પ્રેમ, પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા એટલે અનાહિતા.
"ગુજરાતના માતબર અખબાર સંદેશની સંસ્કાર પૂર્તિમાં પ્રગટ થયેલી વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ લિખિત નવલકથા અનાહિતાએ લાખો વાચકોના હ્રુદયને ઝંકૃત કર્યા છે. આ નવલકથા અખબારમાં પ્રગટ થાય એ અગાઉના સપ્તાહથી ફ્રન્ટ પેજ પર નવલકથા શરૂ થવાની આવતી જાહેરાતે જ વાંચકોમાં ગજબની ઉત્કંઠા જન્માવી હતી. કોઈ નવલકથા પ્રગટ થવાની જાહેરાત સળંગ એક સપ્તાહ સુધી ફ્રન્ટ પેજ પર આ રીતે છપાઈ હોય, એવું અખબારના ઇતિહાસમાં કદાચ પહેલી વાર બન્યું હતું. એની પાછળનું કારણ માત્ર દેવેન્દ્રભાઈ પટેલની કલમની અત્યંત લોકપ્રિયતા છે! પત્રકાર રસપ્રચૂર ટુંકી વાર્તાઓ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર અનેક નવલકથાઓ સર્જી શકે એ બાબત સાહિત્ય જગતના કહેવાતા વિવેચકોને વિચારવા મજબૂર કરે છે.
'નવલકથા જેવું સાહિત્ય સ્વરૂપ
હવે કોઈ વાચતું જ નથી.' આ
માન્યતાને ખોટી ઠેરવવામાં દેવેન્દ્રભાઈ પટેલેની કલમે રીતસરનો
જાદુ કર્યો છે. ટૂંકુંનેટચ વાંચવા ટેવાયેલી નવી પેઢી ને નવલકથા વાંચવા મજબૂર
કરવામાં તેમની કલમે ચમત્કાર સર્જ્યો છે. દેવેન્દ્રભાઈ
પટેલની આગવી વિશેષતા રહી છે. વાંચકોની નાડ પારખી તેઓ
તદ્દન નવા વિષયવસ્તુ સાથે પ્રસ્તુત થાય છે. અનાહિતા તદ્દન અલગ પ્રકારના વિષય વસ્તુ
સાથે પ્રગટ થયેલી રસપ્રચુર નવલકથા છે. આ કથાએ અખબાર અને સાહિત્ય જગતમાં નવા કીર્તિમાનો
પ્રસ્થાપિત કર્યા છે.
અનાહિતા નવલકથાની અપ્રતિમ સફળતાના રહસ્ય
અંગે દેવેન્દ્રભાઈ પટેલ સાથે અવારનવાર રૂબરૂ મળી ચર્ચા કરી છે. ત્યારે મને જાણવા
મળ્યું કે અંદાજે સોળ વર્ષ પહેલાં અનાહિતા નવલકથાનું વિચારબીજ તેમના હૃદયમાં રોપયયેલું.
આ કથાના પાત્રો મનમાં સતત રમ્યા કરતાં. પાત્રોની
વેદના, સંવેદના વર્ષો સુધી સર્જકના દિલમાં ઘૂંટાતી રહી છે. જેમ કોઈ પીપળો સિમેન્ટની
ભીંત ફાડીને ઊગી નીકળે છે, બસ એમ જ આ કથા દેવેન્દ્રભાઈ પટેલની મંજાયેલી કલમે પ્રગટી
છે.
અનાહિતાના પ્રથમ
પ્રથમ પ્રકરણથી જે રફતાર પકડે છે. દુબઈની પૃષ્ઠભૂમિ
પરથી અંડરવલ્ડના આકા લોરેન્સ ડિસોઝાના
વિશાળ સામ્રાજ્યના વર્ણનથી દિલધડક કથાનું મંડાણ થાય
છે. પ્રથમ પ્રકરણથી શરૂ થયેલ સસ્પેન્સ અને થ્રીલર આખરી
પ્રકરણની આખરી લાઈન સુધી બરકરાર રહે છે. દરેક પ્રકરણ
એવા વળાંકે આવીને અટકે કે વાંચક કથાને અધવચ્ચે છોડી શકતો જ નથી.
એસ.પી. સહદેવની પત્ની અનાહિતા અને અંડરવલ્ડના ડોન લોરેન્સ ડિસોઝાની
પુત્રી ઇનાયા વચ્ચેની ગાઢ મૈત્રી જેવી વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરી લેખક
વાંચકોના મનને આંદોલિત કરે છે. ડગલેને પગલે કથા નવા વળાંકો લે છે. કથાનું આગામી
પ્રકરણ કઈ દિશામાં વળાંક લેશે એ કળવું
વાંચકો માટે આત્યંત મુશ્કેલ બની જાય છે.
અનાહિતા અને સહદેવનો ઉત્કટ પ્રેમ, પ્રેમની
સાથે ફરજનિષ્ઠા, અને ફરજનિષ્ઠા માટે જાનની બાજી લગાવતા પ્રમાણિક ઓફિસર સહદેવની
આકસ્મિક ચીર વિદાય કાળજું કંપાવી જાય છે. લેખક કથાના વહાણને એવા વળાંકે લાવીને લાંગરે છે કે વાંચકનું હૃદય અને
આંખો બંને ભીંજાઈ જાય છે. અનાહિતાના જીવતરમાં
ધનરાજના પ્રવેશ પછી જે કથા સરિતામાં તોફાન ઉમટે છે એના ઘૂઘવાટના પડઘા
વાચકના હૃદયમાં પડ્યા વિના રહેતા નથી.
જ્યારે
કોઈ સ્ત્રીને ખ્યાલ આવે કે જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન કર્યા છે એ વ્યક્તિ જ તેના પતિનો કાતિલ છે તો એની મનોસ્થિતિ કેવી હોય ?? જ્યારે કોઈ સ્ત્રીને ખ્યાલ આવે કે તેની સાથે
વિશ્વાસઘાત થયો છે ત્યારે તેની મનોદશા કેવી હોય ? પ્રતિશોધની આગમાં જલતી અનાહિતાનું
અદભુત પાત્રાલેખન કરવામાં લેખક સફળ રહ્યા છે.
સહદેવનું સપનું સાકાર કરવું એ માત્ર જીવન ધ્યેય બનાવી
અનાહિતા યુદ્ધ માટે સજ્જ થાય છે. પરિસ્થિતિથી
હારી થાકી જીવન ટૂંકાવવાના બદલે ‘સ્વિટ રિવેન્જ’ માટે અનાહિતા તૈયાર કરે છે.
સ્ત્રીઓએ બદલો લેવા માટે ગોળી ચલાવવાની જરૂર નથી. સ્ત્રી માટે તેનું સ્ત્રીત્વ
તેનું શક્તિશાળી વેપન છે. ખરું યુદ્ધ હવે જામે છે. ધનરાજને છોડી રોજ રાત્રે
અનાહિતા ક્યાં ચાલી જાય છે ? કોને મળે છે ?
ધનારાજના સાગરીતો વિનય, મુસ્તુફા, કાલીચરણ કે ડૉ. શર્મા સાથે અનાહિતાને મૈત્રી કરી સમય પસાર
કરવો કેમ ગમવા લાગ્યો ? આ બધા પ્રશ્નો વાચકોના મનમાં કેટ કેટલીય શંકા કુશંકાઓ
જન્માવે છે. અનાહિતાના પ્રેગ્નેન્ટના રીપોર્ટે ધનરાજ સહીત વાંચકોને પણ જબરજસ્ત
આંચકો આપ્યો. ધનરાજે તો ફેમીલી પ્લાનિંગનું ઓપરેશન કરાવેલું છે. તો અનાહિતાના
પેટમાં કોનું પાપ વિકસિત થઇ રહ્યું છે ?? રહસ્યની ગુત્થી વધુ ગૂંચવાતી જાય છે.
દર રવિવારે અનાહિતાના આગમનનો ઇન્તજાર રહેતો.
શનિવારની સાંજ વાચકો માટે અકળાવનારી બની રહેતી. ક્યારે રવિવારની સવાર પડે ને રહસ્ય
પરથી પડદો ઉંચકાય ! કથાનો અંત જેમ જેમ નજીક આવતો જાય છે એમ કથાની રફતાર અને રોમાંચ
એની ચરમસીમાની પરાકાષ્ઠાએ પહોંચે છે. દિલની ધડકન તેજ બની જાય છે. આખરી પ્રકરણ સુધી
કથા કયો વળાંક લેશે એ રહસ્ય અકબંધ રાખવામાં પણ દેવનદ્રભાઈની કલમ દાદ માંગી લે છે.
દેવેન્દ્રભાઈ
પટેલની કલમ કથાનો અંત ચમત્કૃતિ સાથે પૂર્ણ
કરવા માટે ખુબ જાણીતી બની છે. નવલકથા મનોરંજનની સાથે મનોવલણનું પણ ઘડતર કરવમાં
મહત્ત્વનો ફાળો પ્રદાન કરે છે. સમાજને
સુંદર સંદેશો પ્રાપ્ત થાય એવો ગર્ભિતાર્થ પણ કથામાંથી સરે છે. અંધારી આલમના ખતરનાક ક્રિમીનલની ભીતર પણ પિતાનું
કુણું કાળજું હોય છે. એ પોતાની પુત્રી માટે શું કરી શકે ? નવલકથાના વાંચકો આ
આખરી પ્રકરણ વાંચ્યા પછી જ સમજાશે.
વર્ષો
પહેલાં દેવેન્દ્રભાઈ પટેલના પુસ્તક લોકાર્પણ પ્રસંગે સુપ્રસિદ્ધ કવિ સુરેશ દલાલે
સુંદર દૃષ્ટાંત પ્રસ્તુત કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે
"નળરાજા વનમાં ગયા. જ્યારે તેમને
ભૂખ લાગી ત્યારે તેમણે માછલાં પકડ્યા. જેલમાંથી માછલું બહાર કાઢે અને એ તરફડીને
મરી જાય. નળરાજા એ માછલાંને દમયંતીના હાથમાં મુકતા હતા અને
એ માછલું પાછું જીવિત થઈ જતું. કારણ કે દમયંતીના હાથમાં અમૃત હતું. દેવેન્દ્ર
પટેલના હાથમાં એવું અમૃત છે કે જે ઘટનાઓ પ્રસંગો વર્ણવે છે એ જીવંત કરી દે
છે."
સુરેશ દલાલના
દૃષ્ટાંતને સાર્થક કરતુ વધુ
એક ઉત્તમ ઉદાહરણ અનાહિતા
નવલકથા છે. કથામાંમાં
વર્ણવેલ પ્રસંગો જાણે આંખ સામે જીવંત ભજવાતા હોય એવી અનુભૂતિ દરેક
વાંચક અનુભવે છે.
"અનાહિતા" નવલકથા આધારિત "યુદ્ધ"
વેબસિરીઝ પણ નિર્માણ પામી છે. મેગ્નેટ
મીડિયા પ્રોડક્શન અને પ્રિય મિત્ર સલિલ પટેલે
સાથે મળીને બનાવેલી આ થ્રિલર વેબ સિરીઝ યુદ્ધ JOJO app.in પર રજુ થઈ છે. આ વેબસિરીઝના ડીરેક્ટર કર્તવ્ય
શાહ તથા ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી કુમાર
નાયર છે. મુખ્ય પાત્રોમાં ચેતન ધનાની, પૂજા
જોષી અને તુષાર સાધુ છે. JOJO OTT પર લોકો નો બહુ જ સરસ
પ્રતિભાવ મળી રહ્યા છે.આ વેબસીરીજ કોઈ પણ ચાર્જ
વિના
JOJO OTT પર ઉપલબદ્ધ છે.
અનાહિતા નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થઇ રહી છે ત્યારે હવે વાંચકો સપ્તાહના વિયોગના વિલંબ વિના સળંગ કથાનો
આસ્વાદ માણી શકાશે. આગામી સમયમાં રહસ્ય અને રોમાંચથી ભરપુર હજી વધુ ને વધુ નવલકથાઓ
આદરણીય દેવેન્દ્રભાઈ પટેલની કલમથી પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના."
- ઈશ્વર પ્રજાપતિ
No comments:
Post a Comment