Sunday, April 24, 2022

સન્ડે સ્પેશિયલ - 14

ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીએ 

જ્યારે આણંદના એક ખેડૂતનાં ત્યાં રાત્રી રોકાણ કર્યું.


      વામન કદના પરંતુ  વિરાટ વ્યક્તિત્વ ધરાવતા ભારતાના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સાદગી અને શાલીનતા ભર્યા જીવનથી સૌ કોઈ પરિચિત છે. શાસ્ત્રીજીના જીવનનો એવો જ એક પ્રસંગ ગુજરાત સાથે જોડાયેલો છે જે બહુ ઓછા લોકો જાણે છે. શાસ્ત્રીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓ આણંદ  નજીકના એક ખેડૂતના ત્યાં રાત્રી રોકાણ કરી એક સામાન્ય જનમાણસની જેમ સળગી પૂર્વક રહી ગ્રામલોકો સાથે સંવાદ કર્યો હતો. આ અખો સુંદર પ્રસંગ વર્ગીસ કુરિયન લિખિત મારું સ્વપ્ન પુસ્તકમાં ખુબ સુદર રીતે આલેખવામાં આવ્યો છે. જે અહી પ્રસ્તુત છે. 

    આણંદથી આઠેક કિ.મી. દૂર સ્થિત કંજરી ગામે ૧૯૬૪ માં ‘ઑક્સફામ’ નામની સંસ્થાની આર્થિક સહાય વડે ખેડા મંડળીનું નવું ચારા મિશ્રણનું કારખાનું તૈયાર થયું. આ પ્લાન્ટ આધુનિક હતો જેમાં સ્વયંસંચાલિત મશીનો હતાં અને ભારતભરમાં આ પ્રકારનું એ પ્રથમ કારખાનું હતું. દેશના ડેરી ઉદ્યોગમાં આ ક્રાંતિકારી પગલું હતું. અમને લાગ્યું કે આવું કારખાનું જો દેશના વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન પામે તો તે વધુ યોગ્ય રહે. તે વખતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને અમે નિયંત્રણ મોકલ્યું, કે આણંદ પધારીને કારખાનાનું ઔપચારિક ઉદ્ઘાટન કરે. ફરી એક વાર, તે માટેની તિથિ હતી. સરદાર પટેલની જન્મજયંતિ, ૩૧ મી ઑક્ટોબર. શાસ્ત્રીજીએ અમારું નિમંત્રણ સ્વીકાર્યું, પણ હજુ આણંદમાં તેમને રહેવા માટે યોગ્ય હોય તેવી કોઈ હોટેલ હતી નહિ.

         શાસ્ત્રીજીની માગણી તો ઓર કપરી નીકળી . તેમણે વિનંતી કરી કે અમે જે મુજબની કાર્યક્રમની વિગતો ઠરાવી હતી, તેમાં ફેરફાર કરવો અને આથી તો ખૂબ ચકરાવામાં પડ્યા. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને કહેવડાવ્યું કે તેઓ એક દિવસ વહેલા આવીને ગામડાના કોઇ એક ખેડૂતને ત્યાં રાત રોકાવા ઇચ્છે છે. જો શક્ય હોય તો આ ખેડા જિલ્લાના કોઈ ખેડૂતને ઘેર ! મેં મારી જાણ મુજબ, ભારતના વડા પ્રધાને આજ સુધી ગામડામાં રહેવાની ઈચ્છા કરી નથી, માટે આવી અસામાન્ય વિનંતીથી અમે સ્વાભાવિક ઊતે જ ગભરાઈ ઊઠ્યા, મુખ્ય મંત્રીએ વળી મને કહ્યું કે આ રીતે વ્યવસ્થા કરી. તેમને કહ્યું કે જો ભારતના વડા પ્રધાન ગામડે રહેવા જાય, તો તેઓ આવે તે પહેલાં જ ગામડું ૩૦૦ જેટલા તો સુરક્ષા કર્મચારીઓથી ભરાઇ જાય, ખેડાના ગામડાંઓની સરેરાશ વસતી જ ૩૦૦ જેટલી હોય છે અને જો એટલા જ પોલીસો આવે તો તે ગામડું લાગવાને બદલે પોલીસથાણું વધારે લાગશે. તો પછી આવા પોલીસથાણે વડા પ્રધાને શા માટે જવું છે ?  જો વડા પ્રધાન ખરેખર ગામડાને તેની સ્વાભાવિક સ્થિતિમાં જોવા જ ઇચ્છતા હોય, તો તેઓની સુરક્ષાનું કામ પણ મુખ્ય મંત્રીએ મારા પર છોડવું પડશે. બળવંતરાયે ગૃહસચિવ એફ. જે. હેરેડિયાને બોલાવીને મારા સૂચનની વાત કરી. હેરેડિયા સહેજે માનવા તૈયાર ન થયા. ‘આમ કઈ રીતે થાય જ! તેમણે કહ્યું, ‘ જો કંઈ અણઘટતું ઘટી જાય તો સજા મને મળે, કુરિયનને નહિ. માફ કરો, પણ વડા પ્રધાનની સુરક્ષા એ મારી જવાબદારી છે અને તે હું કોઈ બીજાને સોંપી શકું નહિ. 'અલબત્ત, તેઓ મારો મુદ્દો અવશ્ય સમજી શક્યા હતા. અને અમે મિત્રો તો હતા જ, તેથી એમણે વ્યવસ્થા એ રીતે કરવાનું વચન આપ્યું જેનાથી તેમની અને મારી બંનેની જરૂરિયાત પૂરી થઈ શકે. અરે, કુરિયનનો આગ્રહ છે કે પોલીસો ન હોવા જોઈએ અને તમે કહો છો કે પોલીસો તો હશે જ , તો એવું કઈ રીતે ગોઠવશો ?’ મુખ્ય મંત્રી સહેજ વિચારમાં પડ્યા. ‘સાવ સહેલું છે .’ ગૃહસચિવ કહેવા લાગ્યા . વડા પ્રધાન ગામડાની મુલાકાતે જવાના છે , કે અમુક ગામડાની મુલાકાતે જવાના છે, એ વાતની ગંધ સુધ્ધાં કોઈને આવવી જોઈએ નહિ . પછી તો વડા પ્રધાન સુરક્ષિત જ રહેશ.  આ કંઈક સારું સૂચન લાગ્યું. અમારી સુરક્ષા વ્યવસ્થામાં ગોપનીયતાને મુખ્ય સ્થાન અપાયું. મુખ્ય મંત્રી બળવંતરાયે મંજૂરી આપતા કહ્યું, “તમે અને કુરિયન મળીને બધું નક્કી કરી લો . ' હું અને હૈડિયા કામે વળગ્યા .

           આણંદથી થોડે જ દૂર આવેલું અજરપુરા ગામને અમે પસંદ કર્યું. અહીંની દૂધ સહકારી મંડળી સહુથી જૂની મંડળીઓમાંની એક હતી. મેં ખેડૂત યજમાન પણ પસંદ કરી લીધા, જેમનું નામ હતું રમણભાઈ પુંજાભાઈ પટેલ. મેં તેમને સમજાવ્યું કે, બે વિદેશીઓ આપણી મુલાકાતે આવે છે અને તેઓ ગામડામાં એક રાત રોકાવા ધારે છે. તો શું તમે એ માટે બંદોબસ્ત કરી આપી શકશો ? ' રમણભાઈ વિચારમાં તો પદ્મ કે વળી વિદેશી લોકોની આવી કેવી ઇચ્છા હશે. મેં સમજાવ્યું કે તેઓ જ વિચિત્ર અને ધૂની તો હતા પણ એક રાત તમારે ત્યાં રોકાય તો બહુ મુશ્કેલી પડે તેમ નથી ને ! ' વળી બીજું કંઈ ખાસ કરવાનું ન કહેતાં મેં તેમને એટલું જ સૂચવ્યું કે ઘર થોડું સારું ગોઠવે અને બાથરૂમ સ્વચ્છ રાખે

         મહેમાન આવવાના દિવસે પોતાનું નાનું ઘર સરખું કરીને રમણભાઈ આંગણામાં પાણી છાંટી ધૂળ ન ઊડે તેની વ્યવસ્થા કરી રહ્યા હતા. અને ‘ વિદેશી મહેમાનો’ની રાહ જોઈ રહ્યા હતા . હું તેમની પાસે ગયો. તેમને જણાવ્યું, ‘ હવે તમે જાણી લ્યો કે તમારે ત્યાં કોણ ખરેખર મહેમાન બનીને આવવાનું છે તે છે ભારતના વડા પ્રધાન અને ગુજરાતના મુખ્ય મંત્રી.’ ‘વડા પ્રધાન અને મારા ઘરમાં ? સાહેબ , તમે આ મને શું કર્યું ? ’ ખૂબ અકળાઈને તેમણે પૂછ્યું . ‘અરે એમાં કંઈ નથી.’ મેં તેમને શાંત પાડતાં કહ્યું. માનો મારી વાત. એ લોકો બહુ જ સારા માણસો છે. તમારા બીજા મહેમાનો સાથે વર્તો છો, તેમ જ એમની સાથે પણ વર્તો, ' ' સાહેબ ! મેં તો કંઈ સરસ ખાવાનું પણ નથી બનાવ્યું. તમે મને ના પાડેલી ! ’ મેં તેમને ખાતરી કરાવતાં કહ્યું કે એ લોકોને પણ કશું ખાસ કે સરસ ખાવાનું નહોતું જોઈતું. પછી મેં તેમની ઓળખાણ કલેક્ટર સાથે કરાવી , જેઓ જિલ્લાના અધિકારી હોય છે. પછી મેં તેઓ બંનેને કહ્યું , ‘ હવે વડા પ્રધાનને હું તમારા હાથમાં સોંપું છું . તેમનું ધ્યાન તમે રાખજો અને હું જાઉં છું મારે ઘેર . ' મેં તેમને કહ્યું કે શાસ્ત્રીજીએ કોઈ જ નિશ્ચિત કાર્યક્રમ રાખ્યો નથી . અહીં આવીને જ તેઓ ઠરાવશે કે ગામડાના મહેમાન તરીકે તેમને શું કરવું છે. મેં કહ્યું કે મારે પાછા મારે ઘેર જવું જરૂરી છે કે કારણ કે ત્યાં મારી પત્ની  એકલી છે અને બીજા પણ મહેમાનોની તેણે વ્યવસ્થા કરવાની છે, જેમને કો ખ્યાલ નથી કે તે દિવસે વડા પ્રધાન પહોંચવાના નથી. યોજના મુજબ વડા પ્રધાનની ગાડીઓનો રસાલો અમદાવાદથી આણંદ આવતો હતો, ત્યાં અધવચ્ચેથી માત્ર શાસ્ત્રીજીની ગાડીને અજરપુરા ગામે વાળી લેવાઈ જ્યારે બાકીની ગાડીઓ આણંદ જવા લાગી.

         વખતસર શાસ્ત્રીજી અજરપુરા પહોંચ્યા, રમણભાઈને મળ્યા અને તેમની સાથે તેમનું સાદું ભોજન પણ લીધું. પછી તેઓ ગામડાનું ચક્કર મારવા ચાલવા નીકળ્યા. ત્યાં તેઓ ઓળખાઈ તો ગયા પણ ગામડાનાં લોકો વચ્ચે તદ્દન મુક્તપણે તેમણે વિહાર કર્યો, પોતે સામે ચાલીને બીજા લોકોના ઘેર ગયા, તેમની સાથે બેઠા અને લાંબી વાતો પણ કરી. આ લોકોના જીવન વિશે તેમણે જાણવાની તીવ્ર ઇચ્છા હતી. તેઓ પૂછતા હતા કે સ્ત્રીઓ કેવાં કેવાં કાર્યો કરે છે, શું તેઓ પાસે કોઈ ભેંસો છે, કેટલું દૂધ આપે છે, કેટલું વળતર મળે છે, વધુ દૂધ આવે તે માટે કોઈ પ્રોત્સાહન મળે છે, આ મંડળીના તેઓ શા માટે સભ્ય બન્યા, તેમનો સમાજ કઈ તરફ પ્રગતિ કરી રહ્યો છે, વગેરે વગેરે. ખૂબ લંબાણપૂર્વક તેમની વાતચીત ચાલી રહી.

           ગામના હિરજનવાસમાં પણ તેઓ પહોંચ્યા. તેમની સાથે બેઠા, વાતો કરી. ગામના મુસલમાનોની પણ તેમણે સામે ચાલીને મુલાકાત લીધી. સવારના છેક બે વાગ્યા સુધી તેઓ ખેડૂતો સાથે તેમના જીવન અને સમસ્યાઓ અંગે વાતચીત કરતા રહ્યા. ગૃહસચિવે તેમને બીજા દિવસના કાર્યક્રમની યાદ આપવી પડી, જે સવારે સાત વાગ્યે શરૂ થવાનો હતો. આમ બાકીના થોડા કલાકો માટે તેમણે સૂવા જવું પડ્યું. બીજે દિવસે વહેલી સવારે ફરીથી વડા પ્રધાન તો ગામના ચૂંટેલા પ્રતિનિધિઓ વડે ચાલતી દૂધની સહકારી મંડળીએ પહોંચી ગયા. અહીં હું તેઓને પહેલી વાર મળ્યો. તેમને સહકારી મંડળીઓની વ્યવસ્થા અંગે મેં સમજ આપી. આટલું કરી લીધા પછી જ તેઓ આણંદ આવવા અને મારે ઘેર આવવા રાજી થયા. થોડા સમય પછી તેમણે ઔપચારિક રીતે ચારામિશ્રણના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું અને સભાને ખૂબ જ પ્રેરણાત્મક પ્રવચનથી સંબોધિત કર્યું.

     વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજી દરેક દૃષ્ટિથી સાચે જ લોકોના પ્રતિનિધિ હતા. તેઓ આણંદ આવ્યા, સહકારી મંડળીઓનું કામકાજ જાતે જોયું અને સામાજિક અને આર્થિક પરિવર્તનનાં ગરમીન ક્ષેત્રેના સાધન તરીકે તેની નાડ પારખી. આ નીચી દડીના શરીર ધરાવતા આ મહાન માણસના હૃદયની સૌથી નજીક કશું હોય તો તે માત્ર આપણા ગ્રામવાસીઓનું કલ્યાણ જ હતું.

-ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Tuesday, April 19, 2022

રૂડો અવસર આવ્યો આંગણે

રૂડો અવસર આવ્યો આંગણે

 બ્રહ્મલીન મહંત શ્રી કેશવદાસજી મહારાજના ભવ્ય ભંડારા તથા શ્રી રામદેવજી ભગવાનનો પાટોત્સવ 

         જાળિયું ખરા ર્થમાં સોનાનું માળિયું બન્યું છે.  જાલિયાના મઠ ધામના બ્રહ્મલીન મહંત શ્રી પરમ પૂજ્ય  કેશવદાસજી મહારાજના ભંડારા મહોત્સવનો અવસર મંદિરને આંગણે આવ્યો છે.   ભર્યો ભાદર્યો પરિવાર અને સઘળી સુખ સાહેબી છોડી  પ. પૂ. કેશવદાસજી મહારાજે પોતાનું જીવન જલિયા મઠ મંદિરને સમર્પિત કર્યું હતું. ભક્તિના રંગે રંગાઈને સમાજને ઉમદા સંદેશ તેઓએ આપ્યો. તેઓની નિશ્રામાં આ ધામે નવી ઊંચાઈઓ સર કરી.  તેઓના ભંડારા મહોત્સવ ઉજવણી થવા જઈ રહી છે  ત્યારે પ્રજાપતિ સમાજના સઘળા પરગણાના સૌ ગુરૂભક્તોના હૈયે આનંદની હેલીથી ઉભરાઈ રહ્યાં  છે. આ ભંડારા  મહોત્સવને સફળ બનાવવા પ્રમુખ શ્રી રસિકભાઈ આર.  પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ કે. પ્રજાપતિ,  ઉપ પ્રમુખ શ્રી પ્રભુદાસ એમ. પ્રજાપતિ, મંત્રી શ્રી કડવા ભાઈ એસ. પ્રજાપતિ, સૌ કારોબારી ટ્રષ્ટિશ્રીઓ તથા સલાહકાર સમિતીના સૌ સદસ્ય શ્રીઓ અને સેકડો નામી અનામી ગુરુભકતો એ જબરજસ્ત જહેમત ઉઠાવી છે. ભામાશા સમાન દાતા શ્રીઓ એ પણ દાનનો રીતસરનો જાણે ધોધ વહાવી રહ્યા છે. પ્રવર્તમાન ગાદીપતિ મહંત શ્રી પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં મંદિર વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.  ગુરુગાદી ધામ જલિયા મઠનો મહિમા પણ નિરાળો છે.


           જલિયાના મઠ ધામ આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ દુનિયામાં વસતા ગુરુ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા માથકે થી માત્ર 8-10 કિલોમીટરના અંતરે આવેલું જલિયા ધામ માત્ર પ્રજાપતિ જ્ઞાતિ પૂરતું નહીં પરંતુ ગુરુભક્તિના રંગે રંગાયેલા  અઢારેય વરણના સૌ શ્રદ્ધાળુઓથી  ભર્યું ભર્યું રહે છે.  સમર્થ સદગુરુ મથુરામ મહારાજની આ તપોભૂમિ !!!  વર્ષો પહેલાં મથુરામ મહારાજે અહીં આવી ભક્તિની આહલેખ જગાવી..  હાથમાં સત્યો ( પ્રભુ પ્રસાદીની લાકડી  જે આજે પણ મોજુદ છે. ) માથે પાઘડી, ઘાટી ભરાવદાર મૂછો,  તેજસ્વી મુખમુદ્રા,  અપાર તેજ વરસાવતી આંખો !  તેઓના દર્શન માત્રથી સંતાપ ટળી જાય! બાર બીજના ધણી, અલખાધણી રામપીરના તેઓ પરમ ભક્ત. હાથમાં એકતારો લઈ દિવસ રાત  પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થના કામો કરવા અને આંગણે કોઈ દુખિયારું આવી ચડે તો એનાં દુઃખનું નિવારણ કરે. જ્યારે સમાજ અનેક સામાજિક કુરિવાજો અને બદીયોથી ખદબદતો હતો ત્યારે પ્રજાને  અધ્યાત્મના માર્ગે વાળી સમાજ સુધારણાનું કાર્ય કર્યું.   ભક્તિના બળે મથુરામ મહારાજે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી..  કહેવાય છે કે તેઓની એક હાંકલે અલખાધણી હાજરે હજુર થતા.સદગુરુ મથુરામ મહારાજે જીવતે જીવ સમાધિ લઈ પરમાત્મા માં એકાકાર થઈ ગયા. આજે પણ અને શ્રદ્ધાળુઓને  આ મથુરામ મહારાજના પરચા મળતા જ રહે છે.
             પ. પૂ. મથુરામ મહારાજના સ્વધામ ગમન પછી પ.પૂ. સોમદાસ મહારાજ ત્યાર પછી શાંતિદાસ મહારાજે ભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખી. અને છેલ્લા કેટલાક વર્ષોથી પ. પૂ. કેશવદાસજી મહારાજ જલિયાનામઠ ધામના ગાદીપતિ તરીકે ભક્તિ યજ્ઞની ધૂણી ધખાવી.. વર્ષના 200 - 250 અખંડ જ્યોત પાઠ તેઓ કરતા.. દિવસે સતત પ્રવાસ અને રાત્રીએ સતત જાગરણ! કોઈ અલૌકિક શક્તિ જ  આટલી ઉર્જા પુરી પાડતી હશે ! સદગુરુના આશીર્વાદથી અને મંદિરના પારદર્શક વહીવટ કરતા પ્રમુખ શ્રી અને ટ્રસ્ટીની મહેનત થી   આજે અહીં ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. સાથે વિશાળ ભોજનાલય પણ આકાર પામ્યું છે.  સુદ બીજ અને પૂર્ણિમા પર સેંકડો શ્રાધ્ધળુઓ દર્શનાર્થે આવે છે. સૌ હેતે પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. મહાસુદ બીજ અને ગુરુ પૂર્ણિમાએ તો હજારોની સંખ્યામાં શ્રાધ્ધળુઓનું માનવ મહેરામણ દર્શનાર્થે આવે છે.

            જલિયા મઠ મંદિરના ટ્રસ્ટી માન. રણછોડભાઈ પ્રજાપતિ જણાવે છે કે "સવંત ૨૦૭૮, ચૈત્ર વદ ૭ (સાતમ) તારીખ ૨૩/૪ /૨૦૨૨ને  શનિવારના રોજ યોજાનાર ભંડારા મહોત્સવ માં સમાંરભાના અધ્યક્ષ તરીકે પ.પૂજ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ સદગુરુશ્રી બળદેવજી  મહારાજ (પીપળી ધામ રામદેવજી મંદિર ) ની ઉપસ્થિત રહેનાર છે. સાથે સાથે દૂર સુદૂર થી પૂજનીય અને વંદનીય સાધુ સંતો પણ પધારી રહ્યા છે. પ.પૂ. કેશવદાસજી મહારાજ પુણ્ય શ્લોક આત્મા હતા. તેમના ભંડારા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ગુરુભકતો દર્શનાર્થે પધારશે અને પ્રસાદી લઈ પાવન થશે." 
            ગુરુ કૃપાથી અવસર તો ખુબ ધામધુમથી અને રંગે ચંગે જ ઉજવાશે! આવો સાથે મળી આ પ્રસંગમાં સહભાગી બની ગુરુકૃપા પાત્ર બનીએ.  

             ઈશ્વર પ્રજાપતિના સૌને જય સીતારામ.

લેખન : ઈશ્વર પ્રજાપતિ
સંપર્ક : 98251 42620

Sunday, April 17, 2022

સન્ડે સ્પેશિયલ

જાણીતા લેખક બિન્દાસ્ત  ખુશવંતસિંહના મતે  જીવનનું સાચું સુખ કયું?   


           ખુશવંતસિંહ ભારતના એક એવા લેખક  કે જેમને ‘ગંદા ડોશા’નું  ઉપનામ મળ્યું તો પણ તેમણે સહર્ષ સ્વીકાર્યું. તેઓનું નામ સાંભળતા જ તેમનું  લખાણ વાંચવાની તાલાવેલી વાચકોમાં વધી જાય છે. એનું એક કારણ એ પણ છે કે  મોટે ભાગે સેક્સ, શરાબ અને શબાબ વિષે જાહેરમાં  બિન્દાસ્ત લખતા પહેલા લેખકો એક હજાર વાર વિચારે છે, પરંતુ  ખુશવંતસિંહે દરેક વિષય પર આગવા અંદાજથી બિન્દાસ્ત અદાથી ધોધમાર લખ્યું.  બિન્દાસ્ત લેખન શૈલી અને જીવનશૈલીને કારણે  તેઓ આજીવન એક વિવાદાસ્પદ વ્યક્તિ જ રહ્યા. કોઈ પણ જાતના દંભ વિના શરાબ અને શબાબના શોખીન હોવોનો સ્વીકાર તેઓ નિખાલસતાથી કર્યો છે. એક હાથમાં કલમ તો બીજા હાથમાં મનપસંદ વાઈનના બનાવેલા પેગનો ગ્લાસ રહેતો. બિન્દાસ્ત ખુશવંતસિંહની કોલમ ૧૭ ભાષાઓમાં અનુવાદિત થઇ દેશ વિદેશના  અખબારોમાં છપાતી. લાખો વાચકોને તેમની કોલમનો ઇન્તઝાર રહેતો.

           ખુશવંત સિંહે  અનેક સફળ પુસ્તકો આપ્યાં છે. પરંતુ તેમની બિન્દાસ્ત શૈલીમાં લખાયેલ ‘ધ કંપની ઓફ વીમેન’ જેવાં  પુસ્તકોએ વાચકોમાં જબરજસ્ત ચર્ચા જગાવી હતી. હુમ્રા કુરેશી સાથે ખુશવંતસિંહ લિખિત “બિન્દાસ્ત ખુશવંતસિંહ” નામના પુસ્તકમાં પણ ખુશવંત સિંહે પોતાના જીવનની અનેક વાતો ખુલ્લા દિલે વર્ણવી છે. એ પુસ્તકની બિન્દાસ્ત બીજી વાતો અહી મુકવાનો ઉપક્રમ નથી, પરંતુ જીવનમાં સુખ પામવા માટે ખુશવંતસિંહનો જે  અભિગમ આ પુસ્તકના બીજા પ્રકરણમાં પ્રગટ થાય છે  એ અહી પ્રસ્તુત છે.  

ખુશવંતસિંહ લખે છે. :

     “ મેં ખુબ સંતુષ્ટ જીવન ગાળ્યું છે. ઘણીવાર વિચાર કર્યો છે કે કઇ કઇ બાબતો છે જે લોકોને સુખ આપે છે અને વ્યક્તિએ એ સુખને પામવા શું કરવું જોઈએ.

        સૌથી પહેલું સુખ સારી તંદુરસ્તી. જો તમે સારી રીતે તંદુરસ્ત નહિ હો તો તમેં ક્યારે સુખી નહિ થી શકો. કોઈ પણ બીમારી, કે પછી નાની હોય કે મોતી, તમને સુખથી દૂર કરી દેશે.

         બીજું, સારું કહી શકાય તેવું બેંક બેલેન્સ. તે કરોડો રૂપિયાનું નહિ હોય તો ચાલશે પરંતુ તે એટલું તો હોવું જોઈએ કે તમે આરામદાયક જીવન જીવી શકો અને આનંદ વિનોદશકો પણ  કરી શકો. જેમકે બહાર જમવા જઈ શકો, ફિલ્મો જોઈ શકો, ટેકરીઓ પર કે સમુદ્ર કિનારે રજાઓ ગાળવા જઈ શકો. નાણાની અછત વ્યક્તિને નીતિભ્રષ્ટ કરી દેતી હોય છે. ઉધાર કે ઉછીના પૈસા લઈને જીવન જીવવું તેનો કોઈ અર્થ નથી અને વ્યક્તિ પોતાની નજરમાંથી ઉતારી જાય છે.

         ત્રીજું સુખ છે તમારું ઘર. ભાડાનું ઘર ક્યારેય તમને આશાયેશ કે સલામતી આપી નહિ શકે, જે તમને તમારું પોતાનું ઘર આપી શકે છે. જો તે ઘર સામે બગીચાની જગ્યા હશે તો ભયો ભયો. તમને મનગમતાં વ્રુક્ષો ફૂલો વાવજો. તેને ફૂલ્યા ફાલ્યા થતાં જોજો અને તેની સાથે ઘરોબો કેળવજો.

       ચોથું સુખ છે – સમજુ સાથીદાર, પછી તે પત્ની હોય કે મિત્ર. જો તમારી અને તમારા સાથીદાર વચ્ચે વધુ પડતી ગેરસમજો હશે તો તે તમારા મનની શાંતિ  હણી લેશે. આખો વખત ઝઘડા અને કકળાટ કર્યા કરતાં સમજીને છુટા છેડા લઈ લેવા બહેતર છે.

         પાંચમું સુખ છે – ઈર્ષા કરતાં અટકી જજો. જીવનમાં જેમને તમારા કરતાં સારું કર્યું હોય, ઉચ્ચ પડાવી મેળવી હોય, વધુ નાણા એકઠાં કર્યા હોય અથવા વધુ પ્રસિદ્ધિ મેળવી હોય તેઓની ઈર્ષા ન કરતા. ઈર્ષાથી તમારું મન કાટ ખાઈ જશે.માટે બીજો સાથે તમારી સરખામણી કરવાનું ટાળજો.

          છઠ્ઠું સુખ છે – તમારી પાસે ખાલી ખાલી ગપાટા મારવા, જે લોકો આવવા માંગતા હોય તેમને આવવા ન દેતા. આવા લોકો જ્યારે ગામ ગપાટા મારીને જાય તે પછી તમને ભયંકર થાક લાગશે અને તેઓની વાતો તમારા મનમાં ઝેર ફેલાવશે.

         સાતમું સુખ છે – તમને વ્યસ્ત રાખે તેવી એકાદ બે ‘હોબી’ – ધૂન વિકસાવજો જેમ કે બાગકામ, વાંચન, લેખન, ચિત્રકામ, સંગીત બજાવવું કે સંભાળવું. ક્લબો કે પાર્ટીઓમાં જઈને મફતિયા પીણાં પીધા કે પછી કહેવાતા મોટા માણસોને મળવું એ સમયને બરબાદ કરવા બરાબર છે. જે તમને વ્યસ્ત રાખે તેવી વસ્તુ કે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું એ મહત્વની વાત છે. મારા જ કેટલાંક કુટુંબીઓ અને મિત્રો એવા છે જેઓ પોતાનો આખો દિવસ રખડતા કુતરાઓની ચિંતા કરવામાં, તેઓને ખાવાનું આપવામાં અને તેઓને દવાદારૂ આપવામાં વિતાવે છે. બીજા કેટલાક એવા છે જેઓ હરતું ફરતું દવાખાનું ચલાવે છે. અને માંદા મનુષ્યો અને પ્રનીયોને વિનામૂલ્યે સેવાઓ આપે છે.

            આઠમું સુખ છે – રોજ સવારે અને સાંજે પંદર મિનીટ આંતરનિરીક્ષણમાં ગળજો. રોજ સવારે દસ મિનીટ મનને તદ્દન શાંત અન એસ્થીર કરવામાં ગળાવી જોઈએ અને પાંચ મિનીટ તે દિવસે તમારે કરવાનાં કામોની યાદી બનાવવામાં ગળવી જોઈએ.રોજ સાંજે પાંચ મિનીટ મનને શાંત અને સ્થિર કરવામાં અને દસ મિનીટ તમે કરવા ધરેલા કામકાજને તપાસી જવામાં ગાળવી જોઈએ.

         નવમું સુખ છે – ક્યારેય ગુસ્સે થતા નહિ. પ્રયત્ન કરીને ગુસાબજ કે વેરભાવના રાખવાવાળા ન બનતા. અરે, જ્યારે ખાસ મિત્ર ઉદ્ધત વર્તન કરે ત્યારે જાણે કશું બન્યું નથી તેમ કરીને દૂર જતા રહેજો.વ્યવહાર સાચવીને સારી રીતે જીવવા માટે કાંઈ તમારે ધનવાન હોવું કે સામાજિક રીતે મોભાદાર થવું એ જરૂરી નથી. સારી તંદુરસ્તી અને થોડી આર્થિક સ્થિરતા મહત્વની બાબતો છે, પરંતુ તે વાત તમારે સતત ધ્યાનમાં રાખવી નહિ.”

       પુસ્તકનું બીજું પ્રકરણની વાત ખુશવંતસિંહ અહી પૂરી કરે છે.

           દેશના વિભાજાના પહેલાંનાં પંજાબમાં ૧૯૧૫માં ખુશવંત સિંહનો જન્મ થયો હતો. તેઓ આધુનિક ભારતના ઈતિહાસ ઘડતરમાં બનેલા દરેક મહત્વના સાક્ષી રહ્યા છે. લેખક, સંપાદક અને પત્રકાર તરીકેની છ દાયકામાં વિસ્તરેલી તેઓની કારકિર્દીમાં તેઓના વિચારો ઉત્તેજક અને વિવાદાસ્પદ રહ્યા છે. ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી ખુશવંતસિંહ લોકસભાના સભ્ય હતા.  

            ખુશવંત સિંહે  ‘યોજના’ના તેઓ સ્થાપક તંત્રી રહ્યા હતા અને તેઓએ ‘ધ ઈલસ્ટ્રેડ વીકલી ઓફ ઇન્ડિયા’, ‘નેશનલ હેરલ્ડ’ અને ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તંત્રી તરીકે ફરજ બજાવી હતી. તેઓએ લખેલ ઉત્તમ પુસ્તકોના નામ છે – ‘ટ્રેન તું પાકિસ્તાન’, ‘આઈ શેલ નોટ હિયર ધ નાઈન્ટીગેલ’, ‘દિલ્હી’, ‘ધ કંપની ઓફ વીમેન’, અને  ‘બુરીયલ એટ સી’  મુક્ત વાણીના પ્રખર હિમાયતી છતાય જેણે કટોકટીને સમર્થન આપ્યું હતું. એક ‘ગંદો ડોશો’ જે રેતીના કણમાં દુનિયાને જુએ છે અને જંગલી ફૂલમાં સૌદર્ય માણે છે.

      વર્ષ ૧૯૭૪માં તેઓને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય લશ્કરે સુવર્ણ મંદિર પર હુમલો કર્યાની વિરુધ્ધમાં તેઓએ આ ખિતાબ પાછો મોકલી આપ્યો હતો. ૨૦૦૭ માં તેઓને પદ્માવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ૨૦ મી માર્ચ ૨૦૧૪ના રોજ દિલ્હી ખાતેના નિવાસસ્થાને બિન્દાસ્ત ખુશવંતસિંહે અંતિમ શ્વાસ લીધા.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620 

(whatsapp only)

Sunday, April 10, 2022

સન્ડે સ્પેશિયલ - 12

 રામાવતારના સાઠ હજાર વર્ષ પહેલાં  વાલ્મિકીજીએ

દિવ્યદૃષ્ટિથી  રામાયણ મહાકાવ્યની રચના કરી હતી.

તુલસીદાસ કૃત  શ્રી રામચરિતમાનસ રાત્રે મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેના પર “સત્યમ શિવમ સુન્દરમ્” લખેલું મળ્યું અને નીચે ભગવાન શંકરની સહી હતી.

           આજે રામનવમી. ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રગટ્ય દિન.  વાલ્મીકી રામાયણ અનુસાર  તારા  અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતાં રામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઈ.સ. પૂર્વે ગણાય છે. હજારો વર્ષો વીતવા છતાં રામકથા આજે પણ અત્યંત મધુર લાગે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આજે પણ સમાજના આદર્શ પુરુષ અને માતા સીતા આદર્શ નારીના રૂપે પ્રસ્થાપિત થયેલાં છે. રામાયણનું એક એક પાત્ર જીવનમૂલ્યની દૃષ્ટિએ  પરાકાષ્ઠાના  ઉચ્ચત્તમ શિખર પર બિરાજમાન છે.  સંસ્કૃતના આદિકવિ વાલ્મિકીજીએ રામાવતારના સાઠ હજાર વર્ષ પહેલાં દિવ્યદૃષ્ટિથી વિશ્વ ઈતિહાસના  સૌથી પહેલા મહાકાવ્ય રામાયણની રચના કરી હતી. આ મહર્ષિની  પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા.

          રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃત ભાષામાં આ ગ્રંથની રચના કરી હતી. વાલ્મીકી રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેચાયેલું છે. 1. બાલકાંડ 2. અયોધ્યાકાંડ  3. અરણ્યકાંડ 4. કિષ્કિન્ધા કાંડ 5. સુંદરકાંડ 6. યુદ્ધકાંડ – લંકાકાંડ  7. લવકુશકાંડ – ઉત્તરકાંડ

         હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો માર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, કમ્બોડિયા, ફિલીપાઈન્સ, વિયેતનામ, વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. ભારતીય લોકોની જીવન શૈલી, સમાજ જીવન અને કુટુંબ વ્યવસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિપત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભારત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે.  

         મહર્ષિ વાલ્મીકી રામને એક આદર્શ માનવચારિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઈએ એવા માનવાના જીવન વિષે લખવાનો હતો, જેમાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.

·        રામ, શ્રવણ – પીતરું આજ્ઞા માટે પોતાનો અંગત સ્વાર્થ છોડી દેવો.

·        રામ, ભારત – ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યસુખ કરતાં વધુ મહત્વ ધરાવે છે.

·        સીતા – પતિ વગર રાજ્યમાં રહેવું તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવું વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી.

·        લક્ષ્મણ – તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દૃષ્ટિ રાખવી.

·        હનુમાન – પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધારી દેવી.

·        સુગ્રીવ – મિત્રતા.

·        વાલી, રાવણ – શક્તિનું અભિમાન ન રાખવું અને પર સ્ત્રીને પવિત્ર રીતે જોવું.

·        વાનરો – જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણ પણ મારી શકીએ.

          વાલ્મિકી રામાયણ આજ પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્ય સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતી શીખ્યા છે. અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા છે. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકી પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતાં.  

        મૂળ રામાયણ તે વાલ્મીકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલું જે મૂળ રામાયણમાં થોડા ફેરફાર કરે છે.

રામાયણના ફેરફારો

       નીચેના પ્રસંગો મૂળ વાલ્મીકી  રામાયણમાં નથી, જે પાછળથી ઉમેરવામાં આવ્યા છે.

·         અહલ્યા પથ્થરની મૂર્તિ બની ગઈ તે પ્રસંગ વાલ્મીકી રામાયણમાં નથી. અહલ્યાને છોડીને ગૌતમ ઋષિ જતા રહે છે પછે અહલ્યા એકલવાયું જીવન જીવે છે જેમાં તે કોઈ સાથે બોલતાં નથી. વિશ્વામિત્ર રામને આશ્રમમાં લઈ આવે છે જેથી અહલ્યા ફરીથી પ્રસન્નચિત્ત થાય છે. અને ગૌતમ મુનિ તેમનો ફરીથી સ્વીકાર કરે છે. રામનું પથ્થરની મૂર્તિને પગથી સ્પર્શ કરવો વગેરે રૂપક કલ્પના છે.

·         મીથીલા નગરીમાં રામ જાય છે ત્યારે સીતાનો સ્વયંવર નથી હોતો પરંતુ યજ્ઞ ચાલતો હોય છે જેમાં કૌતુક ખાતર વિશ્વામિત્ર અને જનક રામને ધનુષ બતાવે છે. તે ધનુષ ખુબ વજનદાર અને બહુ  પુરાણું હોય છે. જે ધનુષ રામ ઉપાડીને જ્યારે સંધાન કરે છે ત્યારે તૂટી જાય છે. જનક રામના પરાક્રમથી ખુશ થી સીતાને પરણાવવાની વાત કરે છે.  હોવાથી તૂટી જાય છે.

·         ઉર્મિલા જ જનક રાજાની પુત્રી હોય છે. સીતાજી તેમને ધરતીમાંથી પ્રાપ્ત થયેલાં હોય છે. જ્યારે માંડવી અને શ્રુતકીર્તિ જનકના ભાઈ કુશધ્વજની પુત્રીઓ છે.

·         લગ્ન સમયે રામની ઉંમર ૧૬ વર્ષની છે. રામ-સીતા લગ્ન પછી તેઓ અયોધ્યામાં ૧૨ વર્ષ રહે છે. આથી વનવાસ વખતે રામની ઉંમર ૨૮ વર્ષની હોય છે.

·         કૈકેઈ કોઈએ યુદ્ધ વખતે ઘાયલ દશરથને બચાવી દૂર લઈ જાય છે. રથના પૈડાંમાં આંગળી નાખવાની વાત વાલ્મીકી રામાયણમાં નથી.

·         ગંગા પાર કરતી વખતે કેવટનો પ્રસંગ પણ તુલસીદાસજીની કલ્પના છે. વાલ્મીકી રામાયણમાં ગુહુ રાજાના નાવિકો રામને ગંગા પાર કરાવે છે.

·         ચિત્રકૂટમાં રામ જ્યાં રહે છે ત્યાં બીજા બ્રાહ્મણો અને વાનપ્રસ્થ લોકો પણ વસતા હોય છે.

·         વાલ્મીકી રામાયણ અનુસાર રામસેતુનું નિર્માણ કામ ભગવાન વિશ્વકર્માના પૂત્ર નળે કર્યું હતું. હિંદુ પુરાણોમાં નળને રામસેતુના પ્રથમ શિલ્પકાર એટલે કે એન્જીનીયર માનવામાં આવ છે.

            તુલસીદાસ ગોસ્વમીજીએ રામચરિતમાનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે. તુલસી દાસ પૂર્વ જન્મમાં વાલ્મીકી હોવાનું મનાય છે. તેઓનો જન્મ સંવત ૧૫૫૪ નાં શ્રાવણ સુદ સાતમના દિવસે થયો હતો. સંવત ૧૬૦૭ની મૌની અમાસનાં બુધવારે ભગવાન શ્રી રામે તુલસીદાસજીને પ્રત્યક્ષ દર્શન આપ્યાં હતાં.  સંવત ૧૬૩૧ ની રામનવમીના દિવસે પ્રાયઃ એવો જ યોગ હતો જેવો ત્રેતા યુગમાં રામજન્મના દિવસે હતો.  તે દિવસે પ્રાતઃકાલે શ્રી તુલસીદાસજીએ શ્રીરામચરિતમાનસની રચનાઓનો પ્રારંભ કર્યો. બે વર્ષ સાત મહિના, છબીસ દિવસોમાં ગ્રંથની સમાપ્તિ થઈ.  સંવત ૧૬૩૩નાં માગશર સુદ પક્ષામાં રામવિવાહના  દિવસે સાત કાંડ પૂર્ણ થઇ ગયા. આના પછી તુલસીદાસ કાશી ચાલ્યા આવ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપુર્ણાને શ્રી રામચરિત માનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રી વિશ્વનાથજીનાં મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેના પર લખેલું મળ્યું – “સત્યમ શિવમ સુન્દરમ્” અને નીચે ભગવાન શંકરની સહી હતી. તે સમયે ઉપસ્થિત લોકોને ‘સત્યમ શિવમ સુન્દરમ’ નો અવાજ પણ કાને થી સંભળાયો.

         રામચરિત માનસએ માનવ માત્ર માટે જીવવાની સંજીવની છે. કેમકે રામચરિત માનસમાં પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસ જી એ પ્રથમ શબ્દ ‘વર્ણ’ લખ્યો  અને રામચરિત મનસનો છેલ્લો શબ્દ ‘માનવ’ લખ્યો છે, માટે સમગ્ર રામચરિત માનસ એ દરેક વર્ણના, જાતિના, સંપ્રદાયના, ધર્મના, માનવ માટે છે. ખરા અર્થમાં રામચરિત માનસ એ વિશ્વના દરેક માનવ માટેનું મહાકાવ્ય છે.  

          રામાયણની આ અતિ સુંદર કથાને પુનર્જીવિત કરવાનું કામ આજના સમયમાં પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારીબાપુએ કર્યું છે. રામ કથાના કથાકાર તરીકે પૂજ્ય મોરારીબાપુથી શ્રેષ્ઠ કથાકાર આજે બીજું કોઈ નથી. પૂજ્ય મોરારીબાપુ ગોસ્વામી તુલસીદાસના જ અ વાતાર લાગે છે. તેઓ જ્યારે કથા કરે છે ત્યારે સાંગોપાંગ તેઓ તુલસીદાસ જેવા જ લાગે છે. તેમની જીભ, વાણી અને હાવભાવથી માંડીને હૃદયમાં માત્રને માત્ર ભગવાન શ્રી રામ બિરાજતા હોય એમ લાગે છે. પૂજ્ય મોરારીબાપુ અને રામકથા એકબીજાના પર્યાય બની ચુક્યા છે. રામકથાની માત્ર ઘટનાઓ જ નહિ પરંતુ ઘટનાઓનું અધ્યાત્મિક  અર્થઘટન કરતા હોવાના કારણે તેઓ શ્રેષ્ઠ સંત, શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ કથાકાર બની રહ્યા છે.

- ઈશ્વર પ્રજાપતિ

(98251 42620 whatsapp  only )   

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts