Sunday, January 29, 2023

સન્ડે સ્પેશિયલ

 સમાજ તમારા કાર્યની ઉપેક્ષા કરે તો ફિકર કરતા  નહીં, આ સમાજે એક સમયે મહાત્માને પણ નાતબહાર મૂક્યા હતા. 


 

       30 મી જાન્યુઆરી એટલે કે ગાંધીજીનો નિર્વાણ દિન છે. બાળવયે ડરપોક અને  શરમાળ પ્રકૃતિ ધરાવતી એક વ્યક્તિ આગળ જતાં સત્ય અને અહિંસાના બળે દેશની આઝાદીના જ્યોતિર્ધર બની.. ગાંધી એ કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક વિચારક્રાંતિનું નામ છે. આજે દુનિયાના કોઈપણ દેશનું  એવું મોટું શહેર શોધવું મુશ્કેલ છે જ્યાં એમ.કે. ગાંધીના નામે રોડ કે સ્મારક ન હોય !

        વિરલ વ્યક્તિના જીવનના નિર્ણયો પણ ક્રાંતિકારી હોય છે. જેને સંકુચિત સમાજ  સાંખી શકતો નથી. આવા લોકો સમાજની ટીકાઓની અવહેલના કરીને મક્કમતાથી આગળ વધતા હોય છે.  અને છેવટે દુનિયા તેઓની જયજયકાર કરતી હોય છે. આનું ઉત્તમ દૃષ્ટાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે. જેઓને પણ એક સમયે  સમાજે  નાત બહાર મુક્યા હતા. તેમને નાતબહાર મુકવાનો પ્રસંગ તેમની આત્મકથા  “સત્યના પ્રયોગો”માં  આલેખ્યો  છે. 

      ગાંધીજી લખે છે: માતાની આજ્ઞા અને તેના આશીર્વાદ લઈ થોડા માસનુ બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઈ પહોંચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોએ ભાઈને કહ્યુ કે,   જૂન - જુલાઇમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે ને મારી આ પહેલી જ દરિયની  સફર હોવાથી  મને દિવાળીબાદ એટલે  બાદમાં નવેમ્બર  માસમાં મોકલવો જોઈએ. વળી કોઈએ તોફનમં કોઈક આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઈ અકળાયા. તેમણે એમ જોખમ ખેડીને  મને તુરત મોકલવાની ના પાડી અને મને મુંબાઈમાં મિત્રને ત્યાં પાછા પોતાની નોકરીએ ચડવા રાજકોટ  ગયા. એક બનેવીની પાસે પૈસા મુકતા ગયા ને મને મદદ કરવાની કેટલાક મિત્રોને ભલામણ કરતા ગયા.

            મુંબઈમાં મારા દિવસો લાંબા થઈ પડ્યા.. મને વિલાયતના જ સપના આવે. દરમિયાન  સમગ્ર નાતમાં ખળભળાટ ઊઠ્યો. નાત બોલાવવામાં આવી. મોઢ વાણીયો  કોઈ હજુ સુધી વિલાયત નહોતો ગયો, અને હું જાઉં તો મારી હાજરી લેવાવી જોઈએ ! મને નાતની વાડીમાં હાજર રહેવા  ફરમાવવામાં આવ્યું. હું ગયો. મને ખબર નથી કે મને એકાએક હિમ્મત ક્યાંથી આવી. મને હાજર રહેતા ન સંકોચ થયો, ન ડર લાગ્યો.  નાતના શેઠની સાથે કાઇંક છેટેની સગાઇ પણ હતી. પિતાની સાથે તેમનો  સંબંધ સારો હતો. તેમણે મને કહ્યું.:

   'નાત ધારે છે કે  તે વિલાયત જવાનો વિચાર કર્યો તે બરાબર નથી. આપણા ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ છે. વળી  વિલાયતમાં ધર્મ ન સચવાય એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકોની  સાથે ખાવુંપીવું પડે છે" મે  જવાબ આપ્યો, :

        'મને તો લાગે છે કે વિલાયત જવામાં મુદ્દલ અધર્મ નથી. મારે તો ત્યાં જઈને ને વિદ્યાભ્યાસ જ કરવાનો છે. વળી  જે વસ્તુઓનો આપને ભય છે તેનાથી દૂર રહેવાની મે  મારી માતુશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી છે. એટલે હું તેથી દૂર રહી શકીશ.'
        'પણ અમે તને કહીએ છીએ કે ત્યાં ધર્મ ન જ સચવાય. તુ જાણેછે કે તારા પિતા શ્રીની સાથે મારે કેવો સંબંધ હતો. તારે મારું કહેવું માનવું જોઈએ.શેઠ બોલ્યા.

      આપની સાથેના  સંબંધની મને ખબર છે. આપ વડીલ સમાન છો. પણ આ બાબતમાં હું લાચાર છું. મારો વિલાયત જવાનો નિશ્ચય હું નહીં ફેરવી શકું. મારા પિતાશ્રીના મિત્ર અને સલાકાર જે વિદ્વાન બ્રાહ્મણ છે  તેઓ માને છે કે મારા વિલાયત જવામાં કશો દોષ નથી. મારા માતુશ્રી અને મારા ભાઈની આજ્ઞા પણ મને મળી છે.મે જવાબ આપ્યો.,

  ‘પણ નાતનો હુકમ તું નહિ ઉઠાવે?

           ' હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ

        આ જવાબથી શેઠને રોષ ચડ્યો. મને બેચાર સંભળાવી. હું સ્વસ્થ બેસી રહ્યો.શેઠે હુકમ કર્યો.:

          'આ છોકરાને આજથી નાતબહાર ગણવામાં આવશે. જે કોઈ પણ તેને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશેને તેનો  સવા રૂપિયો દંડ થશે'

       મારા ઉપર આ ઠરાવની કંઈ અસર ન થઈ. મે શેઠની રજા લીધી.  આ ઠરાવની અસર મારા ભાઈ ઉપર કેવી થશે તે વિચારવનું હતું. તે ડરી જશે તો સદ્ભાગ્ય તે દ્રુઢ રહ્યા. ને મને લખી વાળ્યું કેનાતના ઠરાવ છતાં પોતે મને વિલાયત જતાં નહીં અટકાવે. 

       આ બનાવ પછી હું વધારે અધીરો બન્યો. ભાઈના ઉપર દબાણ થશે તો? વળી કંઈ બીજું વિઘ્ન આવશે તો આમ ચિંતામાં હું દિવસ ગુજારતો હતો. તેવામાં ખબર  સાંભળ્યા કે૪ થી સપ્ટેમ્બરે ઉપડનારી  સ્ટિમરમાં જૂનાગઢના એક વકીલ બારિસ્ટર થવા સારું વિલાયત જવાના છે. જે મિત્રોને મોટા ભાઈએ મારા વિશે ભલામણ કરી હતી  તેમને હું મળ્યો. તેમણે પણ આ સથવારો ન ચુકવો એમ સલાહ આપી.

        સમય બહુ થોડો હતો. ભાઈને તાર કર્યો ને મેં જવાની રજા માંગી. તેમણે રજા  આપી. મે બનેવીની પાસેથી પૈસા માંગ્યા. તેમણે નાતના હુકમની વાત કરી. નાત બહાર થવું તેમને ન પરવડે. કુટુંબના એક મિત્ર  પાસે હું પહોંચ્યો  અને મને  ભાડા વગેરેને સારુ જોઈતા પૈસા આપી ભાઈ પાસેથી તે મેળવી લેવા  વિનંતી કરી. આ મિત્રે તેમ કરવા કબૂલ કર્યુંએટલું જ નહિ પણ મને હિંમત આપી.  મેં તેમનો   આભાર માન્યોપૈસા લીધ, ને ટિકિટ કઢાવી.

        વિલાયતની મુસફરીનો બધો સામાન તૈયાર કરાવવાનો હતો. એક બીજા અનુભવી મિત્ર હતા તેમણે પણ સામાન તૈયાર કરાવ્યો. મને બધુ વિચિત્ર લાગ્યું. કેટલુક ગમ્યું, કેટૅલુંક મુદ્દલ ન ગમ્યું. નેકટાઈ જે પાછળથી હું શોખે પહેરતો થઈ ગયો હતો તે તો જરાયે ન ગમે. ટૂંકુ જાકીટ નાગો પોશાક લાગ્યો.

    પણ વિલાયત જવાના શોખ આગળ આવો અણગમો કંઈ જ વસ્તુ નહોતી. સાથે ભાતું પણ ઠીક બાંધ્યું હતું.

   મારી જગ્યા પણ મિત્રોએ ત્રંબકરાય મજમુદાર (જે પેલા જૂનાગઢવાળા વકિલનું નામ હતું)ની કોટડીમાં જ રોકી. તેમને મારા વિશે ભલામણ કરી. તે તો પુખ્ત ઉંમરના   અનુભવી ગ્રુહસ્થ હતા. હું અઢાર  વર્ષનો દુનિયાના અનુભવ વિનાનો જુવાનિયો હતો. મજમુદારે મારી ફિકર ન કરવા મિત્રોને કહ્યું.

          આમ ૧૮૮૮ ના સપ્ટેમ્બરની ૪ થી તારીખે મેં મુંબઈનું બંદર છોડ્યું." ગાંધીજી વાત અહીં પૂરી કરે છે.

         વિલાયત ગયા તે મોહન હતા અને વિલાયતથી પરત ફર્યા તે મહાત્મા હતા. ગાંધીજીની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ !  

-ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

2 comments:

  1. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

    ReplyDelete
  2. ખરેખર ઈશ્વરભાઈ તમે બહુ મઝાનુ કામ કર્યુ.. આ જ વિષય પર બાપુ વિશે વધુ પીરસાય એ સમયની માગ છે.. અધુરા જ્ઞાન અને અધકચરી માહિતીએ બાપુ વિશે ઘણા ભ્રમ પેદા કર્યા છે. આપનો આભાર

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts