Saturday, February 5, 2022

સન્ડે સ્પેશિયલ : ભારતની પ્રથમ એઈરલાઈન્સ કંપનીના પ્રારંભની રસપ્રદ કથા, જ્યારે ફ્યુઅલ બળદગાડા દ્વારા રન-વે સુધી લઇ જવાતું

 ભારતની  પ્રથમ એઈરલાઈન્સ કંપનીના પ્રારંભની રસપ્રદ કથા, 
જ્યારે  ફ્યુઅલ  બળદગાડા  દ્વારા રન-વે સુધી   લઇ જવાતું. 


        એર ઈન્ડિયા 69 વર્ષ પછી  ટાટા ગ્રૂપ સાથે ફરી એકવાર જોડાઈ ગઈ. ટાટા ગ્રુપ માટે આ ક્ષન ઐતિહાસિક હતી. રતત ટાટાએ પોતાના આવાજની એક ઓડિયો કલીપ ટ્વીટ કરી ગ્રાહકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પડવાની ખાતરી સાથે ભાવપૂર્ણ આવકાર  આપ્યો. જાણે એવિએશન ઇન્ડસ્ટ્રીનો નવો અધ્યાય શરૂ થયો.  

        ભારતીય એવિએશન સેકટરનો ઈતિહાસ એક સદીથી વધુ જુનો નથી. જે. આર.ડી. ટાટા ભારતમાં હવાઈ સેવાઓ- એવિએશન ઇન્ડસ્ટ્રીનાન પ્રણેતા તરીકે આજે પણ આદર આપવામાં આવે છે. જે. આર.ડી. ટાટાએ ૧૯૩૨ માં ટાટા એઈર લાઈન્સના નામે ભારતની પ્રથમ એઈરલાઈન્સ  કંપનીની સ્થાપના કરી. ભારતની પ્રથમ એઈર લાઈન્સની સ્થાપનાનો ઈતિહાસ ખુબ રસપ્રદ છે.   

    ૨૯મી જુલાઈ, ૧૯૦૪ના રોજ ફ્રાન્સના પેરિસ શહેરમાં એક પારસી પિતા અને ફ્રેન્ચ માતાને ત્યાં જન્મેલા જહાંગીર રતનજી દાદાભાઈ ટાટાએ (જે.આર.ડી.ટાટા) સૌપ્રથમ 1919માં માત્ર 15 વર્ષની ઉંમરે એક શોખ તરીકે વિમાન ઉડાડ્યું હતું. હવે તેઓ વિમાન ઉડ્ડયનને જ કારકિર્દી બનાવવા માંગતા હતા. ભારતમાં વિમાન ઉડ્ડયનનું લાઇસન્સ મેળવનાર જે.આર.ડી. તાતા સૌપ્રથમ હતા. તા. ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ પાઈલટ બનવાનું લાઇસન્સ પ્રાપ્ત કરવાની સાથે તેમને ભારતમાં પહેલા પાયલટ બનવાનું બહુમાન પ્રાપ્ત થયું. ૧૯૩૨માં તેમણે ભારતમાં પહેલી વાણિજ્ય એરલાઈન્સ ટાટા  એરલાઈન્સની સ્થાપના કરી. પરંતુ આ એઈરલાઈન્સની સ્થાપનામાં બીજી એક વ્યક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. એ વ્યક્તિ હતા દક્ષિણ આફ્રિકન પાયલટ  નેવિલ વિન્સેન્ટ.  જેમણે બ્રિટિશ એરફોર્સમાં પાઈલટ તરીકે કામ કર્યું હતું. ટાટાએ પણ વિન્સેન્ટને " ભારતીય હવાઈ પરિવહનના સ્થાપક" માન્યા છે.

      કેપ્ટન વિન્સેન્ટ ખૂબ જ સાહસિક વ્યક્તિ હતા. આર.એ.એફ. છોડ્યા પછી તરત  તેમણે ભારત, બર્મા અને દક્ષિણ-પૂર્વ એશિયાનું હવાઈ સર્વેક્ષણ કરવાનું શરૂ કર્યું. ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુથી બ્રિટિશ સ્ટ્રેટની વચ્ચે પ્રથમ એર મેઇલ ઉડાડવા ઉપરાંત, તેણે મલાક્કા અને સિંગાપોરમાં પણ સેવા આપી હતી.

       વર્ષ 1928માં, તેમણે કેપ્ટન જે.એસ.નેવૉલ સાથે યુ.કે.થી ભારતની ફ્લાઇટ પૂર્ણ કરી. તે ઈતિહાસની સૌથી લાંબા અંતરની ફ્લાઈટ્સ પૈકીની એક માનવામાં આવે છે. વિન્સેન્ટ અને નેવોલ બંનેએ ભારતમાં બે ‘ડી હેવિલેન્ડ DH9’ એરોપ્લેન ઉડાવ્યા અને અહીં નાગરિક ઉડ્ડયનની શક્યતાઓ જોઈને વિન્સેન્ટે ભારતમાં સ્થાયી થવાનું નક્કી કર્યું.

         જે વર્ષે વિન્સેન્ટે આ ફ્લાઇટ ઉડાળવાનું શરૂ કર્યું, તેને લાગ્યું  કે ભારતમાં કોમર્શિયલ એરલાઇન ઉદ્યોગ શરૂ કરવાની સારી તકો છે. તેણે સાંભળ્યું હતું કે બ્રિટિશ ઈમ્પીરીયલ એરવેઝ (બ્રિટિશ એરવેઝના પ્રણેતા) સમગ્ર એશિયામાં ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય મેઈલ અને પેસેન્જર સેવા શરૂ કરી રહ્યા છે,

      ભારતમાં પ્રતિબંધોને કારણે, આ એરલાઇન્સ મેલ અને મુસાફરોને કરાચી (હાલ પાકિસ્તાન)માં ઉતારતી હતી. જ્યાંથી તેમને રેલ પરિવહન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ ખૂબ જ અસુવિધાજનક પ્રક્રિયા હતી અને ઘણો સમય વેડફાતો હતો.

       વિન્સેન્ટે આને એક સારી બિઝનેસ તક તરીકે જોઈ અને સ્થાનિક એરમેલ સેવા વિશે વિચાર્યું, જે મેલ અને મુસાફરોને કરાચીમાં લઈ જશે. અહીંથી 24 કલાકની અંદર  ભારતીય ઉપમહાદ્વીપનાં સ્થાનો સુધી પહોંચાશે.

      પરંતુ વિન્સેન્ટ પાસે નાણાકીય/આર્થિક માધ્યમો ન હતા અને તેથી તેઓ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિઓ સુધી પહોંચ્યા. તેમણે પ્રખ્યાત પારસી ઉદ્યોગપતિ સર હોમી મહેતા સાથે તેની શરૂઆત કરી. પણ મહેતાએ આ વિચારમાં કોઈ રસ દાખવ્યો નહિ. પરંતુ મહેતાએ તેમને ટાટા સાથે વાત કરવાનું સૂચન કર્યું. જેઆરડીના કાકા સર દોરાબજી ટાટા તે સમયે ટાટા ગ્રુપના ચેરમેન હતા. દોરાબજીને પણ વિન્સેન્ટના આ પ્રોજેક્ટમાં ખાસ રસ નહોતો.  પરંતુ તે સમયે તેમના 24 વર્ષીય ભત્રીજા જેઆરડી ટાટાને વિન્સેન્ટનો વિચાર ઘણો ગમ્યો હતો, કારણ કે તેણે પોતે પાઇલટનું લાઇસન્સ મેળવ્યું હતું અને તેમણે દોરાબજીને એવિએશન કંપની માટે મનાવવા માટે વિન્સેન્ટની મદદ કરી.

        આમ, વર્ષ 1932માં 2 લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચ સાથે ‘ટાટા એવિએશન સર્વિસિસ’ અસ્તિત્વમાં આવી. તેમણે 2 નાના પ્લેન ખરીદ્યા, જે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડતા હતા. આ વિમાનો ફક્ત પોસ્ટ દ્વારા અને વધુમાં વધુ માત્ર 1 પેસેન્જર સાથે ઉડાન ભરતા હતા. પહેલા કરાચીથી મુંબઈ અને પછી મદ્રાસ માટે રવાના થતા હતા.

        તે જ વર્ષે એપ્રિલમાં, ટાટા એવિએશન સર્વિસે, ઘણા વિચાર-વિમર્શ પછી, કરાંચીથી ટપાલ મોકલવા માટે બ્રિટિશ સરકાર સાથે 10 વર્ષનો કરાર કર્યો. વિન્સેન્ટને આ નવા વ્યાપારી ઉડ્ડયન સાહસનો મુખ્ય પાઇલટ બનાવવામાં આવ્યા હતા. જોકે, તેણે અનેક પડકારોનો સામનો કર્યો. સ્ટ્રેટ ટાઈમ્સ અનુસાર, “તેમના વિમાનોમાં કોઈ વાયરલેસ સાધનો નહોતા, કારણ કે તે સમયે તે ખૂબ ખર્ચાળ હતા અને કંપની પાસે વધુ ભંડોળ નહોતું. આ ઉપરાંત, રાત્રિની ફ્લાઇટ ન હતી કારણ કે ભારતમાં રાત્રિની ફ્લાઇટ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હતી.

         સપ્ટેમ્બર 1932માં, ટાટાની પ્રથમ ફ્લાઇટ ભારે વરસાદને કારણે એક મહિના મોડી શરૂ થઈ હતી. ખરાબ હવામાનને કારણે ટાટાને તેમની પ્રથમ ફ્લાઇટ 15 ઓક્ટોબર સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.  છેવટે, જ્યારે આ ફ્લાઇટે કરાચીથી પહેલીવાર ઉડાન ભરી ત્યારે તેમાં 100 પાઉન્ડથી વધુ ડાક હતા.

         ટ્રેન દ્વારા, કરાચી-બોમ્બે અંતર કાપવામાં 45 કલાકનો સમય લાગતો હતો, પરંતુ ટાટા આઠ કલાકથી ઓછા સમયમાં જુહુ પહોંચી ગયા, તે દરમિયાન તેમણે અમદાવાદમાં પ્લેનને રોકીને તેમાં ઇંધણ ભર્યું અને આ ઈંધણને એક બળદગાડા દ્વારા રનવે સુધી પહોંચાડવામાં આવતુ હતુ.

       તેની શરૂઆતના પ્રથમ વર્ષમાં, એર મેઇલ સેવાએ 155 મુસાફરો ઉપરાંત લગભગ 10 ટન ટપાલો પહોંચાડી હતી અને રૂ. 60,000 નો નફો કર્યો હતો. એરલાઇનની સેવાઓને જોતાં, ઉદ્યોગની પ્રારંભિક સફળતા કોઈ આશ્ચર્યની વાત ન હતી.

       બીજા વિશ્વયુદ્ધ પછી, 19 જુલાઈ 1946ના રોજ ટાટા એરલાઈન એક પબ્લિક લિમિટેડ કંપની બની અને તેનું નામ પણ બદલીને ‘એર ઈન્ડિયા’ કરવામાં આવ્યું. સાત વર્ષ પછી 1953 માં , ભારત સરકારે એર ઈન્ડિયાના રાષ્ટ્રીયકરણની પ્રક્રિયા શરૂ કરી, અને ટાટા ગ્રુપ પાસેથી એરલાઈનનું નિયંત્રણ લઈ લીધું હતું.

        આખરે આશરે  સાત દાયકા બાદ એઈર ઇન્ડીયાનું ખાનગીકરણ થતા તાતા ગ્રુપે તેનું આધિપત્ય પાછું મેળવ્યું.

       માર્ચ ૧૯૯૨માં જે.આર.ડી. તાતાને જો કે ‘ભારત રત્ન’થી સન્માનવામાં આવ્યા, ત્યારે ૮૭ વર્ષની ઉંમરે એમણે ઓફિસના ૨૦૦૦ના સ્ટાફને કહ્યું, 'તમે મારું ફેમિલી, મારા બાળકો છો.' અને ઉમેર્યું 'આવતી સદીમાં ભારત સમૃદ્ધ દેશ બને એ પહેલા સુખી દેશ બને એ હું જોવા માંગું છું !'  


- ઈશ્વર પ્રજાપતિ 

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts