name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: આપણો જીલ્લો, આપણું વતન અરવલ્લી : ભાગ- 10

Sunday, April 7, 2019

આપણો જીલ્લો, આપણું વતન અરવલ્લી : ભાગ- 10

અરવલ્લીના તીર્થધામો

સદ્ ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી નું પ્રાગટ્ય ધામ ટોરડા


          અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું ટોરડા ગામ એ અનાદિમૂળ અક્ષરમૂર્તિ યોગેશ્વર સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય ધામ છે. વિશ્વભરમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે ટોરડા ધામ સવિશેષ મહત્વ ધરાવે છે.
              અઢારમી સદીમાં સમસ્ત ભારત દેશ અનેક સામાજિક કુવારીજો અને અંધશ્રદ્ધાથી ખદબદતો દેશ હતો. ત્યારે સહજાનંદ સ્વામીએ સમસ્ત ભારતમાં વિચરણ કરી સમાજમાં નવજાગૃતિ આણવાનું ભગીરથ કાર્ય કર્યું. અંધશ્રદ્ધા અને અજ્ઞાનથી ઘેરાયેલી પ્રજાને ધાર્મિક પ્રવૃત્તિ તરફ વાળી ઉન્નત જીવન માર્ગે વળવા  તેઓ પ્રેરક બન્યા.  આ સમગ્ર જાહેમતમાં સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો જો કોઈનો હોય તો એ સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનો છે. સ્વામિનારાયણ ભગવાને તેઓને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની તરીકે નીમ્યા હતા.
     સં. 1837 ના મહા સુદ આઠમને સોમવારના રોજ માતા જીવીબાની કૂખે સદ્ ગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું. તેમના પિતાનું નામ મોતીરામ હતું. સદ ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું બાળપણનું નામ ખુશાલ ભટ્ટ હતું.   સં. ૧૮૩૭ના ચૈત્રસુદ નોમના રોજ છપૈયામાં ભગવાન સ્વામિનારાયણ મહારાજનો  જન્મ થયો ત્યારે સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ આ સભામંડપના મંદિરમાં બિરાજમાન શ્રીગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ ભગવાનના જન્મની ખુશાલીમાં ગોળ વહેચેલ. તેથી અહી ગોળની માનતા રાખવામાં આવે છે.
                બાળપણમાં ટોરડા ગામમાં રહી અનેક બાળ લીલાઓ કરી જેવી કે નાના હતા ત્યારે એક ફણીધર સર્પ તેમને આશીર્વાદ આપવા અને દર્શન કરવા આવ્યો હતો તે વખતે તેઓશ્રી નિર્ભય હતા.  શ્રીકૃષ્ણ ભગવાન સાથે બાલ ક્રીડાઓ કરી. કહેવાય છે કે ભગવાન શામળિયાજી શામળાજી છોડી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે રમત રમવા માટે અહીંયા આવતા. રમત રમતા એકવાર ભગવાન શામળીયાનું   ઝાંઝર અહીંયા રહી ગયું હોવાની વાત પણ પ્રચલિત છે. ભોલેશ્વેર મહાદેવમાં બિરાજિત શ્રી ગણપતિદાદાને પોતાના હાથે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે લાડુ જમાડ્યા.
                   સંવત ૧૮૪૯ના ફાગણ વદી૭મે માતાપિતાની આજ્ઞા લઈ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. કાશીમાં જઈ વેદ વેદાંતમાં પારંગત બન્યા અને વ્યાકરણ કેશરીની પદવીથી વિભૂષિત થઇ, સંવત ૧૮૫૧ના કાર્તિક વદી બીજના દિવસે જગન્નાથપુરી પ્રયાણ કર્યું, ત્યાંથી સાક્ષીગોપાલ, પક્ષીતીર્થ, રામેશ્વર ,શિવકાંચી, વિષ્ણુકાંચી બધા તીર્થોમાં ફરતા ફરતા હરિદ્વારસુધીના તીર્થોમાં ફરતા સંવત ૧૮૫૫ના  જેઠ સુદી એકાદશીના રોજ  બદ્રીનારાયણ પહોચ્યા ત્યાં સૌ પ્રથમ નીલકંઠ વર્ણીનો મેળાપ થયો. અને સ્વામીએ પ્રભુને કહ્યું “પ્રભુ, તમારી  સેવામાં  બોલાવીલ્યો મારા નાથ’’ ત્યારે પ્રભુ બોલ્યા “હજુ તમારે ઘણા કાર્ય કરવાના બાકી છે સમય આવ્યે જરૂર બોલાવી લઈશું”. એમ કહી નીલકંઠ વર્ણી યાત્રાએ નીકળી ગયા અને સ્વામી ટોરડા આવ્યા.
             મંદિરની બાજુમાં સભા મંડપ છે ત્યાં શાળા શરૂ કરી અને ‘‘ ભણાવે, થોડું ઘણું, ધ્યાન કરાવે શ્રી હરિ તણું… ’’ વિદ્યા સાથે બ્રમ્હવિદ્યા ભણાવે, બાળકોને નામાં-લેખાં અને હિસાબી જ્ઞાન આપતા અને વ્યાકરણ, જ્યોતિષ અને કર્મકાંડ પણ ભણાવતા. જે ભણતાં વિદ્યાર્થીને  બે ,ત્રણ વર્ષ થતા, તે સ્વામી બે માસમાં ભણાવીને તૈયાર કરી દેતા. અને પછી શ્રીજી મહારાજનું ધ્યાન કરાવે, અને દિવ્ય અલોકિક આનંદની અનુભૂતિ કરાવે. ટોરડા ગામમાં રહી વરસાદ વરસાવી સુકાળ કર્યો, સર્પનો ઉદ્ધાર કર્યો, વાઘનો મોક્ષ કર્યો, મહુડો મીઠો કર્યો, આંધળાને દેખતા કર્યા, મૂંગાને બોલતા કર્યા, મરેલાને જીવતા કર્યા. જડને ચેતન કર્યા, લોકોને અભિશાપમાંથી મુક્ત કર્યા, ઇડરના રાજાએ નાખેલ વટલાઈ વેરો દુર કરાવ્યો, ઇડર પંથકમાં દુકાળમાં વરસાદ વરસાવી લોકોને સુખી કર્યા, લોકોને વરદાનની વરમાળ પહેરાવી ખુશ ખુશાલ કર્યા.
             શ્રીજી મહારાજે સંવત ૧૮૬૪ના કાર્તિક વદી આઠમ ૮ના રોજ ગઢપુરની ભોમકામાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીમાં સવારે સ્વામીને પરમહંસની ભાગવતી દિક્ષા આપી અને “ગોપાળાનંદ સ્વામી’’ એવું નામ ધારણ કરાવ્યું.
             જે સૌ કોઈના દુઃખ-દર્દ દૂર કરે છે તેવા સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ અને ગોપાળાનંદ સ્વામી નો અનેરો નાતો છે. દરેકના દુઃખ-દર્દ દૂર કરે છે એવા સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ પ્રતિમાને સ્વયં ગોપાળાનંદ સ્વામીએ પધરાવી હતી. સાળંગપુરના જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા ભક્તિ કરતા. સમય જતાં જીવા ખાચરના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ.પરિણામે તેઓ સાધુઓની સેવા કરી શકતા ન હતા. શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું 'દરબાર આપ કેમ ઉદાસ દેખાવ છો? ' તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતા કહ્યું 'સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડ્યાં છે ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી જેથી સત્સંગનો દુકાળ છે સ્વામી આપ કોઈ કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.'


        બસ, પછી તો ગોપાળાનંદ સ્વામી વાઘા ખાચરને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેના પર કોલસાથી હનુમાનજીની પ્રતિકૃતિ દોરી. ત્યારબાદ વાઘા ખાચરને એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું. અને શિલ્પીને ગોપાળાનંદ સ્વામીએ આ પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. મૂર્તિ તૈયાર થયા બાદ જ સ્વામીજીએ મૂર્તિને સાળંગપુર લઈ ગયા આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી પૂજા વિધિ સાથે કષ્ટભંજન દેવ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી ગોપાળાનંદ સ્વામી ના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી આરતી દરમ્યાન ગોપાળાનંદ સ્વામી કષ્ટભંજન દેવની આંખોમાં આંખો પરોવીને નિહાળતા એકી ટસે હનુમાનજીની પ્રતિમાની નિહાળતા હતા કષ્ટભંજનદેવની પ્રતિમા ધ્રુજવા લાગી બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું. હનુમાનજી લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવા લાગ્યા અને માટે હનુમાનજી કષ્ટભંજન દેવ કહેવાયા.
           સંવત ૧૯૦૮ના  વૈશાખ સુદ પાંચમના રોજ ભૌતિક દેહનો ત્યાગ કરીને મૂળ અક્ષર સ્વરૂપે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સનીધ્યમાં સ્વધામ પહોચી ગયા. સદ્‌ગુરૂ ગોપાળાનંદસ્વામીના ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર વડતાલના જ્ઞાનબાગમાં કરવામાં આવ્યો. લોકો દર્શન કરીને ધન્ય બનેએ માટે ઓટો કરીને છત્રી બનાવેલ છે. સ્વામી કુલ ૪૪ વર્ષ સત્સંગની સેવામાં રહ્યાં, જેમાં ૨૨ વર્ષ શ્રીજીમહારાજ હતા તે વખતે રહ્યાં અને ૨૨ વર્ષ શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી સત્સંગમાં રહ્યા.
           શ્રી ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા સંવત ૨૦૦૨ના વૈશાખ સુદ ત્રીજ [અખાત્રીજ]ના ૧૪ મેં ૧૯૪૫નાં દિવસે અમદાવાદના શ્રી નરનારાયણદેવના આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ અને વડતાલના શ્રી લક્ષ્મીનારાયણદેવના આચાર્ય મહારાજ શ્રીઆનંદપ્રસાદજી મહારાજ એમ બન્ને આચાર્યમહારાજ શ્રીઓના કરકમળો દ્વારા કરવામાં આવેલ છે. જેની પ્રાણપ્રતિષ્ઠા બન્ને આચાર્યમહારાજ શ્રીઓ દ્વારા થયેલ હોય તેવા મંદિરોમાનું આ એક અજોડ મંદિર છે. બાજુમાં શ્રી સદગુરૂ ગોપાળાનંદસ્વામીજી અને શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી દાદા બિરાજમાન છે.

આ મંદિરની બાજુમાં સદગુરૂ ગોપાળાનંદસ્વામી સભામંડપ આવેલ છે અને તેમાં સૌપ્રથમ સદગુરૂ ગોપાળાનંદસ્વામીએ શ્રીગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલ અને આજ સભામંડપની જગ્યામાં ખુશાલ ભટ્ટ શાળા ચલાવતાં એવી પ્રસાદીની ભૂમિ છે.
      વિશ્વભરમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આસ્થા ધરાવતા હરિભક્તો ટોરડા ધામના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આપ સર્વેને મારા જય સ્વામિનારાયણ

(અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી


No comments:

Post a Comment