Friday, February 8, 2019

કેળવણીના કબીરવડ પૂજ્ય જેશીંગ દાદા


કેળવણીનો કબીરવડ

પૂ. જેશીંગદાદા




 

        બરાબર સાડા ત્રણ દાયકા પહેલાંની આ વાત છે.
       1983ની સાલ, તારીખ 26 જાન્યુઆરી અને બુધવારનો એ દિવસ.
              સ્થળ આકરુંન્દ હાઇસ્કુલનું પટાંગણ.
                પ્રજાસત્તાક દિન હોવાથી ગામના શ્રેષ્ઠીઓ, આગેવાનો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ આબાલવૃદ્ધ સૌ તિરંગાને સલામી આપવા ઉપસ્થિત થયા છે. હાઈસ્કૂલનું વિશાળ મેદાન માનવમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું છે. દેશની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી અપાઈ. દેશભક્તિ ગીતો, રાષ્ટ્રગાન અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી આકાશ ગૂંજી ઊઠ્યું છે. પ્રવચનોનો દોર ચાલે છે. એ દરમ્યાન મંચ પર બિરાજમાન એક એવી વ્યક્તિને પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવે છે કે જેઓના ડીલ પર શ્વેત ખાદીના વસ્ત્રો દીપે છે, તેજસ્વી આંખો, ટટ્ટાર અને મક્કમ ચાલ. ઘાટી મૂછો, ઓઝસવાન ચેહરો છે. જુસ્સાદાર પ્રવચન શરૂ થયું. વાણીમાં એવો તે રણકો કે પાળિયા પણ બેઠાં થઈ જાય! દેશદાઝ અને શિક્ષણ ક્રાંતિની વાતોમાં લાગણીનું ધસમસતું પૂર ઉંટયું. અને એ જ ઘડીએ એ પ્રાણવાન વ્યક્તિત્વ બોલતાં બોલતાં ત્યાં જ ઢળી પડે છે. હૃદય રોગના હુમલામાં તેઓ મંચ ઉપર જ અંતિમ શ્વાસ લે છે.
    કર્તવ્યનિષ્ઠ, સત્યપરાયણ, મુઠ્ઠી ઉંચેરા માનવી. શિસ્ત, ક્ષમા અને કરુણાના ત્રિભેટે પાંગરેલું વિરલ વ્યક્તિત્વ એટલે આદરણીય જેશીંગભાઈ રેવભાઈ પટેલ. ઉર્ફે પૂ. જેશીંગદાદા. આકારુન્દ ગામના તેઓ ધરતી પુત્ર.
                        આકરુંદ એટલે આમ્રમંજરીઓથી મહરકતું ગામ. આખો વગડો આંબાઓથી શોભે. આકરુંદ આમ તો અંતરિયાળ ગામ. એ જમાનામાં શિક્ષણનો બહોળો પ્રચાર પ્રસાર ન હતો. એથી તેઓ માત્ર સાત ચોપડી સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. એમ છતાં શિક્ષણ, કેળવણી અને ગામની સુખાકારી એમના રસના ક્ષેત્રો. તેઓ કડક શિસ્તના અગ્રહી. બાળ ઉછેરમાં લાડ અને વેવલા વેળાથી તેઓ યોજનો દૂર રહ્યા. તેમના સખ્ત ચહેરાની ભીતર ગજબની લાગણીઓ છુપાયેલી હતી.
  આઝાદી પહેલાં સાબરકાંઠામાં આવેલ સાબલવાડ નામના એક નાના રજવાડાના કારભારી તરીકે પણ તેઓ રહી ચૂક્યા હતા.
                      પૂ.જેશીંગદાદા સાચુકલા ગાંધીવાદી હતા. ખાદીનો ઝભ્ભો, ખાદીનું ધોતિયું, અને ખાદીની ટોપી પહેરતા. કપડાને ક્યારેય ઈસ્ત્રી કરતા નહીં. સાદગી તેઓને પ્રિય હતી. જ્ઞાનેશ્વરી ગીતા તેઓનું પ્રિય પુસ્તક. જ્ઞાનેશ્વરી ગીતા તેઓ હંમેશા સાથે રાખતા. રોજ પ્રભાતે ગીતાનો પાઠ કરે. કોઈના ઘરે મહેમાન તરીકે ગયા હોય તો પણ ગીતાના અધ્યાય નો પાઠ કરવાનું ક્યારેય ચુક્યા નહીં.
એ જમાનામાં આખા આકરૂંદમાં એક જ છાપું આવતું. સોમવારનું અખબાર મંગળવારે આવતું.તેઓ નિયમિત અખબાર વાંચતા. દેશના નાણાં પ્રધાન બજેટના દિવસે કરેલા પ્રવચનો પણ તેઓ રસ પૂર્વક વાંચી જતા અને એની છણાવટ પણ કરી શકતા. શિક્ષણ, શિક્ષણના વિષયો અને દેશના નૂતન પ્રવાહો વિશે કોઈ સ્નાતક કરતાં પણ વધુ જાણતા.
                    શિસ્ત, વ્યક્તિત્વ ઘડતર અને શ્રેષ્ઠત્તમ કેળવણી માટે તેઓએ પોતાના એકના એક સંતાનને અમદાવાદની હોસ્ટેલમાં મુકવાનો આકરો નિર્ણય લેતાં ખચકાયા ન હતા. . શ્રેઠત્તમ કેળવણી જ ઉમદા માનવીનું સર્જન કરે છે. શિક્ષણનો પ્રચાર પ્રસાર ન્હોતો એ જમાનામાં પોતાના સંતાનની યોગ્ય કેળવણી અને શ્રેષ્ઠ શિક્ષણ માટે તેઓ જાણીતા વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈના બહેન લીનાબહેનને મળ્યા. લીના બહેન એ જમાનાની ભારતની શ્રેષ્ઠ કહી શકાય એવી "શ્રેયસ" નાં સંચલિકા હતાં. શહેરના મિલમાલિકનાં સંતાનો જ શ્રેયસ માં અભ્યાસ કરતાં. ફી પણ ઘણી ઉંચી હતી. સંતાનના શિસ્તબદ્ધ જીવન અને ઉત્કૃષ્ટ શિક્ષણ માટે પૂ. જેશીંગદાદાએ તેમની પાસે જે હતું તે બધું જ ખર્ચી નાખ્યું.
   આકરુન્દ ગામ જાગીરદારોનું ગામ. મરાઠી ફણસે પરિવારની જાગીર હતી. કૃષ્ણકુમાર ફણસે કે જેઓ ભૈયારાવ સાહેબ તરીકે ઓળખાતા. ભૈયારાવ સાહેબ અને જેશીંગદાદા ખાસ મિત્રો હતા. આજે ભૈયારાવ સાહેબનાં પત્ની શ્રીમતી પદ્માવતી કૃષ્ણકુમાર ફણસેના નામની હાઈસ્કૂલ છે.
આ સ્કૂલની સ્થાપનામાં પાનાચંદકાકા, શિવલાલ પાનાચંદ, ચીમનકાકા, માવજીકાકા, જેશીંગદાદા જેવા બીજા અનેક શિક્ષણપ્રેમી વડીલોનો સિંહફાળો રહેલો છે. સ્કૂલના પાયામાંથી આજે પણ તેઓના પરસેવાની મહેક આવે છે.
               પૂ. જેશીંગદાદા કઠોર પણ કર્મશીલ વ્યક્તિ હતા. તેઓએ જીવનમાં ક્યારેય મૂલ્યો સાથે સમાધાન કર્યું નહીં. કંઈક પામવા માટે કદી અસત્યનો સહારો લીધો નહીં. પ્રામાણિકતા સાથે કદી બાંધછોડ કરી નહીં. જ્યારે તેઓ આકરુંદ હાઈસ્કૂલના કેળવણી મંડળના ચેરમેન હતા ત્યારે હાઈસ્કૂલમાં નોકરી મેળવવા આવેલા તેઓના સગા સાળાના પુત્રને લાગવગથી નોકરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. શિક્ષણમાં ગુણવત્તા મુદ્દે કદી બાંધછોડ કરતા નહીં. એમનો જીવન માર્ગ સત્ય અને સિદ્ધાંતો પર આધારિત હોઈ ખૂબ કપરો હતો. સત્યની બાબતમાં ગમે તેવા ચમરબંદીને સહેજ પણ શરમ રાખ્યા વિના રોકડું પરખાવી દેતા.
ગામમાં રાજકીય રીતે તેઓના અનેક પ્રતિસ્પર્ધીઓ. પરંતુ જ્યારે ગામના હિતની વાત આવે ત્યારે અંગત મતભેદો ભૂલી સાથે બેસી ગામના હિતમાં નિર્ણય લેવાય. તેઓ ગજબની કોઠાસૂઝ ધરાવતા. આકરૂંદ ગામની શૈક્ષણીક સંસ્થઓ, સરકારી અને સહકારી સંસ્થાઓ આજે વટવૃક્ષની જેમ ફૂલીફાલી છે. એના મૂળમાં આવા દિર્ઘદ્રષ્ટા વડીલોનો ભગીરથ પુરુષાર્થ રહેલો છે.
તેઓ સાચા અર્થમાં એક કેળવણીકાર હતા. શિક્ષણપ્રેમી હતા. તેઓ કહેતા " જે કામ કરો એમાં શ્રેષ્ઠ રહો પછી ખેતી કરો, વેપાર કરો કે અન્ય કોઈ કામ કરો"
                  પૂ. જેશીંગદાદાની શિક્ષણ સાધનાના કારણે ગુજરાતને ગૌરવ બક્ષનાર એક નામ મળ્યું. સમસ્ત સમાજને એક આદર્શ શાલીન વ્યક્તિત્વ મળ્યું. જેઓના નામથી વિશ્વકક્ષાએ આકરૂંદને નવી ઓળખા મળી. મીડિયા જગતને એક વિચક્ષણ પત્રકાર મળ્યા. સાહિત્ય જગતને એક ઉમદા શબ્દ સાધક મળ્યા. એ વ્યક્તિ આજે વિશ્વભરના લાખો વાંચકોના દિલોપરરાજ કરે છે. અને એ વ્યક્તિત્વ એટલે બીજું કોઈ નહીં પરંતુ પૂ. જેશીંગદાદાના એકમાત્ર સંતાન જેઓને આ વિશ્વ #પદ્મશ્રી_દેવેન્દ્રભાઈ_પટેલના નામે ઓળખે છે.
સાડા ત્રણ દાયકા પૂર્વે બરાબર આજના દીને પૂ. જેશીંગદાદા એ આપણા સહુની વચ્ચેથી ચીર વિદાય લીધી હતી. તેઓ શિક્ષણપ્રેમી હતા અને તેઓએ આખરી શ્વાસ પણ શિક્ષણ સંકુલમાં જ લીધા.
આજના દિને આ કર્તવ્યનિષ્ઠ, સત્યપરાયણ મહાપુરુષના પુણ્ય સ્મરણ સાથે હ્રદયાંજલી અર્પણ.


‌‌--- માહિતિ સ્ત્રોત: #રણછોડભાઈ #પ્રજાપતિ
--- સંદર્ભ: #આંતરક્ષિતિજ

No comments:

Post a Comment