Sunday, February 27, 2022

સન્ડે સ્પેશિયલ - 6

                                    શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને

શ્રી નરેંદ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારી


        નવસારી.

      પ્રાચીન સાંસ્કૃતિક વારસો ધરાવતું એક ઐતિહાસિક અને રમણીય નગર છે. દરીયાકીનારો નજીક  હોવાના કારણે અહીંની આબોહવા ખુશનુમા છે. લીલાછમ વ્રુક્ષો અને આસપાસની હરિયાલી હૈયામાં વસી જાય તેવી છે.  સાહિત્ય, કળા, સંગીત, સંસ્કાર અને જ્ઞાન માટે નવલી નવસારી નગરી જાણીતી છે. આવી સંસ્કાર વૈભવી નવસારી નગરીનું એક અનોખું આભૂષણ એટલે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય. જેની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠ પુસ્તકાલોમાં થાય છે.

         આશરે  સવાસો વરસ પહેલા ગુજરાતના સેકડો ગામડાઓમાં શાળાઓ ન હતી તે સમયે આ નગરમાં લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. એક સદીથી  સાહિત્ય અને જ્ઞાનનાં ક્ષેત્રે અમૂલ્ય સેવા આપતી આવેલી આ સંસ્થામાં અસંખ્યઅપ્રાપ્ય અને કિંમતી પુસ્તકો છે. ગુજરાતીહિન્દીઅંગ્રેજીમરાઠીઉર્દૂસિંધીસંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓનાં પુસ્તકો મળી કુલ ૧,૪૩,૦૦૦ જેટલાં પુસ્તકોનો ખજાનો છે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાનરાજકારણ સંગીતલલિતકળાધર્મશિલ્પવિજ્ઞાનજ્યોતિષવાણિજ્યતત્ત્વજ્ઞાનચિંતનપર્યાવરણ તેમ જ સ્ત્રીઓ અને બાળકોને ઉપયોગી લગભગ ૧૮૫ જેટલાં સામયિકો પણ મંગાવવામાં આવે છે. પુસ્તકાલયમાં અસંખ્ય અપ્રાપ્ય અને કિંમતી પુસ્તકોનો સંગ્રહ છે . 

        લાઈબ્રેરી હોવી અને એક 'એક્ટીવ લાઈબ્રેરી' હોવી આ બંને બાબતો માં આસમાન જમીનનો તફાવત છે. એક્ટીવ લાઈબ્રેરી કોને કહેવાય એ જોવું હોય તો એક વાર આ લાઈબ્રેરીની મુલાકાત લેવી પડે. આ લાઈબ્રેરીનાં ઉત્સાહી લાઈબ્રેરિયન મેઘનાબેન કાપડિયા   લાઈ બ્રેરીની પ્રવૃત્તિઓ વિષે વાત કરતા જણાવે છે કે "મહિનાનો એક પણ શનિવાર વાંચનપ્રેરક પ્રવૃત્તિ વિનાનો નથી હોતો. મહિના દરેક શનિવારે બાળકોથી માંડી વડીલો અને મહિલાઓ માટે વિવિધ વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે. વ્જીલ્લાના વિદ્યાર્થીઓને વાચનાભીમુખ કરવાના હેતુથી  વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. માત્ર વાંચન જ નહિ પરંતુ વિદ્યાર્થીનું લેખન સુધારે , ક્ષાર સુધારે તે માટે પણ વિવિધ પ્રોજેક્ટ લાઈબ્રેરીએ હાથ ધર્યા છે. અને એના સુંદર પરિણામો પ્રાપ્ત થી રહ્યાં છે." 

         વાચકોની સુવિધા માટે જુદા જુદા સંદર્ભ ગ્રંથો જેવાં કે વિશ્વકોશશબ્દકોશવિષય શબ્દકોશજીવનીકોશગૅઝેટિયર્સગાઇડબુકએટલાસ અને મૅપ વગેરે સામગ્રી અલાયદી રાખવામાં આવે છે. ગ્રંથાલયમાં દશાંશ પદ્ધતિથી પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વાચક પોતે જ પુસ્તક શોધી શકે તેવી મુક્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રંથ ગોઠવણી મુખ્યત્વે વિષયોના આધારે કરવામાં આવી છે. આમાં ભાષાકીય વિભાજનને અગ્રતા આપવામાં આવી છે. વાચક સભ્યો સંસ્થાના હાલમાં કુલ ૮,૬૧૩ જેટલા વાચક સભ્યો છે.

       વાચકો પાસે કોઈ પણ પ્રકારની ફી કે લવાજમ લીધા વિના મફત વાચન પૂરું પાડતું નવસારીનું આ એકમાત્ર અને ગુજરાતનાં જૂજ પુસ્તકાલયોમાંનું એક છે. જે પૈકી ૩,૬૮૪ જેટલા બાળવિભાગના સભ્યો છે. શેરી પુસ્તકાલયના સભ્યોની સંખ્યા ૧,૧૬૩ છેએટલું જ નહીં વિવિધ અભિયાનો દરમ્યાન બાળવિભાગની સભ્ય સંખ્યા ૧,૦૦૦ થી ૧,૫૦૦ જેટલી વધી જતી હોય છે. બાળવિભાગના સભ્યો પાસે સંસ્થા કદી કોઈ ફી કે ડિપૉઝિટ લેતી નથીએથી બાળવિભાગના અસંખ્ય વણનોંધાયેલા સભ્યો સંસ્થાનાં પુસ્તકોનો અવારનવાર લાભ લેતાં હોય છે.

           ઘરે વાંચવાની સગવડ ન ધરાવતાં વિદ્યાર્થીઓ માટે દિવસે તેમ જ રાત્રે વાંચવા માટે રીડિંગરૂમની સગવડ પણ આપવામાં આવે છે. લાઇબ્રેરીનું કમ્પ્યૂટરાઇઝેશન લાઇબ્રેરીનું એક આધુનિક અને સરળ સૉફ્ટવૅર આધારિત કમ્પ્યૂટરાઝેશન કરવામાં આવ્યું છે. તમામ પુસ્તકો વિષયલેખક અને શીર્ષક આધારે શોધી શકાય છે. બારકોડ આધારિત હોવાને કારણે પુસ્તકોની આપ - લે ખૂબ જ ઝડપી અને સરળ બની ગઈ છે.

        નવસારીનું દરેક બાળક પુસ્તકાલયનું સભ્ય બને. શિક્ષક પ્રશિક્ષણઃ સંસ્થા આવનારી સદીમાં ૧૦૦ નર - નારી રત્નોની ભેટ ધરી શકે એ માટે તેમ જ એના મિશન નોબેલને સાકાર કરી શકાય એ માટે નવસારીમાં ૧૦૦ જેટલા શિક્ષકોને વિશિષ્ટ પ્રશિક્ષણ આપવા માંગે છે જેથી એઓ સાચા અર્થમાં આચાર્ય ઋષિનો દરજ્જો પ્રાપ્ત કરે અને નર - નારીનું રત્નોનું ઘડતર કરે . આ માટે એક લાંબાગાળાની યોજના તૈયાર કરાઈ રહી છે.

           વાચન પ્રવૃત્તિઓથી ધમધમતી  સયાજી વૈભવ સાર્વજનિક લાઇબ્રેરીના ધબકતા ઇતિહાસ પણ  રોચક છે. વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ પુસ્તકાલયની સ્થાપના ઈ. સ. ૧૮૯૮ માં થઈ હતી. તે પહેલાં ૧૮૭૮માં સાર્વજનિક રીડિંગરૂમ નામનું નાનકડું પુસ્તકાલય શરૂ થયું હતું. ૧૮૯૮ માં આ બંનેને જોડીને લક્ષ્મણ હૉલમાં સંયુક્ત રીતે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય શરૂ થયું. ૧૯૦૭ માં શ્રીમંત મહારાજા સયાજીરાવની સિલ્વર જ્યુબિલીની ઉજવણીના ખર્ચમાંથી બચેલ રકમને તત્કાલીન સુબા રાવ બહાદુર ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈના અનુરોધથી મહારાજા સયાજીરાવે આ પુસ્તકાલય બાંધવા માટે ફાળવી હતી. ગોકળદાસ નરસિંહદાસ પારેખ, ખુશાલદાસ નરસિંહદાસ પારેખ અને રામદાસ શિવદાસ મોદીના વારસોએ બક્ષિસમાં આપેલ જગ્યા પર ૧૯૧૦ માં રૂા . ૮,૧૦૦ના ખર્ચે પુસ્તકાલય બાંધવામાં આવ્યું. ૧૯૧૧ માં આ પુસ્તકાલય વાચકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

          ૨૦૦૧ ના ધરતીકંપમાં પુસ્તકાલયનો ઉત્તર - પૂર્વ તરફનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ પહેલા અને બીજા માળનું આશરે ૧૦,૦૦૦ ચો.ફુટનું બાંધકામ કરવામાં આવ્યું અને સ્વામી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે ૨૦મી મે ૨૦૦૭નાં રોજ નવીન ભવ્ય  મકાનનું ઉદ્ઘાટન થયું.  નવસારીના શ્રેષ્ઠી અને મહાજન પારેખ બ્રધર્સ પરિવારના શ્રી નરેન્દ્ર પારેખે ગ્રંથાલયની આંગળી ઝાલી અને માતબર દાન આપી આધુનિક છતાં પ્રાચીન ઓળખને જાળવી રાખનાર એવા ભવનના નિર્માણના યશભાગી બન્યા.

      ગુજરાત અને ભારતભરના પ્રાચીન પુસ્તકાલયો જ્યારે આજે નિસ્તેજ અવસ્થામાં હોય ત્યારે કાયાકલ્પ કરી આવા નવા વિશાળ ભવનનું નિર્માણ કરનાર આ સંસ્થા ગુજરાતનું એકમાત્ર જાહેર પુસ્તકાલય હશે. એનો યશ દાતાઓને અને નવસારીના નગરજનોને તો છે જ, પરંતુ એ સૌને પ્રેરી શકનાર મહાદેવભાઈ દેસાઈનો એમાં સિંહફાળો છે. અને એ કદી ન  ભૂલી શકાય  એવું ઐતિહાસિક યોગદાન છે.

       શ્રી નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે વાંચે ગુજરાત અભિયાન શરૂ થયું હતું. બહુ ઓછા લોકો આ વાત જાણે છે કે વાંચે ગુજરાત અભિયાનનો વિચાર બીજનું ઉદ્ભભવ બિંદુ સયાજી વૈભવ લાઈબ્રેરી જ હતી. સયાજી વૈભવ  લાઇબ્રેરીથી શરૂ થયેલી પ્રવૃત્તિઓમાંથી ‘વાંચે ગુજરાત’નો જન્મ થયો; નવસારીમાંથી પ્રગટેલું આ કિરણ આખા રાજ્યમાં ફેલાયું. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં જબરદસ્ત ચેતના પણ પ્રગટાવી. વાંચે ગુજરાત અભિયાન ગુજરાતભરનું વિદ્યાર્થીઓ માટે એક મસ્તિસ્કમાં નવ વિચાર પ્રેરતું – જન્માવતું આંદોલન બની ગયું. રાજ્યવ્યાપી તરતાં પુસ્તકની ઝુંબેશનો શુભારંભ પણ અહીંથી જ થયો.

                  આ પુસ્તકાલયને કારણે નવસારી શહેરને નવી ઓળખ મળી છે . ચિંતક, વિદ્વાનો, સાહિત્યકારો અને રાજ્યના મુખ્યમંત્રી જેવા રાજપુરુષોએ એને વિશેષણો અને ઉપમાઓથી નવાજ્યું છે.  જેમ કે, તાત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એને ‘પુસ્તકપ્રેમી નવસારી; કહ્યું છે, તો શ્રી ભગવતીકુમાર શર્માએ એને ‘ગ્રંથતીર્થ' કહ્યું , તો શ્રી રઘુવીર ચૌધરીએ એને ‘ગુજરાતનું વાચન પાટનગર’ કહી નવાજ્યું, તો શ્રી મોતીભાઈ પટેલે અને ‘ગુજરાતનું ઍથેન્સ’ ગણાવે છે, તો શ્રી . વિષ્ણુ પંડ્યા સયાજી પુસ્તકાલયને ‘સંસ્કાર ઘડતરની યુનિવર્સિટી' કહે છે.

      સ્વામી શ્રી સચ્ચિદાનંદજી, શ્રી મોરારિબાપુ, પ.પૂ.ગો.શ્રી દ્વારકેશલાલજી મહારાજ, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વ. મનીષાનંદજી, શ્રી સુરેશ દલાલ, શ્રી ભગવતીકુમાર શર્મા,  શ્રી ઉશનસ્, શ્રી વિષ્ણુ પંડયા, શ્રી નારાયણ દેસાઈ, સ્વ. શ્રી હરિભાઈ કોઠારી, શ્રી મહેન્દ્ર મેઘાણી, શ્રી હરેશ ધોળકિયા, શ્રી કાંતિ શાહ, રઘુવીર ચૌધરી, જિતેન્દ્ર દેસાઈ, સ્વ.ન્યાયમૂર્તિ ધીરુભાઈ અં. દેસાઈ, સ્વ ચંદ્રકાંત બક્ષી, શ્રી ગુણવંત શાહ, સુદર્શન આયંગર, શ્રી શ્રી મોતીભાઈ પટેલ, શ્રી જે. જે. રાવળ, શ્રી અમૃતલાલ વેગડ, સોરાબજી વાડિયા, સ્વ. દોલતભાઈ દેસાઈ અને ગુજરાતના તાત્કાલિન  મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદી જેવા ગુજરાતના રત્નો સમાન વિચાર પુરુષોએ સંસ્થાના એક યા બીજા કાર્યક્રમમાં હાજર રહી સંચાલકોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે.

           આ પુસ્તકાલયને અનેકવિધ પ્રવૃતિઓથી ધમધમતું કરવામાં મહાદેવભાઈ દેસાઈનો ફાળો અનન્ય છે. હાલ તો તેઓ સદેહે હયાત નથી પરંતુ તેઓની દીર્ઘદૃષ્ટિથી શરૂ કરેલ પ્રવૃતિઓનાં કારણે  પુસ્તકાલય આજે પણ વાંચકોથી ઉભરાય છે. પુસ્તકાલયના પ્રમુખ તરીકે હાલ સેવા આપતા પ્રશાન્તભાઈ પારેખ પણ ઉત્સાહ પૂર્વક લાઈબ્રેરીની પ્રવૃતિઓને આગળ ધપાવી રહ્યા છે. લાઈબ્રેરિયન તરીકે ફરજ બજાવતા  મેઘનાબેન કાપડીયા આ લાઈબ્રેરીનું ધબકતું હૃદય છે.

                                                                                        - ઈશ્વર પ્રજાપતિ 

 

Sunday, February 20, 2022

સન્ડે સ્પેશિયલ

૨૧મી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષાદિન

શું હું એકવીસમી ફેબ્રુઆરીને ભૂલી શકું,

જે મારા બંધુઓના ખૂનથી લથપથ હતી?"  


 

      ૨૧ મી ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે. એકવીસમી ફેબ્રુઆરી જ કેમ અને શા માટે આંદોલન દિવસ તરીકે ઉજવાય છે એનો રસપ્રદ ઈતિહાસ બહુ ઓછા લોકો જાણે છે.  

      આ વાત છે  વર્ષ ૧૯૫૨ ની.  તાત્કાલિન પૂર્વ પાકિસ્તાન અને  હાલના બંગલાદેશમાં માતૃભાષા માટે  જનઆંદોલન શરૂ થયું. વાત જાણે એમ હતી  કે વર્ષ  ૧૯૪૭ માં ભારત અને પાકિસ્તાનના ભાગલા  પડયા બાદ પૂર્વ પાકિસ્તાનના લોકો માનતા હતા કે તેમનું રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે પશ્ચિમ પાકિસ્તાન દ્વારા શોષણ થઈ રહ્યું છે. ૨૧ માર્ચ, ૧૯૪૮ માં મહંમદ અલી ઝીણાએ જાહેરાત કરેલી કે પૂર્વ  અને પશ્ચિમ પાકિસ્તાન માટે ઉર્દૂ ભાષા જ રાષ્ટ્રીય બંધારણીય ભાષા બની રહેશે તથા સરકારી પત્રો, પોસ્ટકાર્ડ વગેરે પર ઉર્દૂ કે અંગ્રેજીમાં જ છાપકામ કરવામાં આવશે. તેમાં બળતામાં ઘી હોમાયું. પાકિસ્તાનના તાત્કાલિન  પ્રધાનમંત્રી ખ્વાજા નિઝુમુદ્દીને કહ્યું કે, પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં ઉર્દૂ જ રાજ્યભાષા બનશે.

      એ સમયે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં વસતા ૫૭ %  લોકોની મુખ્ય ભાષા બંગાળી હતી. તેમણે આ જાહેરાતનો વિરોધ કર્યો. જે માટે તેમણે ૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ - બંગાળી કેલેન્ડર મુજબ ૮ ફાલ્ગુન, ૧૩૫૯ ના રોજ ઢાકામાં વિરોધ પ્રર્દિશત કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલનને ડામી દેવા  પોલીસ અને સેનાએ કરફ્યૂ લાદી દીધો. આંદોલનને કચડવા સરકારનો હુકમ થયો. હજારો લોકોની ધરપકડ થઈ. લાઠીચાર્જમાં હજારો લોકો ઘવાયા. પોતાની માતૃભાષા - બંગાળી ભાષાના ઉપયોગના અધિકાર માટે આંદોલન કરતાં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પાકિસ્તાની અને ઢાકા પોલીસે ગોળીઓ છોડી. જેમાં  અબુલ બરકાત, રફિકુદ્દીન અહમદ, સફલુર રહેમાન, અબ્દુલ જબ્બર ચાર વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવ્યો.  ત્યારથી ૨૧ મી ફેબ્રુઆરી  બાંગ્લાદેશમાં  શહીદદિન તરીકે  ઊજવવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૯-૧૯૫૬થી પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષાને માન્યતા આપવામાં આવી.  પરંતુ આ આંદોલન આગળ જતાં બાંગલાદેશ મુક્તિ સંગ્રામમાં પરિવર્તિત થયું.  ત્યાર બાદ ૧૯૭૧ માં બાંગ્લાદેશનું સર્જન થયું.

      બંગલાદેશના જાણીતા કટાર લેખક અબ્દુલ ગફાર ચૌધરીની એક કવિતાનો અનુવાદ આ પ્રમાણે છે.

શું હું એકવીસમી ફેબ્રુઆરીને ભૂલી શકું,

જે મારા બંધુઓના ખૂનથી લથપથ હતી?

શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,

જેણે હજારો માતાઓને પુત્રવીહોણી કરી નાખી?

શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,

જેણે મારા સોનેરી દેશને લોહીથી રંગી નાખ્યો ?

       માતૃભાષા કાજે શહીદી વહોરનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદદિનની યાદમાં બાંગ્લાદેશમાં શહીદ મિનાર સ્મારક ઢાકામાં બનાવવામાં આવ્યું. આ સ્મારક  બનાવવા ત્રણ વાર પ્રયત્નો થયેલા.  પ્રથમ પ્રયત્ન ૨૨-૨૩ ફેબ્રુઆરી, ૧૯૫૨ માં થયો, પરંતુ પોલીસ અને સૈન્યએ તેનો ત્વરિત  નાશ કરી દીધો . ત્યાર બાદ બીજો પ્રયત્ન ૧૯૫૭ નવેમ્બરમાં કરવામાં આવ્યો, પરંતુ માર્શલ લોને કારણે કામ બંધ કરવું પડ્યું  અને ૧૯૭૧ માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ત્રીજો પ્રયત્ન શરૂ કર્યો. જેમાં સંગેમરમરના ચાર સ્તંભ ઊભા કરી શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. જે આજે પણ ચાર શહીદોની યાદ અપાવે છે. ઉપરાંત વચ્ચેનો સ્તંભ અને માતૃભૂમિની યાદ અપાવે છે. બાંગ્લાદેશે યુનેસ્કોને ૨૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિન તરીકે ઊજવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવને ઇટાલી, ઇન્ડોનેશિયા, ઓમાન, કોમોરોસ, જામ્બિયા, પાકિસ્તાન, ફિલિપિન્સ, બહામા, બેનિન, ભારત, મલેશિયા, રશિયા, શ્રીલંકા, સાઉદી આરબ વગેરે દેશોએ ટેકો આપ્યો હતો.

        ૧૯૯૯ નવેમ્બરમાં  યુનેસ્કોએ માતૃભાષા દિન ઊજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦ થી દર વર્ષે મનાવવામાં આવે છે. દર વર્ષે યુ.એન દ્વારા  ૨૧ મી ફેબ્રુઆરીને માતૃભાષાના સંવર્ધન માટે જુદી જુદી થીમ નક્કી કરવામાં આવે છે. 

         દુનિયાની ૭,૦૦૦ થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે ત્યારે જે ભાષા લઘુમતીમાં છે તેના સંરક્ષણ માટે, દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે માતૃ ભાષા છે . યુનેસ્કોએ માતૃભાષા દિન ઊજવવા કરેલ નિર્ણય પરથી જ ખ્યાલ આવે છે કે, વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ અનન્ય છે. આમ છતાં આજનો ગાંડોઘેલો આમઆદમી પણ માતૃભાષા કરતાં અન્ય ભાષાને પોતીકી ભાષા કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે બાવાના બેય બગડે છે . દુનિયાને જાણવા અન્ય ભાષાનો ઉપયોગ કરવો જ પડશે , પરંતુ દુનિયાને સમજવા અને સમજાવવા માતૃભાષા જ તમારો સાથ નિભાવશે . અન્ય ભાષા પાંખ બની શકે પણ આંખ ન જ બની શકે.

       દુનિયાના મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશોમાં શિક્ષણ તેમની માતૃભાષામાં જ અપાય છે . જેમ કે રશિયા, ચીન, સ્વીડન, ઇઝરાયેલ વગેરે. આ દેશ માનો પાલવ પકડીને આગળ વધે છે. માસીની આંગળી પકડીને નહીં.. (સંદર્ભ -  કેળવણીના કિનારે : - ડો . અશોક પટેલ) 

                                                                                - ઈશ્વર પ્રજાપતિ 


Saturday, February 12, 2022

સન્ડે સ્પેશિયલ

જ્યારે  સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જતા વિમાનનો  

સંપર્ક તુટ્યો અને દેશની જનતાના જીવ પડીકે બંધાયા..! 
 

         હવાઈ મુસાફરી દરમિયાન  વિમાન દુર્ઘટનાનાં પરિણામે દેશ અને દુનિયાના પ્રખર રાજપુરુષો, સેલીબ્રીટીઝ અને મહાનુભાવોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  વિમાની અકસ્માતોમાં ભારતે પણ કેટલાક રત્નો ગુમાવવા પડ્યા છે. જ્યારે બીજી બાજુ ભયકંર વિમાની દુર્ઘટનામાં ચમત્કારીક બચાવ થયાના દાખલા પણ મોજુદ છે. હવાઈ માર્ગે  દિલ્હીથી જયપુર જતા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈનું વિમાન જ્યારે ક્ષતિગ્રસ્ત થયાની જાણ થતા જ આખા દેશની જનતાના જીવ પડીકે બંધાયા હતા. પરતું સદનસીબે  તેમનો આબાદ બચાવ થયો અને દેશે રાહતનો શ્વાસ લીધો. રાજમોહન ગાંધી લિખિત સરદાર પટેલ એક સમર્પિત જીવન પુસ્તકમાં  આલેખાયેલ પ્રસંગ અહી પ્રસ્તુત છે.
         "વલ્લભભાઈને દિલ્હીથી જયપુર લઈ જતા વિમાન જોડેનો સંપર્ક થઈ શકતો નથી "
      તેવું આકાશવાણી પરથી 1949 માર્ચની ર ૯ મી તારીખે જાહેર કરવામાં આવ્યું, ત્યારે આખા દેશમાં ચિંતા અને ભયની લહેર ફેલાઈ ગઈ, કારણ કે લોકો તેમને પોતાના રક્ષણહાર માનતા થયા હતા. લોકોને વલ્લભભાઈ માટે ચિંતા હતી અને પોતાના માટે ડર હતો. ડવ જાતના બે એન્જિનવાળા વિમાનમાં મણિબહેન, જોધપુરના મહારાજા અને શંકરને સાથે લઈને વલ્લભભાઈ પાલમ હવાઈ અડ્ડા પરથી સાંજે ૫.૩૨ વાગ્યે ઊપડ્યા હતા. જયપુર માત્ર ૧૫૮ માઈલ દૂર હતું અને કલાકમાં પહોંચી જવાય તેમ હતું. આ નાનકડુ વિમાન જરૂરી ઝડપે ઊડ્યું નહીં અથવા ઊંચે ચડ્યું નહીં, પણ તેના પાઇલટ ભીમરાવને કશી ચિંતા થઈ ન હતી. વલ્લભભાઈની હૃદયની બીમારીના કારણે તેમને ૩,૦૦૦ ફૂટથી વધારે ઊંચાઈએ લઈ જવાના નથી તેવી સૂચના તેને આપવામાં આવી હતી. અડધા કલાક પછી વિમાનચાલકનું લાઇસન્સ ધરાવનાર મહારાજાએ વલ્લભભાઈને જણાવ્યું કે એક એન્જિન અટકી પડ્યું છે. રેડિયો સંપર્ક તૂટી ગયો અને વિમાન નીચે ઊતરવા લાગ્યું. જે વિસ્તારમાં ઉતરાણ થઈ રહ્યું હતું તે ડુંગરાળ વિસ્તાર હતો. મણિબહેનની છાતીના થડકારા વધી ગયા, કારણ કે મોત નજીક આવી ગયાનું તેમને લાગ્યું.
          વલ્લભભાઈના મનમાં શું થયું તેની ખબર નથી. પણ વલ્લભભાઈ "શાંત અને અવિચલિત" બેસી રહ્યા. અને તેમણે પાછળથી કહ્યું કે પોતે તો "એક મનોરંજન કાર્યક્રમ જોયો'' પણ સંભવ છે કે વિમાની અકસ્માતમાં અવસાન થવાની સંભાવના તેમના મનમાં હોય. જયપુર ત્રીસ માઈલ દૂર હતું ત્યારે પાઇલટે વિમાન નીચે ઉતારી લેવાનો નિર્ણય કર્યો. મુસાફરોને જણાવવામાં આવ્યું કે વિમાનમાં દાખલ થવાનો જે દરવાજો છે, તે કદાચ સજ્જડ બંધ થઈ જશે અને તેથી તેમણે છાપરામાં આવેલા કટોકટી માટેના દરવાજામાં થઈને જેમ બને તેમ જલદી નીકળી જવું પડશે. કારણ કે પેટ્રોલની ટાંકી કદાચ સળગી ઊઠે. કટોકટીનો દરવાજો બહુ પહોળો ન હતો, પણ મહારાજાનું કદ ખાસ્સું મોટું હતું. "મહારાજા દરવાજામાં ફસાઈ પડે તો પછી બીજા નીકળી નહીં શકે તેથી મહારાજાએ સૌથી છેલ્લા બહાર નીકળવું" તેવું શંકરે કહ્યું ત્યારે વલ્લભભાઈ ખડખડાટ હસી પડ્યા. પાઇલટે બધાંને તેમના કમરપટ્ટા કસોકસ બાંધી લેવાની સૂચના આપી. પાંચ મિનિટ પછી તેણે એક નદીના ભાઠામાં વિમાનને સહીસલામત ઉતાર્યું. આગ લાગી નહીં અને દરવાજો પણ સજ્જડ બંધ થયો ન હોવાથી ઉપરનો દરવાજો વાપરવાની જરૂર પડી નહીં.
           એક ભરવાડ વિમાન પાસે આવ્યો. પૂછપરછથી જાણી શકાયું કે તેઓ શાહપુર નામના ગામડાની બાજુમાં ઊતર્યા છે. ભરવાડ જઈને બીજા લોકોને  બોલાવી લાવ્યો. વધારે લોકો આવ્યા. ખાટલા ઢળાયા, દૂધ અને મીઠાઈ પણ આવ્યાં. બે કુસ્તીબાજોએ પોતાની મલ્લવિદ્યા દેખાડી. મહારાજા અને રેડિયો અધિકારી સૌથી નજીકના ધોરી રસ્તાની શોધમાં ઉપડ્યા. કે જેથી વલ્લભભાઈ સલામત હોવાની ખબર પહોંચાડી શકાય અને કોઈ વાહનની વ્યવસ્થા કરી શકાય. તેમણે કેટલાક ગામલોકોને ખબર આપી, પણ વાહન તો કંઈ દેખાયું નહી. છેવટે એક ગાડી મળી પણ તેનો ઘોડો તદ્દન મડદાલ અને અડિયલ હતો. રાત પડી ગઇ હોવાથી તાપણાં સળગાવવામાં આવ્યાં. બે કલાક પછી વલ્લભભાઇ અને તેમના સાથીદારો ખેડાયેલા ખેતરોમાં અડધો કલાક ચાલીને રસ્તાની બાજુએ આવેલા ખુલ્લા ઉજ્જડ ચોગાનમાં પહોંચ્યા. આ સ્થળે ગામલોકો સિવાય પહેલા પહોંચેલા અધિકારી લાલ હતા. લાલ આ વિસ્તારના હતા અને વલ્લભભાઈને લઈને જતા વિમાને શાહપુર નજીક ઉતરાણ કર્યું છે તેવી ખબર તેમને મળી ગઈ હતી. લાલ પોતાની મોટર લાવ્યા હતા અને વલ્લભભાઈની મુલાકાતનો હેવાલ લેવા માટે જયપુર જઈ રહેલ આકાશવાણીનું વાહન પણ કબજે કરીને સાથે લેતા આવ્યા હતા.
        લાલે નોંધ્યું છે : વિમાનમાંથી કાઢી લીધેલી ખુરશીમાં વલ્લભભાઈ બેઠા હતા. આ ધાંધલથી જરા પણ ગભરાયા ન હતા. પણ થોડા કંટાળી ગયા હતા. મને જોઈને જરા સ્મિત કર્યું. પણ અકસ્માતની કશી ચર્ચા કરવામાં કશો રસ તેમણે દેખાડ્યો નહીં. કોણ દોષી હતું તેમાં શંકા ન હતી . પોતે વેઠવી પડેલી અગવડ કે તકલીફનો તેમણે વિચાર સરખો કર્યો નહીં. વલ્લભભાઈ તો જયપુરના વિચારમાં ગરકાવ હતા . મેં તેમને ગાડીમાં બેસવા વિનંતી કરી ત્યારે તેમણે તરત જ પૂછ્યું : તમારું શું ? તમારી સાથે છે તે લોકોનું શું ગોઠવશો ? અને મારી સાથે હતા તે બધા ખાસ કરીને મહારાજા માટે શી ગોઠવણ છે?
        વલ્લભભાઈ અને તેમના સાથીઓ જયપુર પહોંચ્યા ત્યારે રાત્રે ૧૧.૦૦ વાગ્યા હતા. ભારતના તમામ લોકોની માફક તેમના યજમાનો પણ વલ્લભભાઈનું વિમાન તૂટી પડ્યાનું ધારી લઇને શોકમગ્ન હતા. તે બધા હવે ચિંતામુક્ત થયા. સરદારની આગળ જયપુર જવા ઊડી ગયેલા મેનનને જવાહરલાલે રાત્રે ૮.૩૦ વાગ્યે પાછા દિલ્હી બોલાવી લીધા હતા. નેહરુ અકળામણમાં આંટા મારી રહ્યા હતા, ત્યારે રાત્રે ૧૧ વાગ્યે જયપુરથી ટેલિફોન આવ્યો. શંકરે વડા પ્રધાનને બધાં સહીસલામત હોવાની ખબર આપી. પછી વલ્લભભાઈએ જવાહરલાલ જોડે જે બન્યું તેની મજાકમશ્કરી કરી. બીજા દિવસે સવારે મેનન પાછા જયપુર પહોંચ્યા અને સરદારને મળ્યા ત્યારે સરકારે મજાકમાં પૂછ્યું, 'દિલ્હી પાછા કેમ ભાગ્યા ? તમને ખુબર નથી કે મને કંઈ થવાનું નથી ?  ’આમ કહીને વલ્લભભાઈએ મેનનને બાથમા લીધા . હું આટલો ભાવિવશ કદી બન્યો ન હતો.' ' તેવું મેનને પોતે કહ્યું છે . "માર્ચની ૩૧ મી તારીખે વલ્લભભાઈ દિલ્હી પાછા ફર્યા ત્યારે પાલમ કે મોટું ટોળું જમા થયું હતું. તે દિવસ બપોરે વલ્લભભાઈ સંસદ ભવનમાં દાખલ થયા, ત્યારે તમામ સભ્યોએ ઊભા થઈને બાંકડા પછાડીને તેમના દીર્ઘાયુષ્ય માટે મોટા અવાજે શુભેચ્છાઓ દર્શાવી. પૂરી ત્રણ મિનિટ સુધી હર્ષનાદો ચાલુ રહ્યા અને હવે બહુ થયું તેવું દર્શાવવા માટે વલ્લભભાઈએ હાથ ઊંચા કર્યા પછી જ અટક્યા.
      વલ્લભભાઈ પણ ગળગળા થઈ ગયા હતા તેમણે ગદગદ સભાને જણાવ્યું : તમારા સૌના પ્રેમ અને આદરનું જે દર્શન મે હમણાં જ જોયું છે, તે મારી યાદદાસ્તમાં કાયમ રહેશે. નદીના ભાઠામાં ત્રણચાર કલાક ગાળ્યા ત્યારે પણ હું દેશવાસીઓને ચિંતા કરાવું છું તેવા વિચાર મારા મનમાં ચાલતા હતા.
        અઠવાડિયા પછી સંસદ ભવનના બગીચામાં સાંસદોએ તેમને માટે સંધ્યા - સમારોહ યોજ્યો અને વલ્લભભાઈ જેમાં બેસીને નદીના ભાઠામાં ઊતર્યા હતા તે ડવ જાતના વિમાનની પ્રતિકૃતિ પોતાના વતી વલ્લભભાઈને અર્પણ કરવાની તેમણે નેહરુને વિનંતી કરી. તેમના સ્નેહનું  અને નસીબનો ઉપકાર માનવાનું, આ પ્રતીક છે તેવું સાંસદોએ જણાવ્યું. વલ્લભભાઈ ફરી વખત દ્રવી ઊઠ્યા , પણ આ પ્રતીક પોતે હવાઈ દળને મોકલી આપશે તેવું તેમણે જાહેર કર્યું."
( સંદર્ભ : સરદાર પટેલ એક સમર્પિત જીવન , લે. રાજમોહન ગાંધી)
    
                                                                                                - ઈશ્વર પ્રજાપતિ
9825142620


Saturday, February 5, 2022

સન્ડે સ્પેશિયલ : ભારતની પ્રથમ એઈરલાઈન્સ કંપનીના પ્રારંભની રસપ્રદ કથા, જ્યારે ફ્યુઅલ બળદગાડા દ્વારા રન-વે સુધી લઇ જવાતું

 ભારતની  પ્રથમ એઈરલાઈન્સ કંપનીના પ્રારંભની રસપ્રદ કથા, 
જ્યારે  ફ્યુઅલ  બળદગાડા  દ્વારા રન-વે સુધી   લઇ જવાતું. 


        એર ઈન્ડિયા 69 વર્ષ પછી  ટાટા ગ્રૂપ સાથે ફરી એકવાર જોડાઈ ગઈ. ટાટા ગ્રુપ માટે આ ક્ષન ઐતિહાસિક હતી. રતત ટાટાએ પોતાના આવાજની એક ઓડિયો કલીપ ટ્વીટ કરી ગ્રાહકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પડવાની ખાતરી સાથે ભાવપૂર્ણ આવકાર  આપ્યો. જાણે એવિએશન ઇન્ડસ્ટ્રીનો નવો અધ્યાય શરૂ થયો.  

        ભારતીય એવિએશન સેકટરનો ઈતિહાસ એક સદીથી વધુ જુનો નથી. જે. આર.ડી. ટાટા ભારતમાં હવાઈ સેવાઓ- એવિએશન ઇન્ડસ્ટ્રીનાન પ્રણેતા તરીકે આજે પણ આદર આપવામાં આવે છે. જે. આર.ડી. ટાટાએ ૧૯૩૨ માં ટાટા એઈર લાઈન્સના નામે ભારતની પ્રથમ એઈરલાઈન્સ  કંપનીની સ્થાપના કરી. ભારતની પ્રથમ એઈર લાઈન્સની સ્થાપનાનો ઈતિહાસ ખુબ રસપ્રદ છે.   

    ૨૯મી જુલાઈ, ૧૯૦૪ના રોજ ફ્રાન્સના પેરિસ શહેરમાં એક પારસી પિતા અને ફ્રેન્ચ માતાને ત્યાં જન્મેલા જહાંગીર રતનજી દાદાભાઈ ટાટાએ (જે.આર.ડી.ટાટા) સૌપ્રથમ 1919માં માત્ર 15 વર્ષની ઉંમરે એક શોખ તરીકે વિમાન ઉડાડ્યું હતું. હવે તેઓ વિમાન ઉડ્ડયનને જ કારકિર્દી બનાવવા માંગતા હતા. ભારતમાં વિમાન ઉડ્ડયનનું લાઇસન્સ મેળવનાર જે.આર.ડી. તાતા સૌપ્રથમ હતા. તા. ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ પાઈલટ બનવાનું લાઇસન્સ પ્રાપ્ત કરવાની સાથે તેમને ભારતમાં પહેલા પાયલટ બનવાનું બહુમાન પ્રાપ્ત થયું. ૧૯૩૨માં તેમણે ભારતમાં પહેલી વાણિજ્ય એરલાઈન્સ ટાટા  એરલાઈન્સની સ્થાપના કરી. પરંતુ આ એઈરલાઈન્સની સ્થાપનામાં બીજી એક વ્યક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. એ વ્યક્તિ હતા દક્ષિણ આફ્રિકન પાયલટ  નેવિલ વિન્સેન્ટ.  જેમણે બ્રિટિશ એરફોર્સમાં પાઈલટ તરીકે કામ કર્યું હતું. ટાટાએ પણ વિન્સેન્ટને " ભારતીય હવાઈ પરિવહનના સ્થાપક" માન્યા છે.

      કેપ્ટન વિન્સેન્ટ ખૂબ જ સાહસિક વ્યક્તિ હતા. આર.એ.એફ. છોડ્યા પછી તરત  તેમણે ભારત, બર્મા અને દક્ષિણ-પૂર્વ એશિયાનું હવાઈ સર્વેક્ષણ કરવાનું શરૂ કર્યું. ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુથી બ્રિટિશ સ્ટ્રેટની વચ્ચે પ્રથમ એર મેઇલ ઉડાડવા ઉપરાંત, તેણે મલાક્કા અને સિંગાપોરમાં પણ સેવા આપી હતી.

       વર્ષ 1928માં, તેમણે કેપ્ટન જે.એસ.નેવૉલ સાથે યુ.કે.થી ભારતની ફ્લાઇટ પૂર્ણ કરી. તે ઈતિહાસની સૌથી લાંબા અંતરની ફ્લાઈટ્સ પૈકીની એક માનવામાં આવે છે. વિન્સેન્ટ અને નેવોલ બંનેએ ભારતમાં બે ‘ડી હેવિલેન્ડ DH9’ એરોપ્લેન ઉડાવ્યા અને અહીં નાગરિક ઉડ્ડયનની શક્યતાઓ જોઈને વિન્સેન્ટે ભારતમાં સ્થાયી થવાનું નક્કી કર્યું.

         જે વર્ષે વિન્સેન્ટે આ ફ્લાઇટ ઉડાળવાનું શરૂ કર્યું, તેને લાગ્યું  કે ભારતમાં કોમર્શિયલ એરલાઇન ઉદ્યોગ શરૂ કરવાની સારી તકો છે. તેણે સાંભળ્યું હતું કે બ્રિટિશ ઈમ્પીરીયલ એરવેઝ (બ્રિટિશ એરવેઝના પ્રણેતા) સમગ્ર એશિયામાં ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય મેઈલ અને પેસેન્જર સેવા શરૂ કરી રહ્યા છે,

      ભારતમાં પ્રતિબંધોને કારણે, આ એરલાઇન્સ મેલ અને મુસાફરોને કરાચી (હાલ પાકિસ્તાન)માં ઉતારતી હતી. જ્યાંથી તેમને રેલ પરિવહન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ ખૂબ જ અસુવિધાજનક પ્રક્રિયા હતી અને ઘણો સમય વેડફાતો હતો.

       વિન્સેન્ટે આને એક સારી બિઝનેસ તક તરીકે જોઈ અને સ્થાનિક એરમેલ સેવા વિશે વિચાર્યું, જે મેલ અને મુસાફરોને કરાચીમાં લઈ જશે. અહીંથી 24 કલાકની અંદર  ભારતીય ઉપમહાદ્વીપનાં સ્થાનો સુધી પહોંચાશે.

      પરંતુ વિન્સેન્ટ પાસે નાણાકીય/આર્થિક માધ્યમો ન હતા અને તેથી તેઓ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિઓ સુધી પહોંચ્યા. તેમણે પ્રખ્યાત પારસી ઉદ્યોગપતિ સર હોમી મહેતા સાથે તેની શરૂઆત કરી. પણ મહેતાએ આ વિચારમાં કોઈ રસ દાખવ્યો નહિ. પરંતુ મહેતાએ તેમને ટાટા સાથે વાત કરવાનું સૂચન કર્યું. જેઆરડીના કાકા સર દોરાબજી ટાટા તે સમયે ટાટા ગ્રુપના ચેરમેન હતા. દોરાબજીને પણ વિન્સેન્ટના આ પ્રોજેક્ટમાં ખાસ રસ નહોતો.  પરંતુ તે સમયે તેમના 24 વર્ષીય ભત્રીજા જેઆરડી ટાટાને વિન્સેન્ટનો વિચાર ઘણો ગમ્યો હતો, કારણ કે તેણે પોતે પાઇલટનું લાઇસન્સ મેળવ્યું હતું અને તેમણે દોરાબજીને એવિએશન કંપની માટે મનાવવા માટે વિન્સેન્ટની મદદ કરી.

        આમ, વર્ષ 1932માં 2 લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચ સાથે ‘ટાટા એવિએશન સર્વિસિસ’ અસ્તિત્વમાં આવી. તેમણે 2 નાના પ્લેન ખરીદ્યા, જે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતા હતા. આ વિમાનો ફક્ત પોસ્ટ દ્વારા અને વધુમાં વધુ માત્ર 1 પેસેન્જર સાથે ઉડાન ભરતા હતા. પહેલા કરાચીથી મુંબઈ અને પછી મદ્રાસ માટે રવાના થતા હતા.

        તે જ વર્ષે એપ્રિલમાં, ટાટા એવિએશન સર્વિસે, ઘણા વિચાર-વિમર્શ પછી, કરાંચીથી ટપાલ મોકલવા માટે બ્રિટિશ સરકાર સાથે 10 વર્ષનો કરાર કર્યો. વિન્સેન્ટને આ નવા વ્યાપારી ઉડ્ડયન સાહસનો મુખ્ય પાઇલટ બનાવવામાં આવ્યા હતા. જોકે, તેણે અનેક પડકારોનો સામનો કર્યો. સ્ટ્રેટ ટાઈમ્સ અનુસાર, “તેમના વિમાનોમાં કોઈ વાયરલેસ સાધનો નહોતા, કારણ કે તે સમયે તે ખૂબ ખર્ચાળ હતા અને કંપની પાસે વધુ ભંડોળ નહોતું. આ ઉપરાંત, રાત્રિની ફ્લાઇટ ન હતી કારણ કે ભારતમાં રાત્રિની ફ્લાઇટ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હતી.

         સપ્ટેમ્બર 1932માં, ટાટાની પ્રથમ ફ્લાઇટ ભારે વરસાદને કારણે એક મહિના મોડી શરૂ થઈ હતી. ખરાબ હવામાનને કારણે ટાટાને તેમની પ્રથમ ફ્લાઇટ 15 ઓક્ટોબર સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.  છેવટે, જ્યારે આ ફ્લાઇટે કરાચીથી પહેલીવાર ઉડાન ભરી ત્યારે તેમાં 100 પાઉન્ડથી વધુ ડાક હતા.

         ટ્રેન દ્વારા, કરાચી-બોમ્બે અંતર કાપવામાં 45 કલાકનો સમય લાગતો હતો, પરંતુ ટાટા આઠ કલાકથી ઓછા સમયમાં જુહુ પહોંચી ગયા, તે દરમિયાન તેમણે અમદાવાદમાં પ્લેનને રોકીને તેમાં ઇંધણ ભર્યું અને આ ઈંધણને એક બળદગાડા દ્વારા રનવે સુધી પહોંચાડવામાં આવતુ હતુ.

       તેની શરૂઆતના પ્રથમ વર્ષમાં, એર મેઇલ સેવાએ 155 મુસાફરો ઉપરાંત લગભગ 10 ટન ટપાલો પહોંચાડી હતી અને રૂ. 60,000 નો નફો કર્યો હતો. એરલાઇનની સેવાઓને જોતાં, ઉદ્યોગની પ્રારંભિક સફળતા કોઈ આશ્ચર્યની વાત ન હતી.

       બીજા વિશ્વયુદ્ધ પછી, 19 જુલાઈ 1946ના રોજ ટાટા એરલાઈન એક પબ્લિક લિમિટેડ કંપની બની અને તેનું નામ પણ બદલીને ‘એર ઈન્ડિયા’ કરવામાં આવ્યું. સાત વર્ષ પછી 1953 માં , ભારત સરકારે એર ઈન્ડિયાના રાષ્ટ્રીયકરણની પ્રક્રિયા શરૂ કરી, અને ટાટા ગ્રુપ પાસેથી એરલાઈનનું નિયંત્રણ લઈ લીધું હતું.

        આખરે આશરે  સાત દાયકા બાદ એઈર ઇન્ડીયાનું ખાનગીકરણ થતા તાતા ગ્રુપે તેનું આધિપત્ય પાછું મેળવ્યું.

       માર્ચ ૧૯૯૨માં જે.આર.ડી. તાતાને જો કે ‘ભારત રત્ન’થી સન્માનવામાં આવ્યા, ત્યારે ૮૭ વર્ષની ઉંમરે એમણે ઓફિસના ૨૦૦૦ના સ્ટાફને કહ્યું, 'તમે મારું ફેમિલી, મારા બાળકો છો.' અને ઉમેર્યું 'આવતી સદીમાં ભારત સમૃદ્ધ દેશ બને એ પહેલા સુખી દેશ બને એ હું જોવા માંગું છું !'  


- ઈશ્વર પ્રજાપતિ 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts