Sunday, April 30, 2023

સન્ડે સ્પેશિયલ

 આખરે મુંબઈ રાજ્યનું વિસર્જન થયું અને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ.  


આવતી કાલે ૧ લી મે  એટલે કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે. ગુજરાત રાજ્યની સ્થાપનાનો ઈતિહાસ અત્યંત રોમાંચક છે. વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ લિખિત  ગુજરાતની અસ્મિતા નામે રસપ્રદ પુસ્તકમાં આઝાદી પછીના ગુજરાતના ગુજરાતના રાજકીય અને અન્ય પાસા ખુબ સુંદર રીતે આલેખાવમાં આવ્યા છે. આ પુસ્તકમાં ગુજરાત રાજ્યની સ્થાપના વિષે એક પ્રકરણમાં દેવેન્દ્રભાઈ લખે છે કે :  

તા. ૧૯ મી એપ્રિલ, ૧૯૬૦ ના રોજ ભારતની સાંસદે મુંબઈ રાજ્યના વિભાજનનું બીલ આખરી તબક્કામાંથી પસાર કરી દીધું. વિરોધ પક્ષ દ્વારા ૧૦૦ જેટલા સુધારા રજૂ થયા. તેમાં એક સુધારો ગુજરાતનું નામ ‘મહાગુજરાત’ રાખવાનો હતો પણ તે નામંજૂર થયો. તા. ૨૩ મી એપ્રિલે રાજ્યસભાએ પણ મુંબઈ રાજ્યના વિસર્જનના બીલને મંજૂરી આપી દીધી. તા. ૨૫ મી એપ્રિલે રાષ્ટ્રપતિશ્રીએ મુંબઈ રાજ્યના વિસર્જનના ખરડા પર સહી કરી દીધી. ડૉ. જીવરાજ મહેતાના મુખ્યમંત્રી પદે ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી. આમ તા. ૧ લી મે, ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની રચના થઈ. દ્વિભાષી મુંબઈ રાજ્ય વખતે આબુરોડ અને માઉન્ટ આબુનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થતો હતો, પણ ગુજરાતનું અલગ રાજ્ય બનતાં આબુરોડ અને માઉન્ટ આબુ રાજસ્થાનમાં ગયાં. મુંબઈનો મહારાષ્ટ્રમાં સમાવેશ થયો. ડાંગ ગુજરાતમાં આવ્યું. આમ સાડા ત્રણ વર્ષનો જંગ ખેલ્યા બાદ ગુજરાતની રચના થઈ.

મુખ્ય સચિવ ઇશ્વરન્

હવે ગુજરાત રાજ્યની રચનાના પ્રશ્નો ઝડપથી વિચારવાની અને નિર્ણયો લેવાની શરૂઆત થઈ ચૂકી હતી. એમ નક્કી થયું કે, ગુજરાતના ભાવી મુખ્ય પ્રધાન ડ . જીવરાજ મહેતાએ દર અઠવાડિયે અમદાવાદની મુલાકાત લઈને અને કયા વિભાગની ઑફિસ કયા સ્થળે બેસાડવી તેનો સ્થળ ઉપ૨ જ નિર્ણય કરવો. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ઈશ્વરન્ (આઈ.સી.એસ.) પોલીસ વડા તરીકે કાનેટકર તેમજ ગૃહસચિવ તરીકે ગુજરાતના જ જી. એલ. શેઠ અને મુખ્ય ( આઈ.સી.એસ.) નાં નામો જાહેર થઈ ગયા હતા. એમ પણ જાહેરાત થઈ કે, માર્ચ માસમાં મુંબઈથી સચિવાલયનો સ્ટાફ ખાસ ટ્રેનો મારફત અમદાવાદ મોકલવાનું શરૂ થઈ જશે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા ન્યાયમૂર્તિઓ તેમજ પબ્લિક સર્વિસ કમિશનની કચેરી માટે અમદાવાદ શાહીબાગના ૩૩ સરકારી બંગલાઓ રાખવાનું જાહેર થયું.

 આંબાવાડીમાં સચિવાલય

રાજભવન તરીકે શાહીબાગ ખાતેનો કમિશનરનો બંગલો (અત્યારનું સરદાર સ્મારક) નક્કી થયું. ગુજરાતના કામચલાઉ સચિવાલય તરીકે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ પૉલિટૅનિક બિલ્ડિંગ નક્કી કરવામાં આવ્યું. જ્યારે ધારાસભા ગૃહ તરીકે નવી સિવિલ હૉસ્પિટલમાં આવેલ ઓ.પી.ડી. વિભાગનાં મકાન અને ઑડિટોરિયમ હૉલનો ઉપયોગ કરવાનું વિચારાયું. હાઈકોર્ટ માટે નવરંગપુરામાં આવેલ ચિલ્ડ્રન હૉસ્પિટલની જગ્યા પસંદ થઈ હતી. વળી અમદાવાદ શહેરમાં નવા ટેલિફોનો માટે ૨૦૦૦ લાઈનો આપવાનું નક્કી થયું. વળી ખુદ સરકારના ઉપયોગ માટે મોટી સંખ્યામાં ટેલિફોનની જરૂર પડશે તેવી ટેલિફોન ખાતાને પણ ખબર આપવામાં આવી. સરકારના ત્રીજા વર્ગના કર્મચારીઓ માટે શાહીબાગ, દૂધેશ્વર વગેરે સ્થળોએ આવેલ હાઉસિંગ બોર્ડનાં મકાનોનો કબજો લેવાનું ઠરાવ્યું.

 મુંબઈથી ખાસ ટ્રેનો દોડાવાઈ.

 મુંબઈથી ૨૦ ઉચ્ચ અધિકારીઓની એક ટુકડી તા. ૧૯-૨-૬૦ના રોજ અમદાવાદ આવી . આ ટુકડીએ સૂચિત સચિવાલય , ધારાસભા ગૃહ , હાઈકોર્ટનું મકાન તેમજ સ્ટાફનાં મકાનો વગેરે નક્કી થયેલી જગ્યાઓ , જ્યાં શાહીબાગ તેમજ કૅમ્પ વિસ્તારમાં રહેલા કલેક્ટર વગેરે સરકારી અધિકારીઓને તેમના બંગલાઓ ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું . વધુમાં તા . ૧-૪-૬૦ના રોજથી અમદાવાદ શહેરના વિસ્તારને ડી.એસ.પી.ને બદલે પોલીસ કમિશનરની હકૂમત હેઠળના  વિસ્તાર તરીકે જાહેર કરવાનું નક્કી થયું હતું. નવી દિલ્હીમાં મોરારજીભાઈએ તા. ૨૪-૨-૬૦ના રોજ જાહેરાત કરી કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ૧ લી મે, ૧૯૬૦ ના રોજ થશે અને મહારાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન ૨૮ મી એપ્રિલ, ૧૯૬૦ના રોજ શિવાજી જયંતીના દિવસે થશે. બંને અલગ તારીખો અંગે તેમણે કહ્યું કે, આ તારીખ ગ્રહોની દૃષ્ટિએ ગુજરાત માટે અનુકૂળ ન હતી.

આ જાહેરાત થતાંની સાથે જ અમદાવાદ મ્યુ. કૉર્પોરેશનના નાગરિક પક્ષના ૪૧ સભ્યો તા. ૯-૪-૬૦ના રોજ એક સાથે કૉંગ્રેસમાં જોડાઈ ગયા. આ લોકોનું વલણ શરૂઆતથી જ જનતા પરિષદની સાથે સુમેળભર્યું હતું જ નહીં અને ખાસ કરીને શહીદ સ્મારકના સવાલ ઉપર તેઓ સામસામા આવી ગયા હતા અને મનથી તેઓ કૉંગ્રેસની સાથે જ હતા.

હેરાત થઈ કે હવે ગુજરાત રાજ્યની રચના અંગેનું બધું જ કામ પૂરું થઈ ગયું છે. ગુજરાતના વહીવટને લગતો દરેક પત્રવ્યવહાર અને ફાઈલો વગેરે લઈને મુંબઈથી ખાસ ટ્રેનો તા. ૧૬, ૧૭, ૨૦ અને ૨૨ એપ્રિલ, ૧૯૬૦ના રોજ અમદાવાદ દોડાવવામાં આવશે એમ નક્કી થયું. એવી પણ જાહેરાત થઈ કે, મુખ્ય સચિવ ઈશ્વરન ઉપરાંત સિનિયર સચિવ એમ. જી. મોનાની, જી. એસ. શેઠ, હબિબુલ્લા, એલ. આર. દલાલ, બનેસિંગજી અને આર. એન. દેસાઈ જુદા જુદા ખાતાના સચિવ તરીકે રહેશે. તા . ૩૦-૪-૬૦ના રોજ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પણ બોલાવવામાં આવી અને તેમાં પક્ષના નેતાની ચૂંટણી થશે અને તા. ૧-૫-૬૦ના રોજ ગુજરાતના પ્રથમ પ્રધાનમંડળની સોગંદવિધિ કરવામાં આવશે.

 તા. ૧૩-૪-૬૦ના રોજ ગુજરાત સચિવાલયના કર્મચારીઓ અને સેંકડો ટાઇપરાઇટરો, ૪૦૦૦ થી વધુ કાગળોનાં પાર્સલો સાથે ટ્રેનો મુંબઈથી અમદાવાદ આવી પહોંચી. ત્યાર પછીની વિધિ બંને રાજ્ય માટે માત્ર ઔપચારિક હતી. મહારાષ્ટ્ર કૉંગ્રેસ ધારાસભા પક્ષના નેતા તરીકે તા . ૨૧-૪-૬૦ના રોજ યશવંતરાવ ચવાણ અને વિદર્ભના કન્નમબાર ઉપનેતા તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.

ગુજરાતનું મંત્રીમંડળ

તા. ૨૫-૪-૬૦ના રોજ ગુજરાતના નવા પ્રધાનમંડળના પ્રધાનો અને નાયબ પ્રધાનોની યાદી નીચે મુજબ જાહેર કરવામાં આવી : (૧) મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા, (૨) રસિકલાલ પરીખ, (૩) માળેકલાલ શાહ, (૪) હિતેન્દ્ર દેસાઈ, (૫) જશવંતલાલ શાહ, (૬) છોટુભાઈ મકનજીભાઈ પટેલ, (૭) બહાદુરભાઈ પટેલ, (૮) પ્રેમજી ભવાનજી ઠક્કર, (૯) અકબરઅલી જસદણવાલા, (૧૦) શ્રીમતી કમળાબહેન પટેલ, (૧૧) માધવસિંહ સોલંકી અને સ્પીકર તરીકે (૧૨) માનસિંહજી ભાસાહેબ રાણાની પસંદગી થઈ હતી. તા .૨૫-૪-૬૦ના રોજ રાષ્ટ્રપતિએ મુંબઈના વિભાજનના ખરડા ઉપર સહી કરી દીધી અને સરકારી ગૅઝેટમાં તે જ દિવસે પ્રસિદ્ધ થઈ ગયો. તો ગુજરાત રાજ્યના પ્રથમ ગવર્નર તરીકે હૈદરાબાદના શાહી કુટુંબના એક સજ્જન પુરુષ મહેંદી નવાજ જંગની નિમણૂકની જાહેરાત થઈ.

 વિરોધ પક્ષ

 ગુજરાતમાં કૉંગ્રેસી પ્રધાનમંડળ બનશે એ તો દેખીતી જ વાત હતી અને કોંગ્રેસમાંથી છૂટા પડેલા લોકો કૉંગ્રેસમાં પાછા જઈ રહ્યા હતા. તે સંજોગોમાં ગુજરાત વિસ્તારમાં વ્યવસ્થિત વિરોધ પક્ષની રચના અનિવાર્ય હતી અને ખાસ કરીને જનતા પક્ષનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે જે ધારાસભ્યો હતા તેમની સાથે બેસીને વિચાર કરવો તે દૃષ્ટિએ તા. ૨૬-૪- ૬૦ ના રોજ જનતા પરિષદના ધારાસભ્યો પૈકીના એક છોટાલાલ નારણદાસ પટેલના જમાલપુર દાણાપીઠના નિવાસસ્થાને બેઠક મળી હતી. આ સભામાં ચર્ચા પછી એવી વિચારણા થઈ હતી કે, બધાએ સાથે મળીને વિરોધ પક્ષ તરીકે જ બેસવું અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને અન્ય કામકાજ બાબતોની વિગતો વિચારવા બ્રહ્મકુમાર ભટ્ટ, રમણલાલ નાગજીભાઈ પટેલ અને મહેન્દ્  દેસાઈની એક સમિતિ નીમવામાં આવી. વિધાનસભા પક્ષના નેતા તરીકે કપડવંજના ધારાસભ્ય નગીનદાસ ગાંધી (વકીલ) ને રાખવા તેમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષની નવરચના અંગે ઇંદુલાલ યાજ્ઞિકે પણ જણાવ્યું કે, ગુજરાત ધારાસભામાં વ્યવસ્થિત વિરોધ પક્ષ ઊભો થાય તે વાત આવકારદાયક છે.

તા . ૩૦-૪-૬૦ના રોજ ગુજરાતની રચના થતાં ડૉ . જીવરાજ મહેતાની સરકારને આવકારવા લાલ દરવાજા સરદાર બાગમાં જાહેરસભા યોજવામાં આવી હતી. જ્યારે મહાગુજરાત જનતા પરિષદની ‘શહીદ સ્મારક સમિતિ' જેને ચાલુ રાખવી હતી, તેના તરફથી માણેકચોક તિલક મેદાનમાં રાતના ૭ વાગે જાહેરસભા યોજવામાં આવી હતી. આ સભામાં જનતા પરિષદના અગ્રણીઓએ પ્રવચનો કર્યાં હતાં.

 સોગંધવિધિ થઈ

તા . ૧-૫-૬૦ના રોજ અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાન મંડળની સોગંધવિધિ થઈ. આ પ્રસંગે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજે જણાવ્યું કે, ‘ગુજરાત રાજ્યને તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા વહીવટકર્તાઓ ધ્યાન આપે તેટલી જ મારી તો સલાહ છે.

આમ તા . ૧-૫-૬૦ના રોજથી મહાગુજરાતનું રાજ્ય અને તેનો વહીવટી કાર્યભાર અસ્તિત્વમાં આવેલો.

      દેવેન્દ્રભાઈ પટેલ લિખિત ગુજરાતની અસ્મિતા પુસ્તકનું એક પ્રકરણ અહીં પૂરું થાય છે. પરતું આ સમગ્ર પુસ્તક અત્યંત રસપ્રદ છે. અને હવે નજીકના ભવિષ્યમાં વધુ રસપ્રદ નવીન પ્રકરણો સાથે આ પુસ્તકનું નવસંસ્કરણ થવા જઈ રહ્યું છે. ગુજરાતની અસ્મિતાના અભ્યાસુઓ એ આપુસ્તક વાંચવું રહ્યું.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

1 comment:

  1. धन्य भूमि गुजरात.....very nice 👌

    ReplyDelete