રૂડો અવસર આવ્યો આંગણે
બ્રહ્મલીન મહંત શ્રી કેશવદાસજી મહારાજના ભવ્ય ભંડારા તથા શ્રી રામદેવજી ભગવાનનો પાટોત્સવ
જાળિયું ખરા ર્થમાં સોનાનું માળિયું બન્યું છે. જાલિયાના મઠ ધામના બ્રહ્મલીન મહંત શ્રી પરમ પૂજ્ય કેશવદાસજી મહારાજના ભંડારા મહોત્સવનો અવસર મંદિરને આંગણે આવ્યો છે. ભર્યો ભાદર્યો પરિવાર અને સઘળી સુખ સાહેબી છોડી પ. પૂ. કેશવદાસજી મહારાજે પોતાનું જીવન જલિયા મઠ મંદિરને સમર્પિત કર્યું હતું. ભક્તિના રંગે રંગાઈને સમાજને ઉમદા સંદેશ તેઓએ આપ્યો. તેઓની નિશ્રામાં આ ધામે નવી ઊંચાઈઓ સર કરી. તેઓના ભંડારા મહોત્સવ ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પ્રજાપતિ સમાજના સઘળા પરગણાના સૌ ગુરૂભક્તોના હૈયે આનંદની હેલીથી ઉભરાઈ રહ્યાં છે. આ ભંડારા મહોત્સવને સફળ બનાવવા પ્રમુખ શ્રી રસિકભાઈ આર. પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ કે. પ્રજાપતિ, ઉપ પ્રમુખ શ્રી પ્રભુદાસ એમ. પ્રજાપતિ, મંત્રી શ્રી કડવા ભાઈ એસ. પ્રજાપતિ, સૌ કારોબારી ટ્રષ્ટિશ્રીઓ તથા સલાહકાર સમિતીના સૌ સદસ્ય શ્રીઓ અને સેકડો નામી અનામી ગુરુભકતો એ જબરજસ્ત જહેમત ઉઠાવી છે. ભામાશા સમાન દાતા શ્રીઓ એ પણ દાનનો રીતસરનો જાણે ધોધ વહાવી રહ્યા છે. પ્રવર્તમાન ગાદીપતિ મહંત શ્રી પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં મંદિર વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. ગુરુગાદી ધામ જલિયા મઠનો મહિમા પણ નિરાળો છે.
જલિયાના મઠ ધામ આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ દુનિયામાં વસતા ગુરુ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા માથકે થી માત્ર 8-10 કિલોમીટરના અંતરે આવેલું જલિયા ધામ માત્ર પ્રજાપતિ જ્ઞાતિ પૂરતું નહીં પરંતુ ગુરુભક્તિના રંગે રંગાયેલા અઢારેય વરણના સૌ શ્રદ્ધાળુઓથી ભર્યું ભર્યું રહે છે. સમર્થ સદગુરુ મથુરામ મહારાજની આ તપોભૂમિ !!! વર્ષો પહેલાં મથુરામ મહારાજે અહીં આવી ભક્તિની આહલેખ જગાવી.. હાથમાં સત્યો ( પ્રભુ પ્રસાદીની લાકડી જે આજે પણ મોજુદ છે. ) માથે પાઘડી, ઘાટી ભરાવદાર મૂછો, તેજસ્વી મુખમુદ્રા, અપાર તેજ વરસાવતી આંખો ! તેઓના દર્શન માત્રથી સંતાપ ટળી જાય! બાર બીજના ધણી, અલખાધણી રામપીરના તેઓ પરમ ભક્ત. હાથમાં એકતારો લઈ દિવસ રાત પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થના કામો કરવા અને આંગણે કોઈ દુખિયારું આવી ચડે તો એનાં દુઃખનું નિવારણ કરે. જ્યારે સમાજ અનેક સામાજિક કુરિવાજો અને બદીયોથી ખદબદતો હતો ત્યારે પ્રજાને અધ્યાત્મના માર્ગે વાળી સમાજ સુધારણાનું કાર્ય કર્યું. ભક્તિના બળે મથુરામ મહારાજે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી.. કહેવાય છે કે તેઓની એક હાંકલે અલખાધણી હાજરે હજુર થતા.સદગુરુ મથુરામ મહારાજે જીવતે જીવ સમાધિ લઈ પરમાત્મા માં એકાકાર થઈ ગયા. આજે પણ અને શ્રદ્ધાળુઓને આ મથુરામ મહારાજના પરચા મળતા જ રહે છે.
પ. પૂ. મથુરામ મહારાજના સ્વધામ ગમન પછી પ.પૂ. સોમદાસ મહારાજ ત્યાર પછી શાંતિદાસ મહારાજે ભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખી. અને છેલ્લા કેટલાક વર્ષોથી પ. પૂ. કેશવદાસજી મહારાજ જલિયાનામઠ ધામના ગાદીપતિ તરીકે ભક્તિ યજ્ઞની ધૂણી ધખાવી.. વર્ષના 200 - 250 અખંડ જ્યોત પાઠ તેઓ કરતા.. દિવસે સતત પ્રવાસ અને રાત્રીએ સતત જાગરણ! કોઈ અલૌકિક શક્તિ જ આટલી ઉર્જા પુરી પાડતી હશે ! સદગુરુના આશીર્વાદથી અને મંદિરના પારદર્શક વહીવટ કરતા પ્રમુખ શ્રી અને ટ્રસ્ટીની મહેનત થી આજે અહીં ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. સાથે વિશાળ ભોજનાલય પણ આકાર પામ્યું છે. સુદ બીજ અને પૂર્ણિમા પર સેંકડો શ્રાધ્ધળુઓ દર્શનાર્થે આવે છે. સૌ હેતે પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. મહાસુદ બીજ અને ગુરુ પૂર્ણિમાએ તો હજારોની સંખ્યામાં શ્રાધ્ધળુઓનું માનવ મહેરામણ દર્શનાર્થે આવે છે.
જલિયા મઠ મંદિરના ટ્રસ્ટી માન. રણછોડભાઈ પ્રજાપતિ જણાવે છે કે "સવંત ૨૦૭૮, ચૈત્ર વદ ૭ (સાતમ) તારીખ ૨૩/૪ /૨૦૨૨ને શનિવારના રોજ યોજાનાર ભંડારા મહોત્સવ માં સમાંરભાના અધ્યક્ષ તરીકે પ.પૂજ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ સદગુરુશ્રી બળદેવજી મહારાજ (પીપળી ધામ રામદેવજી મંદિર ) ની ઉપસ્થિત રહેનાર છે. સાથે સાથે દૂર સુદૂર થી પૂજનીય અને વંદનીય સાધુ સંતો પણ પધારી રહ્યા છે. પ.પૂ. કેશવદાસજી મહારાજ પુણ્ય શ્લોક આત્મા હતા. તેમના ભંડારા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ગુરુભકતો દર્શનાર્થે પધારશે અને પ્રસાદી લઈ પાવન થશે."
ગુરુ કૃપાથી અવસર તો ખુબ ધામધુમથી અને રંગે ચંગે જ ઉજવાશે! આવો સાથે મળી આ પ્રસંગમાં સહભાગી બની ગુરુકૃપા પાત્ર બનીએ.
ઈશ્વર પ્રજાપતિના સૌને જય સીતારામ.
લેખન : ઈશ્વર પ્રજાપતિ
સંપર્ક : 98251 42620
જય સીતારામ 🙏🏻
ReplyDeleteJay Sita Ram Jay Keshavdasji maharaj
ReplyDelete