Sunday, July 31, 2022

સંડે સ્પેશિયલ - 28

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ  જાહેર સભાઓમાં અવાર નવાર જેમને આદર સાથે યાદ કરે છે એ રાજાકાકા કોણ છે ?


              એમનું હુલામણું નામ છે રાજાકાકા.

         આ નામથી આમ તો બહુ ઓછા લોકો પરિચિત હશે. પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે જયારે પણ અરવલ્લી-સાબરકાંઠાની જાહેર સભાને સંબોધતા હોય ત્યારે રાજાભાઈને ખૂબ આદર સાથે યાદ કરે છે. રાજાભાઈના પરિવાર સાથેના તેમના વર્ષો જુના ગાઢ સંબંધોનું જાહેરમાં સ્મરણ કર્યા વગર રહેતા નથી. દેશના વડાપ્રધાન સાથે પારિવારિક સંબંધો ધરાવતા રાજાભાઈના જીવનની સાદગી અને સરળતા હૃદય સ્પર્શી છે. સંબંધોનો ઉપયોગ કરી પોતાના પરિવારને લાભ પહોંચાડવાની લાલચ તેમના સિદ્ધતોને ડગાવી શકી નથી. પરિવાર કરતાંય સમાજ અને દેશ નું હીત તેમના હૈયે વસેલું છે.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

          મોડાસા નગરજનો જેમને રાજાભાઈ પટેલના નામથી ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકોને જાણે કે તેઓનું મૂળનામ રાજાભાઈ આહીર છે. ૨૩ જુલાઈ ૧૯૩૮નાં રોજ કચ્છ જિલ્લાના અંજાર પાસેના ભલોટ ગામમાં તેમનો જન્મ થયો.  તેમના  પિતા હમીરભાઈ ખેતી કરતા. તેમનાં  માતા રામીબાએ નાની વયમાં દૃષ્ટિ ગુમાવેલી. ઘરની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. હમીરભાઈ નસીબ અજમાવવા કરાંચી ગયા. પણ ફાવટ ન આવી. એટલે કચ્છ પરત આવ્યા. કુદરત પણ કસોટી લેવા બેઠી હોય એમ એ વર્ષોમાં કચ્છમાં કારમો દુકાળ પડ્યો. હમીરભાઈ કચ્છ છોડી પરિવાર સાથે ગુજરાત સાબરકાંઠાના તલોદ પાસેના રામપુર કંપામાં આવ્યા. ત્યારે રાજાભાઈની ઉંમર માંડ સાત વરસની હતી.

          ઘરની આર્થિક સ્થિતિ એટલી નાજુક કે પહેરવાના બે જોડ કપડાં પણ નસીબ ન હતાં. તલોદ તાલુકાના મોહનપુર અને રામપુર કંપાની પ્રાથમિક શાળામાં રાજભાઈએ ધોરણ પાંચ સુધીનું શિક્ષણ લીધું. ભણવામાં તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ અને સતેજ  યાદશક્તિ. પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ જોતાં આગળ ભણવું શક્ય જ ન હતું.  અને ત્યારથી ભણતર છૂટ્યું.

         પરિવારને મદદરૂપ થવા માત્ર તેર વર્ષની ઉંમરે મુંબઈ ઉપડી ગયા. ત્યાં જૈન વણિકને ત્યાં કરિયાણાની દુકાનમાં નોકરી કરી. પ્રામાણિકતાનો ગુણ તો માતા પિતા તરફથી વરસમાં મળેલો. કિશોરની કામ કરવાની ધગશ જોઈ આ જોઈ શેઠની નજર આ તેર વર્ષના કિશોર પર ઠરી હતી. શેઠ અમીર હતા પરંતુ તેમને કોઈ સંતાન હતું નહીં. એટલે કિશોર રાજાભાઈને પોતાની સાથે રોકાઈ જવા વિનંતી કરી. પરંતુ રાજાભાઈએ એ વિનંતી સ્વીકારી નહીં. ત્યાર પછી પૂરાં પાંચ વર્ષ મુંબઈમાં નોકરી કરી. આ દરમિયાન મુંબઈમાં RSSની પ્રવૃત્તિઓના પરિચયમાં આવ્યા અને સક્રિય બન્યા. દિલ પર ચડેલો રાષ્ટ્રભક્તિનો રંગ વધુ ગાઢ બન્યો. આખરે તેઓ મુંબઈથી ગુજરાત પરત ફર્યા.

        21 વર્ષની ઉંમરે લક્ષ્મીબહેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. લગ્ન બાદ મુંબઇ જવાનું માંડી વાળી માતાપિતાની સેવા માટે ગુજરાતમાં રહી કોઈ ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો. અને ત્રણ ભાગીદારો સાથે કરિયાણાની દુકાન કરી. દુકાન તો ચાલી પણ ભાગીદારોએ ભાગ જ ન આપ્યો. એટલે ભાગીદારોથી છુટા પડી સાળા સાથે બુટલવાળામાં હીરાભાઈ દેસાઈની દુકાન લઇ ધંધો શરૂ કર્યો.



          RSS અને રાષ્ટ્રભક્તિના જે બીજ રાજભાઈના દિલમાં મુંબઈથી રોપાયાં હતાં. તે મોડાસામાં પાંગરી અને વિકસિત થતાં ગયાં. 1957માં તેઓ જનસંઘના સામાન્ય સભ્ય બન્યા. અને 1962માં સક્રિય સભ્ય બન્યા. મોડાસા ખાતે તાલુકા પંચાયત સામે આવેલ સુરાના બંગલા તેમનું નિવાસસ્થાન હતું. તેમની દુકાન અને તેમનું નિવાસસ્થાન RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને જનસંઘની પ્રવૃત્તિઓનું મુખ્ય કાર્યાલય બની ચૂક્યું હતું. દેશભરમાંથી મોડાસા આવતા પ્રચારકોનો નિવાસ  રાજાભાઈને ત્યાં જ હોય. સૌની રહેવા જમવાની તમામ વ્યવસ્થા તેઓ કરી લેતા.

        રાજાભાઈના મોડાસાના નિવાસસ્થાને મહેમાન ગતિ  માણી  હોય તેવા પ્રચારકો અને જન સંઘના કાર્યકર્તાઓની યાદી ઘણી લાંબી છે. જેમકે  દેવરસજી, વકીલ સાહેબ, અનંતરાવજી, શૈસાદ્રેજી, મગનપુરી ગોસ્વામી, દેવુભાઈ યાદવ, જીવણભાઈ, ખોડાભાઈ, શ્રીકાંતભાઈ વગેરે પ્રચારકો આવતા.

      સાથે સાથે જનસંઘના નાથાલાલ જગડા, વસંત રાવ ગજેન્દ્ર ગડકર, શંકરસિંહ વાઘેલા, અટલજી, સુષ્મા સ્વરાજજી, કેશુભાઈ પટેલ, આનંદી બહેન, પ્રવીણ તોગાડીયા જેવા પ્રખર નેતાઓ રાજાભાઈને ત્યાં મહેમાનગતી માણતા. રાજાભાઈનાં પત્ની લક્ષ્મી બહેન પ્રચારકોને ઋષિતુલ્ય માનતાં. મોડી રાત્રે પણ પ્રચારકો આવી ચડે તો લક્ષ્મી બહેન હસતે મોઢે પ્રચારકોને ભાવતી રસોઈ બનાવી આપતાં.  

          દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે રાજાભાઈની પહેલી મુલાકાત 1972 -73 માં થયેલી. ત્યારથી બંને વચ્ચે ગાઢ નાતો બંધાયો. નરેન્દ્રભાઈને પ્રચારક તરીકે જ્યારે પણ મોડાસા આવવાનું હોય ત્યારે અગાઉના દિવસે રાજા ભાઈની દુકાને ફોન કરી જાણ કરી દેતા કે "હું આવતી કાલે આવું છું. ચંદુભાઈને(રાજાભાઈના સાળા) સાયકલ લઈને બસસ્ટેન્ડ પર લેવા માટે મોકલી દેજો."

           એ દિવસો યાદ કરતાં જ રાજા ભાઈની આંખોમાં અનેરી ચમક ઉભરી આવે છે. તેઓ જણાવે છે કે "નરેન્દ્રભાઈ જ્યારે પણ મોડાસા આવતા ત્યારે રાત્રે મોડા સુધી અમારી વાતો થતી. દરેક વિષય પરનું તેમનું ઊંડું અધ્યયન હતું. પહેલે થી જ સમાજના છેવાડાના માણસની ચિંતા કરતા. સવારે ચાર વાગે ઉઠી જતા. અને સાથે ચા પીવા બેસતા ત્યારે પણ અમારી ચર્ચાઓ ચાલુ જ રહેતી. તેઓ અમારા પરિવારનાં બાળકોની શિક્ષણની રસ પૂર્વક પૂછપરછ કરતા. તેમની સાથે અમારા પરિવાર નો નાતો એવો ગાઢ બંધાઈ ગયો હતો કે તેમને અમે અમારા પરિવારથી અલગ સભ્ય માન્યા જ નથી. અને તેઓએ એટલા વર્ષો પછી પણ આત્મીય ભાવે આ સંબંધ જાળવી રાખ્યો છે."
            1975 માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે નરેન્દ્રભાઈ મોદી, મગન પુરી ગોસ્વામી, અનંત રાવજી, દેવુભાઈ યાદવ ચારેય વ્યક્તિઓના વોરંટ હતા. ત્યારે ધરપકડ થી બચાવવા રાજાભાઈએ જોખમ વહોરીને  સૌને  ઘરના મેળા પર રહેવાની સગવડ કરી આપી હતી.  કટોકટી દરમિયાન મોડાસા અને આસપાસના અગિયાર જેટલા લોકોની ધરપકડ થઈ હતી. તેમને દસ મહિના સુધી જેલમાં રહેવું પડયું હતું. આ દરમિયાન ધરપકડ વહોરનાર ચાર વ્યક્તિઓની ઘરની સ્થિતિ નાજુક હતી. રાજાભાઈએ દસ મહિના સુધી મફત કરિયાણાની વ્યવસ્થા કરી હતી.
             વર્ષ 1980માં રાજા ભાઈ ને મોડાસા શહેર પાર્ટીના મહામંત્રી તરીકેની જવાદરી સોંપવામાં આવી ત્યાર બાદ સાબરકાંઠા જિલ્લાના સહમંત્રી તરીકેની જવાબદારી નિભાવી. S.T બોર્ડ ના ડિરેકટર તરીકે પણ સેવાઓ આપી. 1990-92 માં ભાજપ જિલ્લા ઉપ પ્રમુખ તરીકે રહ્યા. અને આ દરમિયાન યોજાતી ચૂંટણીઓમાં મોડાસા આર્થિક સેલની જવાબદારી પણ સુપેરે નિભાવી. કુશળ વહીવટ થી નજીવા ખર્ચે ચૂંટણીમાં જીત હાંસલ કરી બતાવતા.

       તમને જાણીને નવાઈ લાગશે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ મોડાસા ખાતે જાહેર સભા સંબોધવા આવ્યા છે, ત્યારે ત્યારે તેમના માટે પીવાનું ગરમ પાણી અને નાસ્તો રાજાભાઈના ઘેરથી મોકલવમાં આવતો.  વર્ષ 2004 ની વાત છે, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મેઘરજ ખાતે બેટી બચાઓના એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હતા ત્યારે ગાંધીનગર થી નીકળતા જ રાજા ભાઈ ને ફોન કરી જાણ કરી કે પહેલાં આપના ત્યાં આવી માતા આશીર્વાદ લઈ પછી કાર્યક્રમમાં જઈશ. નરેન્દ્રભાઈ રાજાભાઈના ઘેર આવ્યા. અને પરિવાર સાથે બેસી જૂની વાતો તાજી કરી. લક્ષ્મીબહેને બનાવેલી ઈડલી જમીને મેઘરજ જવા રવાના થયા.

         રાજાભાઈને બે દીકરા અને ત્રણ દીકરીઓ એમ પાંચ સંતાનો છે. સંતાનોમાં પણ પ્રખર રાષ્ટ્રવાદના સંસ્કરોનું સિંચન આપોઆપ થયું છે. તેમનાં એક દીકરી વનિતાબહેન મોડાસાની શ્રી કે. એન. શાહ હાઈસ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જેઓ મોડાસા નગરપાલિકાનાં પ્રમુખ તરીકે રહી પારદર્શક વહીવટનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડી ચૂક્યાં છે. પિતા રાજાભાઈ જેવી નીડર અને બેદાગ છબીને કારણે વનિતા બહેન આજે પણ નગરજનોમાં અપ્રતિમ લોકચાહના ધરાવે છે.

         રાજાભાઈ પંચશી વર્ષે સ્વાસ્થ્ય છે. દૃષ્ટિ થોડી ઓછી થઈ છે. પરંતુ સ્મરણ શક્તિ આજે પણ સતેજ છે. રાજ્ય અને રાષ્ટ્રના શીર્ષ નેતૃત્વ સાથે અંગત ઘરોબો ધરાવતા હોવા છતાં કોઈપણ જાતના પદ કે પ્રતિષ્ઠા મેળવવાથી તેઓ હંમેશા અળગા જ રહ્યા. પાયાના કાર્યકર બની રહેવામાં જ તેઓએ સદા ગૌરવ અનુભવ્યું છે. અપેક્ષિત જીવન જીવ્યાનો પૂર્ણ સંતોષ તેમના મુખ પર ઝળકે છે. 

-         ઈશ્વર પ્રજાપતિ

9825142620 

Wednesday, July 27, 2022

અરવલ્લી - સાબરકાંઠાની લાઈફ લાઈન સાબરડેરીના સ્વપ્નદૃષ્ટા આદરણીય ભુરાભાઈ પટેલ

 

અરવલ્લી - સાબરકાંઠાની લાઈફ લાઈન સાબરડેરીના સ્વપ્નદૃષ્ટા આદરણીય ભુરાભાઈ પટેલ 


            સાબર ડેરી. 

         સાબર ડેરી એ માત્ર ડેરી નથી પરંતુ સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો અને નાના ખેડૂતો માટેની લાઈફ લાઇન છે. માત્ર 19 દૂધ મંડળીઓના સંઘ અને 5100 લીટર દૂધથી શરૂૂ   થયેલી  સાબર ડેરી  આજે વટવૃક્ષ બની ફૂલી ફાલી છે. જેની છત્ર છાંયામાં અરવલ્લી અને સાબરકાંઠાના લખો પશુપાલક મહિલાઓ અને ખેડૂતો આત્મસન્માન સાથે જીવી રહ્યા છે. આજે અરવલ્લી અને સાબરકાંઠાના ગામે ગામ દૂધ મંડળીઓ સ્થપાઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં ઉત્પાદન પ્લાન્ટ્સ નાખવામાં આવ્યા છે. સાડા પાંચ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સબરડેરીની સ્થાપનાનો ઇતિહાસ જાણવા જેવો અને ગૌરવપ્રદ છે. 

       આવતી કાલે દેશના યશસ્વી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ - ઉપરાંતરૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો અને નાના ખેડૂતો માટેની લાઈફ લાઇન સમાન સાબર ડેરીની સ્થાપના અને તેનો ઈતિહાસ અત્યંત રોમાંચક અને રસપ્રદ છે.

             આજથી પાંચ દાયકા અગાઉના સમયમાં દૂધ વેચી ન શકાય તેવી માન્યતા દૂધ ઉત્પાદકોમાં પ્રવર્તતી હતી. અને જે લોકો દૂધ વેચીને આર્થિક રીતે આવકનું સાધન ઉભુ કરવા માંગતા હતા, તેમનું ખાનગી વ્યાપારીઓ દ્વારા રીતસર શોષણ કરવામાં આવતું હતું. તેવા સમયે પ્રાંતિજ તાલુકાના ઘડકન ગામના વતની ભૂરાભાઈ ખોડીદાસ પટેલે સાબરડેરીનું વિરાટ સ્વપ્ન સેવ્યું. લોકો તેમને ભૂરાકાકાના નામથી પણ ઓળખે છે. વર્ષો પહેલા તેમણે સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો માટેની અમુલ જેવી ડેરી ઊભી કરવાનું સ્વપ્ન નિહાળ્યું. એ વખતે બાબુભાઈ રબારી નામના એક યુવાને લઈ ડેરી ઊભી કરવા ફર્યા કરે. બાબુભાઈ રબારીના હાથમાં એક બ્રીફકેસ હોય. તેમાં ડેરી ઊભી કરવાના કાગળીયાં હોય. બાબુભાઈ હસમુખા અને હોશિયાર વહીવટકર્તા હતા. એ વખતે દૂધનો ધંધો જે ખાનગી સપ્લાયર્સ પાસે હતો. તેઓ પશુપાલક અને ગ્રાહકોને લૂંટતા. આ શોષણમાંથી મુક્તિ અપાવવા ભુરાભાઈ પટેલ આણંદ જઈ ડૉ. વર્ગીસ કુરિયનને મળ્યા. તેમની સલાહથી ભૂરાભાઈ પટેલ સાબરકાંઠાની આગવી સહકારી ડેરી ઉભી કરવા નિર્ણય કર્યો અને તેમના પ્રયાસોથી ઊભી થઈ સાબરડેરી જે સાબરકાંઠા અને અરવલ્લીનું એક આગવું નજરાણું છે.

            પ્રાંતિજ તાલુકાના ઘડકનના વતની ભુરાભાઈ ખોડીદાસ પટેલ, તલોદના અંબુભાઇ દેસાઇ, પોગલુંના ગોપાળભાઈ પટેલ તેમના તાલુકાના દૂધ ઉત્પાદકોને સંગઠિત થઈ ડેરી બનવા અનુરોધ કર્યો હતો. અને ગ્રામકક્ષાએ દૂધ મંડળીની રચના કરવા માટેના સક્રિય પ્રયાસો શરૂ કર્યા. અને તમામ મુશ્કેલીઓ  વચ્ચે 27 નવેમ્બર 1964માં પ્રાંતિજ તાલુકાની 19 દૂધ મંડળીઓના સહકારથી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની સ્થાપના કરવામાં આવી. અને 29 ઓક્ટોબર 1965 લાભ પાંચમના શુભ દિવસે ઘરે ઘરે ફરીને 5100 લીટર દૂધ એકત્રિત કરીને જિલ્લામાં કોઈ પ્લાન્ટ કેન્દ્ર ન હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ ડેરીમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

        ઇ.સ. 1970માં તાત્કાલિન સાંસદ સી. સી. દેસાઇના પ્રયાસોથી એન. ડી.ડી. બી . તેમજ ઇન્ડિયન ડેરી  કોર્પોરેશનના  અને દેશના શ્વેતક્રાંતિના સર્જક ડૉક્ટર વર્ગીસ કુરિયનના પ્રયાસોથી ઓપરેશન ફ્લડ નંબર 1 યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં અધ્યતન ડેરી પ્રોજેક્ટ ઉભો કરવા 2.52 કરોડ નાંણાકીય સહાય મળતા હિંમતનગર તાલુકાના બોરીયા ગામ (અમદાવાદ હાઇવે ટચ જગ્યા) માં જમીન ખરીદીને 11મી જૂન 1971ના દૈનિક 1.5 લાખ લીટર જેટલા દુધની ક્ષમતા ધરાવતી સાબરડેરીના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત ડો વર્ગીસ કુરિયનના હસ્તે કરવામાં આવ્યું હતું. અને સાબર ડેરીના સ્થાપક અને પ્રથમ ચેરમેન ભુરાભાઈ ખોડીદાસ પટેલના હસ્તે 1974માં સાબરડેરીનો પ્રોજેક્ટ ધમધમતો થઇ ગયો હતો.

             આજે દેશના જુદા જુદા રાજ્યોમાં સાબર ડેરી દ્વારા પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેમાં દૂધની બનાવટની અનેક ચીજ વસ્તુઓ બને છે. તે પ્રવાહી દૂધ પેક કરે છે અને લગભગ તમામ પ્રકારનાં દૂધ ઉત્પાદનો ઉત્પન્ન કરે છે. તેમાંથી ઉત્પાદિત મોટા ઉત્પાદનોમાં બટર, શિશુ દૂધ પાવડર, ડેરી વ્હાઇટનર, ઘી, પનીર, દહીંઅને છાશ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા અમુલ બ્રાન્ડ હેઠળ છે. આ તમામ પ્રોડક્ટ્સ ભારત ઉપરાંત દુનિયાના બીજા દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. 

             બહુ ઓછા લોકોને એ વાતની ખબર હશે  કે ભૂરાભાઈ પટેલ રોજ સવારે ચાર વાગે ઉઠી ને 20 થી 22 ગામોની મુલાકાત લેતા. તે ગામોના ખેડૂતોની ભેગા કરી ગામમાં સહકારી મંડળી ઉભી કરવા સમજાવતાં રાતના બાર વાગે ઘરે પાછા પહોંચતા સાબરકાંઠામાં મોટાભાગના ગામોમાં આજે દૂધ મંડળીઓ સારી રીતે ચાલી રહી છે અને ડેરીના પાક્કા મકાનો છે. નાના ખેડૂતો વિધવાઓ અને ગરીબોને દૂધની આવક મળી તે ભૂરા કાકા ને આભારી છે.

                 ભુરાભાઈ ખોડીદાસ પટેલ કે સાબરડેરીના આદ્યસ્થાપક અને ડેરીના પ્રથમ ચેરમેન બન્યા. ઘડકન ગામના વતની ભુરાભાઈ ખોડીદાસ પટેલ એક મધ્યમ ખેડૂત પરિવારમાં જન્મેલા. માત્ર ગુજરાતી ધોરણ છઠ્ઠું પાસ હોવા છતાં તેમનામાં વિચક્ષણ બુદ્ધિ મતદાન હતી. ખેડૂત કુટુંબમાં જન્મેલા હોવાના લીધે ખેતીનો વિકાસ અને ખેડૂતોનું હિત તેમના હૈયામાં વસેલું હતું. ભણતર ઓછું હોવા છતાં એમને વાંચવાનો ખુબ શોખ હતો. ખાસ કરીને તેઓ નવલકથાઓ ખૂબ વાંચતા. જીવનના છેલ્લા વર્ષો સુધી તેમણે વાંચવાનો શોખ જાળવી રાખ્યો. ભુરાભાઇની વકૃત્વ પ્રભાવશાળી હતી. એક તો તેમનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું અને બીજું દાખલા દલીલો સાથે ભાષણ કરવાની તેમની શૈલી વિશિષ્ટ હતી. પોતાના 42-84 કડવા પાટીદાર સમાજ તેમજ ગુજરાતના અન્ય પાટીદાર સમાજમાં ચાલી રહેલા જુનવાણી રોવા કૂટવાના, બારમા-તેરમાના, લગ્ન વરઘોડા તેમજ કરિયાવરના ખોટા ખર્ચાના વહેમો, અંધશ્રદ્ધાઓ વગેરે દૂર કરવા અંગે તેમણે જેહાદ ઉપાડેલી. તેથી માત્ર તેમના સમાજના જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના સમાજસુધારક તરીકે ગણના પામ્યા હતા.

            ભુરાકાકા અલ્પશિક્ષિત બહુ જ ઓછું ભણેલા, પણ એમની તર્કશક્તિ, વિચારશક્તિ, પરખ શક્તિ, નિર્ણયશક્તિ, કાર્યશક્તિ, તથા કોઠાસૂઝ ભલભલાની ચકિત કરી દે તેવા હતા. ભૂરાકાકા પણ લોકોને પોતાનામાં જ એક લાગતાં. અને એટલે એમની અને ગ્રામજનોની વચ્ચે તશુંભાર જેટલું પણ અંતર ન હતું. એમનું બોલવું , ચાલવું , પહેરવું , ખાવું-પીવું, હરવું-ફરવું બધું જ ગ્રામ્યલક્ષી ગામડાના લોકો જેવું જ. તેઓ ગામડાના સીધા-સાદા જીવ હતા એમની બોલી એટલે ખેડૂતોની બોલી, ગામડાની બોલી. એમના વક્તવ્યમાં આવતાં તળપદા શબ્દો-વાક્યો સોંસરવા નીકળી જાય તેવા , ધારી અસર કરી તેવા. ક્યાંય દંભ કે બનાવટી છાંટ જોવા ન મળે ખેતર ખેતી અને ખેડૂતની વાત કરે ત્યારે બધી આપવીતિ ઓ માંથી પસાર થયેલા કોઈ ખેડૂત બોલતા હોય તેવું લાગે. ભુરાભાઈ કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ તથા ઊંઝા ઉમિયામાતા સંસ્થાનના સાથે પણ સંકળાયેલા હતા.

              સ્ત્રી કેળવણીના પણ ભુરાભાઈ જબરજસ્ત હિમાયતી હતા. ચંદ્રાલા એ તેમનું કન્યા કેળવણીનું એક મહાન સ્વપ્ન હતું. તેઓ કહેતાં કે મારે કન્યાઓને એવી કેળવણી આપવી છે કે ઘોડે સવારી શીખે, બંદૂક ટચલાવતા શીખે, તરતા શીખે, જુડો કરાટે શીખે અને શારીરિક- માનસિક રીતે એટલી મજબૂત થાય કે અડધી રાત્રે પણ જ્યાં જવું હોય ત્યાં હિંમતભેર જઈ શકે તેવી કેળવણી મારે કન્યાઓને આપવી છે.

              ભૂરાકાકા એ કન્યા કેળવણીને ખુબ જ મહત્વ આપ્યું હતું. કન્યા કેળવણીના સ્વપ્નને સાકાર કરવા તેઓએ પોતાના શરીરની પણ ચિંતા કર્યા વિના ઉમાશંકર તીર્થ નામના કન્યા કેળવણીના સંકુલની મૂર્તિમંત કર્યું છે. આ સંકુલને જ તેઓ પોતાનું ઘર માનતા. તેમાં ભણતી બહેનોને પોતાની દીકરીઓ માનીને વહાલ કરતાં. તેથી તો બહેનોએ તેઓને દાદાના નામથી બોલાવતી હતી.

             ખેડબ્રહ્મા તાલુકાના પાદરડી ગામે દૂધ મંડળીનું ઉદ્ઘાટન કરવા ગયા ત્યારે બધુ પતી ગયા પછી જ્યારે જમવા બેઠા ત્યારે સદાય કહ્યું કે અહીંયા બાજરી નથી. થતી એટલે મને મકાઈનો રોટલો આપો બાજુમાંથી લાવી આપ્યો તો તે પ્રેમથી જમ્યા. ગ્રામ્ય જે સ્થિતિ હોય સંજોગો હોય તેને તેઓ અનુકૂળ થઈ જતા. રાત્રી રોકાણ દરમિયાન રાત્રી ઉપર પ્રોગ્રામ રાખ્યો. ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભેગી કરી. અને બહેનોને સમજે એવી રીતે ભવિષ્યમાં દૂધ જીવનમાં કેવો કેવો આર્થિક ભાગ ભજવશે તે રાત્રીના એક વાગ્યા સુધી સમજાવ્યું. બીજા કોઈ આડંબર નહીં. હારતોરા નહિ. એક પાટ ઉપર બેઠેલા દાદાને બહેનો પ્રશ્નો પૂછતી જાય ને દાદા જવાબ આપતા જાય. આજે આ બધી વાતો સાચી પડી છે ઓછા પાણીવાળા વિસ્તારમાં જીવન જીવવાનો મુખ્ય વ્યવસાય દૂધ  રહ્યો છે. 

                  ભૂરાકાકાએ દુનિયાના 30 દેશોના પ્રવાસો કર્યા છે. 90 વર્ષની વયે પણ વાંચનનો શોખ જાળવી રાખ્યો હતો. લીમડાને તેઓ તંદુરસ્તીનું પ્રતીક માનતા. અમદાવાદ હિંમતનગરના માર્ગ ઉપર સંસ્કારતીર્થ કેમ્પસમાં લીમડાના ઝુંડ જોવા મળે છે. એ ભૂરા કાકાની મહેનતનું જ પરિણામ છે. 

         ખેડૂતોના હિતચિંતક હોવાને લીધે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે તેમને 'ખેડૂત રત્ન' પુરસ્કાર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના 82-84 સમાજે કાકાને 91 વર્ષની વયે રૂપિયા 91000 ની થેલી આપી સમાજ રત્નનો ઈન્કલાબ આપ્યો હતો. તારીખ 1 ઓગસ્ટ 1995 ના રોજ ભૂરાકાકાનું 95 વર્ષની વયે દુખદ અવસાન થયું સાબર ડેરી તેમનું જીવતુંજાગતું સ્મારક છે.

    સાબરડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલ અને તેમના સાથી ડીરેક્ટર શ્રીઓની આગેવાનીમાં  સાબર ડેરી  નવા આયામો સર કરી રહી છે. આવતી કાલે માન. વડાપ્રધાન શ્રી દ્વારા જે કાર્યો હાથ ધરવા જઈ રહ્યા છે જેના પરિણામે ભવિષ્યમાં નવા કીર્તીમાંનો સ્થપાય તો બેમત નહિ !

         સાબર ડેરીના વિકાસના પાયામાં રહેલા સૌ નિષ્ઠાવંત સેવકોને વંદન !

(સંદર્ભ : શ્વેત ક્રાંતિના સર્જક - પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ)

સહયોગ : નીરવ પટેલ)

- ઈશ્વર પ્રજાપતિ

(98251 42620)

Sunday, July 24, 2022

સન્ડે સ્પેશિયલ - 27

 રાષ્ટ્રપતિભવન : જેના નિર્માણમાં ૨૯ હજાર મજૂરોએ સતત ૧૭ વર્ષ સુધી દિવસ-રાત કામ કર્યું. 


            ભારત દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ  થઈ. સાવ સાધારણ પરિવારમાંથી આવતાં શ્રીમતી દ્રૌપદી મુર્મુ દેશના પંદરમાં રાષ્ટ્રપતિનું પદ હવે શોભાવશે. અને હવે તેઓનું સત્તાવાર નિવાસસ્થાન  રાષ્ટ્રપતિભવન બનશે.   ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી હાલ જે નિવાસસ્થાનમાં રહે છે તેનું અધિકૃત સરનામું રાષ્ટ્રપતિભવન, પ્રેસિડેન્ટસ એસ્ટેટ, નવી દિલ્હી ૧૧૦૦૦૪ છે. આ ઇમારત નવી દિલ્હીના રાયસીના હિલ્સ પર ઊભી કરવામાં આવેલી છે. આ ઐતિહાસિક ઈમારત અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની  સાક્ષી રહી છે. આ ભવ્ય ભવનના નિર્માણ અંગેનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે.   

       ભારતનું રાષ્ટ્રપતિભવન વિશ્વના વિવિધ રાષ્ટ્રોના વડાઓનાં નિવાસસ્થાનો પૈકી બીજા નંબરનું સૌથી મોટું વિશાળ નિવાસસ્થાન છે, તેમાં ૩૪૦ જેટલા ઓરડા છે.  

           આ ભવ્ય ઇમારત પણ બ્રિટિશ રાજ દરમિયાન નિર્માણ પામી હતી. તે વખતે તેનું નામ ‘વાઇસરૉય હાઉસ' હતું. આ ઇમારત જ્યાં છે તે એસ્ટેટ ૩૨૦ એકર જમીનમાં પથરાયેલી છે. આ સંકુલમાં આવેલો ભવ્ય બગીચો મોગલ ગાર્ડન તરીકે જાણીતો છે.

          રાષ્ટ્રપતિભવન કે જે એક જમાનામાં અંગ્રેજ વાઇસરૉયના નિવાસ માટેનું ‘વાઇસરૉય હાઉસ' હતું. તેનો ઇતિહાસ રસપ્રદ છે. બ્રિટિશ રાજ વખતે શરૂઆતમાં દેશનું પાટનગર કલકત્તા હતું. ઈ.સ. ૧૯૧૧ માં દિલ્હી દરબારનું આયોજન થયું ત્યારે બ્રિટિશ વાઇસરૉય માટે નવું નિવાસસ્થાન નવી દિલ્હીમાં બાંધવાનો નિર્ણય લેવાયો હતો.

         એ વખતે જૂનું દિલ્હી હતું. પરંતુ જ્યારે નવી દિલ્હી બનાવવાનું આયોજન થયું ત્યારે ભારત ખાતેના બ્રિટિશ વાઇસરૉય માટે પણ વિશાળ જગા ફાળવવા નિર્ણય લેવાયો હતો. શરૂઆતમાં નવી દિલ્હી ખાતે ૪,૦૦૦ એકર જમીન સંપાદિત કરવામાં આવી. એ જમાનામાં અહીં રાયસીના અને માલ્યા નામનાં બે ગામો હતાં. એ વખતે અહીં રાયસીના અને માલ્યા ગામમાં ૩૦૦ પરિવારો રહેત હતા. તેમને અન્યત્ર વસાવવામાં આવ્યા. આ ઇમારતની ડિઝાઇન તૈયાર કરવાનું કામ બ્રિટિશ આર્કિટેક્ટ એડવીન લેન્ડસીર લ્યૂટન્સને સોંપવામાં આવ્યું હતું. આ ડિઝાઇન સિમલામાં રહેત હર્બટ બેકરે તા. ૧૪ જૂન , ૧૯૧૨ના રોજ જે સ્કેચ મોકલ્યા હતા તેના જેવી  જ હતી. હર્બટ બેકરની ડિઝાઇન ભારતીય સ્થાપત્ય કળાથી પ્રભાવિત હતી. તે પછી લ્યૂટન્સ અને બેકરે સાથે મળીને કામ કર્યું. બંને વચ્ચે કેટલીક બાબતો મતભેદ પણ થયા . એ અંગે એક કમિટી પણ રચાઈ.

     વાઇસરૉય હાઉસના નિર્માણ માટે લ્યૂટન્સ અવારનવાર ઇંગ્લૅન્ડથી ભા આવતા રહ્યા. ૨૦ વર્ષ સુધી તેઓ આ પ્રવાસ કરતા રહ્યા.

      નોંધપાત્ર વાત એ છે કે એ વખતે નાણાંની તંગીના કારણે વાઇસરો હાઉસની ઇમારતની મૂળ સાઈઝ ૧૩,૦૦૦,000 ક્યુબિક ફિટ હતી, તે ઘટાડી ૮,૫૦૦,૦૦૦ ક્યુબિક ફિટ કરી નાંખી. આ બજેટ નિયંત્રણો લૉર્ડ હાર્ડિગે મૂક્યાં હતાં.

       છેવટે ચાર માળની આ ઇમારત માટે ૩૪૦ ઓરડાઓ તૈયાર કરવાનું નક્કી થયું. તેના બાંધકામમાં એક બિલિયન ઈંટો વપરાઈ, જે પથ્થરોની બનેલી હતી. એ વખતના બ્રિટનના રાજાઓ તેમની અસાધારણ શક્તિ અને સત્તાનું પ્રદર્શન થાય તે પ્રકારની ઇમારતો બનાવવા માગતા હતા અને એ પ્રકારનું જ મટીરિયલ્સ વપરાય તેવો તેમનો આગ્રહ હતો.

        લ્યૂટન્સની શરૂઆતની ડિઝાઇન યુરોપિયન શૈલીની હતી અને તેમાં ભારતીય સંસ્કૃતિની છાયા ઊપસે તેવું તેઓ ઇચ્છતા નહોતા. પરંતુ પાછળથી બ્રિટિશ સત્તાવાળાઓને લાગ્યું કે સ્થાનિક વાતાવરણ પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવવી જરૂરી છે. તેમાં પણ અંગ્રેજોની રાજકીય ચતુરાઈ હતી. એ હેતુથી વાઇસરૉય ભવનની ડિઝાઇનમાં ભારતીય શૈલીની છાંટ આવે તેવી ચીજવસ્તુઓ ઉમેરવી પડી. દા.ત. ભારતીય શૈલીનાં છજાં ઉમેરવામાં આવ્યાં, જે સીધા સૂર્યપ્રકાશને રોકે.

        રૂફ લાઇન પર છત્રીઓ મૂકવામાં આવી . વિશાળ ડોમ પણ બનાવવામાં આવ્યો. દીવાલો પર હાથીઓની પ્રતિમાઓ મૂકવામાં આવી. ક્યાંક કમળ ઉપસાવવામાં આવ્યાં. રાજસ્થાની ડિઝાઇનની જાળીઓ મૂકવામાં આવી. છેવટે આ બધું કામ લ્યૂટન્સે જ કર્યું. ભારતનાં દેવમંદિરોમાં મુકાતા ઘંટને પણ અહીં સ્થાન મળ્યું.

           એટલું જ નહીં પરંતુ વાઇસરૉય હાઉસને મોગલ શૈલીની પણ છાંટ અપાઈ. બૌદ્ધ ધર્મના સાંચીના સ્તૂપ જેવા વિશાળ ડોમને સ્થાન મળ્યું. છેવટે જે વાઇસરૉય હાઉસ તૈયાર થયું તે એ સમયના બ્રિટિશ સામ્રાજ્યના બીજાં સ્ટ્રક્ચર કરતાં સહેજ જુદું બન્યું. નોંધપાત્ર વાત એ છે કે નવી દિલ્હીનું વાઇસરૉય ભવન ( હવે રાષ્ટ્રપતિભવન ) બનતાં કુલ ૧૭ વર્ષ લાગ્યાં. એ દરમિયાન કુલ ૨૯,૦૦૦ મજૂરો અને કારીગરોએ આ ઇમારતના બાંધકામ માટે કામ કર્યું. આ ભવ્ય ઇમારતનું બાંધકામ ૧૯૧૨ માં શરૂ થયું અને ૧૯૨૯ માં પૂરું થયું. એ પછી આ ભવનમાં બ્રિટિશ વાઇસરૉયઝ રહેતા હતા.


        આ ઇમારતમાં આમ તો કુલ ૩૫૫ ડેકોરેટેડ રૂમ્સ છે. તેનો ફ્લોર એરિયા ૨,૦૦,000 ચોરસ મીટર છે. તેમાં ૭૦૦ મિલિયન બ્રિક્સનો ઉપયોગ થયો છે. તેમાં જયપુર કોલમનો ઉપયોગ થયો છે. આ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર સર તેજાસિંહ મલિક હતા.

         ભારતના છેલ્લા ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ આ જ ભવનમાં પણ નાના અતિથિગૃહની વિંગમાં રહેવાનું પસંદ કર્યું હતું. તે પછી બાકીના રાષ્ટ્રપતિશ્રીઓ પણ તેમને અનુસર્યા. જ્યારે બ્રિટિશ વાઇસરૉય જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા તેને વિવિધ રાષ્ટ્રોના વડાઓ માટે ગેસ્ટ વિંગ બનાવી દેવામાં આવ્યો છે.

        તા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારતના રાજેન્દ્રપ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા અને તેઓ અહીં રહેવા આવ્યા. તે પછી આ ઇમારત રાષ્ટ્રપતિભવન તરીકે ઓળખાઈ.

            રાષ્ટ્રપતિભવનમાં જે બે મુખ્ય હૉલ છે તેમાં એક અશોક હૉલ છે અને બીજો દરબાર હૉલ છે. આ બંને હૉલનો રાષ્ટ્રના મહત્ત્વપૂર્ણ સમારંભો માટે ઉપયોગ થાય છે . દરબાર હૉલની ક્ષમતા ૫૦૦ વ્યક્તિઓને સમાવવાની છે. દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તા . ૧૫ ઑગસ્ટ , ૧૯૪૭ ના રોજ સવારે ૮-૩૦ વાગે આ હૉલમાં છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનના હાથે આ હૉલમાં વડા પ્રધાન તરીકેના શપથ લીધા હતા.

( સ્ત્રોત : બ્રિટીશ ઇન્ડિયા - દેવેન્દ્ર પટેલ ) 

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620






Sunday, July 17, 2022

સન્ડે સ્પેશિયલ - 26

 જ્યારે અમદાવદમાં એકધારો 52 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે શહેરનો હાલ જાણવા ધોધમાર વરસતા વરસાદ વચ્ચે સરદાર પટેલ શહેરની સડકો પર આખી રાત ફરતા રહ્યા.


 
 

                રાષ્ટ્ર પર, રાજ્ય પર કે કોઈ શહેર પર કુદરતી કે માનવ સર્જિત કોઇપણ આફત આવી પડે છે ત્યારે સરદાર પટેલનું સ્મરણ થયા વિના રહેતું નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ૧૨ થી ૧૮ ઇંચ જેટલા ખાબકેલા  વરસાદે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોનું જાણે  જનજીવન ખોરવી નાખ્યું. અમદાવદ જેવા આધુનિક શહેરના રહેણાંક વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયાં. કેટલાય પરિવારોની સ્થિતિ દયાજનક બની. આવા સમયે સરદાર સાહેબ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલિટીનાં પ્રમુખ હતા ત્યારે અમદાવાદ અને ખેડામાં પૂર જેવી સ્થિતિમાં સરદાર સાહેબે વરસતા વરસાદમાં તાબડતોબ પગલા લીધા સ્વાભાવિક રીતે જ તેનું સ્મરણ થઇ આવે છે.

          વર્ષ ૧૯૨૪ ની સાલમાં સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલિટીના પ્રમુખ બન્યા.  વાત છે તારીખ  ૨૩ જુલાઈ ૧૯૨૭ ની !   શનિવારે સાંજે અમદાવાદમાં મુશળધાર વરસાદ શરૂ થયો. ભારે વરસાદ પડ્યા પછી રવિવારે એવું લાગતું હતું કે વરસાદ રહી જશે. પણ વરસાદ અટકચો નહીં. રવિવારે સાંજથી ભારે વરસાદ સાથે પવનનાં જોરદાર ઝાપટાં શરૂ થયાં. વલ્લભભાઈ ઘરમાં એકલા હતા. મણિબહેન ગાંધીજી અને કસ્તૂરબા જોડે દક્ષિણ ભારતમાં આવેલી નદી ટેકરીઓમાં ગયાં હતાં અને ડાહ્યાભાઈ પણ બહારગામ હતા. વલ્લભભાઈ રવિવારે રાત્રે સુઈ શક્યા નહીં. મધરાતે પથારીમાંથી ઊઠીને ઘરની બહાર નીકળ્યા અને શહેરની સ્થિતિ જોવા જવાનું ઠરાવ્યું. વરસાદ અને પવન જોડે જોડે વીજળીના કડાકા થવા લાગ્યા હતા. પોતાની જોડે કોઈ હોય તો સારું તેવું લાગવાથી તેમણે હરિલાલ કાપડિયાનો દરવાજો ઠોક્યો. કાપડિયાએ બારણું ખોલ્યું ત્યારે પૂરેપરા પલળી ગયેલા વલ્લભભાઈએ બીજી વાત થતાં અગાઉ ચા બનાવી લાવવાનું કહ્યું.


                વલ્લભભાઈએ કપડાં બદલ્યાં અને કાપડિયાએ ચા બનાવી. શહેરના જુદા જુદા વિસ્તારની સ્થિતિ જાતે નિહાળવા માટે કાપડિયાએ પોતાની જોડે આવવું તેવું વલ્લભભાઈએ કહ્યું. કાપડિયાના ઘરની દીવાલો પણ વરસાદ અને પવનના ઝપાટાથી હચમચી  હતી અને ક્યારે પડી જાય તે કહી શકાય તેમ ન હતું. છતાં કાપડિયા સરદાર પટેલ જોડે ઊપડ્યા. બંને જણ સવાર સુધી ( જુલાઈ ૨૫ ) ફર્યા પણ વરસાદ તો ક્ષણભર પણ અટકયો નહીં. મ્યુનિસિપાલિટીના કમિશનર ગોરેના ઘેર બંને જણ પહોંચ્યા અને ગોરેને ઉઠાડ્યા. ત્રણે જણ મ્યુનિસિપાલિટીની ઑફિસે પહોંચ્યા. અધિકારીઓ અને કર્મચારીઓને તાબડતોબ બોલાવવામાં આવ્યા અને દરેકને સૂચના આપવામાં આવી. નાળાંઓ મોટાં કરવામાં આવ્યાં અને પાણી વહી જવા માટે એક નાળા પરનો રસ્તો વલ્લભભાઈના હુકમથી તોડી નાખવામાં આવ્યો. વરસાદ અટકચો નહીં. અને હવે આ વરસાદ  જુલાઈની ૨૯ મી સુધી ચાલુ રહેવાનો હતો.

           વરસે 30 ઇંચ વરસાદ પડે તેવા અમદાવાદમાં સતત છ દિવસમાં 52 ઇંચ વરસાદ પડ્યો. ત્રણચાર દિવસ સુધી સતત કામ કરતા રહીને વલ્લભભાઈ અને ગોરેએ પૂરપાટ વહેતા પાણીને વહી જવાના રસ્તા કરી આપવા અને કાટમાળ ખસેડવા માટે ભગીરથ પ્રયાસ કર્યાં. રેલવે, ટપાલ કે તારની અવરજવર અટકી પડી હોવાથી અમદાવાદની બહાર શું થઈ રહ્યું છે તે જાણવાનું કામ શરૂઆતમાં અશક્ય થઈ પડ્યું હતું. અમદાવાદના કલેક્ટરે સંકોચ છોડીને સામે ચાલીને વલ્લભભાઈની મદદ માગી. તેમણે જણાવ્યું કે ખેડા જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર છે. મોટા ભાગનો વિસ્તાર ત્રણથી ચાર ફૂટ પાણીમાં ડૂબી ગયો છે. ખેડા શહેરના તમામ લોકો ઘરબાર છોડીને કલેકટરનો બંગલો હતો તે ઊંચાણિયા પર ચડી બેઠા છે અને તેમને ખોરાક પહોંચાડવાની તાત્કાલિક જરૂર છે . વલ્લભભાઈ કંઈ કરશે ? વલ્લભભાઈ તૈયાર હતા. ચોખા, ઘઉં, ખાંડ અને કેરોસીન મોટા પ્રમાણમાં એકઠાં કરીને વલ્લભભાઈએ સામાન અને સ્વયંસેવકોને રેલવે સ્ટેશને પહોંચાડ્યા ; ત્યાંથી ગમે તેમ કરીને તેઓ મહેમદાવાદ પહોંચ્યા, અને પછી તેમને ખેડા પહોંચાડવામાં આવ્યા. કલેકટર રેજિનાલ્ડ મેક્સવેલે સામાન અને સ્વયંસેવકોને ‘ગેબી આશીર્વાદ’ તરીકે આવકાર્યા.

            ત્યાર પછીના દિવસોમાં કમરતોડ સમસ્યાનો મુકાબલો કરી રહેલા અત્યંત કુશળ સંયોજક તરીકેનું વલ્લભભાઈનું રૂપ જોવા મળ્યું. ઊભો પાક અને ઢોરઢાંખર તણાઈ ગયાં હતાં. લોકો ભૂખે મરતા હતા અને ૭૫,૦૦૦ ઘર પડી ગયાં હતાં. આશરો મેળવવા માટે લોકો ઝાડ પર ચડી બેઠા હતા અને સાપ પણ તેમની સાથે ચડ્યા હતા. દ્વાર નદીને કાંઠે આવેલાં ત્રણ ઝાડ પર એકસઠ ભીલો ચડ્યા અને ચાર દિવસ સુધી ડાળીઓને વળગી રહ્યા. પાંચમે દિવસે ભૂખે મરતાં બાળકો, બુદ્દાઓ અને સ્ત્રીઓ જમીન પર પછડાયાં . આ રીતે એકત્રીસ માણસોએ જાન ગુમાવ્યા.

             વરસાદ અટકયો કે તરત જ વલ્લભભાઈએ નક્કી કરેલા કેન્દ્રોમાં સ્વયંસેવકો રેલવાટ અથવા રસ્તે ચાલીને પહોંચ્યા. રસ્તામાં પાણીમાંથી ચાલ્યા, તરીને ગયા અથવા ફુલાવેલી કોથળીઓને સહારે ગયા. સ્થાન પર પહોંચ્યા પછી તેમને મોકલવામાં આવેલાં અનાજ, કપડાં અને દવાઓની સંભાળ લેવાનું અને જરૂરતમંદ લોકોને વહેંચી આપવાનું કામ તેમણે ઉપાડી લીધું. ઘર ભાંગી પડ્યાં હતાં તેની સાથે જૂના ખ્યાલો પણ ખતમ થયા હતા.

          આ સર્વનાશમાં કેટલાંક ગામો સદંતર નાશ પામ્યાં હતાં. તેથી નવી અને વધારે સગવડરૂપ યોજના અનુસાર તેમને નવેસરથી વસાવવાનું કામ શરુ બન્યું. વલ્લભભાઈના સ્વયંસેવકોએ આવાં પાંચછ ગામો ઊભાં કર્યાં. નાણાં ધોધમાર આવ્યાં. શરૂઆતમાં સંખ્યાબંધ નાગરિકોએ નાણાં આપ્યાં . ત્યાર પછી મુંબઈ અને અમદાવાદમાં કૉંગ્રેસ માટે ચાહના ધરાવનાર લોકોએ નાણાં મોકલ્યાં . આખા ગુજરાતમાં વલ્લભભાઈએ જે ઝડપથી રાહતકાર્ય ગોઠવ્યું હતું તેનાથી પ્રભાવિત થયેલી સરકારે પણ મોટી રકમ ફાળવી. સ્વયંસેવકોએ જે જે માગણી કરી તે બધું વલ્લભભાઈએ તાબડતોબ મોકલી આપ્યું. નવા પાક માટેનું બિયારણ, મકાન બાંધવાની સામગ્રી, ખેતી માટેનાં ઓજારો મોકલવામાં આવ્યાં અને પાણીના મૂલે લોકોને આપવામાં આવ્યાં. ‘પેન્સિલથી લખાયેલી નાનકડી ચિઠ્ઠી આવે તોપણ વલ્લભભાઈ બેઠા થઈ જતા. અને તરત જરૂરી મદદ પહોચાડતા.

        સરદાર સાહેબ ૧૯૨૮ સુધી અમદાવાદ મ્યુનિસિપલિટીના પ્રમુખ રહ્યા. ધૂલેટાબાદ તરીકે ઓળખાતા અમદાવાદ શહેરને આધુનિક રૂપ આપવામાં સરદાર સાહેબનો બહુ મોટું યોગાદન છે એ કદી ભૂલવું જોઈએ નહિ.    

(સદર્ભ : સરદાર એક સમર્પિત જીવન – રાજમોહન ગાંધી )

 

-          ઈશ્વર પ્રજાપતિ

-        98251 42620

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts