Friday, July 21, 2023

સટરપટરની ઈશ્વર સંગાથે અવિસ્મરણીય અને અલૌકિક સુરેન્દ્રનગર યાત્રા ! - 2

ભાગ 1 વાંચવા અહીં ક્લિક કરો.

સટરપટરની ઈશ્વર સંગાથે  અવિસ્મરણીય અને અલૌકિક સુરેન્દ્રનગર યાત્રા  ! - 2

       શ્રી ડી. વી. શાહ સાહેબના આલીશાન બંગલાના શયનખંડના બેડ પર જેવું લંબાવ્યું કે આંખ ક્યારે મળી ગઈ એની ખબર જ ન પડી. સાડા ત્રણ - ચારની વચ્ચે બ્રહ્મ મુહૂર્તમાં થોડા સળવળાટથી મારી આંખ ખુલી. અધખૂલી આંખથી જોયું તો દાદાની નિત્યક્રમ પ્રમાણે કસરત ચાલુ હતી. દાદાની 87 વર્ષની ઉંમરે આ નિયમિતતા જ તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કારણભૂત હશે. 17 ના યુવાનને શરમાવે તેવી ત્વરાથી દાદા કસરત કરી રહ્યા હતા. આંગિક કસરત સાથે સાથે યોગ અને પ્રાણાયામ પણ ખરા. મારી તો ઊંઘ હજી ઉડી જ ન હતી. હું જાગ્યો ત્યારે તો દાદા નાહી ધોઈને તૈયાર તૈયાર હતા. દાદાને જોઈ હું પણ તરત નાહી ધોઈ તૈયાર થઈ ગયો.

સવારના સાત થવા આવ્યા હતા. ઘરમાં બીજું કોઈ હજી જાગ્યું હોય એવું લાગતું નહતું. પરંતુ રસોડામાં ડી. વી. શાહ સાહેબનાં પત્ની સ્મિતાબેન અમારા માટે ચા-નાસ્તો બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં. સાહેબના ઘેર સવારનો ચા-નાસ્તો થોડો લેટ થતો હશે. પરંતુ દાદાની કાળજી લેવા જ સ્મિતાબેન વહેલા ઉઠી ચા-નાસ્તો તૈયાર કરી દીધો હતો. ચા ગરમાગરમ થેપલાં અને ભાખરી તૈયાર હતી. મારે તો ઉપવાસ હતો એટલે મારા માટે સ્મિતાબહેને સાબુદાણાની ખીચડી બનાવી રાખી હતી. સવાર સવારમાં એટલા ભાવથી નાસ્તો કરાવ્યો કે હવે આખો દિવસ કશું જ જમવા ન મળે તો પણ વાંધો ન આવે. સ્મિતાબેન સાક્ષાત અન્નપૂર્ણાનાં અવતાર લાગ્યાં.

          આદરણીય ડી. વી. શાહ સાહેબનું વ્યક્તિત્વ અત્યંત ઋજુ અને શાલીન. ખૂબ ઓછું બોલે. પણ જે બોલે એ પણ ખૂબ સૌમ્ય !એમ થાય કે એ હજી કાંઈક વધુ બોલે તો સાંભળ્યા જ કરીએ. ડી. વી. શાહ સાહેબ સુરેન્દ્રનગરના એવા શ્રેષ્ઠી છે જેમના હૈયે નગરનું હિત વસેલું છે. શબ્દલોકના સભાખંડને વતાનુકૂલિત બનાવવા ડી. વી. શાહ સાહેબે જ ઉદાર હાથે માતબર દાનની સરવાણી વહાવી હતી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓને ધબકતી રાખવા શાહ સાહેબે તેમનો ખજાનો ખુલ્લો મુક્યો છે. તેમના ઘેર આતિથ્ય માણતા જરા પણ ભાર અનુભવાયો નહિ. સાહેબની વિનમ્રતા મારા હૈયે વસી ગઈ. નગરે નગર ને આવા ડી. વી. શાહ સાહેબ જેવા સાચુકલા સમાજસેવકની અત્યંત જરૂર છે.

હવે સાહેબના ઘેરથી વિદાઈ લઈ દાદાના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મિત્રોના ઘેર જવાનું હતું. રથ (ગાડી)ના રેડિયેટરમાં ફરી પાણી ભરી તૈયાર કરી દીધી. દાદા રથમાં આરૂઢ થયા. ડી. વી. શાહ સાહેબ છેક ગાડી સુધી વળાવવા આવ્યા. હું શાહ સાહેબની સાદગી અને શાલીનતાને વંદી રહ્યો.

સવાર ના 8 :15 કલાકે અમે નીકળ્યા. સૌથી પહેલાં અમારે ભૂપતભાઈ ઝાલાને ઘેર જવાનું હતું. ભૂપતભાઈ  અમને લેવા સામે આવ્યા. ઝાલાભાઈ એ વ્યક્તિ કે જેઓ એક સમયે કોલેજમાં સેવક તરીકે ફરજ બજાવતા હતા. પણ દાદાએ આગળ ભણવા સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું. આગળ ભણવા માટેના ઘણા પડકારો હતા. ઉચ્ચ અભ્યાસ માટે કોર્ટના દરવાજા પણ ખાખડવા પડ્યા. પણ આખરે જીત થઈ. ભૂપતભાઈ આગળ ભણ્યા અને સેવકમાંથી ક્લાર્ક બન્યા. અને હાલ નિવૃત્ત સુખેથી જીવન ગાળે છે. ભૂપતભાઈ કહે છે : "એ સમયે દાદાએ હામ ન આપી હોત તો આજે હું આટલી સારી સ્થિતિમાં ન હોત ! જે પણ કાંઈ છું એ દાદાના પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદના પ્રતાપે છું ! દાદાનું ઋણ ક્યારેય ચૂકવી શકાય એમ નથી."

ભૂપતભાઈને ઘરના દ્વારે પહોંચતાં જ તેમનાં પત્ની અને મોટો દીકરો દાદાને આવકારવા દોડી આવ્યાં. વર્ષો પછી દાદા આંગણે આવ્યા હતા. આખો પરિવાર દાદાને આવકારવા ઘેલો ઘેલો બન્યો હતો. ઝાલા પરિવારજનોના આંખોમાં દાદા પ્રત્યે નીતરતો સ્નેહ સ્પષ્ટ જોઈ શકાતો હતો. દાદા આખા પરિવારના સભ્યોને નામથી ઓળખે !
ભૂપતભાઈનાં પત્ની ઠકરાણીએ ખૂબ હેતપૂર્વક દાદા માટે શિરો બનાવી દીધો. ચા નાસ્તો કરીને જ નીકળ્યા હતા, એમ છતાં ભાવથી પિરસાયેલો શિરો જમ્યા. દાદાની સાથે લઈ જવા માટે શિરાનો ડબ્બો ભરી દીધો..



ભૂપતભાઈના દીકરાના લગ્ન પણ નજીકમાં આવી રહ્યા છે. દરબાર સમાજના લગ્નનો એક નવો રિવાજ અહીં જાણવા મળ્યો. આ સમજના રિવાજ પ્રમાણે જાનમાં વરરાજા જતા નથી પણ તેમની તલવારની જાન જોડાય છે. કન્યા તલવાર સાથે સાસરે આવે છે. અને અહીં વિધિ પૂર્વક વર કન્યાનાં લગ્ન થાય છે. આ પરંપરા હજી ચાલુ છે. સાંભળીને મને ઘણું આશ્ચર્ય થયું કે જેના લગ્ન હોય એ વરરાજા જ ઘેર હોય ! આ કેવું ! આવી કેટકેલિય પરંપરાઓ આપણી સંકૃતિ છે. અને કેટલાય સમાજને આધુનિકતાએ અભડાવ્યા નથી. આવા પરિવારો સાંસ્કૃતિક પરંપરાનુ આજે પણ જતન કરી રહ્યા છે.
ભૂપતભાઈના ઘેરથી હવે અમારે હિરજીભાઈને ત્યાં જવાનું હતું.

ભૂપતભાઈ અને દર્શન વિદ્યાલયના સંચાલક મહેશભાઈ કાનાની અમારા પથદર્શક બની તેમની બાઇક અમારા રથ આગળ હંકારી અમને રસ્તો બતાવતા.
હિરજીભાઈ નાકરાણી પીટીસી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે. 
મુ.હીરજીભાઈ અમારે ત્યાં કેમ્પસમાં જ P.T.C. કૉલેજ હતી એમાં તેઓ આચાર્ય તરીકે 15 થી 18 વર્ષ સેવા નિવૃત થયા. અને એમના મોટા દીકરા હાલ ગુજરાત આયુર્વેદ યુનિ જામનગર ના વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવે છે અને નાના દીકરા હાલ અમદાવાદ ચાંદલોડિયમાં ઉદ્યોગપતિ છે

    તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. અમે તેમના ઘેર પહોંચ્યા તો તેઓ પણ દરવાજે આવકારવા ઊભા હતા. વર્ષો પછી બે મિત્રોનું મિલન થઈ રહ્યું હતું. હિરજીભાઈ અને દાદાએ જુના સંસ્મરણો તાજાં કર્યા. ખમણ ઢોકળાંનો નાસ્તો તૈયાર હતો. નાસ્તો કરી દાદાના બીજા એક મિત્રના ત્યાં જવાનું હતું.

એ મિત્ર એટલે ગુજરાતનું ઘરેણું કહી શકાય એવું અણમોલ રતન પૂજલભાઈ રબારી. તેઓ તો હાલ હયાત નથી. પણ દાદાના ખૂબ આત્મીય મિત્ર હતા. સુરેન્દ્રનગરમાં ખૂબ જાણીતી શ્રદ્ધા હોટેલના તેઓ મલિક ! એક ઉત્તમ લોક સાહિત્યકાર, ગરવો ગાયક, શ્રેષ્ઠ કથાકાર અને સંવેદનાથી ભર્યો ભર્યો માનવી એટલે પૂજલભાઈ રબારી. તેમના ઘરમાં પ્રવેશતાં જ કોઈ અલગ પ્રકારનું વાઈબ્રેશન અનુભવાય. આ ભૂમિ કોઈ તપસ્વી એ તપ કર્યું હોય એવી તપો ભૂમિ જણાઈ આવતી હતી. ઘરમાં પ્રવેશતાં જ માઁ સરસ્વતીની મોટી તસ્વીર જોતાં જ આંખો ઠરે. વીણા હાથોમાં લઈ માઁ શારદા આશિષ વરસાવતાં હોય એમ જ લાગે. ઘરમાં મંદિર પાસે જઈ દાદા બેઠા. પૂજા અર્ચના કરી. ત્યાં જ મિત્રની યાદમાં દાદાનું હૈયું ભરાઈ આવ્યું. નાના બાળકની જેમ દાદા ધ્રુસકે ચડ્યા. માંડ શાંત થઈ શક્યા.

કુદરત કસોટી કરે ત્યારે કોઈ કસર બાકી નથી રાખતી. પૂજલભાઈની વિદાય બાદ દીકરો સુરેશ કોરોનમાં પટકાયો. દવાઓની આડ અસરથી નાજુક સ્થિતિમાં સરી પડ્યો. આજે પણ કોમા જેવી અવસ્થામાં તેના શ્વાસો ચાલી રહ્યા છે. પરિવાર ખડેપગે સેવામાં રત રહે છે. ઘરના એક ખંડમાં હોસ્પિટલ જેવી વ્યવસ્થા ઉભી કરી છે. દાદા મિત્રના દીકરાની ખબર જોવા એ રૂમમાં ગયા. દાદાએ આશ્વાસન આપ્યું. કે દીકરા ચિંતા ન કરીશ. તારો મોક્ષ નિશ્ચિત છે." દાદા આથી વધારે એકપણ શબ્દ બોલી શક્યા નહી.
        દીકરાની ખબર જોઈ દાદા પૂજલભાઈના રૂમમાં ગયા. પૂજલભાઈનો રૂમ આ પરિવારે ખૂબ સુંદર રીતે સાચવ્યો છે. પૂજલભાઈને મળેલા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ , સન્માનો ત્યાં સાચવાયા છે. પૂજલભાઈ જે વાદ્યો વગાડતા એ વાદ્યો પણ સાચવી રાખવામાં આવ્યા છે. પૂજલભાઈના રૂમમાં બેસીએ તો લાગે કે પૂજલભાઈનો પવિત્ર આત્મા હજી અહીં ક્યાંક ધબકે છે. જ્યાં દાદા અને પૂજલભાઈ બેસી કલાકો સુધી ગોષ્ઠી કરતા હતા એ સોફા પર બેસી દાદા ફરી ધ્રુસકે ચડ્યા. દાદાની આંખોમાંથી આંસુની ધારા રોકાવાનું નામ જ લેતી ન હતી. મિત્રની તસવીર સામે જોઈ દાદા નાના બાળકની જેમ જ રડી પડતા. દાદાને સ્વસ્થ થવામાં થોડો સમય લાગ્યો. પૂજલભાઈના રૂમમાં કબાટમાં અલભ્ય સાહિત્યનો ખજાનો ખૂબ સારી રીતે સાચવી રખાયો છે. કેટલાંય અલભ્ય પુસ્તકોનો ખજાનો છે. પુસ્તકો જોઈને જ થાય કે આ માણસે કેટલો ઊંડો અભ્યાસી હતો ! પૂજલભાઈ માઁ સરસ્વતીનો સાચા સાધક હતા.

દાદાએ પૂજલભાઈના પૌત્રોને બોલાવી દાદાનો વારસો જાળવી રાખવા વચનબદ્ધ કર્યા. પૂજલભાઈને જે સાલોથી સન્માન કરાયું હતું એ બધી થોકબંધ સાલો પણ કબાટમાં સાચવી રાખી છે. દાદાએ પૌત્રને કહ્યું કે આમાંથી એક સાલ મને ઓઢાડ. આ સાલ મારા મિત્રનો સ્પર્શ પામેલી સાલ છે. એ બહાને એનો સ્પર્શ આજે હું પામવા માંગુ છું. દાદાને સાલ ઓઢાડી. દાદા ફરી ભાવુક બન્યા. એમાંની એક સાલ મને પણ અર્પણ કરી. હું સાલ મારા માટે પ્રસાદ સમાન હતી..હું ધન્ય થયો.
દાદાએ પૂજલભાઈનો એકતારો માંગ્યો હાથમાં લઈ તેના તાર છેડયા. અને જાણે એમાંથી પૂજલ રાગ પ્રગટ થયો. ભાવનાત્મક દૃશ્યો સર્જાયાં હતાં. ચા-કોફી પીવાની કોઈને ઈચ્છા ન હતી. એમ છતાં આ તો રબારીનું ખોરડું ! પરિવારે પ્રેમાગ્રહ પૂર્વક દહીં વલોવી છાશ તૈયાર કરી દીધી. છાશ પણ એટલી મીઠી કે જાણે ગોકુળમાં નંદ બાવાના ઘરની ઘોરીમાં જશોદા મૈયાએ વલોવી ન હોય ! ઘૂંટડે ઘૂંટડે છાશ પીધી. છાશને ધરતી પરનું અમૃત કેમ કહેવાયું હશે એ આજે સમજાયું. ત્યારબાદ અમે પૂજલભાઈના ઘેરથી વિદાય લીધી.

હવે દાદાના બીજા એક મિત્રના ઘેર જવાનું હતું. તેમનું નામ ગોવિંદભાઈ નકુમ. ગોવિંદભાઈના ઘરે પહોંચ્યા. અહીં દાદા માટે નાસ્તામાં સુવાળી સુખડી અગાઉથી બનાવી તૈયાર રાખી હતી. દાદાએ પ્રસાદી જેટલી સુખડી લીધી. બીજી સુખડી દાદા સારું એક ડબ્બામાં ભરી આપી.

આજનું ભોજન લેવા અમારે સુરેન્દ્રનગરના પ્રથમ નાગરિક એવા વીરેન્દ્રભાઈ આચાર્યના ત્યાં લેવાનું હતું. 11:30 કલાકે ભોજન માટે પહોંચવાનું હતું. પરંતુ દાદાના ભાવકો જ એટલા કે કોના ઘેર જવું અને કોનું ઘર ટાળવું જે સવાલ હતો. દાદા કોઈનું મન તોડવા માગતા નહતા. સવારથી અમારા પથદર્શક બની સાથે ફરી રહેલા મહેશભાઈ કાનાનીનો આગ્રહ હતો કે દાદા તેમના ઘેર પધારે. હવે અમે મહેશભાઈના ઘેર જવા નીકળ્યા.

સુરેન્દ્રનગર આમ તો ઐતિહાસિક અને સુંદર શહેર છે. પણ કેટલિક ગલીઓ ખૂબ સાંકળી છે. ભોગાવો નદી કિનારે વસેલું શહેર મોજીલું છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેર વચ્ચેથી ઘણી વાર આમતેમ જવાનું થયું. પસાર થતાં થતાં શહેરની સુંદરતા માણી.
શહેર વચ્ચેથી પસાર થઈ રતનપરા મહેશભાઈને ઘેર પહોંચ્યા. મહેશભાઈનાં માતા છોડના કુંડાંને પાણી પાતાં હતાં. આ માણસે ઘરને પણ શાળા બાનવી દીધી છે. મહેશભાઈનાં પત્નીએ અમારા માટે બદામશેક તૈયાર કરી દીધો. ત્યાં દાદાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની મંજુલા બેન આવી ગયાં. તેમનો પણ આગ્રહ કે દાદા મારા ઘેર આવો જ આવો બસ !

મંજુલાબેન કાનાનીના પ્રેમાગ્રહને વશ થઈ અમે તેમના ઘેર પહોંચ્યા. મંજુલાબેન એકલાં રહે છે. અને સુંદર બાલમંદિર ચલાવે છે. મંજુલાબેન એક તાકાતવાન મહિલા છે. એક નારી સો નર પર ભારે પડે એવી હિંમત વાળી છે. આજના સમયમાં એક મહિલા માટે એકલા રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. પણ મંજુલાબેન મર્દાની મહિલા છે. ભલભલા ચમરબંદી મંજુલાબેનના નામ માત્ર થી ધ્રુજવા લાગે છે. તેમનો પરચો કેટકલાક માથાભારે લોકોને પણ મળી ગયો છે. દાદાએ મંજુલાબેનના બાલમંદિરની મુલાકાત લુધી. નાના ભૂલકાઓની કાલીઘેલી ભાષામાં બાળગીત પણ સાંભળ્યું.હવે 11:30 થવા આવ્યા હતા. જમવા માટે વીરેન્દ્રભાઈને ત્યાં પહોંચવાનું હતું.

મંજુલાબેનના ઘેરથી નીકળી અમે વીરેન્દ્રભાઈ આચાર્યના ઘરે પહોંચ્યા.
વીરેન્દ્રભાઈનો પરિચય સીમિત શબ્દોમાં આપવો શક્ય નથી. તેમના પરિચય માટે એક અલગથી આર્ટિકલ કરી શકાય એવું મઘમઘતું વ્યક્તિત્વ. મૂળ તો તેઓ દાદાના જ વિદ્યાર્થી. એક પ્રતિબદ્ધ આચાર્ય. અને સક્રિય રાજનેતા. વીરેન્દ્રભાઈ એક એવા રાજનેતા છે કે રાજનેતા માટેની આપણી જે કલ્પનાઓ છે એ બધી કલ્પનાઓ બધી ખોટી ઠારે. સત્તાભિમાનથી આ વ્યક્તિ યોજનો દૂર છે. સુરેન્દ્રનગર નગરપાલિકાનો અંદાજે ત્રણસો કરોડનો વહીવટ સાંભળે છે એમ છતાં દામનમાં ક્યાંય દાગ પડવા નથી દીધો. વીરેન્દ્રભાઈને મળો તો તમને જરા પણ અણસાર ન આવે કે આ વ્યક્તિ પાસે અમર્યાદિત સત્તાઓ છે. ડાઉન ટુ અર્થ રહેવામાં માને છે. એવો જ સરળ સ્વભાવ તેમનાં પત્ની જયશ્રીબેનનો છે.

અમે જેવા એમના ઘરના પ્રવેશ દ્વારે પહોંચ્યા આખો પરિવાર અમને આવકારવા દરવાજે ઊભો હતો. ડી. વી. શાહ સાહેબ પણ અમારી સાથે જ ભોજન લેવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જયશ્રીબેને અગાઉના દિવસે જ દાદાની પસંદગીની વાનગીનાં નામ જાણી લીધાં હતાં. જયશ્રીબેન અને તેમની દીકરી સંજ્ઞાબેને સાથે મળી સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરી હતી. દાદાને ભાવતું ભોજન બનાવ્યું હતું. વીરેન્દ્રભાઈનાં પત્ની જયશ્રીબેન અને તેમની દીકરી સંજ્ઞાબેને ખૂબ ભાવ પૂર્વક અને આગ્રહ પૂર્વક ભોજન જમાડતાં વીરેન્દ્રભાઈની દીકરી સંજ્ઞાબેન પણ એક ઉત્તમ લેખિકા અને આચાર્યા છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક લેખન સાથે પણ તેણી જોડાયેલાં છે. વાતો કરતાં ખબર પડી કે એમના અને મારા કોમન ફ્રેઇન્ડ્સ તો ઘણા છે. એક નવો પરિચય થયો.

ભોજન બાદ ડી.વી. શાહ સાહેબે એક ચેક લખ્યો. ચેક સવા લાખ રૂપિયાનો હતો. વીરેન્દ્રભાઈ અને ડી.વી. શાહ સાહેબે ચેક દાદાને અર્પણ કર્યો.. દાદાએ પહેલાં તો ચેકનો સ્વીકાર કરવાની ના કહી, પણ બન્ને યજમાનોએ જીદ કરી કે "ભલે તમે ન સ્વીકારો પણ અમારે તો તમને આ ચેક અર્પણ કરવાનો જ છે." ડી. વી. શાહ સાહેબ ને વીરેન્દ્રભાઈના પ્રેમાગ્રહને વશ થઈ દાદાએ ચેક સ્વીકાર કર્યો. શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે દાદાએ બનાવેલા ટ્રસ્ટ નામે ચેક દાદાએ સ્વીકાર કર્યો.
સ્વાદિષ્ટ ભોજન અને ભાવ ભર્યા આતિથ્ય માણ્યા બાદ હવે આમરે સુરેન્દ્રનગર છોડવાનું હતું. ડી.વી. શાહ સાહેબ અને વીરેન્દ્રભાઈના પરિવારે અમને ભાવભીની વિદાય આપી.

સુરેન્દ્રનગરની બહાર નીકળવાના રસ્તાના માર્ગદર્શન માટે ડી. વી. શાહ સાહેબની કાર અમારી કાર આગળ આગળ જઈ હતી. જ્યાં આમરે ટર્ન લેવાનો હતો ત્યાં શાહ સાહેબે તેમની કાર ઉભી રાખી, નીચે ઉતર્યા અને ફરી આવજો કહી વિદાય આપી. આટલી ઊંચા ગજાની વ્યક્તિની વિનમ્રતા જોઈ હું દંગ રહી ગયો.

હવે અમદાવાદ તરફની યાત્રાનો આરંભ થયો. કાર હિટ ન પકડે એની કાળજી લેવાની હતી. ગાડી થોડી સ્પીડ પકડે દાદા તરત કહે "ધીમે ધીમે, નહિ તો રથ ગરમી પકડી લેશે." સુરેન્દ્રનગર આવતી વખતે જ્યાં ગાડી બંધ પડી હતી અને જે રામાપીરના મંદિરથી ગાડીમાં પાણી નાખ્યું હતું એ મંદિરે જઈ બેસવાની દાદા અને મારી ખૂબ ઈચ્છા હતી. દાદા અને મારી નજર રસ્તાની એ બાજુ એ મંદિર શોધ્યા કરતી. દાદા ફરી આ વિસ્તારની ખાસિયાતી અને તેમના સંસ્મરણ તાજા કરી રહ્યા હતા. હું તો બસ મુગ્ધ બની સાંભળી રહેતો. દાદા વર્ષો સુધી આ રસ્તે પસાર થયા હતા. આ રસ્તો પિયરની વાટ જેવો જ પોતીકો અને પ્રિય લાગતો હતો.

વાતો કરતાં કરતાંય અમારી નજર પેલા મંદિરને શોધતી હતી. પણ ન જાણે કેમ એ મંદિર ક્યાંય નજરે ન ચડ્યું તે ન જ ચડ્યું. છેક વિઠલાપર પહોંચી ગયા. મંદિર કદાચ હવે પાછળ જ રહી ગયું હશે. દાદા અને મારી રામાપીર એ મંદિરના દર્શન કરવાની તીવ્ર ઝંખના હતી. પણ એ ન થયા. હરિ ઈચ્છા બલવાન !
રથ સારી રીતે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. હવે કોઈ જગ્યા એ CNG સ્ટેશન આવે તો ગેસ ભરાવી લેવો પડે એમ હતો. એક જગ્યા એ પમ્પ આવ્યો પણ સંજોગો વસાત ત્યાં ગેસ ન ભરાવી શક્યા. એટલે પેટ્રોલ ભરાવી લીધું.

સુરેન્દ્રનગરથી અમદાવાદ એકધારી ગાડી ચાલી પણ ક્યાંય હિટ ન પકડી એ મારા માટે પણ અચરજ સમાન હતું. પણ રિંગ રોડ પહોંચતાં જ CNG પૂરું. ગાડી પેટ્રોલ પર કરી. પેટ્રોલમાં.કચરો આવી ગયો કે શું ગાડી આંચકા મારવાનું શરૂ કર્યું. રેસ આપું તો આખી ગાડી વાઈબ્રેટ થાય. એક્સીલેટર કામ જ ન કરે અને કાર બંધ જ થઈ જાય. ઘર આંગણે આવી કાર કસોટી કરવા બેઠી. દાદાનું નિવાસ હવે 10 કિ. મી. જ હતું. પણ ટ્રાફિકમાં આ સિચ્યુએશનમાં કાર ચલાવવી ખૂબ અઘરું હતું. ઘણી વખત તો સિગ્નલ પર કાર બંધ થઈ જાય, પાછળ ટ્રાફિક પણ જામ થઈ જાય. માંડ માંડ ગાડી દાદાના નિવાસે પહોંચી ખરી. શામળિયાએ થોડી કસોટી કરી પણ અમદાવાદ સુધીની યાત્રા હેમખેમ પૂર્ણ થઈ. બરાબર પાંચ વાગે દાદાને તેમના નિવાસે ઉતારી હું મોડાસા જવા નીકળ્યો.

 હવે દાદા સાથે નહતા એટકે ગાડી બગડે તો પણ પહોંચી વળીશું એવા વિચારે ગાડી ઉપાડી. પહેલું કામ CNG ભરવાનું કર્યું. પછી તો રથ રમરમાટ ઉપાડ્યો. એકલા હાથે દ્રઇવિંગ કર્યું હતું એટલે થોડો થાક હતો અને ઊંઘ પણ આવતી હતી. રસ્તામાં ક્યાંક ઉભા રહી ચા પીવાની ઈચ્છા હતી. મનમાં નક્કી એવું કર્યું કે મજરા જઈને ચા પીવી. કાર હિટ ન પકડે એનું ધ્યાન રાખતો હળવે હળવે રથ હંકારી હું મજરા પહોંચ્યો.

મહારાજા હોટેલમાં ચા માટે ગાડી બ્રેક કરી. હોટેલની બાજુમાં જ એક મંદિર હતું. હોટેલની બાજુમાં મંદિર ભાગ્યેજ જોવા મળે એટલે મને આશ્ચર્ય પણ થયું. મને થયું લાવ પહેલાં દર્શન કરી લઉં પછી ચા પીએ. મંદિર આગળ પહોંચ્યો અને મૂર્તિ નિહાળી અંતરમાં ઝળહળ અજવાળું અજવાળું થયું. આ મંદિર બીજા કોઈ દેવી-દેવતાનું નહિ પણ વિષ્ણુ અવતારી રામાપીરનું હતું. ફરી એકવાર શામળિયો મારી સામે સાક્ષાત ઊભો મેં નિહાળ્યો. શું આ પણ જોગાનુજોગ હતું ? કે કોઈ ચમત્કાર હતો? કોઈ સંકેત હતો? કે પછી બીજું કશું ? શામળિયાની લીલા પામવી અકળ છે. મારા જીવનમાં પળે પળે કૃષ્ણ લીલાનાં સાક્ષાત દર્શન થતાં રહ્યાં છે. મારું સંપૂર્ણ જીવન કૃષ્ણમય છે. હું કૃષ્ણની ચરણરજ છું.

મંદિરના દર્શન કરી જે અનુભવ્યું એ શબ્દોમાં વ્યક્ત કરવાની વસ્તુ જ નથી. એ પળને અનુભવવાની વાત છે. જે મેં અનુભવ્યું. મહારાજા હોટેલમાં ચા પી હું મોડાસા જવા રવાના થયો. રાત્રીના સાડા આઠ વાગે મોડાસા મારા નિવાસે પહોંચ્યો. સુરેન્દ્રનગરથી મોડાસા સુધી 250 - 300 કિલોમીટરની એકધારી મુસાફરીમાં મારી ગાડી એ ક્યાંય હિટ ન પકડી એ આજે પણ મારા માટે કોયડો છે.

જય દ્વારિકાધીશ.

- ઈશ્વર પ્રજાપતિ

9825142620

3 comments:

  1. વાહ ભાઈ વાહ ! ઇશ્વરભાઇ. તમારા લખાણને તો દાદ આપવા જેવું છે આ બધું વાંચવામાં મને સમય લાગ્યો તો તમને લખવામાં કેટલો સમય લાગ્યો હશે એની તો કલ્પના જ થાય એમ નથી. તમારી અને દાદાની સુરેન્દ્રનગરનની યાત્રાનું વર્ણન ખુબ સુંદર છે.

    ReplyDelete
  2. અતિ સુંદર. મે પણ વાંચતા વાંચતા યાત્રાનો લાઇવ અનુભવ કર્યો એવું ભાવાત્મક આલેખન છે સ્નેહથી ભરેલું છે.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts