Sunday, April 23, 2023

સન્ડે સ્પેશિયલ

દુનિયામાં એક પણ શિક્ષણસંસ્થા એવી નહીં હોય જેના અભ્યાસક્રમમાં કોઈ તબક્કે શેક્સપિયરની સાહિત્યકૃતિ ન ભણાવાઈ હોય!


આજે ૨૩ એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ. સાથે સાથે ૨૩ એપ્રિલ એ અંગ્રેજી ભાષાના શિરમોર  સર્જક  વિલિયમ શેક્સપિયરની જન્મ તિથી તેમજ મૃત્યું તિથી પણ છે. ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર  શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ. સાડા ચારસો વર્ષ પછી પણ વિલિયમ શેક્સપિયરની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે. 

     દુનિયામાં અંગ્રેજી માધ્યમની એક પણ શિક્ષણસંસ્થા એવી નહીં હોય જેના અભ્યાસક્રમમાં કોઈ તબક્કે શેક્સપિયરની સાહિત્યકૃતિ ન ભણાવાઈ હોય! દુનિયાના તમામ નાટ્યલેખકો પૈકી શેક્સપિયરનાં નાટકો સૌથી વધારે ભજવાયાં છે. થિયેટરની નાટ્યપ્રવૃત્તિઓથી ધબકતું એવું કોઈ મહાનગર નહીં હોય, જેના સ્ટેજ પર શેક્સપિયરનું ડ્રામા ન ભજવાયું હોય!

વિલિયમ શેક્સપિયરનો જન્મ ઇંગ્લેન્ડમાં એવન (એવોન) નદીને કાંઠે વસેલ સ્ટ્રેટફોર્ડ-અપોન-એવન ટાઉનમાં 1564માં થયો હતો. સ્ટ્રેટફોર્ડ-અપોન-એવોન ટાઉન ઇંગ્લેન્ડની વોરવિકશાયર કાઉન્ટિમાં લંડનથી આશરે 150 કિલોમીટર દૂર છે. એવન નદીના પ્રદેશમાં જન્મનાર શેક્સપિયરને ‘બાર્ડ ઑફ એવન’ કે ‘સ્વાન ઑફ એવન’ જેવાં ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે.

વિલિયમ શેક્સપિયરના પિતા જોહન શેક્સપિયર ગર્ભ શ્રીમંત ન હતા. વિલિયમ શેક્સપિયરના પિતા જોન શેક્સપિયર જ્યારે દેવા તળે દટાયેલા હતા ત્યારે તેમણે ઘણાં પ્રકારના કામો કરવાં પાડેલા. એકવાર તેમણે બીયર પીવાની અવેજમાં પૈસા આપવામાં આવ્યા હતા. જેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું.. જોહન દંપતિને આઠ સંતાનો થયાં હતાં, તેમાં વિલિયમ ત્રીજું સંતાન હતા.

 

શેક્સપિયરની જન્મતારીખ, બાળપણ અને શિક્ષણ વિશે અધિકૃત રેકોર્ડ પૂર્ણતયા ઉપલબ્ધ નથી. એવું મનાય છે કે તેમણે સ્ટ્રેટફોર્ડ ટાઉનની કિંગ્સ ન્યૂ સ્કૂલ’માં શિક્ષણ મેળવ્યું હતું. 1582માં માત્ર અઢાર વર્ષની ઉંમરે વિલિયમ શેક્સપિયરનાં લગ્ન 26 વર્ષની યુવતી એન્ન હેથઅવે (એન્ન હેથવે) સાથે થયાં., એન્ન હેથઅવે શેક્સપિયર કરતાં આઠ વર્ષ મોટાં હતાં.   શેક્સપિયર દંપતિને ત્રણ બાળકો થયાં- બે પુત્રી અને એક પુત્ર. કમનસીબે પુત્ર અગિયાર વર્ષની બાળ વયે મૃત્યુ પામ્યો. બે પુત્રીઓ બચી હતી.

1592 પછી શેક્સપિયરની લંડનમાં હાજરીની અને લેખન પ્રવૃત્તિની નોંધ લેવાઈ છે. એલિઝાબેથન યુગના તે સમયગાળામાં લંડનના અમીર સમાજમાં થિયેટ્રિકલ એક્ટિવિટિઝ ફૂલીફાલી હતી. આમ છતાં નાટકમાં સ્ત્રી પાત્રો તો પુરૂષો જ ભજવતા. સો વર્ષ સુધી રાજકીય કાવાદાવાઓમાં ગૂંગળાયેલા લંડનનો આમ વર્ગ હજી રૂઢિચુસ્ત હતો; માત્ર કેટલાક શ્રીમંતો-ઉમરાવો નાટક જેવી મનોરંજનની પ્રવૃત્તિઓને પોષતા હતા.

    1594 પછી શેક્સપિયરની લેખન પ્રવૃત્તિઓ તથા નાટ્યપ્રવૃત્તિઓ વિશેષ પ્રકાશમાં આવી. તે દરમ્યાન લંડનમાં શેક્સપિયર અને અન્ય સાથીઓએ મળીને લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ નામે નાટક કંપની ઊભી કરી, જે આગળ ચાલીને ધ કિંગ્સ મેન’ તરીકે ઓળખાઈ.

    એલિઝાબેથન યુગમાં નાટ્યપ્રવૃત્તિઓ લોકભોગ્ય બની અને શેક્સપિયર પણ તેમાં જોડાયાં. સમરસિયા મિત્રો સાથે તેમણે નાટક કંપની બનાવી. ‘વાચકોને નવાઈ લાગશે કે શેક્સપિયર ખુદ નાટક લખતા અને એક અભિનેતા તરીકે નાટકનું પાત્ર પણ ભજવતા. શરૂઆતમાં લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ નામે ઓળખાયેલ શેક્સપિયરની નાટ્યકંપની સ્ટેજ પર ભારે સફળતાને પ્રાપ્ત થઇ  હતી.

શેક્સપિયરની કૃતિઓના વિષયવસ્તુમાં એક તરફ જીવન, રમૂજ, ઉત્કટ પ્રેમ અને મહત્વકાંક્ષા છે, તો બીજી ત તરફ નિષ્ફળતા અને નિરાશા, ઉદ્વિગ્નતા અને દુઃખ, ઈર્ષા અને બદલો વિશેષ જણાય  છે. તેમનું રોમેન્ટિક નાટક રોમિયો એન્ડ જુલિયેટ’ આબાલવૃદ્ધમાં પ્રિય રહ્યું છે. ધ કોમેડી ઑફ એરર્સ’ અને એઝ યુ લાઇક ઇટ’ જેવાં કોમેડી નાટકોએ સૌનું મનોરંજન કર્યું છે. મર્ચન્ટ ઑફ વેનિસ’ શાળા-કોલેજોમાં ભણાવાતું ખ્યાતનામ નાટક રહ્યું છે. શેક્સપિયરની ટ્રેજેડીઝ દુનિયાભરના તખ્તા પર ભજવાતી રહી છે. વિશ્વના રંગમંચ પરનાં સૌથી સફળ ટ્રેજેડી નાટકોમાં ‘હેમ્લેટ’, ‘ઓથેલો’ અને ‘મેકબેથ’ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. જુલિયસ સિઝર’ અને ‘કિંગ લિયર’ની લોકપ્રિયતા પણ ઓછી આંકી શકાય તેવી નથી.

1599માં કંપનીએ પોતાની ડ્રામા એક્ટિવિટિઝ માટે લંડનમાં પ્લેહાઉસ ‘ગ્લોબ’ બનાવ્યું. લાકડા – ટિમ્બર – થી બંધાયેલા ગ્લોબ થિયેટર’માં ભજવાનાર પ્રથમ નાટક શેક્સપિયરનું જુલિયસ સિઝર’ હતું. 1613માં એક ભીષણ આગમાં ગ્લોબ થિયેટર તારાજ થયું. 1614માં ગ્લોબને ફરી બાંધવામાં આવ્યું,

1610 પછી તેમની જાહેર પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ. તેમની છેલ્લી નોંધપાત્ર કૃતિ 1613માં સર્જાઈ. ત્રણ જ વર્ષ પછી 23 એપ્રિલ 1616 માં ઇંગ્લિશ ભાષાના મહાન સાહિત્યસર્જક વિલિયમ શેક્સપિયરની જીવનલીલા સંકેલાઈ ગઈ.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

  

No comments:

Post a Comment