ચાર વર્ષના
ધવલની મોડી રાત સુધી કોઈ ભાળ મળી નહિ, આખરે ધવલ હતો ક્યાં ? જયારે હકીકત બહાર આવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ
!
અરવલ્લી જીલ્લાની હ્રુદય કંપાવતી આ ઘટના છે. એક સાંજે રામજીભાઈ બેબાકળા બની પોતાના ચાર વર્ષના પૌત્ર ધવલને શોધી રહ્યા હતા. બપોરથી વહાલસોયો પૌત્ર ગાયબ હતો. આખું ગામ ખૂંદી વળ્યા પણ ક્યાંય પત્તો લાગતો નહોતો. અંધારું થવા આવ્યું એમ છતાં ધવલની કોઈ ભાળ મળી નહિ. પછી તો ધવલને શોધવા આખું ગામ જોડાયું. ગામ તો ખોબા જેવડું હતું. એટલે હવે ધવલની શોધ ગામની સીમ ભણી આદરી. આસપાસના ખેતરો, તળાવ, કુવા આસપાસ ગામલોકો તપાસ કરવા લાગ્યા. મોડા મોડા સમાચાર મળ્યા એ આઘાતજનક હતા.
રામજીભાઈના ખેતરમાં જ ધવલને કોઈએ ગળામાં
દોરડા વડે બાંધી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધવલના શ્વાસો હજી ચાલી રહ્યા
હતા. તાબડતોબ એને પાસેના ગામની હોસ્પિટલમાં
સારવાર અર્થે લઇ જવામાં આવ્યો. ધવલની સ્થિતિ નાજુક બનતી જતી હતી. એટલે મોટા શહેરની
હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. હોસ્પિટલમાં
સારવાર દરમ્યાન માસુમ ધવલે અંતિમ શ્વાસ
લીધા. ભારે જહેમત બાદ પણ ધવલને બચાવી શકાયો
નહિ. દાદાનો તો જાણે ઘડપણની લાકડીનો ટેકો જ છીનવાઈ ગયો.
ધવલની
હત્યાનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો.
અને પોલીસે નિર્દોષ બાળકના હત્યારાને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા. સવાલ એ હતો
કે નિર્દોષ બાળકની નિર્મમ હત્યા કરવાનો અપરાધ કોણે કર્યો હશે ? કોણ હશે એ હત્યારો ?
કોણ હશે એ પાપી? અને આ માસૂમ બાળકની હત્યા પાછળનું કારણ શું હશે ? એક એક સવાલ કોઈને
પણ વિચારતા કરી મૂકે એવો હતો.
સૌથી પહેલો સવાલ ધવલ એના દાદા પાસે કેમ રહેતો હતો ? માતા પિતા હયાત છે કે કેમ
? એના માતાપિતા હયાત છે તો તેઓ ક્યાં હતા
?
ધવલના પિતાનું નામ સુરેશભાઈ હતું. સૌથી પહેલા તેમનું લગ્ન સમાજની જ એક યુવતી
સાથે થયું હતું. માંડ એકાદ વર્ષ આ લગ્ન જીવન ટકી શક્યું. એક જ વર્ષમાં સુરેશ અને તેની પત્નીના છુટાછેડા થઈ ગયા હતા. પહેલા લગ્નના છુટાછેડા બાદ
થોડા જ સમયમાં સુરેશ અરવલ્લી જીલ્લાના જ એક ગામની યુવતી સાથે પ્રેમ સંબધથી જોડાયો.
અને આખરે એ યુવતી સાથે લગ્ન કરી બંને સાથે રહેવા લાગ્યાં. બંનેનું લગ્ન જીવન શરૂઆતમાં
તો સુખેથી ચાલ્યું. અને એક દીકરાનો જન્મ થયો. એ દીકરાનું નામ ધવલ રાખવામાં આવ્યું.
ધવલની ઉંમર જેમ જેમ વધતી ગઈ તેમ તેમ સુરેશ અને તેની બીજી પત્ની વચ્ચે ઝગડાનું પ્રમાણ
પણ વધતું રહ્યું. કંકાસ એટલી હદે વધી ગયો કે
બીજી પત્ની સાથેના સંબધો પણ હવે તૂટવાની અણી પર આવીને ઉભા હતા. છેવટે વાત છુટાછેડા
પર આવીને ઊભી રહી.
એ સમયે
ધવલની ઉમર સાડા ત્રણેક વર્ષની હતી. સુરેશની બીજી પત્ની દીકરા ધવલને સાસરી પક્ષે સોંપી પિયર ચાલી ગઈ. સુરેશ હવે ઘરબાર છોડી
દીધું. છતે માતા પિતાએ ધવલ જાણે માતા પિતા વિહોણો બની ગયો. દાદા રામજીભાઈ પર પૌત્ર ધવલને
ઉછેરવાની જવાબદારી આવી પડી. સુરેશ નોકરીની શોધમાં આ શહેરથી પેલા શહેર એમ ફરતો રહ્યો.
ક્યારેક હિંમતનગર તો ક્યારેક અમદાવાદ. ક્યારેક સુરત એમ શહેરોમાં છૂટક કામ કરી રોજગારી
મેળવી લેતો. એ દરમિયાન એક યુવતી એના સંપર્કમાં આવી અને બન્ને વચ્ચે પ્રેમ સંબધ બંધાયા.
સુરેશ હવે
ત્રીજી યુવતી સાથે સંબધમાં જોડાયો હતો. એ યુવતીને લઈને પોતાના વતનમાં આવ્યો.
યુવતીના પરિવારને આ સંબધ કોઈ હિસાબે મંજૂર હતો નહિ. યુવતીના પરિવારજનો સુરેશના ઘેરથી
યુવતીને પોતાની સાથે પરત લઇ ગયા. સુરેશ હવે એકલો હતો. એનો સ્વભાવ પણ ચીડિયો અને શંકાશીલ
બની ગયો હતો. કોઈએ સાથે સરખી રીતે વાત કરવા પણ તે તૈયાર નહતો.
સુરેશ એના વતનમાં જ હતો એ સમય દરમિયાન એની બીજા નંબરની પત્નીનો ફોન આવ્યો. બીજી પત્ની સાથે વાત કર્યા પછી સુરેશની બેચેની તીવ્ર બની ગઈ.
એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ બની ગયો. શું કરવું અને શું ન કરવું એ એને સુઝતું હતું નહિ.
એ બપોરે દીકરા ધવલને વાળ કપાવવા બાજુના ગામમાં
લઈને ગયો. બાજુના ગામથી પરત આવી તે પોતાની બેગ લઇ નોકરી માટે નીકળી ગયો.
એ પછી રાત થવા આવી ત્યાં સુધી ધવલ ઘેર પરત ફર્યો
જ નહિ એટલે દાદાએ શોધખોળ આરંભેલી અને ખેતરથી ગળે દોરડું બાંધેલી બેભાન અવસ્થામાં મળી
આવ્યો હતો. અને હોસ્પીટલમાં સારવાર દરમિયાન ધવલ મૃત્યુ પામ્યો.
એક નિર્દોષ બાળકની હત્યાથી સમગ્ર પંથકમાં ઘેરો શોક
વ્યાપ્યો હતો. જીલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ કેસની તપાસ તીવ્ર
ઝડપે આગળ વધી રહી હતી. જીલ્લા LCBને આરોપીને
શોધવાનું સુકાન સોંપવામાં આવ્યું. તપાસનો ધમધમાટ શરૂ થયો. એલ.સી.બી.એ દિવસ રાત એક કરી પૂરાવાઓ એકઠા કરવા જહેમત ઉઠાવી અને પછી જે તથ્યો બહાર આવ્યા
તે સૌ કોઈ માટે ચોકાવી દેનારા હતા.
જે સમયે આ ઘટના બની હતી એ સમયે એ
સ્થળે સુરેશ એટલે કે ધવલાના પિતાની
હાજરી એ સ્થળે જ જણાઈ આવતી હતી. હત્યાની શંકાની સોય બાળકના પિતા સુરેશ તરફ ઈશારો કરી રહી હતી. પોલીસે સુરેશની શોધખોળ આદરી તો એ એક શહેરમાં મજૂરી કરતો હતો. ત્યાંથી તેને ઝડપી લીધો. પોલીસ સ્ટેશન પર લાવી પૂછપરછ કરતાં એણે
ગુનો કબૂલ કરતા જણાવ્યું કે “હા, ધવલની હત્યાનો
પ્રયાસ મેં જ કર્યો છે. કારણ કે એની માતાએ જ મને ફોન કરી જણાવ્યું હતું કે ધવલએ મારો
દીકરો નથી પરંતુ તેના પ્રેમીનો દીકરો છે. આ વાત સ્વીકારવી મારા માટે અસહ્ય હતી. બીજા કોઈનું લોહી મારા ખોરડે
ઉછરી રહ્યું હતું. આ વાતે મારા મનનો ચેન છીનવી લીધો. અને એ જ દિવસે ધવલનો ખેલ ખતમ
કરવાના ઈરાદે વાળ કપાવવાના બહાને એને ખેતરમાં લઇ જઈ દોરડા વડે ગળું કસોકસ બાંધી હું
ઘેર આવી નોકરીએ જવાના બહાને ભાગી નીકળ્યો..”
સુરેશની કબુલાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ. એક બાપ પોતાના દીકરાની, એક માસૂમની
હત્યા કેવી રીતે કરી શકે ? સાચું જ કહેવાયું છે કે શંકાનું કોઈ ઓસડ નથી. માણસના મનમાં
જયારે શંકાનો કીડો સરવળે છે ત્યારે એ
કેવું નિર્મમ કૃત્ય કરી બેસે છે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ધવલના દાદા રામજીભાઈ
વૃદ્ધા અવસ્થાએ નિ:સહાય રીતે જીવન વિતાવવા મજબૂર બન્યા.
આપણા ન્યાયતંત્રની એક વિશિષ્ઠતા એ છે કે સો ગુનેગાર ભલે નિર્દોષ છૂટી જાય પરંતુ
એક નિર્દોષને સજા મળવી જોઈએ નહિ.સુરેશે પોલીસ સમક્ષ જે તે સમયે ગુનો કબૂલ કર્યો હતો. પરંતુ એના વિરુદ્ધ પૂરતા પુરાવા
કે સાક્ષી હતા નહિ. પૂરવા અને સાક્ષીના આભાવે આરોપી વિરુદ્ધ ગુનો સાબિત થઇ શક્યો નહિ.
નામદાર કોર્ટે સુરેશને નિર્દોષ જાહેર કરી મુક્ત કરી દીધો.
નિર્દોષ ધવલની હત્યા કોણે કરી ? એ સવાલ વણ ઉકેલાયેલો કોયડો બનીને રહી ગયો.
(સત્યઘટના. નામ પરિવર્તિત કરેલ છે. )
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.
સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620)
No comments:
Post a Comment