Saturday, February 12, 2022

સન્ડે સ્પેશિયલ

જ્યારે  સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જતા વિમાનનો  

સંપર્ક તુટ્યો અને દેશની જનતાના જીવ પડીકે બંધાયા..! 
 

         હવાઈ મુસાફરી દરમિયાન  વિમાન દુર્ઘટનાનાં પરિણામે દેશ અને દુનિયાના પ્રખર રાજપુરુષો, સેલીબ્રીટીઝ અને મહાનુભાવોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  વિમાની અકસ્માતોમાં ભારતે પણ કેટલાક રત્નો ગુમાવવા પડ્યા છે. જ્યારે બીજી બાજુ ભયકંર વિમાની દુર્ઘટનામાં ચમત્કારીક બચાવ થયાના દાખલા પણ મોજુદ છે. હવાઈ માર્ગે  દિલ્હીથી જયપુર જતા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈનું વિમાન જ્યારે ક્ષતિગ્રસ્ત થયાની જાણ થતા જ આખા દેશની જનતાના જીવ પડીકે બંધાયા હતા. પરતું સદનસીબે  તેમનો આબાદ બચાવ થયો અને દેશે રાહતનો શ્વાસ લીધો. રાજમોહન ગાંધી લિખિત સરદાર પટેલ એક સમર્પિત જીવન પુસ્તકમાં  આલેખાયેલ પ્રસંગ અહી પ્રસ્તુત છે.
         "વલ્લભભાઈને દિલ્હીથી જયપુર લઈ જતા વિમાન જોડેનો સંપર્ક થઈ શકતો નથી "
      તેવું આકાશવાણી પરથી 1949 માર્ચની ર ૯ મી તારીખે જાહેર કરવામાં આવ્યું, ત્યારે આખા દેશમાં ચિંતા અને ભયની લહેર ફેલાઈ ગઈ, કારણ કે લોકો તેમને પોતાના રક્ષણહાર માનતા થયા હતા. લોકોને વલ્લભભાઈ માટે ચિંતા હતી અને પોતાના માટે ડર હતો. ડવ જાતના બે એન્જિનવાળા વિમાનમાં મણિબહેન, જોધપુરના મહારાજા અને શંકરને સાથે લઈને વલ્લભભાઈ પાલમ હવાઈ અડ્ડા પરથી સાંજે ૫.૩૨ વાગ્યે ઊપડ્યા હતા. જયપુર માત્ર ૧૫૮ માઈલ દૂર હતું અને કલાકમાં પહોંચી જવાય તેમ હતું. આ નાનકડુ વિમાન જરૂરી ઝડપે ઊડ્યું નહીં અથવા ઊંચે ચડ્યું નહીં, પણ તેના પાઇલટ ભીમરાવને કશી ચિંતા થઈ ન હતી. વલ્લભભાઈની હૃદયની બીમારીના કારણે તેમને ૩,૦૦૦ ફૂટથી વધારે ઊંચાઈએ લઈ જવાના નથી તેવી સૂચના તેને આપવામાં આવી હતી. અડધા કલાક પછી વિમાનચાલકનું લાઇસન્સ ધરાવનાર મહારાજાએ વલ્લભભાઈને જણાવ્યું કે એક એન્જિન અટકી પડ્યું છે. રેડિયો સંપર્ક તૂટી ગયો અને વિમાન નીચે ઊતરવા લાગ્યું. જે વિસ્તારમાં ઉતરાણ થઈ રહ્યું હતું તે ડુંગરાળ વિસ્તાર હતો. મણિબહેનની છાતીના થડકારા વધી ગયા, કારણ કે મોત નજીક આવી ગયાનું તેમને લાગ્યું.
          વલ્લભભાઈના મનમાં શું થયું તેની ખબર નથી. પણ વલ્લભભાઈ "શાંત અને અવિચલિત" બેસી રહ્યા. અને તેમણે પાછળથી કહ્યું કે પોતે તો "એક મનોરંજન કાર્યક્રમ જોયો'' પણ સંભવ છે કે વિમાની અકસ્માતમાં અવસાન થવાની સંભાવના તેમના મનમાં હોય. જયપુર ત્રીસ માઈલ દૂર હતું ત્યારે પાઇલટે વિમાન નીચે ઉતારી લેવાનો નિર્ણય કર્યો. મુસાફરોને જણાવવામાં આવ્યું કે વિમાનમાં દાખલ થવાનો જે દરવાજો છે, તે કદાચ સજ્જડ બંધ થઈ જશે અને તેથી તેમણે છાપરામાં આવેલા કટોકટી માટેના દરવાજામાં થઈને જેમ બને તેમ જલદી નીકળી જવું પડશે. કારણ કે પેટ્રોલની ટાંકી કદાચ સળગી ઊઠે. કટોકટીનો દરવાજો બહુ પહોળો ન હતો, પણ મહારાજાનું કદ ખાસ્સું મોટું હતું. "મહારાજા દરવાજામાં ફસાઈ પડે તો પછી બીજા નીકળી નહીં શકે તેથી મહારાજાએ સૌથી છેલ્લા બહાર નીકળવું" તેવું શંકરે કહ્યું ત્યારે વલ્લભભાઈ ખડખડાટ હસી પડ્યા. પાઇલટે બધાંને તેમના કમરપટ્ટા કસોકસ બાંધી લેવાની સૂચના આપી. પાંચ મિનિટ પછી તેણે એક નદીના ભાઠામાં વિમાનને સહીસલામત ઉતાર્યું. આગ લાગી નહીં અને દરવાજો પણ સજ્જડ બંધ થયો ન હોવાથી ઉપરનો દરવાજો વાપરવાની જરૂર પડી નહીં.
           એક ભરવાડ વિમાન પાસે આવ્યો. પૂછપરછથી જાણી શકાયું કે તેઓ શાહપુર નામના ગામડાની બાજુમાં ઊતર્યા છે. ભરવાડ જઈને બીજા લોકોને  બોલાવી લાવ્યો. વધારે લોકો આવ્યા. ખાટલા ઢળાયા, દૂધ અને મીઠાઈ પણ આવ્યાં. બે કુસ્તીબાજોએ પોતાની મલ્લવિદ્યા દેખાડી. મહારાજા અને રેડિયો અધિકારી સૌથી નજીકના ધોરી રસ્તાની શોધમાં ઉપડ્યા. કે જેથી વલ્લભભાઈ સલામત હોવાની ખબર પહોંચાડી શકાય અને કોઈ વાહનની વ્યવસ્થા કરી શકાય. તેમણે કેટલાક ગામલોકોને ખબર આપી, પણ વાહન તો કંઈ દેખાયું નહી. છેવટે એક ગાડી મળી પણ તેનો ઘોડો તદ્દન મડદાલ અને અડિયલ હતો. રાત પડી ગઇ હોવાથી તાપણાં સળગાવવામાં આવ્યાં. બે કલાક પછી વલ્લભભાઇ અને તેમના સાથીદારો ખેડાયેલા ખેતરોમાં અડધો કલાક ચાલીને રસ્તાની બાજુએ આવેલા ખુલ્લા ઉજ્જડ ચોગાનમાં પહોંચ્યા. આ સ્થળે ગામલોકો સિવાય પહેલા પહોંચેલા અધિકારી લાલ હતા. લાલ આ વિસ્તારના હતા અને વલ્લભભાઈને લઈને જતા વિમાને શાહપુર નજીક ઉતરાણ કર્યું છે તેવી ખબર તેમને મળી ગઈ હતી. લાલ પોતાની મોટર લાવ્યા હતા અને વલ્લભભાઈની મુલાકાતનો હેવાલ લેવા માટે જયપુર જઈ રહેલ આકાશવાણીનું વાહન પણ કબજે કરીને સાથે લેતા આવ્યા હતા.
        લાલે નોંધ્યું છે : વિમાનમાંથી કાઢી લીધેલી ખુરશીમાં વલ્લભભાઈ બેઠા હતા. આ ધાંધલથી જરા પણ ગભરાયા ન હતા. પણ થોડા કંટાળી ગયા હતા. મને જોઈને જરા સ્મિત કર્યું. પણ અકસ્માતની કશી ચર્ચા કરવામાં કશો રસ તેમણે દેખાડ્યો નહીં. કોણ દોષી હતું તેમાં શંકા ન હતી . પોતે વેઠવી પડેલી અગવડ કે તકલીફનો તેમણે વિચાર સરખો કર્યો નહીં. વલ્લભભાઈ તો જયપુરના વિચારમાં ગરકાવ હતા . મેં તેમને ગાડીમાં બેસવા વિનંતી કરી ત્યારે તેમણે તરત જ પૂછ્યું : તમારું શું ? તમારી સાથે છે તે લોકોનું શું ગોઠવશો ? અને મારી સાથે હતા તે બધા ખાસ કરીને મહારાજા માટે શી ગોઠવણ છે?
        વલ્લભભાઈ અને તેમના સાથીઓ જયપુર પહોંચ્યા ત્યારે રાત્રે ૧૧.૦૦ વાગ્યા હતા. ભારતના તમામ લોકોની માફક તેમના યજમાનો પણ વલ્લભભાઈનું વિમાન તૂટી પડ્યાનું ધારી લઇને શોકમગ્ન હતા. તે બધા હવે ચિંતામુક્ત થયા. સરદારની આગળ જયપુર જવા ઊડી ગયેલા મેનનને જવાહરલાલે રાત્રે ૮.૩૦ વાગ્યે પાછા દિલ્હી બોલાવી લીધા હતા. નેહરુ અકળામણમાં આંટા મારી રહ્યા હતા, ત્યારે રાત્રે ૧૧ વાગ્યે જયપુરથી ટેલિફોન આવ્યો. શંકરે વડા પ્રધાનને બધાં સહીસલામત હોવાની ખબર આપી. પછી વલ્લભભાઈએ જવાહરલાલ જોડે જે બન્યું તેની મજાકમશ્કરી કરી. બીજા દિવસે સવારે મેનન પાછા જયપુર પહોંચ્યા અને સરદારને મળ્યા ત્યારે સરકારે મજાકમાં પૂછ્યું, 'દિલ્હી પાછા કેમ ભાગ્યા ? તમને ખુબર નથી કે મને કંઈ થવાનું નથી ?  ’આમ કહીને વલ્લભભાઈએ મેનનને બાથમા લીધા . હું આટલો ભાવિવશ કદી બન્યો ન હતો.' ' તેવું મેનને પોતે કહ્યું છે . "માર્ચની ૩૧ મી તારીખે વલ્લભભાઈ દિલ્હી પાછા ફર્યા ત્યારે પાલમ કે મોટું ટોળું જમા થયું હતું. તે દિવસ બપોરે વલ્લભભાઈ સંસદ ભવનમાં દાખલ થયા, ત્યારે તમામ સભ્યોએ ઊભા થઈને બાંકડા પછાડીને તેમના દીર્ઘાયુષ્ય માટે મોટા અવાજે શુભેચ્છાઓ દર્શાવી. પૂરી ત્રણ મિનિટ સુધી હર્ષનાદો ચાલુ રહ્યા અને હવે બહુ થયું તેવું દર્શાવવા માટે વલ્લભભાઈએ હાથ ઊંચા કર્યા પછી જ અટક્યા.
      વલ્લભભાઈ પણ ગળગળા થઈ ગયા હતા તેમણે ગદગદ સભાને જણાવ્યું : તમારા સૌના પ્રેમ અને આદરનું જે દર્શન મે હમણાં જ જોયું છે, તે મારી યાદદાસ્તમાં કાયમ રહેશે. નદીના ભાઠામાં ત્રણચાર કલાક ગાળ્યા ત્યારે પણ હું દેશવાસીઓને ચિંતા કરાવું છું તેવા વિચાર મારા મનમાં ચાલતા હતા.
        અઠવાડિયા પછી સંસદ ભવનના બગીચામાં સાંસદોએ તેમને માટે સંધ્યા - સમારોહ યોજ્યો અને વલ્લભભાઈ જેમાં બેસીને નદીના ભાઠામાં ઊતર્યા હતા તે ડવ જાતના વિમાનની પ્રતિકૃતિ પોતાના વતી વલ્લભભાઈને અર્પણ કરવાની તેમણે નેહરુને વિનંતી કરી. તેમના સ્નેહનું  અને નસીબનો ઉપકાર માનવાનું, આ પ્રતીક છે તેવું સાંસદોએ જણાવ્યું. વલ્લભભાઈ ફરી વખત દ્રવી ઊઠ્યા , પણ આ પ્રતીક પોતે હવાઈ દળને મોકલી આપશે તેવું તેમણે જાહેર કર્યું."
( સંદર્ભ : સરદાર પટેલ એક સમર્પિત જીવન , લે. રાજમોહન ગાંધી)
    
                                                                                                - ઈશ્વર પ્રજાપતિ
9825142620


5 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts