીનામું આપી દીધું. કોઈ યુનિવર્સિટીને શરમાવે એવડું મોટું કેમ્પસ ઉભું કર્યું છે. તેમની ઓફીસમાં ગોષ્ઠી જામી.

વર્ષો પછી સૌ દાદાને મળી રહ્યા હતા. સૌએ પોતાનો પરિચય આપ્યો. દાદા સાથેના સ્મરણો વાગોળ્યા. દાદાએ પણ આ સૌ સાથેની મધુર યાદો તાજી કરી. વાતો વાતોમાં ત્રણ કલાક ક્યાં પસાર થયા એનો ખ્યાલ જ ન રહ્યો. ડી.વી.શાહ સાહેબને ત્યાં સાંજના સાત વાગે જમવા પહોંચવાનું હતું પણ સાત તો દર્શન વિદ્યાલય માં જ વાગવા આવ્યા. બધાનો આગ્રહ પણ એવો કે દાદા એમના દરેકના ઘેર ચા-પાણી કરવા પધારે. પરંતુ સમયના અભાવે એ શક્ય નહતું.

ડૉ. નરેન્દ્રભાઈ રાવલના પ્રેમાગ્રહને વશ થઈ તેમના ઘેર ચા પીવા જવાનું નક્કી થયું. ડૉ. નરેન્દ્રભાઈ રાવલ કલાનો જીવ ! તેમનાં પત્ની હેમાંગીબેન એક ઉત્તમ ગાયિકા. આ દંપતિ એ ઘરને સરસ્વતીનું મંદિર જ બનાવી દીધું છે. ડૉ. નરેન્દ્રભાઈ રાવલે નાટક, નૃત્ય, ગીત સંગીતના ઘણા સફળ પ્રોજકટ કરેલા છે. પણ આ બધામાં તેમને સૌથી વધુ યશ અપાવ્યો હોય તો એ છે સિંહ ચાલીસા. હા, આ માણસે ગીર ના જંગલો ખૂંદી સિંહ દર્શન કરી સિંહની ક્રીડાઓ નિહાળી અદભુત સિંહ ચાલીસાનું નિર્માણ કર્યું છે. જેને સંત શિરોમણી મોરારીબાપુ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ વખાણી છે. ડૉ. નરેન્દ્રભાઈ રાવલને ત્યાં ચા પીતાં પીતાં સિંહ ચાલીસા અને તેમની બીજી રચનાઓ માણી. આ માણસની મથામણ જોઈ આફરીન થઈ જવાય છે.

સાત વાગે જમવા જવાનું હતું તેના સ્થાને હવે પોણા આઠ વાગી ચુક્યા હતા. ડી. વી. શાહ સાહેબના ઘેર પહોંચ્યા. ત્યાં આખો પરિવાર આમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. જમવામાં સાદું જૈન મેનુ તૈયાર હતું. મૈસુર, શાક ભાખરી, વેજીટેબલ ખીચડી અને કઢી. ટેસથી જમ્યા. જમ્યા બાદ દાદા લિખિત કેટલાંક પુસ્તકો શાહ સાહેબને ભેટ આપ્યાં. સાથે મારાં પુસ્તકો પણ શાહ સાહેબને ભેટ આપ્યાં. રાત્રીના દસ વાગ્યા સુધી શાહ સાહેબ અને તેમના સાળા અશ્વિનભાઈ સાથે ગોષ્ઠી ચાલી. રાત્રે દસ વાગે શયનખંડમાં નિદ્રાદેવીના શરણે ગયા.

(ક્રમશઃ )

ભાગ - 2 વાંચવા અહીં ક્લિક કરો.

- ઈશ્વર પ્રજાપતિ
9825142620

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts