Tuesday, April 30, 2019

ફેક્ટ બિહાઇન્ડ ફેક્ટ: મહાગુજરાત ચળવળ

     મહાગુજરાત ચળવળ


         આજે આપણે ગરવા ગુજરાતનો સ્થાપના દિન ની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગુજરાત રાજ્યની વિભાજનનો ઇતિહાસ રોમાંચથી ભરેલો છે. મુંબઇ માંથી ગુજરાત વિભાજનની અનેક એવી વાતો છે જેનાથી નવી પેઢી કદાચ અજાણ હશે. 
              મહાગુજરાત ચળવળમાં ઇન્દુલાલ યાજ્ઞિક, સનત મહેતા, દિનકર મહેતા, સત્યમ પટેલ, વિદ્યાબેન નીલકંઠ, શારદા મહેતા, બુધ્ધિબેન ધ્રુવ, રવિશંકર રાવળ, બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, દિનકર અમીન જેવા નેતાઓના યોગદાનને ગુજરાત ક્યારેય વિસરી શકશે નહીં. આઝાદી બાદ ભાષા આધારે રાજ્ય વિભાજનનું આંદોલનમાં સમસ્ત ગુજરાતે એકતાના દર્શન કરાવ્યાં. પરંતુ આ સમસ્ત ઘટનામાં અમદાવાદ કેન્દ્રસ્થાને રહ્યું. 
             મહાગુજરાતના વ્યાપક જનસમર્થન વાળા આંદોલનની શરૂઆત એકાએક અણધારી રીતે અમદાવાદથી જ થઈ. અમદાવાદ શહેર સમગ્ર ગુજરાતની પ્રજાનો સર્વપ્રથમ પડઘો પાડી આ ચળવળ માટે કેન્દ્ર સ્થાને રહ્યું.
             આ વાત છે 7 મી ઓગસ્ટ 1956 ની સાંજના પાંચેક વાગ્યાના સુમારે વિદ્યાર્થીઓનું એક નાનું જૂથ કોંગ્રેસ હાઉસ પર ગયું. તેમણે મહાગુજરાતને બદલે સંસદે અચાનક દ્વિભાષી રાજ્ય નું બિલ હાથ ધર્યા અંગે પૂછ્યું. તેમને તે સમયે સમજાવીને પાછા કાઢવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ એક અજંપા સાથે પાછા વળી ગયા. બીજા દિવસે 8 મી ઓગસ્ટ 1956ના દિવસે સવારે નીકળેલા જંગી સરઘસમાં 400 થી 500 વિદ્યાર્થીઓ હતા. તે એલીસબ્રીજ લો કોલેજ તરફથી કોંગ્રેસ હાઉસ તરફ આગળ વધવા લાગ્યા. આ સરઘસ સ્વયંભૂ નીકળ્યું હતું. કોઈ રાજકીય પક્ષી કાઢેલું ન હતું. કોઈ વિદ્યાર્થી મંડળે પણ એલાન આપેલું ન હતું છતાં પણ મોટી સંખ્યામાં એકત્રીત થઇ આ સરઘસ નીકળ્યું હતું. સૂત્રોચ્ચાર કરતું જંગી સરઘસ રાયપુર ચકલા આવી પહોંચ્યું. વાડીલાલ સોડા ફાઉન્ટેનના રોટલી ઉભા રહીને એક વિદ્યાર્થી આગેવાન તરીકે બ્રહ્મકુમાર ભટ્ટ સરઘસને સંબોધન કર્યું. આ સરઘસથી શહેરની પ્રજાને જાગૃત કરી દીધી..
                  એક દિવસ બપોરે 400 થી 500 વિદ્યાર્થીઓનું ટોળું મજૂર મહાજનની કચેરીએ પહોંચ્યું. આ દરમિયાન મજુર મહાજન માંથી કોઈક માણસે ટેલીફોન કરી પોલીસને બોલાવી. તે સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ ત્રિકમલાલ પટેલ અને ઠાકોરભાઈ દેસાઈ એ કંઈક ચર્ચા કરી. તે સમયે વિદ્યાર્થીઓએ ગુજરાતની રચના માટેના સૂત્રોચ્ચારો શરૂ કર્યા. કોંગ્રેસ હાઉસના પહેલે માળે પણ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. લગભગ ચારેક વાગ્યાના સુમારે ગુજરાત ક્લબ બાજુથી કોંગ્રેસ હાઉસ ની ઉપર અને અંદર નેતાઓ સાથે, તેમજ અંદરો અંદર ચર્ચા કરતા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસ હાઉસના વરંડા બહાર ઊભેલા વિદ્યાર્થીઓના ટોળા ઉપર ગોળીબાર શરૂ કર્યો. તેની સાથે નાસભાગ મચી ગઇ. ત્યારે કલેકટર એલ.આર. દલાલ તથા ડી.એસ.પી મિરાન્ડા કોંગ્રેસ હાઉસના વરંડામાં નીચે હતા. સામે ગોળીબારથી ઘવાયેલા અને શહીદ થયેલા વિદ્યાર્થીઓ જમીન ઉપર ઢળી પડેલા હતા. સમગ્ર વિસ્તાર લોહીથી ખરડાઈ ગયેલો હતો. આ ગોળીબારમાં બનાસકાંઠાના પૂનમચંદ નામના છોકરા ની ખોપડી ઉડી ગઈ. વિદ્યાર્થીઓ આ ખોપડી એક થાળીમાં લઈને નજીકમાં આવેલી ગુજરાત ક્લબમાં જ્યાં વકીલો બેઠા હતાં, તેમને બતાવવા દોડી ગયા. આ જોઈ વકીલોમાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો.
                 ગોળીબારની જાણ થતા ટોળેટોળા કોંગ્રેસ હાઉસ તરફ દોડી આવ્યા. બ્રહ્મકુમાર ભટ્ટ શાંતિપૂર્વક આંદોલન ચલાવવા અપીલ કરી પણ કમનસીબે મજૂર મહાજન સંઘની ઓફિસ બાજુથી પોલીસ આવી અને ગોળીબાર કર્યો. 
               આ બનાવથી લોકો ભારે ઉશ્કેરાયા નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ચેતાવની આપ્યા વિના, લાઠીચાર્જ કે ટીયરગેસ જેવા પગલાં ભર્યા વિના સીધો જ ગોળીબાર એ જંગલરાજ સમો લોકોને લાગ્યો. વાતાવરણમાં ભારે અજંપો અને અશાંતિ હતી આખા શહેરમાં કલમ 144 સાત દિવસ માટે લાગુ પાડવામાં આવી હતી.
              9મી ઓગસ્ટ 1956ના રોજ ગુજરાતના બધા જ છાપાઓ એ આ ગોળીબારની ઘટના વખોડી કાઢતાં સમાચારો છાપ્યા. અમદાવાદથી પ્રગટ થતાં ચાર દૈનિકપત્રો સંદેશ, ગુજરાત સમાચાર, જનસત્તા અને પ્રભાતમાં પણ કોંગ્રેસ હાઉસ પર શાહિદ થયેલાઓને શોકાંજલિ આપવામાં આવી હતી. 10મી ઓગસ્ટ 1956ના જનસત્તા ના તંત્રી લેખની જગ્યા સાવ કોરી રાખીને કાળી બોર્ડર મૂકી વચ્ચે લખેલું "ઉનશહીદો કી યાદ મેં જીનહોને અપને ખૂન સે સિંચા"
               લો કોલેજના મેદાનમાં મહાગુજરાતના વિદ્યાર્થી સમિતિએ બોલાવેલી જાહેર સભામાં ઇન્દુલાલ યાજ્ઞિકે જણાવ્યું કે "જે લડત નાગરિકો અને વડીલોએ ઉપાડવી જોઈએ તે લડત વિદ્યાર્થીઓએ ઉપાડી છે." આ સમયે લોકોના ટોળા સફેદ ગાંધીટોપી પહેરીને નીકળતાની ટોપી કઢાવતા. કોંગ્રેસ પ્રત્યેની ચીડ અને મોરારજી પ્રત્યેની ધૃણા આ રીતે લોકોએ વ્યક્ત કરી.
                  લોકોનો આક્રોશ એટલો વ્યાપક અને સ્વયંભૂ હતો કે પ્રતિષ્ઠિત ગણાતા કોંગ્રેસી નેતાઓ જાહેરમાં આવતાં અસલામતી અનુભવતા. અમદાવાદ શહેરની પરિસ્થિતિને કાબુમાં લેવા મોરારજી દેસાઈએ રાજ્યના ડી.આઈ.જી. નગરવાલાને તથા ડી.આઇ.જી (સી.આઈ. ડી.) પ્રવિણસિંહ અને મુંબઈના ડેપ્યુટી કમિશનર ને ખાસ અમદાવાદ મોકલ્યા.
પ્રજાના રોષથી હબકી ગયેલા કોંગ્રેસી નેતાઓએ રાજીનામા આપવાની શરૂઆત કરી જેમાં સૌપ્રથમ પુરુષોત્તમ બ્રહ્મભટ્ટ, છીકણીવાલા, અમદાવાદના મેયર ચીનુભાઇ, ડેપ્યુટી મેયર ચંદ્રકાંત ગાંધી, કોંગ્રેસના ધારાસભ્ય જયકૃષ્ણ હરિવલ્લભદાસ વગેરેએ રાજીનામા આપ્યા. 
કોંગ્રેસ હાઉસ ના બનાવ પછી માત્ર ત્રણ જ દિવસમાં પોલીસ દ્વારા લેવાયેલ દમનકારી પગલાંમાં ગોળીબારથી 14 લોકોના મરણ થયા, 120 લોકો ગંભીર રીતે ઘાયલ થયા, અને 825 લોકોની ધરપકડ કરવામાં આવી.
              2 ઓક્ટોબર 1956ના રોજ જવાહરલાલ નહેરુ અમદાવાદની મુલાકાતે આવ્યા. તેમની જાહેરસભા લાલ દરવાજા ખાતે મેદાનમાં યોજવાનું નક્કી થયું. આ સભામાં ફિયાસ્કો ન થાય તે માટે કોંગ્રેસી નેતાઓ ખૂબ સક્રિય થઈ ગયા બરાબર એ જ દિવસે અને એ જ સમયે જનતા પરિષદ ની સભા લો કોલેજ મેદાન ખાતે રાખવામાં આવી આ સભામાં ઇન્દુલાલ યાજ્ઞિક, હિંમતલાલ શુકલ, હરિહર ખંભોળજા એ પ્રવચન કર્યા આ સભામાં અમદાવાદ શહેર ઉપરાંત અનેક ગામોમાંથી 30,000 લોકો સ્વયંભૂ સભામાં ઉમટી પડયા. જેની તુલનામાં નહેરૂની સભામાં લગભગ ત્રીજા ભાગની સંખ્યા હાજર રહી હોવાનો અંદાજ છે.
                આ લડત દરમિયાન મશાલ સરઘસ, સાયકલ પર નીકળતા સરઘસ, મૌન રેલી, શહીદ સ્થળ પર શ્રદ્ધાંજલિ જેવા કાર્યક્રમો યોજાતા રહ્યા. લડત દરમિયાન ચૂંટણીઓ આવી જેમાં કોંગ્રેસને જવાબ આપવાનો મોકો પ્રજાને મળ્યો. ઇન્દુલાલ યાજ્ઞિકે ચૂંટણીની જામતી હવામાન જાહેર અપીલ કરી કે ગુજરાતની પ્રજાને મહાગુજરાત જોઈએ તે સાબિત કરવા ચૂંટણીની તક મળેલી છે. ગુજરાતની પ્રજાએ મત આપીને સાબિત કરવું પડશે. આ રીતે જનતા પરિષદ એ ચૂંટણીનું વાતાવરણ ઊભું કરવાનું શરૂ કર્યું. 19 જાન્યુઆરી 1957 ના રોજ અમદાવાદ આવેલા મોરારજીભાઈ દેસાઈએ કોંગ્રેસ પક્ષના અમદાવાદ શહેરના ઉમેદવાર ની ચર્ચા કરી. પરંતુ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા કોઈ તૈયાર જ થયું નહીં. આ ચૂંટણીમાં અમદાવાદી સજ્જડ રીતે કોંગ્રેસના વિરોધ નો પડઘો પાડી દીધો આ ચૂંટણીમાં જનતા પરિષદના ટેકાથી નાગરિક પક્ષને 64 માંથી 47 બેઠકો મળી.
             2જી નવેમ્બર 1957 ના રોજ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર બાબુ ને જનતા પરિષદના આગેવાનો શહેરમાં મળ્યા રાષ્ટ્રપતિએ સૌહાર્દપૂર્ણ રીતે પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી.
         શહેર જનતા પરિષદના મંત્રી જાહેરાત કરી કે વાર્ષિક શહીદ દિને કોંગ્રેસ હાઉસ સામેના ટ્રાફિક સર્કલ ઉપર શહીદ સ્મારક ની રચના કરવામાં આવશે આ જાહેરાતથી સરકાર અને પોલીસ સચેત થઈ ગઈ.
          8મી ઓગસ્ટ 1958ના રોજ શહીદ દિન ના કાર્યક્રમ જાહેર કરાયો અને પાછળથી તે ફૂટપાથ ની કિનારી ખાંભી મુકાઈ. ત્યારબાદ લાલ દરવાજા ના મેદાનમાં સભા થઈ. આ ખાંભીઓ પોલીસ ઉખાડી ન નાખે તે માટે 24 કલાક તેની ચોકી રાખવા સ્વયંસેવકોની ટૂકડી મોકલવાની વ્યવસ્થા થઈ. અમદાવાદની ખામીઓ સિમેન્ટથી ચોંટાડેલી હોવાથી પોલીસે તેની તોડી લઈ ગઈ . આ ખાંભી સત્યાગ્રહ કુલ 226 દિવસ સુધી ચાલ્યો હતો. 
              28મી નવેમ્બર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા હતા. ત્યારે, કાંકરિયા ફૂટબોલ મેદાન ની જાહેર સભામાં મહાગુજરાતની રચના નો અવસાન પરોક્ષ રીતે આપી દીધો હતો. 1959 પછી મુંબઇ રાજ્યના વિભાજન ને પ્રશ્નની ઉકેલવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી. મહાગુજરાત જનતા પરિષદ એ લડતને સારી રીતે ટકાવી રાખી. 19મી એપ્રિલ 1960ના રોજ ભારતની સંસદે મુંબઈ રાજ્યનું વિભાજન કરવા નું બિલ પસાર કર્યું. બિલ પસાર કર્યા બાદ 23મી એપ્રિલ 1960ના રોજ રાજ્ય સભા એ પણ મુંબઇ રાજ્ય વિસર્જન બિલને મંજૂરી આપી. 25મી એપ્રિલ 1960ના રોજ રાષ્ટ્રપતિ મુંબઈના વિભાજનના ખરડા પર સહી કરી. અને તે જ દિવસે સરકારી ગેઝેટમાં તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા.
            25મી એપ્રિલ 1960ના રોજ ગુજરાતના નવા પ્રધાન મંડળ અને નાયબ પ્રધાનોની યાદી જાહેર કરવામાં આવી. જેમાં મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ ની નિમણૂક ની ઘોષણા કરાઈ. 1લી મે 1960ના રોજ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાનમંડળની સોગંદ વિધિ થઈ આ પ્રસંગે ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજે જણાવ્યું કે ગુજરાત રાજ્યની તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા વહીવટકર્તાઓ ધ્યાન આપે એટલી મારી સલાહ છે.
            1લી મે 1960ના રોજ અમદાવાદ રાજ્યનું કામચલાઉ પાટનગર બન્યું અને ગુજરાતનો વહીવટ પ્રથમ આ શહેરમાંથી શરૂ થયું મહાગુજરાતની આખીય લડતમાં અમદાવાદ એક નાભિકેન્દ્ર સમુ આવ્યું. ઓગસ્ટ 1956 થી શરૂ કરી નવા રાજ્યના પ્રથમ મંત્રીમંડળની શપથવિધિ આ જ શહેરમાં સંપન્ન થઈ. આ લડતમાં અમદાવાદી સૌથી મોખરે રહી સમસ્ત રાજ્યની નિદર્શન પૂરું પાડ્યું. તમામ વર્ગના લોકો આ લડતના અંગભૂત ઘટક ની જેમ વારત્યા છે. જે આઝાદી પૂર્વેના આંદોલનમાં સામે પક્ષે વિદેશી શાસકો હતા. જ્યારે, આ ચળવળમાં સરકારની રાજ્ય તરફની દુર્લક્ષ વૃત્તિ જવાબદાર હતી.
          લડતના કોઈ તબક્કે રાષ્ટ્રીય ભાવનાથી વિમુખ થયા વિના દેશપ્રેમમાં રહી પોતાની માંગ માટે મક્કમ રહી આ શહેર છાતી કાઢીને લાડયું છે.
જય જય ગરવી ગુજરાત 
લેખન - સંકલન :- ઈશ્વર પ્રજાપતિ
સંદર્ભ : શોધગંગા

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts