શ્રીમદ જેશીંગ બાવજીને એક વાર પણ જેણે નજરે જોયા હશે એ તો ભાગ્યે જ એમને ભૂલી શકશે. એમના ચહેરા પરનું તેજ કોઈ જુદી જ ભાતનું હતું.
‘બાવજી’ બોલતાં સાથે લોકસંત પરમ પૂજ્ય જેસંગ બાવજીની છબી માનસપટ પર અંકિત થઇ જાય છે ! માથે
પાઘડી, શ્વેત ઝભ્ભો, ધોતી, ગોળ ભરાવદાર તેજસ્વી ચહેરો, તેજોમય પાણીદાર આંખો, અને હાથમાં
લાકડી સાથે એક દિવ્ય આકૃતિ નજર સામે તરવરવા લાગે.. દર્શન માત્રથી હૃદયમાં શાંતિ વ્યાપી જાય એવું દિવ્ય પ્રભાશાળી વ્યક્તિત્વ
એટલે પૂ. જેશીંગબાપા. આગામી ૧૩મી ડીસેમ્બર થી ૧૫ મી ડીસેમ્બર સુધી ત્રણ દિવસ ગોધમજી ધામે
બાવજીની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવા
જઈ રહી છે. આખોય ઈડરિયો પંથક બાવજીની જન્મ
શતાબ્દીના ઉજવણીના રંગે રંગાયો છે.
સાબરકાંઠાનો ઈડર પંથક અતિ પ્રાચીન છે. ગોધમજી
એટલે કે ગાંઠિયોલ ઇડરથી માંડ પંદરવીસ કીલોમીટરના અંતરે આવેલું ગોકુળિયું ગામ છે.
આંજણા પાટીદારોની વસતી ધરાવતા આ ગામમાં આધ્યાત્મની ખેતી આરંભાશે અને કળીએ કળીએ આધ્યાત્મનો મોલ લચી પડશે એવી તો કોઈને
સ્વપ્નેય કલ્પના ન જ હોય !
Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .
ગોધમજી બેતાલીસી પરગણાનું ગામ. આખા પરગણામાં આંજણા પાટીદાર હરિભાઈ
પટેલનું ખોરડું મોભાદાર ગણાતું. આખી બેતાલીસીમાં એમની આણ વરતાતી. સમાજના આગેવાન એવા હરિભાઈના ખોરડે સંતોકબાની કુંખે
બાળ જેશાનો જન્મ થયો. સંવત ૧૯૭૮ શ્રાવણ સુદ પૂનમનો એ શુભ દિવસ હતો.
એક સાધારણ ખેડૂત પરિવારમાં જન્મીને ગુરુ પ્રતાપે
આત્મસાક્ષાત્કાર પામી જેશામાંથી જેશીંગ બાવજી સુધીની જીવન સફર અત્યંત પાવનકારી છે.
વિશ્વભરમાં પથરાયેલા લાખો મોમુક્ષુઓને મોક્ષનો રાહ બતાવનાર પૂ. બાવજીનું અનેકોના જીવન
પરિવર્તન માટે નિમિત્ત બન્યા. ગુરુ સાથેનો તેમનો પ્રથમ ભેટો રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદજીના
પ્રથમ મિલનની યાદી તાજી કરાવે છે. મુનાઇ ગામે પધારેલ રામજીબાપાને મળવા પહોંચેલા જેશાને દૂરથી જોઈ કોઈકે રામજીબાપાને
કહ્યું કે ‘તમને મળવા ગોધમજીથી હરિ મુખીનો જેશો આવે છે.’ ત્યાં સુધી તો ભાઈ જેશો
ઘરના દ્વાર સુધી પહોંચી ગયેલો. એને જોઈ રામજીબાપા બોલ્યા : ‘અરે, કુકલા કેટલા
જન્મોથી તારી રાહ જોઉં છું.’ રામજીબાપા અને જેશો એકબીજાને પહેલી વાર મળેલા એમ છતાં
જાણે પૂર્વની કોઈ ઓળખાણ તાજી થઇ હોય એમ એકબીજામાં લીન થઇ ગયા.
આ રામજીબાપા એટલે અધ્યાત્મની એરણ પર ઉજળું
થયેલું એવું દિવ્ય અને પાવન વ્યક્તિત્વ કે
જેમણે બાલ્યાવસ્થાએ આત્મજ્ઞાન લાદ્યું. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ
તેમના જીવનની અંતિમ સમયે તેમના ચાર શિષ્યોને કહ્યું હતું કે ‘મને એવો આભાસ થાય છે
કે ઈડરિયા પંથકમાં એક એવો દિવ્ય પુરુષ છે.’ અને દિવ્ય પુરુષ એટલે રામજીબાપા ! તેઓ ખેડબ્રહ્મા પાસેના ગલોડા હાલનું લક્ષ્મીપુરા
ગામના હતા. આવા દિવ્ય આત્માઓના મિલાપથી સાબરકાંઠાની ભૂમિ પર ભક્તિ અને માનવતાનો
દીપ પ્રગટ્યો.
રામજીબાપના દેહાવસાન બાદ લગભગ ચોવીસમા દિવસે ગુરુકૃપાથી
આત્મસાક્ષાત્કાર પામેલા મુનાઇ વાળા નાથુબાપના દર્શન જેશાને થયાં. અને આત્મા, જન્મ,
મૃત્યુ અને સંબંધોની માયાજાળ જેશાને પળમાં સમજાઈ ગઈ.
સાબરકાંઠાના જલારામ તરીકે લોક હૃદયમાં
સ્થાન પામેલા દિવ્ય પુરુષ જેશીંગબાપા અથવા તો બાવજી નામે ઓળખાયા. વિશ્વ વંદનીય સંતોનો પૂ.
જેશીંગબાવજી સાથે હૃદયથી નાતો ધરાવતા હતા. પૂ. પ્રમુખસ્વામી મહારાજે સ્વામીનારાયણ
મંદિરનો શિલાન્યાસ બાવજીના હસ્ત કમળોથી કરાવેલો. વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. મોરારી
બાપુ જયારે શામળાજી રામ કથા માટે પધાર્યા હતા ત્યારે તેઓ પણ બાવજી ને મળવા પધાર્યા હતા.
જેશીંગ
બાવજીને એક વાર પણ જેણે નજરે જોયા હશે એ
તો ભાગ્યેજ ભૂલી શકશે. એમના ચહેરાનું તેજ કોઈ જુદી જ ભાતનું હતું. બાવજીની વાતમાં
નર્યું આધ્યાત્મ નીતરતું રહેતું. એમને નહોતી કોઈએ નાત. નહોતી કોઈ જાત કે નહોતો કોઈ
સંપ્રદાય. એમની દુનિયા ઘણી વિશાળ હતી.
જ્ઞાની પરાકાષ્ઠાએ પહોચ્યા હોવા છતાં બાવજી પોતાને
અભણ ખેડૂત તરીકે ઓળખાવતા. અધ્યાત્મની ઉંચી વાતો પણ એ ખેડૂતની દેશી તળપદી બોલીમાં રજુ
કરતા. તેઓ કહેતા “અલ્યા ભ’ઈ, મું તો અભણ, અણસમજુ, ગાંમડિયો
મનેખ ! ગન્યાન ચેવું ને વાત ચેવી ! આ તો રામા બાવજી ને નાથુ બાવજી જેવા પરગટ
પુરુષોની ક્રપા : ન ક’ મું તો બળદિયાનાં પૂછડાં આંબળનારો મોનવી !” બાવજીની વાણીમાંથી
નરી નિખાલસતા નીતરતી. ગામેગામમાં થતા મેરાવાડાઓમાં નિરંતર પ્રવાસ કરતા અને દિવ્ય જ્ઞાનની લ્હાણી કરતા. તેઓ સરળ
શૈલીમાં સમજાવતા કહેતા કે “જે બીજા આત્માઓને ઠારે એ ઠરે. બીજા આત્માઓને બાળે એ બળે.
જો તમારે અંતરાત્મામાં ઠરવું હોય તો બધા આત્માઓના આશીર્વાદ મેળવો.”
બાવજીએ
સૌ જાતિ અને જ્ઞાતિઓને સ્નેહ અને સમરસતાથી ભીંજવી છે. બાહ્ય રૂપે સંસારી અને અને આંતરિક
રીતે વૈરાગી બની પોતાના ત્રણ ભાઈઓ, બહેન અને ચાર દીકરીઓ સાથે જનક- વૈદેહી જેવું જીવન
જીવી બતાવ્યું.
પૂ.
જેશીંગ બાવજીએ ટીંટોઈ વાળા શિવુભાઈ ભગત સમક્ષ
આત્મ સ્વરૂપનો એકરાર કર્યો હતો. શીવુભાઈએ એ દિવ્ય અનુભવ એમની લેખમાળામાં કર્યો છે.
(આંજણા દર્પણ નવે. ૨૦૦૩ ) શિવુભાઈ નોંધે છે
કે ‘તા. ૨૭/૩/૧૯૭૧ ના રોજ હડીયોલ ગામે પૂ. વેણાદાદા (મોટા)ના ઘેર , રાત્રીના દોઢેકના
સુમારે સત્સંગ મંડળી સાથે ભગવાન જેશંગબાપાની લાગણીસભર શિખામણ આ શિવાને ! “ શિવા,
શિવા, તું એમ કહે એમ કરવા હું કરવા તૈયાર છું. તું જરા સમજ. કૃષ્ણ ભગવાને તો માત્ર
ગોવર્ધન જ ટચલી આંગળીએ તોળ્યો હતો. હું તો આખે આખી પૃથ્વી તોલી શકું તેમ છું. તું એમ
ન સમજતો કે મને લખતા નથી આવડતું. અરે, મને તો એવું આવડે છે કે મોટા મોટા વેદાંત પણ
લખી શકું. અલ્યા, હું બધું જાણું છુ પણ જાણી જોઈ બોલતો નથી.”
સંવાદ આગળ ચાલે છે. “ શિવા હજી તને મારા બળની ખબર
નથી. આત્માનું બળ એટલે ? ધરતીને કહીએ ‘ફાટ’ – તો ફાટી જવું પડે. ‘સૂર્ય-ચંદ્ર બંધ’
કહેતાની સાથે એ બેઉને બંધ થઇ જવું પડે. વરસાદ કોના કારણે વરસે છે ? આ તારામંડળ ને ચાંદો
સૂરજ કોના આદેશથી ઊગે છે ? – વિચાર્યું છે કદી ?”
મોડી
રાતે પોતાનો સાચો પરિચય પ્રગટ કરી બહુ હેતથી શીવાભાઈ સહિત સૌ ભક્તોને એમણે સૂઈ જવા
જણાવ્યું હતું : ‘બહુ મોડું થઇ ગયું છે. સૂઈ જાઓ રામ રામ.”
સંવત
૧૯૪૭ ને શ્રાવણ વદ અગિયારશના દિને બાવજીએ જીવન લીલા સંકેલી લીધી. બાવજી એમની હયાતીમાં
તીર્થરૂપ બની ગયા હતા. બાવજીના દેહત્યાગના ૩૧ વર્ષ જેટલો સમય થવા છતાં એમણે
શરૂ કરેલી અબોલ જીવ સેવા અવિરત ચાલી રહી છે. સેવા કાર્યોની સૌરભ ગુજરાતના સીમાડા વટાવી બીજા
રાજ્યો સુધી પ્રસરી રહી છે. અબોલ પશુ પંખીઓ માટે પાણીના હવાડા, પંખીના ચણ માટે અસંખ્ય
ચબુતરાઓ નિર્માણ પામ્યા છે. ગુજરાતના ગામડાંથી
શરુ કરેલ સેવા યજ્ઞ રાજસ્થાનનાં જેસલમેર સુધી
વિસ્તાર પામ્યો છે.
હાલ
પણ દર ગુરુવારે ગોધમજીના સ્મૃતિ મંદિરમાં બાવજીના પ્રવચનોની વિડીઓ કેસેટ દ્વારા જ્ઞાન
ગંગા અવિરત વહી રહી છે. ત્રણથી ચાર હજાર જેટલા મુમુક્ષુઓ દર ગુરુવારે વહેતી આ જ્ઞાનગંગામાં
ડૂબકી લગાવી ધન્ય બને છે. અને આ સ્મૃતિ મંદિરમાં વર્ષ દરમિયાન એકત્રિત થયેલી અંદાજે
ત્રીસેક લાખ રૂપિયા જેટલી ભેટ અબોલ જીવોના ચણ-પાણી માટે ખર્ચવામાં આવે છે.
મુંબઈમાં કરોડોનું કમઠાણ છોડી, બાવજીનો પડ્યો બોલ જીલવા તત્ધપર રહેતા પ્રેમુભાઈ ઠાકર જેવા સમાજના ભામાશાઓના સહીયોગથી પૂ.
જેશીંગબાવજીના નામે આધુનિક સગવડોથી સજ્જ એવી અદ્યતન હોસ્પિટલ ગોધમજીમાં ગામમાં નિર્માણ પામી છે. જેમાં
ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે.
ગોધમજી ઉત્સવ ધામ બન્યું છે એમ કહીએ તો જરાયે ખોટું નથી. બાવજીની જન્મ જયંતી હોય કે સાક્ષાત્કાર દિવસ હોય, ગુરુ પૂર્ણિમા હોય કે બેસતું વરસ હોય અહી આનંદોત્સવો ઉજવાતા રહે છે. બાવજીના કૃપાવર્ષા હર હંમેશ અવતરતી રહે છે. હજારોની સંખ્યામાં મુમુક્ષુઓ સ્મૃતિ મંદિરના દર્શને આવે છે. અને ધન્યતા અનુભવે છે. બાવજીની માયા અનંત છે.
૧૩ મી ડિસેમ્બરથી શરુ થતા બાવજીની જન્મ શતાબ્દીના ભવ્ય ઉત્સવનો લાહવો ચૂકવા જેવો નથી. આવો ગોધમજી સ્મૃતિ મંદિરમાં જઈ પાવનકારી સંત ચરણમાં જઈ શીશ નમાવી ધન્ય બનીએ. સૌને હેતે રામ રામ. (સંદર્ભ : બાવજી : ડૉ. કેશુભાઈ દેસાઈ)
-
ઈશ્વર પ્રજાપતિ
9825142620
So great
ReplyDeleteVery nice 👌
ReplyDeleteNaman sathe khub saras
ReplyDeleteરામ રામ
ReplyDelete