Sunday, February 20, 2022

સન્ડે સ્પેશિયલ

૨૧મી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષાદિન

શું હું એકવીસમી ફેબ્રુઆરીને ભૂલી શકું,

જે મારા બંધુઓના ખૂનથી લથપથ હતી?"  


 

      ૨૧ મી ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે. એકવીસમી ફેબ્રુઆરી જ કેમ અને શા માટે આંદોલન દિવસ તરીકે ઉજવાય છે એનો રસપ્રદ ઈતિહાસ બહુ ઓછા લોકો જાણે છે.  

      આ વાત છે  વર્ષ ૧૯૫૨ ની.  તાત્કાલિન પૂર્વ પાકિસ્તાન અને  હાલના બંગલાદેશમાં માતૃભાષા માટે  જનઆંદોલન શરૂ થયું. વાત જાણે એમ હતી  કે વર્ષ  ૧૯૪૭ માં ભારત અને પાકિસ્તાનના ભાગલા  પડયા બાદ પૂર્વ પાકિસ્તાનના લોકો માનતા હતા કે તેમનું રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે પશ્ચિમ પાકિસ્તાન દ્વારા શોષણ થઈ રહ્યું છે. ૨૧ માર્ચ, ૧૯૪૮ માં મહંમદ અલી ઝીણાએ જાહેરાત કરેલી કે પૂર્વ  અને પશ્ચિમ પાકિસ્તાન માટે ઉર્દૂ ભાષા જ રાષ્ટ્રીય બંધારણીય ભાષા બની રહેશે તથા સરકારી પત્રો, પોસ્ટકાર્ડ વગેરે પર ઉર્દૂ કે અંગ્રેજીમાં જ છાપકામ કરવામાં આવશે. તેમાં બળતામાં ઘી હોમાયું. પાકિસ્તાનના તાત્કાલિન  પ્રધાનમંત્રી ખ્વાજા નિઝુમુદ્દીને કહ્યું કે, પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં ઉર્દૂ જ રાજ્યભાષા બનશે.

      એ સમયે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં વસતા ૫૭ %  લોકોની મુખ્ય ભાષા બંગાળી હતી. તેમણે આ જાહેરાતનો વિરોધ કર્યો. જે માટે તેમણે ૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ - બંગાળી કેલેન્ડર મુજબ ૮ ફાલ્ગુન, ૧૩૫૯ ના રોજ ઢાકામાં વિરોધ પ્રર્દિશત કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલનને ડામી દેવા  પોલીસ અને સેનાએ કરફ્યૂ લાદી દીધો. આંદોલનને કચડવા સરકારનો હુકમ થયો. હજારો લોકોની ધરપકડ થઈ. લાઠીચાર્જમાં હજારો લોકો ઘવાયા. પોતાની માતૃભાષા - બંગાળી ભાષાના ઉપયોગના અધિકાર માટે આંદોલન કરતાં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પાકિસ્તાની અને ઢાકા પોલીસે ગોળીઓ છોડી. જેમાં  અબુલ બરકાત, રફિકુદ્દીન અહમદ, સફલુર રહેમાન, અબ્દુલ જબ્બર ચાર વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવ્યો.  ત્યારથી ૨૧ મી ફેબ્રુઆરી  બાંગ્લાદેશમાં  શહીદદિન તરીકે  ઊજવવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૯-૧૯૫૬થી પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષાને માન્યતા આપવામાં આવી.  પરંતુ આ આંદોલન આગળ જતાં બાંગલાદેશ મુક્તિ સંગ્રામમાં પરિવર્તિત થયું.  ત્યાર બાદ ૧૯૭૧ માં બાંગ્લાદેશનું સર્જન થયું.

      બંગલાદેશના જાણીતા કટાર લેખક અબ્દુલ ગફાર ચૌધરીની એક કવિતાનો અનુવાદ આ પ્રમાણે છે.

શું હું એકવીસમી ફેબ્રુઆરીને ભૂલી શકું,

જે મારા બંધુઓના ખૂનથી લથપથ હતી?

શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,

જેણે હજારો માતાઓને પુત્રવીહોણી કરી નાખી?

શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,

જેણે મારા સોનેરી દેશને લોહીથી રંગી નાખ્યો ?

       માતૃભાષા કાજે શહીદી વહોરનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદદિનની યાદમાં બાંગ્લાદેશમાં શહીદ મિનાર સ્મારક ઢાકામાં બનાવવામાં આવ્યું. આ સ્મારક  બનાવવા ત્રણ વાર પ્રયત્નો થયેલા.  પ્રથમ પ્રયત્ન ૨૨-૨૩ ફેબ્રુઆરી, ૧૯૫૨ માં થયો, પરંતુ પોલીસ અને સૈન્યએ તેનો ત્વરિત  નાશ કરી દીધો . ત્યાર બાદ બીજો પ્રયત્ન ૧૯૫૭ નવેમ્બરમાં કરવામાં આવ્યો, પરંતુ માર્શલ લોને કારણે કામ બંધ કરવું પડ્યું  અને ૧૯૭૧ માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ત્રીજો પ્રયત્ન શરૂ કર્યો. જેમાં સંગેમરમરના ચાર સ્તંભ ઊભા કરી શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. જે આજે પણ ચાર શહીદોની યાદ અપાવે છે. ઉપરાંત વચ્ચેનો સ્તંભ અને માતૃભૂમિની યાદ અપાવે છે. બાંગ્લાદેશે યુનેસ્કોને ૨૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિન તરીકે ઊજવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવને ઇટાલી, ઇન્ડોનેશિયા, ઓમાન, કોમોરોસ, જામ્બિયા, પાકિસ્તાન, ફિલિપિન્સ, બહામા, બેનિન, ભારત, મલેશિયા, રશિયા, શ્રીલંકા, સાઉદી આરબ વગેરે દેશોએ ટેકો આપ્યો હતો.

        ૧૯૯૯ નવેમ્બરમાં  યુનેસ્કોએ માતૃભાષા દિન ઊજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦ થી દર વર્ષે મનાવવામાં આવે છે. દર વર્ષે યુ.એન દ્વારા  ૨૧ મી ફેબ્રુઆરીને માતૃભાષાના સંવર્ધન માટે જુદી જુદી થીમ નક્કી કરવામાં આવે છે. 

         દુનિયાની ૭,૦૦૦ થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે ત્યારે જે ભાષા લઘુમતીમાં છે તેના સંરક્ષણ માટે, દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે માતૃ ભાષા છે . યુનેસ્કોએ માતૃભાષા દિન ઊજવવા કરેલ નિર્ણય પરથી જ ખ્યાલ આવે છે કે, વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ અનન્ય છે. આમ છતાં આજનો ગાંડોઘેલો આમઆદમી પણ માતૃભાષા કરતાં અન્ય ભાષાને પોતીકી ભાષા કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે બાવાના બેય બગડે છે . દુનિયાને જાણવા અન્ય ભાષાનો ઉપયોગ કરવો જ પડશે , પરંતુ દુનિયાને સમજવા અને સમજાવવા માતૃભાષા જ તમારો સાથ નિભાવશે . અન્ય ભાષા પાંખ બની શકે પણ આંખ ન જ બની શકે.

       દુનિયાના મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશોમાં શિક્ષણ તેમની માતૃભાષામાં જ અપાય છે . જેમ કે રશિયા, ચીન, સ્વીડન, ઇઝરાયેલ વગેરે. આ દેશ માનો પાલવ પકડીને આગળ વધે છે. માસીની આંગળી પકડીને નહીં.. (સંદર્ભ -  કેળવણીના કિનારે : - ડો . અશોક પટેલ) 

                                                                                - ઈશ્વર પ્રજાપતિ 


4 comments: