Thursday, April 25, 2019

વ્યક્તિ વિશેષ: દીકરી નામે અજવાળુ નીલાંશી પટેલ

વિશ્વ કક્ષાએ ગૌરવ પ્રદાન કરાવનાર બહુમુખી પ્રતિભાસંપન્ન  દીકરી નીલાંશી પટેલ



               ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નામ સાંભળતાં જ દરેક વ્યક્તિનું મન કુતૂહલવશ રોમાંચ અનુભવે છે. વિવિધ ક્ષેત્રમાં અનોખી સિદ્ધિઓ હાંસલ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરવા કેટલીક વ્યક્તિઓ સમસ્ત જીવન ખર્ચી નાખે છે. સમસ્ત વિશ્વમાં પ્રતિસ્થિત એવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા સાહસિકો જીવ સટોસટના ખેલ ખેલતા પણ ખચકાતા નથી. ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતી નીલાંશી પટેલ માત્ર ૧૬ વર્ષની વયે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવી, સમસ્ત વિશ્વમાં અરવલ્લીને એક નવી ઓળખ અપાવી છે અને સમસ્ત ગુજરાતને ગૌરવ પ્રદાન કર્યું છે. 
         અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની લગોલગ આવેલા ખોબા જેવડા સાયરા ગામની નીલાંશી પટેલ એ શિક્ષક દંપતી કામિનીબેન અને બ્રિજેશભાઈ પટેલનું એકમાત્ર સંતાન છે. આ શિક્ષક દંપતી અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળામાં પોતાની ફરજ બજાવે છે. દીકરી નિલાંશીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી, વિકસવાની તમામ દિશાઓ આ શિક્ષક દંપતીએ ખોલી આપી છે. દીકરો-દીકરી એક સમાન એ ઉક્તિ આ શિક્ષક દંપતી એ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. 
              વિશ્વ કક્ષાએ અરવલ્લી અને ગુજરાતનું નામ ગુંજતું કરનાર નીલાંશી પટેલની સિદ્ધિઓ વર્ણવતા પિતા બ્રિજેશભાઈની આંખોમાં અનોખી ચમક ઉભરી આવે છે. દીકરીની વાત કરતાં તેઓ ભાવવિભોર બની જાય છે. 
            ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય 5.2 ફૂટ ઊંચાઈ ધરાવતી નીલાંશી પટેલની વાળની લંબાઈ 5.7 ફૂટ છે. વિશ્વભરના ટીન એઝર્સમાં સૌથી લાંબા વાળ ધરાવતો અનોખો વિશ્વ વિક્રમ પોતાના નામે કરનાર નીલાંશી પટેલ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થીની રહી છે.
          નિલાંશીએ ધોરણ 1 થી 5 નું પ્રાથમિક શિક્ષણ મોડાસાની જાણીતી શાળા કલરવ અને ધોરણ 6 થી 8નું શિક્ષણ કે.એન.શાહ હાઇસ્કુલમાં લીધું. અહીં મોડાસામાં તેની હરિફાઈ ડૉક્ટર, એન્જિનિયર જેવા સંપન્ન વાલીઓના સંતાનો સાથે હતી. સાયરાથી મોડાસા વાનમાં બેસી અપડાઉન કરતી નિલાંશીએ આ હરિફાઈમાં તમામ વિદ્યાર્થીઓને હંફાવ્યા. મોડાસાના અભ્યાસ દરમિયાન ધોરણ 1-8 સુધી નીલાંશી એ કોઈપણ જાતના ટ્યુશન વગર હંમેશા પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો. પોતાની પ્રતિભાના આધારે ધોરણ-9અને 10 માટે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં પણ તેની પ્રતિભા છૂપી રહી નહીં. અહીં નવોદય વિદ્યાલયમાં ગોલ્ડમેડલ મેળવી પોતાની તેજસ્વિતાનો સર્વને પરિચય કરાવ્યો. માત્ર અભ્યાસમા જ નહીં પરંતુ સાથે-સાથે સહભ્યાસિક તમામ ક્ષેત્રમાં પણ નીલાંશી હંમેશા અગ્રેસર રહી છે. 
          નીલાંશી પટેલ ટેબલ ટેનિસની પાવરધા ખેલાડી છે. ટેબલટેનિસમાં જિલ્લા રાજ્ય અને નેશનલ કક્ષા સુધીની મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂકી છે. School game federation of india દ્વારા આયોજિત દિલ્હી ખાતે છત્રસાલ સ્ટેડિયમમાં યોજાયેલ નેશનલ સ્પર્ધામાં નીલાંશીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાગરાજ સ્ટેડિયમ પર દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ચેસ, સ્કેટિંગ, ડાન્સિંગમાં પણ નીલાંશીને પરાસ્ત કરવી પ્રતિસ્પર્ધી માટે સરળ નથી.

           નીલાંશી પટેલ બહુમુખી પ્રતિભા ધરાવતી તેજસ્વી વિદ્યાર્થીની છે ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને ફિલ્મના પટકથા લેખક ભરત વ્યાસની જાણીતી બાળ ફિલ્મ "મસ્તીખોર" માં ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા હિતુ કનોડિયા સાથે અદભુત અભિનય કરી દર્શકોની વાહવાહી લૂંટી ચૂકી છે. નિલાંશી પાસે આગવી વક્તૃત્વ કળા છે. તેની વાતોમાં તર્ક હોય છે, તથ્ય હોય છે અને વાણીમાં પ્રવાહિતા હોય છે. જ્યારે પણ મંચ ઉપરથી પોતાની વાત રજૂ કરી છે ત્યારે, સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનો મંત્રમુગ્ધ બની સાંભળ્યા જ કરે છે. 
             નિલાંશી પાસે બંને હાથે લખવાની આગવી કળા છે. નીલાંશીના અક્ષર જાણે કે મોતીના દાણા!! અભ્યાસ દરમિયાન સુલેખન સ્પર્ધામાં સમસ્ત ઉત્તર ગુજરાતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. વિજ્ઞાનમાં પણ તેની ગજબની રુચિ રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે કરેલા વિવિધ ઇનોવેશન માટે ગુજરાત વિદ્યાપીઠે સર્ટિફિકેટ આપી, તેનું સન્માન કર્યું છે. ગુજરાત મહિલા સરક્ષણ કાર્યક્રમ હેઠળ કરાટેની સ્પર્ધામાં પણ અવ્વલ રહી છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તાત્કાલિન સચિવ ભાગ્યેશ જહા દ્વારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવી છે. પોલીસ સ્ટુડન્ટ કેડેટ કાર્યક્રમ અંતર્ગત નીલાંશી ડી.વાય. એસ.પી સાથે તાલીમ પણ લીધી છે. સંગીત પ્રેમી નીલાંશી સંગીત ના તમામ વાદ્ય ખુબ સુંદર રીતે બજાવી જાણે છે. 
                   નિલાંશી જ્યારે 10 વર્ષની હતી ત્યારે પહેલી વાર તેના વાળ બોય કટ કાપવામાં આવ્યા. વાળ કપાવ્યા બાદનો લુક નીલાંશીને બિલકુલ પસંદ ન પડ્યો. અને એ દિવસથી જિંદગીમાં ક્યારેય વાળ ન કપાવવાનો નિર્ણય લીધો. અને વાળ વધારવાના શરૂ કર્યા. વાળની યોગ્ય માવજત થકી વાળની લંબાઈ અસામાન્ય રીતે વધતી રહી. પછી તો નીલાંશી જ્યાં જાય ત્યાં તેના લાંબા વાળ આકર્ષણનું કેન્દ્ર બનવા લાગ્યા. 
       પિતા બ્રિજેશભાઈ અને માતા કામિની બહેને દીકરીની નીલાંશીને સમસ્ત ભારતનું ભ્રમણ કરાવ્યું છે. કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી દીકરીને સાથે લઈ ખૂબ ફર્યા છે. દીકરીની સાથે રહી જંગલો, નદીઓ, સરોવરો અને સાગરની સફર પણ ખેડાવી છે. 16 વર્ષની આટલી નાની ઉંમરમાં નીલાંશી 10 જ્યોતિર્લિંગના દર્શન કરી ચુકી છે. બ્રિજેશભાઈ નિલાંશી માટે ભારતના કોઈ પણ સ્થળના પ્રવાસનું આયોજન કરે છે ત્યારે, નીલાંશી તે સ્થળ વિશેની જાણવા જેવી તમામ વિગતો હસ્તગત કરી લે છે અને તેઓની મુલાકાત અભ્યાસપૂર્ણ મુલાકાત બની રહે છે. આ પ્રવાસોના ખેડાણથી નીલાંશી સમસ્ત ભારતના કોઈપણ રાજ્યના ભૃપુષ્ઠ, આબોહવા અને લોકજીવનથી પરિચિત છે.

         ગોવાના પ્રવાસ દરમિયાન એકવાર કેટલાક વિદેશી પર્યટકો નીલાંશીના લાંબા વાળ જોઈ, નીલાંશી સાથે ફોટો પડાવવાની માગણી કરી. ત્યારે, નિલાંશીના પરિવારની પણ આશ્ચર્ય થયું કે દીકરીના લાંબા વાળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. વિદેશી સહેલાણીઓને સલાહ આપી કે આટલા લાંબા અને સુંદર વાળ છે તો આપ વિશ્વ વિક્રમ માટે નામ કેમ નથી? નોંધાવતા અને ત્યાર પછી એક નવી સફરની શરૂઆત થઈ.
               વિશ્વ વિક્રમ માટે આસપાસના લોકોને પૂછપરછ કરી કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે કાર્યવાહી શું કરવી?? પરંતુ કોઈ પાસે પૂરતી જાણકારી મળી નહીં. ત્યારબાદ બેંગલોર ખાતે આવેલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ઓફિસ પર ઇમેલ દ્વારા સંપર્ક કરતાં તેઓએ લંડન ખાતે આવેલી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની મુખ્ય ઑફિસનું મેલ એડ્રેસ આપ્યું. અને મુખ્ય ઓફિસ ખાતે નીલાંશીની તમામ વિગતો મોકલી આપવામાં આવી. છ મહિના બાદ લંડન ખાતેની મુખ્ય ઓફિસ તરફથી પ્રત્યુત્તર મળ્યો કે અર્જેન્ટીના અને જાપાનના ટીનેજર્સના લોન્ગ હેરનો રેકોર્ડ તમે બ્રેક કરી રહ્યા છો. ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ્સ, ફોટો, વિડિયો, વગેરે ઈ-મેલ દ્વારા મંગાવવામાં આવ્યા. એ તમામ વિગતો ચકાસ્યા બાદ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ટીમ દ્વારા નીલાંશીના પરિવારને ઈટાલીના રોમ ખાતે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. 
                પિતા બ્રિજેશકુમાર અને માતા કામિની બહેન સાથે નિલાંશી રોમ ગયા. આ પ્રવાસ દરમિયાન પહેલી વાર નીલાંશી એરોડ્રામ જોયું હતું. જેનો તમામ ખર્ચ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ટીમ દ્વારા આપવામાં આવ્યો. ઈટાલીના ઇન્ટરનેશનલ ટીવી શોમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ ઉપસ્થિત રહી. અને લાઈવ કાર્યક્રમમાં વાળનું મેજરમેન્ટ લેવામાં આવ્યું. જેમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડના જજ સાફિયા પણ ઉપસ્થિત હતા. 21 નવેમ્બરના એ દિવસે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુવર્ણ અક્ષરે નીલાંશીનું નામ અંકિત થયું અને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર નીલાંશી અરવલ્લીની પ્રથમ વ્યક્તિ બની. તમામ ઇન્ટરનેશનલ ટીવી ચેનલો અને પ્રિન્ટ મીડિયાએ નીલાંશીના ન્યુઝ પ્રસિદ્ધ કર્યા. 
        અરવલ્લીના અંતરિયાળ એવા નાનકડા સાયરા ગામની નીલાંશી સેલિબ્રિટી બની ગઈ. ૨૦ એપ્રિલના રોજ યોજાયેલ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ મેચમાં નિલાંશીને રાજસ્થાન રોયલ તરફથી મુખ્ય મહેમાન તરીકે મેચમાં ઉપસ્થિત રહેવાનું બહુમાન પ્રાપ્ત થયું. રાજસ્થાન રોયલ્સ ટીમનાં માલિક શિલ્પા શેટ્ટી નિલાંશીને આ મેચમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું.

        1 લી જાન્યુઆરી 2019 ના રોજ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જે પુસ્તક એક સાથે 100 દેશોમાંથી 30 ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ભારતમાંથી એકમાત્ર નીલાંશીની સ્ટોરી ફોટા સાથે પ્રકાશિત થઈ છે. તે પણ સમસ્ત ભારત માટે ગૌરવની વાત છે.
નિલાંશી હાલ તો ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે પરંતુ તેને I.I.T કોમ્પ્યુટર સાયન્સમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે. અને એ માટે હાલ નીલાંશી તનતોડ મહેનત કરી રહી છે. જેથી તે હાલ કોઈપણ જાહેરાતોથી અને પબ્લિસિટી થી દૂર રહે છે. અનેક કંપનીઓ એ અનેક જાહેરાતો માટી ઓફર કરી છે. પરંતુ, હાલ નીલાંશીએ સંપૂર્ણ ધ્યાન પોતાના અભ્યાસ પર કેન્દ્રિત કર્યું છે. કારણ નીલાંશી જણાવે છે કે મારું ટેલેન્ટ મારા દેશ ને કામ આવે. મારા ભારત દેશમાં વસતા છેક છેવાડાના ગરીબ માણસ ને હું મદદરૂપ થઈ શકું. દેશ માટે શક્ય એટલું કરી છૂટવાનું મારો દ્રઢનિશ્ચય છે. 
નિલાંશીની કારકિર્દીની હજી શરૂઆત છે. એનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ છે જ. આગળ જતાં નીલાંશી માત્ર અરવલ્લીનું જ નહીં પરંતુ સમસ્ત ગુજરાત, ભારત, વિશ્વનું અને માનવજાતિનું ગૌરવ વધારે તો નવાઈ નહીં. દીકરીને વિકસવા માટે મોકળું મેદાન પૂરું પાડનાર અને પ્રેરણાત્મક ભૂમિકા ભજવનાર પિતા બ્રિજેશભાઈ અને માતા કામિનીબેને સમાજને ઉત્તમ આદર્શ પૂરો પાડ્યો છે. નીલાંશીને ઉજ્વળ ભવિષ્ય માટે દિલથી ખૂબ ખૂબ શુભકામનાઓ.

(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.


1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts