Sunday, September 4, 2022

સન્ડે સ્પેશિયલ - 33

રાષ્ટ્રીય  શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત સમર્પિત શિક્ષક 

કાળીદાસ ધર્માભાઈ પટેલ.

         આવતી કાલે 5 મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન ! ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી દેશના રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદે પહોંચ્યા. એ નાનીસુની વાત તો ન જ કહેવાય. ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ પોતાની જન્મતિથિને શિક્ષકદિન તરીકે ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી સમસ્ત શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યું છે. શિક્ષક ધારે તો કેવા ચમત્કારો સર્જી શકે એનાં અનેક દૃષ્ટાંતો આપણી આસપાસ મોજુદ છે. આજે વાત કરવી છે એવા જ એક કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષકની ! જેઓએ વિદ્યાર્થી, શાળા અને સમાજ માટે પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરી દીધું. દાયકાઓ બાદ આજે પણ તેઓના કાર્યોની સુવાસ સમાજમાં પ્રસરેલી અનુભવી શકાય છે.

STUDY ROOM ને આપના સહકારની આવશ્યકતા છે. વધુ જાણવા અહી ક્લિક કરો.

              તેઓનું નામ છે કાળીદાસ ધર્માભાઈ પટેલ.

                 અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું ડેમાઈ ગામ તેમનું વતન. ધર્માભાઈ નાથાભાઈ પટેલ ખેડૂત પરિવારમાં સાત ભાઈ-બહેનો પૈકીના ચોથા સંતાન તરીકે 7 મી ડિસેમ્બર 1927ના રોજ કાળીદાસભાઈનો જન્મ થયો હતો. ભારત દેશ આઝાદ થયાના બે દાયકા પહેલાંનો આ સમય અનેક પડકારો અને મુશ્કેલીઓથી ભરેલો હતો. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. ઘરની પરિસ્થિતિ પણ અત્યંત સાધારણ ! પરંતુ જીવનમાં કાંઈક નોખું કરવાની તમન્ના દિલમાં સતત રમ્યા કરતી. પાટી-પેન પકડવાની ઉંમરે ખેત-ઓઝારો હાથમાં લેવાં પડ્યાં. નાની ઉંમરે ખેત-ઓઝારો હાથમાં ભલે આવી ગયાં હોય, પરંતુ પાટી-પેન હાથમાંથી છોડયાં નહીં. ખેતીકામની સાથે સાથે ભણતર અને ગણતર પણ થતું રહ્યું. ઘરની પરિસ્થિતિ પણ વિષમ હતી. બાર સાંધે ત્યાં તેર તૂટે ! આવી સ્થિતિ પણ અડગ રહી આગળ વધતા રહ્યા.

               કાળીદાસ ભણવામાં  તેજસ્વી વિદ્યાર્થી ! એ જમાનામાં પ્રાથમિક સર્ટિફિકેટ સુધીનો અભ્યાસ કર્યો હોય એટલે  શિક્ષક તરીકેની નિયુક્તિ મળી જતી. કાળીદાસભાઈએ  પણ સર્ટિફિકેટ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને હોંસોલ ગામે શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. નોકરી દરમિયાન જ શિક્ષક માટેની ટ્રેઇનિંગ લેવી પડતી. એટલે કાળીદાસે કડીયાદરામાં ટ્રેઈનિંગ લીધી. આ ટ્રેઈનિંગ દરમિયાન અહીં પણ "શ્રેષ્ઠ વિદ્યાર્થી" તરીકેનું પારિતોષિક પ્રાપ્ત કર્યું. કામ કરવાની ચીવટ અને ધગશને કારણે તેઓ બીજાઓ કરતાં અલગ તરી આવતા.
             
કડીયાદરા ખાતે શિક્ષકની તાલીમ પામ્યા બાદ બાયડ તાલુકાના બોરલ ગામે પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો. નિષ્ઠા, કાર્યદક્ષતા અને પ્રામાણિકતાના ગુણ માતાપિતા તરફથી વારસામાં મળ્યા હતા. એટલે શિક્ષક તરીકે જોડાયા પછી વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ક્યારેય પાછું વળીને જોયું નથી.

               ગૌવર્ણો સૌમ્ય ચહેરો, મક્કમ ચાલ. સફેદ ધોતી, ઝભ્ભો, સદરી અને માથે ટોપીના પોશાકમાં એક ઓજસવાન શિક્ષક તરીકેનું મઘમઘતું વ્યક્તિત્વ એટલે કાળીદાસ ! વિદ્યાર્થી, શાળા અને સમાજના ઉત્કર્ષમાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. બોરલ શાળામાં કાળીદાસ ભાઈએ જાણે શિક્ષણની ધૂણી ધખાવી. એ જમાનામાં શાળમાં સુવિધાના નામે કાંઈ ન મળે. પણ અભાવોની વચ્ચે હારી થાકી પલોઠી વાળી બેસી જાય તો કાળીદાસ શાના ! શાળામાં વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડા પૂરતા ન હતા. વિદ્યાર્થીઓ આમ અગવડ વેઠી બેસે એ એક કર્મઠ શિક્ષકથી જોયું પણ કેમ જાય ! એ જમાનામાં શાળા માટે  દાન મેળવવું એટલું સરળ કામ ન હતું. કાળીદાસભાઈએ  મનોમંથન કર્યું. અને આખરે એક નાટકની ટીમ તૈયાર કરી. મનોરંજનની સાથે સાથે લોકજાગૃતિનું અભિયાન ઉપાડ્યું. આ નાટક પ્રવૃત્તિ દ્વારા આવક ઉભી કરી. અને ભેગી થયેલી રકમ દ્વારા બે વર્ગખંડનું નિર્માણ કરવમાં આવ્યું. શાળાનું રમતનું મેદાન હતું નહીં. એટલે ગ્રામપંચાયતને વિશ્વાસમાં લઈ શાળા પાસેની જમીન દાનમાં મેળવી. આવી કુનેહ દાખવી એ જમાનામાં શાળાને ભૌતિક વિકાસથી સમૃદ્ધ બનાવી હતી.

            
વિદ્યાર્થીઓ અને સમાજનું હિત તેમના હૈયે વસેલું હતું. ગામમાં નિરક્ષરતાનું પ્રમાણ પણ ઝાઝું હતું. અને નિરક્ષરતાનું આ કલંક કાળીદાસને અંદરથી કોરી ખાતું હતું. એટલે એમને આ કલંકને નાબૂદ કરવા રાત્રી વર્ગો શરૂ કર્યા. દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને પાકા કરવાના અને રાત પડે એટલે ગામના નિરક્ષર વડીલો ભાઈઓ અને બહેનોના વર્ગો ચલાવે સાથે અભ્યસમાં નબળા હોય એવા વિદ્યાર્થીઓને પણ બોલાવે. મોડી રાત સુધી વર્ગો ચાલે. પરિણામ રૂપે ગામના મોટા ભાગના નાગરિકો વાચતા-લખતા થયેલા. કર્મયોગી કાળીદાસભાઈની બદલી બોરલથીં ડેમાઈ ગામે થઈ ત્યારે બોરલના સૌ ગ્રામજનોની આંખો આંસુ ભીની હતી. કાળીદાસભાઈ શિક્ષક તરીકે જે પણ શાળામાં ગયા ત્યાં તેમના કાર્યની મહેંક પ્રસરાવતા જ ગયા.

          ડેમાઈ અને માધવ કંપાની શાળામાં પણ તેમને શિક્ષક તરીકે ફરજ બજાવી. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં કાળીદાસભાઈના વિદ્યાર્થીઓ મેદાન મારી જતા. તેઓના હાથ નીચે ઘડતર પામેલા અનેક વિદ્યાર્થીઓએ જીવનના અનેક ક્ષેત્રોમાં સફળતાનાં શિખરો સર કર્યા છે. તેમના હાથ નીચે ઘડતર પામેલા વિદ્યાર્થીઓ આજે પણ કાળીદાસભાઈને અહોભાવથી યાદ કરે છે. 

            શિક્ષણમાં ઓતપ્રોત રહીને તાલુકા અને જિલ્લાના શિક્ષકોને સતાવતી  સમસ્યાઓના સમાધાનની પણ તેઓ કડી બનતા. એ સમયમાં શિક્ષકોનું વેતન પણ સાધારણ કહી શકાય એવું હતું.  એટલે શિક્ષક પરિવારમાં કોઈ આકસ્મિક ખર્ચો આવી પડે તો કોઈ શાહુકારના વ્યાજના ચક્કરમાં શિક્ષકને સપડાવું ન પડે એ હેતુથી બહેચરભાઈ જેશીંગભાઈ પટેલ,મૂળજીભાઈ પટેલ, અમૃતલાલ મહેતા, ભાનુશંકર ભટ્ટ, શંકરલાલ પટેલ, બહેચરભાઇ ગો. પટેલ, લાલાભાઈ ગો. પટેલ, રમણલાલ શા. પટેલ, રતિલાલ મં. પંડ્યા, શંકરલાલ સોલંકી,પરશોત્તમ ભાઈ વાળંદ, રેવાભાઈ ગો. પટેલ, ઉસ્માંનાબેગ મિરજા, ગોપાલદાસ મહેતા, કાળીદાસભાઈ  પટેલ જેવા કર્મનિષ્ઠ  શિક્ષક આગેવાનો સાથે મળી શિક્ષક મંડળીની સ્થાપના કરી. આ મંડળીમાં કાળીદાસભાઈએ 1975 થી 2001 સુધી મંત્રી તરીકે સેવાઓ આપી પારદર્શક વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું. આજે તો મંડળી વિશાળ વટવૃક્ષ બની ફૂલીફાલી છે. અને શિક્ષકને ગણતરીની મિનિટોમાં લાખો રૂપિયાનું ધિરાણ આપે છે. આવી સમૃદ્ધ મંડળીના પાયામાં કાળીદાસભાઈ અને તેમના જેવા બીજા કર્મનીંષ્ઠ શિક્ષકો રહેલા છે જેઓનું ઋણ કદી ભૂલવું જોઈએ નહીં.

(રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘજીના હસ્તે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક સ્વીકારતા કાળીદાસ પટેલ.)

           કાળીદાસભાઈની શિક્ષક તરીકેની કામગીરી બિરદાવતાં રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિકથી સન્માનિત કર્યા. અને આગળ જતાં જેમના શિક્ષણ સેવા કર્યોની સુવાસ રાજ્યની સીમાઓ ઓળંગી સમગ્ર રાષ્ટ્રભરમાં વિસ્તરી. કાળીદાસભાઈએ નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીની કદર રૂપે ભારત સરકારે 5 મી સપ્ટેમ્બર 1986ના રોજ  ભારતના તાત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની  ઝૈલસિંઘજીએ રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક અર્પણ કરી તેમનું બહુમાન કર્યું. બૃહદ સાબરકાંઠા અને સમસ્ત રાજ્ય માટે આ ગૌરવભર સમાન ઘટના હતી.


           1985ની આસપાસ બાયડ તાલુકાના કેળવણી નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને સાબરકાંઠાના નાયબ ડીપીઈઓ પદ પરથી નિવૃત્ત થયેલા  ડૉ. ચંદ્રકાંતભાઈ વ્યાસ  સાહેબ કાળીદાસ પટેલ સાથેનાં સંસ્મરણો યાદ કરતાં કહે છે કે "કાળીદાસ ભાઈ ખરા અર્થમાં નખશીખ શિક્ષક હતા. એમની કાર્યનિષ્ઠા અને પ્રમણિકતાના ગુણો હું આજે પણ ભૂલી શકતો નથી. એક આદર્શ શિક્ષક કેવો હોય એવી જ્યારે પણ ચર્ચા નીકળે છે ત્યારે કાળીદાસની છબી આંખો સામે ઉભરી આવે છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક એમને પ્રાપ્ત થયું એ ખરા અર્થમાં તો પારિતોષિકનું સાચું સન્માન થયું છે એમ હું માનું છું."

          પુરા ચાર દાયકા શિક્ષક તરીકે ફરજ બજાવી  તેઓ સેવા નિવૃત થયા. પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે શિક્ષણ પ્રવૃત્તિમાં આજીવન પ્રવૃત રહ્યા. આશ્ચર્યની વાત એ છે કે  25 એપ્રિલ 2001 સુધી તેઓ ટીચર્સ મંડળીના મંત્રી તરીકે માનદ સેવાઓ આપી અને   26 એપ્રિલ 2001 નારોજ 75 વર્ષની વયે  કાળીદાસભાઈએ અંતિમ શ્વાસ લીધા.  

         કાળીદાસભાઈના સાત સંતાનો પૈકી એક પુત્ર મહેશભાઈ પટેલ હકારાત્મકતાથી  ભર્યું ભર્યું  ઉર્ભજાવાન વ્યક્તિત્વ ધરાવે   છે. તેઓ  સતત બે ટર્મ સરપંચ તરીકે ચૂંટાઈને સુપેરે જવાબદારી સંભાળી અને ડેમાઈ ગામની કાયાપલટ કરી હતી. અને તેઓ એક ઉત્કૃષ્ઠ પત્રકાર પણ છે. જ્યારે કાળીદાસભાઈના બીજા પુત્ર મનહરભાઈ નિવૃત્ત જીવન ગાળે છે. અને તેમનો  પૌત્ર સતીશભાઈ પટેલ  પ્રાથમિક શિક્ષક છે.  તેઓ  સતત ત્રણ ટર્મથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સેવાઓ આપે છે. જેઓ  શિક્ષણ અને શિક્ષકોના હિત માટે સદાય તત્પર રહે છે

    વિદ્યાર્થી, શાળા, શિક્ષક અને સમાજની સેવામાં જાત સમર્પિત કરી દેનાર કાળીદાસભાઈનું જીવન દીવાદાંડી બની અનેક શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહેશે.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

(આપના પ્રતિભાવ વોટ્સએપ પર અથવા કોમેંટ્સ દ્વારા જણાવી શકો છો.)

3 comments:

  1. એક ઉમદા વ્યક્તિત્વ ની અસરો સમાજ પર કાયમી રહે છે. એક શિક્ષક એક દિવસ નહી,એક વ્યક્તિ નહી, એક ગામ નહી,એક સંપુર્ણ સમાજ ને દાયકા સુધી સિમાડા ની બહાર પુષ્પ ની વાવણી કરે છે ,ને અમુલ્ય મબલખ પાક ઉતરે છે. ડેમાઈ ના આદરણીય વિરમભાઈ પટેલ ,ગાબટ અમારા શિક્ષક હતા,આજે પણ વંદનીય છે.

    ReplyDelete
  2. સમાજ માટે ઉમદા ઉદાહરણ આપ્યું છે સાચા વ્યકિતને ભાવાંજલિ સહ વંદન...

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts