Sunday, July 24, 2022

સન્ડે સ્પેશિયલ - 27

 રાષ્ટ્રપતિભવન : જેના નિર્માણમાં ૨૯ હજાર મજૂરોએ સતત ૧૭ વર્ષ સુધી દિવસ-રાત કામ કર્યું. 


            ભારત દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ  થઈ. સાવ સાધારણ પરિવારમાંથી આવતાં શ્રીમતી દ્રૌપદી મુર્મુ દેશના પંદરમાં રાષ્ટ્રપતિનું પદ હવે શોભાવશે. અને હવે તેઓનું સત્તાવાર નિવાસસ્થાન  રાષ્ટ્રપતિભવન બનશે.   ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી હાલ જે નિવાસસ્થાનમાં રહે છે તેનું અધિકૃત સરનામું રાષ્ટ્રપતિભવન, પ્રેસિડેન્ટસ એસ્ટેટ, નવી દિલ્હી ૧૧૦૦૦૪ છે. આ ઇમારત નવી દિલ્હીના રાયસીના હિલ્સ પર ઊભી કરવામાં આવેલી છે. આ ઐતિહાસિક ઈમારત અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની  સાક્ષી રહી છે. આ ભવ્ય ભવનના નિર્માણ અંગેનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે.   

       ભારતનું રાષ્ટ્રપતિભવન વિશ્વના વિવિધ રાષ્ટ્રોના વડાઓનાં નિવાસસ્થાનો પૈકી બીજા નંબરનું સૌથી મોટું વિશાળ નિવાસસ્થાન છે, તેમાં ૩૪૦ જેટલા ઓરડા છે.  

           આ ભવ્ય ઇમારત પણ બ્રિટિશ રાજ દરમિયાન નિર્માણ પામી હતી. તે વખતે તેનું નામ ‘વાઇસરૉય હાઉસ' હતું. આ ઇમારત જ્યાં છે તે એસ્ટેટ ૩૨૦ એકર જમીનમાં પથરાયેલી છે. આ સંકુલમાં આવેલો ભવ્ય બગીચો મોગલ ગાર્ડન તરીકે જાણીતો છે.

          રાષ્ટ્રપતિભવન કે જે એક જમાનામાં અંગ્રેજ વાઇસરૉયના નિવાસ માટેનું ‘વાઇસરૉય હાઉસ' હતું. તેનો ઇતિહાસ રસપ્રદ છે. બ્રિટિશ રાજ વખતે શરૂઆતમાં દેશનું પાટનગર કલકત્તા હતું. ઈ.સ. ૧૯૧૧ માં દિલ્હી દરબારનું આયોજન થયું ત્યારે બ્રિટિશ વાઇસરૉય માટે નવું નિવાસસ્થાન નવી દિલ્હીમાં બાંધવાનો નિર્ણય લેવાયો હતો.

         એ વખતે જૂનું દિલ્હી હતું. પરંતુ જ્યારે નવી દિલ્હી બનાવવાનું આયોજન થયું ત્યારે ભારત ખાતેના બ્રિટિશ વાઇસરૉય માટે પણ વિશાળ જગા ફાળવવા નિર્ણય લેવાયો હતો. શરૂઆતમાં નવી દિલ્હી ખાતે ૪,૦૦૦ એકર જમીન સંપાદિત કરવામાં આવી. એ જમાનામાં અહીં રાયસીના અને માલ્યા નામનાં બે ગામો હતાં. એ વખતે અહીં રાયસીના અને માલ્યા ગામમાં ૩૦૦ પરિવારો રહેત હતા. તેમને અન્યત્ર વસાવવામાં આવ્યા. આ ઇમારતની ડિઝાઇન તૈયાર કરવાનું કામ બ્રિટિશ આર્કિટેક્ટ એડવીન લેન્ડસીર લ્યૂટન્સને સોંપવામાં આવ્યું હતું. આ ડિઝાઇન સિમલામાં રહેત હર્બટ બેકરે તા. ૧૪ જૂન , ૧૯૧૨ના રોજ જે સ્કેચ મોકલ્યા હતા તેના જેવી  જ હતી. હર્બટ બેકરની ડિઝાઇન ભારતીય સ્થાપત્ય કળાથી પ્રભાવિત હતી. તે પછી લ્યૂટન્સ અને બેકરે સાથે મળીને કામ કર્યું. બંને વચ્ચે કેટલીક બાબતો મતભેદ પણ થયા . એ અંગે એક કમિટી પણ રચાઈ.

     વાઇસરૉય હાઉસના નિર્માણ માટે લ્યૂટન્સ અવારનવાર ઇંગ્લૅન્ડથી ભા આવતા રહ્યા. ૨૦ વર્ષ સુધી તેઓ આ પ્રવાસ કરતા રહ્યા.

      નોંધપાત્ર વાત એ છે કે એ વખતે નાણાંની તંગીના કારણે વાઇસરો હાઉસની ઇમારતની મૂળ સાઈઝ ૧૩,૦૦૦,000 ક્યુબિક ફિટ હતી, તે ઘટાડી ૮,૫૦૦,૦૦૦ ક્યુબિક ફિટ કરી નાંખી. આ બજેટ નિયંત્રણો લૉર્ડ હાર્ડિગે મૂક્યાં હતાં.

       છેવટે ચાર માળની આ ઇમારત માટે ૩૪૦ ઓરડાઓ તૈયાર કરવાનું નક્કી થયું. તેના બાંધકામમાં એક બિલિયન ઈંટો વપરાઈ, જે પથ્થરોની બનેલી હતી. એ વખતના બ્રિટનના રાજાઓ તેમની અસાધારણ શક્તિ અને સત્તાનું પ્રદર્શન થાય તે પ્રકારની ઇમારતો બનાવવા માગતા હતા અને એ પ્રકારનું જ મટીરિયલ્સ વપરાય તેવો તેમનો આગ્રહ હતો.

        લ્યૂટન્સની શરૂઆતની ડિઝાઇન યુરોપિયન શૈલીની હતી અને તેમાં ભારતીય સંસ્કૃતિની છાયા ઊપસે તેવું તેઓ ઇચ્છતા નહોતા. પરંતુ પાછળથી બ્રિટિશ સત્તાવાળાઓને લાગ્યું કે સ્થાનિક વાતાવરણ પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવવી જરૂરી છે. તેમાં પણ અંગ્રેજોની રાજકીય ચતુરાઈ હતી. એ હેતુથી વાઇસરૉય ભવનની ડિઝાઇનમાં ભારતીય શૈલીની છાંટ આવે તેવી ચીજવસ્તુઓ ઉમેરવી પડી. દા.ત. ભારતીય શૈલીનાં છજાં ઉમેરવામાં આવ્યાં, જે સીધા સૂર્યપ્રકાશને રોકે.

        રૂફ લાઇન પર છત્રીઓ મૂકવામાં આવી . વિશાળ ડોમ પણ બનાવવામાં આવ્યો. દીવાલો પર હાથીઓની પ્રતિમાઓ મૂકવામાં આવી. ક્યાંક કમળ ઉપસાવવામાં આવ્યાં. રાજસ્થાની ડિઝાઇનની જાળીઓ મૂકવામાં આવી. છેવટે આ બધું કામ લ્યૂટન્સે જ કર્યું. ભારતનાં દેવમંદિરોમાં મુકાતા ઘંટને પણ અહીં સ્થાન મળ્યું.

           એટલું જ નહીં પરંતુ વાઇસરૉય હાઉસને મોગલ શૈલીની પણ છાંટ અપાઈ. બૌદ્ધ ધર્મના સાંચીના સ્તૂપ જેવા વિશાળ ડોમને સ્થાન મળ્યું. છેવટે જે વાઇસરૉય હાઉસ તૈયાર થયું તે એ સમયના બ્રિટિશ સામ્રાજ્યના બીજાં સ્ટ્રક્ચર કરતાં સહેજ જુદું બન્યું. નોંધપાત્ર વાત એ છે કે નવી દિલ્હીનું વાઇસરૉય ભવન ( હવે રાષ્ટ્રપતિભવન ) બનતાં કુલ ૧૭ વર્ષ લાગ્યાં. એ દરમિયાન કુલ ૨૯,૦૦૦ મજૂરો અને કારીગરોએ આ ઇમારતના બાંધકામ માટે કામ કર્યું. આ ભવ્ય ઇમારતનું બાંધકામ ૧૯૧૨ માં શરૂ થયું અને ૧૯૨૯ માં પૂરું થયું. એ પછી આ ભવનમાં બ્રિટિશ વાઇસરૉયઝ રહેતા હતા.


        આ ઇમારતમાં આમ તો કુલ ૩૫૫ ડેકોરેટેડ રૂમ્સ છે. તેનો ફ્લોર એરિયા ૨,૦૦,000 ચોરસ મીટર છે. તેમાં ૭૦૦ મિલિયન બ્રિક્સનો ઉપયોગ થયો છે. તેમાં જયપુર કોલમનો ઉપયોગ થયો છે. આ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર સર તેજાસિંહ મલિક હતા.

         ભારતના છેલ્લા ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ આ જ ભવનમાં પણ નાના અતિથિગૃહની વિંગમાં રહેવાનું પસંદ કર્યું હતું. તે પછી બાકીના રાષ્ટ્રપતિશ્રીઓ પણ તેમને અનુસર્યા. જ્યારે બ્રિટિશ વાઇસરૉય જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા તેને વિવિધ રાષ્ટ્રોના વડાઓ માટે ગેસ્ટ વિંગ બનાવી દેવામાં આવ્યો છે.

        તા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારતના રાજેન્દ્રપ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા અને તેઓ અહીં રહેવા આવ્યા. તે પછી આ ઇમારત રાષ્ટ્રપતિભવન તરીકે ઓળખાઈ.

            રાષ્ટ્રપતિભવનમાં જે બે મુખ્ય હૉલ છે તેમાં એક અશોક હૉલ છે અને બીજો દરબાર હૉલ છે. આ બંને હૉલનો રાષ્ટ્રના મહત્ત્વપૂર્ણ સમારંભો માટે ઉપયોગ થાય છે . દરબાર હૉલની ક્ષમતા ૫૦૦ વ્યક્તિઓને સમાવવાની છે. દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તા . ૧૫ ઑગસ્ટ , ૧૯૪૭ ના રોજ સવારે ૮-૩૦ વાગે આ હૉલમાં છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનના હાથે આ હૉલમાં વડા પ્રધાન તરીકેના શપથ લીધા હતા.

( સ્ત્રોત : બ્રિટીશ ઇન્ડિયા - દેવેન્દ્ર પટેલ ) 

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620






1 comment: