સટરપટરની ઈશ્વર સંગાથે અવિસ્મરણીય અને અલૌકિક સુરેન્દ્રનગર યાત્રા ! - 1
આવળ, બાવળ અને બોરડીની નહીં પણ સાહિત્ય, શિક્ષણ અને સંવેદનાની ભૂમિ એટલે ઝાલાવાડ.
આ પત્રિકામાં
મહેમાનોની યાદીમાં ડૉ. મોતીભાઈ પટેલનું નામ જોઈ મને ચિંતા મિશ્રિત આશ્ચર્ય થયું કે
દાદા 87 વર્ષેની ઉંમરે આટલી લાંબી મુસાફરી કરી
સુરેન્દ્રનગર જશે ખરા ?? દાદાને કોઈ જ
પ્રશ્ન પૂછવાની મારી હિંમત ન ચાલી. પણ 12 જુલાઈએ મારા ફોનમાં દાદાનો મેસેજ ફ્લેશ થયો.
"રવિએ તારે શામળિયોરથી થઈ, રથ લઈને
સુરેન્દ્રનગર આવવાનો શામળિયાનો આદેશ."
આ બ્લોગ ચલાવવા આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .
દાદાનો મેસેજ
મને સમજાયો નહીં એટલે તરત ફોન જોડ્યો અને પૂછ્યું કે "દાદા મેસેજ કાંઈ સમજાયો
નહીં." તો દાદાએ તરત કહ્યું "ન સમજાય એવું શું છે એમાં ? તારે તારો રથ લઈ મારી સાથે સુરેન્દ્રનગર
અવવાવાનું છે."
દાદા સાથે
મુસાફરી કરવા મળે એ તો જીવનનું સદભાગ્ય જ કહેવાય પણ દાદાની વાત સાંભળી હું
વિમાસણમાં મુકાયો. મારો રથ એટલે કે મારી ગાડી અલ્ટો 800ની કેપેસિટી હું બરાબર જાણું. ટાયરની
બેરિંગ અને એક્સલમાંથી જુદા જુદા આવજો આવે. એમ જ કહો ને કે ગાડીમાં હોર્ન સિવાય
બધું વાગે ! બ્રેકના ઠેકાણાં નહિ, થોડા કિલોમીટર
ગાડી ચાલે ત્યાં હિટ પકડી લે. નાના અમથા ખાડા કે બમ્પ ઉપર ધડામ લઈને પછડાય. દાદા
માટે તો બિલકુલ આરામદાયક નહિ. અને બીજી પણ કેટલીય મર્યાદાઓ. આટલા લાંબા રૂટમાં
મારી ગાડી ન જ ચાલે એ હું સુપેરે જાણતો હતો. એટલે દાદાને મેં વિનંતી કરી કે દાદા
મારા મિત્રની કોઈ સારી ગાડી હું માંગી લઉં છું. આપણે મારા મિત્રની ગાડી લઈ જઈએ તો
કેવું ?? દાદા એ ઘસીને ના પાડી દીધી. અને કહ્યું
"સુરેન્દ્રનગર તારા જ રથમાં જવાનું છે. જવામાં હજી ત્રણ દિવસ વચ્ચે છે.
ગાડીને ગેરેજમાં મૂકી આવ અને તૈયાર કરાવી દે."
મારા માટે
ધર્મ સંકટ હતું. એ દિવસે સવારે જ ગાડીને ગેરેજમાં મૂકી દીધી. ગેરેજ વાળાને સમજવાતો
રહ્યો કે "ભાઈ ગાડી અપ ટૂ ડેટ કરી નાખજો. લાંબી મુસાફરીમાં ગાડી અટકી ન પડે
એનું ધ્યાન રાખજો. સાંજે ગાડી તૈયાર હતી. લઈને બીજા દિવસે શાળાએ જવા નીકળ્યો ત્યાં
ટાયરમાંથી અવાજ આવવાનો ચાલુ થયો. સાંજે ફરી ગાડી લઈ હું ગેરેજ ગયો. ફરી ગાડી ખોલી
અને રીપેર કરી.
આમારી યાત્રા
સુખરૂપ પૂર્ણ થાય એ માટે શામળિયાને પ્રાર્થી રહ્યો. રવિવારે સવારે સુરેન્દ્રનગર
મોડામાં મોડું 11:00 કલાકે
પહોંચવાનું હતું અમદાવાદથી દાદાના નિવાસેથી તેમેને લઈ સવારે 8:00 કલાકે નીકળવાનું
નક્કી કર્યું.
એટલે હું શનિવારે જ નરોડા પહોંચી ગયો. 16 જુલાઈ રવિવારે સવારે વહેલા ઉઠી ગાડી સાફ
કરી અને ગાડી ગરમ ન થાય એ માટે રેડિયેટરમાં પાણી ભરી દીધું. રથ હવે યાત્રા માટે
સજ્જ હતો. સવારે 7 :15 કલાકે નરોડાથી
યાત્રાનો આરંભ થયો. બરાબર 7:45 કલાકે દાદાના
નિવાસે પહોંચી ગયો. દાદા ખાદીના શ્વેત વસ્ત્રોમાં સજ્જ હતા. દાદાનો સમાન ગાડીમાં
ગોઠવ્યો. દાદા રથમાં આરૂઢ થયા. આમારી યાત્રાનો હવે સાચા અર્થમાં આરંભ થયો.
સારથી ભલે હું
હતો પણ દિશા નિર્દેશ દાદા કરતા હતા. અમદાવાદના રસ્તાઓ બાબતે દાદાનું જ્ઞાન અચરજ
પમાડે તેવું છે. અમદાવાદ શહેરમાં ઓવર બ્રીજ આવે એટલે ગૂગલ પણ ગોથે ચડે. ત્યારે
દાદા તેમની લાક્ષણિક અદામાં કહેતા "તારો નકશો બંધ કર. હું કહું તેમ લઈ
લે." દાદાના દિશા સુચને જ સુરેન્દ્રનગર જવા માટે સાણંદના રસ્તે ચડ્યા.
મોતીદાદા
સુરેન્દ્રનગરની બી. એડ. કોલેજના પ્રિન્સિપાલ હતા. નિવૃત્તિ પછી પણ તેઓ
સુરેન્દ્રનગર ઘણા વર્ષો રહ્યા. દાદાએ જીવનના મહત્વપૂર્ણ 27 વર્ષ સુરેન્દ્રનગર પસાર કર્યા છે. આઠ વર્ષ
પછી દાદા કર્મભૂમિની ખબર કાઢવા દાદા નીકળ્યા હતા. ઝાલાવાડની ભૂમિને દાદા હૃદયના
ઊંડાણેથી ચાહી છે. સુરેન્દ્રનગરની ભૂમિનું ગજબનું ખેંચાણ જ દાદાને 87 વર્ષની ઉંમરે અહીં આવવા મજબૂર કર્યા હતા. કોઈ
સ્ત્રીને પિયર જવાનો જેટલો હરખ હોય એટલો હરખ દાદાના ઉરે ઉભરાતો હતો.
દાદાની આંખોમાં અનોખી ચમક ઉતરી આવી હતી. રસ્તે જતા
એક એક ગામની ભૂગોળ અને ઇતિહાસ દાદા વર્ણવે જતા હતા. માડી એટલે કે રંજનબેન સાથે આ
રસ્તા પરથી પસાર થયાના કેટકેટલાય મધુર સંસ્મરણો દાદાએ તાજાં કર્યા.
રસ્તાની બંને
તરફ વરસાદ પડ્યા પછી છલોછલ પાણીથી ભરાયેલા તળાવો, ખેતરો અને ચોતરફ ફેલાયેલી હરિયાળીનાં દૃશ્યો
નયનરમ્ય હતાં. દાદા આ વિસ્તારની આબોહવા અને ભૂગોળની ખાસિયતો જણાવે જતા હતા. આ
વિસ્તાર વિશે મને બધું જ જણાવી દેવાનો દાદાનો ઉમળકો મને આનંદ આપતો હતો. નયનરમ્ય નજારો
જોતાં, દાદાનાં સ્મરણો સાંભળતાં યાત્રા આગળ વધી
રહી હતી.
સમયસર વિરમગામ વટાવી દીધું. આગળ વિઠલાપર આવ્યું.
અને ગાડીના એ. સી.એ ગરમ પવન ફેંકવાનું શરૂ કર્યું. મને જે ભીતિ હતી એ જ થવા જઈ
રહ્યાનો મને તો અણસાર આવી જ ગયો. દાદા એ પૂછ્યું પણ ખરું "ઈશું, એ.સી. કેમ ગરમ પવન ફેંકે છે? " ગાડી હિટ પકડી
રહી હતી. ગાડી હિટ પકડ્યાની લાલ લાઈટ પણ ઇન્ડિકેટ થઈ રહી. દાદાને કહ્યું
"દાદા હવે સુરેન્દ્રનગર સમયસર પહોંચવું મુશ્કેલ છે. ગાડીએ હિટ પકડી લીધી છે.
હવે ઠંડી પડે અને રેડિયેટરમાં પાણી નાખીએ પછી ગાડી આગળ જશે"
ગાડી જ્યાં
ઊભી હતી એ નિર્જન વિસ્તાર હતો. ત્યાં ક્યાંયથી પાણી પણ મળે તેમ ન હતું. દાદાને
કાર્યક્રમમાં સમયસર પહોંચાડવાની મને ચિંતા હતી. પણ દાદા નિશ્ચિન્ત જણાતા હતા. દાદા
કહેતા શામળિયાએ ધાર્યું હશે એમ જ થશે.
ગાડી ઉભી હતી ત્યાંથી 100 મીટર દૂર રસ્તાની ધાર પર એક ઓરડી જેવું દેખાતું
હતું. ગાડી ચાલુ કરી ત્યાં સુધી લઈ જવાનું સાહસ કર્યું. ઓરડીની બાજુમાં એક વૃદ્ધ
દાદા ખાટલો ઢાળી બેઠા હતા. ગાડીમાંથી ઉતરી હું ઓરડી પાસે ગયો. ત્યાં બે-ચાર ડોલ
પાણી ભરેલું હતું. ગાડી થોડી ઠંડી પડે એટલે પાણી રેડિયેટરમાં નાંખી લઉં. એટલી
વારમાં દાદા એ સુરેન્દ્રનગર ફોન કરી જાણ કરી કે અમારી ગાડી બગડી છે. આવતાં થોડું
મોડું થશે. સુરેન્દ્રનગરથી પ્રોફેસર પાર્થ આચાર્ય તાબડતોબ એમની ગાડી લઈ દાદાને
સામા લેવા આવવા નીકળી પડ્યા.
ગાડી થોડી
ઠંડી પડી એટલે રેડિયેટરમાં પાણી નાખ્યું. દાદાએ સો રૂપિયા કાઢી મને આપ્યા અને
કહ્યું “વાડીમાં પેલા
વૃદ્ધ વડીલ બેઠા છે એમને આપી આવ.” હું પૈસા
આપવા ગયો. ત્યાં અંદર ગયો, જોયું તો છત
નીચે વિષ્ણુ અવતારી રામપીરનું મંદિર હતું. મંદિરમાં જઈ દર્શન કર્યા. શામળિયાની અકળ
લીલા નિહાળી હું આવક હતો. દાદાને કહ્યું દાદા શામળિયો તો શામળિયો જ છે. ક્યાં અને
કયા રૂપે પ્રગટ થાય કશું જ કહેવાય નહીં ! અમારી ગાડી આ જ જગ્યાએ કેમ બંધ પડી હશે ? એનો સંકેત હું અને દાદા સમજી ગયા.
એ પછી ગાડી
ઉપડી એ ઉપડી ક્યાંય અટકી નહિ. પ્રોફેસર પાર્થ આચાર્ય દાદાને લેવા માટે લખતર સુધી
પહોંચી ગયા હતા. તેમણે દાદાને તેમની કારમાં બેસવા વિનંતી કરી. પણ દાદાએ કહ્યું
"ના, હું આ રથમાં જ બેસીસ. તમે આગળ ધીમે ધીમે
જવા જવાદો."
બરાબર 11:00 કલાકે
સુરેન્દ્રનગરમાં અમે પહોંચી ગયા. આદરણીય ડી. વી. શાહ સાહેબ તેમના નિવાસસ્થાને આમરી
રાહ જોતા બેઠા હતા. આમારી ગાડી તેમના દરવાજે પહોંચતાં જ દાદાને આવકારવા તેઓ બહાર
દોડી આવ્યા. તેમના ભવ્ય નિવાસસ્થાને આમરો ઉતારો હતો. ફ્રેશ થઈ ઝડપથી શબ્દલોક ભવન
જ્યાં કાર્યક્રમમાં દાદાની રાહ જોવાઇ રહી હતી ત્યાં પહોંચ્યા.
સભાખંડના
પ્રવેશદ્વાર પર ઢોલના નાદથી દાદાનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યું.
કવિઓ, સાહિત્યકારો, અને સાહિત્યપ્રેમીઓથી સભાખંડ ચિક્કાર ભરાઈ ગયો
હતો. અમારા રથે સર્જેલી ક્ષતિના કારણે કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં થોડો મોડો
શરૂ થયો. એમ છતાં સૌ ભાવકો ધીરજ અચરજ પમાડે તેવી હતી. સાહિત્યના કાર્યક્રમમાં આવું
શિસ્તબદ્ધ ભાવકો આજના સમયે ભાગ્યે જ જોવા મળે ! આ તો ઝાલાવાડનું સુરેન્દ્રનગર !
કવિશ્વર દલપતરામની ભૂમિ ! સાહિત્યપ્રેમ આ ભૂમિપુત્રોને વરસમાં મળ્યો છે.
વઢવાણના
લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મોતીદાદા, જેઓની ઉદાર સખાવતથી વાંચનલય વતાનુકૂલિત બન્યું છે
એવા આ પંથકના ભામાશા શ્રી. ડી વી. શાહ સાહેબ, સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ સેવક (સાચા
અર્થમાં સેવક ) અને શબ્દલોકના શ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય, જાણીતા કવિ અને કોલમિસ્ટ એસ.એસ. રાહી, કવિશ્વર દલપતરામ એવોર્ડથી જેઓનું સન્માન
થવાનું હતું તેવા કવિ શ્રી દિલીપ જોશી, શબ્દ લોકના ઉપપ્રમુખ ચંદ્રકાન્ત વ્યાસ જેવા
મહાનુભાવોથી મંચ શોભી રહ્યું હતું. દીપ પ્રાગટયથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવમાં
આવી. સુપ્રસિદ્ધ ગાયિકા હેમાંગીબેન રાવલના મધુર કંઠે પ્રાર્થના પ્રસ્તુત કરવામાં
આવી.
કાર્યક્રમમાં
વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક માન. જગદીશભાઈ મકવાણા
સાહેબ વ્યસ્તતા વચ્ચે પણ ખાસ ઉપસ્થિત રહ્યા, એટલુંજ નહિ પરંતુ કોઈ સર્જકને શરમાવે તેવું મનનીય
પ્રવચન પણ તેમને આપ્યું. તેમના પ્રવચનમાં તેમનો સાહિત્ય પ્રત્યેની પ્રીતિનાં દર્શન
થતાં હતાં. રાજકારણ સાથે જોડાયેલી એક વ્યક્તિ આવું સાહિત્યિક પ્રવચન કરે એ ગુજરાતે
ગૌરવ લેવા જેવી બાબત છે. તેમના સ્વભાવની વિનમ્રતા હૃદયસ્પર્શી હતી.
એસ. એસ. રાહી એ દિલીપ જોશીના સાહિત્ય સર્જન વિશે કેફિયત
પ્રસ્તુત કરી અને કેટલાક કાવ્યોનો આસ્વાદ કરાવ્યો હતો. મંચસ્થ મહાનુભાવોના હાથે કવિ દિલીપ જોશીને
કવિશ્વર દલપતરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
આખા
કાર્યક્રમમાં મોતીદાદાનું વ્યાખ્યાન કેન્દ્ર સ્થાને રહ્યું. 15 મિનિટના ટૂંકા પ્રવચનમાં દાદા મન મૂકીને
ખીલ્યા હતા. દાદાએ શબ્દલોક સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. સાથે સાથે કોઈનીય સડાબારી રાખ્યા વિના દાદાએ સ્વભાવગત કેટલાક
વિઘ્નસંતોષીઓને માર્મિક ટકોર કરતાં ચાબખ્યા હતા. દાદાને જે કહેવું હોય એ કોઈનીય
શેહશરમ રાખ્યા વિના મંચ પરથી જાહેરમાં જ કહી નાખવાની સ્ટાઇલ આજે પણ બરકરાર રાખી છે.
કાર્યક્રમની
આભારવિધિ કલાના કસબી અને કર્મઠ આચાર્ય ડૉ. નરેન્દ્રભાઈ રાવલ દ્વારા કાર્યક્રમની
આભારવિધિ કરવામાં આવી. આખા કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. બળવંત વ્યાસે કર્યું હતું. કર્યક્રમ પૂર્ણ થતાં જ દાદાના ચાહકો દાદાના ફરતે
વીંટળાઈ વળ્યાં. આ બધા જ દાદાની એક ઝલક માટે આતુર બન્યાં હતા. વર્ષો પછી દાદા
બધાને મળતા હતા એમ છતાં બધાને દાદા નામથી બોલવાતા. તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ
નિવૃત્ત થઈ ગયા છે. દાદાએ વિદ્યાર્થીઓના પરિવારજનોને પણ નામથી ઓળખે ! આ દૃશ્ય જોઈ
મનમાં એક સવાલ ઊઠે કે નિવૃત થયાના દાયકાઓ પછી પણ શિષ્યોના પરિવાર સાથે આત્મીય
ઘરોબો ધરાવતા હોય એવા ગુરુજનો આજના સમયમાં કેટલા ???
દાદાએ
સુરેન્દ્રનગરમાં કેટકેટલા સંબંધોનું વાવેતર કર્યું છે એ તો અહીં સર્જાયેલાં દૃશ્યો
નિહાળો તો જ સમજાય. એક તો દાદાનો સ્વભાવ આકરો ને બીજું તેઓ આખા બોલા. દાદાના સ્વભાવથી પરિચિત ન હોય તો
દાદા બોલે તો ચોક્કસ માઠું જ લાગે ! પણ જેઓ દાદાના સ્વભાવને જાણે છે તેઓ ને ખબર છે
દાદા શ્રીફળ જેવા છે. ઉપર થી કઠણ અને અંદરથી સાવ મુલાયમ.
કાર્યક્રમ બાદ
સૌ રોટરી કલબના ભવનમાં ભોજન માટે ગયા. ભોજનની સુંદર વ્યવસ્થા હતી. મારે
ચાતુર્માસના ઉપવાસ હતા એટલે એકટાણું સાંજે કરવાનું હતું. દાદાને ડાઇનિંગ પર બેસાડી
જમાડ્યા. જમીને પાછા અમારા ઉતારે ડી.વી. શાહ સાહેબના બંગલા પર પહોંચ્યા.
અઢી-ત્રણ વાગી
ચુક્યા હતા. ચાર વાગે રતનપરમાં આવેલી દર્શન વિદ્યાલયમાં દાદા સાથે ગોષ્ઠીનો એક
કાર્યક્રમ ગોઠવ્યો હતો. દાદાએ 15 મિનિટ આરામ કરી દર્શન વિદ્યાલયમાં જવા
તૈયાર થઈ ગયા. અમે દર્શન વિદ્યાલય પહોંચ્યા. ત્યાં દાદાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
અને બીજા એમના કેટલાક ચાહકો આવી ગયા હતા. પરંતુ આ બધામાં એક વ્યક્તિએ મારુ વિશેષ
ધ્યાન ખેંચ્યું. દર્શન વિદ્યાલયના દરવાજે એક યુવાન દાદાના આવવાની રાહ જોતો ઊભો
હતો. દાદાને જોતાં જ યુવાને ચરણસ્પર્શ કર્યા. અને દાદાને કહ્યું "દાદા મને
ઓળખ્યો ? " દાદા એના ચહેરાને
ધારીને જોઈ રહ્યા. યુવાને ઓળખ આપતાં કહ્યું "દાદા, નાનો હતો ત્યારે તમારા ઘેર દૂધ આપવા હું
આવતો. તમારા અને માડીના ખોળામાં ખૂબ રમ્યો છું."
દાદાએ એના માથે હાથ ફેરવ્યો અને કહ્યું "અરે !
કેટલો મોટો થઈ ગયો. શું કરે છે અત્યારે ?" યુવાને કહ્યું દાદા અત્યારે પાણીપુરીની લારી કરી
છે અને સારું એવું કમાઈ લઉં છું."
એક દૂધવાળાનો
દીકરો આટલા વર્ષે દાદાના વહાલને વિસરી શક્યો નથી. દાદાના આવવાના સમાચાર ક્યાંયથી
જાણી દાદાને મળવા દોડી આવ્યો. એક નાના માણસના દિલમાં સ્થાન પોમવું આ ઉપલબ્ધી કોઈ
રાષ્ટ્રીય પુરસ્કારથી કમ છે ???
દર્શન
વિદ્યાલયના સંચાલક મહેશભાઈ કાનાની ઓફિસમાં ગોષ્ઠિ જામી. શાળાના સંચાલક મહેશભાઇ એ
કહ્યું કે "હું દાદાનો વિદ્યાર્થી નથી પણ એમના કોલેજ કેમ્પસમાં પીટીસી કર્યું
છે એમની વાછટથી ભીંજાયો છું." મહેશભાઈ એક સાહસિક સંચાલક છે. પરિવારની
પરિસ્થિતિ સાવ સાધારણ ! વિદ્યાર્થીકાળ દરમિયાન શાળામાં વેકેશન હોય ત્યારે મજૂરી
કરે. ભણવમાં તેજસ્વી પ્રાથમિક શિક્ષક બન્યા. માણસ હોશિયાર એટલે શિક્ષક બની બેસી ન
રહ્યો. કોઠાસૂઝ બળે પોતાની જ શાળા ઉભી કરી દીધી. શિક્ષક તરીકે રાજીનામું આપી
દીધું. કોઈ યુનિવર્સિટીને શરમાવે એવડું મોટું કેમ્પસ ઉભું કર્યું છે. તેમની ઓફીસમાં ગોષ્ઠી જામી.
વર્ષો પછી સૌ
દાદાને મળી રહ્યા હતા. સૌએ પોતાનો પરિચય આપ્યો. દાદા સાથેના સ્મરણો વાગોળ્યા.
દાદાએ પણ આ સૌ સાથેની મધુર યાદો તાજી કરી. વાતો વાતોમાં ત્રણ કલાક ક્યાં પસાર થયા
એનો ખ્યાલ જ ન રહ્યો. ડી.વી.શાહ સાહેબને ત્યાં સાંજના સાત વાગે જમવા પહોંચવાનું
હતું પણ સાત તો દર્શન વિદ્યાલય માં જ વાગવા આવ્યા. બધાનો આગ્રહ પણ એવો કે દાદા
એમના દરેકના ઘેર ચા-પાણી કરવા પધારે. પરંતુ સમયના અભાવે એ શક્ય નહતું.
ડૉ.
નરેન્દ્રભાઈ રાવલના પ્રેમાગ્રહને વશ થઈ તેમના ઘેર ચા પીવા જવાનું નક્કી થયું. ડૉ.
નરેન્દ્રભાઈ રાવલ કલાનો જીવ ! તેમનાં પત્ની હેમાંગીબેન એક ઉત્તમ ગાયિકા. આ દંપતિ એ
ઘરને સરસ્વતીનું મંદિર જ બનાવી દીધું છે. ડૉ. નરેન્દ્રભાઈ રાવલે નાટક, નૃત્ય, ગીત સંગીતના ઘણા સફળ પ્રોજકટ કરેલા છે. પણ આ
બધામાં તેમને સૌથી વધુ યશ અપાવ્યો હોય તો એ છે સિંહ ચાલીસા. હા, આ માણસે ગીર ના જંગલો ખૂંદી સિંહ દર્શન કરી
સિંહની ક્રીડાઓ નિહાળી અદભુત સિંહ ચાલીસાનું નિર્માણ કર્યું છે. જેને સંત શિરોમણી
મોરારીબાપુ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ વખાણી છે. ડૉ.
નરેન્દ્રભાઈ રાવલને ત્યાં ચા પીતાં પીતાં સિંહ ચાલીસા અને તેમની બીજી રચનાઓ માણી.
આ માણસની મથામણ જોઈ આફરીન થઈ જવાય છે.
સાત વાગે જમવા
જવાનું હતું તેના સ્થાને હવે પોણા આઠ વાગી ચુક્યા હતા. ડી. વી. શાહ સાહેબના ઘેર
પહોંચ્યા. ત્યાં આખો પરિવાર આમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. જમવામાં સાદું જૈન
મેનુ તૈયાર હતું. મૈસુર, શાક ભાખરી, વેજીટેબલ ખીચડી અને કઢી. ટેસથી જમ્યા.
જમ્યા બાદ દાદા લિખિત કેટલાંક પુસ્તકો શાહ સાહેબને ભેટ આપ્યાં. સાથે મારાં પુસ્તકો
પણ શાહ સાહેબને ભેટ આપ્યાં. રાત્રીના દસ વાગ્યા સુધી શાહ સાહેબ અને તેમના સાળા
અશ્વિનભાઈ સાથે ગોષ્ઠી ચાલી. રાત્રે દસ વાગે શયનખંડમાં નિદ્રાદેવીના શરણે ગયા.
(ક્રમશઃ )
ભાગ - 2 વાંચવા અહીં ક્લિક કરો.
No comments:
Post a Comment