Sunday, September 25, 2022

સન્ડે સ્પેશિયાલ - 36

 અનેક જરૂરિયાતમંદ દીકરીઓ જેમને પિતાતુલ્ય માને છે એ  વિરલ વ્યક્તિ  કોણ છે ?.


Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

                અરવલ્લી જીલ્લાનું મુખ્ય મથક મોડાસા સમગ્ર ગુજરાતમાં શિક્ષણ નગરી તરીકે સુવિખ્યાત છે. રાજ્યના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકીર્દી ઘડવા મોડાસામાં આવે છે. પરંતુ સ્થાનિક જરૂરિયાતમંદ કેટલાય તેજસ્વી વિદ્યાર્થીનીઓ આર્થિક  પરિસ્થિતિના અભાવે અભ્યાસ કરી શકતી નથી. પરિણામે તેજસ્વી વિદ્યાર્થીની હોવા છતાં મજબૂરીને વશ થઇ  અભ્યાસ છોડી ઘરકામ તરફ વળી જવું પડે છે. સમાજની આ એક કરુણ અવસ્થા છે. આવી દીકરીઓનું દર્દ સમજી સોથી વધુ દીકરીઓની શિક્ષણની તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી છે એવા વિરલ વ્યક્તિની આજે વાત કરવી છે. 

            એમનું નામ છે હરેશભાઈ  પટેલ.        

       સો જેટલી દીકરીઓને દત્તક લઇ તેમની તમામ જવાબદારી એકલે હાથે  વહન કરતા હરેશભાઈ પટેલના નામથી બહુ ઓછા લોકો પરિચિત હશે. એનું કારણ એ પણ છે કે તેઓ જે પણ સેવા કાર્ય કરે છે એના પ્રચાર પ્રસારથી દૂર રહે છે. હરેશભાઈએ ગરીબીને નજીકથી નિહાળી છે. જરૂરિયાતમંદ વ્યક્તિની પીડા તેઓ જાણે છે. પોતાના પરિવારની નબળી આર્થીક સ્થિતિને કારણે વધુ અભ્યાસ ન કરી શક્યા પરંતુ પોતાની કોઠાસૂઝથી આપબળે આગળ આવ્યા. અને જરૂરિયાતમંદોની મદદ કરવનો જીવનમંત્ર બનાવ્યો.  

      હરેશભાઈ ખેડૂત પુત્ર છે. સાવ સાધારણ કહી શકાય એવા પરિવારમાં અનેક અભાવોની વચ્ચે તેઓનો ઉછેર થયો. મોડાસાની લગોલગ આવેલું ભેરુંડા  તેમનું વતન. પુરુષાર્થી પિતા નરસિંહભાઈ પટેલ અને માતા તરફથી સાહસ, સેવા અને સદભાવના સંસ્કારોનો ભવ્ય વારસો પ્રાપ્ત થયો. હરેશભાઈએ સ્વબળે પોતાની કેડી કંડારી રાજમાર્ગ તૈયાર કર્યો છે.

         મોડાસા નગરની સુપ્રસિદ્ધ ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી તરીકે હરેશભાઈ સેવાઓ આપી રહ્યા છે. પોતાનો સંપૂર્ણ સમય શાળાને સમર્પિત છે.  સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે.

       કોરનાના કપરા કાળ દરમિયાન દરરોજ એક હજારથી પંદરસો જેટલા જરૂરિયાતમંદોને ભોજન કરવાનું યજ્ઞકાર્ય હરેશભાઈએ કર્યુ છે. ખાનગી શાળાના સંચાલક હોવા છતાં શિક્ષણના વ્યવસાયને તેઓએ માત્ર નફો રાળવાનો વ્યસાય ન બનાવતાં સેવાકાર્યનું માધ્યમ બનાવ્યું છે. તેમને 100 જેટલી દીકરીઓને દત્તક લઈ તેમની તમામ જવાબદરીઓ પોતાના શિરે ઉઠાવી છે. આ ઉપરાંત 80 જેટલાં જરૂરિયાતમંદ બાળકોના પાલક પિતા બની તેમની પાલન પોષણની સઘળી જવાબદારી હરેશભાઈ વહન કરી રહ્યા છે. અન્ય ખાનગી શાળાના સંચાલકોએ પણ હરેશભાઈનાં કાર્યોમાંથી પ્રેરણા લેવા જેવી ખરી !

       હરેશભાઈ જિલ્લામાં વસતા દિવ્યાંગોની જરૂરિયાત જાણી ટ્રાઈસિકલ ભેટ સ્વરૂપે આપી દિવ્યાંગોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. એટલું જ નહીં દિવ્યાંગોના સમૂહ લગ્નનું આયોજન કરી સમાજમાં તેઓએ એક નવી પહેલ કરી છે.

         હરેશભાઈ પોતાના વતનને પણ અંતરના ઊંડાણેથી ચાહે છે. તેમના સ્વર્ગસ્થ  પિતા શ્રી નરસિંહભાઈની સ્મૃતિમાં ગામમાં ભવ્ય પ્રવેશદ્વાર નિર્માણ કરાવ્યો છે. જાજરમાન પ્રવેશદ્વાર ગામની શીભા વધારે છે.

         ન્યુ લીપ ઇન્ટરનેશનલ  સ્કૂલના યુવાન અને  તેજસ્વી પ્રિન્સીપાલ વિજયભાઈ ચોપડા જણાવે છે કે હરેશભાઈની સાથે કામ કરવું જીવનનો એક લ્હાવો છે. ડગલે ને પગલે એમની પાસેથી જિંદગીના નવા નવા પાઠ શીખવા મળે છે. સફળતા મેળવ્યા પછી પણ સળગી અને સરળતા કેવી રીતે જાળવી રાખવી એ હરેશભાઈ પાસેથી શીખવા જેવું છે.  સેવા કાર્યમાં હંમેશા રત રહેતા હરેશભાઈ હંમેશા પડદા પાછળ રહેવામાં સુખ અનુભવે છે. જાહેર કાર્યક્રમોમાં તેઓ મોટાભાગે મંચ ઉપર સ્થાન લેવાનું પણ ટાળે છે. તેઓ પોતાની વાહવાહી કે સન્માનોથી અળગા રહે છે. એમ છતાં તેઓના સેવા કર્યોની સૌરભ ચોમેર પ્રસરી છે. તેમનો સુપુત્ર શુભમ પણ પિતાના માર્ગે આગળ ધપી રહ્યા છે. સંગાથ મિશન ટ્રસ્ટની રચના કરી સેવા પ્રવૃતિઓનો વિસ્તાર કરી રહ્યા છે.

      કોઈ પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તેજસ્વી દીકરીનું ભણતર રજળી પડે, એની આંખે આંજેલાં  સપનાં આંસુઓ સાથે વહી જાય આ પરિસ્થિતિ સભ્ય સમાજ માટે કલંકરૂપ છે. આ કલંકને ભૂસવા હરેશભાઈએ આદરેલી મથામણ દાદ માગી લે છે.

        હરેશભાઈ સાથે જ્ઞાન ગોષ્ઠી કરવા બેસીએ તો કલાકોનો સમય ઓછો પડે. મુશ્કેલ પરિસ્થિતિના ઉકેલ અંગે તેમની વિષે વિચારવાની આગવી રીત છે. સમસ્યાને તેઓ સમસ્યા નથી સમજતા પણ જીવન ઘડતર માટેની એક તક સમજે છે. વ્યક્તિ અભ્ય્સના મનોવિજ્ઞાનના તેઓ અભ્યાસુ છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેનું ડેટા એનાલીસીસ દાદ માંગી લે તેવું છે. શિક્ષણ વિશેનું તેઓનું ચિંતન ભલભલા કેળવણીકારોને વિચારતા કરી મુકે તેવું છે. ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે હરેશભાઈનું ભણતર વધુ  નથી શક્યું પરંતુ  ઘડતર ગજબનું થયું છે. તેઓની વાણી જાણે પ્રેરણાનું ઝરણું. એક જ સમસ્યાના અનેક ઉકેલ તેમની પાસે હાજર છે. સ્પષ્ટ વક્તા છે. નિરાશ થઈને હરેશભાઈ પાસે  આવેલ વ્યક્તિ નવી આશા લઇને પરત ફરે છે.  મોટિવેશન અને કાઉન્સલિંગના માસ્ટર માઈન્ડ

    તેમનું Gpsc, upsc, ઓલંમ્પીયાડ ,iit જેવી વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષેનું તલસ્પર્શી નોલેજ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે.  ગુજરાતના એજ્યુકેશન ની સિસ્ટમને સમજી તેમાં વિષયોનો કરીક્યુલમ બનાવી તેને સારાં લેવલ સુધી પહોંચાડવાની વિચારધારા અનુકરણીય છે.

       ભૂખ્યાને ભોજન કરાવવું તેમનો સ્વભાવ બની ગયો છે. એ પેટની ભૂખ હોય કે પછી શિક્ષણની ! જરૂરીયાતમંદની સેવા એ તેમના   જીવનનો મૂળ મંત્ર છે. નાની ઉંમરમાં મોટા બનતા શીખો અને એ મોટા બન્યા પછી નાના બનતા શીખો.. જેનું  ઉત્તમ  ઉદાહરણ.. હરેશભાઇ છે.

        હરેશભાઈના પ્રયત્નોથી અનેક દીકરીઓના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો છે. આ દીકરીઓના અંતરના આશીર્વાદ હરેશભાઈના પરિવારને જરૂર પ્રાપ્ત થશે. જરૂરિયાતમંદોની સેવા માટે હરેશભાઈની બાહુઓમાં અનેક ઘણું બળ પ્રાપ્ત થતું એ જ શુભકામનાઓ.

- ઈશ્વર પ્રજાપતિ..

9825142620

Tuesday, September 20, 2022

અણમોલ ભેટ

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

 અનમોલ ભેટ.



વર્ષ ૨૦૧૯ ની આ વાત છે. પણ હજી એની લીલીછમ યાદ હૃદયમાં સચવાયેલી છે અને આજીવન સચવાયેલી જ રહેશે. વાત જાણે એમ છે કે તારીખ ૨૦ મી સપ્ટેમબર ૨૦૧૯ નો એ દિવસ જીવનનો એક એવો યાદગાર દિવસ છે જેને હું કદાચ આજીવન નહીં ભૂલી શકું.
લેખન યાત્રા થકી શબ્દ પ્રેમીજનોનો અપાર પ્રેમ અને આદર પામ્યાંનો મને આનંદ છે. કદાચ આપ માની નહીં શકો પરંતુ અત્યાર સુધી તમે બ્લોગ પર ના જેટલા આર્ટીકલ વાંચ્યા છે એ તમામ આર્ટિકલ કોમ્પ્યુટરના અભાવે મોબાઈલથી ટાઈપ કરી લખાયેલ છે. આખો દિવસ શાળામાં વ્યસ્ત હોવાના કારણે રાત્રીના 1 થી સવારે 6 વાગ્યા સુધી મારી શબ્દ સાધના ચાલુ રહેતી અને ત્યારે સવારે 7 વાગે હું આર્ટિકલ પોસ્ટ કરી શકતો. આજ સવાર સુધી આ જ ક્રમ જળવાઈ રહ્યો.
સુપ્રસિદ્ધ કેળવણીકાર અને શિક્ષણવિદ ડો. #મોતીભાઈ_પટેલ ઉર્ફે #મોતીદાદાના ધ્યાને આ વાત આવી. નિરાંતે બે કલાક દાદા સાથે બેસી વાતો કરવાનું તો જીવનમાં પહેલી વાર ગત રવિવારે જ બન્યું. માત્ર એક જ મુલાકાત. અને આજે દરિયાદિલ મોતીદાદાએ એક અણમોલ ભેટ મારા હાથમાં મૂકી.
ડૉ. મોતીભાઈ પટેલ ઉર્ફે મોતીદાદા સાહિત્ય અને શિક્ષણ જગતમાં આ નામ કોણ નથી જાણતું??? કેળવણીનો ઘેઘૂર કબીરવડ જ જોઈલો!!! તેઓની શબ્દ સાધનાનો હું ચાહક. છાપા આવતી તેઓની કોલમનો હું નિયમિત વાંચક.
૧૫ મી સપ્ટે. ૨૦૧૯ ને રવિવારનાં રોજ દાદા અમદાવાદથી તેઓના વતન ઇસરીના વૃંદાવન ફાર્મ પર આવવાના હતા. તો તેઓનો સંદેશો મળ્યો કે ' ઈશ્વર ઇસરી આવું છું. અનુકૂળતા હોય તો આવ. મળીએ ' દાદાને મળવાની ઝંખના ખૂબ હતી. રવિવારે ઇસરી આવવા જવાની મારી તમામ વ્યવસ્થા દાદાએ ફોનથી ગોઠવી દીધી. દાદા સાથે પુરા બે કલાક નિરાંતે ગાળ્યા. હીંચકે ઝૂલતાં ઝૂલતાં દાદાએ દાયકાઓનું અનુભવનું ભાથું અમારી આગળ ખુલ્લું મૂક્યું. શિક્ષણ અને સાહિત્ય ગોષ્ઠિ જામી. દાદાએ આગ્રહ કરી લીલી મકાઈના ડોડાનો છૂંદો ખવડાવ્યો. કહો ને કે મોજ પડી ગઈ. મનોરમ્ય વૃંદાવન ફાર્મ પર ગાળેલા એ બે કલાક જિંદગીની ધબકતી ક્ષણો હતી.
હું ઘરે પહોંચ્યો તો દાદાનો મેસેજ મળ્યો " ઈશ્વર મારી એક વિનંતી સ્વીકારે તો એક વાત કહું"
મેં જવાબ આપ્યો : "દાદા આપે વિનંતી નહીં આદેશ કરવાનો હોય! બોલો શુ કરવાનું છે મારે આદેશ કરો."
દાદાનો વળતો મેસેજ આવ્યો "મારા તરફથી સરસ કૉમ્પ્યુટર લઈ લે.મને કિંમત જણાવ.તરત મોકલી આપીશ."
હું વંદન કહી નિરુત્તર રહ્યો. બીજા દિવસે ફરી દાદાએ મેસેજ કર્યો "કોમ્પ્યુટર લીધું ??"
હું ફરી નિરુત્તર રહ્યો. હું શું જવાબ આપું?? દાદા પાસે થી કોમ્પ્યુટર ના પૈસા કેમ લેવાય ?? તો એ જ દિવસે સાંજે હું ઘરે પહોંચું એ પહેલાં વિનોબા ભાવે આશ્રમ શાળાના આચાર્ય મારા ઘરે આવી બેઠા હતા. તેઓ એ મને કહ્યું " દાદાએ આપને કોઈ મેસેજ કર્યો હતો?"
મેં કહ્યું "હા, દાદા કોમ્પ્યુટર લેવાનું કહે છે. પરંતુ મારાથી કેમ લેવાય?"
કનુભાઈ સાહેબે કહ્યું. "દાદાએ આપના કોમ્પ્યુટર ની જવાબદારી મને સોંપી છે. અને આપના માટે Dell નું એકદમ લેટેસ્ટ વરઝન નું લેપ્ટોપનો ઓર્ડર આપી ને આવ્યો છું. જે આપને બે દિવસમાં મળી જશે"


હું અવાક બની સાંભળી જ રહ્યો. તરત જ દાદાને મેં ફોન જોડ્યો અને કહ્યું " દાદા સાવ આવું કરવાનું?"
દાદા એ કહ્યું "ઈશ્વર, તું જે કામ લઈને નીકળ્યો છે એની સામે આ કંઈ નથી. આ લેપટોપથી તારા લેખન કાર્યને વેગ મળશે. તું ઝડપથી આગળ વધી શકીશ. અને કોમ્પ્યુટર ની જગ્યાએ લેપટોપ એટલે આપ્યું કે તું પ્રવાસ દરમિયાન પણ સાથે રાખી શકે. અને લખી શકે."
દાદાની વાત સાંભળતા સાંભળતા જ મારી આંખના ખુણા ભીના થયા. આટલું ઓછું હોય એમ દાદા વાત આગળ લંબાવતા બોલ્યા "સંભાળ ઈશ્વર, મારુ જો ચાલે તો તને ભાડાના મકાનમાં રહેવા દઉ નહિ. તને મકાન બનાવી આપું" દાદાના શબ્દો લાગણીથી તરબતર હતા. દાદાની મારા પરની અપાર લાગણી અને અસીમ પ્રેમ જોઈ મારી આંખોમાં પૂર ઉમટયું. અને આજે કોમ્પ્યુટર દુકાનમાંથી ફોન આવ્યો. "ઈશ્વરભાઈ તમારું લેપટોપ આવી ગયું છે. શાળાએથી ઘરે જતાં લેતા જજો."
દાદાનું આ ઋણ હું કયા ભવે ચુકવી શકીશ?? કદાચ ક્યારેય નહીં!!
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

Sunday, September 18, 2022

સન્ડે સ્પેશિયલ - 35

 જો ગામેગામને એક નરેન્દ્રભાઈ પટેલ અને પુંસરી ગામના આગેવાનો જેવા રાહબર મળી જાય તો કોઈ જરૂરીયાતમંદને ભુખ્યા સુવું પડે નહિ.

 


          સાબરકાંઠાનું પુંસરી ગામથી  પરિચિત  ન હોય એવી વ્યક્તિ આપણી આસપાસ શોધવી મુશ્કેલ છે. પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલની આગવી કોઠાસૂઝને પરિણામે આ ગામને જાણે વિકાસની પંખો ફૂટી. અને દેશનું મોડેલ વિલેઝ તરીકે પ્રસ્થાપિત થયું જેના પરિણામે એક ખોબા જેવડું ગામ દેશ દુનિયામાં છવાઈ ગયું. આ ગામે માત્ર ભૌતિક વિકાસ કર્યો છે એવું નથી. પરંતુ માનવીય મૂલ્યોનું જતન કરી સમાજમાં  એવા અનેક દાખલા બેસાડી આપ્યા છે કે દેશ અને દુનિયાના અન્ય ગામો પણ એ દિશામાં આગળ વધે તો વિશ્વની તાસીર અને તસવીર બદલાઈ જાય.

        હા, આજે વાત કરવી છે પુંસરી ગામના આગેવાનોએ આરંભેલા  માનવતાના મહાયજ્ઞની ! સમસ્ત પંથક જેમને જરૂરિયાતમંદોના એક સાચા આધાર તરીકે ઓળખે છેએવા અદના સમાજ સેવક નરેંદ્રભાઈ પટેલ અને તેમના સાથી ગામના આગેવાનો સાથે મળી  પવિત્ર  શ્રાવણ માસમાં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ‘રામરોટી અન્નક્ષેત્ર’ પ્રારંભ કર્યો છે.  સામાન્ય વ્યક્તિને સાહજિક પ્રશ્ન થાય કે નાના અમથા ગામમાં વળી અન્નક્ષેત્રની શી જરૂર ? પરંતુ  આ અન્નક્ષેત્રનો ઉમદા હેતુ જાણતાં જ હૃદય ગદગદિત બને છે.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

        નરેન્દ્રભાઈ પટેલ એટલે  સંવેદનાથી ભર્યું ભર્યું વ્યક્તિત્વ ! તેમણે  બાળપણમાં ગરીબીને ખુબ નજીકથી નિહાળી છે. ‘દુઃખ અને ભૂખ’ શું ચીજ  છે એ બાલ્ય અવસ્થામાં તેઓએ   જાતે અનુભવ્યું છે. એટલે જ કોઈ દુખિયા કે ભૂખ્યાને જોઈ એમનું હૃદય કંપી ઊઠે.  આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોય એવા અનેક પરિવારોને નિયમિત રાશન આપવાનું પુણ્ય કાર્ય તેઓ કરતા આવ્યા છે. પરંતુ તેમના મનમાં એક સવાલ સતત રમ્યા કરતો કે ‘મારા ગામમાં  એવી નિરાધાર અને  વૃદ્ધ મહિલાઓ  અને પુરુષો છે  કે જેઓનો બીજો કોઈએ જ આધાર જ નથી. આ અશક્ત મહિલાઓ બે ટંક પોતાની રસોઈ પણ બનાવી શકતી નથી અને અવાર નવાર ભૂખી જ સુઈ જાય છે. આ તો કેમ ચાલે ? ગામમે વિકાસની હરણફાળ ભરી દેશ વિદેશમાં ડંકો વગાડ્યો અને આદર્શ ગામ  તરીકે રાષ્ટ્ર કક્ષાએ નોધ લેવાઈ. પરતું મારા જ ગામમાં જો કોઈ વૃદ્ધ માતાને ભૂખ્યા સુવું પડે એ કેમ ચાલે ? આ વિચારે નરેન્દ્રભાઈનું હૃદય વલોવાયું. તેઓએ આ વિચાર ગામના આગેવાનો સાથે વહેંચ્યો.

      એ અરસામાં ગામના આગેવાનો પૂનમના સારંગપુર હનુમાનજીના દર્શને જઈને આવેલા. પૂનમના દિવસે સારંગપુર મંદિરના સદાવ્રતમાં લાખો માણસ ભોજન પ્રસાદ લેતું જોઈ તેમના મનમાં પણ આ વિચાર રમતો હતો કે ‘એક મંદિર જો દરરોજ માટે હજારો માણસોને જમાડી શકે છે તો આપણે આપણા ગામના જ જરૂરીયાત મંદ લોકોને ન જમાડી શકીએ ?’  સોનામાં જાણે સુગંધ ભળી ! નરેન્દ્રભાઈ અને આગેવાનો સાથે મળી નક્કી કર્યું કે હવે પછી આપણા ગામમાં કોઈએ ભૂખ્યા સુવું નહિ પડે એ જોવાની આપણા સહુની સહિયારી જવાબદારી છે. આ જ વિચારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.

        આ રામરોટી ટીફીન સેવા શરુ થતા અત્યંત દયનીય હાલતમાં જીવન ગુજારતાં ૨૪ જેટલા પરિવાર માટે જાણે સોનાનો સુરજ ઉગ્યો ! નિયમિત અગિયારના ટકોરે સ્વાદિષ્ટ ભોજન ભરેલું ટીફીન તેમના આગણે આવી જાય છે. ગામના સેવાભાવી  ભાઈઓ-બહેનોએ રામરોટી ટીફીન સેવાનું  કામ પોતાના ખભે ઉપાડી લીધું. કોઈ આર્થીક મદદ કરે છે, તો કોઈ શ્રમદાન કરી આ સેવા યજ્ઞમાં આહુતી આપે છે. કોઈના ઘરે શુભ-અશુભ પ્રસંગ હોય તો એ પણ સામે ચાલીને કહી જાય છે કે રામરોટીની ટીફીન સેવા મારા તરફથીગામના લોકો પરિવારમાં કોઈનો બર્થડે હોય તો કેક કાપવાનું છોડી  ટીફીન સેવા આપીને આત્મસંતોષ અનુભવે છે.      

        ‘સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ’ને હજુ એક મહિનો પૂરો થયો છે પરતું આ મહિના દરમિયાન થયેલા હૃદયસ્પર્શી અનુભવો વર્ણવતાં  નરેન્દ્રભાઈ પટેલ જણાવે કે અમીરની વ્યાખ્યા દરેક વ્યક્તિને અલગ અલગ હોય છે કોઈ ધન દોલત કે મિલકતથી અમીર હોય પણ મિત્રોથી અમીર હું છું એ મને ઢળતી ઉંમરે ખબર પડી અને તેનું મને ગૌરવ છે.

        નાનપણમાં ગરીબીનો અહેસાસ થયો. હાથમાં રોટલાનો ટુકડો હોય  અને દાંત વચ્ચેનું અંતર સાવ ઢુકડુ છે, પરંતુ હાથમાં રોટલો મેળવવો અઘરો છે. જેને ખાવા નહીં મળતું હોય તેની શું હાલત હશે?  મનોમંથન કરવા છતાં કાયમી ઉકેલ મળતો ન હતો. આખરે બે મહિના પહેલા મનોમન નિર્ધાર કરી લીધો કે  પુંસરી ગામનો કોઈ માણસ ભૂખ્યો સુવો જોઈએ નહિ.  પરંતુ કરવું શુ ગામના સમાન વિચાર ધરાવતા મિત્રોને વાત મૂકતા તેમને અન્નક્ષેત્ર શરૂ કરવા માટે તૈયારી સાથે જુસ્સો વ્યક્ત પણ કર્યો પણ મનમાં ડર એ હતો કે  આરંભે શૂરા બનીશું તો ગરીબોના નિસાશા  જરૂર પડશે. સમાજમાં  મજાકને પાત્ર બનીશું એ  નફામાં !  પરંતુ જે થવું હોય તે થાય. ‘ઇસ પાર યા  ઉસ પાર’ અને  કેસરિયા કર્યા.

         જેમના પર અતૂટ શ્રદ્ધા ઊભી થઈ છે તે પૂજ્ય ગોપાલદાસ બાપુના ચરણોમાં વંદન કરીને સાંસદ દીપસિંહની ઉપસ્થિતિમાં 16 ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ ‘રામરોટી’નો  પ્રારંભ કર્યો. પ્રારંભના દિવસે ભારે વરસાદ અને મારા ઉચ્ચાટ વચ્ચે રામરોટી  પ્રારંભ કર્યો હતો. એક મહિનો થવા આવ્યો મનોબળ એવી રીતે મક્કમ બનાવ્યું હતું કે  જરૂર પડે જમીન વેચીને પણ રામરોટી ચલાવીશ. શરૂઅતમાં  પૈસા કરતાં પ્રેરણાની અને  શ્રમદાનની જરૂર હતી અને તે મળી.  ટ્રસ્ટી મંડળ તો રજીસ્ટર થયું અને રામરોટી દ્વારા  ખરા અર્થમાં જરૂરિયાત વાળા ૨૫ જેટલા લોકોની પેટનો ખાડો પુરવા માટે ટ્રસ્ટ  નિમિત બન્યું છે.

   રામરોટી ભોજન જો હું પોતે જામી શકું એવું સ્વાદિષ્ટ ન હોય તો  લોકોને કેવી રીતે ભાવે? પરાણે ગળે ઉતારવાનું શું મતલબ? એટલે નિયમિત ટીફીન ભરતા પહેલાં ભોજનની ગુણવત્તા ચકાસવામાં આવે છે. અહી સેવા આપતી  બે બહેનો કે જેમને પગારની જરૂર કરતા તેમનો સેવા સંકલ્પ છે. તેમના કાર્યમાં સેવાનો ભાવ ભળતાં ભોજન પ્રસાદ જેવું સ્વાદિષ્ટ બને છે.  

         ‘રામરોટી સેવા યજ્ઞના’ કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં  વાયરલ થતા 25 વર્ષ જુના મિત્ર નો ફોન આવ્યો. એક સમયે આ  મિત્ર ખુબ  આર્થિક તંગી અનુભવતો.    200 કે 500 રૂપિયા ઉછીનાની આપ-લે કરતો હતો. દિવસો પલટાતા તેનું આજે વાર્ષિક ટુર્ન ઓવર 70 કરોડ ઉપર થાય છે, મહિનામાં પંદર દિવસ ધંધાર્થે ફોરેન ટૂરમાં હોય છે.  આ મિત્રએ ફોન કરી પૂછ્યું  ‘મારે રામરોટી માટે શું મદદ કરવાની છે બોલો?  અચાનક આવેલો આ ફોન મારા માટે કોઈ ચમત્કારથી કમ ન હતો. મેં કહ્યું : ‘મારી બહેનો રસોડામાં  રોટલી વણે છે. રોટી મેકર મશીન જોઈએ છે.’  નામ જાહેર ન કરવાની શરતે એ મિત્રએ બે લાખ રૂપિયા રામરોટી ટ્રસ્ટના બેંક ખાતામાં  ટ્રાન્સફર કર્યા. આ મિત્રની દાતારીને મનોમન વંદી રહ્યો.      

     એક  મહિના દરમિયાન અનેક મિત્રોએ ૨૧૦૦૦,૧૧૦૦૦,૫૦૦૦ કે ૧૧૦૦  રામરોટીમાં આપ્યા છે. એક મિત્ર આખું વર્ષ ગેસ મફત આપે છે. બીજો મિત્ર 30 મણ ચોખા આપે, જ્યારે પણ જેટલી જોઈએ એટલી શાકભાજી આપવાનો બીજો મિત્ર સધિયારો આપ્યો. સાંસદ શ્રી રીક્ષા માટે મદદ કરી હોસલો બુલંદ બન્યો.

       એક મહિનામાં ૩૦ દિવસના 720 ટિફિન મોકલાયા 82 ગામમાં શુભ અશુભ પ્રસંગે ટિફિન મળ્યા 10 તિથિ ભોજન મળ્યા જ્યારે 85 ઉપર લોકોએ શ્રમદાનથી યોગદાન આપ્યું છે. જ્યારે સતત ચિંતા કરતા સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના 13 ટ્રસ્ટીઓને પણ સલામ !નરેન્દ્રભાઈ પટેલ અહી વાત પૂરી કરે છે ત્યારે એમની આંખોના ખૂણા આંસુથી ભીંજાયેલા જોવા મળે છે.  

         ‘સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ’ના નેજા હેઠળ સાર્વજનિક હોસ્પિટલ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૨૪૮ જેટલા જરૂરીયાતમંદ દર્દીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું. અને ૧૬ જેટલા દર્દીઓનું વિનામૂલ્યે  મોતિયાનું ઓપરેશન કરી નવી દૃષ્ટિ આપવામાં આ ટ્રસ્ટ નિમિત્ત બન્યું. છે.

         એક  સર્વે અનુસાર વિશ્વમાં કરોડો લોકોને એક ટંકનું ભોજન નસીબ નથી થતું. પરતું જો ગામેગામને એક નરેન્દ્રભાઈ પટેલ અને પુંસરી ગામના આગેવાનો જેવા રાહબર મળી જાય તો કોઈ જરૂરીયાતમંદને ભુખ્યા સુવું પડે નહિ. પુંસરી ગામે સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. પુંસરી એ માત્ર મોડેલ વિલેજ જ નહિ પરંતુ એક માનવીય વિલેજ પણ છે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620 

Sunday, September 11, 2022

સન્ડે સ્પેશિયલ - 34

 દેવેન્દ્ર પટેલ કહે છે. : 

 "પાકિસ્તાનના રણઝાંખરાંવીંછી અને રણમાં ઊડતી આંધીનાં દશ્યો હું હજુ ભૂલી શકતો નથી."          


             આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ એટલે પત્રકારિતા ક્ષેત્રનું એક ઝળહળતું નામ !

           પત્રકારત્વ ક્ષેત્રમાં તેઓનું યોગદાન અભૂતપૂર્વ છે. ચીલાચાલુ પત્રકારત્વના બદલે જરા હટકે નવો જ ચીલો ચાતર્યો છે. સાડા પાંચ દાયકાની પત્રકારાત્વની અવિરત યાત્રામાં તેઓએ જાનની બાજી લગાવી, અનેક જોખમો ખેડી પત્રકારત્વને નવી ઊંચાઈ બક્ષી છે. દિલધડક અનેક પ્રસંગો તેઓના મુખે સાંભળવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે.  પાકિસ્તાનની ભીતર જઈને જોખમ ભર્યું રીપોર્ટીંગ કર્યાનો અનુભવ દેવેન્દ્રભાઈએ આંતરક્ષિતિજ’ પુસ્તકમાં પણ  આલેખ્યો છે. ભલભલાનાં  રૂંવાડાં ઊભાં કરી નાખતો આ પ્રસંગ શબ્દશઃ અહીં પ્રસ્તુત છે. 

                 દેવેન્દ્રભાઈ પટેલ  લખે છે. :   

            એક બપોરે ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંસભાઈનો ફોન આવ્યો. ‘તમારે સરહદ પર જવાનું છે. પાકિસ્તાનની અંદર જઈને સ્ટોરી બનાવવાની છે. ' હું રોમાંચિત થઈ ગયો. પાકિસ્તાને ભારત પર નાપાક હુમલો કર્યો હતો તે પછી ભારતે પાકિસ્તાની સેંકડો ચોરસ કિલોમીટર જમીન જીતી લીધી હતી.

         એ વખતે ભારતના વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતાં. પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો હતા. પાકિસ્તાને પરાજય સ્વીકારી લીધો હતો. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સિમલા કરાર કરવા સિમલા આવ્યા હતા અને ઇન્દિરા ગાંધીએ ઉદારતા દાખવી પાકિસ્તાનનો કબજે કરેલો પ્રદેશ પાછો આપવા નિર્ણય કર્યો હતો. એ સમયગાળા દરમિયાન જનસંઘ પાકિસ્તાનની ભારતે કબજે કરેલી ભૂમિ પાછી આપવા સામે રાજસ્થાનમાં બારમેર ખાતે આંદોલન કરી રહ્યું હતું.

          હું અને ગુજરાત સમાચારના એ વખતના તસવીરકાર સનત ઝવેરી તથા તેમના સહાયક કલ્પેશ દૂધિયા જી. એ. માસ્ટ૨ની એમ્બેસેડર કાર લઈ રાજસ્થાન રવાના થયા. એ વખતે મારી વય માંડ ૨૬ વર્ષની હતી. કાળઝાળ ગરમીમાં મારતી મોટરે અમે જોધપુર પહોચ્યા. જોધપુરમાં આર્મીના વેસ્ટર્ન કમાન્ડનું હેડક્વાર્ટર હતું. અમે સરહદ પાર કરી ભારતે કબજો કરેલા પાકિસ્તાનમાં જવા પરવાનગી માંગી. લશ્કરી અધિકારીઓએ એવી પરવાનગી આપવા ઇન્કાર કર્યો . જરા પણ નિરાશ થયા વગર અને જોધપુરથી રણની ભીતરથી પસાર થતા સીંગલ ટ્રેકના રસ્તે બારમેર પહોંચ્યા. રણની વિષમતાનો ખ્યાલ આવ્યો. રણના ઝેરી વીંછી અને રણના સાપથી પરિચિત થયા. એ વખતે ગાડીઓ એરકંડિશન્ડ નહોતી. બહાર તો ઘણી ગરમી હતી. રાત્રે બારમેર પહોંચ્યા. ત્યાંથી પાકિસ્તાન સરહદ ઘણી દૂર હતી. બારમેર પછી મુનાવાવ સુધી પહોંચવાનું હતું.


              બીજા દિવસે અમે સરહદ નજીકના ગડરારોડ  નામના એક ગામ સુધી પહોંચી ગયા. અહીંથી પાકિસ્તાન સરહદ સાવ નજીક હતું. કારને દૂર મૂકી દીધી. હવે અમારે રણમાં ચાલવાનું હતું. માઈલો સુધી ચાલતાં ચાલતાં પાકિસ્તાનની સરહદ આવી પહોંચી. રણના એક ટેકરા પર ‘યે પાકિસ્તાન કી સીમા હૈ' એવું ઊખડી ગયેલા રંગવાળું સાદું બોર્ડ એક લાકડી પર મૂકવામાં આવ્યું હતું. અમે તેમાંથી પાકિસ્તાનના રણમાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો પરંતુ સહેજ આગળ જતાં જ ભારતીય લશ્કરે અમને રોક્યા અને પાછા ધકેલી દીધા.

        નિરાશ થઈ અમે પાછા એ ગામમાં આવ્યા. રાત્રે યોજના વિચારી કાઢી. જનસંઘ પાર્ટીની એક ઑફિસ એ ગામની એક દુકાનમાં ચાલતી હતી. જનસંઘના કાર્યકરને આંદોલન કરવા પાકિસ્તાનની ભૂમિમાં પ્રવેશવા દેવામાં આવતા હતા. અમે જનસંઘના નકલી કાર્યકર બની પાકિસ્તાનની ભૂમિમાં પ્રવેશ કરવા નિર્ણય કર્યો. સવારે બજારમાંથી ઝભ્ભા લેંઘા ખરીદી આવ્યા. ઝભ્ભો લેંઘો પહેરી હું, સનત ઝવેરી અને કલ્પેશ દૂધિયા જનસંઘની કચેરીએ પહોંચ્યા. જનસંઘના સ્થાનિક નેતાને અમે કહ્યું : ‘હમ ગુજરાત સે આયે હૈં. જનસંઘ કે કાર્યકર હૈ. હમે ભી ઈસ આંદોલન મેં સામેલ હોના હૈ.'  

       બારમેર જિલ્લાના જનસંઘના આગેવાનોએ જનસંઘ તરફથી ગુજરાતમાંથી આવેલી ટુકડી સમજીને અમને તેમની સાથે સામેલ કરી દીધા. અમે બધા ‘ભારત માતા કી જય... પાકિસ્તાન કો જમીન વાપસ મત કરો'ના નારા પોકારતા કૂચ કરવા લાગ્યા. આશરે દસેક જણ પાકિસ્તાનની ભૂમિ પર કૂચ કરી ગયા. ભારતીય લશ્કરે અમને પણ જનસંઘના કાર્યકરો સમજી રોક્યા નહીં. અમે ચાલતા જ રહ્યા. બસ ચાલતા જ રહ્યા. ભયંકર ગરમી અને રણમાં કોઈ જ રસ્તો નહીં, બસ રેતી પર ચાલવાનું, કેટલીયે લાંબી દડમજલ બાદ એક ગામ આવ્યું. મેં સનત ઝવેરીને ઈશારો કર્યો. તેમણે તેમના કૅમેરાથી તસવીરો લેવા માંડી. પાકિસ્તાનની ભૂમિની, પાકિસ્તાનનાં ગામડાંની અને પાકિસ્તાનના લોકોની તસવીરો લીધી. મેં હાલતનું પાકિસ્તાનનાં ગામડાંઓની ભીતરી વાતો એકત્ર કરી. તેમની ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. પાકિસ્તાનના રણના ફોટા પાડ્યા. પાકિસ્તાનના લોકોની ભાષા અને તેમના વિચારો પણ જાણી લીધા. અમને કેટલીક અપ્રાપ્ય તસવીરો મળી . મેં સનત ઝવેરીને કહ્યું : ‘ તમે જે ફોટા પાડ્યા છે તે રોલ કાઢીને મને આપી દો.’

       સનત ઝવેરીએ મને પૂછ્યું : ‘ કેમ ? '

        મેં કહ્યું : ‘ પછી કારણ કહીશ.'

        સનત ઝવેરીએ એક્સપોઝ કરેલો રોલ કાઢી મને આપી દીધો. મેં કહ્યું: ‘ હવે બીજો રોલ ચડાવી દો.' સનત ઝવેરીએ બીજો નવો રોલ કૅમેરામાં ચડાવી દીધો.

        અગાઉનો રોલ મેં મારા ખિસ્સામાં મૂકી દીધો તેની થોડીક વારમાં ભારતીય લશ્કરની એક ટ્રક આવી. તેમાંથી કેટલાક અધિકારીઓ અને જવાનો ઊતર્યા. તેમણે અમારા બધાની ધરપકડ કરી. એક ઉચ્ચ અધિકારીએ સનત ઝવેરી પાસે જઈ કહ્યું, ‘ ભાઈ, તમારા કૅમેરાનો રોલ મને આપી દો. આ સંવેદનશીલ એરિયા છે. અહીં તસવીરો પાડવાની મનાઈ છે.’ સનત ઝવેરીએ તેમના કૅમેરામાંથી રોલ  કાઢીને તે લશ્કરી અધિકારીને સુપ્રત કર્યો. ભારતીય લશ્કરે અમારી ધરપકડ કરી. અમને બધાને લશ્કરની ટ્રકમાં બેસાડી પછી પાછા ભારતીય સરહદમાં ઉતારી દીધા. એ વખતે લશ્કરી અધિકારીએ અમને ઠપકો આપતાં કહ્યું : ‘અમને ખબર છે કે તમે મીડિયાના માણસ છો, પરંતુ તમારે આવું જોખમ લેવું જોઈએ નહીં. તમને ખબર છે કે પાકિસ્તાનના રણમાં અને ઠેરઠેર સુરંગો બિછાવેલી છે ? તમારો પગ એની પર પડી ગયો હોત તો ? ’

        થોડી વાર માટે અમને લખલખું આવી ગયું. પરંતુ હવે અમે આ હતા. ખુશ હતા. મારી પાસે પાકિસ્તાનનાં ભીતરી ગામડાંઓની સ્ટોરી હતી અને ખિસ્સામાં પાકિસ્તાનની ભીતરની તસવીરોવાળો રોલ હતો. સન ઝવેરી મારી યુક્તિથી ખુશ થઈ ગયા. ગામના એક નાઈની પર બેસી મેં એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરી દીધો. અહેવાલ દુકાનના પાકિસ્તાનની તસવીરોવાળો રોલ લઈ કલ્પેશ દૂધિયાને જોધપુર રવાના ઓટલા અમે કર્યા. . જોધપુરથી વિમાન માર્ગે અહેવાલ અને રોલ અમદાવાદ રવાના કર્યો. બીજા દિવસે આખું પાનું ભરીને પાકિસ્તાનની ભીતરનો અહેવાલ અને તસવીરો ‘ગુજરાત સમાચાર'માં છપાયાં : ગુજરાતી અખબારોમાં આ કક્ષાનું સરહદ પારનું રિપોર્ટિંગ પહેલી જ વાર થયું હતું.

        દેશના એક પણ અખબારમાં પાકિસ્તાનની ભીતર પ્રવેશી આ પ્રકારનો અહેવાલ કે તસવીરો છપાયાં નહોતાં. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની અમદાવાદ આવૃત્તિના એ વખતના ચીફ રિપોર્ટર વિક્રમ રાવે મને અભિનંદન આપતાં કહ્યું, ‘દેવેન્દ્ર , ભારત કા ધ્વજ સિર્ફ આપને લહરાકે રખ્ખા હૈ.'

      પાકિસ્તાનમાં ગેરકાયદે ઘૂસી જઈ અંદરની સંવેદનશીલ તસવીરો અને અહેવાલ પ્રગટ કરવા સાથે પ્રતિસ્પર્ધી મીડિયા જગતે કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો સમક્ષ જઈ અમારી સામે પગલાં લેવા માંગણી કરી પરંતુ કેન્દ્ર સરકારે અમારા સામે કોઈ પણ પગલાં લેવા ઇન્કાર કરી દીધો. બસ, એ દિવસથી મેં ચીલાચાલુ રિપોર્ટિંગ કરવાના બદલે સંશોધનાત્મક પત્રકારત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં ચાર દીવાલોની વચ્ચે બેસી રહીને લખવાના બદલે ફિલ્ડમાં જઈ માહિતી એકત્ર કરવાનું નક્કી કર્યું. પાકિસ્તાનની ઘટનાએ મારામાં સાહસવૃત્તિ વધારી. જોખમો લેવામાં મને હવે રસ પડવા લાગ્યો. આજે એ ઘટનાને વર્ષો થયાં પરંતુ પાકિસ્તાનના રણ, ઝાંખરાં, વીંછી અને રણમાં ઊડતી આંધીનાં દશ્યો હું હજુ ભૂલી શકતો નથી. પાકિસ્તાનના એ રણમાં ઠેર ઠેર મેં ઝેરી વીંછી નિહાળ્યા હતા.

       આંતરક્ષિતિજ’ પુસ્તકનું દિલધડક પ્રકરણ પૂરું થાય છે. આવા અનેક રોમાંચક  અનુભવો  દેવેન્દ્રભાઈ પટેલે આ પુસ્તકમાં આલેખ્યા છે. પત્રકારત્વમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો અને જિજ્ઞાસુઓ માટે ‘આંતરક્ષિતિજ’ દીવાદાંડી રૂપ બની રહેશે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

STUDY ROOM ને આપના સહકારની આવશ્યકતા છે. વધુ જાણવા અહી ક્લિક કરો.

Sunday, September 4, 2022

સન્ડે સ્પેશિયલ - 33

રાષ્ટ્રીય  શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત સમર્પિત શિક્ષક 

કાળીદાસ ધર્માભાઈ પટેલ.

         આવતી કાલે 5 મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન ! ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી દેશના રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદે પહોંચ્યા. એ નાનીસુની વાત તો ન જ કહેવાય. ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ પોતાની જન્મતિથિને શિક્ષકદિન તરીકે ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી સમસ્ત શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યું છે. શિક્ષક ધારે તો કેવા ચમત્કારો સર્જી શકે એનાં અનેક દૃષ્ટાંતો આપણી આસપાસ મોજુદ છે. આજે વાત કરવી છે એવા જ એક કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષકની ! જેઓએ વિદ્યાર્થી, શાળા અને સમાજ માટે પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરી દીધું. દાયકાઓ બાદ આજે પણ તેઓના કાર્યોની સુવાસ સમાજમાં પ્રસરેલી અનુભવી શકાય છે.

STUDY ROOM ને આપના સહકારની આવશ્યકતા છે. વધુ જાણવા અહી ક્લિક કરો.

              તેઓનું નામ છે કાળીદાસ ધર્માભાઈ પટેલ.

                 અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું ડેમાઈ ગામ તેમનું વતન. ધર્માભાઈ નાથાભાઈ પટેલ ખેડૂત પરિવારમાં સાત ભાઈ-બહેનો પૈકીના ચોથા સંતાન તરીકે 7 મી ડિસેમ્બર 1927ના રોજ કાળીદાસભાઈનો જન્મ થયો હતો. ભારત દેશ આઝાદ થયાના બે દાયકા પહેલાંનો આ સમય અનેક પડકારો અને મુશ્કેલીઓથી ભરેલો હતો. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. ઘરની પરિસ્થિતિ પણ અત્યંત સાધારણ ! પરંતુ જીવનમાં કાંઈક નોખું કરવાની તમન્ના દિલમાં સતત રમ્યા કરતી. પાટી-પેન પકડવાની ઉંમરે ખેત-ઓઝારો હાથમાં લેવાં પડ્યાં. નાની ઉંમરે ખેત-ઓઝારો હાથમાં ભલે આવી ગયાં હોય, પરંતુ પાટી-પેન હાથમાંથી છોડયાં નહીં. ખેતીકામની સાથે સાથે ભણતર અને ગણતર પણ થતું રહ્યું. ઘરની પરિસ્થિતિ પણ વિષમ હતી. બાર સાંધે ત્યાં તેર તૂટે ! આવી સ્થિતિ પણ અડગ રહી આગળ વધતા રહ્યા.

               કાળીદાસ ભણવામાં  તેજસ્વી વિદ્યાર્થી ! એ જમાનામાં પ્રાથમિક સર્ટિફિકેટ સુધીનો અભ્યાસ કર્યો હોય એટલે  શિક્ષક તરીકેની નિયુક્તિ મળી જતી. કાળીદાસભાઈએ  પણ સર્ટિફિકેટ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને હોંસોલ ગામે શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. નોકરી દરમિયાન જ શિક્ષક માટેની ટ્રેઇનિંગ લેવી પડતી. એટલે કાળીદાસે કડીયાદરામાં ટ્રેઈનિંગ લીધી. આ ટ્રેઈનિંગ દરમિયાન અહીં પણ "શ્રેષ્ઠ વિદ્યાર્થી" તરીકેનું પારિતોષિક પ્રાપ્ત કર્યું. કામ કરવાની ચીવટ અને ધગશને કારણે તેઓ બીજાઓ કરતાં અલગ તરી આવતા.
             
કડીયાદરા ખાતે શિક્ષકની તાલીમ પામ્યા બાદ બાયડ તાલુકાના બોરલ ગામે પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો. નિષ્ઠા, કાર્યદક્ષતા અને પ્રામાણિકતાના ગુણ માતાપિતા તરફથી વારસામાં મળ્યા હતા. એટલે શિક્ષક તરીકે જોડાયા પછી વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ક્યારેય પાછું વળીને જોયું નથી.

               ગૌવર્ણો સૌમ્ય ચહેરો, મક્કમ ચાલ. સફેદ ધોતી, ઝભ્ભો, સદરી અને માથે ટોપીના પોશાકમાં એક ઓજસવાન શિક્ષક તરીકેનું મઘમઘતું વ્યક્તિત્વ એટલે કાળીદાસ ! વિદ્યાર્થી, શાળા અને સમાજના ઉત્કર્ષમાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. બોરલ શાળામાં કાળીદાસ ભાઈએ જાણે શિક્ષણની ધૂણી ધખાવી. એ જમાનામાં શાળમાં સુવિધાના નામે કાંઈ ન મળે. પણ અભાવોની વચ્ચે હારી થાકી પલોઠી વાળી બેસી જાય તો કાળીદાસ શાના ! શાળામાં વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડા પૂરતા ન હતા. વિદ્યાર્થીઓ આમ અગવડ વેઠી બેસે એ એક કર્મઠ શિક્ષકથી જોયું પણ કેમ જાય ! એ જમાનામાં શાળા માટે  દાન મેળવવું એટલું સરળ કામ ન હતું. કાળીદાસભાઈએ  મનોમંથન કર્યું. અને આખરે એક નાટકની ટીમ તૈયાર કરી. મનોરંજનની સાથે સાથે લોકજાગૃતિનું અભિયાન ઉપાડ્યું. આ નાટક પ્રવૃત્તિ દ્વારા આવક ઉભી કરી. અને ભેગી થયેલી રકમ દ્વારા બે વર્ગખંડનું નિર્માણ કરવમાં આવ્યું. શાળાનું રમતનું મેદાન હતું નહીં. એટલે ગ્રામપંચાયતને વિશ્વાસમાં લઈ શાળા પાસેની જમીન દાનમાં મેળવી. આવી કુનેહ દાખવી એ જમાનામાં શાળાને ભૌતિક વિકાસથી સમૃદ્ધ બનાવી હતી.

            
વિદ્યાર્થીઓ અને સમાજનું હિત તેમના હૈયે વસેલું હતું. ગામમાં નિરક્ષરતાનું પ્રમાણ પણ ઝાઝું હતું. અને નિરક્ષરતાનું આ કલંક કાળીદાસને અંદરથી કોરી ખાતું હતું. એટલે એમને આ કલંકને નાબૂદ કરવા રાત્રી વર્ગો શરૂ કર્યા. દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને પાકા કરવાના અને રાત પડે એટલે ગામના નિરક્ષર વડીલો ભાઈઓ અને બહેનોના વર્ગો ચલાવે સાથે અભ્યસમાં નબળા હોય એવા વિદ્યાર્થીઓને પણ બોલાવે. મોડી રાત સુધી વર્ગો ચાલે. પરિણામ રૂપે ગામના મોટા ભાગના નાગરિકો વાચતા-લખતા થયેલા. કર્મયોગી કાળીદાસભાઈની બદલી બોરલથીં ડેમાઈ ગામે થઈ ત્યારે બોરલના સૌ ગ્રામજનોની આંખો આંસુ ભીની હતી. કાળીદાસભાઈ શિક્ષક તરીકે જે પણ શાળામાં ગયા ત્યાં તેમના કાર્યની મહેંક પ્રસરાવતા જ ગયા.

          ડેમાઈ અને માધવ કંપાની શાળામાં પણ તેમને શિક્ષક તરીકે ફરજ બજાવી. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં કાળીદાસભાઈના વિદ્યાર્થીઓ મેદાન મારી જતા. તેઓના હાથ નીચે ઘડતર પામેલા અનેક વિદ્યાર્થીઓએ જીવનના અનેક ક્ષેત્રોમાં સફળતાનાં શિખરો સર કર્યા છે. તેમના હાથ નીચે ઘડતર પામેલા વિદ્યાર્થીઓ આજે પણ કાળીદાસભાઈને અહોભાવથી યાદ કરે છે. 

            શિક્ષણમાં ઓતપ્રોત રહીને તાલુકા અને જિલ્લાના શિક્ષકોને સતાવતી  સમસ્યાઓના સમાધાનની પણ તેઓ કડી બનતા. એ સમયમાં શિક્ષકોનું વેતન પણ સાધારણ કહી શકાય એવું હતું.  એટલે શિક્ષક પરિવારમાં કોઈ આકસ્મિક ખર્ચો આવી પડે તો કોઈ શાહુકારના વ્યાજના ચક્કરમાં શિક્ષકને સપડાવું ન પડે એ હેતુથી બહેચરભાઈ જેશીંગભાઈ પટેલ,મૂળજીભાઈ પટેલ, અમૃતલાલ મહેતા, ભાનુશંકર ભટ્ટ, શંકરલાલ પટેલ, બહેચરભાઇ ગો. પટેલ, લાલાભાઈ ગો. પટેલ, રમણલાલ શા. પટેલ, રતિલાલ મં. પંડ્યા, શંકરલાલ સોલંકી,પરશોત્તમ ભાઈ વાળંદ, રેવાભાઈ ગો. પટેલ, ઉસ્માંનાબેગ મિરજા, ગોપાલદાસ મહેતા, કાળીદાસભાઈ  પટેલ જેવા કર્મનિષ્ઠ  શિક્ષક આગેવાનો સાથે મળી શિક્ષક મંડળીની સ્થાપના કરી. આ મંડળીમાં કાળીદાસભાઈએ 1975 થી 2001 સુધી મંત્રી તરીકે સેવાઓ આપી પારદર્શક વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું. આજે તો મંડળી વિશાળ વટવૃક્ષ બની ફૂલીફાલી છે. અને શિક્ષકને ગણતરીની મિનિટોમાં લાખો રૂપિયાનું ધિરાણ આપે છે. આવી સમૃદ્ધ મંડળીના પાયામાં કાળીદાસભાઈ અને તેમના જેવા બીજા કર્મનીંષ્ઠ શિક્ષકો રહેલા છે જેઓનું ઋણ કદી ભૂલવું જોઈએ નહીં.

(રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘજીના હસ્તે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક સ્વીકારતા કાળીદાસ પટેલ.)

           કાળીદાસભાઈની શિક્ષક તરીકેની કામગીરી બિરદાવતાં રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિકથી સન્માનિત કર્યા. અને આગળ જતાં જેમના શિક્ષણ સેવા કર્યોની સુવાસ રાજ્યની સીમાઓ ઓળંગી સમગ્ર રાષ્ટ્રભરમાં વિસ્તરી. કાળીદાસભાઈએ નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીની કદર રૂપે ભારત સરકારે 5 મી સપ્ટેમ્બર 1986ના રોજ  ભારતના તાત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની  ઝૈલસિંઘજીએ રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક અર્પણ કરી તેમનું બહુમાન કર્યું. બૃહદ સાબરકાંઠા અને સમસ્ત રાજ્ય માટે આ ગૌરવભર સમાન ઘટના હતી.


           1985ની આસપાસ બાયડ તાલુકાના કેળવણી નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને સાબરકાંઠાના નાયબ ડીપીઈઓ પદ પરથી નિવૃત્ત થયેલા  ડૉ. ચંદ્રકાંતભાઈ વ્યાસ  સાહેબ કાળીદાસ પટેલ સાથેનાં સંસ્મરણો યાદ કરતાં કહે છે કે "કાળીદાસ ભાઈ ખરા અર્થમાં નખશીખ શિક્ષક હતા. એમની કાર્યનિષ્ઠા અને પ્રમણિકતાના ગુણો હું આજે પણ ભૂલી શકતો નથી. એક આદર્શ શિક્ષક કેવો હોય એવી જ્યારે પણ ચર્ચા નીકળે છે ત્યારે કાળીદાસની છબી આંખો સામે ઉભરી આવે છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક એમને પ્રાપ્ત થયું એ ખરા અર્થમાં તો પારિતોષિકનું સાચું સન્માન થયું છે એમ હું માનું છું."

          પુરા ચાર દાયકા શિક્ષક તરીકે ફરજ બજાવી  તેઓ સેવા નિવૃત થયા. પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે શિક્ષણ પ્રવૃત્તિમાં આજીવન પ્રવૃત રહ્યા. આશ્ચર્યની વાત એ છે કે  25 એપ્રિલ 2001 સુધી તેઓ ટીચર્સ મંડળીના મંત્રી તરીકે માનદ સેવાઓ આપી અને   26 એપ્રિલ 2001 નારોજ 75 વર્ષની વયે  કાળીદાસભાઈએ અંતિમ શ્વાસ લીધા.  

         કાળીદાસભાઈના સાત સંતાનો પૈકી એક પુત્ર મહેશભાઈ પટેલ હકારાત્મકતાથી  ભર્યું ભર્યું  ઉર્ભજાવાન વ્યક્તિત્વ ધરાવે   છે. તેઓ  સતત બે ટર્મ સરપંચ તરીકે ચૂંટાઈને સુપેરે જવાબદારી સંભાળી અને ડેમાઈ ગામની કાયાપલટ કરી હતી. અને તેઓ એક ઉત્કૃષ્ઠ પત્રકાર પણ છે. જ્યારે કાળીદાસભાઈના બીજા પુત્ર મનહરભાઈ નિવૃત્ત જીવન ગાળે છે. અને તેમનો  પૌત્ર સતીશભાઈ પટેલ  પ્રાથમિક શિક્ષક છે.  તેઓ  સતત ત્રણ ટર્મથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સેવાઓ આપે છે. જેઓ  શિક્ષણ અને શિક્ષકોના હિત માટે સદાય તત્પર રહે છે

    વિદ્યાર્થી, શાળા, શિક્ષક અને સમાજની સેવામાં જાત સમર્પિત કરી દેનાર કાળીદાસભાઈનું જીવન દીવાદાંડી બની અનેક શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહેશે.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

(આપના પ્રતિભાવ વોટ્સએપ પર અથવા કોમેંટ્સ દ્વારા જણાવી શકો છો.)

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts