Wednesday, December 28, 2022

લઘુકથા

 ભવિષ્યની ચિંતા


"હાય! કેમ છો? ક્યાં ખોવાયા છો? યાદ પણ કરો છો કે પછી ભૂલી ગયા" મોબાઈલમાં ફ્લેશ થયેલા પ્રકૃતિના મેસેજે કામમાં ડૂબેલા પિંકેશનું ધ્યાન તોડ્યું. મેસેજ વાંચતાં જ હોઠ પર મધુર સ્મિત રેલાઈ ગયું. 

કામની વ્યસ્તતા વિસરાઈ ગઈ અને પિંકેશ તરત રીપ્લાય ટાઈપ કરવા લાગ્યો. "તમે એમ થોડા ભુલાવ એમ છો ? યાદ તો સતત આવો છો પણ જુઓને આ કામની વ્યસ્તતા ! શ્વાસ લેવાનો પણ સમય જ ક્યાં મળે છે. ?" 

"શ્વાસ ચાલશે છે ત્યાં સુધી કામ ચાલતું જ રહેશે. તમે જુઓ જ છો ને હું પણ ક્યાં ફ્રી રહું છું એમ છતાં યાદ કરી લઉં છું કે નહીં !?"

પ્રકૃતિના વળતા મેસેજનો જવાબ કઈ રીતે આપવો એ પિંકેશ વિચારી રહ્યો અને મેસેજ ટાઈપ કરવા લાગ્યો. "બોલો, ક્યારેય મળવું છે ?" પ્રકૃતિ જાણે આ શબ્દોની જ રાહ જોતી હતી. મેસેજ વાંચતાની સાથે પ્રકૃતિએ લખ્યું "આપ કહો ત્યારે હું હાજર" પિંકેશે જવાબ વળ્યો " ખૂબ જલ્દી મળીએ છીએ, લોન્ગ દ્રાઇવ પર જઈએ ક્યાંક દૂર." વાત પૂરી કરી પિંકેશ ફરી પાછો કામમાં જોડાયો. 

"પ્રકૃતિ કયા વિચારોમાં ખોવાઈ છે? કોઈ પ્રોબ્લેમ્સ તો નથી ને ?" દ્રઈવિંગ કરી રહેલા પૂર્ણશના પ્રશ્ને મોબાઈલમાં ડૂબેલી પ્રકૃતિ સફાળી જાગી અને બોલી : "તમે છો તો પ્રોબ્લમ્સની તાકાત છે કે મારી પાસે પણ ફરકે ? અને તમે બાજુ હો ત્યારે તમારા સિવાય ક્યાં ખોવાવાનું હોય? કેટકેટલી તકલીફો અને વ્યસ્તતા વચ્ચે પણ હું યાદ કરું છું ત્યારે તરત દોડી આવો છો તમે. બસ મને તમારા જ ભવિષ્યની ચિંતા રહ્યા કરે છે સતત." 
પ્રકૃતિનો હાથ હાથમાં લઈ પૂર્ણશે ચૂમી લીધો.

Sunday, December 25, 2022

સન્ડે સ્પેશિયલ

‘હે પિતા, એમને તું માફી આપજે; કેમ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી.’ : ઈસુ ખ્રિસ્ત


આજે 25 ડિસેમ્બરે છે. અને 25 ડિસેમ્બરે  વિશ્વભરમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેથી જ લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ પર ક્રિસમસની ઉજવણી કરે છે. તમામ ધર્મના લોકો આ તહેવારને ઉત્સાહથી ઉજવે છે.

ઈસુનો જન્મ અલૌકિક પ્રકારે થયો હતો. યહૂદી પ્રજાની માન્યતા પ્રમાણે મરિયમની જોસેફ જોડે સગાઈ થઈ હતી, પણ લગ્ન થયું ન હતું. પોતાના સહવાસ વગર મરિયમ ગર્ભવતી બની છે તે જાણી જોસેફ મરિયમથી છૂટા થવાનું નક્કી કરે છે, ત્યાં એક દેવદૂત તેમને દર્શન આપીને કહે છે કે મરિયમને જે ગર્ભ રહ્યો છે તે ઈશ્વરની શક્તિને લીધે છે. જોસેફ તથા મરિયમ બાદશાહના હુકમ પ્રમાણે, પોતાના બાપદાદાના શહેર બેથ્લેહેમમાં વસ્તીગણતરી માટે નામ નોંધાવવા આવ્યાં હતાં. લોકોની ભારે ભીડને કારણે આ નાના કસબામાં તેમને જગા ન મળવાથી, તેમણે એક ગમાણમાં આશરો લીધો અને ત્યાં જ ઈસુનો જન્મ થયો. તેમનો જન્મ ડિસેમ્બર માસની પચીસમી તારીખે થયો હોવાનું ખ્રિસ્તીઓ માને છે.

ઈસુનો જન્મ બેથ્લેહેમની ગમાણમાં ઘાસની પથારી પર થયો ત્યારે પશ્ચિમે શુક્રનો તારો (ગ્રહ) પ્રકાશતો હતો. એમ કહેવાય છે કે એમના જન્મસમયે આ જે અલૌકિક તારો આકાશમાં ઊગેલોતેની દિશા પરથી માર્ગ શોધતા ત્રણ મહાન ભવિષ્યવેત્તાઓ આ નવજાત બાળકનાં દર્શન કરવા બેથ્લેહેમ આવેલા. આજે પણ ઈસુના જન્મદિવસે ખ્રિસ્તીઓ પોતાનાં મકાનો ઉપર તારાનાં પ્રતીકો મૂકે છે.

            કેટલાક સંશોધનકારોના મતે ઈસુનું નામ ઈસુ પણ નહોતું અને જિસસ પણ ન હતું. ઈસુ યહૂદી હતા અને યહૂદીઓની પ્રાચીન હિબ્રૂ ભાષામાં ઈસુનું નામ જોસુઆ હતું. ગ્રીકોએ તેમને ગ્રીક ભાષામાં જિસસ કહ્યા. પૅલેસ્ટાઇનની આરામેઈક અને હિબ્રૂ ભાષામાં ‘મેસાઈઆહ’ એટલે રાજા તરીકે આવી રહેલા ‘મુક્તિદાતા’ એવો અર્થ થાય છે. આથી ભારતમાં વસતા ખ્રિસ્તીઓ તેમને ઈસુ મસીહા કહે છે. ગ્રીક ભાષામાં ‘ક્રિસ્તોસ’ એટલે ‘પયગંબર’ પરથી તેઓ ઈસુ ખ્રિસ્ત અથવા જિસસ ક્રાઇસ્ટ પણ કહેવાય છે.

ગૅલિલીમાં નૅઝરેથ નામના સ્થળે ઈસુને ઉછેરવામાં આવ્યા હતા. તેમનાં મા-બાપ યહૂદી રીતરિવાજો પાળતાં હતાં. જિસસ નાનપણથી જ એક અલૌકિક બાળક હતા. તેમણે સ્થાનિક યહૂદી દેવળ(synagogue)માં શિક્ષણ લીધું હતું. તેમના  જન્મસમયે પૅલેસ્ટાઈનમાં રોમન સામ્રાજ્ય પ્રસરી ચૂક્યું હતું. એક બાજુથી તે સામ્રાજ્યનો જુલ્મ અને બીજી બાજુથી યહૂદી ધર્મગુરુઓની શોષણનીતિ – આમ બંને રીતે તત્કાલીન પ્રજા કચડાયેલી હતી. ડૅવિડ અને સૉલોમનના ઉપદેશો લોકો ભૂલવા લાગ્યા હતા. આ સમયે લોકોના ઉદ્ધાર અર્થે ઈસુ જન્મ્યા. તેમના જીવનનાં 30 વર્ષ નૅઝરેથમાં વીત્યાં. તેઓ આજીવન અપરિણીત હતા. તેઓ તેમના પિતાજીને સુથારી કામમાં મદદ કરતા. કોઈ વાર તેઓ આધ્યાત્મિક સાધના અર્થે એકાંતવાસમાં ચાલ્યા જતા. પોતે યહૂદીઓના ઉદ્ધારક ‘મસીહા’ છે એમ માનવા લાગ્યા.

બાળકમાત્ર જન્મે છે ત્યારે પાપી હોય છે અને ખ્રિસ્તી ધર્મની દીક્ષા અપાય ત્યારે જ તે ઈસુની કૃપાથી પાપમુક્ત થાય છે એવો સિદ્ધાંત ખ્રિસ્તી ધર્મમાં છે; તેનાં મૂળ સ્વયં ઈસુના ‘બૅપ્ટીઝમ’(ધર્મદીક્ષા, જળસંસ્કાર કે સ્નાનસંસ્કાર)માં જોવા મળે છે. જૉર્ડન નદીના કિનારે જૉન નામના એક મહાત્મા યહૂદીઓને પોતાનું જીવન સુધારવા ધાર્મિક ઉપદેશ આપતા. જૉનના ઉપદેશની ઈસુ ઉપર ખૂબ ઊંડી અસર થઈ. આથી તેમણે જૉન પાસે ધર્મદીક્ષા અંગીકાર કરી. જૉને આ અગાઉ લોકોને કહેલું કે ઈશ્વરનું રાજ્ય સ્થાપનાર એક એવો મહાપુરુષ મારી પછી આવી રહ્યો છે કે જેના બૂટની દોરી છોડવા પણ હું લાયક નથી.

દીક્ષા ગ્રહણ કર્યા બાદ ઈસુ બોધ આપતા સમાજસુધારક તરીકે લોકોમાં ફરવા લાગ્યા. તેમના બાર શિષ્યો (apostles) હંમેશાં તેમની સાથે જ રહેતા અને જીવનનિર્વાહ કરતા. એ સમયે યહૂદીઓમાં બે પંથ હતા. સેડ્યુસી પંથ સુધારક અને રાજકારણી ગણાતો, જ્યારે ફારીસી પંથ રૂઢિચુસ્ત હતો. ઈસુએ ફારીસી પંથના યહૂદીઓ વિષે ઉગ્ર ટીકા કરી તેમનો રોષ વહોરી લીધો. ઈસુ પ્રખર વક્તા હતા અને દાખલા-દલીલો સાથે પ્રવચનો આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા. તેઓ નબળા લોકોને મદદ કરતા. સામાન્ય લોકો તેમને પયગંબર તરીકે માનવા લાગ્યા. જે લોકો આસુરી તત્વોથી હેરાન થતા હતા તેમનાં દુ:ખો તે દૂર કરતા હતા. તેમના વિરોધીઓને લાગ્યું કે ઈસુ તો ભવિષ્યમાં રાજા થઈ જશે અને પરિણામે તેમની સત્તા જતી રહેશે. આથી બંને જૂથોએ મળીને કાવતરું રચ્યું અને ઈસુના અનુયાયીઓ પૈકી એક શિષ્ય જૂડાસને ફોડવામાં આવ્યો.

ઈસુ જ્યારે ભોજન કરતા હોય ત્યારે તેમને પકડાવી દેવાની એક યોજના તેમણે ખાનગી રીતે ઘડી કાઢી. તેમની ધરપકડ કરી. તેમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે પોતાને પયગંબર અને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવીને ઈશ્વરની નાલેશી કરે છે. આ પ્રકારનો ગુનો યહૂદી કાયદાનુસાર મૃત્યુની સજાને પાત્ર હતો. જોકે રોમન ગવર્નર પૉન્તિયસ પાયલેટ ઈસુને મોતની સજા કરવા રાજી ન હતા. પરંતુ રૂઢિચુસ્ત અને ઉશ્કેરાયેલા યહૂદીઓના વિશાળ સમુદાયને નારાજ કરવાની તેમની હિંમત ન ચાલી તેથી તેમણે ઈસુને ક્રૉસ પર લટકાવી વધ કરવાની આજ્ઞા આપી. તે પહેલાં તેમના પર બહુ જુલ્મ ગુજારવામાં આવ્યો. તેમના માથા પર કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો, તેમનાં વસ્ત્રો ઉતરાવી નાખી કોરડા ફટકારવામાં આવ્યા અને તેમની પાસે વધસ્તંભનો બોજ ઊંચકાવી તેમને નગર બહાર લઈ જવામાં આવ્યા. ઈસુએ ક્રૂર સતામણી સહન કરી લીધી. તેમના શરીરમાંથી લોહી વહેતું હતું. કંઠ રૂંધાતો હતો; એ જ સ્થિતિમાં તેમના હાથે અને પગે ખીલા ઠોકી તેમને ક્રોસ પર જડી દેવામાં આવ્યાં. ખ્રિસ્તીઓ માને છે કે હસતે મોઢે વધસ્તંભ પર ચઢીને ઈસુએ માનવસમાજનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું. અંતિમ સમયે બહુ થોડા લોકો તેમની નજીક હતા.  33 વર્ષની યુવાન વયે તેઓ મોતને ભેટ્યા.

ઈસુની ઉપદેશ આપવાની રીત તદ્દન સાદી અને સરળ હતી. તેઓ પોતાના ઉપદેશને નાની નાની વાર્તાઓમાં વણી લેતા. આથી તેમના ઉપદેશની લોકો ઉપર જાદુઈ અસર થતી અને સમય જતાં અસંખ્ય લોકો તેમના પ્રત્યે આકર્ષાઈને શિષ્યો થવા આગળ આવતા. ઈસુ નાના બાળકના જેવા ભાવથી ઈશ્વરના રાજ્યને આવકારવાની વાત કરે છે. બાળકો જેવી નિર્દોષતા, નમ્રતા અને પ્રેમ હશે તો જ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકાશે એમ તેઓ કહેતા.

તેમના જીવન સાથે અનેક ચમત્કારી કાર્યોના પ્રસંગો પણ જોડાયેલા છે. તેમના સ્પર્શથી પ્રજ્ઞાચક્ષુ લોકો દેખતા થતા, પરંતુ ઈસુને પોતાની આવી અલૌકિક શક્તિથી આશ્ચર્ય થતું અને જ્યારે કોઈ તેમની આ શક્તિની પ્રશંસા કરતા ત્યારે તેઓ કહેતા : ‘જાઓ; શાંતિથી રહો, અને હવે પાપ ન કરતા. તમારી શ્રદ્ધાએ તમને સાજા કર્યાં છે.’ તેમના ઉપદેશની શરૂઆતમાં તેમણે જાહેર કરેલું કે ‘ઈશ્વર તરફથી એક સારા સમાચાર મળ્યા છે, ઈશ્વરના રાજ્યનો સમય આવી ગયો છે. માટે પ્રાયશ્ચિત્ત કરો અને આ સારા સમાચાર ઉપર વિશ્વાસ રાખો.’ ઈસુને તો માનવજાતિની સેવા કરવી હતી. પ્રભુ સાથે તેમનો ગાઢ સંબંધ થયો હતો એ બાબતના અનેક પુરાવા તેમના જીવનચરિતમાંથી મળી આવે છે. ‘હું મનુષ્યોનો ઉદ્ધારક કે મુક્તિદાતા છું’ એમ તેમણે જાહેર કર્યું હતું. પોતે અને પોતાના પિતા પ્રભુ એક છે એમ તે કહેતા.

યહૂદી ધર્મના સ્થાપક મોઝીઝને ઈશ્વરે જે દસ આજ્ઞાઓ આપી હતી તેના અનુસંધાનમાં જ ઈસુએ નવી આજ્ઞાઓ આપી છે. આ આજ્ઞાઓ ‘ગિરિપ્રવચનો’ તરીકે ઓળખાય છે. આ નવી આજ્ઞાઓમાં જૂની આજ્ઞાઓનો વિરોધ નથી તેમજ અન્ય યહૂદી ઉપદેશકોએ આપેલા ઉપદેશનો પણ વિરોધ નથી. ઈસુએ નવી આજ્ઞાઓમાં જૂના ઉપદેશનું પુન:અર્થઘટન કર્યું છે. ‘ગિરિપ્રવચનો’માં સમગ્ર ખ્રિસ્તી ધર્મનો નિચોડ આવી જાય છે.

ઈસુ કહેતા : ‘નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો હું નાશ કરવા આવ્યો છું એમ ન માનશો; હું તેનો નાશ કરવા નહીં, પણ તેને પૂર્ણ કરવા આવ્યો છું.’ ઈસુએ પોતાના ઉપદેશ દ્વારા શીખવ્યું કે માણસ સામાન્યપણે જે જાતની જિંદગીમાં રચ્યોપચ્યો રહે છે તેના કરતાં ઊંચા પ્રકારની જિંદગી ગાળવી તેને માટે શક્ય છે. તેઓ ધર્મશાસ્ત્ર અને કર્મકાંડની અટપટી ગૂંચોની ચર્ચા નથી કરતા, પણ પોકારીને કહે છે કે, ઈશ્વર પ્રેમસ્વરૂપ છે, દયાઘન છે. વિશ્વમાં જે સત્ય છે, તેનો સાક્ષાત્કાર કરી શકાય એમ છે. માણસે માણસ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. જગન્નિયંતાએ જગતનો જે હેતુ નિર્મ્યો છે તેને માણસે અનુકૂળ બનવું જોઈએ ને તેમાં ભળી જવું જોઈએ. ધર્મનાં કેન્દ્રવર્તી સત્યો આ છે એમ પણ તેમણે કહેલું. ઈશ્વરના એ પ્રેમનું દર્શન ઈસુએ પોતાના જીવન દ્વારા જગતને કરાવ્યું.
             
ઈસુ પોતાને ‘ઈશ્વરના પુત્ર’ તરીકે ઓળખાવતા. સાથે સાથે પોતાને ‘મનુષ્યપુત્ર’ પણ કહેતા. તેઓ મનુષ્યરૂપે જન્મેલ ઈશ્વરપુત્ર હતા, ઈશ્વરના રાજ્યનો જુદો જ ખ્યાલ તેમણે લોકો સમક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે ‘ઈશ્વરનું રાજ્ય લોકોના હૃદયમાં છે. જ્યારે તમારા હૃદયમાં અન્ય લોકો પ્રત્યે પ્રેમ હોય અને એ પ્રેમ વિશ્વમાં ફેલાય ત્યારે સમજવું કે તે ઈશ્વરનું રાજ્ય છે. માનવપ્રેમ એ જ પ્રભુપ્રેમ છે. માનવસેવા એ જ ખરી પ્રભુસેવા છે. જે માનવોને ચાહે છે, તેને ઈશ્વર ચાહે છે. જે માનવી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને સન્માર્ગે વળે છે, તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે છે. તમે જો તમારા બંધુઓના અપરાધોને સાચા દિલથી ક્ષમા નહિ કરો તો ઈશ્વર પણ તમારા અપરાધોને માફ નહિ કરે.’ ઈસુએ જે બોધ અને આદર્શ લોકોને આપ્યા છે એ પ્રમાણેનું જીવન પણ તેમણે જીવી બતાવ્યું છે. ‘પ્રેમ’ અને ‘ક્ષમા’ના આદર્શો તેમણે પોતાના જીવનમાં આચરી બતાવ્યા છે.



      
ઈસુ વધસ્તંભ પર ચડ્યા ત્યાં તેમણે પ્રાર્થના કરેલી : ‘હે પિતા, એમને તું માફી આપજે; કેમ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી.’ એ વચનમાં પાપીઓ પ્રત્યેનો તેમનો જે પ્રેમ વ્યક્ત થાય છે તે ઈશ્વરના તેનાં બાળકો પ્રત્યેના વાત્સલ્યની બરોબરી કરે એવો છે.

જીવનની જેમ તેમના મૃત્યુની સાથે પણ ચમત્કારિક ઘટના સંકળાયેલી છે. જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા તે કબરને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ બે દિવસ પછી ત્રીજા દિવસે તે ખાલી જણાઈ હતી. લ્યૂકે પોતાના ગૉસ્પેલમાં લખ્યું છે કે ઈસુને દફનાવી દેવાયા પછી ચાલીસમા દિવસે કબરમાંથી સદેહે ઊઠીને તેમને સ્વર્ગમાં જતા અનેક લોકોએ જોયા હતા. બાઇબલ કહે છે ‘તે અહીં નથી, પણ જતા રહ્યા છે.’ (માર્ક 16.6). ‘ઈશ્વર તેમને મૃત્યુની વેદનામાંથી મુક્ત કરી ઊંચે લઈ ગયા, કારણ કે તેમને વેદના થાય એ સંભવિત ન હતું.’ (ઍક્ટ્સ 2 અને 24). આ બનાવને પુનરુત્થાન (resurrection) કહે છે.

ઈસુનો ફરીથી સમાગમ થયો ત્યારે તેમના શિષ્યોને ખાતરી થઈ કે ઈસુ ફરીથી જીવે છે. અંતિમ સમયે ઈસુએ આશીર્વાદ આપ્યા અને પોતાના શિષ્યોને કહ્યું કે હું હમેશાં જીવતો જ છું અને આ વાતની અને મારા સિદ્ધાંતોની આખા જગતમાં તમે સાક્ષી પૂરજો. (લ્યૂક 20 : 51-52 તથા માર્ક 16 અને 20). આ બનાવથી તેમના શિષ્યોને નવું બળ અને પ્રોત્સાહન મળ્યાં. આ દિવ્ય પ્રેરણાથી પ્રેરાઈને તેઓ ઈસુનો સંદેશો આપવા સર્વ દિશાઓમાં નીકળી પડ્યા. ઈસુનું જીવન અને કવન જગતના અનેક દેશોમાં ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા તથા માન્યતાનો આધારસ્તંભ બની રહ્યું છે.  (સંદર્ભ : ચીમનલાલ વલ્લભરામ રાવળ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ.)

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, December 18, 2022

સન્ડે સ્પેશિયલ

 એકવીસમી સદીનું અનુપમ અચરજ એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ !

न भुतो न भविश्यति”  આ ઉક્તિ તો આપણે પહેલાં પણ અનેક વાર સાંભળી હશે, પરંતુ આ ઉક્તિને સાર્થક થતી આપે ક્યારેય નિહાળી છે ખરી ? જો આ ઉક્તિને સાર્થક થતી નિહાળવી  હોય તો, અમદાવાદને આંગણે યોજાઈ રહેલા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની એક વાર મુલાકાતે  જવું પડે. અહી  ભવ્ય અને દિવ્ય નગરી નિર્માણ પામી છે, જે વિશ્વની સાત અજાયબીઓને ક્યાંય પાછળ રાખી દે એવા અનુપમ અચરજ અહીં સર્જાયાં છે. આજના સમયમાં કાળા માથાના માનવી માટે આવાં વિસ્મય સ્વીકારવાં સહેજ પણ સહજ નથી.

       પ્રગટ ભ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે  કરોડો લોકોના જીવન ઉત્કર્ષ માટે પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરી દીધું. એક આયખામાં તેઓ જે કામ કરી ગયા એટલાં કામ કરવા સામાન્ય મનુષ્યે અનેક અવતાર લેવા પડે. સનાતન સંસ્કૃતિને ધબકતી રાખવા દુનિયામાં ૧૨૦૦ કરતાંય વધુ શિખરબંધ ભવ્ય મંદિર નિર્માણનું ભગીરથ કાર્ય બાપાએ કર્યું છે. પળના વિરામ વિના અહર્નિશ વિચરણ કરતા જ રહ્યા. અંતરિયાળ અને છેવાડાના ગામોમાં લાખો ઘેર પધરામણી કરી, લાખો કરોડો લોકોને રૂબરૂ મળ્યા, લાખો લોકોને સ્વ હસ્તક્ષારે પત્રો પાઠવ્યા. જેઓ પણ પૂજ્ય બાપાનો સ્પર્શ પામ્યા છે તેઓ આજીવન એ હુંફાળો સ્પર્શ ભૂલી શકશે નહિ. પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય ચેતના ગુરુહરિ શ્રી મહંતસ્વામી સ્વરૂપે આપણી વચ્ચે બિરાજમાન  છે. અને પ.પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી પૂ. બાપની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવની શરૂઆતની તૈયારીથી માંડી અંતિમ ક્ષણ સુધી દૈવી આશીર્વાદનો અહેસાસ પળેપળ અનુભવતો રહે છે. બુદ્ધિના તર્કો જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી શ્રદ્ધાની સીમાની શરૂઆત થાય છે.       

અમદાવાદ જેવા શહેરના ખેડૂતો અને બિલ્ડરો કોઈ પણ જાતના વળતર વિના સાતસો એકર જેટલી વિરાટ જગ્યા માટે બાપાના જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવણી માટે ખાલી કરી આપે, આ વાત આમ તો માન્યામાં ન આવે તેવી છે. પરંતુ પ્રભુ કૃપાએ અસંભવ લાગતી તમામ બાબતો અહી સુલભ બની છે. થોડા મહિનાઓ પહેલાં જો આપ આ સ્થાનની મુલાકાત લીધી હોત તો આપ કલ્પના પણ ન કરી શકો કે આ દિવ્ય નગરી આટલા ટૂંકા ગાળામાં તૈયાર થાય ! દેશ-વિદેશના લાખો હરિ ભક્તોના શ્રમદાને અશક્ય લાગતી બાબતોને શક્ય બનાવી છે. હરિભક્તોની બાપા પ્રત્યેની શ્રદ્ધા પણ કેવી કે લાખો રૂપિયાના પગારના પેકેજ છોડી અહી પાવડો પકડી બાપનો રાજીપો પામવાનું પસંદ કર્યું. ગુજરાત ભૂમિના ભામાશા અબજોના આસામી  એવા સુરતના લવજી બાદશાહ સાહેબની લાડલી દીકરીએ પણ સેવાના ભાગરૂપે માટીનાં તગારાં ઊંચક્યા છે. આવા તો અનેક પ્રેરણારૂપ દાખલા અહી ડગલેને પગલે જોવા મળે છે.

માઈક્રો મેનેજમેન્ટ પ્લાનિંગમાં BAPS સંસ્થાને કોઈ ન પહોંચે આ વાત તો હવે વિશ્વના મેનેજમેન્ટ ગુરુઓ પણ સ્વીકારી રહ્યા છે. વેલ એજ્યુકેટેડ સાધુ સંતોએ આધ્યાત્મની ઉંચાઈની સાથે સાથે મેનેજમેન્ટની નવી દૃષ્ટિ દુનિયાને ભેટ આપી છે.  BAPS સંસ્થાનો નાનો કે મોટો કોઈ પણ ઉત્સવ હોય, જેમાં લાખોની સંખ્યામાં હરિ ભક્તો આવતા જતા હોય એમ છતાં BAPS ની  વ્યવસ્થા, સ્વચ્છતા, સુઘડતાનો ક્યાંય જોટો જડે એમ નથી.  

       ૧૪મી ડીસેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપસ્થિતિમાં જાજરમાન કાર્યક્રમ થકી જન્મ શતાબ્દી મહોત્સવનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે.

એક મહિના સુધી ચાલનારા મહોત્સવમાં લાખો હરિભક્તો ઉમટવાના છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એક એક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. 

સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે ઉભા કરવામાં આવેલા સ્વામિનારાયણનગરમાં બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવી રચનાઓ કરવામાં આવશે. પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેના સાત પ્રવેશ દ્વાર ઊભા કરવામાં આવ્યા છે. 

આ મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે. અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. 

પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે. 


આ મહોત્સવમાં શું જોવા મળશે ?

1.     700 એકરમાં આ ભવ્ય મહોત્સવ થઇ રહ્યો છે.  જેમાં વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો.

2. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની  30 ફૂટની ઊંચાઈ વાળી ભવ્ય મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે..

3. દિલ્હી અક્ષરધામ જેવા જ અક્ષરધામની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

4. લાઈટ એન્ડ સાઉન્ડ શો જે World Best છે.

 5. ભવ્ય ગ્લો ગાર્ડનનો નજારો છે. જે દુબઈમાં જોવા મળે એ આપણને અહીં નિ:શુલ્ક જોવા મળશે.

6. બાળ નગરી તો આપણું દિલ જીતી લેશે .

7. છ ડોમ છે  જેમાં પ્રેરણાદાયક સંવાદ રજુઆત થશે.

8.જીવનના ઉચ્ચ મૂલ્યો શીખવતા પ્રદર્શનો અત્યંત પ્રેરણાદાયી છે.

9.ખાણી-પીણીના સ્ટોલ્સ (પ્રેમવતી) જ્યાં સુધ્ધ અને સાત્વિક આહાર ઉપલબ્ધ છે.

10.જ્યોતિઉદ્યાન.

 આ મહોત્સવ ફક્ત 30 દિવસ થવાનો છે, ત્યાર પછી ત્યાં મેદાન હશે. આખી દિવ્ય નગરીને  વિસર્જિત કરી દેવામાં આવશે.

પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ’ – ધર્મની આ અનોખી વ્યાખ્યા આપીને સમાજમાં સર્વ ધર્મ-આદરની જાગૃતિ માટે સતત પ્રયાસ કરનાર પ્રમુખસ્વામી મહારાજે દરેક ધર્મની આસ્થા અને પરંપરાને આદર આપ્યો છે. સનાતન હિંદુ ધર્મના એક સ્તંભ તરીકે તેમણે બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ કે અન્ય ધાર્મિક પરંપરાઓ અને ઘણા દેશોના દિગ્ગજો સાથે સંવાદ સાધ્યો છે. તેથી જ પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તમામ ધર્મોનું પ્રયાગ તીર્થ બનશે. મહોત્સવને લોકો જીવનનો ઉત્કર્ષનો મહોત્સવ બની રહે તો નવાઈ નહિ.

 જય સ્વામીનારાયણ. 

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, December 11, 2022

સન્ડે સ્પેશિયલ

શ્રીમદ  જેશીંગ  બાવજીને એક વાર પણ જેણે નજરે જોયા હશે એ તો ભાગ્યે જ એમને ભૂલી શકશે. એમના ચહેરા પરનું તેજ કોઈ જુદી જ ભાતનું હતું.  



 ‘બાવજી’ બોલતાં સાથે લોકસંત  પરમ પૂજ્ય જેસંગ બાવજીની છબી માનસપટ પર  અંકિત થઇ જાય છે ! માથે પાઘડી, શ્વેત ઝભ્ભો, ધોતી, ગોળ ભરાવદાર તેજસ્વી ચહેરો, તેજોમય પાણીદાર આંખો, અને હાથમાં લાકડી સાથે એક દિવ્ય આકૃતિ નજર સામે તરવરવા લાગે.. દર્શન માત્રથી હૃદયમાં શાંતિ વ્યાપી જાય એવું દિવ્ય પ્રભાશાળી વ્યક્તિત્વ એટલે પૂ. જેશીંગબાપા.   આગામી ૧૩મી ડીસેમ્બર થી  ૧૫ મી ડીસેમ્બર સુધી ત્રણ દિવસ ગોધમજી ધામે બાવજીની જન્મ શતાબ્દી મહોત્સવની  ઉજવણી થવા જઈ રહી છે. આખોય  ઈડરિયો પંથક બાવજીની જન્મ શતાબ્દીના ઉજવણીના રંગે રંગાયો છે.

          સાબરકાંઠાનો ઈડર પંથક અતિ પ્રાચીન છે. ગોધમજી એટલે કે ગાંઠિયોલ ઇડરથી માંડ પંદરવીસ કીલોમીટરના અંતરે આવેલું ગોકુળિયું ગામ છે. આંજણા પાટીદારોની વસતી ધરાવતા આ ગામમાં આધ્યાત્મની ખેતી આરંભાશે અને કળીએ કળીએ આધ્યાત્મનો મોલ લચી પડશે  એવી તો કોઈને સ્વપ્નેય કલ્પના ન જ હોય !

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

           ગોધમજી બેતાલીસી પરગણાનું ગામ. આખા પરગણામાં આંજણા પાટીદાર  હરિભાઈ પટેલનું ખોરડું મોભાદાર ગણાતું. આખી બેતાલીસીમાં એમની આણ વરતાતી. સમાજના આગેવાન એવા હરિભાઈના ખોરડે સંતોકબાની કુંખે બાળ જેશાનો જન્મ થયો. સંવત ૧૯૭૮ શ્રાવણ સુદ પૂનમનો એ શુભ દિવસ હતો.

        એક  સાધારણ ખેડૂત પરિવારમાં જન્મીને ગુરુ પ્રતાપે આત્મસાક્ષાત્કાર પામી જેશામાંથી જેશીંગ બાવજી સુધીની જીવન સફર અત્યંત પાવનકારી છે. વિશ્વભરમાં પથરાયેલા લાખો મોમુક્ષુઓને મોક્ષનો રાહ બતાવનાર પૂ. બાવજીનું અનેકોના જીવન પરિવર્તન માટે નિમિત્ત બન્યા. ગુરુ સાથેનો તેમનો પ્રથમ ભેટો રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદજીના પ્રથમ મિલનની યાદી તાજી કરાવે છે. મુનાઇ ગામે પધારેલ રામજીબાપાને મળવા પહોંચેલા  જેશાને દૂરથી  જોઈ કોઈકે રામજીબાપાને કહ્યું કે ‘તમને મળવા ગોધમજીથી હરિ મુખીનો જેશો આવે છે.’ ત્યાં સુધી તો ભાઈ જેશો ઘરના  દ્વાર સુધી પહોંચી ગયેલો.  એને જોઈ રામજીબાપા બોલ્યા : ‘અરે, કુકલા કેટલા જન્મોથી તારી રાહ જોઉં છું.’ રામજીબાપા અને જેશો એકબીજાને પહેલી વાર મળેલા એમ છતાં જાણે પૂર્વની કોઈ ઓળખાણ તાજી થઇ હોય એમ એકબીજામાં લીન થઇ ગયા.

       આ રામજીબાપા એટલે અધ્યાત્મની એરણ પર ઉજળું થયેલું એવું દિવ્ય અને પાવન  વ્યક્તિત્વ કે જેમણે બાલ્યાવસ્થાએ આત્મજ્ઞાન લાદ્યું. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ તેમના જીવનની અંતિમ સમયે તેમના ચાર શિષ્યોને કહ્યું હતું કે ‘મને એવો આભાસ થાય છે કે ઈડરિયા પંથકમાં એક એવો દિવ્ય પુરુષ છે.’ અને દિવ્ય પુરુષ એટલે રામજીબાપા !  તેઓ ખેડબ્રહ્મા પાસેના ગલોડા હાલનું લક્ષ્મીપુરા ગામના હતા. આવા દિવ્ય આત્માઓના મિલાપથી સાબરકાંઠાની ભૂમિ પર ભક્તિ અને માનવતાનો દીપ પ્રગટ્યો.

       રામજીબાપના દેહાવસાન બાદ લગભગ ચોવીસમા દિવસે ગુરુકૃપાથી આત્મસાક્ષાત્કાર પામેલા મુનાઇ વાળા નાથુબાપના દર્શન જેશાને થયાં. અને આત્મા, જન્મ, મૃત્યુ અને સંબંધોની માયાજાળ જેશાને પળમાં સમજાઈ ગઈ.

        સાબરકાંઠાના જલારામ તરીકે લોક હૃદયમાં સ્થાન પામેલા દિવ્ય પુરુષ જેશીંગબાપા અથવા  તો બાવજી નામે ઓળખાયા. વિશ્વ વંદનીય સંતોનો પૂ. જેશીંગબાવજી સાથે હૃદયથી નાતો ધરાવતા હતા. પૂ. પ્રમુખસ્વામી મહારાજે સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ બાવજીના હસ્ત કમળોથી કરાવેલો. વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. મોરારી બાપુ જયારે શામળાજી રામ કથા માટે પધાર્યા હતા ત્યારે  તેઓ પણ બાવજી ને મળવા પધાર્યા હતા.

જેશીંગ બાવજીને  એક વાર પણ જેણે નજરે જોયા હશે એ તો ભાગ્યેજ ભૂલી શકશે. એમના ચહેરાનું તેજ કોઈ જુદી જ ભાતનું હતું. બાવજીની વાતમાં નર્યું આધ્યાત્મ નીતરતું રહેતું. એમને નહોતી કોઈએ નાત. નહોતી કોઈ જાત કે નહોતો કોઈ સંપ્રદાય. એમની દુનિયા ઘણી વિશાળ હતી.

         જ્ઞાની પરાકાષ્ઠાએ પહોચ્યા હોવા છતાં બાવજી પોતાને અભણ ખેડૂત તરીકે ઓળખાવતા. અધ્યાત્મની ઉંચી વાતો પણ એ ખેડૂતની દેશી તળપદી બોલીમાં રજુ કરતા.    તેઓ કહેતા “અલ્યા ભ’ઈ, મું તો અભણ, અણસમજુ, ગાંમડિયો મનેખ ! ગન્યાન ચેવું ને વાત ચેવી ! આ તો રામા બાવજી ને નાથુ બાવજી જેવા પરગટ પુરુષોની ક્રપા : ન ક’ મું તો બળદિયાનાં પૂછડાં આંબળનારો મોનવી !” બાવજીની વાણીમાંથી નરી નિખાલસતા નીતરતી.  ગામેગામમાં  થતા મેરાવાડાઓમાં નિરંતર પ્રવાસ કરતા અને દિવ્ય જ્ઞાનની લ્હાણી કરતા. તેઓ સરળ શૈલીમાં સમજાવતા કહેતા કે “જે બીજા આત્માઓને ઠારે એ ઠરે. બીજા આત્માઓને બાળે એ બળે. જો તમારે અંતરાત્મામાં ઠરવું હોય તો બધા આત્માઓના આશીર્વાદ મેળવો.”

બાવજીએ સૌ જાતિ અને જ્ઞાતિઓને સ્નેહ અને સમરસતાથી ભીંજવી છે. બાહ્ય રૂપે સંસારી અને અને આંતરિક રીતે વૈરાગી બની પોતાના ત્રણ ભાઈઓ, બહેન અને ચાર દીકરીઓ સાથે જનક- વૈદેહી જેવું જીવન જીવી બતાવ્યું.

પૂ. જેશીંગ બાવજીએ  ટીંટોઈ વાળા શિવુભાઈ ભગત સમક્ષ આત્મ સ્વરૂપનો એકરાર કર્યો હતો. શીવુભાઈએ એ દિવ્ય અનુભવ એમની લેખમાળામાં કર્યો છે. (આંજણા દર્પણ નવે. ૨૦૦૩ )  શિવુભાઈ નોંધે છે કે ‘તા. ૨૭/૩/૧૯૭૧ ના રોજ હડીયોલ ગામે પૂ. વેણાદાદા (મોટા)ના ઘેર , રાત્રીના દોઢેકના સુમારે સત્સંગ મંડળી સાથે ભગવાન જેશંગબાપાની લાગણીસભર શિખામણ આ શિવાને ! “ શિવા, શિવા, તું એમ કહે એમ કરવા હું કરવા તૈયાર છું. તું જરા સમજ. કૃષ્ણ ભગવાને તો માત્ર ગોવર્ધન જ ટચલી આંગળીએ તોળ્યો હતો. હું તો આખે આખી પૃથ્વી તોલી શકું તેમ છું. તું એમ ન સમજતો કે મને લખતા નથી આવડતું. અરે, મને તો એવું આવડે છે કે મોટા મોટા વેદાંત પણ લખી શકું. અલ્યા, હું બધું જાણું છુ પણ જાણી જોઈ બોલતો નથી.”

 સંવાદ આગળ ચાલે છે. “ શિવા હજી તને મારા બળની ખબર નથી. આત્માનું બળ એટલે ? ધરતીને કહીએ ‘ફાટ’ – તો ફાટી જવું પડે. ‘સૂર્ય-ચંદ્ર બંધ’ કહેતાની સાથે એ બેઉને બંધ થઇ જવું પડે. વરસાદ કોના કારણે વરસે છે ? આ તારામંડળ ને ચાંદો સૂરજ કોના આદેશથી ઊગે છે ? – વિચાર્યું છે કદી ?”

મોડી રાતે પોતાનો સાચો પરિચય પ્રગટ કરી બહુ હેતથી શીવાભાઈ સહિત સૌ ભક્તોને એમણે સૂઈ જવા જણાવ્યું હતું : ‘બહુ મોડું થઇ ગયું છે. સૂઈ જાઓ રામ રામ.”

સંવત ૧૯૪૭ ને શ્રાવણ વદ અગિયારશના દિને બાવજીએ જીવન લીલા સંકેલી લીધી. બાવજી એમની હયાતીમાં  તીર્થરૂપ બની ગયા હતા.  બાવજીના દેહત્યાગના ૩૧ વર્ષ જેટલો સમય થવા છતાં એમણે શરૂ કરેલી અબોલ  જીવ સેવા અવિરત ચાલી રહી છે. સેવા કાર્યોની સૌરભ ગુજરાતના સીમાડા વટાવી બીજા રાજ્યો સુધી પ્રસરી રહી છે. અબોલ પશુ પંખીઓ માટે પાણીના હવાડા, પંખીના ચણ માટે અસંખ્ય ચબુતરાઓ નિર્માણ પામ્યા છે.  ગુજરાતના ગામડાંથી શરુ કરેલ સેવા યજ્ઞ  રાજસ્થાનનાં જેસલમેર સુધી વિસ્તાર  પામ્યો છે.

હાલ પણ દર ગુરુવારે ગોધમજીના સ્મૃતિ મંદિરમાં બાવજીના પ્રવચનોની વિડીઓ કેસેટ દ્વારા જ્ઞાન ગંગા અવિરત વહી રહી છે. ત્રણથી ચાર હજાર જેટલા મુમુક્ષુઓ દર ગુરુવારે વહેતી આ જ્ઞાનગંગામાં ડૂબકી લગાવી ધન્ય બને છે. અને આ સ્મૃતિ મંદિરમાં વર્ષ દરમિયાન એકત્રિત થયેલી અંદાજે ત્રીસેક લાખ રૂપિયા જેટલી ભેટ અબોલ જીવોના ચણ-પાણી માટે ખર્ચવામાં આવે છે.

મુંબઈમાં કરોડોનું કમઠાણ છોડી, બાવજીનો પડ્યો બોલ જીલવા તત્ધપર રહેતા પ્રેમુભાઈ ઠાકર જેવા સમાજના ભામાશાઓના સહીયોગથી  પૂ. જેશીંગબાવજીના નામે આધુનિક સગવડોથી સજ્જ એવી અદ્યતન હોસ્પિટલ ગોધમજીમાં ગામમાં  નિર્માણ પામી છે. જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે. 

ગોધમજી ઉત્સવ ધામ બન્યું છે એમ કહીએ તો જરાયે ખોટું નથી. બાવજીની જન્મ જયંતી હોય કે સાક્ષાત્કાર દિવસ હોય, ગુરુ પૂર્ણિમા હોય કે બેસતું વરસ હોય અહી આનંદોત્સવો ઉજવાતા રહે છે. બાવજીના કૃપાવર્ષા હર હંમેશ અવતરતી રહે છે. હજારોની સંખ્યામાં મુમુક્ષુઓ સ્મૃતિ મંદિરના દર્શને આવે છે.  અને ધન્યતા અનુભવે છે. બાવજીની માયા અનંત છે.

   ૧૩ મી ડિસેમ્બરથી શરુ થતા  બાવજીની જન્મ શતાબ્દીના ભવ્ય ઉત્સવનો લાહવો ચૂકવા જેવો નથી. આવો ગોધમજી સ્મૃતિ મંદિરમાં જઈ પાવનકારી સંત ચરણમાં જઈ શીશ નમાવી ધન્ય બનીએ. સૌને હેતે રામ રામ.                            (સંદર્ભ : બાવજી : ડૉ. કેશુભાઈ દેસાઈ)

-      ઈશ્વર પ્રજાપતિ

 9825142620

    

Sunday, December 4, 2022

સન્ડે સ્પેશિયલ

 બાળવયે લકવાના કારણે વિનોદભાઈ દિવ્યાંગ બન્યા પરંતુ દૃઢ મનોબળના સહારે અનેક દિવ્યાંગજનોના રાહબર બની જીવન જીવવાની નવી આશા પ્રગટાવી.

ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી અને માન. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સન્માન સ્વીકારતા વિનોદભાઈ પટેલ 

 ગઈ કાલે ૩ જી ડીસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. દિવ્યાંગ હોવા છતાં પોતાની મર્યાદાઓને ઓળનાગીને વિશ્વ કક્ષાએ નામના મેળવનાર દિવ્યાંગ ભાઈ બહેનનોનો તો આપણને પરિચય હોય છે. પરંતુ આપણી આસપાસ રહેતા અને સમાજ માટે ઉમદા સેવા કર્યો કરતા અનેક દિવ્યાંગ પ્રતિભાઓથી આપણે અજાણ જ રહેતા હોઈએ છીએ. અરવલ્લી જીલ્લાના દિવ્યાંગ જનો માટે પાયાનું કામ કરનાર એવા જ એક વિરલ દિવ્યાંગ પ્રતિભાનો પરિચય કરાવવો છે.

        તેમનું નામ છે વિનોદચંદ્ર ભીખાભાઈ પટેલ. તેઓ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના બુટલ ગામના વતની છે. હાલ ૬૫ વર્ષની વયે પણ દિવ્યાંગ જનોની સેવા માટે અવિરત દોડ્યા કરે છે. આવો તેમની કેફિયત તેમના જ શબ્દોમાં જાણીએ.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

      વિનોદભાઈ કહે છે. ૨૬મી ડીસેમ્બર ૧૯૫૭ના રોજ એક તંદુરસ્ત શિશુ તરીકે  મારો  જન્મ થયો. જન્મ સમયે શારીરિક કોઈ તકલીફ ન હતી. પરતું જન્મ થયા બાદ એક – બે વર્ષની ઉંમરે બાળલકવો થયો. એ જમાનામાં એક તો  ખૂબજ ટાંચા સાધનો અને ટેકનીકલ કોઈ સુવિધા ગ્રામીણ ક્ષેત્રે ઉપલબ્ધ હતી નહીં. પરંતુ પાસેનું નાનું શહેર એટલે ધનસુરા ગામ જે હાલ તાલુકા મથક છે. ત્યાં એ જમાનાના એમ.બી.બી.એસ. ર્ડા. મોહનભાઈ શાહ સાહેબને દવાખાને મારા પિતાશ્રી તથા માતુશ્રી દોડી પહોંચ્યા. અને ર્ડાકટર દ્વારા  ત્વરીત નિર્ણય લેવામાં આવ્યો અને બાળલકવાનું નિદાન થયું. અને  ર્ડાકટર  દ્વારા કુલ ૧૮ (અઢાર) ઈન્જેકશન લેવા જણાવાયું. ટ્રીટમેન્ટ શરૂ થઇ. ૧૮ માંથી  ૯ (નવ) ઈન્જેકશનનો કોર્ષ પુરો થયો અને એ પછી પરિવારજનો અંધશ્રદ્ધા તરફ  પ્રેરીત થતાં દવા ન કરાવવા તથા બાધા–આખડી રાખી મારા સાજા થવાની રાહ જોતા રહ્યા. ૯(નવ) ઈન્જેકશનની અસરથી કમરનો ભાગ રીકવર થતાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળ્યું.  અને એક મહીના પછી બાધા પૂર્ણ કરી ફરી દવાખાનાનો સહારો લેવા મારા પિતાશ્રી પહોંચ્યા ત્યારે ખૂબજ મોડું થઈ ગયેલ અને નસો બીલકુલ સુકાઈ ગયેલ. જેથી હું દિવ્યાંગ થયો.

        એક તરફ મારી ઉંમર સાવ નાની અને બીજી તરફ મારી બાળલકવાની બીમારી  એ જ અરસામાં  મારાં માતુશ્રીનો સ્વર્ગવાસ થયો. જાણે અમે નોધારાં બની ગયાં. મારી બહેનોએ માતાની ભૂમિકા ભજવી અને  મારું પાલન પોષણ કરી મારો ઉછેર કર્યો..

       વર્ષ ૧૯૬૩માં મારી ઉંમર પાંચ – છ વર્ષ થતાં બુટાલ પ્રાથમિક શાળામાં અને બેસાડવા મારા પિતાશ્રી ગયા તો શાળાના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું  કે  આવા બાળકોને અમો દાખલ કરીએ પણ રીસેસમાં એને પાણી-પેશાબ વગેરે કોણ મદદ કરે? પણ મારા પિતાશ્રીએ નમતું ન આપી પ્રાથમિક શાળામાં એડમીશન લેવડાવ્યું. પ્રાથમિક શિક્ષણ ધોરણ – ૧ થી ૬ બુટાલમાં લીધું. અને વધુ અભ્યાસ માટે અમદાવાદ અપંગ માનવ મંડળમાં મને ધોરણ – ૭ માં એડમીશન મળ્યું. ત્યારે ફાઈનલ પરિક્ષા પણ આપી. અહી ઘણા બધા દિવ્યાંગ મિત્રો જોડે રહેવાનું હોઈ દિવ્યાંગતાને ભૂલી ગયો. એ અરસામાં મારા પિતાશ્રીની છત્રછાયા ગુમાવી.

       હવે ઘરની પણ જવાબદારી આવી. ધોરણ – ૭ સુધી અભ્યાસ કરી બુટાલ ગામમાં પાન - બીડી - ગોળી - બીસ્કીટનો નાનો ધંધો ચાલુ કરી ઘરને મદદરૂપ થયો. પરંતુ મન માનવા તૈયાર ન હતું કે દિવ્યાંગતાને લઈને બેસી રહેવું. માટે મનમાં કાયમ એકજ વિચાર આવતો કે મારા જેવા ઘણા દિવ્યાંગ ભાઈ – બહેનો હશે અને તેમને કોઈ મદદ કરતું નહી હોય તો તેમનું શું ? જેથી પાનના ગલ્લા સાથે ઘરની જવાબદારી વચ્ચે પોષ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યુ.  કોઈપણ દિવ્યાંગ ભાઈ – બહેન મળે તો તેનું સરનામું પોસ્ટકાર્ડમાં લખી લેવું. અને પછી અમદાવાદ આંબાવાડી ધી સોસાયટી ફોર ફીઝીકલી હેન્ડી કેપ્ડ સંસ્થાના સંચાલક સાહેબ શ્રી કનુભાઈ શેલાર તથા કાન્તીભાઈ પરમાર સાહેબ દ્વારા પ્રોત્સાહન મળતાં ૧૯૫૫ ની સાલમાં સાબરકાંઠા  ફીઝીકલી હેન્ડીકેપ્ડ મંડળ બુટાલની સ્થાપના કરી. તેમાં ઈસરોલના વતની માનનીય પ્રભુદાસ પટેલનો પુરો સહયોગ રહયો. તેમજ બુટાલના વતની રાણા વિજયકુમાર લાલબહાદુર, જોષી પ્રકાશકુમાર ડી. પાલ્લા ભિલોડા તથા પટેલ કરશનભાઈ આર. તાજપુર વિગેરે દિવ્યાંગો એકત્રીત થઈ સાબકાંઠા જીલ્લાના દિવ્યાંગ સમાજને જાગૃત કર્યો. ત્યાર બાદ એસ. ટી.માં મફત મુસાફરી માટે સરકારશ્રીને રજુઆત કરી. એસ. ટી. પાસની યોજનાનો અમલ કરાવ્યો.

       દિવ્યાંગ જીવનસાથીનો મોટો પ્રશ્ન વિકટ  હતો તો વર્ષ – ૨૦૦૧ માં ધનસુરા ખાતે અખીલ ગુજરાત દિવ્યાંગ મેરેજ બ્યુરો કાર્યક્રમનું આયોજન એ વખતના કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી રણજીતસિંહ ચાવડા સાહેબ, કભી કભી કોલમના કટાર લેખક માનનીયશ્રી દેવેન્દ્રભાઈ  પટેલ સાહેબ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરી ચાર યુગલે પ્રભુતામાં પગલાં માંડયાં. પછી તો દિવ્યાંગ ભાઈ – બહેનોને હૂંફ  અને પ્રોત્સાહન મળતાં દરેક દિવ્યાંગ પોતાના જીવન વિકાસ માટે કટીબદ્ધ થયા.

    દિવ્યાંગજનોની મદદ માટે  રાજીવ ગાંધી ફાઉન્ડેશન દિલ્હી અજીઓ કરવામાં આવી અને જેના દ્વારા કુલ ૧૪ ( ચૌદ ) દિવ્યાંગ ભાઈ – બહેનોને અપાવવા દસ જનપથ ખાતે શ્રીમતી  સોનીયા ગાંધીના નિવાસ સ્થાને જવાનો દિવ્યાંગ ભાઈ – બહેનોને અમુલ્ય અવસર સાંપડયો. અને મોટર સાયકલ અને  સ્કૂટરનું વિતરણ કરવામાં આવ્યું.       એ જમાનો એટલે કે વર્ષ ૧૯૯૬ નો સમય ટ્રેન રીજર્વેશન જવા – આવવા માટે મળતાં તેમને મળેલ વ્હીકલ લાવવું બધી સુવિધા માટે પ્રયત્નો કાર્ય.. એ વર્ષોમાં મોટાં શહેરોમાં દિવ્યાંગ રમતો થતી. કોઈ રોકડ પુરસ્કાર કે પ્રલોભન મળતા નહી. છતાં મોડાસા તેમજ ધનસુરા – બાયડ ભિલોડા – હિંમતનગર ખેડબ્રહ્મા ઈડર વિજયનગર તલોદ પ્રાંતિજ વિગેરે દરેક જગ્યાએથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ – બહેનો ઉત્સાહભેર અમદાવાદ સી. એન. વિદ્યાલય, મુંબઈ – સાયન ખાતે પેરાપ્લેજીક ફાઉન્ડેશન બેંગ્લોર ખાતે રમતોમાં ભાગ લેવા આવતા. અને ઈનામ વિતરણ પુનમધીલોન, મનમોહનક્રીન, ડીમ્પલ કાપડીયા, નુકકડ સીરીયલની ટીમ વિગેરે સેલીબ્રીટીને મળવા મળતું. પછી તો દિવ્યાંગ કલ્યાણની પ્રવૃત્તિ દિવસ – દિવસે વધતી ગઈ.

         દિવ્યાંગ સમાજની ચિન્તા કરી દિવ્યાંગ ભાઈ – બહેનોને અભ્યાસ, હુન્નર તેમજ તેમનામાં હેલી શકિતને ખીલવવા માટે સતત પ્રયત્ન ચાલુ રાખ્યા અને તેના ફળ સ્વરૂપે હાલ સંસ્થાના કુલ ૪૩ થી પણ વધુ દિવ્યાંગ ભાઈ – બહેનો રાજય સકાર અને કેન્દ્ર સરકારની નોકરી કરે છે. ઘણા બધા દિવ્યાંગ ભાઈ – બહેનોને ગ્રામીણ ક્ષેત્રે નાના – મોટા ધંધા માટે ઓછા વ્યાજ દરની લોન સુવિધા હેન્ડીકેપ્ડ ફાઈનાન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરીયાણાની દુકાન, પશુ પાલન  ફલોર મીલ જેવા વ્યવસાય માટે પ્રેરીત કરી સ્વમાનભેર જીવવા તૈયાર કર્યા.

        ગુજરાત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મારી પ્રવૃત્તિઓની નોંધ લઇ  દિવ્યાંગ કલ્યાણની પ્રવૃત્તિની નોંધ લઈ વર્ષ ૧૯૯૮ માં શ્રેષ્ઠ દિવ્યાંગ કાર્યકર તરીકે એ વખતના રાજયપાલશ્રી મહામહી સુંદરસિંહ ભરી સાહેબના વરદ્ હસ્તે રૂા . ૧૦,૦૦૦ / - ( દસ હજાર રૂપિયા ) નો રોકડ પુરસ્કાર શાલ ઓઢાડી પ્રસ્તીપત્ર એનાયત કરી સન્માનવામાં આવ્યો.. પછી તો આવી સેવાકીય પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો. અને પછી ખેલ મહાકુંભ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સાબરકાંઠા જીલ્લાના સ્પે. ખેલીડી માટે વર્ષ ૨૦૧૦ થી જવાબદારી સોંપવામાં આવેલ હતી . જેના ફળસ્વરૂપે આજે ૧૫ ( પંદર ) જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો પેરા ઓલમ્પીક નેશનલ કક્ષાએ પહોંચ્યા છે.

        હવે જયારે  સાબરકાંઠા જીલ્લામાંથી અરવલ્લી જીલ્લો જુદો પડવાથી અરવલ્લી જીલ્લામાં ખેલ મહાકુંભની જવાબદારી  સુપેરે નિભાવવ સતત પ્રયત્નશીલ છું. અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા વિનોદભાઈની કામગીરીથી પ્રેરાઈ જીલ્લા ઈલેકશન અધિકારીશ્રી અરવલ્લી દ્વા દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ આવે માટે ઈલેકશન કમીટીમાં નિમણુંક અરવલ્લી જીલ્લા કલેકટર સાહેબશ્રી દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે. તેમજ દિવ્યાંગ ધારો – ૨૦૧૬ ની અમલવારી ગુજરાત રાજયમાં થાય અને દિવ્યાંગ ધારાનો લાભ દરેકને પહોંચે તેના માટે અરવલ્લી જીલ્લા અમલીકરણ સમીતીની રચના જીલ્લા કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં રચના થાયછે. જે ૨૦૨૨ થી ૨૦૨૫ મારી દિવ્યાંગ તજજ્ઞ તરીકે રીપીટ કરવામાં આવેલ છે.

       અહીં વિનોદભાઈ  તેમની વાત પૂરી કરે છે પરંતુ  ૯૦% દિવ્યાંગતા ધરાવતા હોવા છતાં સમાજ માટે તેમજ છેવાડાના દિવ્યાંગ વ્યક્તિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ૬૫ વર્ષની ઉમરે પણ ૨૫ વર્ષના યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરે છે.  

     અનેકવિધ  દિવ્યાંગ કલ્યાણની પ્રવૃત્તિ હાલ પણ અવીરત ચાલુ છે. જેનાથી પ્રેરાઈ તા. ૧૪મી ઓગષ્ટ ૨૦૨૨ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ  ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માનનીય રાજયપાલશ્રી મહામહી આચાર્ય દેવવ્રત સાહેબશ્રીના વરદ્ હસ્તે અરવલ્લી જીલ્લા મથક મોડાસા ખાતે પ્રશસ્તીપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

- ઈશ્વર પ્રજાપતિ

9825142620 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts