Sunday, July 30, 2023

સન્ડે સ્પેશિયલ

 ખુબ ઓછા સમયમાં ગુજરાતનું  બેસ્ટ સેલર બનેલું  "કર્તવ્ય" પુસ્તક લખવા માટેની પ્રેરણા મને ક્યાંથી મળી ?


ગુજરાતી ભાષાનું પ્રતિષ્ઠિત સામાયિક અભિયાન ગુજરાતના બેસ્ટ સેલર પુસ્તકોની યાદી નિયમિત પ્રગટ કરતુ હોય છે. આ યાદીમાં  પોલીસના સાહસ અને દિલધડક ઓપારેશનોની સત્ય કથા આધારિત “કર્તવ્ય” પુસ્તકનો સમાવેશ થયો એ મારા માટે ગૌરવની બાબત છે. પુસ્તક પ્રકાશિત થતા પહેલાં જ પુસ્તકની તમામ નકલોનું બુકિંગ થઇ ગયું હતું. એટલું જ નહિ બીજી આવૃત્તિ આવતાં એ પણ તરત વેચાઈ ગઈ. ખુબ ઓછા સમયમાં અત્યંત લોકપ્રિયતા પામનાર આ પુસ્તક લખવાની પ્રેરણા મને ક્યાંથી મળી એની કથા પણ રસપ્રદ છે.

વર્ષ ૨૦૨૦ની આ વાત છે. કોરોના કાળ દરમિયાન  વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબે ‘ધ ગ્રેટ કોરોના વોરિયર’ નામે સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ  પુસ્તક અરવલ્લી જિલ્લાના  પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબને  પહોંચાડવાની જવાબદારી તેમણે  મને સોંપી  હતી. જ્યારે હું પોલીસ અધિક્ષકની કચેરીએ પુસ્તક ભેટ આપવા ગયો. મને એ તારીખ  બરોબર યાદ છે.  તારીખ હતી  ૧ લી  સપ્ટેમ્બર ૨૦૨૦.  આ પહેલાં ક્યારેય પોલીસ સ્ટેશન કે કોઈ પોલીસ ઓફિસરની ઓફિસમાં જવાનું થયું જ  નહોતું. ફિલ્મો અને ટી..વી. સીરીયલોમાં દર્શાવવામાં આવતા પોલીસ ઓફિસરના ચરિત્રો આધારે પોલીસ ઓફિસર બાબતે  મનોવલણ ઘડાયું હતું. એ જ  મનોવલણ સાથે પોલીસ અધિક્ષકની ઓફિસમાં હું દાખલ થયો.

   જિલ્લાપોલીસ અધિક્ષક સંજય ખરાત સાહબે ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો. સાથે લઈ ગયો હતો એ પુસ્તક ભેટ આપ્યું. સાહેબ સાથે અડધા કલાકથી વધુ સત્સંગ જામ્યો. એક IPS ઓફિસરનું સાહજિક  વર્તન અને ઉષ્માપૂર્ણ વ્યવહાર જોઈ મારા અચરજનો પાર ન રહ્યો. આ અમારી પહેલી મુલાકાતમાં  ફિલ્મો અને સીરીયલોએ વર્ષોથી ઘડેલાં પોલીસ ઓફિસર વિશેનાં મનોવલણો થોડી મિનિટોટોમાં બદલાઈ ગયાં. સાહેબનો સરળ અને શાલીન સ્વભાવ હૃદયને સ્પર્શી ગયો. એ પછી તો નિયમિત અમારી મુલાકાતો થતી રહી.  તેમને નજીકથી કામ કરતા નિહાળવાનો અવસર મળ્યો.

સંજય ખરાત સાહેબના  હકારાત્મક અભિગમથી જિલ્લાપોલીસની કાર્ય પદ્ધતિમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું. જિલ્લાપોલીસે આદરેલી કડક કાર્યવાહીથી ખૂંખાર ગુનેગારો અને અસામાજિક તત્ત્વો રીતસરના ફફડવા લાગ્યા. જિલ્લામાંબનેલા ચોરી, હત્યા અને  લૂંટના જટિલ કેસોને ગણતરીના દિવસોમાં ઉકેલી પ્રજાનો વિશ્વાસ જીતી લીધો.  ગુનાખોરીનો ગ્રાફ નીચે ઉતરતો ગયો. જિલ્લામાંસૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થયું.

ફિલ્મો અને સિરિયલો આધારે અનેક લોકો પોલીસ વિષે નકારાત્મક મનોવલણ ધરાવતા હોય છે. અને અખબારો અને સમાચાર ચેનલો દ્વારા પણ મોટાભાગે  નકારાત્મક સમાચારોને પ્રસારિત કરવામાં આવતા હોય છે. જેનાથી લોકોના મનમાં પોલીસ વિશે  ઘડાયેલું  નકારાત્મક મનોવલણ વધુ પ્રબળ બને છે. પરંતુ હકીકત એનાથી ઉલ્ટી હોય છે. રાત દિવસ ખડે પગે ઊંભા રહી પ્રજાની સુરક્ષા માટે પોલીસ ફરજ બજાવે છે. કુદરતી આપદા હોય કે કોરોના કાળ જેવી અન્ય કોઈ આફત પોલીસ પોતાની જાનની પરવા કર્યા  વિના  ઢાલ બનીને ઊભી રહી જાય છે. આવા કિસ્સાઓ જલ્દી પ્રકાશમાં નથી આવતા.  ખાખી એ માત્ર રંગ નથી પણ એક ઝનૂન છે. છેલ્લા ત્રણેક વર્ષથી પોલીસની કામગીરી  નિકટથી નિહાળી હું પ્રભાવિત થયો.   

અરવલ્લીની જાંબાઝ પોલીસે જાનના જોખમે પાર પાડેલા અનેક ઓપરેશનની સકસેસ સ્ટોરીઝ પુસ્તક રૂપે સમાજ સમક્ષ મૂકવાની મારી પ્રબળ ઇચ્છાનાં બીજ તો કયારનાય રોપાઈ ચૂક્યા હતા..  સંજય ખરાત સાહેબ પાસે  પુસ્તક પ્રગટ કરવાની અનુમતિ માંગી અને તેઓએ અનુમતિ આપી. પુસ્તક લેખન માટે જુદા જુદા કેસની વિગતો એકત્ર કરતો હતો એ દરમિયાન ધ્યાને આવ્યું કે ખૂંખાર ગુનેગારોને પકડવા પોલીસે કેવાં- કેવાં  જોખમો લેવાં પડતા હોય છે. અનેક જોખમોની વચ્ચે પણ પોલીસ ધાર્યું ઓપરેશન પાર પાડીને જ રહે છે. આવા અનેક દિલચસ્પ કિસ્સાઓ તમને આ પુસ્તકમાં વાંચવા મળશે.

રસપ્રદ અને જટિલ કેસ અરવલ્લી જિલ્લાપોલીસે અનેક પડકારોની વચ્ચે કેવી રીતે ઉકેલી નાખ્યા ? ચોતરફ દહેશત ફેલાવનાર ગેંગના ગુંડાઓને જેલના સળિયા પાછળ કેવી રીતે ધકેલી દીધા ? બેફામ બનેલા બુટલેગરોમાં ફફડાટ કેમ ફેલાયો ? આવા કિસ્સા જાણવા અને માણવા વાચકોને ગમશે જ.  સાથે સાથે મહિલા બૂટલેગરોને રચનાત્મક માર્ગે વાળવા પોલીસે કરેલા પ્રયત્નો, દારુણ ગરીબીમાં જીવવા મજબૂર બનેલા  બ્લાઈંડ આંતરરાષ્ટ્રીય  ક્રિકેટરના જીવનમાં જિલ્લાપોલીસે કેવી રીતે પ્રકાશ પાથર્યો ? પુસ્તકમાં પ્રગટ થયેલા આવા   જિલ્લા પોલીસના માનવીય અભિગમનાં  પ્રકરણો  વાચકોના હૃદયને ભાવવિભોર કરે છે.

આ પુસ્તકના પાયામાં સંજય ખરાત સાહેબનો માનવીય અભિગમ રહેલો છે. મારી કારકિર્દી દરમિયન અનેક અધિકારીઓને મળવાનું બન્યું છે. પરંતુ IPS કક્ષાની વ્યક્તિની વિનમ્રતા અને શાલીનતા સંજય ખરાતમાં જોવા મળી એ પહેલાં ક્યારેય કોઈ ખાતાના અધિકારીમાં જોવા મળી.

વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી  દેવેન્દ્ર પટેલ લખે છે કે  “હું મારા પત્રકારત્વની 55 વર્ષની કારકિર્દી દરમિયાન જે ઉચ્ચ પોલીસ અધિકારીઓથી પ્રભાવિત થયો છું. તેમાંનું એક નામ બહુ થોડા સમય માટે ગુજરાતના પોલીસ વડા તરીકે આવેલા સુપર કોપ જુલિયો રિબેરો છે એવા જ બીજા એક ગુજરાતના પોલીસ વડા ખંડવાવાલા હતા. અરવલ્લી જિલ્લાના  એસ. પી. સંજય ખરાત પણ એ જ શ્રેણીમાં આવે છે. જેમણે પોતાના વ્યવસાયને એક મિશન પણ બનાવી દીધું છે. સંજય ખરાત સાહેબ માટે એક જ વાક્યમાં લખવું હોય તો લખી શકાય કે, ‘સંજય ખરાત સાહેબ એક વર્સેટાઇલ પર્સનાલિટીછે. તેઓ આ ક્ષેત્રમાં આવવા માગતા યુવક-યુવતીઓ માટે અને બીજા પોલીસ અધિકારીઓ માટે એક રોલ મોડેલ પણ છે."

સખત મહેનત કરી ઉચ્ચ પદ પર તો પહોંચી શકાય છે. પરંતુ સફળતા  સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી જમીન સાથે જોડાઈ રહેવાનું કામ કપરું હોય છે. ઉચ્ચ પદ પર પહોંચ્યા પછી સ્વભાવમાં સરળતા જાળવી રાખવું એ ધારીએ છીએ એટલું સરળ નથી.

      Young and dynamic personality એવા I.P.S. ઑફિસર માનનીય_સંજય_ખરાત સાહેબે. શાલીન, સાહિત્યપ્રેમી અને ઉષ્માસભર વ્યક્તિત્વ એવા અરવલ્લી જિલ્લા પોલીસ વડા (S.P) માનનીય સંજય ખરાત સાહેબ એટલે હકારાત્મકતાથી ભર્યું ભર્યું મઘમઘતું વ્યક્તિત્વ ધરાવે છે..

    સંજય ખરાત સાહેબે અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે આશરે ત્રણ  વર્ષ પહેલાં ચાર્જ સંભળ્યો. ત્રણ  વર્ષના ટૂંકા ગાળામાં અરવલ્લી જિલ્લામાં તેઓએ જે કામ કરી બતાવ્યું છે તે ખરા અર્થમાં કાબિલેદાદ છે. તેઓના નેતૃત્વમાં અરવલ્લી જિલ્લા પોલીસના નામથી અસામાજિક તત્વો, બુટલેગરો અને ગુનેગારો રીતસરના ધ્રુજવા લાગ્યા. કેટલાય નામચીન બુટલેગરો આજે જેલના સળિયા પાછળ છે. કેટલાય જટિલ કેસોને કુનેહપૂર્વક ઊકેલ્યા છે. માત્ર બહારના જ ગુનેગારો નહીં પરંતુ ડિપાર્ટમેન્ટની અંદર રહેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરી સમસ્ત ગુજરાતના પોલીસ જગતમાં સંજય ખરાત સાહેબે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

               ગુનેગારો અસામાજિક તત્ત્વો  વિરુદ્ધમાં કડક હાથે કામ લેતા ખરાત સાહેબ ખરા અર્થમાં તો ઋજુ હૃદય ધરાવે છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટે તેઓની ઓફિસના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખ્યા. કોઈની પણ ઓળખાણ કે વગ વિનાના કોઈપણ ફરિયાદી નિઃસંકોચપણે પોતાની ફરિયાદ તેઓને કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કર્યું.. ફરિયાદીની ફરિયાદ સાંભળી તેના નિરાકરણ માટે દિલ રેડીને કામ કરવું એ તેમનો સ્વભાવ છે. તેઓની કાર્ય કરવાની પદ્ધતિ જ નોખી છે.

 કહેવાય છે ને કે જંગલમાં પણ સીધું ઝાડ પહેલું કપાય છે એ જ ન્યાયે ફરજ દરમિયાન અનેક  સંઘર્ષો આવ્યા. આવા  સમયે પણ ધીરજ જાળવી પોતાના કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરી પ્રજા માટે અવિરત કામ કરતા રહ્યા.  તેઓએ પ્રજાનો એવો  અપાર પ્રેમ પ્રાપ્ત કર્યો કે નાજુક સમયે જિલ્લાની સમસ્ત જનતા તેમની પડખે આવી ઊભી રહી. કોઈપણ અધિકારી માટે સમાજનો અપાર પ્રેમ એ જ સૌથી મોટો પુરસ્કાર છે. 

             સંજય ખરાત સાહેબ માનવીય અભિગમથી પોતાના કાર્યક્ષેત્ર સિવાય પણ અનેક સેવાકીય કર્યો કરતા રહે છે. લોકડાઉન દરમિયાન થેલેસેમીયાનાં  ભોગ બનેલાં બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરી ખાસ્સી એવી રક્તની બોટલ એકત્રિત કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.  આ ઉપરાંત તેઓ હંમેશા પ્રજાની સેવા માટે તત્પર રહે છે. અનેક કામોની વ્યસ્તતા વચ્ચે પણ તેઓની પાસે આવનારને શાંતિથી સાંભળી માત્ર સાંત્વના જ નથી આપતા પરંતુ બનતી તમામ મદદ કરે છે. પોલીસના વ્યવસાયમાં આમ તો સતત તણાવભરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એમ છતાં ખરાત સાહેબના મુખ પરનું સ્મિત ક્યારેય કરમાતું નથી. નાનામોટા સૌને સસ્મિત આવકારતા સંજય ખરાત સાહેબ ખરા અર્થમાં  હકારાત્મકથી ભર્યું ભર્યું ઉર્જાજાવાન  વ્યક્તિત્વ છે. સાચેજ જિલ્લાના પોલીસ વડા હોવા છતાં તેઓના સ્વભાવની સરળતા કોઈને પણ સ્પર્શી જાય તેવી છે.

 "કર્તવ્ય" પુસ્તક થકી સંજય ખરાત સાહેબના નેતૃત્વમાં અરવલ્લી જીલ્લા પોલીસની કામગીરી કર્તવ્ય પુસ્તક થકી શબ્દબદ્ધ કરવાનું સૌ ભાગ્ય મને પ્રાપ્ત થયું એનો આનંદ અને ગૌરવ છે.

      સંજય ખરાત સાહેબનું તાજતરમાં  પોસ્ટીંગ ગાંધીનગર ખાતે થયું છે. સાહેબ જ્યાં પણ જશે ત્યાં તેમની કાર્યોની સુવાસ પ્રસરવાની જ છે એમાં કોઈ બે મત નથી. અરવલ્લી જીલ્લાના પ્રજાજનોના હૃદયમાં સંજય ખરાત સાહેબનું સ્થાન ચીરકાળ સુધી હ્રદયસ્થ રહેશે.   સાહેબની આગામી સફર માટે અનેકાનેક શુભકામનાઓ. માન, શૈફાલી બરવાલ (IPS) અરવલ્લી જીલ્લાનાં પ્રથમ મહિલા પોલીસ અધિક્ષક પ્રાપ્ત થયાં છે. આ તબક્કે તેમનું પણ ઉષ્મા ભર્યું સ્વાગત !

    પુસ્તકની અપ્રતિમ સફળતાનો યશ હું માન. સંજય ખરાત સાહેબ અને અરવલ્લી જીલ્લા પોલીસની સમસ્ત ટીમે અર્પણ કરું છું. 

 ('કર્તવ્ય' પુસ્તક ખરીદવા 9825142620 whatsapp પર નામ સરનામું મોકલી બુકિંગ કરાવી શકો છે. મૂલ્ય : ૩૦૦ રૂપિયા ) 

-     ઈશ્વર પ્રજાપતિ

9825142620

 

 

2 comments:

  1. Excellent book I read it one shots
    Today I meet Ishwarbhai very nice and humble man
    Thanks for કર્તવ્ય

    ReplyDelete