Sunday, January 29, 2023

સન્ડે સ્પેશિયલ

 સમાજ તમારા કાર્યની ઉપેક્ષા કરે તો ફિકર કરતા  નહીં, આ સમાજે એક સમયે મહાત્માને પણ નાતબહાર મૂક્યા હતા. 


 

       30 મી જાન્યુઆરી એટલે કે ગાંધીજીનો નિર્વાણ દિન છે. બાળવયે ડરપોક અને  શરમાળ પ્રકૃતિ ધરાવતી એક વ્યક્તિ આગળ જતાં સત્ય અને અહિંસાના બળે દેશની આઝાદીના જ્યોતિર્ધર બની.. ગાંધી એ કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક વિચારક્રાંતિનું નામ છે. આજે દુનિયાના કોઈપણ દેશનું  એવું મોટું શહેર શોધવું મુશ્કેલ છે જ્યાં એમ.કે. ગાંધીના નામે રોડ કે સ્મારક ન હોય !

        વિરલ વ્યક્તિના જીવનના નિર્ણયો પણ ક્રાંતિકારી હોય છે. જેને સંકુચિત સમાજ  સાંખી શકતો નથી. આવા લોકો સમાજની ટીકાઓની અવહેલના કરીને મક્કમતાથી આગળ વધતા હોય છે.  અને છેવટે દુનિયા તેઓની જયજયકાર કરતી હોય છે. આનું ઉત્તમ દૃષ્ટાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે. જેઓને પણ એક સમયે  સમાજે  નાત બહાર મુક્યા હતા. તેમને નાતબહાર મુકવાનો પ્રસંગ તેમની આત્મકથા  “સત્યના પ્રયોગો”માં  આલેખ્યો  છે. 

      ગાંધીજી લખે છે: માતાની આજ્ઞા અને તેના આશીર્વાદ લઈ થોડા માસનુ બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઈ પહોંચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોએ ભાઈને કહ્યુ કે,   જૂન - જુલાઇમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે ને મારી આ પહેલી જ દરિયની  સફર હોવાથી  મને દિવાળીબાદ એટલે  બાદમાં નવેમ્બર  માસમાં મોકલવો જોઈએ. વળી કોઈએ તોફનમં કોઈક આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઈ અકળાયા. તેમણે એમ જોખમ ખેડીને  મને તુરત મોકલવાની ના પાડી અને મને મુંબાઈમાં મિત્રને ત્યાં પાછા પોતાની નોકરીએ ચડવા રાજકોટ  ગયા. એક બનેવીની પાસે પૈસા મુકતા ગયા ને મને મદદ કરવાની કેટલાક મિત્રોને ભલામણ કરતા ગયા.

            મુંબઈમાં મારા દિવસો લાંબા થઈ પડ્યા.. મને વિલાયતના જ સપના આવે. દરમિયાન  સમગ્ર નાતમાં ખળભળાટ ઊઠ્યો. નાત બોલાવવામાં આવી. મોઢ વાણીયો  કોઈ હજુ સુધી વિલાયત નહોતો ગયો, અને હું જાઉં તો મારી હાજરી લેવાવી જોઈએ ! મને નાતની વાડીમાં હાજર રહેવા  ફરમાવવામાં આવ્યું. હું ગયો. મને ખબર નથી કે મને એકાએક હિમ્મત ક્યાંથી આવી. મને હાજર રહેતા ન સંકોચ થયો, ન ડર લાગ્યો.  નાતના શેઠની સાથે કાઇંક છેટેની સગાઇ પણ હતી. પિતાની સાથે તેમનો  સંબંધ સારો હતો. તેમણે મને કહ્યું.:

   'નાત ધારે છે કે  તે વિલાયત જવાનો વિચાર કર્યો તે બરાબર નથી. આપણા ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ છે. વળી  વિલાયતમાં ધર્મ ન સચવાય એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકોની  સાથે ખાવુંપીવું પડે છે" મે  જવાબ આપ્યો, :

        'મને તો લાગે છે કે વિલાયત જવામાં મુદ્દલ અધર્મ નથી. મારે તો ત્યાં જઈને ને વિદ્યાભ્યાસ જ કરવાનો છે. વળી  જે વસ્તુઓનો આપને ભય છે તેનાથી દૂર રહેવાની મે  મારી માતુશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી છે. એટલે હું તેથી દૂર રહી શકીશ.'
        'પણ અમે તને કહીએ છીએ કે ત્યાં ધર્મ ન જ સચવાય. તુ જાણેછે કે તારા પિતા શ્રીની સાથે મારે કેવો સંબંધ હતો. તારે મારું કહેવું માનવું જોઈએ.શેઠ બોલ્યા.

      આપની સાથેના  સંબંધની મને ખબર છે. આપ વડીલ સમાન છો. પણ આ બાબતમાં હું લાચાર છું. મારો વિલાયત જવાનો નિશ્ચય હું નહીં ફેરવી શકું. મારા પિતાશ્રીના મિત્ર અને સલાકાર જે વિદ્વાન બ્રાહ્મણ છે  તેઓ માને છે કે મારા વિલાયત જવામાં કશો દોષ નથી. મારા માતુશ્રી અને મારા ભાઈની આજ્ઞા પણ મને મળી છે.મે જવાબ આપ્યો.,

  ‘પણ નાતનો હુકમ તું નહિ ઉઠાવે?

           ' હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ

        આ જવાબથી શેઠને રોષ ચડ્યો. મને બેચાર સંભળાવી. હું સ્વસ્થ બેસી રહ્યો.શેઠે હુકમ કર્યો.:

          'આ છોકરાને આજથી નાતબહાર ગણવામાં આવશે. જે કોઈ પણ તેને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશેને તેનો  સવા રૂપિયો દંડ થશે'

       મારા ઉપર આ ઠરાવની કંઈ અસર ન થઈ. મે શેઠની રજા લીધી.  આ ઠરાવની અસર મારા ભાઈ ઉપર કેવી થશે તે વિચારવનું હતું. તે ડરી જશે તો સદ્ભાગ્ય તે દ્રુઢ રહ્યા. ને મને લખી વાળ્યું કેનાતના ઠરાવ છતાં પોતે મને વિલાયત જતાં નહીં અટકાવે. 

       આ બનાવ પછી હું વધારે અધીરો બન્યો. ભાઈના ઉપર દબાણ થશે તો? વળી કંઈ બીજું વિઘ્ન આવશે તો આમ ચિંતામાં હું દિવસ ગુજારતો હતો. તેવામાં ખબર  સાંભળ્યા કે૪ થી સપ્ટેમ્બરે ઉપડનારી  સ્ટિમરમાં જૂનાગઢના એક વકીલ બારિસ્ટર થવા સારું વિલાયત જવાના છે. જે મિત્રોને મોટા ભાઈએ મારા વિશે ભલામણ કરી હતી  તેમને હું મળ્યો. તેમણે પણ આ સથવારો ન ચુકવો એમ સલાહ આપી.

        સમય બહુ થોડો હતો. ભાઈને તાર કર્યો ને મેં જવાની રજા માંગી. તેમણે રજા  આપી. મે બનેવીની પાસેથી પૈસા માંગ્યા. તેમણે નાતના હુકમની વાત કરી. નાત બહાર થવું તેમને ન પરવડે. કુટુંબના એક મિત્ર  પાસે હું પહોંચ્યો  અને મને  ભાડા વગેરેને સારુ જોઈતા પૈસા આપી ભાઈ પાસેથી તે મેળવી લેવા  વિનંતી કરી. આ મિત્રે તેમ કરવા કબૂલ કર્યુંએટલું જ નહિ પણ મને હિંમત આપી.  મેં તેમનો   આભાર માન્યોપૈસા લીધ, ને ટિકિટ કઢાવી.

        વિલાયતની મુસફરીનો બધો સામાન તૈયાર કરાવવાનો હતો. એક બીજા અનુભવી મિત્ર હતા તેમણે પણ સામાન તૈયાર કરાવ્યો. મને બધુ વિચિત્ર લાગ્યું. કેટલુક ગમ્યું, કેટૅલુંક મુદ્દલ ન ગમ્યું. નેકટાઈ જે પાછળથી હું શોખે પહેરતો થઈ ગયો હતો તે તો જરાયે ન ગમે. ટૂંકુ જાકીટ નાગો પોશાક લાગ્યો.

    પણ વિલાયત જવાના શોખ આગળ આવો અણગમો કંઈ જ વસ્તુ નહોતી. સાથે ભાતું પણ ઠીક બાંધ્યું હતું.

   મારી જગ્યા પણ મિત્રોએ ત્રંબકરાય મજમુદાર (જે પેલા જૂનાગઢવાળા વકિલનું નામ હતું)ની કોટડીમાં જ રોકી. તેમને મારા વિશે ભલામણ કરી. તે તો પુખ્ત ઉંમરના   અનુભવી ગ્રુહસ્થ હતા. હું અઢાર  વર્ષનો દુનિયાના અનુભવ વિનાનો જુવાનિયો હતો. મજમુદારે મારી ફિકર ન કરવા મિત્રોને કહ્યું.

          આમ ૧૮૮૮ ના સપ્ટેમ્બરની ૪ થી તારીખે મેં મુંબઈનું બંદર છોડ્યું." ગાંધીજી વાત અહીં પૂરી કરે છે.

         વિલાયત ગયા તે મોહન હતા અને વિલાયતથી પરત ફર્યા તે મહાત્મા હતા. ગાંધીજીની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ !  

-ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

Saturday, January 21, 2023

સન્ડે સ્પેશિયલ

 જ્યારે એકસાથે ૪૦૦ જેટલાં વિમાનોએ ઈરાક પર ચઢાઈ કરી અને બગદાદને ધ્રૂજવી મૂક્યું . : ગોલ્ફવોર 199

   યુદ્ધ એક ઉન્માદ છે. માનવીના દિમાગ પર સવાર હોય ત્યારે એને રોકી શકાતું નથી. આખી દુનિયા રશિયા- યુક્રેન યુદ્ધના ઉન્માદ વચ્ચે મોતનું તાંડવ મૂક સાક્ષી બની નિહાળી રહી છે. ટેકનોલોજીના સહારે આજે ડ્રોઈંગ રૂમમાં બેસીને ટેલિવિઝનના પડદે લાઈવ વોર નિહાળી શકાય છે. પાછલા દાયકા ઓમાં જે કોઈ યુદ્ધો ખેલાયા છે એમાં સૌથી નોંધનીય યુદ્ધ 1991ની સાલનું "ગોલ્ફવોર" રહ્યું છે.

       આજથી ત્રણ દાયકા પહેલાં 1991માં અમેરિકા અને ઇરાક વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું હતું. અમેરિકાના પ્રેસિડેન્ટ બુશ અને ઇરાકના સર્વેસર્વા સદ્દામ હુસેન આમને સામને હતા. એ સમયે ટેકનોલોજી આજના જેટલી પાવરફુલ નોહતી કે માહિતીના સંસાધનો પણ પુરતાં ઉપલબ્ધ નોહતા. એવા સમયે પત્રકાર દેવેન્દ્ર પટેલે આખા યુદ્ધનો રોજે રોજનો અહેવાલ ચિત્રાત્મક શબ્દોમાં "રેગીસ્તાનમાં આંધી" શિર્ષક હેઠળ પ્રગટ થયા. યુદ્ધની શરૂઆતથી અંત સુધીનું આ જબરજસ્ત કવરેજ એટલું દમદાર હતું કે લોકો આજે પણ એ કાવરેજની કોલમને ભૂલી શક્યા નથી. નિયમિત ચાલેલી કોલમ "ગોલ્ફ વોર" પુસ્તક રૂપે પ્રગટ થઈ. આ યુદ્ધની શરૂઆતનું  દિલધડક પ્રકરણ અહીં અક્ષરશઃ પ્રસ્તુત છે.

         "તા . ૧૮-૧-૧૯૯૧ 

        આખરે અખાતમાં આગ લાગી જ ગઈ છે. ૧૫ મી જાન્યુઆરીની મહેતલ વીતી ગયા બાદ પણ ઈરાકે કુવૈત ખાલી ના કરતાં અપેક્ષા મુજબ જ થોડા કલાકોના તનાવપૂર્ણ અજંપા બાદ અમેરિકા અને સાથી દળોએ ગઈ મધરાત વીતી ગયા બાદ ઈરાકીઓ પાછલી રાતની મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે પરોઢે ૩-૪૦ વાગ્યે આખાયે ઈરાકને હચમચાવી મૂક્યું હતું. એકસાથે ૪૦૦ જેટલાં વિમાનોએ ઈરાક પર ચઢાઈ કરી હતી અને બગદાદને ધ્રૂજવી મૂક્યું હતું. આજે અમેરિકા, બ્રિટન, કુવૈત તથા સાઉદી અરેબિયાનાં વિમાનોએ એકસાથે પ્રથમ હવાઈહુમલામાં ભાગ લીધો હતો. 
        આકાશને ગજવી મૂકતા આ પ્રથમ પ્રહાર દરમિયાન ૬૭ જેટલાં રિફાઈનરીઓ, ઍર બેઈઝ, રેડિયો મથક અને ટીવી સ્ટેશનોને હવાઈહુમલાનાં લક્ષ્ય બનાવવામાં આવ્યાં હતાં. આ હુમલા દરમિયાન ઈરાકને પારાવાર નુકસાન થયું હોવાનું મનાય છે. સદ્દામ હુસેનના બગદાદ ખાતેના મહેલને પણ લક્ષ્ય બનાવવામાં આવ્યો હતો. આ મહેલને કેટલું નુકસાન થયું છે તેની સત્તાવાર માહિતી મળતી નથી. પરંતુ પ્રથમ હવાઈહુમલા દરમિયાન જ બગદાદમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. ટીવી સ્ટેશન બંધ થઈ ગયું હતું. ઈરાકનો સંદેશાવ્યવહાર પણ જામ કરી દેવામાં આવ્યો હતો. 
        આ હુમલો કરતાં પહેલાં અમેરિકાએ યુદ્ધજહાજમાંથી એક ક્રુઝ મિસાઇલ પણ છોડી હતી. આ હુમલાના જવાબમાં ઈરાકે પણ સાઉદી અરેબિયા તરફ મિસાઇલ છોડી હતી અને તે દરમિયાન સાઉદીની ઑઇલ રિફાઈનરીને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે. 
         યુદ્ધના આરંભનો હુકમ આપતાં પહેલાં પ્રેસિડન્ટ બુશે પેન્ટેગોનના ટોચના સાથીઓ સાથે ગંભીર ચર્ચાઓ કરી લીધી હતી. યુદ્ધનો આદેશ આપીને તેઓ સુઈ ગયા હતા અને સવારે રાબેતા મુજબ ઊઠ્યા બાદ તેમણે કેજ્યુઅલ ડ્રેસમાં ડિફેન્સ સેક્રેટરી ડીક ચેઈની તથા વિદેશ સચિવ જેમ્સ બેકર સાથે સવારનો બ્રેકફાસ્ટ લેતાં લેતાં રાતના પ્રથમ હવાઈહુમલાની વિગતો મેળવી હતી.
        અમેરિકા અને સાથી દળોએ એકસાથે ચારસો વિમાનો દ્વારા હવાઈ હુમલો કરી ૬૭ જેટલાં સ્થળો પર આજ બપોર સુધીમાં ૧૦ હજાર બૉમ્બ ફેંક્યા હતા જેના દારૂગોળાનું કુલ વજન ૧૮ હજાર ટન જેટલું થાય છે. આ બૉમ્બવર્ષા દરમિયાન નાગરિક વસ્તીને બચાવી લેવાનો પ્રયાસ થયો છે .
બગદાદથી મળતા સમાચાર પ્રમાણે બે દિવસ પહેલાંથી જ બગદાદમાંથી મોટાભાગના લોકો શહેર ખાલી કરીને દૂર દૂર તેમનાં સગાંસંબંધીઓને ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. રડચાખડ્યા લોકો આજની બૉમ્બવર્ષ બાદ સૂટકેસો લઈને શહેર છોડતા જણાતા હતા. અલબત્ત, યુદ્ધનું કવરેજ કરવા ગયેલા પત્રકારો બગદાદની અલ - મન્સુર હોટલમાં છે અને તેઓ શક્ય તેટલી ભરપૂર માહિતી તેમની સમાચાર સંસ્થાઓને કે ટેલિવિઝન કંપનીઓને મોકલી આપે છે. બગદાદમાંથી ઠેર ઠેર ઊઠતા ધુમાડાઓનાં વર્ણન તેમણે મોકલી આપ્યાં છે. 
     ‘સદ્દામ હુસેન જીવે છે કે કેમ ?' - તેવા એક ટેલિવિઝન પ્રસારણ દરમિયાનના પ્રશ્નમાં બગદાદના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, તેઓ બિલકુલ હયાત છે. આગલી રાત્રે જ પ્રેસિડન્ટ સદ્દામ હુસેને બગદાદ રેડિયો પરથી ઈરાકની પ્રજાજોગ વાયુપ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે , આ યુદ્ધ બાદ પ્રેસિડન્ટ બુશે વ્હાઈટ હાઉસ ખાલી કરી નાખવું પડશે. 
         અલબત્ત, સદ્દામની આ ઇચ્છા આજનું યુદ્ધ જોતાં ફળીભૂત થાય તેમ જણાતી નથી. અમેરિકાનાં એફ -૧૫ અને બ્રિટનનાં ટોર્નેડો વિમાનોએ ઈરાક પર કાળો કેર વર્તાવ્યો છે. વૉશિંગ્ટનનું વ્હાઈટ હાઉસ રંગમાં આવી ગયું છે. લંડન ખાતેના ઈરાકના એલચી આજે લંડનમાં પ્રેસ બ્રીફીંમ વખતે લગભગ રડવા જેવા થઈ ગયા હતા.
       આજનો દિવસ અમેરિકા અને સાથી દળોનો દિવસ હતો. અમેરિકા - બ્રિટનનાં તાલીમી પાઇલટોએ હાઈ - ટેક યંત્રોનો તથા કૉમ્પ્યૂટર્સનો બરાબર ઉપયોગ કરીને નિશાન બરાબર તાક્યાં છે. ઈરાકનાં લશ્કરી થાણાં, રિફાઈનરીઓ, ઍર બેસ તથા ટીવી સ્ટેશનોનું ચોક્કસ સ્થળ શોધી આપવા માટે જાસૂસી ઉપગ્રહોએ કરેલી મદદ અદ્ભુત હતી. લશ્કરી નિષ્ણાતો માને છે કે અમેરિકાએ આ યુદ્ધ માટે જે ટેક્નૉલૉજી મેદાનમાં ઉતારી છે તે ટેક્નૉલૉજી જ ઈરાકને માત કરવા માટે પૂરતી છે. 
અમેરિકાના લશ્કરી વડા જનરલ પોવેલે કહ્યું છે કે, જો પરિસ્થિતિ આમ જ ચાલુ રહેશે તો ઈરાક કદાચ વહેલું શરણાગતિ સ્વીકારી લેશે. 
        અલબત્ત, પ્રેસિડન્ટ સદ્દામ હુસેને આજ રાત સુધીમાં તેમનાં હુકમનાં પત્તાં હજી ખેલ્યાં નથી. ઝેરી ગૅસ અને ખતરનાક જંતુઓ ભરેલી મિસાઇલો હજી છોડી નથી. એથીયે વધુ ગંભીર વાત તો એ છે કે ઈરાક પાસે ફૂડ બનાવટનો અણુબૉમ્બ પણ હોવાની કેટલાકને આશંકા છે. સદ્દામે યુદ્ધ શરૂ થવાના બે દિવસ પહેલાં જ એવો ઇશારો આપ્યો હતો કે જરૂર પડશે તો હું આશ્ચર્યજનક શસ્ત્ર વાપરીશ. આ આશ્ચર્યજનક શસ્ત્ર તે કદાચ અણુબૉમ્બ પણ હોઈ શકે. પેન્ટેગોનના નિષ્ણાતો માને છે કે ઈરાક પાસે જટિલ પ્રકારનો અણુબૉમ્બ હોવાની શક્યતા નથી, પરંતુ રેડીએશન ફેલાવે તેવો કોઈ પણ બૉમ્બ હોવાની શક્યતા છે.
પેન્ટેગોન ઈરાકના આ પરમાણુ ક્ષેત્રને શોધી રહ્યું છે અને તેનો તત્કાલવિનાશ કરવા માગે છે.
         કેટલાક વખત અગાઉ સદ્દામ હુસેને કહ્યું હતું કે , ઈરાક એ એવું પહેલું રાષ્ટ્ર હશે જેની પાસે અણુબૉમ્બ હશે. 
         ઇતિહાસ એવો છે કે ૧૯૭૭ ની સાલથી ઈરાકે ફ્રાન્સની બનાવટનું એક નુકલીઅર રિએકટર નાખવાની શરૂઆત કરી હતી. આ પ્રોજેકટ સંશોધન માટે હોવાનું ઈરાકે જણાવ્યું હતું. આ સ્થળ બગદાદથી ૧૭ કિલોમીટર દૂર દક્ષિણ - પશ્ચિમમાં અલ - તુવાઈથા ખાતે આવેલું છે. ચાર વર્ષ બાદ ખબર પડી હતી કે આ રિએકટર ખરેખર તો પ્લુટોનિયમ બનાવવા માટે હતું અને તે રસાયણનો ઉપયોગ અણુબૉમ્બ બનાવવા માટે કરવાનો હતો. ઇઝરાયલે પાછલાં વર્ષોના યુદ્ધ દરમિયાન આ રિએકટર બૉમ્બમારો કરી નષ્ટ કરી દીધું હતું. 
આ ઘટના બાદ ઈરાકે ભૂગર્ભ સપ્લાયરો પાસેથી બૉમ્બ - ગ્રેડ મટીરિયલ ખરીદવા માંડ્યું હતું. ૧૯૮૨ માં ઈરાકે ઈટાલી સ્થિત દાણચોરને ૬૦ મિલિયન ડૉલર ચૂકવીને પ્લુટોનિયમ તથા એનરીશ્ડ યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો હતો. પણ અમેરિકા માને છે કે ઈટાલીના દાણચોરોએ પૈસા લઈ લીધા હતા અને ઈરાકને કંઈ જ આપ્યું નહોતું.
        ત્રીજા પ્રયાસમાં ઈરાકે નુકલીઅર કલબમાં જોડાઈને યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો હતો . આ માટેનું મટીરિયલ એણે બ્રાઝીલ, ચીન અને નીગર પાસેથી મેળવ્યું હોવાનું જણાય છે. જરૂરી ખનીજ મેળવવા ઈરાકે પોતાના દેશમાં પણ ખોદકામ કર્યું હોવાનું મનાય છે. ત્યાર બાદ કેટલીક ટેક્નૉલૉજી તેણે એક ખાનગી બ્રિટિશ પેઢી પાસેથી ખરીદી હોય તેમ લાગે છે. આ ઉપરાંત કેટલાંક ઇલેક્ટ્રૉનિક્સ કેપેસીટર્સ જે ઈરાક લઈ જવાનાં હતાં તે પણ લંડનના હીથરો ઍરપોર્ટ પરથી પકડાયાં હતાં. આ કેપેસીટર્સ નુકલીઅર બૉમ્બ બનાવવા માટે વપરાય છે. હાલ સદ્દામ પાસે જે એનરીશ્ડ યુરેનિયમ છે તેમાંથી ઈરાક નાગાસાકી પર વપરાયેલા બૉમ્બ જેવડો અણુબૉમ્બ બનાવી શકે તેમ છે. 
         આવો કોઈ બૉમ્બ એણે બનાવ્યો છે કે કેમ તેના કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી. છતાં અમેરિકા કોઈ જ ચાન્સ લેવા માગતું નથી. અમેરિકા અને સાથી દળો જો હોય તો ! ઈરાકના છૂપા અણુક્ષેત્રને શોધી રહ્યાં છે.
આ વખતના અખાતી યુદ્ધમાં અગાઉના કોઈ મેદાને જંગમાં જોવા નહિ મળેલી કેટલીક વિશિષ્ટ ને નવી ઘટનાઓ જાણવા મળી છે.
       અગાઉ કોઈ યુદ્ધમાં ઉપયોગમાં નહિ લેવાયેલા એવિયોનિક્સની ચકાસણી આ વખતે બગદાદ ઉપર થઈ. આને કારણે પ્રસીશન બૉમ્બિંગ થઈ શકે છે અને ધાર્યા પ્રમાણેનું પિન - પૉઇન્ટ નિશાન લઈ શકાય છે. 
બગદાદની અલ - રયદી હોટલમાં ઊતરેલા અમેરિકાના સંવાદદાતાઓને ઈરાકે જીવંત રિપોર્ટિંગ કરવાની પરવાનગી આપી છે.
        બહુ રાષ્ટ્રીય દળોના આક્રમણના પ્રથમ દસ કલાકમાં જ ઈરાકના લક્ષ્યાંકો ઉપ૨ ૧૮ હજાર ટન જેટલી વિસ્ફોટક સામગ્રી વરસાવી દેવામાં આવી છે0. ઈતિહાસમાં આ હવાઈ આક્રમણ કદાચ સૌથી મોટું બની રહેશે. બીજા વિશ્વયુદ્ધ પછી વિવિધ સાથી રાષ્ટ્રોનાં દળો ક્યારેય આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયાં નથી. ઈરાકની રાસાયણિક જૈવિક શસ્ત્રો બનાવતી ફૅકટરીઓનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં આવ્યું છે.
        બગદાદ તો દોઝખ બની ગયું છે. ૪૦ લાખની વસ્તી ધરાવતું આ પાટનગર ટાવરિંગ ઇન્ફર્નો બની ગયું છે. બહુ રાષ્ટ્રીય દળોમાં ૨૮ દેશોનાં દળો ભાગ લઈ રહ્યાં છે. વિજાણુ સંચાલિત પિન - પૉઇન્ટ બૉમ્બિંગથી ઇરાકના સંરક્ષણ ખાતાના તથા ટેલિકૉમ્યુનિકેશન્સ સેન્ટરને પણ ઉડાવી દેવાયું છે. વિજાણુ આક્રમણથી ઈરાકની રાડાર તથા મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમો મૃતપ્રાય બની ગઈ છે. લાશોની ગણતરી કરવાનું હજુ શક્ય બન્યું નથી . હૉસ્પિટલો ઘવાયેલાઓને દાખલ કરવા માટે સજ્જ છે.

       બગદાદથી થોડાક કિલોમીટર દૂર આવેલી ઈરાકની અણુ સવલત પણ તારાજ થઈ ગઈ છે. ૧૯૫૪ પછી જન્મેલા તમામ ઈરાકી મર્દોને શસ્ત્રો ઉઠાવવા સદ્દામ હુસેને અપીલ કરી છે.-" 
      18 જાન્યુઆરી 1991ના દિવસનો યુદ્ધ અહેવાલ અહીં પૂરો થાય છે. પરંતુ સમગ્ર યુદ્ધનો દિલચસ્પ વૃતાંત વાંચવા દેવેન્દ્ર  પટેલ લિખિત ગલ્ફવોર પુસ્તક વાંચવું રહ્યું.  

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, January 15, 2023

સન્ડે સ્પેશીયલ

 હું શા માટે હિંદુ થઈ ? : ભગીની નિવેદિતાજીનું રસપ્રદ વ્યાખ્યાન  

૧૨ મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી હતી. સ્વામી વિવેકાનંદજીની વાણી, વિચાર અને તત્વજ્ઞાનથી પ્રભાવિત થઈ મૂળ ઇગ્લેન્ડનાં નાગરિક સિસ્ટર નિવેદિતાજીએ હિંદુ ધર્મ અંગીકાર કરી ભારતને કર્મભૂમિ બનાવી હતી. તેઓએ સ્વામીજી સાથે ભારતમાં પરિભ્રમણ કર્યું અને શાંતિ નિકેતનમાં રહ્યાં. કેળવણી અને સ્ત્રીઓના પ્રશ્નોના ક્ષેત્રે એમને ભારતમાં માતબર કામ કર્યું. ભારતને કર્મભૂમિ બનાવવી અને હિંદુ ધર્મ અંગીકાર કરવા અંગે ૨ જી ઓક્ટોબર ૧૯૦૨માં મુંબઈમાં આપેલ રસપ્રદ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે.    

હું ઇંગ્લેન્ડમાં જન્મેલી અને ઉછેર પામેલી એક સ્ત્રી છું અને અઢાર વર્ષની ઉંમર સુધી બીજી અંગ્રેજ છોકરીઓની માફક જ શિક્ષણ અને તાલીમ પામી હતી; અલબત્ત, વનનાં પ્રારંભિક વર્ષોમાં ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ મનમાં ઠસાવવામાં આવેલ. આમ છતાં બચપણથી જ બધા જ ધર્મોના ઉપદેશ પ્રત્યે હું પૂજ્યભાવ ધરાવતી હતી. હું સમર્પિતભાવથી શિશુ જિસસની પ્રાર્થના કરતી અને તેના બલિદાન માટે હૃદયપૂર્વક પ્રેમ કરતી, તે સ્વેચ્છાએ મારા મનમાં ઊતરતા ગયા. મને લાગતું કે તેઓ વધસ્તંભ પર ચડી ગયા અને માનવજાતને વિનાશમાંથી બચાવવા પોતાની જાતની આતિ આપી તેના બદલામાં હું તેની યોગ્ય ઉપાસના કરી શકતી નથી. પરંતુ અઢાર વર્ષની ઉંમર બાદ ખ્રિસ્તી ધર્મના ઉપદેશ અને સત્યો પ્રત્યે મારા મનમાં શંકાઓ ઘર કરવા લાગી. તેમાંનાં ઘણાં મને ખોટા અને સત્યથી વિપરીત દિશામાં લાગવાનો પ્રારંભ થયો. મારી શંકાઓ પ્રબળ થતી ગઈ અને તે જ સમયે ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની મારી આસ્થા વધુ ને વધુ હચમચવા લાગી.

સાત વર્ષ સુધી હું માનસિક દ્વિધા અનુભવતી રહી, ખૂબ જ અસ્વસ્થ અને છતાં રાત્ય શોધવા માટે ખુબ જ આતુર. હું ચર્ચમાં જવાનું ટાળતી. આમ છતાં હમણાં સુધી હું જે કરતી રહી હતી અને મારી આસપાસના લોકો જે કરતા હતા તેમ ક્યારેક ઉત્કંઠાને શાંત પાડવા અને અગ્ઝિ શાંતિ મેળવવા ત્યાં ધસી જતી અને સેવામાં જોડાઈ જતી. પણ અફસોસ કે પૂર્ણ સત્યની શોધ માટે વલવલતા મારા આત્માને ત્યાં શાંતિ કે શાતા પ્રાપ્ત ન થઈ. સાત વર્ષની મારી આ દ્વિધાભરી અવસ્થા દરમિયાન મને એવું લાગ્યું કે જે સત્યની શોધ હું કરી રહી છું તે હું પ્રકૃતિશિક્ષણના મારા અભ્યાસમાંથી શોધી શકીશ. તેથી આ જગત અને તેમાંની વસ્તુઓનું સર્જન કઈ રીતે થયું હશે તેનો અભ્યાસ કરવાનું મેં ઉત્સાહપૂર્વક શરૂ કર્યું. મેં શોધી કાઢ્યું કે કમસે કમ કુદરતના નિયમોમાં તો સુમેળ પ્રવર્તે છે, પરંતુ ખ્રિસ્તી ધર્મના ઉપદેશ પ્રમાણે તો બધી બાબતમાં ખૂબ જ વિરોધાભાસ પ્રવર્તે છે. ત્યાર બાદ થોડા સમયમાં જ મને બુદ્ધ વિશે જાણવા મળ્યું અને મેં શોધી કાઢ્યું કે ઈસુના જન્મની ઘણી સદીઓ પહેલાં એક એવો બાળક વિચરતો હતો જેનો ત્યાગ અન્ય મહાપુરુષો કરતાં સહેજ પણ ઊતરતો ન હતો. પછીનાં ત્રણ વર્ષો દરમિયાન આ વહાલસોયા બાળક ગૌતમે મને અત્યંત પ્રભાવિત કરી. મેં મારી જાતને બૌદ્ધ ધર્મના અભ્યાસમાં સંપૂર્ણ ડુબાડી દીધી. મને વધુ ને વધુ વિશ્વાસ થતો ગયો કે તેમણે પ્રબોધેલો મુક્તિનો ઉપદેશ ખ્રિસ્તી ધર્મના ઉપદેશ કરતાં સત્ય સાથે વધારે સુસંગત હતો.

 ત્યાર બાદ મારી શ્રદ્ધામાં પરિવર્તન આવ્યું. તમારા મહાન વાઇસરૉય લૉર્ડ રિપનના પિત્રાઈએ મને તેમની સાથે ચા માટે નિયંત્રિત કરી અને ભારતથી પધારેલા એક મહાન સ્વામીને મળવાનું કહ્યું કે જેઓ તેના જણાવવા મુજબ કદાચ મારો આત્મા જેની ઇચ્છા રાખતો હતો તેની શોધમાં સહાય કરી શકે. આ સ્વામી કે જેને હું મળી તે બીજા કોઈ નહીં પરંતુ વિવેકાનંદ હતા કે જેમને મેં મારા ગુરુસ્થાને સ્થાપિત કર્યા અને જેમના શિક્ષાબોધ મારી શંકાઓનું હું જે રીતે ઇચ્છતી હતી તે રીતે સમાધાન કર્યું. આમ છતાં શંકાનાં આ વાદળો કંઈ એક કે બે મુલાકાત દ્વારા જ વિખેરાયાં નહોતાં ! મારે તેમની સાથે કેટલીક સૌમ્ય ચર્ચાઓ થયેલી અને એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી તેમના શિક્ષાબોધ પર મેં ગહન ચિંતન કર્યું ત્યાર બાદ તેમણે મને યોગી પુરૂષોનાં દર્શન કરવા અને તેમણે પ્રબોધેલા આધ્યાત્મિક વિચારોની જન્મદાત્રી ભારતભૂમિની મુલાકાત લેવા જણાવ્યું. અંતે મેં મારાં જૂનાં મનોવલણો અને વિશ્વાસમાંથી મુક્તિ મેળવી અને તેને મેં મારા આનંદની અવસ્થામાં ઓગળી જતાં નિહાળ્યાં. મેં તમને જણાવ્યું કે કેમ અને કેવીરીતે મેં તમારા ધર્મનો અંગીકાર કર્યો હું ખુશીથી આગળ સંભળાવીશ.

શા માટે ભારત જગતના સર્વધર્મોમાં ઉચ્ચતમ અને ઉત્તમ ધર્મનું જન્મસ્થાન છે કારણ કે ઉન્નત મસ્તક કરીને ઊભેલા શિખરોવાળો ભવ્યતમ હિમાલય પર્વત જ્યાં આવેલો છે એવો આ દેશ છે. આ એવો દેશ છે કે જ્યાં મકાનો સાદાં છે, જ્યાં કુટુંબજીવનમાં મહત્તમ સુખ જોવા મળે છે, જ્યાં સ્ત્રીઓ નિઃસ્વાર્થપણે, પ્રસિદ્ધિ વગર, બદલાની ભાવના વગર પોતાના વહાલસોયા પરિવારજનોની વહેલી સવારથી ઝાકળભીની સાંજ સુધી સેવા કરે છે, જ્યાં માતા અને દાદીમા પોતાની સગવડ - અગવડનો વિચાર કર્યા વગર આદર અને સદ્ભાવથી પોતાનાં બાળકોની જરૂરિયાતોને જાણી લઈ તે પૂરી પાડે છે, અને સ્ત્રીઓનો આ ત્યાગ તેમને સામાન્ય સ્ત્રીત્વથી ઘણા ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત કરે છે.

મારી બહેનો, તમને દરેકને આ પ્રેમાળ દેશની પુત્રીઓ હોવાને નાતે હું સ્નેહપૂર્વક ચાહું છું. હું તમને પશ્ચિમના સાહિત્યનો અભ્યાસ કરતાં પહેલાં પૂર્વના ભવ્ય સાહિત્યનો અભ્યાસ કરવા વિનવું છું. તમારું સાહિત્ય તમને ઊર્ધ્વગામી કરશે. તેને દૃઢતાથી વળગી રહો. તમારા ગૃહસ્થ જીવનની ધીરતા અને સાદગીને વળગી રહો. પુરાતન સમયમાં હતી અને આજે પણ છે તેવી તમારા સાદા ઘરની નિર્મળતાને જાળવી રાખજો. પશ્ચિમની આધુનિક રીતભાત અને ઉડાઉ ખર્ચવાળી જીવનપ્રણાલી અને આધુનિક અંગ્રેજી કેળવણીને તમારી આદરપાત્ર વિનમ્ર જીવનપ્રણાલીમાં પ્રવેશવા ન દેશો, પ્રેમાળ વિચારોથી નિર્માણ પામેલી તમારી પ્રેમાળ કૌટુંબિક વિચારધારા કે જેનું પ્રતિબિંબ વડીલો તેમના પર આધિત વહાલસોયાના લાલન - પાલન દ્વારા પ્રતિબિંબિત કરે છે. જેના પ્રતિભાવમાં યુવાનો પણ પોતાના વડીલો પ્રત્યે તે જ પ્રમાણમાં આદરભાવ દર્શાવે છે. આ નિવેદન બહેનોને હિન્દુ બહેનોને જ નથી કરતી, પરંતુ મારી મુસ્લિમ અને અન્ય ધર્મની બહેનોને પણ કરું છું. જે દેશનો  મેં અંગીકાર કર્યો છે અને જ્યાં રહીને મારા આદરણીય  ગુરુ વિવેકાનંદના કાર્યને ચાલુ રાખવાની હું આશા રાખું છું, તેવા દેશની પુત્રીઓ હોવાને આ નાતે તમે બધી મારી બહેનો છો.

 ૧૩ ઓક્ટોબર ૧૯૧૧ના રોજ ૪૩ વર્ષની વયે દાર્જીલિંગ ખાતે તેમનું અવસાન થયું હતું. દર્જીલિંગમાં વિક્ટોરિયા ધોધ જવાના માર્ગ પર સિસ્ટર  નિવેદિતાજીનું સ્મારક આવેલું છે. સ્મારક પર આ પ્રમાણે શબ્દો કોતરાયેલા જોવા મળે છે : અહીં રહે છે બહેન નિવેદિતા જેમણે પોતાનું સર્વસ્વ જીવન ભારતને આપ્યું.” .(સ્ત્રોત : વિશ્વનાં યાદગાર પ્રવચનો)

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Saturday, January 14, 2023

મકરસંક્રાંતિ સ્પેશિયલ

 ચાલો,_આજે_આકાશને_ચગાવીએ


                ઉત્તરાયણ એટલે અગાસી અને આકાશના સંવાદનું પર્વ. આ સંવાદનો સેતુ બને છે દોર અને પતંગ. ઘર ગમે તેટલું જૂનું હોય અગાસીને દર ઉત્તરાયણે સોળમુ બેસે છે. આબાલ વૃદ્ધની કીકીયરીઓ અગાસીને રોમાંચ બક્ષે છે. આ એક એવું અનેરું પર્વ છે કે બીજાની કાપવા માટે જ ટેવાયેલ માણસ આજે પોતાની કપાય તોય હરખાય છે. વિટામિનD ની સાથે સાથે વિટામિન AA (અનહદ આનંદ) લૂંટવાનું આ પર્વ. પતંગની સાથે આકાશ ચગાવવાનું આ પર્વ છે. 

             એક પતંગ જિંદગીની ફિલસુફી કેટલી સાહજીકતાથી સમજાવી જાય છે નૈ!! કાગળનો એક ટુકડો પતંગ બને છે અને આકાશે ઉડવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. બધા કાગળના ભાગ્યમાં ઉડવાનું નસીબ નથી હોતું. પતંગ જ્યારે ગુલાંટ મારે ત્યારે ક્યારે ઢીલ મુકવી, ક્યારે દોરી ખેંચવી એ પણ કલાનો વિષય છે. બાહોશ પતંગ બાઝ તોફાની પતંગને પણ આસાનીથી કાબુ કરી ગેલ કરાવે છે. બસ સંબંધોમાં પણ આવું જ છે. ક્યારે ઢીલ મુકવી ક્યારે દોરી ખેંચવી એ સમજાય જય તો ગોથે ચડેલ જિંદગી પણ સવારી શકાય. 

         ખેર!! આકાશે ચગેલ પતંગ ભાગ્યે જ મૂળ માલિકના હાથમાં પાછો આવતો હોય છે. ચગ્યા પછી કેટલાક પતંગ કપાઈ ને દૂર ફેંકાઈ જતા હોય છે. તો બીજા કેટલાક એટલી ગુલાંટ મારતા હોય છે કે પછી ચક્કર ખાઈને કયાંય જઈ ભટકતા હોય છે.અને જો પવન ખૂબ હોય તો બિચારા કેટલાક હવામાં જ ફાટીને ફૂસ થઈ જતા હોય છે. તો બીજા કેટલાક માથાના ફરેલ પતંગ વીજળીના થાંભલા પર અથવા ઝાડની ટોચ પર ઊંધા માથે લટકતા હોય છે. બહુ "ચગેલ" માણસની પણ આવી જ સ્થિતિ થતી હોય છે ને!! 

 ચાલો પતંગ જ નૈ, આજે તો આકાશને પણ ચગાવીએ!!! Happy Uttarayan

                                --ઈશ્વર પ્રજાપતિ

9825142620

Sunday, January 8, 2023

સન્ડે સ્પેશિયલ

પોતાનાં સંતાનો માટે સડક બાંધી આપવાની જવાબદારી માબાપો ઉ૫૨ નથી; એમણે તો વાટનો નકશો જ પૂરો પાડવાનો છે. : જેક્સન બ્રાઉન



દુનિયાનો દરેક બાપ પોતાના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય આપવા જાત નીચોવી દેતો હોય છે.  દરેક બાપ  પોતાના સંતાનને  કાંઈક ભેટ આપવાની એક પિતાની હોંશ રાખતો હોય છે. પરંતુ સંતાનોના યોગ્ય ઘડતર વગર વરસમાં આપેલી બેસૂમાર માલામીકત કે સંપત્તિ ઝાઝું ટકતી હોતી નથી. એક  પિતા દ્વારા પોતાના સંતાનને જીવન ઘડતર માટે આપેલી શીખમાંથી એક નાનકડી પુસ્તિકાની  ઉત્પત્તિ થઈ છે.

 પુત્ર પોતાની સ્વતંત્ર જિંદગીની મજલ પર રવાના થવાની તૈયારીમાં હતો ત્યારે, કદાચ તેને ઉપયોગી નીવડે એવા શિખામણના બે શબ્દો કાગળ પર ટપકાવી લેવા માટે પિતા ઘરને એક ખૂણે બેસે  છે. જેક્સન બ્રાઉન નામના એ પિતાએ વર્ષો પહેલાં ક્યાંક વાંચેલું કે પોતાનાં સંતાનો માટે સડક બાંધી આપવાની જવાબદારી માબાપો ઉ૫૨ નથી; એમણે તો વાટનો નકશો જ પૂરો પાડવાનો છે. પોતે લખી કાઢેલાં પાનાંનો ઉપયોગ પોતાનો પુત્ર એ રીતે જ કરશે, એવી પિતાને ઉમેદ છે, એ લખાણનાં કાગળિયાં પુત્રના હાથમાં મૂકતાં પિતા એવી. મતલબનું બોલ્યા કે જીવન સુખદાયી શી રીતે બનાવી શકાય તે વિશેના પોતાના ખ્યાલો એમાં વ્યક્ત કરેલા છે. ભેટ હાથમાં લેતાં પુત્ર પિતાને ભેટી પડ્યો,  એમની સાથે હાથ મિલાવીને વિદાય થયો.

      થોડા દિવસ પછી એના નવા સ્થાનેથી પુત્રનો ફોન આવ્યો . બાપુ,” એનો અવાજ સંભળાયો : તમે પેલી શીખ લખી આપી છે તે વાંચતો જાઉં છું ને મને લાગે છે કે મને મળેલી સારામાં સારી ભેટમાંની આ એક છે. હવે હું પણ તેમાં ઉમેરો કરતો રહીશ અને કોઈક દિવસ મારા દીકરાને એ ભેટ આપીશ.’ ’

     પિતાની એ શીખમાંથી નીપજેલી અંગ્રેજી ચોપડીનું નામ છે : લાઇક્સ લિટલ ઇન્સ્ટ્રક્શન બુક ' ( Life's Little Instruction Book ) . તેને દરેક પાને સાદા શબ્દોમાં બે - ચાર નાની નાની શિખામણો મોટા અક્ષરે છાપેલી છે. લેખકે ચોપડી આ રીતે અર્પણ કરેલી છે : અનેક રીતે જે મારો ગુરુ પણ છે તે પુત્રને. પછી નીચે ચાર લીટી એ પુત્રને સંબોધીને પિતા કહે છે : બેટા , લાંબુ ... જોવામાં હું તને કઈ રીતે મદદ કરી શકું ? મારા ખભા ઉપર તને ઊભો રહેવા દઉં !  હા , હવે તું મારા કરતાં પણ લાંબે સુધી જોઈ શકીશ. હવે તું આપણા બેય વતી જોઈ શકવાનો... તો, તું શું જુએ છે તે મને કહીશ ને ? ”

 લેખક અમેરિકન છે, પણ તેની ઘણી શિખામણો અનેક દેશના પિતાઓ પોતાના પુત્રોને આપી શકે તેવી લાગે છે. દરેક બાપે પોતાના સંતાનને લખી મોકલવા જેવી કેટલીક શિખામણો યોગ્ય  લાગી, તે અહીં ગુજરાતીમાં ઉતારું છું. વાચકોને પણ પોતાના પુત્ર કે પૌત્રને લખી મોકલવાનું મન થાય તેવી એમાંથી નીકળશે, એવી આશા છે.

   v સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે એમ લાગે. ભલે પછી એ કદી નહિ વંચાય એમ લાગે.  

v               vકોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય  છે.

v                   vદરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.

v                   vતંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.

v   vતારી  નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.

v              vઆપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.

v              vસંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.  

v             vજે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.

v             vઘસાઈ જજે, કટાઈ ન જતો.

v             vપોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.

v            vહારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે.

v                  vપ્રશંસા જાહેરમાં કરજે , ટીકા ખાનગીમાં.

v લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.

v તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.

v પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક કદી ઓછો ન આંકવો. પણ બીજાંઓમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.

v ગંદકી સામે જંગ માંડજે .

v  બીજાઓની સફળતા વિશે ઉત્સાહ અનુભવજે.

v બીજા લોકોને એમનું પોતાનું મહત્ત્વ ભાસે તેમ કરવાની તકો શોધતો રહેજે.

v પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે – ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.

v  એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.

v  જેમને એ વાતની કદી જાણ પણ થવાની ન હોય એવા લોકો માટે કશુંક સારું કરતા રહેવાની આદત કેળવજે.

v  ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે, ક્યારે મૂંગા ન રહી શકાય તેનો પણ.

v વિચારો મોટા મોટા કરજે , પણ નાના નાના આનંદો માણી જાણજે.

v  ગુલાબોની સુવાસ માણવાનો સમય મેળવજે.

v દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.

v કોણ સાચું છે તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સારું છે તે નક્કી કરવામાં વધારે.

v એકંદર યુદ્ધમાં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈઓમાં હારતાં શીખજે

v જે ગાંઠ છૂટી શકે તેને કાપતો કદી નહિ.

v દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.

v  યાદ રાખજે કે સફળ લગ્નજીવનનો આધાર બે વસ્તુ પર રહે છે : ( 1 ) યોગ્ય પાત્ર શોધવું અને ( 2 ) યોગ્ય પાત્ર બનવું.

v તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઇન્સ્ટાઈનને.

v એટલું સમજજે કે સુખનો આધાર માલમિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા ને સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબધો ૫૨ ૨ હે છે.

v  તને માન પાછે તેમાં બીજાં સહભાગી બનાવજે.

v તારાં બાળકોને નિયમિત કશુંક વાંચી સંભળાવજે, ગીતો સંભળાવજે. તારાં બાળકોને સદાય સાંભળજે.  

v મને એની ખબર નથી,  એમ કહેતાં ડરતો નહિ. મારાથી ભૂલ થઈ ગઈ. એમ કહેતાં અચકાતો નહિ, “ હું દિલગીર છું , એટલું બોલતાં ખચકાતો નહિ.

v ક્યારેક નિષ્ફળ નીવડવાની પણ તૈયારી રાખજે.  

  (સ્ત્રોત : અરધી સદીની વાચનયાત્રા :  મહેન્દ્ર મેઘાણી) 

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts