શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને
શ્રી નરેંદ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ, નવસારી
નવસારી.
પ્રાચીન સાંસ્કૃતિક વારસો ધરાવતું એક ઐતિહાસિક અને રમણીય નગર છે. દરીયાકીનારો નજીક હોવાના કારણે અહીંની આબોહવા ખુશનુમા છે. લીલાછમ વ્રુક્ષો અને આસપાસની હરિયાલી હૈયામાં વસી જાય તેવી છે. સાહિત્ય, કળા, સંગીત, સંસ્કાર અને જ્ઞાન માટે નવલી નવસારી નગરી જાણીતી છે. આવી સંસ્કાર વૈભવી નવસારી નગરીનું એક અનોખું આભૂષણ એટલે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય. જેની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠ પુસ્તકાલોમાં થાય છે.
આશરે સવાસો વરસ પહેલા ગુજરાતના સેકડો ગામડાઓમાં શાળાઓ ન હતી તે સમયે આ નગરમાં લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. એક સદીથી સાહિત્ય અને જ્ઞાનનાં ક્ષેત્રે અમૂલ્ય સેવા આપતી આવેલી આ સંસ્થામાં અસંખ્ય, અપ્રાપ્ય અને કિંમતી પુસ્તકો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દૂ, સિંધી, સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓનાં પુસ્તકો મળી કુલ ૧,૪૩,૦૦૦ જેટલાં પુસ્તકોનો ખજાનો છે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાન, રાજકારણ , સંગીત, લલિતકળા, ધર્મ, શિલ્પ, વિજ્ઞાન, જ્યોતિષ, વાણિજ્ય, તત્ત્વજ્ઞાન, ચિંતન, પર્યાવરણ તેમ જ સ્ત્રીઓ અને બાળકોને ઉપયોગી લગભગ ૧૮૫ જેટલાં સામયિકો પણ મંગાવવામાં આવે છે. પુસ્તકાલયમાં અસંખ્ય અપ્રાપ્ય અને કિંમતી પુસ્તકોનો સંગ્રહ છે .
લાઈબ્રેરી હોવી અને એક 'એક્ટીવ લાઈબ્રેરી' હોવી આ બંને બાબતો માં આસમાન જમીનનો તફાવત છે. એક્ટીવ લાઈબ્રેરી કોને કહેવાય એ જોવું હોય તો એક વાર આ લાઈબ્રેરીની મુલાકાત લેવી પડે. આ લાઈબ્રેરીનાં ઉત્સાહી લાઈબ્રેરિયન મેઘનાબેન કાપડિયા લાઈ બ્રેરીની પ્રવૃત્તિઓ વિષે વાત કરતા જણાવે છે કે "મહિનાનો એક પણ શનિવાર વાંચનપ્રેરક પ્રવૃત્તિ વિનાનો નથી હોતો. મહિના દરેક શનિવારે બાળકોથી માંડી વડીલો અને મહિલાઓ માટે વિવિધ વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે. વ્જીલ્લાના વિદ્યાર્થીઓને વાચનાભીમુખ કરવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. માત્ર વાંચન જ નહિ પરંતુ વિદ્યાર્થીનું લેખન સુધારે , ક્ષાર સુધારે તે માટે પણ વિવિધ પ્રોજેક્ટ લાઈબ્રેરીએ હાથ ધર્યા છે. અને એના સુંદર પરિણામો પ્રાપ્ત થી રહ્યાં છે."
વાચકોની સુવિધા માટે જુદા જુદા સંદર્ભ ગ્રંથો જેવાં કે વિશ્વકોશ, શબ્દકોશ, વિષય શબ્દકોશ, જીવનીકોશ, ગૅઝેટિયર્સ, ગાઇડબુક, એટલાસ અને મૅપ વગેરે સામગ્રી અલાયદી રાખવામાં આવે છે. ગ્રંથાલયમાં દશાંશ પદ્ધતિથી પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વાચક પોતે જ પુસ્તક શોધી શકે તેવી મુક્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રંથ ગોઠવણી મુખ્યત્વે વિષયોના આધારે કરવામાં આવી છે. આમાં ભાષાકીય વિભાજનને અગ્રતા આપવામાં આવી છે. વાચક સભ્યો સંસ્થાના હાલમાં કુલ ૮,૬૧૩ જેટલા વાચક સભ્યો છે.
વાચકો પાસે કોઈ પણ પ્રકારની ફી કે લવાજમ લીધા વિના મફત વાચન પૂરું પાડતું નવસારીનું આ એકમાત્ર અને ગુજરાતનાં જૂજ પુસ્તકાલયોમાંનું એક છે. જે પૈકી ૩,૬૮૪ જેટલા બાળવિભાગના સભ્યો છે. શેરી પુસ્તકાલયના સભ્યોની સંખ્યા ૧,૧૬૩ છે, એટલું જ નહીં વિવિધ અભિયાનો દરમ્યાન બાળવિભાગની સભ્ય સંખ્યા ૧,૦૦૦ થી ૧,૫૦૦ જેટલી વધી જતી હોય છે. બાળવિભાગના સભ્યો પાસે સંસ્થા કદી કોઈ ફી કે ડિપૉઝિટ લેતી નથી, એથી બાળવિભાગના અસંખ્ય વણનોંધાયેલા સભ્યો સંસ્થાનાં પુસ્તકોનો અવારનવાર લાભ લેતાં હોય છે.
ઘરે વાંચવાની સગવડ ન ધરાવતાં વિદ્યાર્થીઓ માટે દિવસે તેમ જ રાત્રે વાંચવા માટે રીડિંગરૂમની સગવડ પણ આપવામાં આવે છે. લાઇબ્રેરીનું કમ્પ્યૂટરાઇઝેશન લાઇબ્રેરીનું એક આધુનિક અને સરળ સૉફ્ટવૅર આધારિત કમ્પ્યૂટરાઝેશન કરવામાં આવ્યું છે. તમામ પુસ્તકો વિષય, લેખક અને શીર્ષક આધારે શોધી શકાય છે. બારકોડ આધારિત હોવાને કારણે પુસ્તકોની આપ - લે ખૂબ જ ઝડપી અને સરળ બની ગઈ છે.
નવસારીનું દરેક બાળક પુસ્તકાલયનું સભ્ય બને. શિક્ષક પ્રશિક્ષણઃ સંસ્થા આવનારી સદીમાં ૧૦૦ નર - નારી રત્નોની ભેટ ધરી શકે એ માટે તેમ જ એના મિશન નોબેલને સાકાર કરી શકાય એ માટે નવસારીમાં ૧૦૦ જેટલા શિક્ષકોને વિશિષ્ટ પ્રશિક્ષણ આપવા માંગે છે , જેથી એઓ સાચા અર્થમાં આચાર્ય ઋષિનો દરજ્જો પ્રાપ્ત કરે અને નર - નારીનું રત્નોનું ઘડતર કરે . આ માટે એક લાંબાગાળાની યોજના તૈયાર કરાઈ રહી છે.
૨૦૦૧ ના ધરતીકંપમાં પુસ્તકાલયનો ઉત્તર - પૂર્વ તરફનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ પહેલા અને બીજા માળનું આશરે ૧૦,૦૦૦ ચો.ફુટનું બાંધકામ કરવામાં આવ્યું અને સ્વામી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે ૨૦મી મે ૨૦૦૭નાં રોજ નવીન ભવ્ય મકાનનું ઉદ્ઘાટન થયું. નવસારીના શ્રેષ્ઠી અને મહાજન પારેખ બ્રધર્સ પરિવારના શ્રી નરેન્દ્ર પારેખે ગ્રંથાલયની આંગળી ઝાલી અને માતબર દાન આપી આધુનિક છતાં પ્રાચીન ઓળખને જાળવી રાખનાર એવા ભવનના નિર્માણના યશભાગી બન્યા.
ગુજરાત અને ભારતભરના પ્રાચીન પુસ્તકાલયો જ્યારે આજે નિસ્તેજ અવસ્થામાં હોય
ત્યારે કાયાકલ્પ કરી આવા નવા વિશાળ ભવનનું નિર્માણ કરનાર આ સંસ્થા ગુજરાતનું
એકમાત્ર જાહેર પુસ્તકાલય હશે. એનો યશ દાતાઓને અને નવસારીના નગરજનોને તો છે જ, પરંતુ
એ સૌને પ્રેરી શકનાર મહાદેવભાઈ દેસાઈનો એમાં સિંહફાળો છે. અને એ કદી ન ભૂલી શકાય એવું ઐતિહાસિક યોગદાન છે.
શ્રી નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે વાંચે ગુજરાત અભિયાન
શરૂ થયું હતું. બહુ ઓછા લોકો આ વાત જાણે છે કે વાંચે ગુજરાત અભિયાનનો વિચાર બીજનું
ઉદ્ભભવ બિંદુ સયાજી વૈભવ લાઈબ્રેરી જ હતી. સયાજી વૈભવ લાઇબ્રેરીથી શરૂ થયેલી પ્રવૃત્તિઓમાંથી ‘વાંચે
ગુજરાત’નો જન્મ થયો; નવસારીમાંથી
પ્રગટેલું આ કિરણ આખા રાજ્યમાં ફેલાયું. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં જબરદસ્ત
ચેતના પણ પ્રગટાવી. વાંચે ગુજરાત અભિયાન ગુજરાતભરનું વિદ્યાર્થીઓ માટે એક
મસ્તિસ્કમાં નવ વિચાર પ્રેરતું – જન્માવતું આંદોલન બની ગયું. રાજ્યવ્યાપી તરતાં પુસ્તકની
ઝુંબેશનો શુભારંભ પણ અહીંથી જ થયો.
આ પુસ્તકાલયને કારણે નવસારી શહેરને નવી ઓળખ મળી છે . ચિંતક, વિદ્વાનો, સાહિત્યકારો અને રાજ્યના મુખ્યમંત્રી જેવા રાજપુરુષોએ એને વિશેષણો અને ઉપમાઓથી નવાજ્યું છે. જેમ કે, તાત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એને ‘પુસ્તકપ્રેમી નવસારી; કહ્યું છે, તો શ્રી ભગવતીકુમાર શર્માએ એને ‘ગ્રંથતીર્થ' કહ્યું , તો શ્રી રઘુવીર ચૌધરીએ એને ‘ગુજરાતનું વાચન પાટનગર’ કહી નવાજ્યું, તો શ્રી મોતીભાઈ પટેલે અને ‘ગુજરાતનું ઍથેન્સ’ ગણાવે છે, તો શ્રી . વિષ્ણુ પંડ્યા સયાજી પુસ્તકાલયને ‘સંસ્કાર ઘડતરની યુનિવર્સિટી' કહે છે.
સ્વામી શ્રી સચ્ચિદાનંદજી, શ્રી
મોરારિબાપુ, પ.પૂ.ગો.શ્રી
દ્વારકેશલાલજી મહારાજ, સ્વામી
નિખિલેશ્વરાનંદજી, સ્વ.
મનીષાનંદજી, શ્રી
સુરેશ દલાલ, શ્રી
ભગવતીકુમાર શર્મા, શ્રી ઉશનસ્, શ્રી વિષ્ણુ પંડયા, શ્રી
નારાયણ દેસાઈ, સ્વ.
શ્રી હરિભાઈ કોઠારી, શ્રી
મહેન્દ્ર મેઘાણી, શ્રી
હરેશ ધોળકિયા, શ્રી
કાંતિ શાહ, રઘુવીર
ચૌધરી, જિતેન્દ્ર
દેસાઈ, સ્વ.ન્યાયમૂર્તિ
ધીરુભાઈ અં. દેસાઈ, સ્વ
ચંદ્રકાંત બક્ષી, શ્રી
ગુણવંત શાહ, સુદર્શન
આયંગર, શ્રી
શ્રી મોતીભાઈ પટેલ, શ્રી
જે. જે. રાવળ, શ્રી
અમૃતલાલ વેગડ, સોરાબજી
વાડિયા, સ્વ.
દોલતભાઈ દેસાઈ અને ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જેવા ગુજરાતના રત્નો સમાન વિચાર
પુરુષોએ સંસ્થાના એક યા બીજા કાર્યક્રમમાં હાજર રહી સંચાલકોને પ્રેરણા અને
માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે.
આ પુસ્તકાલયને અનેકવિધ પ્રવૃતિઓથી ધમધમતું
કરવામાં મહાદેવભાઈ દેસાઈનો ફાળો અનન્ય છે. હાલ તો તેઓ સદેહે હયાત નથી પરંતુ તેઓની દીર્ઘદૃષ્ટિથી
શરૂ કરેલ પ્રવૃતિઓનાં કારણે પુસ્તકાલય આજે
પણ વાંચકોથી ઉભરાય છે. પુસ્તકાલયના પ્રમુખ તરીકે હાલ સેવા આપતા પ્રશાન્તભાઈ પારેખ પણ
ઉત્સાહ પૂર્વક લાઈબ્રેરીની પ્રવૃતિઓને આગળ ધપાવી રહ્યા છે. લાઈબ્રેરિયન તરીકે ફરજ બજાવતા
મેઘનાબેન કાપડીયા આ લાઈબ્રેરીનું ધબકતું હૃદય
છે.
- ઈશ્વર પ્રજાપતિ
No comments:
Post a Comment