Sunday, April 30, 2023

સન્ડે સ્પેશિયલ

 આખરે મુંબઈ રાજ્યનું વિસર્જન થયું અને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ.  


આવતી કાલે ૧ લી મે  એટલે કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે. ગુજરાત રાજ્યની સ્થાપનાનો ઈતિહાસ અત્યંત રોમાંચક છે. વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ લિખિત  ગુજરાતની અસ્મિતા નામે રસપ્રદ પુસ્તકમાં આઝાદી પછીના ગુજરાતના ગુજરાતના રાજકીય અને અન્ય પાસા ખુબ સુંદર રીતે આલેખાવમાં આવ્યા છે. આ પુસ્તકમાં ગુજરાત રાજ્યની સ્થાપના વિષે એક પ્રકરણમાં દેવેન્દ્રભાઈ લખે છે કે :  

તા. ૧૯ મી એપ્રિલ, ૧૯૬૦ ના રોજ ભારતની સાંસદે મુંબઈ રાજ્યના વિભાજનનું બીલ આખરી તબક્કામાંથી પસાર કરી દીધું. વિરોધ પક્ષ દ્વારા ૧૦૦ જેટલા સુધારા રજૂ થયા. તેમાં એક સુધારો ગુજરાતનું નામ ‘મહાગુજરાત’ રાખવાનો હતો પણ તે નામંજૂર થયો. તા. ૨૩ મી એપ્રિલે રાજ્યસભાએ પણ મુંબઈ રાજ્યના વિસર્જનના બીલને મંજૂરી આપી દીધી. તા. ૨૫ મી એપ્રિલે રાષ્ટ્રપતિશ્રીએ મુંબઈ રાજ્યના વિસર્જનના ખરડા પર સહી કરી દીધી. ડૉ. જીવરાજ મહેતાના મુખ્યમંત્રી પદે ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી. આમ તા. ૧ લી મે, ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની રચના થઈ. દ્વિભાષી મુંબઈ રાજ્ય વખતે આબુરોડ અને માઉન્ટ આબુનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થતો હતો, પણ ગુજરાતનું અલગ રાજ્ય બનતાં આબુરોડ અને માઉન્ટ આબુ રાજસ્થાનમાં ગયાં. મુંબઈનો મહારાષ્ટ્રમાં સમાવેશ થયો. ડાંગ ગુજરાતમાં આવ્યું. આમ સાડા ત્રણ વર્ષનો જંગ ખેલ્યા બાદ ગુજરાતની રચના થઈ.

મુખ્ય સચિવ ઇશ્વરન્

હવે ગુજરાત રાજ્યની રચનાના પ્રશ્નો ઝડપથી વિચારવાની અને નિર્ણયો લેવાની શરૂઆત થઈ ચૂકી હતી. એમ નક્કી થયું કે, ગુજરાતના ભાવી મુખ્ય પ્રધાન ડ . જીવરાજ મહેતાએ દર અઠવાડિયે અમદાવાદની મુલાકાત લઈને અને કયા વિભાગની ઑફિસ કયા સ્થળે બેસાડવી તેનો સ્થળ ઉપ૨ જ નિર્ણય કરવો. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ઈશ્વરન્ (આઈ.સી.એસ.) પોલીસ વડા તરીકે કાનેટકર તેમજ ગૃહસચિવ તરીકે ગુજરાતના જ જી. એલ. શેઠ અને મુખ્ય ( આઈ.સી.એસ.) નાં નામો જાહેર થઈ ગયા હતા. એમ પણ જાહેરાત થઈ કે, માર્ચ માસમાં મુંબઈથી સચિવાલયનો સ્ટાફ ખાસ ટ્રેનો મારફત અમદાવાદ મોકલવાનું શરૂ થઈ જશે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા ન્યાયમૂર્તિઓ તેમજ પબ્લિક સર્વિસ કમિશનની કચેરી માટે અમદાવાદ શાહીબાગના ૩૩ સરકારી બંગલાઓ રાખવાનું જાહેર થયું.

 આંબાવાડીમાં સચિવાલય

રાજભવન તરીકે શાહીબાગ ખાતેનો કમિશનરનો બંગલો (અત્યારનું સરદાર સ્મારક) નક્કી થયું. ગુજરાતના કામચલાઉ સચિવાલય તરીકે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ પૉલિટૅનિક બિલ્ડિંગ નક્કી કરવામાં આવ્યું. જ્યારે ધારાસભા ગૃહ તરીકે નવી સિવિલ હૉસ્પિટલમાં આવેલ ઓ.પી.ડી. વિભાગનાં મકાન અને ઑડિટોરિયમ હૉલનો ઉપયોગ કરવાનું વિચારાયું. હાઈકોર્ટ માટે નવરંગપુરામાં આવેલ ચિલ્ડ્રન હૉસ્પિટલની જગ્યા પસંદ થઈ હતી. વળી અમદાવાદ શહેરમાં નવા ટેલિફોનો માટે ૨૦૦૦ લાઈનો આપવાનું નક્કી થયું. વળી ખુદ સરકારના ઉપયોગ માટે મોટી સંખ્યામાં ટેલિફોનની જરૂર પડશે તેવી ટેલિફોન ખાતાને પણ ખબર આપવામાં આવી. સરકારના ત્રીજા વર્ગના કર્મચારીઓ માટે શાહીબાગ, દૂધેશ્વર વગેરે સ્થળોએ આવેલ હાઉસિંગ બોર્ડનાં મકાનોનો કબજો લેવાનું ઠરાવ્યું.

 મુંબઈથી ખાસ ટ્રેનો દોડાવાઈ.

 મુંબઈથી ૨૦ ઉચ્ચ અધિકારીઓની એક ટુકડી તા. ૧૯-૨-૬૦ના રોજ અમદાવાદ આવી . આ ટુકડીએ સૂચિત સચિવાલય , ધારાસભા ગૃહ , હાઈકોર્ટનું મકાન તેમજ સ્ટાફનાં મકાનો વગેરે નક્કી થયેલી જગ્યાઓ , જ્યાં શાહીબાગ તેમજ કૅમ્પ વિસ્તારમાં રહેલા કલેક્ટર વગેરે સરકારી અધિકારીઓને તેમના બંગલાઓ ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું . વધુમાં તા . ૧-૪-૬૦ના રોજથી અમદાવાદ શહેરના વિસ્તારને ડી.એસ.પી.ને બદલે પોલીસ કમિશનરની હકૂમત હેઠળના  વિસ્તાર તરીકે જાહેર કરવાનું નક્કી થયું હતું. નવી દિલ્હીમાં મોરારજીભાઈએ તા. ૨૪-૨-૬૦ના રોજ જાહેરાત કરી કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ૧ લી મે, ૧૯૬૦ ના રોજ થશે અને મહારાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન ૨૮ મી એપ્રિલ, ૧૯૬૦ના રોજ શિવાજી જયંતીના દિવસે થશે. બંને અલગ તારીખો અંગે તેમણે કહ્યું કે, આ તારીખ ગ્રહોની દૃષ્ટિએ ગુજરાત માટે અનુકૂળ ન હતી.

આ જાહેરાત થતાંની સાથે જ અમદાવાદ મ્યુ. કૉર્પોરેશનના નાગરિક પક્ષના ૪૧ સભ્યો તા. ૯-૪-૬૦ના રોજ એક સાથે કૉંગ્રેસમાં જોડાઈ ગયા. આ લોકોનું વલણ શરૂઆતથી જ જનતા પરિષદની સાથે સુમેળભર્યું હતું જ નહીં અને ખાસ કરીને શહીદ સ્મારકના સવાલ ઉપર તેઓ સામસામા આવી ગયા હતા અને મનથી તેઓ કૉંગ્રેસની સાથે જ હતા.

હેરાત થઈ કે હવે ગુજરાત રાજ્યની રચના અંગેનું બધું જ કામ પૂરું થઈ ગયું છે. ગુજરાતના વહીવટને લગતો દરેક પત્રવ્યવહાર અને ફાઈલો વગેરે લઈને મુંબઈથી ખાસ ટ્રેનો તા. ૧૬, ૧૭, ૨૦ અને ૨૨ એપ્રિલ, ૧૯૬૦ના રોજ અમદાવાદ દોડાવવામાં આવશે એમ નક્કી થયું. એવી પણ જાહેરાત થઈ કે, મુખ્ય સચિવ ઈશ્વરન ઉપરાંત સિનિયર સચિવ એમ. જી. મોનાની, જી. એસ. શેઠ, હબિબુલ્લા, એલ. આર. દલાલ, બનેસિંગજી અને આર. એન. દેસાઈ જુદા જુદા ખાતાના સચિવ તરીકે રહેશે. તા . ૩૦-૪-૬૦ના રોજ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પણ બોલાવવામાં આવી અને તેમાં પક્ષના નેતાની ચૂંટણી થશે અને તા. ૧-૫-૬૦ના રોજ ગુજરાતના પ્રથમ પ્રધાનમંડળની સોગંદવિધિ કરવામાં આવશે.

 તા. ૧૩-૪-૬૦ના રોજ ગુજરાત સચિવાલયના કર્મચારીઓ અને સેંકડો ટાઇપરાઇટરો, ૪૦૦૦ થી વધુ કાગળોનાં પાર્સલો સાથે ટ્રેનો મુંબઈથી અમદાવાદ આવી પહોંચી. ત્યાર પછીની વિધિ બંને રાજ્ય માટે માત્ર ઔપચારિક હતી. મહારાષ્ટ્ર કૉંગ્રેસ ધારાસભા પક્ષના નેતા તરીકે તા . ૨૧-૪-૬૦ના રોજ યશવંતરાવ ચવાણ અને વિદર્ભના કન્નમબાર ઉપનેતા તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.

ગુજરાતનું મંત્રીમંડળ

તા. ૨૫-૪-૬૦ના રોજ ગુજરાતના નવા પ્રધાનમંડળના પ્રધાનો અને નાયબ પ્રધાનોની યાદી નીચે મુજબ જાહેર કરવામાં આવી : (૧) મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા, (૨) રસિકલાલ પરીખ, (૩) માળેકલાલ શાહ, (૪) હિતેન્દ્ર દેસાઈ, (૫) જશવંતલાલ શાહ, (૬) છોટુભાઈ મકનજીભાઈ પટેલ, (૭) બહાદુરભાઈ પટેલ, (૮) પ્રેમજી ભવાનજી ઠક્કર, (૯) અકબરઅલી જસદણવાલા, (૧૦) શ્રીમતી કમળાબહેન પટેલ, (૧૧) માધવસિંહ સોલંકી અને સ્પીકર તરીકે (૧૨) માનસિંહજી ભાસાહેબ રાણાની પસંદગી થઈ હતી. તા .૨૫-૪-૬૦ના રોજ રાષ્ટ્રપતિએ મુંબઈના વિભાજનના ખરડા ઉપર સહી કરી દીધી અને સરકારી ગૅઝેટમાં તે જ દિવસે પ્રસિદ્ધ થઈ ગયો. તો ગુજરાત રાજ્યના પ્રથમ ગવર્નર તરીકે હૈદરાબાદના શાહી કુટુંબના એક સજ્જન પુરુષ મહેંદી નવાજ જંગની નિમણૂકની જાહેરાત થઈ.

 વિરોધ પક્ષ

 ગુજરાતમાં કૉંગ્રેસી પ્રધાનમંડળ બનશે એ તો દેખીતી જ વાત હતી અને કોંગ્રેસમાંથી છૂટા પડેલા લોકો કૉંગ્રેસમાં પાછા જઈ રહ્યા હતા. તે સંજોગોમાં ગુજરાત વિસ્તારમાં વ્યવસ્થિત વિરોધ પક્ષની રચના અનિવાર્ય હતી અને ખાસ કરીને જનતા પક્ષનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે જે ધારાસભ્યો હતા તેમની સાથે બેસીને વિચાર કરવો તે દૃષ્ટિએ તા. ૨૬-૪- ૬૦ ના રોજ જનતા પરિષદના ધારાસભ્યો પૈકીના એક છોટાલાલ નારણદાસ પટેલના જમાલપુર દાણાપીઠના નિવાસસ્થાને બેઠક મળી હતી. આ સભામાં ચર્ચા પછી એવી વિચારણા થઈ હતી કે, બધાએ સાથે મળીને વિરોધ પક્ષ તરીકે જ બેસવું અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને અન્ય કામકાજ બાબતોની વિગતો વિચારવા બ્રહ્મકુમાર ભટ્ટ, રમણલાલ નાગજીભાઈ પટેલ અને મહેન્દ્  દેસાઈની એક સમિતિ નીમવામાં આવી. વિધાનસભા પક્ષના નેતા તરીકે કપડવંજના ધારાસભ્ય નગીનદાસ ગાંધી (વકીલ) ને રાખવા તેમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષની નવરચના અંગે ઇંદુલાલ યાજ્ઞિકે પણ જણાવ્યું કે, ગુજરાત ધારાસભામાં વ્યવસ્થિત વિરોધ પક્ષ ઊભો થાય તે વાત આવકારદાયક છે.

તા . ૩૦-૪-૬૦ના રોજ ગુજરાતની રચના થતાં ડૉ . જીવરાજ મહેતાની સરકારને આવકારવા લાલ દરવાજા સરદાર બાગમાં જાહેરસભા યોજવામાં આવી હતી. જ્યારે મહાગુજરાત જનતા પરિષદની ‘શહીદ સ્મારક સમિતિ' જેને ચાલુ રાખવી હતી, તેના તરફથી માણેકચોક તિલક મેદાનમાં રાતના ૭ વાગે જાહેરસભા યોજવામાં આવી હતી. આ સભામાં જનતા પરિષદના અગ્રણીઓએ પ્રવચનો કર્યાં હતાં.

 સોગંધવિધિ થઈ

તા . ૧-૫-૬૦ના રોજ અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાન મંડળની સોગંધવિધિ થઈ. આ પ્રસંગે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજે જણાવ્યું કે, ‘ગુજરાત રાજ્યને તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા વહીવટકર્તાઓ ધ્યાન આપે તેટલી જ મારી તો સલાહ છે.

આમ તા . ૧-૫-૬૦ના રોજથી મહાગુજરાતનું રાજ્ય અને તેનો વહીવટી કાર્યભાર અસ્તિત્વમાં આવેલો.

      દેવેન્દ્રભાઈ પટેલ લિખિત ગુજરાતની અસ્મિતા પુસ્તકનું એક પ્રકરણ અહીં પૂરું થાય છે. પરતું આ સમગ્ર પુસ્તક અત્યંત રસપ્રદ છે. અને હવે નજીકના ભવિષ્યમાં વધુ રસપ્રદ નવીન પ્રકરણો સાથે આ પુસ્તકનું નવસંસ્કરણ થવા જઈ રહ્યું છે. ગુજરાતની અસ્મિતાના અભ્યાસુઓ એ આપુસ્તક વાંચવું રહ્યું.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

Sunday, April 23, 2023

સન્ડે સ્પેશિયલ

દુનિયામાં એક પણ શિક્ષણસંસ્થા એવી નહીં હોય જેના અભ્યાસક્રમમાં કોઈ તબક્કે શેક્સપિયરની સાહિત્યકૃતિ ન ભણાવાઈ હોય!


આજે ૨૩ એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ. સાથે સાથે ૨૩ એપ્રિલ એ અંગ્રેજી ભાષાના શિરમોર  સર્જક  વિલિયમ શેક્સપિયરની જન્મ તિથી તેમજ મૃત્યું તિથી પણ છે. ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર  શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ. સાડા ચારસો વર્ષ પછી પણ વિલિયમ શેક્સપિયરની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે. 

     દુનિયામાં અંગ્રેજી માધ્યમની એક પણ શિક્ષણસંસ્થા એવી નહીં હોય જેના અભ્યાસક્રમમાં કોઈ તબક્કે શેક્સપિયરની સાહિત્યકૃતિ ન ભણાવાઈ હોય! દુનિયાના તમામ નાટ્યલેખકો પૈકી શેક્સપિયરનાં નાટકો સૌથી વધારે ભજવાયાં છે. થિયેટરની નાટ્યપ્રવૃત્તિઓથી ધબકતું એવું કોઈ મહાનગર નહીં હોય, જેના સ્ટેજ પર શેક્સપિયરનું ડ્રામા ન ભજવાયું હોય!

વિલિયમ શેક્સપિયરનો જન્મ ઇંગ્લેન્ડમાં એવન (એવોન) નદીને કાંઠે વસેલ સ્ટ્રેટફોર્ડ-અપોન-એવન ટાઉનમાં 1564માં થયો હતો. સ્ટ્રેટફોર્ડ-અપોન-એવોન ટાઉન ઇંગ્લેન્ડની વોરવિકશાયર કાઉન્ટિમાં લંડનથી આશરે 150 કિલોમીટર દૂર છે. એવન નદીના પ્રદેશમાં જન્મનાર શેક્સપિયરને ‘બાર્ડ ઑફ એવન’ કે ‘સ્વાન ઑફ એવન’ જેવાં ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે.

વિલિયમ શેક્સપિયરના પિતા જોહન શેક્સપિયર ગર્ભ શ્રીમંત ન હતા. વિલિયમ શેક્સપિયરના પિતા જોન શેક્સપિયર જ્યારે દેવા તળે દટાયેલા હતા ત્યારે તેમણે ઘણાં પ્રકારના કામો કરવાં પાડેલા. એકવાર તેમણે બીયર પીવાની અવેજમાં પૈસા આપવામાં આવ્યા હતા. જેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું.. જોહન દંપતિને આઠ સંતાનો થયાં હતાં, તેમાં વિલિયમ ત્રીજું સંતાન હતા.

 

શેક્સપિયરની જન્મતારીખ, બાળપણ અને શિક્ષણ વિશે અધિકૃત રેકોર્ડ પૂર્ણતયા ઉપલબ્ધ નથી. એવું મનાય છે કે તેમણે સ્ટ્રેટફોર્ડ ટાઉનની કિંગ્સ ન્યૂ સ્કૂલ’માં શિક્ષણ મેળવ્યું હતું. 1582માં માત્ર અઢાર વર્ષની ઉંમરે વિલિયમ શેક્સપિયરનાં લગ્ન 26 વર્ષની યુવતી એન્ન હેથઅવે (એન્ન હેથવે) સાથે થયાં., એન્ન હેથઅવે શેક્સપિયર કરતાં આઠ વર્ષ મોટાં હતાં.   શેક્સપિયર દંપતિને ત્રણ બાળકો થયાં- બે પુત્રી અને એક પુત્ર. કમનસીબે પુત્ર અગિયાર વર્ષની બાળ વયે મૃત્યુ પામ્યો. બે પુત્રીઓ બચી હતી.

1592 પછી શેક્સપિયરની લંડનમાં હાજરીની અને લેખન પ્રવૃત્તિની નોંધ લેવાઈ છે. એલિઝાબેથન યુગના તે સમયગાળામાં લંડનના અમીર સમાજમાં થિયેટ્રિકલ એક્ટિવિટિઝ ફૂલીફાલી હતી. આમ છતાં નાટકમાં સ્ત્રી પાત્રો તો પુરૂષો જ ભજવતા. સો વર્ષ સુધી રાજકીય કાવાદાવાઓમાં ગૂંગળાયેલા લંડનનો આમ વર્ગ હજી રૂઢિચુસ્ત હતો; માત્ર કેટલાક શ્રીમંતો-ઉમરાવો નાટક જેવી મનોરંજનની પ્રવૃત્તિઓને પોષતા હતા.

    1594 પછી શેક્સપિયરની લેખન પ્રવૃત્તિઓ તથા નાટ્યપ્રવૃત્તિઓ વિશેષ પ્રકાશમાં આવી. તે દરમ્યાન લંડનમાં શેક્સપિયર અને અન્ય સાથીઓએ મળીને લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ નામે નાટક કંપની ઊભી કરી, જે આગળ ચાલીને ધ કિંગ્સ મેન’ તરીકે ઓળખાઈ.

    એલિઝાબેથન યુગમાં નાટ્યપ્રવૃત્તિઓ લોકભોગ્ય બની અને શેક્સપિયર પણ તેમાં જોડાયાં. સમરસિયા મિત્રો સાથે તેમણે નાટક કંપની બનાવી. ‘વાચકોને નવાઈ લાગશે કે શેક્સપિયર ખુદ નાટક લખતા અને એક અભિનેતા તરીકે નાટકનું પાત્ર પણ ભજવતા. શરૂઆતમાં લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ નામે ઓળખાયેલ શેક્સપિયરની નાટ્યકંપની સ્ટેજ પર ભારે સફળતાને પ્રાપ્ત થઇ  હતી.

શેક્સપિયરની કૃતિઓના વિષયવસ્તુમાં એક તરફ જીવન, રમૂજ, ઉત્કટ પ્રેમ અને મહત્વકાંક્ષા છે, તો બીજી ત તરફ નિષ્ફળતા અને નિરાશા, ઉદ્વિગ્નતા અને દુઃખ, ઈર્ષા અને બદલો વિશેષ જણાય  છે. તેમનું રોમેન્ટિક નાટક રોમિયો એન્ડ જુલિયેટ’ આબાલવૃદ્ધમાં પ્રિય રહ્યું છે. ધ કોમેડી ઑફ એરર્સ’ અને એઝ યુ લાઇક ઇટ’ જેવાં કોમેડી નાટકોએ સૌનું મનોરંજન કર્યું છે. મર્ચન્ટ ઑફ વેનિસ’ શાળા-કોલેજોમાં ભણાવાતું ખ્યાતનામ નાટક રહ્યું છે. શેક્સપિયરની ટ્રેજેડીઝ દુનિયાભરના તખ્તા પર ભજવાતી રહી છે. વિશ્વના રંગમંચ પરનાં સૌથી સફળ ટ્રેજેડી નાટકોમાં ‘હેમ્લેટ’, ‘ઓથેલો’ અને ‘મેકબેથ’ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. જુલિયસ સિઝર’ અને ‘કિંગ લિયર’ની લોકપ્રિયતા પણ ઓછી આંકી શકાય તેવી નથી.

1599માં કંપનીએ પોતાની ડ્રામા એક્ટિવિટિઝ માટે લંડનમાં પ્લેહાઉસ ‘ગ્લોબ’ બનાવ્યું. લાકડા – ટિમ્બર – થી બંધાયેલા ગ્લોબ થિયેટર’માં ભજવાનાર પ્રથમ નાટક શેક્સપિયરનું જુલિયસ સિઝર’ હતું. 1613માં એક ભીષણ આગમાં ગ્લોબ થિયેટર તારાજ થયું. 1614માં ગ્લોબને ફરી બાંધવામાં આવ્યું,

1610 પછી તેમની જાહેર પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ. તેમની છેલ્લી નોંધપાત્ર કૃતિ 1613માં સર્જાઈ. ત્રણ જ વર્ષ પછી 23 એપ્રિલ 1616 માં ઇંગ્લિશ ભાષાના મહાન સાહિત્યસર્જક વિલિયમ શેક્સપિયરની જીવનલીલા સંકેલાઈ ગઈ.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

  

Sunday, April 16, 2023

સન્ડે સ્પેશિયલ

ચાર વર્ષના ધવલની મોડી રાત સુધી કોઈ ભાળ મળી નહિ, આખરે ધવલ હતો ક્યાં ?  જયારે હકીકત બહાર આવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ ! 

               અરવલ્લી જીલ્લાની હ્રુદય કંપાવતી આ ઘટના છે. એક સાંજે રામજીભાઈ બેબાકળા બની પોતાના ચાર વર્ષના પૌત્ર ધવલને  શોધી રહ્યા હતા. બપોરથી વહાલસોયો પૌત્ર ગાયબ હતો. આખું ગામ ખૂંદી વળ્યા પણ ક્યાંય પત્તો લાગતો નહોતો. અંધારું થવા આવ્યું એમ છતાં ધવલની કોઈ ભાળ મળી નહિ. પછી તો ધવલને  શોધવા આખું ગામ જોડાયું. ગામ તો ખોબા જેવડું હતું. એટલે હવે ધવલની શોધ ગામની સીમ ભણી આદરી. આસપાસના ખેતરો, તળાવ, કુવા આસપાસ ગામલોકો તપાસ કરવા લાગ્યા. મોડા મોડા સમાચાર મળ્યા એ આઘાતજનક હતા.

રામજીભાઈના ખેતરમાં જ ધવલને  કોઈએ ગળામાં દોરડા વડે બાંધી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધવલના શ્વાસો હજી ચાલી રહ્યા હતા. તાબડતોબ એને પાસેના ગામની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો. ધવલની સ્થિતિ નાજુક બનતી જતી હતી. એટલે મોટા શહેરની  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો.  હોસ્પિટલમાં  સારવાર દરમ્યાન માસુમ  ધવલે અંતિમ શ્વાસ લીધા. ભારે જહેમત બાદ પણ ધવલને  બચાવી શકાયો નહિ. દાદાનો તો જાણે ઘડપણની લાકડીનો ટેકો જ છીનવાઈ ગયો.

       ધવલની  હત્યાનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો. અને પોલીસે નિર્દોષ બાળકના હત્યારાને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા. સવાલ એ હતો કે નિર્દોષ બાળકની નિર્મમ હત્યા કરવાનો અપરાધ કોણે કર્યો હશે ? કોણ હશે એ હત્યારો ? કોણ હશે એ પાપી? અને આ માસૂમ બાળકની હત્યા પાછળનું કારણ શું હશે ? એક એક સવાલ કોઈને પણ વિચારતા કરી મૂકે એવો હતો.

      સૌથી પહેલો સવાલ ધવલ એના દાદા પાસે કેમ રહેતો હતો ? માતા પિતા હયાત છે કે કેમ ? એના માતાપિતા હયાત છે તો તેઓ  ક્યાં હતા ?

    ધવલના પિતાનું નામ સુરેશભાઈ  હતું. સૌથી પહેલા તેમનું લગ્ન સમાજની જ એક યુવતી સાથે થયું હતું. માંડ એકાદ વર્ષ આ લગ્ન જીવન ટકી શક્યું. એક જ વર્ષમાં સુરેશ  અને તેની પત્નીના  છુટાછેડા થઈ ગયા હતા. પહેલા લગ્નના છુટાછેડા બાદ થોડા જ સમયમાં સુરેશ અરવલ્લી જીલ્લાના જ એક ગામની યુવતી સાથે પ્રેમ સંબધથી જોડાયો. અને આખરે એ યુવતી સાથે લગ્ન કરી બંને સાથે રહેવા લાગ્યાં. બંનેનું લગ્ન જીવન શરૂઆતમાં તો સુખેથી ચાલ્યું. અને એક દીકરાનો જન્મ થયો. એ દીકરાનું નામ ધવલ રાખવામાં આવ્યું. ધવલની ઉંમર જેમ જેમ વધતી ગઈ તેમ તેમ સુરેશ અને તેની બીજી પત્ની વચ્ચે ઝગડાનું પ્રમાણ પણ વધતું રહ્યું. કંકાસ એટલી હદે વધી ગયો કે બીજી પત્ની સાથેના સંબધો પણ હવે તૂટવાની અણી પર આવીને ઉભા હતા. છેવટે વાત છુટાછેડા પર આવીને ઊભી રહી.

  એ સમયે ધવલની ઉમર સાડા ત્રણેક વર્ષની હતી. સુરેશની બીજી પત્ની દીકરા ધવલને સાસરી પક્ષે સોંપી પિયર ચાલી ગઈ. સુરેશ હવે  ઘરબાર છોડી  દીધું. છતે માતા પિતાએ ધવલ જાણે માતા પિતા વિહોણો બની ગયો. દાદા રામજીભાઈ પર  પૌત્ર ધવલને  ઉછેરવાની જવાબદારી આવી પડી. સુરેશ નોકરીની શોધમાં આ શહેરથી પેલા શહેર એમ ફરતો રહ્યો. ક્યારેક હિંમતનગર તો ક્યારેક અમદાવાદ. ક્યારેક સુરત એમ શહેરોમાં છૂટક કામ કરી રોજગારી મેળવી લેતો. એ દરમિયાન એક યુવતી એના સંપર્કમાં આવી અને બન્ને વચ્ચે પ્રેમ સંબધ બંધાયા.

સુરેશ  હવે ત્રીજી યુવતી સાથે સંબધમાં જોડાયો હતો. એ યુવતીને લઈને પોતાના વતનમાં આવ્યો. યુવતીના પરિવારને આ સંબધ કોઈ હિસાબે મંજૂર હતો નહિ. યુવતીના પરિવારજનો સુરેશના ઘેરથી યુવતીને પોતાની સાથે પરત લઇ ગયા. સુરેશ હવે એકલો હતો. એનો સ્વભાવ પણ ચીડિયો અને શંકાશીલ બની ગયો હતો. કોઈએ સાથે સરખી રીતે વાત કરવા પણ તે તૈયાર નહતો.

સુરેશ એના વતનમાં જ હતો એ સમય દરમિયાન એની બીજા નંબરની  પત્નીનો ફોન આવ્યો. બીજી પત્ની સાથે વાત કર્યા પછી સુરેશની બેચેની તીવ્ર બની ગઈ. એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ બની ગયો. શું કરવું અને શું ન કરવું એ એને સુઝતું હતું નહિ. એ બપોરે દીકરા ધવલને  વાળ કપાવવા બાજુના ગામમાં લઈને ગયો. બાજુના ગામથી પરત આવી તે પોતાની બેગ લઇ નોકરી માટે નીકળી ગયો.

એ પછી રાત થવા આવી ત્યાં સુધી ધવલ ઘેર પરત ફર્યો જ નહિ એટલે દાદાએ શોધખોળ આરંભેલી અને ખેતરથી ગળે દોરડું બાંધેલી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. અને હોસ્પીટલમાં સારવાર દરમિયાન ધવલ મૃત્યુ પામ્યો.

એક નિર્દોષ બાળકની હત્યાથી સમગ્ર પંથકમાં ઘેરો શોક વ્યાપ્યો હતો. જીલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ કેસની તપાસ તીવ્ર ઝડપે આગળ વધી રહી હતી. જીલ્લા  LCBને  આરોપીને શોધવાનું સુકાન સોંપવામાં આવ્યું. તપાસનો ધમધમાટ શરૂ થયો. એલ.સી.બી.એ દિવસ રાત એક કરી  પૂરાવાઓ એકઠા કરવા જહેમત ઉઠાવી અને પછી જે તથ્યો બહાર આવ્યા તે  સૌ કોઈ  માટે ચોકાવી દેનારા હતા.  

જે સમયે આ ઘટના બની હતી  એ સમયે એ  સ્થળે સુરેશ એટલે કે ધવલાના  પિતાની હાજરી એ સ્થળે જ જણાઈ આવતી હતી. હત્યાની શંકાની સોય બાળકના પિતા સુરેશ તરફ ઈશારો કરી રહી હતી. પોલીસે સુરેશની શોધખોળ આદરી તો એ એક શહેરમાં  મજૂરી કરતો હતો. ત્યાંથી તેને ઝડપી લીધો. પોલીસ સ્ટેશન પર લાવી પૂછપરછ કરતાં એણે ગુનો કબૂલ કરતા જણાવ્યું કે  “હા, ધવલની હત્યાનો પ્રયાસ મેં જ કર્યો છે. કારણ કે એની માતાએ જ મને ફોન કરી જણાવ્યું હતું કે ધવલએ મારો દીકરો નથી પરંતુ તેના પ્રેમીનો દીકરો છે. આ વાત સ્વીકારવી  મારા માટે અસહ્ય હતી. બીજા કોઈનું લોહી મારા ખોરડે ઉછરી રહ્યું હતું. આ વાતે મારા મનનો ચેન છીનવી લીધો. અને એ જ દિવસે ધવલનો ખેલ ખતમ કરવાના ઈરાદે વાળ કપાવવાના બહાને એને ખેતરમાં લઇ જઈ દોરડા વડે ગળું કસોકસ બાંધી હું ઘેર આવી નોકરીએ જવાના બહાને ભાગી નીકળ્યો..”   

         સુરેશની કબુલાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ. એક બાપ પોતાના દીકરાની, એક માસૂમની હત્યા કેવી રીતે કરી શકે ? સાચું જ કહેવાયું છે કે શંકાનું કોઈ ઓસડ નથી. માણસના મનમાં જયારે શંકાનો કીડો સરવળે  છે ત્યારે એ કેવું નિર્મમ કૃત્ય કરી બેસે છે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ધવલના દાદા રામજીભાઈ વૃદ્ધા અવસ્થાએ નિ:સહાય રીતે જીવન વિતાવવા મજબૂર બન્યા.

          આપણા ન્યાયતંત્રની એક વિશિષ્ઠતા એ છે કે સો ગુનેગાર ભલે નિર્દોષ છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા મળવી જોઈએ નહિ.સુરેશે પોલીસ સમક્ષ જે તે સમયે  ગુનો કબૂલ કર્યો હતો. પરંતુ એના વિરુદ્ધ પૂરતા પુરાવા કે સાક્ષી હતા નહિ. પૂરવા અને સાક્ષીના આભાવે આરોપી વિરુદ્ધ ગુનો સાબિત થઇ શક્યો નહિ. નામદાર કોર્ટે સુરેશને નિર્દોષ જાહેર કરી મુક્ત કરી દીધો.

       નિર્દોષ ધવલની હત્યા કોણે કરી ? એ સવાલ વણ ઉકેલાયેલો કોયડો બનીને  રહી ગયો. 

 (સત્યઘટના. નામ પરિવર્તિત કરેલ છે. )


ઈશ્વર પ્રજાપતિ 

9825142620

નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.  

સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620) 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts