“હું શા માટે હિંદુ થઈ ?” : ભગીની નિવેદિતાજીનું રસપ્રદ વ્યાખ્યાન
૧૨
મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી હતી. સ્વામી વિવેકાનંદજીની વાણી, વિચાર અને તત્વજ્ઞાનથી પ્રભાવિત થઈ મૂળ ઇગ્લેન્ડનાં નાગરિક સિસ્ટર નિવેદિતાજીએ હિંદુ
ધર્મ અંગીકાર કરી ભારતને કર્મભૂમિ બનાવી હતી. તેઓએ સ્વામીજી સાથે ભારતમાં પરિભ્રમણ
કર્યું અને શાંતિ નિકેતનમાં રહ્યાં. કેળવણી અને સ્ત્રીઓના પ્રશ્નોના ક્ષેત્રે એમને
ભારતમાં માતબર કામ કર્યું. ભારતને કર્મભૂમિ બનાવવી અને હિંદુ ધર્મ અંગીકાર કરવા અંગે
૨ જી ઓક્ટોબર ૧૯૦૨માં મુંબઈમાં આપેલ રસપ્રદ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે.
“હું ઇંગ્લેન્ડમાં
જન્મેલી અને ઉછેર પામેલી એક સ્ત્રી છું અને અઢાર વર્ષની ઉંમર સુધી બીજી અંગ્રેજ
છોકરીઓની માફક જ શિક્ષણ અને તાલીમ પામી હતી; અલબત્ત, વનનાં
પ્રારંભિક વર્ષોમાં ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ મનમાં ઠસાવવામાં આવેલ. આમ છતાં બચપણથી જ
બધા જ ધર્મોના ઉપદેશ પ્રત્યે હું પૂજ્યભાવ ધરાવતી હતી. હું સમર્પિતભાવથી શિશુ
જિસસની પ્રાર્થના કરતી અને તેના બલિદાન માટે હૃદયપૂર્વક પ્રેમ કરતી, તે સ્વેચ્છાએ મારા મનમાં ઊતરતા ગયા. મને લાગતું કે તેઓ વધસ્તંભ
પર ચડી ગયા અને માનવજાતને વિનાશમાંથી બચાવવા પોતાની જાતની આતિ આપી તેના બદલામાં
હું તેની યોગ્ય ઉપાસના કરી શકતી નથી. પરંતુ અઢાર વર્ષની ઉંમર બાદ ખ્રિસ્તી ધર્મના
ઉપદેશ અને સત્યો પ્રત્યે મારા મનમાં શંકાઓ ઘર કરવા લાગી. તેમાંનાં ઘણાં મને ખોટા
અને સત્યથી વિપરીત દિશામાં લાગવાનો
પ્રારંભ થયો. મારી શંકાઓ પ્રબળ થતી ગઈ અને તે જ સમયે ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની મારી
આસ્થા વધુ ને વધુ હચમચવા લાગી.
સાત
વર્ષ સુધી હું માનસિક દ્વિધા અનુભવતી રહી, ખૂબ જ અસ્વસ્થ અને છતાં રાત્ય શોધવા માટે ખુબ જ આતુર. હું
ચર્ચમાં જવાનું ટાળતી. આમ છતાં હમણાં સુધી હું જે કરતી રહી હતી અને મારી આસપાસના
લોકો જે કરતા હતા તેમ ક્યારેક ઉત્કંઠાને શાંત પાડવા અને અગ્ઝિ શાંતિ મેળવવા ત્યાં
ધસી જતી અને સેવામાં જોડાઈ જતી. પણ અફસોસ કે પૂર્ણ સત્યની શોધ માટે વલવલતા મારા
આત્માને ત્યાં શાંતિ કે શાતા પ્રાપ્ત ન થઈ. સાત વર્ષની મારી આ દ્વિધાભરી અવસ્થા
દરમિયાન મને એવું લાગ્યું કે જે સત્યની શોધ હું કરી રહી છું તે હું પ્રકૃતિશિક્ષણના
મારા અભ્યાસમાંથી શોધી શકીશ. તેથી આ જગત અને તેમાંની વસ્તુઓનું સર્જન કઈ રીતે થયું
હશે તેનો અભ્યાસ કરવાનું મેં ઉત્સાહપૂર્વક શરૂ કર્યું. મેં શોધી કાઢ્યું કે કમસે
કમ કુદરતના નિયમોમાં તો સુમેળ પ્રવર્તે છે, પરંતુ ખ્રિસ્તી ધર્મના ઉપદેશ પ્રમાણે તો બધી બાબતમાં ખૂબ જ
વિરોધાભાસ પ્રવર્તે છે. ત્યાર બાદ થોડા સમયમાં જ મને બુદ્ધ વિશે જાણવા મળ્યું અને
મેં શોધી કાઢ્યું કે ઈસુના જન્મની ઘણી સદીઓ પહેલાં એક એવો બાળક વિચરતો હતો જેનો
ત્યાગ અન્ય મહાપુરુષો કરતાં સહેજ પણ ઊતરતો ન હતો. પછીનાં ત્રણ વર્ષો દરમિયાન આ
વહાલસોયા બાળક ગૌતમે મને અત્યંત પ્રભાવિત કરી. મેં મારી જાતને બૌદ્ધ ધર્મના
અભ્યાસમાં સંપૂર્ણ ડુબાડી દીધી. મને વધુ ને વધુ વિશ્વાસ થતો ગયો કે તેમણે
પ્રબોધેલો મુક્તિનો ઉપદેશ ખ્રિસ્તી ધર્મના ઉપદેશ કરતાં સત્ય સાથે વધારે સુસંગત હતો.
ત્યાર બાદ મારી શ્રદ્ધામાં પરિવર્તન આવ્યું.
તમારા મહાન વાઇસરૉય લૉર્ડ રિપનના પિત્રાઈએ મને તેમની સાથે ચા માટે નિયંત્રિત કરી
અને ભારતથી પધારેલા એક મહાન સ્વામીને મળવાનું કહ્યું કે જેઓ તેના જણાવવા મુજબ કદાચ
મારો આત્મા જેની ઇચ્છા રાખતો હતો તેની શોધમાં સહાય કરી શકે. આ સ્વામી કે જેને હું
મળી તે બીજા કોઈ નહીં પરંતુ વિવેકાનંદ હતા કે જેમને મેં મારા ગુરુસ્થાને સ્થાપિત
કર્યા અને જેમના શિક્ષાબોધ મારી શંકાઓનું હું જે રીતે ઇચ્છતી હતી તે રીતે સમાધાન
કર્યું. આમ છતાં શંકાનાં આ વાદળો કંઈ એક કે બે મુલાકાત દ્વારા જ વિખેરાયાં નહોતાં
! મારે તેમની સાથે કેટલીક સૌમ્ય ચર્ચાઓ થયેલી અને એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી
તેમના શિક્ષાબોધ પર મેં ગહન ચિંતન કર્યું ત્યાર બાદ તેમણે મને યોગી પુરૂષોનાં
દર્શન કરવા અને તેમણે પ્રબોધેલા આધ્યાત્મિક વિચારોની જન્મદાત્રી ભારતભૂમિની
મુલાકાત લેવા જણાવ્યું. અંતે મેં મારાં જૂનાં મનોવલણો અને વિશ્વાસમાંથી મુક્તિ
મેળવી અને તેને મેં મારા આનંદની અવસ્થામાં ઓગળી જતાં નિહાળ્યાં. મેં તમને જણાવ્યું
કે કેમ અને કેવીરીતે મેં તમારા ધર્મનો અંગીકાર કર્યો હું ખુશીથી આગળ સંભળાવીશ.
શા
માટે ભારત જગતના સર્વધર્મોમાં ઉચ્ચતમ અને ઉત્તમ ધર્મનું જન્મસ્થાન છે કારણ કે
ઉન્નત મસ્તક કરીને ઊભેલા શિખરોવાળો ભવ્યતમ હિમાલય પર્વત જ્યાં આવેલો છે એવો આ દેશ
છે. આ એવો દેશ છે કે જ્યાં મકાનો સાદાં છે, જ્યાં કુટુંબજીવનમાં મહત્તમ સુખ જોવા મળે છે, જ્યાં સ્ત્રીઓ નિઃસ્વાર્થપણે, પ્રસિદ્ધિ વગર, બદલાની ભાવના વગર પોતાના વહાલસોયા પરિવારજનોની વહેલી સવારથી
ઝાકળભીની સાંજ સુધી સેવા કરે છે, જ્યાં
માતા અને દાદીમા પોતાની સગવડ - અગવડનો વિચાર કર્યા વગર આદર અને સદ્ભાવથી પોતાનાં
બાળકોની જરૂરિયાતોને જાણી લઈ તે પૂરી પાડે છે, અને સ્ત્રીઓનો આ ત્યાગ તેમને સામાન્ય સ્ત્રીત્વથી ઘણા ઉચ્ચ
સ્થાને પ્રસ્થાપિત કરે છે.
મારી
બહેનો, તમને દરેકને આ પ્રેમાળ દેશની પુત્રીઓ હોવાને નાતે હું
સ્નેહપૂર્વક ચાહું છું. હું તમને પશ્ચિમના સાહિત્યનો અભ્યાસ કરતાં પહેલાં પૂર્વના
ભવ્ય સાહિત્યનો અભ્યાસ કરવા વિનવું છું. તમારું સાહિત્ય તમને ઊર્ધ્વગામી કરશે.
તેને દૃઢતાથી વળગી રહો. તમારા ગૃહસ્થ જીવનની ધીરતા અને સાદગીને વળગી રહો. પુરાતન
સમયમાં હતી અને આજે પણ છે તેવી તમારા સાદા ઘરની નિર્મળતાને જાળવી રાખજો. પશ્ચિમની
આધુનિક રીતભાત અને ઉડાઉ ખર્ચવાળી જીવનપ્રણાલી અને આધુનિક અંગ્રેજી કેળવણીને તમારી
આદરપાત્ર વિનમ્ર જીવનપ્રણાલીમાં પ્રવેશવા ન દેશો, પ્રેમાળ વિચારોથી નિર્માણ પામેલી તમારી પ્રેમાળ કૌટુંબિક
વિચારધારા કે જેનું પ્રતિબિંબ વડીલો તેમના પર આધિત વહાલસોયાના લાલન - પાલન દ્વારા
પ્રતિબિંબિત કરે છે. જેના પ્રતિભાવમાં યુવાનો પણ પોતાના વડીલો પ્રત્યે તે જ
પ્રમાણમાં આદરભાવ દર્શાવે છે. આ નિવેદન બહેનોને હિન્દુ બહેનોને જ નથી કરતી, પરંતુ મારી મુસ્લિમ અને અન્ય ધર્મની બહેનોને પણ કરું છું. જે
દેશનો મેં અંગીકાર કર્યો છે અને જ્યાં
રહીને મારા આદરણીય ગુરુ વિવેકાનંદના
કાર્યને ચાલુ રાખવાની હું આશા રાખું છું, તેવા દેશની પુત્રીઓ હોવાને આ નાતે તમે બધી મારી બહેનો છો.”
૧૩ ઓક્ટોબર ૧૯૧૧ના રોજ ૪૩ વર્ષની વયે દાર્જીલિંગ ખાતે તેમનું અવસાન થયું હતું. દર્જીલિંગમાં વિક્ટોરિયા ધોધ જવાના માર્ગ પર સિસ્ટર નિવેદિતાજીનું સ્મારક આવેલું છે. સ્મારક પર આ પ્રમાણે શબ્દો કોતરાયેલા જોવા મળે છે : “અહીં રહે છે બહેન નિવેદિતા જેમણે પોતાનું સર્વસ્વ જીવન ભારતને આપ્યું.” .(સ્ત્રોત : વિશ્વનાં યાદગાર પ્રવચનો)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
ખુબ સરસ
ReplyDelete