એકવીસમી સદીનું અનુપમ અચરજ એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ !
“न भुतो न भविश्यति” આ ઉક્તિ તો આપણે પહેલાં
પણ અનેક વાર સાંભળી હશે, પરંતુ આ ઉક્તિને સાર્થક થતી આપે ક્યારેય નિહાળી છે ખરી ?
જો આ ઉક્તિને સાર્થક થતી નિહાળવી હોય તો, અમદાવાદને
આંગણે યોજાઈ રહેલા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની એક વાર
મુલાકાતે જવું પડે. અહી ભવ્ય અને દિવ્ય નગરી નિર્માણ પામી છે, જે વિશ્વની
સાત અજાયબીઓને ક્યાંય પાછળ રાખી દે એવા અનુપમ અચરજ અહીં સર્જાયાં છે. આજના સમયમાં કાળા
માથાના માનવી માટે આવાં વિસ્મય સ્વીકારવાં સહેજ પણ સહજ નથી.
પ્રગટ ભ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખસ્વામી
મહારાજે કરોડો લોકોના જીવન ઉત્કર્ષ માટે
પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરી દીધું. એક આયખામાં તેઓ જે કામ કરી ગયા એટલાં કામ કરવા
સામાન્ય મનુષ્યે અનેક અવતાર લેવા પડે. સનાતન સંસ્કૃતિને ધબકતી રાખવા દુનિયામાં ૧૨૦૦
કરતાંય વધુ શિખરબંધ ભવ્ય મંદિર નિર્માણનું ભગીરથ કાર્ય બાપાએ કર્યું છે. પળના વિરામ
વિના અહર્નિશ વિચરણ કરતા જ રહ્યા. અંતરિયાળ અને છેવાડાના ગામોમાં લાખો ઘેર પધરામણી
કરી, લાખો કરોડો લોકોને રૂબરૂ મળ્યા, લાખો લોકોને સ્વ હસ્તક્ષારે પત્રો પાઠવ્યા.
જેઓ પણ પૂજ્ય બાપાનો સ્પર્શ પામ્યા છે તેઓ આજીવન એ હુંફાળો સ્પર્શ ભૂલી શકશે નહિ.
પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય ચેતના ગુરુહરિ શ્રી મહંતસ્વામી સ્વરૂપે આપણી વચ્ચે
બિરાજમાન છે. અને પ.પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી
પૂ. બાપની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવની શરૂઆતની તૈયારીથી માંડી
અંતિમ ક્ષણ સુધી દૈવી આશીર્વાદનો અહેસાસ પળેપળ અનુભવતો રહે છે. બુદ્ધિના તર્કો જ્યાં
સમાપ્ત થાય છે ત્યાંથી શ્રદ્ધાની સીમાની શરૂઆત થાય છે.
અમદાવાદ જેવા
શહેરના ખેડૂતો અને બિલ્ડરો કોઈ પણ જાતના વળતર વિના સાતસો એકર જેટલી વિરાટ જગ્યા માટે
બાપાના જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવણી માટે ખાલી કરી આપે, આ વાત આમ તો માન્યામાં ન આવે
તેવી છે. પરંતુ પ્રભુ કૃપાએ અસંભવ લાગતી તમામ બાબતો અહી સુલભ બની છે. થોડા મહિનાઓ પહેલાં
જો આપ આ સ્થાનની મુલાકાત લીધી હોત તો આપ કલ્પના પણ ન કરી શકો કે આ દિવ્ય નગરી આટલા
ટૂંકા ગાળામાં તૈયાર થાય ! દેશ-વિદેશના લાખો હરિ ભક્તોના શ્રમદાને અશક્ય લાગતી બાબતોને
શક્ય બનાવી છે. હરિભક્તોની બાપા પ્રત્યેની શ્રદ્ધા પણ કેવી કે લાખો રૂપિયાના પગારના
પેકેજ છોડી અહી પાવડો પકડી બાપનો રાજીપો પામવાનું પસંદ કર્યું. ગુજરાત ભૂમિના ભામાશા
અબજોના આસામી એવા સુરતના લવજી બાદશાહ
સાહેબની લાડલી દીકરીએ પણ સેવાના ભાગરૂપે માટીનાં તગારાં ઊંચક્યા છે. આવા તો અનેક પ્રેરણારૂપ
દાખલા અહી ડગલેને પગલે જોવા મળે છે.
માઈક્રો મેનેજમેન્ટ
પ્લાનિંગમાં BAPS સંસ્થાને કોઈ
ન પહોંચે આ વાત તો હવે વિશ્વના મેનેજમેન્ટ ગુરુઓ પણ સ્વીકારી રહ્યા છે. વેલ એજ્યુકેટેડ
સાધુ સંતોએ આધ્યાત્મની ઉંચાઈની સાથે સાથે મેનેજમેન્ટની નવી દૃષ્ટિ દુનિયાને ભેટ આપી
છે. BAPS સંસ્થાનો નાનો કે મોટો કોઈ પણ ઉત્સવ હોય, જેમાં લાખોની સંખ્યામાં
હરિ ભક્તો આવતા જતા હોય એમ છતાં BAPS ની વ્યવસ્થા, સ્વચ્છતા,
સુઘડતાનો ક્યાંય જોટો જડે એમ નથી.
૧૪મી ડીસેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપસ્થિતિમાં જાજરમાન કાર્યક્રમ થકી જન્મ શતાબ્દી મહોત્સવનો
વિધિવત પ્રારંભ થઇ ગયો છે.
એક મહિના સુધી ચાલનારા મહોત્સવમાં લાખો હરિભક્તો ઉમટવાના છે. આટલી
વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એક એક બાબતનું
સચોટ આયોજન કરવામાં આવ્યું છે.
સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે ઉભા
કરવામાં આવેલા સ્વામિનારાયણનગરમાં બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે
તેવી રચનાઓ કરવામાં આવશે. પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેના સાત પ્રવેશ દ્વાર
ઊભા કરવામાં આવ્યા છે.
આ મહોત્સવમાં 15
ડિસેમ્બરથી 15 જાન્યુઆરી
સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા
સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી
મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો
દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા
પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.
અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી
ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે.
પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની
સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી
વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે.
આ
મહોત્સવમાં શું જોવા મળશે ?
1. 700 એકરમાં આ ભવ્ય મહોત્સવ
થઇ રહ્યો છે. જેમાં વિશાળ કલાત્મક
પ્રવેશદ્વારો.
2. પરમ પૂજ્ય
પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટની
ઊંચાઈ વાળી ભવ્ય મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે..
3. દિલ્હી અક્ષરધામ જેવા
જ અક્ષરધામની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
4. લાઈટ એન્ડ સાઉન્ડ
શો જે World Best છે.
5. ભવ્ય ગ્લો ગાર્ડનનો નજારો છે. જે દુબઈમાં
જોવા મળે એ આપણને અહીં નિ:શુલ્ક જોવા મળશે.
6. બાળ નગરી તો આપણું
દિલ જીતી લેશે .
7. છ ડોમ છે જેમાં પ્રેરણાદાયક સંવાદ રજુઆત થશે.
8.જીવનના ઉચ્ચ મૂલ્યો
શીખવતા પ્રદર્શનો
અત્યંત
પ્રેરણાદાયી છે.
9.ખાણી-પીણીના
સ્ટોલ્સ (પ્રેમવતી) જ્યાં સુધ્ધ અને સાત્વિક આહાર ઉપલબ્ધ છે.
10.જ્યોતિઉદ્યાન.
આ મહોત્સવ ફક્ત 30 દિવસ થવાનો છે, ત્યાર પછી ત્યાં મેદાન હશે.
આખી દિવ્ય નગરીને વિસર્જિત કરી દેવામાં
આવશે.
‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ’ – ધર્મની આ
અનોખી વ્યાખ્યા આપીને સમાજમાં સર્વ ધર્મ-આદરની જાગૃતિ માટે સતત પ્રયાસ કરનાર
પ્રમુખસ્વામી મહારાજે દરેક ધર્મની આસ્થા અને પરંપરાને આદર આપ્યો છે. સનાતન હિંદુ
ધર્મના એક સ્તંભ તરીકે તેમણે બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ
કે અન્ય ધાર્મિક પરંપરાઓ અને ઘણા દેશોના દિગ્ગજો સાથે સંવાદ સાધ્યો છે. તેથી જ
પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તમામ ધર્મોનું પ્રયાગ તીર્થ બનશે. મહોત્સવને
લોકો જીવનનો ઉત્કર્ષનો મહોત્સવ બની રહે તો નવાઈ નહિ.
જય સ્વામીનારાયણ.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment