Tuesday, April 30, 2019

ફેક્ટ બિહાઇન્ડ ફેક્ટ: મહાગુજરાત ચળવળ

     મહાગુજરાત ચળવળ


         આજે આપણે ગરવા ગુજરાતનો સ્થાપના દિન ની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગુજરાત રાજ્યની વિભાજનનો ઇતિહાસ રોમાંચથી ભરેલો છે. મુંબઇ માંથી ગુજરાત વિભાજનની અનેક એવી વાતો છે જેનાથી નવી પેઢી કદાચ અજાણ હશે. 
              મહાગુજરાત ચળવળમાં ઇન્દુલાલ યાજ્ઞિક, સનત મહેતા, દિનકર મહેતા, સત્યમ પટેલ, વિદ્યાબેન નીલકંઠ, શારદા મહેતા, બુધ્ધિબેન ધ્રુવ, રવિશંકર રાવળ, બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, દિનકર અમીન જેવા નેતાઓના યોગદાનને ગુજરાત ક્યારેય વિસરી શકશે નહીં. આઝાદી બાદ ભાષા આધારે રાજ્ય વિભાજનનું આંદોલનમાં સમસ્ત ગુજરાતે એકતાના દર્શન કરાવ્યાં. પરંતુ આ સમસ્ત ઘટનામાં અમદાવાદ કેન્દ્રસ્થાને રહ્યું. 
             મહાગુજરાતના વ્યાપક જનસમર્થન વાળા આંદોલનની શરૂઆત એકાએક અણધારી રીતે અમદાવાદથી જ થઈ. અમદાવાદ શહેર સમગ્ર ગુજરાતની પ્રજાનો સર્વપ્રથમ પડઘો પાડી આ ચળવળ માટે કેન્દ્ર સ્થાને રહ્યું.
             આ વાત છે 7 મી ઓગસ્ટ 1956 ની સાંજના પાંચેક વાગ્યાના સુમારે વિદ્યાર્થીઓનું એક નાનું જૂથ કોંગ્રેસ હાઉસ પર ગયું. તેમણે મહાગુજરાતને બદલે સંસદે અચાનક દ્વિભાષી રાજ્ય નું બિલ હાથ ધર્યા અંગે પૂછ્યું. તેમને તે સમયે સમજાવીને પાછા કાઢવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ એક અજંપા સાથે પાછા વળી ગયા. બીજા દિવસે 8 મી ઓગસ્ટ 1956ના દિવસે સવારે નીકળેલા જંગી સરઘસમાં 400 થી 500 વિદ્યાર્થીઓ હતા. તે એલીસબ્રીજ લો કોલેજ તરફથી કોંગ્રેસ હાઉસ તરફ આગળ વધવા લાગ્યા. આ સરઘસ સ્વયંભૂ નીકળ્યું હતું. કોઈ રાજકીય પક્ષી કાઢેલું ન હતું. કોઈ વિદ્યાર્થી મંડળે પણ એલાન આપેલું ન હતું છતાં પણ મોટી સંખ્યામાં એકત્રીત થઇ આ સરઘસ નીકળ્યું હતું. સૂત્રોચ્ચાર કરતું જંગી સરઘસ રાયપુર ચકલા આવી પહોંચ્યું. વાડીલાલ સોડા ફાઉન્ટેનના રોટલી ઉભા રહીને એક વિદ્યાર્થી આગેવાન તરીકે બ્રહ્મકુમાર ભટ્ટ સરઘસને સંબોધન કર્યું. આ સરઘસથી શહેરની પ્રજાને જાગૃત કરી દીધી..
                  એક દિવસ બપોરે 400 થી 500 વિદ્યાર્થીઓનું ટોળું મજૂર મહાજનની કચેરીએ પહોંચ્યું. આ દરમિયાન મજુર મહાજન માંથી કોઈક માણસે ટેલીફોન કરી પોલીસને બોલાવી. તે સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ ત્રિકમલાલ પટેલ અને ઠાકોરભાઈ દેસાઈ એ કંઈક ચર્ચા કરી. તે સમયે વિદ્યાર્થીઓએ ગુજરાતની રચના માટેના સૂત્રોચ્ચારો શરૂ કર્યા. કોંગ્રેસ હાઉસના પહેલે માળે પણ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. લગભગ ચારેક વાગ્યાના સુમારે ગુજરાત ક્લબ બાજુથી કોંગ્રેસ હાઉસ ની ઉપર અને અંદર નેતાઓ સાથે, તેમજ અંદરો અંદર ચર્ચા કરતા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસ હાઉસના વરંડા બહાર ઊભેલા વિદ્યાર્થીઓના ટોળા ઉપર ગોળીબાર શરૂ કર્યો. તેની સાથે નાસભાગ મચી ગઇ. ત્યારે કલેકટર એલ.આર. દલાલ તથા ડી.એસ.પી મિરાન્ડા કોંગ્રેસ હાઉસના વરંડામાં નીચે હતા. સામે ગોળીબારથી ઘવાયેલા અને શહીદ થયેલા વિદ્યાર્થીઓ જમીન ઉપર ઢળી પડેલા હતા. સમગ્ર વિસ્તાર લોહીથી ખરડાઈ ગયેલો હતો. આ ગોળીબારમાં બનાસકાંઠાના પૂનમચંદ નામના છોકરા ની ખોપડી ઉડી ગઈ. વિદ્યાર્થીઓ આ ખોપડી એક થાળીમાં લઈને નજીકમાં આવેલી ગુજરાત ક્લબમાં જ્યાં વકીલો બેઠા હતાં, તેમને બતાવવા દોડી ગયા. આ જોઈ વકીલોમાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો.
                 ગોળીબારની જાણ થતા ટોળેટોળા કોંગ્રેસ હાઉસ તરફ દોડી આવ્યા. બ્રહ્મકુમાર ભટ્ટ શાંતિપૂર્વક આંદોલન ચલાવવા અપીલ કરી પણ કમનસીબે મજૂર મહાજન સંઘની ઓફિસ બાજુથી પોલીસ આવી અને ગોળીબાર કર્યો. 
               આ બનાવથી લોકો ભારે ઉશ્કેરાયા નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ચેતાવની આપ્યા વિના, લાઠીચાર્જ કે ટીયરગેસ જેવા પગલાં ભર્યા વિના સીધો જ ગોળીબાર એ જંગલરાજ સમો લોકોને લાગ્યો. વાતાવરણમાં ભારે અજંપો અને અશાંતિ હતી આખા શહેરમાં કલમ 144 સાત દિવસ માટે લાગુ પાડવામાં આવી હતી.
              9મી ઓગસ્ટ 1956ના રોજ ગુજરાતના બધા જ છાપાઓ એ આ ગોળીબારની ઘટના વખોડી કાઢતાં સમાચારો છાપ્યા. અમદાવાદથી પ્રગટ થતાં ચાર દૈનિકપત્રો સંદેશ, ગુજરાત સમાચાર, જનસત્તા અને પ્રભાતમાં પણ કોંગ્રેસ હાઉસ પર શાહિદ થયેલાઓને શોકાંજલિ આપવામાં આવી હતી. 10મી ઓગસ્ટ 1956ના જનસત્તા ના તંત્રી લેખની જગ્યા સાવ કોરી રાખીને કાળી બોર્ડર મૂકી વચ્ચે લખેલું "ઉનશહીદો કી યાદ મેં જીનહોને અપને ખૂન સે સિંચા"
               લો કોલેજના મેદાનમાં મહાગુજરાતના વિદ્યાર્થી સમિતિએ બોલાવેલી જાહેર સભામાં ઇન્દુલાલ યાજ્ઞિકે જણાવ્યું કે "જે લડત નાગરિકો અને વડીલોએ ઉપાડવી જોઈએ તે લડત વિદ્યાર્થીઓએ ઉપાડી છે." આ સમયે લોકોના ટોળા સફેદ ગાંધીટોપી પહેરીને નીકળતાની ટોપી કઢાવતા. કોંગ્રેસ પ્રત્યેની ચીડ અને મોરારજી પ્રત્યેની ધૃણા આ રીતે લોકોએ વ્યક્ત કરી.
                  લોકોનો આક્રોશ એટલો વ્યાપક અને સ્વયંભૂ હતો કે પ્રતિષ્ઠિત ગણાતા કોંગ્રેસી નેતાઓ જાહેરમાં આવતાં અસલામતી અનુભવતા. અમદાવાદ શહેરની પરિસ્થિતિને કાબુમાં લેવા મોરારજી દેસાઈએ રાજ્યના ડી.આઈ.જી. નગરવાલાને તથા ડી.આઇ.જી (સી.આઈ. ડી.) પ્રવિણસિંહ અને મુંબઈના ડેપ્યુટી કમિશનર ને ખાસ અમદાવાદ મોકલ્યા.
પ્રજાના રોષથી હબકી ગયેલા કોંગ્રેસી નેતાઓએ રાજીનામા આપવાની શરૂઆત કરી જેમાં સૌપ્રથમ પુરુષોત્તમ બ્રહ્મભટ્ટ, છીકણીવાલા, અમદાવાદના મેયર ચીનુભાઇ, ડેપ્યુટી મેયર ચંદ્રકાંત ગાંધી, કોંગ્રેસના ધારાસભ્ય જયકૃષ્ણ હરિવલ્લભદાસ વગેરેએ રાજીનામા આપ્યા. 
કોંગ્રેસ હાઉસ ના બનાવ પછી માત્ર ત્રણ જ દિવસમાં પોલીસ દ્વારા લેવાયેલ દમનકારી પગલાંમાં ગોળીબારથી 14 લોકોના મરણ થયા, 120 લોકો ગંભીર રીતે ઘાયલ થયા, અને 825 લોકોની ધરપકડ કરવામાં આવી.
              2 ઓક્ટોબર 1956ના રોજ જવાહરલાલ નહેરુ અમદાવાદની મુલાકાતે આવ્યા. તેમની જાહેરસભા લાલ દરવાજા ખાતે મેદાનમાં યોજવાનું નક્કી થયું. આ સભામાં ફિયાસ્કો ન થાય તે માટે કોંગ્રેસી નેતાઓ ખૂબ સક્રિય થઈ ગયા બરાબર એ જ દિવસે અને એ જ સમયે જનતા પરિષદ ની સભા લો કોલેજ મેદાન ખાતે રાખવામાં આવી આ સભામાં ઇન્દુલાલ યાજ્ઞિક, હિંમતલાલ શુકલ, હરિહર ખંભોળજા એ પ્રવચન કર્યા આ સભામાં અમદાવાદ શહેર ઉપરાંત અનેક ગામોમાંથી 30,000 લોકો સ્વયંભૂ સભામાં ઉમટી પડયા. જેની તુલનામાં નહેરૂની સભામાં લગભગ ત્રીજા ભાગની સંખ્યા હાજર રહી હોવાનો અંદાજ છે.
                આ લડત દરમિયાન મશાલ સરઘસ, સાયકલ પર નીકળતા સરઘસ, મૌન રેલી, શહીદ સ્થળ પર શ્રદ્ધાંજલિ જેવા કાર્યક્રમો યોજાતા રહ્યા. લડત દરમિયાન ચૂંટણીઓ આવી જેમાં કોંગ્રેસને જવાબ આપવાનો મોકો પ્રજાને મળ્યો. ઇન્દુલાલ યાજ્ઞિકે ચૂંટણીની જામતી હવામાન જાહેર અપીલ કરી કે ગુજરાતની પ્રજાને મહાગુજરાત જોઈએ તે સાબિત કરવા ચૂંટણીની તક મળેલી છે. ગુજરાતની પ્રજાએ મત આપીને સાબિત કરવું પડશે. આ રીતે જનતા પરિષદ એ ચૂંટણીનું વાતાવરણ ઊભું કરવાનું શરૂ કર્યું. 19 જાન્યુઆરી 1957 ના રોજ અમદાવાદ આવેલા મોરારજીભાઈ દેસાઈએ કોંગ્રેસ પક્ષના અમદાવાદ શહેરના ઉમેદવાર ની ચર્ચા કરી. પરંતુ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા કોઈ તૈયાર જ થયું નહીં. આ ચૂંટણીમાં અમદાવાદી સજ્જડ રીતે કોંગ્રેસના વિરોધ નો પડઘો પાડી દીધો આ ચૂંટણીમાં જનતા પરિષદના ટેકાથી નાગરિક પક્ષને 64 માંથી 47 બેઠકો મળી.
             2જી નવેમ્બર 1957 ના રોજ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર બાબુ ને જનતા પરિષદના આગેવાનો શહેરમાં મળ્યા રાષ્ટ્રપતિએ સૌહાર્દપૂર્ણ રીતે પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી.
         શહેર જનતા પરિષદના મંત્રી જાહેરાત કરી કે વાર્ષિક શહીદ દિને કોંગ્રેસ હાઉસ સામેના ટ્રાફિક સર્કલ ઉપર શહીદ સ્મારક ની રચના કરવામાં આવશે આ જાહેરાતથી સરકાર અને પોલીસ સચેત થઈ ગઈ.
          8મી ઓગસ્ટ 1958ના રોજ શહીદ દિન ના કાર્યક્રમ જાહેર કરાયો અને પાછળથી તે ફૂટપાથ ની કિનારી ખાંભી મુકાઈ. ત્યારબાદ લાલ દરવાજા ના મેદાનમાં સભા થઈ. આ ખાંભીઓ પોલીસ ઉખાડી ન નાખે તે માટે 24 કલાક તેની ચોકી રાખવા સ્વયંસેવકોની ટૂકડી મોકલવાની વ્યવસ્થા થઈ. અમદાવાદની ખામીઓ સિમેન્ટથી ચોંટાડેલી હોવાથી પોલીસે તેની તોડી લઈ ગઈ . આ ખાંભી સત્યાગ્રહ કુલ 226 દિવસ સુધી ચાલ્યો હતો. 
              28મી નવેમ્બર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા હતા. ત્યારે, કાંકરિયા ફૂટબોલ મેદાન ની જાહેર સભામાં મહાગુજરાતની રચના નો અવસાન પરોક્ષ રીતે આપી દીધો હતો. 1959 પછી મુંબઇ રાજ્યના વિભાજન ને પ્રશ્નની ઉકેલવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી. મહાગુજરાત જનતા પરિષદ એ લડતને સારી રીતે ટકાવી રાખી. 19મી એપ્રિલ 1960ના રોજ ભારતની સંસદે મુંબઈ રાજ્યનું વિભાજન કરવા નું બિલ પસાર કર્યું. બિલ પસાર કર્યા બાદ 23મી એપ્રિલ 1960ના રોજ રાજ્ય સભા એ પણ મુંબઇ રાજ્ય વિસર્જન બિલને મંજૂરી આપી. 25મી એપ્રિલ 1960ના રોજ રાષ્ટ્રપતિ મુંબઈના વિભાજનના ખરડા પર સહી કરી. અને તે જ દિવસે સરકારી ગેઝેટમાં તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા.
            25મી એપ્રિલ 1960ના રોજ ગુજરાતના નવા પ્રધાન મંડળ અને નાયબ પ્રધાનોની યાદી જાહેર કરવામાં આવી. જેમાં મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ ની નિમણૂક ની ઘોષણા કરાઈ. 1લી મે 1960ના રોજ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાનમંડળની સોગંદ વિધિ થઈ આ પ્રસંગે ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજે જણાવ્યું કે ગુજરાત રાજ્યની તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા વહીવટકર્તાઓ ધ્યાન આપે એટલી મારી સલાહ છે.
            1લી મે 1960ના રોજ અમદાવાદ રાજ્યનું કામચલાઉ પાટનગર બન્યું અને ગુજરાતનો વહીવટ પ્રથમ આ શહેરમાંથી શરૂ થયું મહાગુજરાતની આખીય લડતમાં અમદાવાદ એક નાભિકેન્દ્ર સમુ આવ્યું. ઓગસ્ટ 1956 થી શરૂ કરી નવા રાજ્યના પ્રથમ મંત્રીમંડળની શપથવિધિ આ જ શહેરમાં સંપન્ન થઈ. આ લડતમાં અમદાવાદી સૌથી મોખરે રહી સમસ્ત રાજ્યની નિદર્શન પૂરું પાડ્યું. તમામ વર્ગના લોકો આ લડતના અંગભૂત ઘટક ની જેમ વારત્યા છે. જે આઝાદી પૂર્વેના આંદોલનમાં સામે પક્ષે વિદેશી શાસકો હતા. જ્યારે, આ ચળવળમાં સરકારની રાજ્ય તરફની દુર્લક્ષ વૃત્તિ જવાબદાર હતી.
          લડતના કોઈ તબક્કે રાષ્ટ્રીય ભાવનાથી વિમુખ થયા વિના દેશપ્રેમમાં રહી પોતાની માંગ માટે મક્કમ રહી આ શહેર છાતી કાઢીને લાડયું છે.
જય જય ગરવી ગુજરાત 
લેખન - સંકલન :- ઈશ્વર પ્રજાપતિ
સંદર્ભ : શોધગંગા

Monday, April 29, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી: ભાગ -13

આઝાદીની લડતમાં અરવલ્લીનું યોગદાન 2


           
          આઝાદી પહેલા અંગ્રેજો અને આઝાદી પછી ભારતની ચૂંટાયેલી સરકાર ઓ બંને સત્તાઓએ સ્થાનિક સ્વાતંત્ર ચળવળને લગભગ અવગણી છે અથવા તેના પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. તેને પ્રકાશમાં લાવી સજીવ રાખવા જોઈએ તેટલા પ્રયત્નો થયા નથી. તેથી સ્વાતંત્ર સંગ્રામની મોટી ઘટનાઓને બાદ કરતાં સ્થાનિક કક્ષાએ નાના પાયે અને ગામડામાં થયેલા પ્રયાસો પ્રકાશમાં આવ્યા નથી. ભૂતકાળના ગર્ભમાં આવી અસંખ્ય ઘટનાઓ દફનાઈને પડી છે.
         અંગ્રેજોની નીતિ રીતીના વિરુદ્ધમાં 1857નો મહાન વિપ્લવ સમગ્ર દેશમાં પ્રસર્યો હતો. તેમાં બૃહદ સાબરકાંઠા પણ જોતરાયું હતું. આ જિલ્લાના માલપુર, પ્રાંતિજ, ઇડર અને ભિલોડા તાલુકામાં વિપલો અંગે ક્રાંતિકારી કામગીરી થઈ હતી  તેમાં ઈડર તાલુકાના ચાંડપ અને મુડેટી ગામે બનેલા બનાવો વધુ જાણીતા છે. આ ઉપરાંત વિજયનગર તાલુકાના દડવા પાસે પાલ ગામે 7 માર્ચ 1922ના રોજ જલિયાવાલા બાગને પણ ભુલાવી દે તેવો નરસંહાર થયો હતો. વિશાળ લોક સમૂહને ખાળવા અંગ્રેજ ઓફિસર એમ.જી. શટ ની આપેલા હુકમ મુજબ ભીલ કોપર્સે ગોળીબાર કરતા, અંદાજે 1200 પણ વધુ શહીદવીરો એ પોતાના જાનની આહુતિ આપી હતી.  આ હત્યાકાંડના શહીદ થયેલાઓની યાદમાં તે સ્થળે સ્મારક આજે પણ મોજૂદ છે.  એમ છતાં આ આહુતિ ઇતિહાસના પાને અંકિત નથી. ઈતિહાસમાં આ બનાવોની નોધ લેવાઈ નથી.
          ઈ. સ.1905માં સમગ્ર દેશમાં સ્વદેશાભિમાન જાગૃત બન્યું હતું. સ્વદેશી ચળવળ વિસ્તરતી જતી હતી. તે પ્રવાહમાં સાબરકાંઠા-અરવલ્લીની જોતરવાનો યશ મથુરદાસ ગાંધીને ફાળે જાય છે.
         માથુરદાસના પ્રયત્નોથી ઈ. સ.1905માં મોડાસામાં શંકર રામજીની ધર્મશાળામાં વલ્લભદાસ બાપુજી દેસાઈના પ્રમુખ પદે પ્રથમ રાજકીય સભા મળી. જેમાં મથુરદાસે પ્રથમ રાજકીય ભાષણ કરીને, સાબરકાંઠામાં રાષ્ટ્રીય લડત આરંભી. તેમના આ પ્રથમ રાજદ્વારી ભાષણમાં તેમને યુવાનોને વિલાયતી ખાંડ, વિલાયતી કાપડ વગેરેના બહિષ્કાર અંગે પ્રતિજ્ઞા લેવા આદેશ આપ્યો.
         મથુરદાસની આગેવાની હેઠળ આ જિલ્લામાં અંગ્રેજી માલના બહિષ્કારની જોરદાર ઝુંબેશ શરૂ થઈ. તેઓના આદેશને લઈને મોડાસાના 50થી 60 યુવાનોને અને વિદ્યાર્થીઓએ વિલાયતી ખાંડ નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી. અને તે પછી ધીરે ધીરે વિલાયતી ખાંડનો સમગ્ર જિલ્લામાં બહિષ્કાર થવા લાગ્યો. માલપુર, વડાગામ,ભેંસાવાડા, સાયરા, બાકરોલ, પાંડરવાડા, આંબલીયારા, વીરપુર વગેરે ગામોમાં પરદેશી કાપડનું વેચાણ અને ખરીદી બંધ થઈ ગયા.
              ઈ. સ.1905 માં બંગાળમાં હાથ બનાવટની વસ્તુઓને ઉત્તેજન મળતું હતું. બંગાળના લોકોએ બ્રિટિશ બીડી-સિગારેટ વગેરેનો પણ બહિષ્કાર કર્યો હતો. તેથી બંગાળના લોકોને દેશી બીડી પૂરી પાડવાના આશયથી મથુરાદાસે જોઈતારામ ભટ્ટ તથા ચંદુલાલ બુટાલાએ મોડાસામાં જ દેશી બીડી નું કારખાનું શરૂ કર્યું. તેમાં તૈયાર થતી વિડીયો તેઓ કલકત્તા તરફ રવાના કરતા હતા. દેશી બીડીયોના વધુ ગ્રાહકો મેળવવા તથા હાથશાળના ઉધોગો અંગે માહિતી મેળવવા ઈ.સ 1905 માં તેઓ કલકત્તા ગયા. પરંતુ મથુરદાસ વ્યસનના કટ્ટર વિરોધી હતા. તેથી રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાઈને શરૂ કરેલી બીડી જેવી વ્યસનની ચીજનો વ્યાપાર ઉચિત ન લાગતાં, તેમની બીડી ઉત્પાદનનો ધંધો પડતો મૂક્યો. તેમ છતાં મોડાસામાં એ ધંધો સારા પ્રમાણમાં ચાલતો જ રહ્યું. આજે મોડાસામાં આ ભાવસાર, કડિયા, મુસ્લિમ વગેરે ગરીબ પ્રજા બીડી વાળવાના હસ્તે ઉધોગમાંથી આજીવિકા પ્રાપ્ત કરે છે.
           સાબરકાંઠા ગેજેટ પ્રમાણે ઇડર સ્ટેટ ના લોકોની સ્વતંત્રતા માટેની નોંધ કંઈક આ પ્રમાણે છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ઈસ્ટ ઈન્ડિયા કંપની જગ્યાએ દેશને શાસનધુરા રાણી વિક્ટોરિયાના હાથમાં આવી. રાણીએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે રાજાઓના કરાર અને હકના પાલન ની ખાતરી આપી.
             ઈ. સ. 1910 માં ઇડર રાજ્યના મહારાજા પ્રતાપસિંહે રાજ્યની પ્રજા પર કમરતોડ કરવેરા નાખ્યા. રાજ્યની પ્રજાએ આ કરવેરા ઓછા કરવા માટે મહારાજાને વિનંતી કરી. પરંતુ તેની ધ્યાનમાં લેવાને બદલે મહારાજાએ જાદર ખાતેના મામલતદાર ઓફીસ, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન બંધ કરી ઈડર ખસેડી દીધા. પ્રજાએ 32 દિવસ સુધી આંદોલન કર્યું. પછી સમાધાન થતાં આંદોલન પાછું ખેંચાયું.
        પ્રતાપસિંહ પછી રાજ્ય ધુરા તેમના પુત્ર દોલતસિંહે સંભાળી. જે તેમના પિતા કરતા ઓછા જીલમી ન હતા. લોકોને તેમના શાસન દરમિયાન ખુબ જ દુઃખો સહન કરવા પડતા હતા. પ્રજાની કંગાલિયત અને દુઃખ દર્દની ગાથાને શ્રી મથુરદાસ ગાંધીએ મુંબઇ ખાતે લેખ પ્રસિદ્ધ કરી વાચા આપી. તેમણે ફેબ્રુઆરી 1925માં મુંબઈ ખાતે ઈડર રાજ્યના પ્રજાજનોની મીટીંગ બોલાવી. ઇડર સ્ટેટ ના શાસકોના જુલ્મ, અન્યાય અને જોહુકમી સામે પ્રજાને એક કરવા માટે "પ્રજામંડળ" ની સ્થાપના કરી
          સાબરકાંઠા-અરવલ્લીને સ્વતંત્રતા ચળવળમાં ધબકતું રાખવાનું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. એ ઉપરાંત પુરુષોત્તમ ગો.શાહ ઈ. સ. 1916માં અમદાવાદમાં ગોકુળદાસ પારેખને પ્રમુખ પદે મળેલી બોરસદ પરિષદ વગેરે પરિષદમાં પ્રતિનિધિ તરીકે હાજર રહીને રાજકીય જાગૃતિના દર્શન કરાવ્યા હતા.
            તારીખ 9 મી માર્ચ 1921ના રોજ  સરદાર વલ્લભભાઈ પટેલ મોડાસામાં પધાર્યા હતા અને જાહેર સભા સંબોધી લોકોમાં આઝાદી માટેનો જબરજસ્ત જુસ્સાનો સંચાર કર્યો.
             1930માં મોડાસામાં લડતનું વાતાવરણ જામ્યું. આ જિલ્લામાં અગાઉ શરૂ થયેલી સ્વદેશીની ચળવળ પૂર્ણ સ્વરાજની માગણીના સંદર્ભમાં પૂરજોશમાં ઉપડી. તેનું સંચાલન કરવા રમણલાલ સોનીની આગેવાની હેઠળ 1930ના એપ્રિલમાં "સંગ્રામ સમિતિ" રચાઈ. આ સમિતિ રોજ-બરોજના બનાવોથી જનતાને વાકેફ રાખવા માટે મોડાસા તથા ધનસુરામાં લખાણ યુક્ત પાટિયા મુકવા, સંગ્રામ પત્રિકા બહાર પાડવી, તેને પાટિયા પર ચોંટાડી જાહેરમાં મૂકવી વગેરે કાર્યો કરતી સંગ્રામ પત્રિકાનું સંપાદન કરતા હતા. તેમાં કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવતો. સંગ્રામ પત્રિકા દ્વારા વિદેશી કાપડ બહિષ્કાર ઝુંબેશ શરૂ થઈ હતી. તેથી સાબરકાંઠામાં એક 1000 થી વધુ ભાઈ-બહેનોએ પ્રતિજ્ઞાપત્ર પર સહીઓ કરીને વિદેશી કાપડ નો બહિષ્કાર નો નિર્ધાર કર્યો હતો.
             માલપુર તાલુકામાં રામશંકર જયશંકર ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ પરદેશી કાપડ બહિષ્કાર અને સ્વદેશી કાપડના વપરાશ અંગેની ઝુંબેશ ચાલી હતી. પૂનમચંદ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મેઘરજ તાલુકામાં સ્વદેશીની ચળવળ ચાલી હતી.
             ઈ. સ. 1942 ની ભારત છોડો ચળવળમાં રમણલાલ સોની, નટવરલાલ ગાંધી, મથુરદાસ ગાંધી, મોહનલાલ દશાભાઈ અને પરમસુખ પંડ્યાની આગેવાની હેઠળ યુવાનોને આઝાદી માટે પ્રેરિત કર્યા. અને ધરપકડ વહોરી. સ્વાતંત્ર્ય ચળવળ માટે મોડાસા હાઈસ્કૂલમાં ત્રણ મહિનાની હડતાળ પડી. દર અઠવાડિયે બે વખત પ્રચાર માધ્યમ દ્વારા પત્રિકાઓ વહેંચાતી. ટપાલ પેટીઓને કૂવામાં નાખી દેવામાં આવી. સરકારી કચેરીઓ સામે ફટાકડા ફોડવામાં આવતા. વગેરે જેવી પ્રવૃત્તિઓ ઉત્તરોઉત્તર વધતી ચાલી. ઘેરઘેર અંગ્રેજો ભારત છોડોની બૂમ ઉઠી અને આ સંઘર્ષ આઝાદી સુધી ચાલ્યો.
               "હિન્દ છોડો" આંદોલનના પ્રારંભે સાબરકાંઠા-અરવલ્લીના નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. તેથી ઉશ્કેરાયેલા યુવાનોએ નેતાઓને મુક્ત કરાવવા માટે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર ખોરવી નાખવો, સરકારી મકાનો પણ સળગતા કાકડા ફેંકવા બોમ બનાવવા વગેરે ઉગ્ર પ્રવૃત્તિઓ આચરી હતી. આ આંદોલન દરમિયાન 20 યુવાનોને જેલમાં મોકલીને રાષ્ટ્રીય વહેણ સાથે સાબરકાંઠા અરવલ્લી જિલ્લો પણ સુસંગત રહ્યો હતો.
              આઝાદીની લડત દરમિયાન મહાસભાના અધિવેશનમાં સાબરકાંઠા-અરવલ્લીના પ્રતિનિધિઓ હાજર રહેતા અને મહાસભાનો સંદેશો ઝીલીને જિલ્લામાં કાર્યક્રમ ગોઠવતા હતા. 1923માં અધિવેશનમાં મોહનલાલ વી.ગાંધી તથા વિષ્ણુભાઈ ત્રિવેદી કોંગ્રેસ કમિટીના અમદાવાદ મુકામે મળેલા 36 મા અધિવેશનમાં પુરુષોત્તમ ગો. શાહ, 1938ના હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભભાઈ દોશી, પુરુષોત્તમદાસ ગો.શાહ તથા હરિપ્રસાદ જોશી, 1939માં કરાચીમાં મળેલી કોંગ્રેસમાં શંકરલાલ સુરા તથા ગોપાલદાસ સુરાએ હાજરી આપીને, રાષ્ટ્રીય મહાસભા કાર્યક્રમો ઝીલીને રાષ્ટ્રમાં વહેતાં થતાં લડતના પ્રવાહોમાં
               ગાંધીયુગના મુખ્ય કવિઓમાં સ્થાન ધરાવનાર ઉમાશંકર જોશીએ એ આઝાદીની લડત દરમિયાન ઝેરનો જાત અનુભવ કરીને, તેને પોતાની કવિતામાં કંડાર્યો. તેમાં રાષ્ટ્રીય અસ્મિતાની તેમની કવિતાથી તેમણે રાષ્ટ્રને નજર સમક્ષ રાખીને વિશ્વને આવરી લીધું. "વિશ્વશાંતિ", "ગંગોત્રી", "વસંત" વગેરે કાવ્યસંગ્રહો દ્વારા અરવલ્લીમાં જન્મેલા એ કવિઓએ આઝાદીની લડત દરમિયાન રાષ્ટ્રીય અસ્મિતાને જાગ્રત કરીને, વિશ્વ અસ્મિતાના ઘડતરમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એ ઉપરાંત રમણલાલ સોની, નીલકંઠ કવિ, ભોગીલાલ ગાંધી , મથુરદાસ ગાંધી, ગંગારામ શુક્લ, કાશીરામ ઠક્કર વગેરે લડતના વિવિધ તબક્કે કાવ્યો, લેખો, નાટકો વગેરે સંગ્રામ સાહિત્ય રચીને, સાબરકાંઠામાં લડતનો જુસ્સો ટકાવી રાખવાનું તથા તેમાં જોમ ઉમેરવાનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. આમ, સાહિત્યકારોએ પોતાની રચનાઓ દ્વારા માત્ર જિલ્લા કે પ્રદેશ કક્ષાએ જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ પણ લડતનો જુસ્સો ટકાવી રાખી તેમાં વેગ પૂરી ભારતના રાજકીય ઇતિહાસ ઘડતરમાં ફાળો નોંધાવ્યો હતો.


("આઝાદીની લડતમાં અરવલ્લીનું યોગદાન"  વિશે વધું જાણીશું આવતા સોમવારે )

લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો 
           સર્જનાત્મક સાબરકાંઠા
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, April 25, 2019

વ્યક્તિ વિશેષ: દીકરી નામે અજવાળુ નીલાંશી પટેલ

વિશ્વ કક્ષાએ ગૌરવ પ્રદાન કરાવનાર બહુમુખી પ્રતિભાસંપન્ન  દીકરી નીલાંશી પટેલ



               ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નામ સાંભળતાં જ દરેક વ્યક્તિનું મન કુતૂહલવશ રોમાંચ અનુભવે છે. વિવિધ ક્ષેત્રમાં અનોખી સિદ્ધિઓ હાંસલ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરવા કેટલીક વ્યક્તિઓ સમસ્ત જીવન ખર્ચી નાખે છે. સમસ્ત વિશ્વમાં પ્રતિસ્થિત એવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા સાહસિકો જીવ સટોસટના ખેલ ખેલતા પણ ખચકાતા નથી. ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતી નીલાંશી પટેલ માત્ર ૧૬ વર્ષની વયે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવી, સમસ્ત વિશ્વમાં અરવલ્લીને એક નવી ઓળખ અપાવી છે અને સમસ્ત ગુજરાતને ગૌરવ પ્રદાન કર્યું છે. 
         અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની લગોલગ આવેલા ખોબા જેવડા સાયરા ગામની નીલાંશી પટેલ એ શિક્ષક દંપતી કામિનીબેન અને બ્રિજેશભાઈ પટેલનું એકમાત્ર સંતાન છે. આ શિક્ષક દંપતી અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળામાં પોતાની ફરજ બજાવે છે. દીકરી નિલાંશીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી, વિકસવાની તમામ દિશાઓ આ શિક્ષક દંપતીએ ખોલી આપી છે. દીકરો-દીકરી એક સમાન એ ઉક્તિ આ શિક્ષક દંપતી એ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. 
              વિશ્વ કક્ષાએ અરવલ્લી અને ગુજરાતનું નામ ગુંજતું કરનાર નીલાંશી પટેલની સિદ્ધિઓ વર્ણવતા પિતા બ્રિજેશભાઈની આંખોમાં અનોખી ચમક ઉભરી આવે છે. દીકરીની વાત કરતાં તેઓ ભાવવિભોર બની જાય છે. 
            ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય 5.2 ફૂટ ઊંચાઈ ધરાવતી નીલાંશી પટેલની વાળની લંબાઈ 5.7 ફૂટ છે. વિશ્વભરના ટીન એઝર્સમાં સૌથી લાંબા વાળ ધરાવતો અનોખો વિશ્વ વિક્રમ પોતાના નામે કરનાર નીલાંશી પટેલ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થીની રહી છે.
          નિલાંશીએ ધોરણ 1 થી 5 નું પ્રાથમિક શિક્ષણ મોડાસાની જાણીતી શાળા કલરવ અને ધોરણ 6 થી 8નું શિક્ષણ કે.એન.શાહ હાઇસ્કુલમાં લીધું. અહીં મોડાસામાં તેની હરિફાઈ ડૉક્ટર, એન્જિનિયર જેવા સંપન્ન વાલીઓના સંતાનો સાથે હતી. સાયરાથી મોડાસા વાનમાં બેસી અપડાઉન કરતી નિલાંશીએ આ હરિફાઈમાં તમામ વિદ્યાર્થીઓને હંફાવ્યા. મોડાસાના અભ્યાસ દરમિયાન ધોરણ 1-8 સુધી નીલાંશી એ કોઈપણ જાતના ટ્યુશન વગર હંમેશા પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો. પોતાની પ્રતિભાના આધારે ધોરણ-9અને 10 માટે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં પણ તેની પ્રતિભા છૂપી રહી નહીં. અહીં નવોદય વિદ્યાલયમાં ગોલ્ડમેડલ મેળવી પોતાની તેજસ્વિતાનો સર્વને પરિચય કરાવ્યો. માત્ર અભ્યાસમા જ નહીં પરંતુ સાથે-સાથે સહભ્યાસિક તમામ ક્ષેત્રમાં પણ નીલાંશી હંમેશા અગ્રેસર રહી છે. 
          નીલાંશી પટેલ ટેબલ ટેનિસની પાવરધા ખેલાડી છે. ટેબલટેનિસમાં જિલ્લા રાજ્ય અને નેશનલ કક્ષા સુધીની મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂકી છે. School game federation of india દ્વારા આયોજિત દિલ્હી ખાતે છત્રસાલ સ્ટેડિયમમાં યોજાયેલ નેશનલ સ્પર્ધામાં નીલાંશીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાગરાજ સ્ટેડિયમ પર દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ચેસ, સ્કેટિંગ, ડાન્સિંગમાં પણ નીલાંશીને પરાસ્ત કરવી પ્રતિસ્પર્ધી માટે સરળ નથી.

           નીલાંશી પટેલ બહુમુખી પ્રતિભા ધરાવતી તેજસ્વી વિદ્યાર્થીની છે ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને ફિલ્મના પટકથા લેખક ભરત વ્યાસની જાણીતી બાળ ફિલ્મ "મસ્તીખોર" માં ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા હિતુ કનોડિયા સાથે અદભુત અભિનય કરી દર્શકોની વાહવાહી લૂંટી ચૂકી છે. નિલાંશી પાસે આગવી વક્તૃત્વ કળા છે. તેની વાતોમાં તર્ક હોય છે, તથ્ય હોય છે અને વાણીમાં પ્રવાહિતા હોય છે. જ્યારે પણ મંચ ઉપરથી પોતાની વાત રજૂ કરી છે ત્યારે, સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનો મંત્રમુગ્ધ બની સાંભળ્યા જ કરે છે. 
             નિલાંશી પાસે બંને હાથે લખવાની આગવી કળા છે. નીલાંશીના અક્ષર જાણે કે મોતીના દાણા!! અભ્યાસ દરમિયાન સુલેખન સ્પર્ધામાં સમસ્ત ઉત્તર ગુજરાતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. વિજ્ઞાનમાં પણ તેની ગજબની રુચિ રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે કરેલા વિવિધ ઇનોવેશન માટે ગુજરાત વિદ્યાપીઠે સર્ટિફિકેટ આપી, તેનું સન્માન કર્યું છે. ગુજરાત મહિલા સરક્ષણ કાર્યક્રમ હેઠળ કરાટેની સ્પર્ધામાં પણ અવ્વલ રહી છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તાત્કાલિન સચિવ ભાગ્યેશ જહા દ્વારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવી છે. પોલીસ સ્ટુડન્ટ કેડેટ કાર્યક્રમ અંતર્ગત નીલાંશી ડી.વાય. એસ.પી સાથે તાલીમ પણ લીધી છે. સંગીત પ્રેમી નીલાંશી સંગીત ના તમામ વાદ્ય ખુબ સુંદર રીતે બજાવી જાણે છે. 
                   નિલાંશી જ્યારે 10 વર્ષની હતી ત્યારે પહેલી વાર તેના વાળ બોય કટ કાપવામાં આવ્યા. વાળ કપાવ્યા બાદનો લુક નીલાંશીને બિલકુલ પસંદ ન પડ્યો. અને એ દિવસથી જિંદગીમાં ક્યારેય વાળ ન કપાવવાનો નિર્ણય લીધો. અને વાળ વધારવાના શરૂ કર્યા. વાળની યોગ્ય માવજત થકી વાળની લંબાઈ અસામાન્ય રીતે વધતી રહી. પછી તો નીલાંશી જ્યાં જાય ત્યાં તેના લાંબા વાળ આકર્ષણનું કેન્દ્ર બનવા લાગ્યા. 
       પિતા બ્રિજેશભાઈ અને માતા કામિની બહેને દીકરીની નીલાંશીને સમસ્ત ભારતનું ભ્રમણ કરાવ્યું છે. કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી દીકરીને સાથે લઈ ખૂબ ફર્યા છે. દીકરીની સાથે રહી જંગલો, નદીઓ, સરોવરો અને સાગરની સફર પણ ખેડાવી છે. 16 વર્ષની આટલી નાની ઉંમરમાં નીલાંશી 10 જ્યોતિર્લિંગના દર્શન કરી ચુકી છે. બ્રિજેશભાઈ નિલાંશી માટે ભારતના કોઈ પણ સ્થળના પ્રવાસનું આયોજન કરે છે ત્યારે, નીલાંશી તે સ્થળ વિશેની જાણવા જેવી તમામ વિગતો હસ્તગત કરી લે છે અને તેઓની મુલાકાત અભ્યાસપૂર્ણ મુલાકાત બની રહે છે. આ પ્રવાસોના ખેડાણથી નીલાંશી સમસ્ત ભારતના કોઈપણ રાજ્યના ભૃપુષ્ઠ, આબોહવા અને લોકજીવનથી પરિચિત છે.

         ગોવાના પ્રવાસ દરમિયાન એકવાર કેટલાક વિદેશી પર્યટકો નીલાંશીના લાંબા વાળ જોઈ, નીલાંશી સાથે ફોટો પડાવવાની માગણી કરી. ત્યારે, નિલાંશીના પરિવારની પણ આશ્ચર્ય થયું કે દીકરીના લાંબા વાળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. વિદેશી સહેલાણીઓને સલાહ આપી કે આટલા લાંબા અને સુંદર વાળ છે તો આપ વિશ્વ વિક્રમ માટે નામ કેમ નથી? નોંધાવતા અને ત્યાર પછી એક નવી સફરની શરૂઆત થઈ.
               વિશ્વ વિક્રમ માટે આસપાસના લોકોને પૂછપરછ કરી કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે કાર્યવાહી શું કરવી?? પરંતુ કોઈ પાસે પૂરતી જાણકારી મળી નહીં. ત્યારબાદ બેંગલોર ખાતે આવેલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ઓફિસ પર ઇમેલ દ્વારા સંપર્ક કરતાં તેઓએ લંડન ખાતે આવેલી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની મુખ્ય ઑફિસનું મેલ એડ્રેસ આપ્યું. અને મુખ્ય ઓફિસ ખાતે નીલાંશીની તમામ વિગતો મોકલી આપવામાં આવી. છ મહિના બાદ લંડન ખાતેની મુખ્ય ઓફિસ તરફથી પ્રત્યુત્તર મળ્યો કે અર્જેન્ટીના અને જાપાનના ટીનેજર્સના લોન્ગ હેરનો રેકોર્ડ તમે બ્રેક કરી રહ્યા છો. ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ્સ, ફોટો, વિડિયો, વગેરે ઈ-મેલ દ્વારા મંગાવવામાં આવ્યા. એ તમામ વિગતો ચકાસ્યા બાદ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ટીમ દ્વારા નીલાંશીના પરિવારને ઈટાલીના રોમ ખાતે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. 
                પિતા બ્રિજેશકુમાર અને માતા કામિની બહેન સાથે નિલાંશી રોમ ગયા. આ પ્રવાસ દરમિયાન પહેલી વાર નીલાંશી એરોડ્રામ જોયું હતું. જેનો તમામ ખર્ચ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ટીમ દ્વારા આપવામાં આવ્યો. ઈટાલીના ઇન્ટરનેશનલ ટીવી શોમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ ઉપસ્થિત રહી. અને લાઈવ કાર્યક્રમમાં વાળનું મેજરમેન્ટ લેવામાં આવ્યું. જેમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડના જજ સાફિયા પણ ઉપસ્થિત હતા. 21 નવેમ્બરના એ દિવસે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુવર્ણ અક્ષરે નીલાંશીનું નામ અંકિત થયું અને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર નીલાંશી અરવલ્લીની પ્રથમ વ્યક્તિ બની. તમામ ઇન્ટરનેશનલ ટીવી ચેનલો અને પ્રિન્ટ મીડિયાએ નીલાંશીના ન્યુઝ પ્રસિદ્ધ કર્યા. 
        અરવલ્લીના અંતરિયાળ એવા નાનકડા સાયરા ગામની નીલાંશી સેલિબ્રિટી બની ગઈ. ૨૦ એપ્રિલના રોજ યોજાયેલ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ મેચમાં નિલાંશીને રાજસ્થાન રોયલ તરફથી મુખ્ય મહેમાન તરીકે મેચમાં ઉપસ્થિત રહેવાનું બહુમાન પ્રાપ્ત થયું. રાજસ્થાન રોયલ્સ ટીમનાં માલિક શિલ્પા શેટ્ટી નિલાંશીને આ મેચમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું.

        1 લી જાન્યુઆરી 2019 ના રોજ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જે પુસ્તક એક સાથે 100 દેશોમાંથી 30 ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ભારતમાંથી એકમાત્ર નીલાંશીની સ્ટોરી ફોટા સાથે પ્રકાશિત થઈ છે. તે પણ સમસ્ત ભારત માટે ગૌરવની વાત છે.
નિલાંશી હાલ તો ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે પરંતુ તેને I.I.T કોમ્પ્યુટર સાયન્સમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે. અને એ માટે હાલ નીલાંશી તનતોડ મહેનત કરી રહી છે. જેથી તે હાલ કોઈપણ જાહેરાતોથી અને પબ્લિસિટી થી દૂર રહે છે. અનેક કંપનીઓ એ અનેક જાહેરાતો માટી ઓફર કરી છે. પરંતુ, હાલ નીલાંશીએ સંપૂર્ણ ધ્યાન પોતાના અભ્યાસ પર કેન્દ્રિત કર્યું છે. કારણ નીલાંશી જણાવે છે કે મારું ટેલેન્ટ મારા દેશ ને કામ આવે. મારા ભારત દેશમાં વસતા છેક છેવાડાના ગરીબ માણસ ને હું મદદરૂપ થઈ શકું. દેશ માટે શક્ય એટલું કરી છૂટવાનું મારો દ્રઢનિશ્ચય છે. 
નિલાંશીની કારકિર્દીની હજી શરૂઆત છે. એનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ છે જ. આગળ જતાં નીલાંશી માત્ર અરવલ્લીનું જ નહીં પરંતુ સમસ્ત ગુજરાત, ભારત, વિશ્વનું અને માનવજાતિનું ગૌરવ વધારે તો નવાઈ નહીં. દીકરીને વિકસવા માટે મોકળું મેદાન પૂરું પાડનાર અને પ્રેરણાત્મક ભૂમિકા ભજવનાર પિતા બ્રિજેશભાઈ અને માતા કામિનીબેને સમાજને ઉત્તમ આદર્શ પૂરો પાડ્યો છે. નીલાંશીને ઉજ્વળ ભવિષ્ય માટે દિલથી ખૂબ ખૂબ શુભકામનાઓ.

(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.


Thursday, April 18, 2019

વ્યક્તિ વિશેષ: રમતવીર ભલાજી ડામોર

વિશ્વ કક્ષાએ અરવલ્લીને ગૌરવ અપાવનાર ક્રિકેટર ભલાજી ડામોર



            ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે અને તેના ખેલાડીઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારતમાં રામતવીરોમાં સૌથી વધારે માનપાન ક્રિકેટરો મેળવે છે. આવા ભારતમાં વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂકેલા અરવલ્લીના બલાઇન્ડ ક્રિકેટર ભલાજી ડામોર દારુણ ગરીબીમાં જીવન જીવવા મજબૂર છે. આવો આજે અવગત થઈએ બ્લાઇન્ડ વિશ્વકપના હીરો રહી ચૂકેલા ઓલરાઉન્ડર ખિલાડી અને અનેક હાડમારીઓ વચ્ચે જીવન ગુજારતા ભલાજી ડામોર વિશે. 
             અંધ ક્રિકેટ વિશ્વકપમાં ભારતને ગૌરવ અપાવનાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના યુવાન ક્રિકેટર ભલાજી ડામોરની આ વાત છે. માલપુર તાલુકાના 1500ની વસ્તી ધરાવતું પીપરાણા ભલાજીનું ગામ છે. ભલાજી ડામોર 1998માં બ્લાઇંડ વિશ્વ કપના હીરો રહી ચુક્યા છે. સાત દેશો વચ્ચે રમાયેલી બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભલાજી ડામોર હાલ દારુણ ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા છે. 
           ઓલિમ્પિક્સ કે ક્રિકેટમાં વિજેતા બનનારને સરકાર કરોડો રૂપિયાના ઇનામ અને પ્રોત્સાહન આપે છે જયારે ગુજરાતને રાષ્ટ્રીય અને વિશ્વ કક્ષાએ ખ્યાતિ અપાવનારા એવા પણ ખેલાડીઓ છે કે જેમની સરકાર કે સમજે એની નોંધ પણ લીધી નથી . સરકાર દ્વારા પ્રોત્સાહન અને સહાય ન મળવાના કારણે ખેલાડીઓએ રમવાનું છોડી દેવું પડે છે અને નાનું-મોટું કામ મળે તે કરીને પેટનો ખાડો પૂરવો પડે છે. જો સરકાર દ્વારા આવા ખેલાડીઓને પૂરતું માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહાય આપવામાં આવે તો આ ખેલાડીઓ પણ વિશ્વ કક્ષાએ મોટો મુકામ પ્રાપ્ત કરી શકે છે અને માનભેર જીવી શકે છે. 
       નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રાજ્યનું નામ ઉચું કરનાર આ ખેલાડીઓની હાલત જોઈને કોઈ ગરીબ કે સામાન્ય વ્યક્તિ સ્પોર્ટ્સમાં કરિયર બનાવવાનો વિચાર પણ નહીં કરે. ગુજરાત સરકાર દ્વારા માર્ચ, ૨૦૧૬માં નવી સ્પોર્ટ્સ પોલિસી લૉન્ચ કરવામાં આવી પણ જેમણે ખરેખર રાજ્યને સ્પોર્ટ્સ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે તેમના માટે રાજ્ય સરકાર કંઈ કરી શકી નથી અને આ રમતવીરો કફોડી સ્થિતિમાં જીવી રહ્યા છે.

        ભલાજી ડામોર જન્મથી જ અંધ છે. તે સમયે તેના માતા-પિતાને અંધ પુત્ર હોવા બાબતે ભારે દુઃખ હતું. ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર ખાતેની સંસ્થા સાથે જોડાયા અને અહીં અભ્યાસ કરી ધોરણ 10 પાસ કર્યું હતું. 
           બ્લાઇન્ડ હોવા છતાં રમત-ગમતમાં તેઓની રુચિ ગજબની હતી. પોતાની આગવી આવડતને કારણે અંધ વિદ્યાર્થીઓ સાથે 1992થી ક્રિકેટ રમવાનું શરુ કર્યું. શરૂઆતમાં સ્થાનિક કક્ષાએ ક્રિકેટ રમી તેમાં સારો દેખાવ કરી 1992માં ગુજરાત કપ રમી વિજેતા બન્યા. બાદ એ જ વર્ષમાં જોનલ કક્ષાએ પસંદગી પામ્યા. 1993 માં મહારાષ્ટ્રને હરાવી નેશનલ કક્ષાએ પોતાની કાબેલિયત પુરવાર કરી. સખત પરિશ્રમ કરી ઓલરાઉન્ડર તરીકે આ ખેલાડીએ સારી નામના મેળવી. આ ઉપરાંત અમદાવાદ અને મુંબઈ ખાતે અંધ વિશ્વ કપમાં પસંદગી પામવા માટે તનતોડ પુરુષાર્થ કર્યો.
            આખરે ધગશ પૂર્ણ કરેલી તેઓની મહેનત રંગ લાવી. અને બ્લાઇન્ડ વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં તેઓ સ્થાન પામ્યા. 1998માં નવી દિલ્હી ખાતે સાત દેશો વચ્ચે યોજાયેલ બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં ભલાજી ડામોરે ભારત દેશ વતી પ્રતિનિધિત્વ કર્યું. વિશ્વ કપ દરમિયાન રમાયેલ તમામ મેચોમાં તેઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. વિશ્વકપમાં ઓલરાઉન્ડર ક્રિકેટર તરીકે તેઓ ઉભરી આવ્યા. વિશ્વકપ દરમિયાન પાકિસ્તાન સામેની રસાકસીભરી દિલધડક મેચમાં 64 રન ફટકારી તેઓ નોટ આઉટ રહી, પાકિસ્તાનને ક્રિકેટના મેદાનમાં ધૂળ ચાટતું કરી, ભારતની ટીમને એકલે હાથે સેેમિફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકા સામે રમી 10 ઓવરમાં 11 રન આપી ચાર વિકેટો ઝડપી સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અનેક વાર તેઓ મેન ઓફ ધી મેચનો ખિતાબ હાંસલ કરવામાં સફળ રહ્યા. સમગ્ર વિશ્વકપ દરમિયાન ઓલરાઉન્ડર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મેન ઓફ ધ સીરિઝનો ખિતાબ પણ ભલાજી તેમના નામે કર્યો હતો.બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને ભલાજી ડામોરનું સન્માન કર્યું. વિશ્વ કપ દરમિયાન ભલાજીને અન્ય ખેલાડીઓ સચિન તેંડુલકર કહીને બોલાવતા હતા. સમગ્ર ક્રિકેટની સફરમાં અત્યાર સુધીમાં 150થી વધુ મેચો રમી અને 7000 થી વધુ રન તેઓએ બનાવ્યા છે. અને ૧૨૫ થી વધુ વિકેટો ઝડપી છે.

                આવા હોનહાર પ્રતિભાસંપન્ન ખેલાડીની હાલની આર્થિક પરિસ્થિતિ દયનીય છે. તેઓની પત્ની અનુ અને ઘરડા મા-બાપ કાળી મજૂરી કરી પેટનો ખાડો પુરવા મથી રહ્યા છે. તેઓના બે સંતાનો સતીશ અને આકાશના ભવિષ્ય ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે.
               ઇન્ટરનેશનલ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત વિશ્વકપની કોઈ એક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સામાન્ય ખેલાડી પર સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા ઇનામોનો ધોધ વરસાવવામાં આવે છે. માત્ર એક ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી સામાન્ય ક્રિકેટનો ખેલાડી કરોડોના આસામી બની જતા હોય છે. અને શાહી ઠાઠમાઠથી જીવન પસાર કરતા હોય છે. જ્યારે સંપૂર્ણ દ્રષ્ટિહીન ભલાજી ડામોર અનેક પડકારો વેઠી, ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી વિશ્વ કક્ષાએ ભારતને ગૌરવ પ્રદાન કર્યું હોવા છતાં આજે પશુઓ ચરાવી ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓને મળેલ અનેક એવોર્ડ્સ અને ટ્રોફીઓ ઘરના ખૂણામાં એક પાટિયા પર મુક સાક્ષી બની હોનહાર ખેલાડીની જીવન ઘટમાળ નિહાળી રહી છે.


        ગરીબ માતા-પિતાએ દાગીના ગીરવે મૂકી, પેટે પાટા બાંધી ભલાજીની ક્રિકેટ ક્ષેત્રી કારકિર્દી ઘડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઇન્ટરનેશનલ કક્ષાએ ક્રિકેટ રમ્યા પછી જાણે જિંદગી બદલાઈ જશે એવા અનેક સપનાઓ આ યુવાને સેવ્યા હતા. તેઓને શ્રદ્ધા હતી કે તેઓ દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો સરકાર ચોક્કસથી તેઓને નોકરી અને આર્થિક બાબતે સહાય કરશે પરંતુ તેઓની આ આશા ઠગારી નીવડી. ખેલ મહાકુંભ જેવા તાઈફાઓ પાછળ કરોડો રૂપિયા વેડફી નાખનાર સરકારને આવા પ્રતિભાસંપન્ન ખેલાડીઓની કઈ જ પડી નથી કે નથી પડી સમાજને. ભારત દેશને ગૌરવ અપાવવા માટે પોતાની સમસ્ત કારકિર્દી હોડમાં મૂકી દેનાર ખેલાડીનો પરિવારને આજે બે ટંક પેટનો ખાડો પુરવા માટે પણ ફાંફા મારવા પડે છે. વિશ્વ કપ રમી ચૂકેલા પ્રતિભાસંપન્ન ખેલાડીની આવી દયનીય સ્થિતિ જોઈ કોઇપણ યુવાન રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતા પહેલાં સો વખત વિચાર કરશે. 
            વિશ્વ કક્ષાએ ભારતને સન્માન અપાવવા જેણે પોતાનું જીવન રમત ગમત માટે ન્યોછાવર કરી દીધું એવો પરિવાર ઘોર અંધકારમાં જીવી રહ્યો છે. આશા છે કે સરકાર કે કોઈ સામાજિક સંસ્થા સુધી આ વાત પહોંચે. સરકાર અને સામાજિક સંસ્થાઓ સુધી આ વાતને પહોચાડવા આપ પણ માધ્યમ બની શકો છો. શક્ય છે કે ઘોર અંધકારમાં જીવતા ભાલાજીના માસૂમ સંતાનો સતીશ અને આકાશને ઉજ્જવળ ભવિષ્ય સાંપડે.


(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

Monday, April 15, 2019

આપણો જિલ્લો, આપણું વતન, અરવલ્લી. ભાગ -11



અરવલ્લી જિલ્લાના તીર્થધામો: 
 ભક્તોની ભીડનો ભાંગીને ભુક્કો કરતા  શ્રી ભીડભંજન હનુમાન મંદિર : સાકરીયા 


.કળિયુગમાં હનુમાનજી પ્રત્યક્ષ દેવ છે. પવનસુત હનુમાન વજ્રાંગની ઉપાસના છેક રામાયણકાળથી આજે પણ ચાલી આવે છે. પરાક્રમ, ધૈર્ય, બુદ્ધિ અને ચાતુર્યથી રામાયણના અગ્રણીઓની હરોળમાં હનુમાજીએ સ્થાન મેળવ્યું છે.આ ઉપરાંત પ્રજા સમસ્તના હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે. જેમની સ્વામીનિષ્ઠા અને સેવાભક્તિ અનન્ય છે. હનુમાનજી કરોડો લોકોના આરાધ્યદેવ અને પ્રેરણામૂર્તિ છે. કોઈ પણ ગામ કે નગરમાં બીજા કોઈ દેવી દેવતાનું મંદિર હોય કે ન હોય પરંતુ હનુમાનજીનું મંદિર દરેક ગામમાં અચૂક જોવા મળે છે. કેટલાંક સ્થળોએ આવેલ હનુમાનજીની પૌરાણિક પ્રતિમા ભક્તો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર બને છે. આવી જ હનુમાનજીની દિવ્ય પ્રાચીન પ્રતિમા અહીં સાકરીયા ગામમાં આવેલી છે. 




             અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસાથી માત્ર પાંચ કિલોમીટર દૂર, દિલ્હી-મુંબઈને જોડતા માર્ગ પર આવેલ પાવન ગામ સાકરીયાની ખ્યાતિ આજે દેશ વિદેશ સુધી પ્રસરી છે. સાકરી નદીના કિનારે આવેલ સાકરીયા ગામના ભાગોળે અરણ્યની વચ્ચે આવેલ પૌરાણિક સ્વયંભૂ પ્રગટ શ્રી ભીડભંજન હનુમાનજીની પ્રતિમા અલૌકિક છે. નયનરમ્ય વાતાવરણ વચ્ચે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજીની પૌરાણિક પ્રતિમા મૂળ પાંડવ વર્ષ વખતનું હોય તેવું વડીલોનું માનવું છે. માલપુુર પાસેે આવેેેલ કલેશ્વરીથી હનુમાનજીનું ધામ સુધીના ગાઢ જંગલો હિડિંબા વન વિસ્તાર તરીકે ઓળખાય છે. મહાભારત કાળ દરમ્યાન પાંડવોના અહીં વિચરણ થયાના અનેક પ્રમાણો પ્રાપ્ત છે. આ મંદિર નજીકમાં આવેલું કલેશ્વરી કે જેમાં ભીમ પગલાના અવશેષો હોવાની લોકવાયકા છે. 
               પૌરાણિક કથા અનુસાર ભીમને પોતાની શક્તિ પર અભિમાન આવી ગયું ત્યારે હનુમાનજીને રસ્તો રોકી તેનું અભિમાન ઉતાર્યું હતું. તે કથામાં હનુમાનજી ભીમનો રસ્તો રોકીને જે મુદ્રામાં સુતા હતા તે પ્રમાણેની પ્રતિમાનું રૂપ હાલ અહીં જોવા મળે છે. સુંદર અલંકારોથી સુશોભિત આરામનીની મુદ્રામાં અલૌકિક સૌંદર્ય ધરાવતી હનુમાનજીની પ્રતિમા બસ નિહાળ્યા જ કરવાનું મન થાય છે . ભારતમાં સૂતેલા હનુમાનજીની બે મૂર્તિઓ આવેલી છે એક અલ્હાબાદ ત્રિવેણી સંગમ અને બીજી સાકરીયા ગામે. ભીડભંજન હનુમાનજી મંદિર આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં પણ ત્રણ વર્ષ અગાઉ ખોદકામ કરતાં જૂની પૌરાણિક મૂર્તિઓ મળી આવેલ છે. જે મંદિરમાં થયા છે મંદિરના પટાંગણની જૂની વાવ પણ મળી આવેલ છે જેમાં જૂની કોતરણી વાળા કેટલાય અવશેષો જોવા મળે છે. આ બધી પૌરાણિક શિલ્પકળાના નમુના ઉપર થી નક્કી કરી શકાય છે કે આ પ્રાચીન મંદિર હશે. 
               અહીં સ્થાપિત ભીડભંજન હનુમાનજીની પ્રતિમા કેટલાં વર્ષ પ્રાચીન છે તેનો ચોક્કસ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ ગામના વડીલો પાસે થી મળતી માહિતી મુજબ વર્ષો પહેલાં અહીં અડાબીડ જંગલ હતું. ઘટાદાર આબલીઓની છાયામાં ખુલ્લી જગ્યામાં હનુમાનજીની પ્રતિમા બિરાજમાન હતી. વર્ષોથી લોકો અહીં જંગલમાં આવી પ્રતિમાનું પૂજન કરતાં. વર્ષો પહેલાં અહીં જન્માષ્ટમીનો મેળો પણ ભરાતો. વર્ષો જતાં કાળક્રમે જંગલ કપાતું ગયું. અને હનુમાનજીની પ્રતિમા પર છત બનાવવાં આવી. અને ત્યારબાદ અહીં મંદિર નિર્માણ પામ્યું. પરંતુ પ્રતિમાને મૂળ સ્થાનને જાળવી રાખવામાં આવ્યું છે. 

           આ જ પરિસરમાં કાલભૈરવનું સ્થાનક અને મંદિરના પૂર્વ સેવક મધવરામ દાસજીની સમાધિ પણ આવેલ છે. થોડા વર્ષો પહેલાં જ અમદાવાદના દર્શીતભાઈ જૈન પરિવારની પ્રેરણાથી મંદિરમાં રામજી પરિવારની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ સ્થાનનો પ્રભાવ અલૌકિક છે. પરિસરમાં પ્રવેશતાં જ દિવ્ય શાંતિનો અહેસાસ થાય છે. હાલ મંદિરના સંચાલન કરતા પ્રમુખશ્રી હેમંતભાઈ પટેલ,  આશિષભાઈ પેટેલ, રોહિતભાઈ પટેલ અને  મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, ગામના યુવાનો, વડીલો  અને સમસ્ત ગ્રામજનો    દ્વારા આ જગ્યાનો ખુબ સુંદર વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઘટાદાર વૃક્ષઓ, ફૂલ છોડ, લીલોછમ બગીચો અને પંખીઓનો કલશોર વાતાવરણ ને અધિક મધુર બનાવે છે. 

         દર શનિવારે આજુબાજુથી કેટલાય ગામના અને શહેરમાંથી દર્શનાર્થીઓ ચાલતાં હનુમાનજીના દર્શનનો લાભ લેવા આવે છે. કેટલાય શ્રદ્ધાળુ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેશ વિદેશમાંથી પણ લોકો દ્વારા રાખેલી માનતાઓ પૂર્ણ થતાં દર્શને અહીં આવે છે. દર વર્ષે હનુમાન જયંતી વખતે સાકરીયા ગામના વડીલો યુવાનો તથા આજુબાજુના ગ્રામજનોના સહકારથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં 20 થી 25 હજાર લોકો મહાપ્રસાદીનો લાભ લે છે. હનુમાન જયંતીના મહિના અગાઉથી ગામના આબાલવૃદ્ધ સૌ તડામાર તૈયારીમાં લાગી જાય હનુમાન જયંતી ના દિવસે હનુમાનજી દાદા ને સુંદર આભૂષણોથી શણગારવામાં આવે છે. તે દિવસે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં અંદાજિત સો થી વધુ યજમાનો યજ્ઞમાં બેસીને પૂજાનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે હનુમાન જયંતીના આ ઉત્સવની સફળ બનાવવા ગામના બાળકોથી માંડી યુવાનો અને વડીલો ખૂબ જ સહયોગ આપે છે. છે. દર્શને આવતા હજારો દર્શનાર્થીઓ માટે સુચારુ સગવડ પુરી પાડવા ગ્રામજનો તત્પર રહે છે. આ ઉપરાંત કાળી ચૌદસના દિવસે પણ અહીં મહાપુજાનું આયોજન થાય છે. જેમાં પણ હજારો ભક્તો ઉમટે છે. 
           શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ધામ અંદાજીત પાંચ એકર જગ્યામાં આવેલું છે. તેની ફરતે કોટ કરેલ છે. અહીં સુંદર બગીચો બાળકોને રમવા હિંચકા લપસણી પણ છે. જેથી શાળાના બાળકો અહીં એક દિવસના પિકનિક ઉપર પણ આવે છે. અહીં મોટી સંખ્યાના લોકોનું રસોડું થઈ શકે તે માટે રસોઈઘર પણ છે. પાણીની વ્યવસ્થા પણ કરેલ છે. જેથી અહી બાકીના દિવસોમાં સામાજિક અને અન્ય પ્રસંગો પણ દાદાના સાનિધ્યમાં થઈ શકે છે. 

          આ રિદ્ધિ-સિદ્ધિ પૂર્ણ પૌરાણિક શ્રી ભીડભંજન હનુમાનજી દાદાના મંદિરની કીર્તિ ચારેકોર દેશ-વિદેશમાં ફેલાયેલી છે. અહીંના વિકાસના કામો ને આગળ વધારવા દાદાના ભક્તો આવિરત દાનનો પ્રવાહ પણ વહાવી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં અહીં ભવ્ય મંદીર નિર્માણ થવા જઈ રહ્યું છે. અને આ મંદિર ખૂબ જ આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો બેવડો સમન્વય અહીં જોવા મળે છે.
શ્રી ભીડભંજન હનુમાનજી આપની મનોકામના પૂર્ણ કરે. જય સિયારામ
( તસવીર સૌજન્ય : પ્રતિક ભાવસાર, સાકરીયા)
(માહિતી સ્ત્રોત: ભીખાભાઈ ઉપાધ્યાય, સાકરીયા)
(અરવલ્લી  વિશે વધું જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Thursday, April 11, 2019

વ્યક્તિ વિશેષ : અશોકભાઈ જૈન

સંવેદનાની સરવાણીનું સરનામું: અશોકભાઈ જૈન



                સંવેદનાની સરવાણીનું  સરનામું. 
                તેઓનું નામ છે અશોકભાઈ જૈન .
           અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા મથકને જેમણે પોતાનું વતન બનાવ્યું છે. બાયડ બજારમાં કટલરીની એક દુકાન ચલાવવાની સાથે સાથે અનેક વિધ સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ એક ધબકો માણસ. બાયડ નગરમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ મળે જે આ નામથી અપરિચિત હોય. માનવસેવાનો એક નવો રાહ ચીંધી સમાજમાં તેઓ એક નવી આશા પ્રગટાવે  છે. અશોકભાઈ જૈન અને તેઓના મિત્રોએ સાથે મળી આરંભેલ માનવતાના મહાયજ્ઞનો આજે આપને પરિચય કરાવવો છે. 
        આજથી માત્ર દોઢ વર્ષ પહેલાં સ્થપાયેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ અનેક બિનવારસી મંદબુદ્ધિ ધરાવતી માહિલાઓ માટે આજે સુખનું સરનામું બન્યું છે. શું છે આ આશ્રમ?? કેવી રીતે થઈ આશ્રમની સ્થાપના ?? કોણ મેળવી રહ્યું છે અહીં આશ્રય ?? નર્કાગારમાં સબળતી કોઈ મહિલા માટે આપનો અંગુલીનિર્દેશ બદલી શકે છે એ મહિલાની જિંદગી.
             થોડા વર્ષ પહેલાની વાત છે. સાંજનો સમય છે. બાયડ બસ સ્ટેન્ડ ની પાસે એક ટોળું એકત્ર થયું છે. અસ્થિર મગજની કોઈ મહિલા ઉપર એ ટોળું ક્રુર બની પથ્થર વરસાવી રહ્યું છે. આ ટોળાનો કોલાહલ સાંભળી બસ સ્ટેન્ડ પાસે કટલરીની દુકાન ધરાવતા અશોકભાઈ જૈન ત્યાં દોડી આવે છે. મંદબુદ્ધિ ધરાવતી મહિલાની દયનીય સ્થિતિ જોઈ તેવું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓ ટોળાને વિખેર્યું. લોહી-લુહાણ મહિલાની સારવાર કરાવી. અને એ દિવસથી મન માં ગાંઠ વાળી કે આવી બિનવારસી કે જેનો કોઈ પરિવાર નથી કોઈ સગુ-વ્હાલું નથી એવી અસ્થિર મગજની મહિલાઓની સેવા કરવી. અને આવી મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા. એ દિવસથી અશોકભાઈ જૈન અને તેઓના પરગજુ મિત્રો જબ્બર સિંહ રાજપુરોહિત, વિશાલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ લુહાર, પંકજભાઈ પટેલ અને બીજા મિત્રો સાથે મળી એક અભિયાન ઉપાડ્યું. મંદબુદ્ધિ ધરાવતી બિનવારસી જે કોઇ વ્યક્તિ ક્યાંયથી પણ મળી આવે તો તેને પાલીતાણા ખાતે આવેલ મંદબુદ્ધિના વ્યક્તિઓ માટેના આશ્રમમાં પહોંચાડવાની તેઓ વ્યવસ્થા કરવા લાગ્યા.

              એ સમય દરમિયાન હિંમતનગર શામળાજી હાઇવે પર રાજેન્દ્ર નગર ખાતે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ સંસ્થાની મુલાકાત લીધી. ત્યાં પણ રક્તપિત્ત ગ્રસ્ત અને મંદબુદ્ધિ ધરાવતા વ્યક્તિઓની સેવા સુશ્રુષા થતી જોઈ સેવા માર્ગે આગળ વધવાની ઈચ્છા પ્રબળ બની.
            હવે આસપાસના વિસ્તારમાંથી મળી આવતા બિનવારસી મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓને પાલીતાણા પહોંચાડવાની જગ્યાએ બાયડ ખાતે જ એક આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. આશ્રમ સ્થાપવા માટે ફરી મિત્રોની મદદથી મહામહેનતે ભાડાની જગ્યા શોધી કાઢી. શરૂઆતમાં સાડા છ લાખ રૂપિયાનું દેવું કરી આશ્રમ માટે પાયાની માળખાકીય સુવિધાઓ ઊભી કરી. અને આખરે સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ની સ્થાપના કરી. જેમાં સેવાભાવી ટ્રસ્ટીઓ કોઈપણ જાતના સ્વાર્થ વગર પોતાની નિશુલ્ક સેવાઓ આપે છે.

          મંદબુદ્ધિ ધરાવતી બિનવારસી દિવ્યાંગ બહેનો ફુટપાથ ઉપર નરક સમાન, પશુ કરતાં પણ બદતર જિંદગી પસાર કરતી આપણે જોઈ શકીએ છીએ. ફુટપાથ ઉપર આશ્રય લેતી આવી નિરાધાર અનેક મહિલાઓ હેવાનોની હવસનો શિકાર બનતા સમાચારો અવાર-નવાર અખબારમાં પ્રસિદ્ધ થતા રહે છે ત્યારે હૈયામાં એક ચીસ ઉઠે છે. શારીરિક શોષણના ભય સાથે દયનીય પરિસ્થિતિમાં જીવન વિતાવતી અનેક મહિલાઓ માટે જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ સુખનું સરનામું બન્યું છે. ફૂટપાથ, બસસ્ટેન્ડ કે કોઈ ધાર્મીક સ્થાનોએ આવી વ્યક્તિઓ નિવાસ કરતી હોય છે. આવી વ્યક્તિઓ પોતાના પેટની આગ ઠારવાની વ્યથા કોઈને કહી શકતી નથી. દિવસોના દિવસો ભૂખ્યા અને તરસ્યા તડફર્યા કરતા હોય છે. ત્યારે કહેવતો આપણો સભ્યસમાજ તેઓને  ધૃણાની નજરે જુએ છે. આવી વ્યક્તિનો દેખાવ, તેમના શરીરમાંથી આવતી દુર્ગંધ સામાન્ય માણસમાં સૂગ પેદા કરે છે. . ત્યારે અશોકભાઈ જૈન તેમના મિત્રો દ્વારા ચાલતી આ સંસ્થા આવી વ્યક્તિઓને શોધી તેઓને નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી કાયાપલટ કરે છે. સન્માનપૂર્વક જીંદગી જીવવાની એક નવી આશા તેમનામાં પ્રગટાવે છે. વ્યક્તિને નવી ઓળખ આપે છે

             દોઢ વર્ષ પહેલા ત્રણ બહેનો થી શરૂ થયેલા આ આશ્રમમાં આજે 104 બહેનો આશ્રય લીધો છે. 18થી 80 વર્ષ વચ્ચેની ઉંમરની આ મહિલાઓ છે. ગુજરાતના કોઈપણ ખૂણેથી આ સંસ્થાને સમાચાર મળે કે કોઈ અસ્થિર મગજની મહિલા કોઈ જગ્યાએ છે તો અશોકભાઈ અને તેઓના મિત્રો પોતાની કાર લઈ ત્યાં પહોંચી જાય છે અને એ મહિલાને આશ્રમમાં લાવે છે. ધનસુરા રેલવે ફાટક પાસેથી હાથમાં કિડા પડેલી હાલતમાં મળેલ બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિની મિત્રો દ્વારા છ મહિના સુધી સેવા કરવામાં આવી. કઠલાલ બસ સ્ટેશન ના જાહેર સોચાલય પાછળ જેના પગમાં ગેગરીન થયેલા તેવા નિર્વસ્ત્ર હાલતમાં મળેલ મંદબુદ્ધિના યુવકનું ટ્રસ્ટ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાવી પૂરતી કાળજી લેવામાં આવી હતી. ડાકોર મંદિર વિસ્તારમાંથી હાથમાં કીડા પડે હાલતમાં મળેલ બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિની ટ્રસ્ટના મિત્રો દ્વારા ચાર મહિના સુધી સારવાર કરી હિંમતનગર આશ્રમમાં આશ્રય આવ્યો. સાઠંબા પાસે તલોદ પાટીયા ની બાજુમાં થી પગ માં કીડા પડેલ હાલતમાં મળેલ મંદબુદ્ધિની મહિલાના પગ ની સારવાર કરાવી આ જ આશ્રમમાં આશ્રય આવ્યો. આવા તો અનેક વ્યક્તિઓના જીવનમાં કાયાપલટ કરવા માટે આ સંસ્થા નિમિત્ત બની છે. 
            આ આશ્રમની બહેનોને તબીબી સારવાર માટે અહીંના સ્થાનિક હોસ્પિટલના જાણીતા ડોક્ટર મિનેશ ગાંધીનો સંપૂર્ણ સહયોગ સાંપડે છે તેઓએ અત્યાર સુધી છ જેટલા ઓપરેશન નિશુલ્ક કરી આપ્યા છે. તદુપરાંત બાયડના CSC ના ડોક્ટર જતીન દવે વાત્રક હોસ્પિટલ અને હિંમતનગર ની હેત હોસ્પિટલ ના ડોક્ટર ભાવિક શાહ પણ આ સેવાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છે. 
       મહિનાના એક રવિવારે અમદાવાદ થી સાઈક્રિટીક બોલાવી આ મહિલાઓની તબીબી ચેકઅપ કરાવવામાં આવે છે. આશ્રમમાં રહેતી મહિલાઓને પ્રેમ, હૂંફ , લાગણી અને માનસિક રોગોની સારવાર મળતાં અનેક મહિલાઓ ની યાદદાસ્ત પાછી આવતા પરિવાર સાથે તેઓનું પુનઃ મિલન શક્ય બન્યું છે. રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોની મહિલાઓ અહીં આશ્રય લઈ રહી છે. જુદી જુદી ભાષાઓમાં બોલતી મહિલાઓની વાતો સમજી પણ શકાતી નથી. ભલે તેમની ભાષા સમજી નથી શકાતી પરંતુ તેમના ચહેરા પરના ભાવ સ્પષ્ટ વાંચી શકાય છે તમામ મહિલાઓએ પોતાના ઘરે પરત ફરવું છે. ક્યાં હશે તેઓનો પરિવાર કોઈ નથી જાણતું. વાતાવરણમાં થોડીવાર હાસ્ય, થોડીવાર રુદન અને પછી ચિર શાંતિ પથરાઈ જાય છે .આવી પરિસ્થિતિમાં જુદી જુદી ભાષાના જાણકારોની મદદ લઈ તેઓ સાથે વાર્તાલાપ કરી તેઓના વતન સુધી પહોંચાડવાનું પ્રયત્ન કરવામાં આવે છે. અત્યાર સુધી આવી 66 મહિલાઓને પોતાના પરિવાર સાથે મિલન માનવતાનું અજોડ કાર્ય કર્યું છે. 
આશ્રમમાં રહેતી બહેનો માટે બે ટાઇમ ચા-નાસ્તો,સાત્વિક ભોજન, મેડિકલ ચેકઅપની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મંદબુદ્ધિની મહિલાઓ હોય એટલે સ્વાભાવિક રીતે જ તેમની દહી ક્રિયાઓનું ભાનસાન તેમને હોતું નથી  તેથી તેમની યોગ્ય સાફ-સફાઈ માટે ૧૧ જેટલા વ્યક્તિઓનું સ્ટાફ અહીંયા 24 કલાક ખડેપગે સેવા બજાવે છે. આશ્રમની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. 
         સંસ્થાના પ્રમુખ અશોકભાઈ પોતે દુકાનદાર છે પરંતુ સવારે દુકાને જતા પહેલા આશ્રમની અચૂક મુલાકાત લે છે. આશ્રમની વ્યવસ્થા ચકાસે છે મહિલાઓના વ્યક્તિગત ખબર અંતર પૂછે છે. તમામના નામ તેમને મોઢે છે. કઈ મહિલા ને શું તકલીફ છે તેની બારીક સમજણ પણ તેમને કેળવી છે દરેક મહિલાને તેઓ નામથી પુકારે છે. અને આમ મંદબુદ્ધિ કહેવાતી મહિલાઓ અશોકભાઈને જોઈ જાણે પોતાનો ભાઈ મળવા આવ્યો હોય એવું વહાલ અશોકભાઈ પર વરસાવે છે અને ગેલમાં આવી તેઓની સાથે મસ્તીએ ચઢે છે. પોતાના સઘળા દુઃખ દર્દો તેઓ વિસરી જાય છે. 
      અલગ-અલગ ધર્મો પાળતી મહિલાઓ અહીં વસે છે. આકસ્મિક સંજોગોમાં કોઈ મહિલાનું અહીં મૃત્યુ થાય તો જે તે ધર્મ પ્રમાણેની તેમની ધાર્મિક વિધિ પ્રમાણે મોતનો મલાજો જળવાય તેવી રીતે આદરપૂર્વક અંત્યેષ્ટિ ક્રિયા કરવામાં આવે છે. તદુપરાંત આસપાસના પંથકમાંથી બિનવારસી કોઈ લાશ મળી આવે તો પોલીસ આ સંસ્થાનો સંપર્ક કરે છે. અને આ સંસ્થા આવી બિનવારસી લાશનુ પણ આદરપૂર્વક અંત્યેષ્ટિ ક્રિયા કરે છે. અત્યાર સુધી આવી 14 બિનવારસી વ્યક્તિઓની અંત્યેષ્ટિ ક્રિયા સંસ્થાએ કરી છે.
        આ આશ્રમ ચલાવવાનું માસિક ખર્ચ આશરે બે લાખ સુધી પહોંચ્યો છે. આ ખર્ચનો સંપૂર્ણ આધાર સમાજ માત્ર છે. સરકારશ્રી તરફથી કોઈ આર્થિક સહયોગ પ્રાપ્ત થતો નથી. સરકારશ્રી તરફથી વ્યક્તિદીઠ મહિને 10 કિલો ઘઉં ની સહાય માત્ર મળે છે. આટલા માતબર ખર્ચ થતો હોવા છતાં આજ સુધી પાવતી કે ચિઠ્ઠી લઇ બજારમાં ફાળો કરવા માટે જતા નથી. સ્વેચ્છાએ દાતાઓ આશ્રમમાં આવી યથા યોગ્ય દાન લખાવી જાય છે. કોઈ સ્વજન નો જન્મદિવસ હોય કે પોતાના સ્વજનની પુણ્યતિથિ હોય ત્યારે આસપાસના લોકો અહીં આવી આશ્રમવાસીઓને તિથી ભોજન આપી ધન્યતા અનુભવે છે.

       અશોકભાઈ તથા સંસ્થાના ટ્રસ્ટીઓનું કહેવું છે કે ખૂબ થોડા સમયમાં ગુજરાતના કોઈ રસ્તાઓ ઉપર આવી કોઈ મહિલા જોવા મળશે નહીં એક તમામ મહિલાઓ ને અમે અમારી સંસ્થામાં આશ્રય આપીશું અને તેઓને ગૌરવભેર જીવન જીવી શકે તેવી વ્યવસ્થા સમાજના સહયોગ થકી અમે પૂરી પાડીશું.
        આપ પણ જ્યારે બિનવારસી મંદબુદ્ધિ ના વ્યક્તિને જુઓ તો સૌપ્રથમ પાણી આપી આસપાસથી ખાવાની વસ્તુ લઈ તેમને આપવી અને આશ્રમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશો. અથવા સરકારશ્રી તરફથી ચાલતી 181 મહિલા અભયમ સરકારી હેલ્પલાઇન પર સંપર્ક કરશો. 
      આજના સમયમાં દીકરાઓ પોતાના ડાહ્યાડમરા માતા-પિતાને પોતાની સાથે રાખવા તૈયાર નથી અને તેઓની સેવા કરવામાં તેઓને જરા પણ રસ નથી.  તેવા અનેક ઉદાહરણો આજે સમાજમાં જોવા મળી રહ્યા છે  ત્યારે કમોતે મરવાની રાહ જોતી આવી મંદબુદ્ધિ ધરાવતી અજાણી મહિલાઓને સમાજની મુખ્ય ધારામાં પ્રવેશવા લાયક બનાવવાથી લઇને જિંદગીમાં માણસ હોવાનો અહેસાસ કરવાનું એક સ્તુત્ય પ્રયાસ અહીં થઇ રહ્યો છે. જોખમ, સાહસ,હિંમત અને અનેક પડકારો ભરેલું આ કાર્ય છે જેને અહીં અશોકભાઈ જૈન અને તેમના મિત્રોની ટિમ દ્વારા સુપેરે ચલાવવામાં આવે છે. ભવિષ્યમાં આ સંસ્થા સમાજની પીડિત દુઃખી ટ્રસ્ટ મહિલાઓ માટેનું સુખનું સરનામું બની રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
સંસ્થાનો સંપર્ક નંબર 94 260 36 449,
94 292 36 414,  94 284 83287
બાયડ થી વાત્રક તરફ જતા  ડાબી બાજુએ આવેલી આ સંસ્થાની એકવાર અચૂક મુલાકાત લેશો. જેથી મંદબુદ્ધિ ધરાવતી વ્યક્તિ પ્રત્યે ની આપની માનસિકતામાં જરૂર પરિવર્તન આવશે.

(આપની આસપાસ આવા કોઈ ઉમદા કાર્યો કરતી કોઈ સંસ્થા કે  વ્યક્તિ રહેતા હોય તો મારા મોબાઈલ નંબર (98251 42620 )પર અચૂક સંપર્ક કરશો. આવા વ્યક્તિના કાર્યોની સુવાસ સમાજના ઘર-ઘર સુધી પહોંચાડવા હું પ્રયત્ન કરીશ)

(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

Sunday, April 7, 2019

આપણો જીલ્લો, આપણું વતન અરવલ્લી : ભાગ- 10

અરવલ્લીના તીર્થધામો

સદ્ ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી નું પ્રાગટ્ય ધામ ટોરડા


          અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું ટોરડા ગામ એ અનાદિમૂળ અક્ષરમૂર્તિ યોગેશ્વર સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય ધામ છે. વિશ્વભરમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે ટોરડા ધામ સવિશેષ મહત્વ ધરાવે છે.
              અઢારમી સદીમાં સમસ્ત ભારત દેશ અનેક સામાજિક કુવારીજો અને અંધશ્રદ્ધાથી ખદબદતો દેશ હતો. ત્યારે સહજાનંદ સ્વામીએ સમસ્ત ભારતમાં વિચરણ કરી સમાજમાં નવજાગૃતિ આણવાનું ભગીરથ કાર્ય કર્યું. અંધશ્રદ્ધા અને અજ્ઞાનથી ઘેરાયેલી પ્રજાને ધાર્મિક પ્રવૃત્તિ તરફ વાળી ઉન્નત જીવન માર્ગે વળવા  તેઓ પ્રેરક બન્યા.  આ સમગ્ર જાહેમતમાં સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો જો કોઈનો હોય તો એ સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનો છે. સ્વામિનારાયણ ભગવાને તેઓને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની તરીકે નીમ્યા હતા.
     સં. 1837 ના મહા સુદ આઠમને સોમવારના રોજ માતા જીવીબાની કૂખે સદ્ ગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું. તેમના પિતાનું નામ મોતીરામ હતું. સદ ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું બાળપણનું નામ ખુશાલ ભટ્ટ હતું.   સં. ૧૮૩૭ના ચૈત્રસુદ નોમના રોજ છપૈયામાં ભગવાન સ્વામિનારાયણ મહારાજનો  જન્મ થયો ત્યારે સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ આ સભામંડપના મંદિરમાં બિરાજમાન શ્રીગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ ભગવાનના જન્મની ખુશાલીમાં ગોળ વહેચેલ. તેથી અહી ગોળની માનતા રાખવામાં આવે છે.
                બાળપણમાં ટોરડા ગામમાં રહી અનેક બાળ લીલાઓ કરી જેવી કે નાના હતા ત્યારે એક ફણીધર સર્પ તેમને આશીર્વાદ આપવા અને દર્શન કરવા આવ્યો હતો તે વખતે તેઓશ્રી નિર્ભય હતા.  શ્રીકૃષ્ણ ભગવાન સાથે બાલ ક્રીડાઓ કરી. કહેવાય છે કે ભગવાન શામળિયાજી શામળાજી છોડી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે રમત રમવા માટે અહીંયા આવતા. રમત રમતા એકવાર ભગવાન શામળીયાનું   ઝાંઝર અહીંયા રહી ગયું હોવાની વાત પણ પ્રચલિત છે. ભોલેશ્વેર મહાદેવમાં બિરાજિત શ્રી ગણપતિદાદાને પોતાના હાથે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે લાડુ જમાડ્યા.
                   સંવત ૧૮૪૯ના ફાગણ વદી૭મે માતાપિતાની આજ્ઞા લઈ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. કાશીમાં જઈ વેદ વેદાંતમાં પારંગત બન્યા અને વ્યાકરણ કેશરીની પદવીથી વિભૂષિત થઇ, સંવત ૧૮૫૧ના કાર્તિક વદી બીજના દિવસે જગન્નાથપુરી પ્રયાણ કર્યું, ત્યાંથી સાક્ષીગોપાલ, પક્ષીતીર્થ, રામેશ્વર ,શિવકાંચી, વિષ્ણુકાંચી બધા તીર્થોમાં ફરતા ફરતા હરિદ્વારસુધીના તીર્થોમાં ફરતા સંવત ૧૮૫૫ના  જેઠ સુદી એકાદશીના રોજ  બદ્રીનારાયણ પહોચ્યા ત્યાં સૌ પ્રથમ નીલકંઠ વર્ણીનો મેળાપ થયો. અને સ્વામીએ પ્રભુને કહ્યું “પ્રભુ, તમારી  સેવામાં  બોલાવીલ્યો મારા નાથ’’ ત્યારે પ્રભુ બોલ્યા “હજુ તમારે ઘણા કાર્ય કરવાના બાકી છે સમય આવ્યે જરૂર બોલાવી લઈશું”. એમ કહી નીલકંઠ વર્ણી યાત્રાએ નીકળી ગયા અને સ્વામી ટોરડા આવ્યા.
             મંદિરની બાજુમાં સભા મંડપ છે ત્યાં શાળા શરૂ કરી અને ‘‘ ભણાવે, થોડું ઘણું, ધ્યાન કરાવે શ્રી હરિ તણું… ’’ વિદ્યા સાથે બ્રમ્હવિદ્યા ભણાવે, બાળકોને નામાં-લેખાં અને હિસાબી જ્ઞાન આપતા અને વ્યાકરણ, જ્યોતિષ અને કર્મકાંડ પણ ભણાવતા. જે ભણતાં વિદ્યાર્થીને  બે ,ત્રણ વર્ષ થતા, તે સ્વામી બે માસમાં ભણાવીને તૈયાર કરી દેતા. અને પછી શ્રીજી મહારાજનું ધ્યાન કરાવે, અને દિવ્ય અલોકિક આનંદની અનુભૂતિ કરાવે. ટોરડા ગામમાં રહી વરસાદ વરસાવી સુકાળ કર્યો, સર્પનો ઉદ્ધાર કર્યો, વાઘનો મોક્ષ કર્યો, મહુડો મીઠો કર્યો, આંધળાને દેખતા કર્યા, મૂંગાને બોલતા કર્યા, મરેલાને જીવતા કર્યા. જડને ચેતન કર્યા, લોકોને અભિશાપમાંથી મુક્ત કર્યા, ઇડરના રાજાએ નાખેલ વટલાઈ વેરો દુર કરાવ્યો, ઇડર પંથકમાં દુકાળમાં વરસાદ વરસાવી લોકોને સુખી કર્યા, લોકોને વરદાનની વરમાળ પહેરાવી ખુશ ખુશાલ કર્યા.
             શ્રીજી મહારાજે સંવત ૧૮૬૪ના કાર્તિક વદી આઠમ ૮ના રોજ ગઢપુરની ભોમકામાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીમાં સવારે સ્વામીને પરમહંસની ભાગવતી દિક્ષા આપી અને “ગોપાળાનંદ સ્વામી’’ એવું નામ ધારણ કરાવ્યું.
             જે સૌ કોઈના દુઃખ-દર્દ દૂર કરે છે તેવા સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ અને ગોપાળાનંદ સ્વામી નો અનેરો નાતો છે. દરેકના દુઃખ-દર્દ દૂર કરે છે એવા સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ પ્રતિમાને સ્વયં ગોપાળાનંદ સ્વામીએ પધરાવી હતી. સાળંગપુરના જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા ભક્તિ કરતા. સમય જતાં જીવા ખાચરના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ.પરિણામે તેઓ સાધુઓની સેવા કરી શકતા ન હતા. શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું 'દરબાર આપ કેમ ઉદાસ દેખાવ છો? ' તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતા કહ્યું 'સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડ્યાં છે ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી જેથી સત્સંગનો દુકાળ છે સ્વામી આપ કોઈ કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.'


        બસ, પછી તો ગોપાળાનંદ સ્વામી વાઘા ખાચરને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેના પર કોલસાથી હનુમાનજીની પ્રતિકૃતિ દોરી. ત્યારબાદ વાઘા ખાચરને એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું. અને શિલ્પીને ગોપાળાનંદ સ્વામીએ આ પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. મૂર્તિ તૈયાર થયા બાદ જ સ્વામીજીએ મૂર્તિને સાળંગપુર લઈ ગયા આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી પૂજા વિધિ સાથે કષ્ટભંજન દેવ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી ગોપાળાનંદ સ્વામી ના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી આરતી દરમ્યાન ગોપાળાનંદ સ્વામી કષ્ટભંજન દેવની આંખોમાં આંખો પરોવીને નિહાળતા એકી ટસે હનુમાનજીની પ્રતિમાની નિહાળતા હતા કષ્ટભંજનદેવની પ્રતિમા ધ્રુજવા લાગી બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું. હનુમાનજી લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવા લાગ્યા અને માટે હનુમાનજી કષ્ટભંજન દેવ કહેવાયા.
           સંવત ૧૯૦૮ના  વૈશાખ સુદ પાંચમના રોજ ભૌતિક દેહનો ત્યાગ કરીને મૂળ અક્ષર સ્વરૂપે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સનીધ્યમાં સ્વધામ પહોચી ગયા. સદ્‌ગુરૂ ગોપાળાનંદસ્વામીના ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર વડતાલના જ્ઞાનબાગમાં કરવામાં આવ્યો. લોકો દર્શન કરીને ધન્ય બનેએ માટે ઓટો કરીને છત્રી બનાવેલ છે. સ્વામી કુલ ૪૪ વર્ષ સત્સંગની સેવામાં રહ્યાં, જેમાં ૨૨ વર્ષ શ્રીજીમહારાજ હતા તે વખતે રહ્યાં અને ૨૨ વર્ષ શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી સત્સંગમાં રહ્યા.
           શ્રી ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા સંવત ૨૦૦૨ના વૈશાખ સુદ ત્રીજ [અખાત્રીજ]ના ૧૪ મેં ૧૯૪૫નાં દિવસે અમદાવાદના શ્રી નરનારાયણદેવના આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ અને વડતાલના શ્રી લક્ષ્મીનારાયણદેવના આચાર્ય મહારાજ શ્રીઆનંદપ્રસાદજી મહારાજ એમ બન્ને આચાર્યમહારાજ શ્રીઓના કરકમળો દ્વારા કરવામાં આવેલ છે. જેની પ્રાણપ્રતિષ્ઠા બન્ને આચાર્યમહારાજ શ્રીઓ દ્વારા થયેલ હોય તેવા મંદિરોમાનું આ એક અજોડ મંદિર છે. બાજુમાં શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામીજી અને શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી દાદા બિરાજમાન છે.

આ મંદિરની બાજુમાં સદગુરૂ ગોપાળાનંદસ્વામી સભામંડપ આવેલ છે અને તેમાં સૌપ્રથમ સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ શ્રીગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલ અને આજ સભામંડપની જગ્યામાં ખુશાલ ભટ્ટ શાળા ચલાવતાં એવી પ્રસાદીની ભૂમિ છે.
      વિશ્વભરમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આસ્થા ધરાવતા હરિભક્તો ટોરડા ધામના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આપ સર્વેને મારા જય સ્વામિનારાયણ

(અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી


Thursday, April 4, 2019

વ્યક્તિ વિશેષ : શ્રીમતી ઈન્દુબેન પ્રજાપતિ


અંતરિયાળ વિસ્તારના અનોખાં સમજસેવીકા 'પેડવુમન' શ્રીમતી ઈન્દુબેન પ્રજાપતિ


               અરવલ્લી અને સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં અનેક સંસ્થાઓ અને અનેક વિરલ વ્યક્તિઓ સમાજ સેવાના પાયાના કામ મુક સેવક બની કરી રહ્યા છે. સમાજના બહુ ઓછા લોકોનું ધ્યાન આ તરફ ગયું છે. આજે એવી જ એક સંસ્થા અને વ્યક્તિનો પરિચય કરાવવો છે. અરવલ્લીના અરણ્યમાં એક મહિલાના વિચારબીજમાંથી વટવૃક્ષ બનેલી સંસ્થા એટલે "શ્રવણ સુખધામ."
      અરવલ્લીની ગીરીકંદરાઓથી આચ્છાદિત સાબર સરિતાના સમીપે હાથમતીના નીરને સ્પર્શીને માંકડી ડેમના કિનારે આકાર પામેલી શ્રવણ સુખધામ સંસ્થા જોતા જ આંખો ઠરે છે. શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર કુદરતના ખોળે પાંગરેલી આ સંસ્થાનું વાતાવરણમાં ગજબની શાંતિ અનુભવાય છે. સંસ્થાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. અનેક સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાનું સપનું સેવ્યું સાબરકાંઠા- અરવલ્લીના એક અંતરિયાળ ગામમાં જન્મેલા એક મહિલાએ. જેઓની સેવા પ્રવૃત્તિઓ થકી આજે સમસ્ત સ્ત્રી સમાજ માટે તેઓ આદર્શ બન્યા છે. જેમને સાચા અર્થમાં પોતાનું જીવન સ્ત્રી ઉત્થાનમાં ઘસી નાખ્યું છ. અંતરિયાળ ગામડાઓમાં સેવાનો આહલેખ જગાવ્યો છે. 

      તેઓનું નામ છે ઇન્દુબેન આર. પ્રજાપતિ પુનાસનના તેઓ વતની. પુનાસણ એટલે કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મ સ્થાન બામણા ની લગોલગ આવેલું ગામ. 1 નવેમ્બર1963ના રોજ એક સામાન્ય પરિવારમાં તેઓનો જન્મ થયો. તેમના માતાપિતાનું તેઓ એક માત્ર સંતાન. પિતા શિક્ષક એટલે શિક્ષણ, સહાનુભૂતિ અને સેવાનાં બીજ નાનપણથી જ દિલમાં રોપાઈ ચૂક્યાં હતાં. ધાર્મિક અને સેવાવૃત્તિ માતા પિતા તરફથી વારસામાં મળ્યા. સમાજના ઉત્થાન માટે કંઈક કરી છુટવાની મથામણ સતત તેઓ અનુભવતા. 
           સમય જતાં એસ. કે. પ્રજાપતિ સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ગાંધીનગર સ્થિર થયાં. અહીં પારિવારિક જવાબદારીમાં ગૂંથાયાં. પરંતુ માતૃભૂમિની માટી તેઓને સાદ કરી પુકારતી હોય એવું અનુભવતું. 1988 માં ઇન્દુબેનના માતાનું અવસાન થતાં સેવાનિવૃત પિતાની સેવા કરવા વતન પરત આવ્યાં. તેઓ પર હવે પતિનું અને પિતાનું એમ બે ઘર સાંભળવાની બેવડી જવાદરી આવી. અનેક જવાબદારીઓ વચ્ચે સંઘર્ષ પૂર્ણ જીવનમાં પણ દિલ માં ઊંડે ઊંડે રોપાયેલું સમાજ સેવાનું બીજ પાંગરતું રહ્યું. અને આખરે 1996 માં બહેરા મૂંગા અને દિવ્યાંગ બાળકો માટે નિવાસી શાળાની શરૂઆત કરી. પિતાશ્રીનું પેંશન અને ઘરની મૂડી જોડી વર્ષો સુધી આ શાળા સફળતા પૂર્વક ચલાવી. જ્યાં દિવ્યાંગ બાળકો આત્મસન્માન પૂર્વક અભ્યાસ કરી શક્યા. સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનની સીમા પરના આદિજાતિના બાળકોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી. દિવ્યાંગ વિદ્યાર્થીઓ કોઈના ઓશિયાળાના રહેતાં પોતાના પગભર થવાના પાઠ આ સંસ્થાએ શીખવ્યા. બાળશિક્ષણ ઉપરાંત આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી સશક્તિકરણ, સ્વચ્છતા અને આધુનિક ટેકનોલોજી દ્વારા છેવાડાના માણસને જાગૃત કરી પગભર કરવાનો છે. 
            બાળશિક્ષણની સાથે સાથે અહીં અંતરિયાળ વિસ્તારની સ્ત્રીઓ પગભર બને, આત્મસન્માન પૂર્વક જીવી શકે એ માટે સંસ્થાએ ભગીરથ પરિશ્રમ કર્યો. ભિલોડા અને વિજયનગર તાલુકાની બહેનોને સીવણની તાલીમ આપી ગૌરવભેર પોતાના પગપર ચાલતી કરી છે. ઇન્દુબેનની આ સંસ્થા સ્ત્રીઓની સમાન્યમાં સામાન્ય સમસ્યાઓ ઓળખી તેના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી "સ્ત્રી સ્વાભિમાન" અભિયાન અહીંની વિદ્યાર્થીનીઓ અને સ્ત્રીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. 

               એક સર્વે મુજબ ભારતની વસ્તીના ફક્ત 10 ટકા મહિલાઓ જ સેનેટરી પેડ નો ઉપયોગ કરે છે જ્યારે ગ્રામીણ મહિલાઓ માસિક ધર્મ સમયે વિવિધ કાપડ નો ઉપયોગ કરે છે. જેનાથી ફંગલ, ઇન્ફેક્શન અને ગર્ભાશયના કેન્સર જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે. સ્ત્રી સ્વાભિમાન અભિયાન થકી ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓ અને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને માસિક ધર્મ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃતતા પ્રદાન કરી રહી છે. અને સારી ગુણવત્તાયુક્ત પર્યાવરણને અનુકૂળ સેનેટરી પેડ નું ગ્રામ્ય મહિલાઓ દ્વારા ઉત્પાદન કરી પોષાય તેવી કિંમતે વિતરણ કરવામાં આવશે આવે છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના માધ્યમથી કાર્યરત સી.એસ. સી. ઈ-ગવર્નન્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્ત્રી સ્વાભિમાન અભિયાન સેનેટરી નેપકીન ઉત્પાદન યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. અભિયાન અંતર્ગત અહીંની 10 થી 15 સ્થાનીક જરૂરીયાતમંદ મહિલાઓને રોજગાર પ્રાપ્ત થયો છે. ગ્રામીણ ક્ષેત્રે ઉત્પાદિત આ સેનેટરી પેડ સ્વાભિમાન અભિયાન દ્વારા ધોરણ ૮ થી ૧૨ સુધી અભ્યાસ કરતી દીકરીઓને દાતાશ્રીઓના સહયોગથી વિનામૂલ્યે વિતરણ કરતી આ સાબરકાંઠા અરવલ્લીની પ્રથમ સંસ્થા છે. સાચા અર્થમાં સંસ્થા "પેડમેન" બની છે.

              ગ્રામીણ વિસ્તારના બાળકોને વિશ્વ સ્તરનું જ્ઞાન ઈન્ટરનેટ પ્રોજેક્ટર અને લેપટોપના માધ્યમથી મળી રહે અને કોમ્પ્યુટર ક્ષેત્રે તજજ્ઞ બની રોજગારી મેળવી શકે તે માટે એક નવી પહેલ કરવામાં આવી છે. આ નવી પહેલ એટલે કે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સર્વપ્રથમ ઈ-લાઈબ્રેરી. અરવલ્લી જિલ્લાના મૂર્ધન્ય સાહિત્યકાર કવિ શ્રી ઉમાશંકર જોશીનું નામ ઇ-લાઇબ્રેરી સાથે જોડી એક સાહિત્યકારનું સાચા અર્થમાં સંસ્થાએ બહુમાન કર્યું છે . સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ અને ગુજરાતના પ્રેરણાત્મક વક્તા શ્રી સંજય રાવલના વરદ હસ્તે 9/2/2018 ના રોજ ઈ લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઈ-લાઇબ્રેરીનો લાભ પુનાસણ ગામની આસપાસ વસતા ગ્રામજનો, યુવાનો અને વડીલો લઇ રહ્યા છે. ગામમાં ભાવજીવન અને સહકારની ભાવના જળવાઇ રહે તે માટે સમાજના તમામ વર્ગો ને સાથે લઈ આ સંસ્થા થકી ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવો ઉજવવામાં આવે છે ગ્રામજનોની સ્થાનિક ડિજિટલ સેવાઓનો લાભ મળી રહે તે માટે કોમન સર્વિસ સેન્ટર ની શરૂઆત કરવામાં આવી છે જેના થકી સેવા સેતુ સ્વચ્છતા અભિયાન પ્રધાનમંત્રીશ્રીના વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગામડાના છેવાડાના માનવીને મળે તે માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. શાળા અને કોલેજોમાં સંસ્થા દ્વારા યુવાજાગૃતિ માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે યુવાનો માટે પ્રેરણાત્મક સેમીનારનું આયોજન કરવામાં આવે છે.
              શ્રવણ સુખ ધામ સંસ્થા દ્વારા ફેબ્રુઆરી 2018 થી રામ નામ લેખન બેંકનું શુભારંભ કરવામાં આવ્યો છે જે નો મુખ્ય ઉદ્દેશ આસપાસ વસતા ગ્રામજનો અને યુવાનોને ધાર્મિક વૃત્તિ તરફ વાળી વ્યસનમુક્તિ તરફ લઈ જવાનો છે. સંસ્થા દ્વારા અબોલ પશુ પંખીઓ માટે પણ પાણીની સગવડ પૂરી પાડવાની અને આસપાસના શ્વાનને રોટલો અને લાડુ ની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ડુંગર ઉપર બિરાજમાન કપિરાજ માટે પાણી અને અનાજની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. જે જીવ દયા પ્રેમ નું ઉત્તમ ઉદાહરણ છે.
         સંસ્થા દ્વારા સર્વે સમાજના જરૂરીયાતમંદની પ્રાથમિક આરોગ્ય લક્ષી આયુર્વેદિક સારવાર તેમજ ડાયાબિટીસ અને કેન્સર જેવા ભયંકર રોગોનું નિદાન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવે છે સાથે સાત આયુર્વેદ સારવારમાં ગીર ગાયના ગૌમૂત્ર દૂધ ઘી છાશ પૂરા પાડવામાં આવે છે. આયુર્વેદિક ઉદ્યાન અહીં તૈયાર કરવામાં આવ્યો છે. 
          અરવલ્લીના અરણ્યમાં વિસ્તરેલી આ સંસ્થા સમાજને દીવાદાંડી બની ઉત્તમ દિશા પુરી પાડી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવા બીજમાંથી પાંગરેલી આ સંસ્થા આજે વટવૃક્ષની બની ઉભી છે. શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેઓના સુપુત્રો શ્રી હિરેનભાઈ અને ભાવેશભાઈ સુંદર સંચાલન કરી રહ્યા છે. તેઓ પોતાનો સમસ્ત સમય સંસ્થાને અર્પણ કરે છે. કુદરતના ખોળે સમય પસાર કરવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ અને સમજ સેવાના પાઠ ભણવા ઇચ્છતા ભાવિ સમાજસેવકોએ આ સંસ્થાની એક વાર અચૂક મુલાકાત લેવી રહી.

(આપની આસપાસ આવા કોઈ ઉમદા કાર્યો કરતી કોઈ સંસ્થા કે  વ્યક્તિ રહેતા હોય તો મારા મોબાઈલ નંબર (98251 42620 )પર અચૂક સંપર્ક કરશો. આવા વ્યક્તિના કાર્યોની સુવાસ સમાજના ઘર-ઘર સુધી પહોંચાડવા હું પ્રયત્ન કરીશ)

(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts