Sunday, September 11, 2022

સન્ડે સ્પેશિયલ - 34

 દેવેન્દ્ર પટેલ કહે છે. : 

 "પાકિસ્તાનના રણઝાંખરાંવીંછી અને રણમાં ઊડતી આંધીનાં દશ્યો હું હજુ ભૂલી શકતો નથી."          


             આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ એટલે પત્રકારિતા ક્ષેત્રનું એક ઝળહળતું નામ !

           પત્રકારત્વ ક્ષેત્રમાં તેઓનું યોગદાન અભૂતપૂર્વ છે. ચીલાચાલુ પત્રકારત્વના બદલે જરા હટકે નવો જ ચીલો ચાતર્યો છે. સાડા પાંચ દાયકાની પત્રકારાત્વની અવિરત યાત્રામાં તેઓએ જાનની બાજી લગાવી, અનેક જોખમો ખેડી પત્રકારત્વને નવી ઊંચાઈ બક્ષી છે. દિલધડક અનેક પ્રસંગો તેઓના મુખે સાંભળવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે.  પાકિસ્તાનની ભીતર જઈને જોખમ ભર્યું રીપોર્ટીંગ કર્યાનો અનુભવ દેવેન્દ્રભાઈએ આંતરક્ષિતિજ’ પુસ્તકમાં પણ  આલેખ્યો છે. ભલભલાનાં  રૂંવાડાં ઊભાં કરી નાખતો આ પ્રસંગ શબ્દશઃ અહીં પ્રસ્તુત છે. 

                 દેવેન્દ્રભાઈ પટેલ  લખે છે. :   

            એક બપોરે ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંસભાઈનો ફોન આવ્યો. ‘તમારે સરહદ પર જવાનું છે. પાકિસ્તાનની અંદર જઈને સ્ટોરી બનાવવાની છે. ' હું રોમાંચિત થઈ ગયો. પાકિસ્તાને ભારત પર નાપાક હુમલો કર્યો હતો તે પછી ભારતે પાકિસ્તાની સેંકડો ચોરસ કિલોમીટર જમીન જીતી લીધી હતી.

         એ વખતે ભારતના વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતાં. પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો હતા. પાકિસ્તાને પરાજય સ્વીકારી લીધો હતો. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સિમલા કરાર કરવા સિમલા આવ્યા હતા અને ઇન્દિરા ગાંધીએ ઉદારતા દાખવી પાકિસ્તાનનો કબજે કરેલો પ્રદેશ પાછો આપવા નિર્ણય કર્યો હતો. એ સમયગાળા દરમિયાન જનસંઘ પાકિસ્તાનની ભારતે કબજે કરેલી ભૂમિ પાછી આપવા સામે રાજસ્થાનમાં બારમેર ખાતે આંદોલન કરી રહ્યું હતું.

          હું અને ગુજરાત સમાચારના એ વખતના તસવીરકાર સનત ઝવેરી તથા તેમના સહાયક કલ્પેશ દૂધિયા જી. એ. માસ્ટ૨ની એમ્બેસેડર કાર લઈ રાજસ્થાન રવાના થયા. એ વખતે મારી વય માંડ ૨૬ વર્ષની હતી. કાળઝાળ ગરમીમાં મારતી મોટરે અમે જોધપુર પહોચ્યા. જોધપુરમાં આર્મીના વેસ્ટર્ન કમાન્ડનું હેડક્વાર્ટર હતું. અમે સરહદ પાર કરી ભારતે કબજો કરેલા પાકિસ્તાનમાં જવા પરવાનગી માંગી. લશ્કરી અધિકારીઓએ એવી પરવાનગી આપવા ઇન્કાર કર્યો . જરા પણ નિરાશ થયા વગર અને જોધપુરથી રણની ભીતરથી પસાર થતા સીંગલ ટ્રેકના રસ્તે બારમેર પહોંચ્યા. રણની વિષમતાનો ખ્યાલ આવ્યો. રણના ઝેરી વીંછી અને રણના સાપથી પરિચિત થયા. એ વખતે ગાડીઓ એરકંડિશન્ડ નહોતી. બહાર તો ઘણી ગરમી હતી. રાત્રે બારમેર પહોંચ્યા. ત્યાંથી પાકિસ્તાન સરહદ ઘણી દૂર હતી. બારમેર પછી મુનાવાવ સુધી પહોંચવાનું હતું.


              બીજા દિવસે અમે સરહદ નજીકના ગડરારોડ  નામના એક ગામ સુધી પહોંચી ગયા. અહીંથી પાકિસ્તાન સરહદ સાવ નજીક હતું. કારને દૂર મૂકી દીધી. હવે અમારે રણમાં ચાલવાનું હતું. માઈલો સુધી ચાલતાં ચાલતાં પાકિસ્તાનની સરહદ આવી પહોંચી. રણના એક ટેકરા પર ‘યે પાકિસ્તાન કી સીમા હૈ' એવું ઊખડી ગયેલા રંગવાળું સાદું બોર્ડ એક લાકડી પર મૂકવામાં આવ્યું હતું. અમે તેમાંથી પાકિસ્તાનના રણમાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો પરંતુ સહેજ આગળ જતાં જ ભારતીય લશ્કરે અમને રોક્યા અને પાછા ધકેલી દીધા.

        નિરાશ થઈ અમે પાછા એ ગામમાં આવ્યા. રાત્રે યોજના વિચારી કાઢી. જનસંઘ પાર્ટીની એક ઑફિસ એ ગામની એક દુકાનમાં ચાલતી હતી. જનસંઘના કાર્યકરને આંદોલન કરવા પાકિસ્તાનની ભૂમિમાં પ્રવેશવા દેવામાં આવતા હતા. અમે જનસંઘના નકલી કાર્યકર બની પાકિસ્તાનની ભૂમિમાં પ્રવેશ કરવા નિર્ણય કર્યો. સવારે બજારમાંથી ઝભ્ભા લેંઘા ખરીદી આવ્યા. ઝભ્ભો લેંઘો પહેરી હું, સનત ઝવેરી અને કલ્પેશ દૂધિયા જનસંઘની કચેરીએ પહોંચ્યા. જનસંઘના સ્થાનિક નેતાને અમે કહ્યું : ‘હમ ગુજરાત સે આયે હૈં. જનસંઘ કે કાર્યકર હૈ. હમે ભી ઈસ આંદોલન મેં સામેલ હોના હૈ.'  

       બારમેર જિલ્લાના જનસંઘના આગેવાનોએ જનસંઘ તરફથી ગુજરાતમાંથી આવેલી ટુકડી સમજીને અમને તેમની સાથે સામેલ કરી દીધા. અમે બધા ‘ભારત માતા કી જય... પાકિસ્તાન કો જમીન વાપસ મત કરો'ના નારા પોકારતા કૂચ કરવા લાગ્યા. આશરે દસેક જણ પાકિસ્તાનની ભૂમિ પર કૂચ કરી ગયા. ભારતીય લશ્કરે અમને પણ જનસંઘના કાર્યકરો સમજી રોક્યા નહીં. અમે ચાલતા જ રહ્યા. બસ ચાલતા જ રહ્યા. ભયંકર ગરમી અને રણમાં કોઈ જ રસ્તો નહીં, બસ રેતી પર ચાલવાનું, કેટલીયે લાંબી દડમજલ બાદ એક ગામ આવ્યું. મેં સનત ઝવેરીને ઈશારો કર્યો. તેમણે તેમના કૅમેરાથી તસવીરો લેવા માંડી. પાકિસ્તાનની ભૂમિની, પાકિસ્તાનનાં ગામડાંની અને પાકિસ્તાનના લોકોની તસવીરો લીધી. મેં હાલતનું પાકિસ્તાનનાં ગામડાંઓની ભીતરી વાતો એકત્ર કરી. તેમની ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. પાકિસ્તાનના રણના ફોટા પાડ્યા. પાકિસ્તાનના લોકોની ભાષા અને તેમના વિચારો પણ જાણી લીધા. અમને કેટલીક અપ્રાપ્ય તસવીરો મળી . મેં સનત ઝવેરીને કહ્યું : ‘ તમે જે ફોટા પાડ્યા છે તે રોલ કાઢીને મને આપી દો.’

       સનત ઝવેરીએ મને પૂછ્યું : ‘ કેમ ? '

        મેં કહ્યું : ‘ પછી કારણ કહીશ.'

        સનત ઝવેરીએ એક્સપોઝ કરેલો રોલ કાઢી મને આપી દીધો. મેં કહ્યું: ‘ હવે બીજો રોલ ચડાવી દો.' સનત ઝવેરીએ બીજો નવો રોલ કૅમેરામાં ચડાવી દીધો.

        અગાઉનો રોલ મેં મારા ખિસ્સામાં મૂકી દીધો તેની થોડીક વારમાં ભારતીય લશ્કરની એક ટ્રક આવી. તેમાંથી કેટલાક અધિકારીઓ અને જવાનો ઊતર્યા. તેમણે અમારા બધાની ધરપકડ કરી. એક ઉચ્ચ અધિકારીએ સનત ઝવેરી પાસે જઈ કહ્યું, ‘ ભાઈ, તમારા કૅમેરાનો રોલ મને આપી દો. આ સંવેદનશીલ એરિયા છે. અહીં તસવીરો પાડવાની મનાઈ છે.’ સનત ઝવેરીએ તેમના કૅમેરામાંથી રોલ  કાઢીને તે લશ્કરી અધિકારીને સુપ્રત કર્યો. ભારતીય લશ્કરે અમારી ધરપકડ કરી. અમને બધાને લશ્કરની ટ્રકમાં બેસાડી પછી પાછા ભારતીય સરહદમાં ઉતારી દીધા. એ વખતે લશ્કરી અધિકારીએ અમને ઠપકો આપતાં કહ્યું : ‘અમને ખબર છે કે તમે મીડિયાના માણસ છો, પરંતુ તમારે આવું જોખમ લેવું જોઈએ નહીં. તમને ખબર છે કે પાકિસ્તાનના રણમાં અને ઠેરઠેર સુરંગો બિછાવેલી છે ? તમારો પગ એની પર પડી ગયો હોત તો ? ’

        થોડી વાર માટે અમને લખલખું આવી ગયું. પરંતુ હવે અમે આ હતા. ખુશ હતા. મારી પાસે પાકિસ્તાનનાં ભીતરી ગામડાંઓની સ્ટોરી હતી અને ખિસ્સામાં પાકિસ્તાનની ભીતરની તસવીરોવાળો રોલ હતો. સન ઝવેરી મારી યુક્તિથી ખુશ થઈ ગયા. ગામના એક નાઈની પર બેસી મેં એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરી દીધો. અહેવાલ દુકાનના પાકિસ્તાનની તસવીરોવાળો રોલ લઈ કલ્પેશ દૂધિયાને જોધપુર રવાના ઓટલા અમે કર્યા. . જોધપુરથી વિમાન માર્ગે અહેવાલ અને રોલ અમદાવાદ રવાના કર્યો. બીજા દિવસે આખું પાનું ભરીને પાકિસ્તાનની ભીતરનો અહેવાલ અને તસવીરો ‘ગુજરાત સમાચાર'માં છપાયાં : ગુજરાતી અખબારોમાં આ કક્ષાનું સરહદ પારનું રિપોર્ટિંગ પહેલી જ વાર થયું હતું.

        દેશના એક પણ અખબારમાં પાકિસ્તાનની ભીતર પ્રવેશી આ પ્રકારનો અહેવાલ કે તસવીરો છપાયાં નહોતાં. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની અમદાવાદ આવૃત્તિના એ વખતના ચીફ રિપોર્ટર વિક્રમ રાવે મને અભિનંદન આપતાં કહ્યું, ‘દેવેન્દ્ર , ભારત કા ધ્વજ સિર્ફ આપને લહરાકે રખ્ખા હૈ.'

      પાકિસ્તાનમાં ગેરકાયદે ઘૂસી જઈ અંદરની સંવેદનશીલ તસવીરો અને અહેવાલ પ્રગટ કરવા સાથે પ્રતિસ્પર્ધી મીડિયા જગતે કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો સમક્ષ જઈ અમારી સામે પગલાં લેવા માંગણી કરી પરંતુ કેન્દ્ર સરકારે અમારા સામે કોઈ પણ પગલાં લેવા ઇન્કાર કરી દીધો. બસ, એ દિવસથી મેં ચીલાચાલુ રિપોર્ટિંગ કરવાના બદલે સંશોધનાત્મક પત્રકારત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં ચાર દીવાલોની વચ્ચે બેસી રહીને લખવાના બદલે ફિલ્ડમાં જઈ માહિતી એકત્ર કરવાનું નક્કી કર્યું. પાકિસ્તાનની ઘટનાએ મારામાં સાહસવૃત્તિ વધારી. જોખમો લેવામાં મને હવે રસ પડવા લાગ્યો. આજે એ ઘટનાને વર્ષો થયાં પરંતુ પાકિસ્તાનના રણ, ઝાંખરાં, વીંછી અને રણમાં ઊડતી આંધીનાં દશ્યો હું હજુ ભૂલી શકતો નથી. પાકિસ્તાનના એ રણમાં ઠેર ઠેર મેં ઝેરી વીંછી નિહાળ્યા હતા.

       આંતરક્ષિતિજ’ પુસ્તકનું દિલધડક પ્રકરણ પૂરું થાય છે. આવા અનેક રોમાંચક  અનુભવો  દેવેન્દ્રભાઈ પટેલે આ પુસ્તકમાં આલેખ્યા છે. પત્રકારત્વમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો અને જિજ્ઞાસુઓ માટે ‘આંતરક્ષિતિજ’ દીવાદાંડી રૂપ બની રહેશે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

STUDY ROOM ને આપના સહકારની આવશ્યકતા છે. વધુ જાણવા અહી ક્લિક કરો.

6 comments:

  1. વાહ.. ક્યા બાત હે

    ReplyDelete
  2. ગુજરાત સમાચાર માં છપાયેલ આ લેખ અને તસ્વીરો Times group ના Illustred weekly of India magazine માં પણ છપાયેલ હતો.આ weekly માં લેખ છપાય e ગૌરવ ની વાત હતી.એ વખતે Editor હતા ખુશવંતસિંહ.આ વાતનો ઉલ્લખ શ્રી દેવેન્દ્રભાઇ ની આત્મકથા આંતરક્ષિતજ માં પણ નથી.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts