Sunday, April 10, 2022

સન્ડે સ્પેશિયલ - 12

 રામાવતારના સાઠ હજાર વર્ષ પહેલાં  વાલ્મિકીજીએ

દિવ્યદૃષ્ટિથી  રામાયણ મહાકાવ્યની રચના કરી હતી.

તુલસીદાસ કૃત  શ્રી રામચરિતમાનસ રાત્રે મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેના પર “સત્યમ શિવમ સુન્દરમ્” લખેલું મળ્યું અને નીચે ભગવાન શંકરની સહી હતી.

           આજે રામનવમી. ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રગટ્ય દિન.  વાલ્મીકી રામાયણ અનુસાર  તારા  અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતાં રામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઈ.સ. પૂર્વે ગણાય છે. હજારો વર્ષો વીતવા છતાં રામકથા આજે પણ અત્યંત મધુર લાગે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આજે પણ સમાજના આદર્શ પુરુષ અને માતા સીતા આદર્શ નારીના રૂપે પ્રસ્થાપિત થયેલાં છે. રામાયણનું એક એક પાત્ર જીવનમૂલ્યની દૃષ્ટિએ  પરાકાષ્ઠાના  ઉચ્ચત્તમ શિખર પર બિરાજમાન છે.  સંસ્કૃતના આદિકવિ વાલ્મિકીજીએ રામાવતારના સાઠ હજાર વર્ષ પહેલાં દિવ્યદૃષ્ટિથી વિશ્વ ઈતિહાસના  સૌથી પહેલા મહાકાવ્ય રામાયણની રચના કરી હતી. આ મહર્ષિની  પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા.

          રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃત ભાષામાં આ ગ્રંથની રચના કરી હતી. વાલ્મીકી રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેચાયેલું છે. 1. બાલકાંડ 2. અયોધ્યાકાંડ  3. અરણ્યકાંડ 4. કિષ્કિન્ધા કાંડ 5. સુંદરકાંડ 6. યુદ્ધકાંડ – લંકાકાંડ  7. લવકુશકાંડ – ઉત્તરકાંડ

         હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો માર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, કમ્બોડિયા, ફિલીપાઈન્સ, વિયેતનામ, વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. ભારતીય લોકોની જીવન શૈલી, સમાજ જીવન અને કુટુંબ વ્યવસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિપત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભારત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે.  

         મહર્ષિ વાલ્મીકી રામને એક આદર્શ માનવચારિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઈએ એવા માનવાના જીવન વિષે લખવાનો હતો, જેમાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.

·        રામ, શ્રવણ – પીતરું આજ્ઞા માટે પોતાનો અંગત સ્વાર્થ છોડી દેવો.

·        રામ, ભારત – ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યસુખ કરતાં વધુ મહત્વ ધરાવે છે.

·        સીતા – પતિ વગર રાજ્યમાં રહેવું તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવું વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી.

·        લક્ષ્મણ – તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દૃષ્ટિ રાખવી.

·        હનુમાન – પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધારી દેવી.

·        સુગ્રીવ – મિત્રતા.

·        વાલી, રાવણ – શક્તિનું અભિમાન ન રાખવું અને પર સ્ત્રીને પવિત્ર રીતે જોવું.

·        વાનરો – જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણ પણ મારી શકીએ.

          વાલ્મિકી રામાયણ આજ પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્ય સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતી શીખ્યા છે. અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા છે. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકી પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતાં.  

        મૂળ રામાયણ તે વાલ્મીકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલું જે મૂળ રામાયણમાં થોડા ફેરફાર કરે છે.

રામાયણના ફેરફારો

       નીચેના પ્રસંગો મૂળ વાલ્મીકી  રામાયણમાં નથી, જે પાછળથી ઉમેરવામાં આવ્યા છે.

·         અહલ્યા પથ્થરની મૂર્તિ બની ગઈ તે પ્રસંગ વાલ્મીકી રામાયણમાં નથી. અહલ્યાને છોડીને ગૌતમ ઋષિ જતા રહે છે પછે અહલ્યા એકલવાયું જીવન જીવે છે જેમાં તે કોઈ સાથે બોલતાં નથી. વિશ્વામિત્ર રામને આશ્રમમાં લઈ આવે છે જેથી અહલ્યા ફરીથી પ્રસન્નચિત્ત થાય છે. અને ગૌતમ મુનિ તેમનો ફરીથી સ્વીકાર કરે છે. રામનું પથ્થરની મૂર્તિને પગથી સ્પર્શ કરવો વગેરે રૂપક કલ્પના છે.

·         મીથીલા નગરીમાં રામ જાય છે ત્યારે સીતાનો સ્વયંવર નથી હોતો પરંતુ યજ્ઞ ચાલતો હોય છે જેમાં કૌતુક ખાતર વિશ્વામિત્ર અને જનક રામને ધનુષ બતાવે છે. તે ધનુષ ખુબ વજનદાર અને બહુ  પુરાણું હોય છે. જે ધનુષ રામ ઉપાડીને જ્યારે સંધાન કરે છે ત્યારે તૂટી જાય છે. જનક રામના પરાક્રમથી ખુશ થી સીતાને પરણાવવાની વાત કરે છે.  હોવાથી તૂટી જાય છે.

·         ઉર્મિલા જ જનક રાજાની પુત્રી હોય છે. સીતાજી તેમને ધરતીમાંથી પ્રાપ્ત થયેલાં હોય છે. જ્યારે માંડવી અને શ્રુતકીર્તિ જનકના ભાઈ કુશધ્વજની પુત્રીઓ છે.

·         લગ્ન સમયે રામની ઉંમર ૧૬ વર્ષની છે. રામ-સીતા લગ્ન પછી તેઓ અયોધ્યામાં ૧૨ વર્ષ રહે છે. આથી વનવાસ વખતે રામની ઉંમર ૨૮ વર્ષની હોય છે.

·         કૈકેઈ કોઈએ યુદ્ધ વખતે ઘાયલ દશરથને બચાવી દૂર લઈ જાય છે. રથના પૈડાંમાં આંગળી નાખવાની વાત વાલ્મીકી રામાયણમાં નથી.

·         ગંગા પાર કરતી વખતે કેવટનો પ્રસંગ પણ તુલસીદાસજીની કલ્પના છે. વાલ્મીકી રામાયણમાં ગુહુ રાજાના નાવિકો રામને ગંગા પાર કરાવે છે.

·         ચિત્રકૂટમાં રામ જ્યાં રહે છે ત્યાં બીજા બ્રાહ્મણો અને વાનપ્રસ્થ લોકો પણ વસતા હોય છે.

·         વાલ્મીકી રામાયણ અનુસાર રામસેતુનું નિર્માણ કામ ભગવાન વિશ્વકર્માના પૂત્ર નળે કર્યું હતું. હિંદુ પુરાણોમાં નળને રામસેતુના પ્રથમ શિલ્પકાર એટલે કે એન્જીનીયર માનવામાં આવ છે.

            તુલસીદાસ ગોસ્વમીજીએ રામચરિતમાનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે. તુલસી દાસ પૂર્વ જન્મમાં વાલ્મીકી હોવાનું મનાય છે. તેઓનો જન્મ સંવત ૧૫૫૪ નાં શ્રાવણ સુદ સાતમના દિવસે થયો હતો. સંવત ૧૬૦૭ની મૌની અમાસનાં બુધવારે ભગવાન શ્રી રામે તુલસીદાસજીને પ્રત્યક્ષ દર્શન આપ્યાં હતાં.  સંવત ૧૬૩૧ ની રામનવમીના દિવસે પ્રાયઃ એવો જ યોગ હતો જેવો ત્રેતા યુગમાં રામજન્મના દિવસે હતો.  તે દિવસે પ્રાતઃકાલે શ્રી તુલસીદાસજીએ શ્રીરામચરિતમાનસની રચનાઓનો પ્રારંભ કર્યો. બે વર્ષ સાત મહિના, છબીસ દિવસોમાં ગ્રંથની સમાપ્તિ થઈ.  સંવત ૧૬૩૩નાં માગશર સુદ પક્ષામાં રામવિવાહના  દિવસે સાત કાંડ પૂર્ણ થઇ ગયા. આના પછી તુલસીદાસ કાશી ચાલ્યા આવ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપુર્ણાને શ્રી રામચરિત માનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રી વિશ્વનાથજીનાં મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેના પર લખેલું મળ્યું – “સત્યમ શિવમ સુન્દરમ્” અને નીચે ભગવાન શંકરની સહી હતી. તે સમયે ઉપસ્થિત લોકોને ‘સત્યમ શિવમ સુન્દરમ’ નો અવાજ પણ કાને થી સંભળાયો.

         રામચરિત માનસએ માનવ માત્ર માટે જીવવાની સંજીવની છે. કેમકે રામચરિત માનસમાં પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસ જી એ પ્રથમ શબ્દ ‘વર્ણ’ લખ્યો  અને રામચરિત મનસનો છેલ્લો શબ્દ ‘માનવ’ લખ્યો છે, માટે સમગ્ર રામચરિત માનસ એ દરેક વર્ણના, જાતિના, સંપ્રદાયના, ધર્મના, માનવ માટે છે. ખરા અર્થમાં રામચરિત માનસ એ વિશ્વના દરેક માનવ માટેનું મહાકાવ્ય છે.  

          રામાયણની આ અતિ સુંદર કથાને પુનર્જીવિત કરવાનું કામ આજના સમયમાં પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારીબાપુએ કર્યું છે. રામ કથાના કથાકાર તરીકે પૂજ્ય મોરારીબાપુથી શ્રેષ્ઠ કથાકાર આજે બીજું કોઈ નથી. પૂજ્ય મોરારીબાપુ ગોસ્વામી તુલસીદાસના જ અ વાતાર લાગે છે. તેઓ જ્યારે કથા કરે છે ત્યારે સાંગોપાંગ તેઓ તુલસીદાસ જેવા જ લાગે છે. તેમની જીભ, વાણી અને હાવભાવથી માંડીને હૃદયમાં માત્રને માત્ર ભગવાન શ્રી રામ બિરાજતા હોય એમ લાગે છે. પૂજ્ય મોરારીબાપુ અને રામકથા એકબીજાના પર્યાય બની ચુક્યા છે. રામકથાની માત્ર ઘટનાઓ જ નહિ પરંતુ ઘટનાઓનું અધ્યાત્મિક  અર્થઘટન કરતા હોવાના કારણે તેઓ શ્રેષ્ઠ સંત, શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ કથાકાર બની રહ્યા છે.

- ઈશ્વર પ્રજાપતિ

(98251 42620 whatsapp  only )   

1 comment:

  1. ખૂબ જ રસપ્રદ...
    જય શ્રીરામ.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts