Thursday, February 28, 2019

વ્યક્તિ વિશેષ : પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ :1


          કલમ થકી સમાજમાં અજવાળું પાથરનાર માત્ર અરવલ્લીનું જ નહી પરંતુ ગુજરાતનું ઘરેણું પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ


            અરવલ્લીના અંતરિયાળ ગામડાનો એક ગ્રામીણ છોકરો કે જેને અભ્યાસકાળ દરમિયાન બે-બે શાળાઓમાંથી 'બેડ બોય' કહી હાંકી કાઢવામાં આવ્યો હોય, પોતાની મસ્તીમાં ખલેલ પહોંચાડતા શાળાના બેલ ને જેણે ગુમ કરી દીધો હોય, કડક શિસ્તના આગ્રહી પિતાના rules book નો ભંગ કરનાર, પિતાના ફરમાન સામે વિદ્રોહ કરનાર એક કિશોરના યુવાનીકાળ માં એવું તે શું પ્રગટ્યુ કે આગળ જતા રાષ્ટ્રના પ્રતિષ્ઠિત સન્માન એવા 'પદ્મશ્રી'ના  સન્માનથી સમસ્ત રાષ્ટ્ર એ  તેઓને નવાજ્યા.
 
              હા, આ કથા છે  'કભી કભીકટાર લેખનથી વિશ્વમાં વસતા વાચકોના વાંચકોના દિલમાં સંવેદનાનો ચિત્કાર જગાવનાર લેખક, પત્રકાર, સહજ, સૌમ્ય, અને શાલીન વ્યક્તિત્વ એટલે કે પદ્મશ્રી દેવેન્દ્ર પટેલની. તેઓનું જીવન પણ તેઓની કટાર કોલમ 'કભી - કભી ' જેવું અનેક જોખમો, સાહસો અને રોમાંચથી ભરપૂર છે
  
               અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આમ્રમંજરીઓ છે ભર્યું ભર્યું ખોબા જેવડું આકરુન્દ ગામ તેઓ નું વતન. માતા રેવાબા નિરક્ષર. પરંતુ ધાર્મિકતાથી છલોછલ ભરેલું, નર્યું નિખાલસ અને પ્રેમાળ વ્યક્તિત્વ. પિતાજી જેશીંગભાઇ રેવાભાઇ પટેલ પ્રખર ગાંધીવાદી, શિક્ષણ પ્રેમી, કેળવણીકાર અને કડક શિસ્તના આગ્રહી. ગામની શૈક્ષણિક સંસ્થા હોય કે સહકારી સંસ્થા તમામ સંસ્થાઓના વિકાસમાં તેઓનો સિંહફાળો. સાચુકલા ગાંધીવાદી. આકરુન્દની શૈક્ષણિક સંસ્થામાં નોકરીની ભલામણ લઈને આવેલા સગા સાળાના દીકરાને ઘરનો રસ્તો બતાવી દીધો હતો. સંસ્થાના હિતમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરી.
               નીડરતા, નિર્ણયમાં અડગતા અને સાહસના ગુણો દેવેન્દ્રભાઈ પટેલને પિતા તરફથી વારસામાં મળ્યા. પિતાની ઈચ્છા દીકરાને એન્જિનિયર કે આઇ.એ.એસ બનાવવાની હતી.
            
      દેવેન્દ્રભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી શાળામાં લીધું. એક શાળાના પ્રવેશ કાળથી જ બાળ સહજ તોફાનો નો પરિચય આપવાનો દોર શરૂ કરી દીધો. શાળાનું ગૃહકાર્ય ન કરવું, શાળામાં ગુલ્લીઓ મારવી , ઘરેથી દફતર લઈને શાળાએ જવાનું કહી નીકળવાનું પરંતુ શાળાએ જવાના બદલે મિત્રો સાથે રખડી પાંચ વાગે ઘરે પરત ફરવાનું. ઘરમાં તો સૌને એમ જ લાગે કે ભાઈ શાળાએ જઈને આવ્યા. ઘણીવાર આ ચોરી પકડાઈ પણ ગઈ. સખત માર પણ પડ્યો. તો પણ ઓછા ન થયા. છેવટે શાળાના શિક્ષકો એ જાહેર કર્યું કે 'આ છોકરો રખડેલ છે.' ધોરણ પાંચ સુધી સરકારી શાળામાં અભ્યાસ કરી ધોરણ ૭ -૮ હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો. ગણિત તો તેઓને નર્યું માથાફોડ જ લાગતું. સ્કૂલમાં આવ્યા બાદ પણ તોફાનો શમ્યા નહીં. મિત્રોની નોટબુકમાં શિક્ષકોની સહી કરી આપ્યા બદલ પકડાઈ ગયા. આખો દિવસ વર્ગ બહાર ઉભા રાખવામાં આવ્યા. શાળાના શિક્ષકે તેઓના પિતાશ્રીને બોલાવીને કહેવું પડ્યું 'આને કોઈ કડક શિસ્ત વાળી શાળામાં દાખલ કરો. He is bad boy'
          
       પિતાજી કડક શિસ્તના આગ્રહી એટલે પોતાના તોફાની સંતાનના યોગ્ય ઘડતર માટે લશ્કરી શિસ્ત વાળી સ્કૂલ ની તપાસ આદરી. આખરે 14 વર્ષની ઉંમરે વતનથી દૂર આજની શ્રેયસ હોસ્ટેલમાં મૂકી દેવામાં આવ્યા.એ વખતે પિતા નિર્દય પણ લાગ્યા.
             
       શહેર જીવનમાં પ્રથમ વાર પ્રવેશ થયો. ગ્રામ્ય શૈલીના કારણે અનેક વાર તેઓ મજાકને પાત્ર બન્યા. અહીં 'શ્રેયસ'ના સંચાલિકા લીના બહેનના વાત્સલ્યસભર હૂંફાળા સ્પર્શે એમના વ્યક્તિત્વને નિખાર મળ્યો. પરંતુ ભીતરથી બાળ સહજ અપરાધની માનસિકતા અજાણતા જ તેમનામાં કેળવાતી રહી. અહીં બુદ્ધિપૂર્વકના તોફાનો શરૂ કર્યા. હોસ્ટેલમાં રાત્રે વાંચવુ ન પડે તે માટે હોસ્ટેલની લાઈટો જ બંધ થઇ જાય તેમણે શીખી લીધી. રોજ સુવા, જાગવા, વાંચવા અલગ અલગ સમયે બેલ વાગ્યા જ કે કરતો. એક દિવસ તેઓએ આ  બેલ જ ગુમ કરી દીધો. અને આ ગેરશિસ્ત બદલ શાળામાંથી પિતાશ્રીને પત્ર લખી જાણ કરવામાં આવી. ' છોકરાને કોઈ બીજી સ્કૂલમાં લઈ જાવ આ છોકરો અમારી શાળાના બીજા છોકરાઓને પણ બગાડશે.'
                એ જમાનામાં દેશની સર્વશ્રેષ્ઠ ગણાતી સ્કૂલમાંથી પણ બહાર ધકેલી દેતા તેઓના પિતાશ્રી ખુબ દુખી થયા. છેવટે હાઇસ્કુલનું છેલ્લું વર્ષ 11મા ધોરણ માટે બાયડની એન. એચ. શાહ હાઈસ્કૂલમાં એડમિશન લીધું. બે-બે શાળામાંથી અપમાનિત કરી હાંકી કાઢવા છતાં હજી તોફાનો શાંત થયા ન હતા. અહીં શિયાળાની કડકડતી ઠંડીમાં ગૃહપતિને છેતરી, રાત્રે ગામમાં આવેલી મહેશ એન્ડ પાર્ટી જોવા જતા રહ્યા. ચેકિંગ દરમિયાન પકડાઈ ગયા. બીજા દિવસ સવારે પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આચાર્ય પટેલ સાહેબે ગાલ પર તમાચો ફટકાર્યો.
     
         'શ્રેયસ' અને પટેલ સાહેબે કરેલી શિક્ષાએ હૈયુ વલોવાયું . અને જિંદગીની દિશા પલટાઈ. જાણે કે જિંદગીએ હવે કરવટ બદલી!
        
      હવે તેઓ 'બેડ બોય' તરીકેની પોતાની ઓળખ બદલવા મક્કમ બન્યા. પિતાની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા દ્રઢનિશ્ચયી બન્યા. પિતાશ્રીની ગુમાવેલી લાગણીને ફરી જીવંત કરવા કઠોર પરિશ્રમની શરૂઆત કરી. પરિણામ સ્વરૂપે એસ.એસ.સી.માં સારા માર્ક્સ  સાથે પાસ કરી પોતાની કાબેલિયત પુરવાર કરી.
          
    એસ.એસ . સી.બાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં એડમિશન લીધું. શાળા જીવન દરમિયાન કરેલા તોફાનો હવે પ્રકૃતિમાંથી આપોઆપ ગાયબ થઇ ગયા. શિસ્ત જાતે સ્વીકારી. બસ, હવે પિતાજીના ચહેરા પર આનંદ જોવો હતો.
સેન્ટ ઝેવિયર્સ કોલેજના એ વખતના પ્રિન્સિપાલ હારબત  ડિસોઝા અને પ્રખર વિદ્વાન પ્રાધ્યાપકના સાનિધ્યમાં વિશ્વના સાહિત્યનો ગાઢ પરિચય થયો. સાહિત્ય ભણતા ભણતા શબ્દ સાધના નું બીજ દિલમાં ચૂક્યું  હતું.
      
         તેઓ બાયડ હાઈસ્કૂલમાં ભણતા એ સમયે શાળામાં ભણતી એક વિદ્યાર્થીની તેઓને ખૂબ ગમતી. પીળા ફોક માં આવતી એ વિદ્યાર્થિનીને નીરખવું તેઓને ગમતું. યોગાનુયોગ કોલેજ ની પરીક્ષા પૂરી થઈ એ વેકેશન દરમિયાન એ જ પીળા ફ્રોક વાળી વિદ્યાર્થિની સાથે તેમના લગ્ન થયા. અને હા, વિદ્યાર્થીની એટલે એમના ધર્મપત્ની શ્રીમતી ભગવતીબેન.
      
      લગ્ન બાદ એમ.એ કરવા અમદાવાદ હોસ્ટેલમાં ફરી એડમિશન લીધું. પોસ્ટલ જીવન દરમિયાન પત્ની ભગવતીબેન પર લખેલા લાગણીથી ભીંજાયેલા પત્રો થકી અજાણતા જ તેઓની શબ્દ સાથે પ્રીત  બંધાઈ. એ પત્રોમાં સરળ શબ્દોમાં લાગણીનું આદાન પ્રદાન હતું. હૃદયમાંથી પેદા થતા આવિર્ભાવની અભિવ્યક્તિ હતી. આ પત્રો જ સાહિત્ય સાથેનો પહેલો સંસ્પર્શ હતો. અને હા, આજે પણ તેઓ સ્વીકારે છે કે 'કભી કભી  લખું છું ત્યારે મેં ભગવતીને લખેલા લાગણીભર્યા પત્રો અને તેમાં ભરેલી પ્રવાહીને જ અપનાવું છું.'
             1966-67 દરમિયાન એમ.એ કરતા કરતા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોની સ્પર્ધાત્મક પરીક્ષા આપી. ગુજરાત-મહારાષ્ટ્રની સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ આવ્યા. મૌખિક પરીક્ષા પણ સારી ગઈ. અપોઇમેન્ટ ઓર્ડર ન આવ્યો અને તેઓ હતાશ પણ થયા.
                કોલેજ અને હોસ્ટેલ ફી પિતાશ્રી મોકલતા હતા. પિતાના માથેથી ફી નો બોજ હટાવી લેવાનો નિર્ણય કર્યો. અને અખબાર માં આવતા વિજ્ઞાપનો રોજ તપાસવા લાગ્યા. જાહેરાત જોઈ અરજીઓ કરી. પરંતુ નિરાશા જ હાથ લાગી. ટ્રાન્સપોર્ટ કંપની એ તેઓને ક્લાર્ક તરીકે નોકરી આપવાનો પણ ઇનકાર કરી દીધો. ડ્રોઈંગ સારું જાણતા હોવાથી ફિલ્મના હોર્ડિંગ્સ તૈયાર કરવા પર તરીકેની નોકરી શોધી જોઈ પરંતુ એમાં પણ નિરાશા જડી.

(પદ્મશ્રી દેવેન્દ્રભઈ પટેલ પત્રકારીતામાં એક્સીડન્ટલી પ્રવેશ વિશે રસપ્રદ વતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

Wednesday, February 27, 2019

ફેક્ટ બીહાઇન્ડ ફેક્ટ : પુલવામાનો પ્રતિશોધ, શહીદોને સાચી શ્રદ્ધાંજલિ

                 "દુશ્મન દેશના ભૂગોળને બદલતા ભારતને હવે વાર નહિ લાગે"

     
             

                 પુલવામાના કાયરતા પૂર્ણ  એટેક બાદ હિન્દુસ્તાની હૃદયમાં પ્રતિશોધની ભયંકર આગ પ્રજ્વલિત હતી. 44 જવાનોના બલિદાનથી છેલ્લા 12 દિવસથી હિન્દુસ્તાની જન જન ની રગોમાં  ધગધકતા લાવો બની વહેતુ લોહી કાલે શાંત થયું. હિન્દુસ્તાનના દાઝેલા દિલ પર વાયુસેનાએ જાણે શીતળ લેપ લગાવ્યાનો અહેસાસ સમસ્ત હિંદુસ્તાને અનુભવ્યો.  40 નો બદલો 400 થી વાળી શહીદોને સાચા અર્થમાં શ્રાધ્ધજલી અર્પણ કરી.
                  ગઈકાલે 3:30 કલાકે વહેલી સવારે ભરતીય વાયુસેનાએ પરાક્રમ કરી દુશ્મન દેશને જ નહીં સમસ્ત વિશ્વને એક કડક સંદેશો આપ્યો છે કે હવે કોઈની પણ અવળચંડાઈ ભારત શાખી લેશે નહીં. દુશ્મનના ઘરમાં ઘૂસીને એનાં જડબા તોડવા કોઈની પારવાનગી લેવાની હિંદુસ્તાનને જરૂર નથી.
           આ માત્ર ટ્રેલર છે. આટલાથી દુશ્મન દેશ સમજી લે કે હિંદુસ્તાન નવી નીતિ રીતિ નો દેશ છે. દુશ્મન હિન્દુસ્તાનની સહનશીલતા ને કમજોરી સમજવાની ભૂલ ન કરે એ એના હીતમાં છે.
ભારતીય વાયુ સેનાએ ઓપરેશન માટે બલકોટ પસંદ કર્યું એનાં પણ ખાસ કારણ છે.


(1) 2001 પછી આ વિસ્તારમાં આંતકવાદી ના ટ્રેનિંગ કેમ્પો અહીં ફુલ્યા ફાલ્યા છે.
(2) હિંદુસ્તાનમાં થયેલ મોટા ભાગના આંતકી હુમલાઓ ના એક્શન પ્લાન અહીંના કન્ટ્રોલ રૂમમાં ઘડાયા હતા.
(3) આ ટ્રેઇનિંગ  કેમ્પ જૈશ-એ-મોહમ્મદ નો ચીફ મસૂદ અઝરનો બનેવી યુસુફ અઝહર ચલાવતો હતો.
(4) ભારતીય ગુપ્તચર સંસ્થાઓ પાસે આત્મઘાતી હુમલાની પાક્કી જાણકારી હાથ લાગી હતી. જેનો  એક્શન પ્લાન પણ અહીં જ ઘડતો હતો.
(5) આ કેમ્પ જૈશ એ મોહમ્મદ સંઘઠનનો સૌથી મોટો કેમ્પ હોવાનું મનાય છે અને   સામાન્ય અવસો થી દુર આવેલો હતો.
(6) અહીં આત્મઘાતી ફિદાયીન આંતકીઓને તાલીમ અપાતી હતી.
માટે ભારતીય વાયુ સેનાએ અહીં ખતરનાક હુમલો કરી, તબાહી વેરી આંતકીઓની કમર જ તોડી નાખી.
              1971 બાદ પ્રથમ વખત દુશ્મન ના ઘરમાં ઘુસી મારવાની ફરજ પડી. બલકોટ, ચકોટી અને મુઝફરબાદ LOC થી 60 km અને પાકિસ્તાની રાજધાની થી માત્ર 190 km દૂર આવેલ છે.  આંતકીઓના અકાઓના ગઢમાં જઈ ભારતીય વાયુસરનાએ આકાશમાંથી કાળો કેર વરસાવ્યો.યમદુત બની ત્રાટકયા એવા ભારતીય વિમાનો જેમને ત્યાં ૧૦૦૦ કિલોના ધરખમ બોંબ એ વરસાવ્યા હતા જેનાથી ત્યાના જૈશના અડ્ડાઓનો સફાયો બોલાવી દીધો હતો. આ ઘટના વહેલી સવારે ભારતીય સેનાના વાયુ દળના વિમાનોએ દુશ્મન ના ઘરની અંદર ઘુસી અને હાહાકાર મચાવી દીધો અને મિરાજ ૨૦૦૦ ના ૧૨ વિમાનોએ મિશન પૂર્ણ કર્યુ અને આ જૈશના ૩ કંટ્રોલરૂમ નેસ્તનાબુદ કરી ૫૦૦ મીટરના વિસ્તારમા આ ટાર્ગેટ કરી ભારતીય વિમાનોએ આ બોંબનો વરસાદ વરસાવ્યો હતો. વાયુસેનાના પરાક્રમથી પાકિસ્તાન ફફડી ઉઠયું હતું.
           આ ઓપરેશનમાં હુમલા માટે વાયુસેનનાએ મિરાજ-2000 યુદ્ધ વિમાન પર પસંસગી ઉતારી તેની પાછળના કારણો પણ જાણવા જેવાં છે.

 આ યુદ્ધ વિમાનની મહત્તમ સ્પીડ 2495 કિ. મી. પ્રતિ કલાકની છે. 1980 ના દશકમાં આ યુદ્ધ વિમાન ભારતીય વાયુસેના નો હિસ્સો બન્યું. 1999 ના કારગિલ યુદ્ધ દરમ્યાન 18000 ફૂટની ઊંચાઈ પરથી દુશમનો પર કાળો કેર વર્તાવ્યો હતો. ફ્રાન્સની બનાવટના આ યુદ્ધ વિમાનની અનેક ખાસિયતો છે .  દુશ્મન ના ઘરમાં ઘૂસી ક્ષણોમાં દુશ્મનને ધમરોળી નાખે છે. આકાશમાંથી મોત વેરે છે.   આંખના પલકારામાં દુશ્મન ને ચકમો આપી વીજળીની ગતિએ  ગાયબ થઈ જાય છે. પોતાના વજન ક્ષમતા જેટલું વજન લઈ આકાશને ચિરાતું નિકળી જાય છે. આપાતકાલીન સમયમાં હાઇવે પરથી ઉતરણ કરી શકે છે અને ઉડાન પણ ભરી શકે છે. જ્યારે આ યુદ્ધ વિમાન હથિયારોથી લોડેડ હોય છે ત્યારે સાક્ષાત યમરાજનું રૂપ ધારણ કરે છે.

       ગઈકાલે પાકિસ્તાનની સંસદની ચર્ચા સાંભળતો હતો. સૌથી પહેલા તો વિપક્ષ નેતાઓએ ઈમરાન સરકારના વિરુદ્ધ shame shame ના નારા ઉચ્ચાર્યા. આ નારાઓ જ કહી જાય છે કે પાકિસ્તાન ને હવે મો છુપાવવા જગ્યા મળતી નથી. પાકિસ્તાની એક બુદ્ધિભ્રષ્ટ સંસદે તો વળી હિન્દુસ્તાનને પાઠ ભણાવવા હજાર ટુકડા કરવાની ધમકી આપી. પાકિસ્તાન આવી કાટો કટી ની ક્ષણો માં આત્મનિરીક્ષણ કરવાનું મૂકી  પાકિસ્તાની સાંસદ હાસ્યાસ્પદ ચર્ચાઓ કરતા જોવા મળ્યા. આ બેજવાબદાર દેશ પાસે બીજી શુ અપેક્ષા રાખી શકાય! 
        અમેરિકા અને બીજા ઇસ્લામિક દેશોના ટુકડાઓ પર નભતા પાકિસ્તાનું ભૂગોળ બદલાતા ભારતીય સૈન્યને  મિનિટથી વધારે સમય નહીં લાગે.

લેખન : ઈશ્વર પ્રજાપતિ  
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.

Monday, February 25, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી. ભાગ - 4

બ્રિટિશ શાસન અને સાંપ્રત સમયમાં જિલ્લાના મુખ્ય મથક મોડાસાની આછેરી ઝલક

 


              જેમ પ્રાચીન સમયથી મોડાસા નગરની મહત્તા રહેલી છે.તેમ બ્રિટિશ શાસન દરમ્યાન પણ મોડાસાની ભૂમિકા મહત્વની રહી હતી. 1912 માં અમદાવાદના ગોરા કલેકટરે લખેલું "Modasa is an old fashioned town which shows considerable public spirit" 
                  આ વાત છે 1818 જ્યારે મોડાસા પ્રદેશ પર બ્રિટિશ અને ઇડર સ્ટેટ એમ બેવડી હુકુમત હતી. આઝાદીની એક સદી પહેલાં 1848 માં અંગ્રેજ સરકાર અને ઈડર સંસ્થાન  વચ્ચે ગામડાઓની વહેંચણી થઈ. તેમાં મોડાસા પ્રદેશ અંગ્રેજોના તાબામાં આવ્યો.
             એક લોકવાયકા એવી છે કે 1857ના વિપ્લવ બાદ મરાઠા વીર તાત્યાટોપેએ મોડાસામાં મજૂમ નદીના સામા કિનારે થોડા દિવસો કાઢ્યા હતા. એમના માટેની ખાદ્ય સામગ્રી મોડાસાના ગાંધીવાડામાં વસતા નગરશેઠના ત્યાંથી મોકલવામાં આવતી હતી. આ ઘટના શ્રી ભોગીલાલ ગાંધીએ "પુરુષાર્થની પ્રતિમા" નામે ગ્રંથ માં આલેખી છે.
                  એ સમય દરમ્યાન મોડાસામાં સાવા સો ઉપરાંત તેલની ઘાણીઓ ધમધમતી હતી. અહીંનું તેલ વઢવાણ, લીમડી અને ધોલેરા સુધી જતું. અને એ જમાનામાં ધોલેરાથી અહીંની વસ્તુઓ પરદેશમાં નિકાસ થતી. અહીંનું ડોળીયું (મહુડાનું તેલ) પણ વખણાતું. રંગવાના, છાપવાના, ખરાદીકામ અને કાપડનો ધંધો ફુલ્યો ફાલ્યો હતો. મોડાસા અને માળવા વચ્ચે ઊંટ દ્વારા માલની હેરફેર થતી.  એક સરકારી અહેવાલ પ્રમાણે એ અરસામાં મોડાસાની વસ્તી 4059 હતી.
            મોડાસા મ્યુનિ. ની સ્થાપના ૧/૧૦૧૮૫૯ માં થઈ. તે વખતે બધા જ સભ્યો સરકાર નીમતી હતી. સને ૧૮૭૯ માં ચૂંટણીનું ધોરણ દાખલ થયું. મોડાસા મ્યુનિસિપાલિટીના પ્રથમ ચૂટાયેલા પ્રમુખજહાજી મહમદ ખાન સાહેબ હતા.
                     અંગ્રેજી શાસન કાળ દરમિયાન મોડાસાની ધરતીએ ઘણી લીલી સૂકી જોઈ છે. 1900 માં કોલેરાએ અહીં કાળો કેર વર્તવેલો. તે પછી છપ્પનીયો દુકાળ (સં. 1956) આ દુકાળમાં મોડાસામાં 1498 માણસો મરી ગયાની મ્યુનિસિપાલિટીના દફતરે નોંધ છે.
                1948 માં દેશ સ્વતંત્ર થયો અને 10/6/1948 ના રોજ સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ત્યારે આખા જિલ્લામાં દસ હજારથી વધારે વસ્તી વાળું ગામ એક માત્ર મોડાસા હતું. તે સમયે હિંમતનગરની વસ્તી માત્ર ચાર હજાર હતી.
               અગામી  અંધાધૂંધીના પ્રમાણમાં અંગ્રેજ રાજ્ય અમલમાં શાંતિ હતી. એટલે વેપાર ધંધા સ્થિર થયા. અને લૂંટફાટો અટકી હતી. તેની લોકમાનસ પર ઘણી મોટી અસર થઈ હતી. કવિ દલપતરામે તો ગાયું પણ છે કે 
" ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળો કેર ગયા કારનાર!
ઉપકાર ગણી અંગ્રેજી હરખ હવે તું હિંદુસ્તાન!"

                            સ્વાતંત્ર્ય ચળવળમાં પણ મોડાસા નું મહત્વનું યોગદાન રહેલું છે. ચંદુલાલ શંકરલાલ બુટાલા, મથુરદાસ ગાંધી, ભોગીલાલ ગાંધી, રમણલાલ સોની જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ આઝાદીની લડતમાં મોડાસાની આગેવાની લીધી હતી. મહેસુલકરની લડત માટે મોડાસાની મેડનીને સંબોધ્યા બાદ મથુરદાસ ની ધરપકડ થઈ હતી. ત્યારે હજારોની મેદની કચેરીએ ધસી ગઈ. બીજે દિવસે મથુરદાસ ને હારમાળાઓ પહેરાવી જય ગરજનાઓ વચ્ચે વિદાય આપી ગાયું 
"મથુરભાઈ! સ્વરાજ લઈ વ્હેલા આવજો રે"
             1930 ની નમક સત્યાગ્રહમાં ભાગ લેતા  લાંબો જેલવાસ ભોગવ્યો. 1942 ઓપરેશન કરાવેલી હાલતમાં જેલવાસ ભોગવ્યો. તેઓ મુંબઈ ધરાસભાના સભ્ય પણ બન્યા હતા.
           મોડાસા કેળવણીના પાયાના કાર્ય કર.મથુરદાદાએ મોડાસામાં શિક્ષણ ક્ષેત્રે, ગ્રામોદ્યોગ ક્ષેત્રે, હરિજન વિકાસ ક્ષેત્રે, કૃષિ વિકાસ ક્ષેત્રે એમ તમામ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું.

મોડાસા આજે વિદ્યાનગરી બની છે. દૂર સુદુરથી વિદ્યાર્થીઓ આજે અભ્યાસાર્થે આવતાં થયાં છે પરંતુ મોડાસામાં સરકારી પ્રાથમિક શાળા ની સ્થાપના 29/4/1858 ના રોજ થઈ હતી. 1/10/1865 માં કન્યા શાળા સ્થપાઈ.
                       અંગ્રેજી અમલની શરૂઆત પછીના આધુનિક મોડાસાના ઘડતરમાં સૌથી મોટો ફાળો કોઈ વ્યક્તિનો હોય તો તે શંકરલાલ પિતામ્બર દાસ બુટલા. તેઓએ નગરના આગેવાનો શ્રી વલ્લભ દાસ બાપુજી દેસાઈ, રણછોડદાસ ભાયચંદ સુરા, લાલજી પીતાંબર ગાંધી, હાજી મહમદ ખાનજી જેવા વ્યક્તિઓનો સહકારથી મોડાસામાં1896 માં ચાર ધોરણ ની "એન્ગલો વાર્નાક્યુલર સ્કુલ" ચાલુ કરી.
                  મોડાસા કપડવંજ વચ્ચે દોડતી રેલવે માટે 1912 પહેલો ઠરાવ કર્યાની ચોપડે નોંધઃછે. દયકાઓ બાદ મોડાસા નગરનું   રેલવેનું  સપનું સાકાર થયું.આઝાદીના એક દાયકા પછી મોડાસામાં વીજળી આવી. અને મોડાસા ઝળહળવા લાગ્યું.
                 અમદાવાદની પોળો જેમ પ્રસિદ્ધ છે એમ મોડાસા નગરની શેરીના નામોનો પણ ઇતિહાસ છે. જેમકે ભાવસારવાડો, ગાંધીવાડો, મુસ્લિમવાડો,માળી વાડો, કુંભારવાડો, આ શેરી નામોના અભ્યાસ વિષયક  ડો. વિનોદ પુરાણી સાહેબે  ખૂબ સુંદર પુસ્તિકા તૈયાર કરી છે
               જ્યારે સાબરકાંઠા જિલ્લામાં અરે કપડવંજ જેવા મોટા શહેરોમાં હાઈસ્કૂલ ન હતી ત્યારે મોડાસાના આગેવાનોએ બરાબર એક સદી પહેલાં 1919 માં "મોડાસા કેળવણી મંડળ ની સ્થાપના કરી. આ કેળવણી મંડળ આ વર્ષે એક સદી પૂર્ણ કરી શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે. મોડાસા પ્રદેશની કેળવણી ના પાયામાં શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધી, મોહનભાઇ વિઠ્ઠલભાઈ જેવા વડીલો રહેલા છે. આવા વડીલોના ઋણ સ્વીકાર સ્વરૂપે મોડાસા કોલેજના સંચાલક મંડળે કોલેજનું નામ મથુરદાસ લાલજીભાઈ ગાંધી એટલે કે મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ એવું નામ આપ્યું છે. શ્રી રાયચંદ દાસ ખાતુદાસ શાહ મંડળના પ્રથમ પ્રમુખ હતા. પ્રાણલાલ ગિરધર લાલ શેઠ Phd કરી  ડૉક્ટરેટ ની પદવી મેળવનાર મોડાસા નગરના પ્રથમ વ્યક્તિ હતા. તેઓએ એ જમાનામાં અમેરિકામાં ભણી ડોક્ટરેટની ઉચ્ચ પદવી મેળવી હતી.
શિક્ષણપ્રેમી વડવાઓએ રોપેલ કેળવણીના બીજ આજે વટવૃક્ષ બની ફાલ્યાં છે.
                 શિક્ષણ ક્ષેત્રે મોડાસાનો વિકાસનો સિલસિલો ચાલુ જ રહયો આજે મોડાસામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ, સરકારી અને ખાનગી એન્જિનિયર કૉલેજ, ફાર્મસી કોલેજ, BBA, BCA, જેવી અનેક કોલેજોનું વિદ્યાધામ બન્યું છે. 
                     પ્રતિષ્ઠિત ડોક્ટરો દ્વારા અહીં આધુનિક તબીબ સેવાઓથી સજ્જ અનેક હોસ્પિટલ આકાર પામી છે. જેમાં માત્ર અરવલ્લી જિલ્લાના જ નહીં પરંતુ પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા અને રાજસ્થાન, મધ્યપ્રદેશના દર્દીઓ તબીબી સારવાર માટે મોડાસા આવવાનું પસંદ કરે છે. અહીં છેલ્લા 26 વર્ષ થી અન્નપૂર્ણા ટ્રસ્ટ કાર્યરત છે જે દૂરથી તબીબી સારવાર મેળવવા આવતા દર્દીઓ અને તેઓના સગાઓ માટે માત્ર બે રૂપિયામાં ટિફિન સેવા પુરી પાડે છે. અહીં દાદા દાદીની વાડી નામે એક સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે જ્યાં રોજ સાંજે 4-7 સિનિયર સીટીઝન આવે છે. અને અખબાર, મેગેઝીન, પુસ્તકો વાંચે છે.વડીલો માટે રોજ ગરમ નાસ્તાની અને ચાની વ્યવસ્થા પણ કરાય છે. અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓથી મોડાસા ધમધમે છે.
                        નગરપાલિકાના પ્રયત્નોથી ઓધારી તળાવ નવા રૂપરંગ સાથે સજ્જ છે. સવાર સાંજ અહીં બગીચામાં નગર વાસીઓની ભીડ ઉમટે છે. 15 મી સદીમાં થઈ ગયેલ દેવાયત પંડિતની ચેતન સમાધિ પણ અહીં મોડાસાના બાજકોટ પાસે આવેલી છે.  મહંતશ્રી ધનગીરીજી એ આ સમાધિસ્થળની કાયાપલટ કરી મનોરમ્ય તીર્થસ્થાન બનાવ્યું છે. જ્યાં દૂર સુદુરથી ભક્તો દર્શનાર્થે આવે છે. દર બીજે અને પૂનમે અહીં મેળા જેવો માહોલ હોય છે. કાશીવિશ્વનાથ અને ગેબીનાથ મહાદેવનું પ્રાચીન મંદિર તેમ જ સાંઈ મંદિર અને જબિજા અનેક મંદિરો આવેલાં છે. ઉપરાંત મોડાસામાં મુસ્લિમ સમુદાયની વસ્તી પણ નોંધપાત્ર છે તેથી  કલાત્મક મસ્જીદો પણ આકાર પામી છે.
             મોડાસામાં અદ્યતન બસ સ્ટેશન આકાર લઈ રહ્યું છે. અહીં GIDC પણ આવેલી છે.  શામળાજી બાય પાસ રોડ પર સરકારી કચેરીઓ નિર્માણ પામી છે. મલપુર રોડ, મેઘરજ રોડ, બાયપાસ રોડ, શામળાજી રોડ વીજળીની ગતિએ વિકાસ સાધી રહ્યા છે.
             ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ૬૭,૬૪૮ વસ્તી ધરાવતી મોડાસા મ્યુનિસિપાલિટીની ખુબ જડપથી વિકાસ સાધી રહ્યું છે.

( ક્રમશઃ  વધુ આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)
(સંદર્ભ :"મારુ ગામ મોડાસા" લેખક ; રમણલાલ સોની)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.  તાજેતરમાં થયેલ એક  અનુભવ.






Sunday, February 24, 2019

અસરદાર સરદાર


વજ્રાદપિ કઠોરાણી મૃદુ સકુસુમાદપિ
અસરદાર  સરદાર



               
        ગુલામીની ઝંઝીરોમાં સબડતા ભારતીઓમાં વીરત્વના સંસ્કારોના પ્રાણ ફુંકનાર ભારતના વ્રજપુરુષ સરદાર સહેબનું સ્મરણ સાંપ્રત સમયમાં થયા વીના રહેતું નથી. સરદાર સહેબ આજે આપણી વચ્ચે નથી જેની પ્રતિતિના આંચકા આજના દેશકાળમાં સતત અનુભવાતા રહે છે. 
           હિંદુસ્તાનની રક્તરંજિત સીમાઓ નિહાળીએ ત્યારે સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે, સરહદ પર શહાદત વ્હોરતા જાંબાઝ જવાનોની વિધવા પત્નિઓના આક્રન્ નો ચિત્કાર , તેઓના માસુમ બાળકોના કરુણ કલ્પાંત હ્રુદયને જ્યારે ચીરી નાખે છે ત્યારે સરદાર સહેબનું સ્મરણ થઈ આવે છે. દેશ જ્યારે પ્રાંતવાદથી પીંખાય છે ત્યારે સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે. અબજોની સંપત્તિમાં આળોટતા ભ્રષ્ટાચારી નેતાઓના વિલાસી જીવન નિહાળીએ ત્યારે ત્યાગમૂર્તિ સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે.           આઝાદીના સાત સાત દાયકાઓ વિત્યા પછી પણ સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને મુલવવામાં આપણાં કાટલાં વામણાં સાબિત થયાં હોય એમ નથી લાગતું???
          .      સરદાર સાહેબ નું જાહેર જીવનનું ખેડાન તેત્રીસ (૧૯૧૭-૧૯૫૦) વર્ષનું હતું. એમાં માત્ર ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ થી ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ સુધી જ . એટલે કે સડા ત્રણ વર્ષ કરતાંપણ ઓછો સમય સુધી શાસનની સત્તાની બાગડોર  તેઓના હાથમાં રહી હતી. આતલા ટૂંકા ગાળાની સરદાર સાહેબની જીવનશૈલીની સિધ્ધિઓનું શબ્દાંકન કરવું પડકાર રૂપ  છે.  
 આવો, આ વિરાટ વ્યક્તિત્વના જીવન દર્શનની  આછેરી ઝલક મેળવવીએ.
                 ૧૯૧૭માં ગાંધીજીના પ્રભાવથી સરદારે આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું એ પહેલા ગાંધીજી વિશેની વાતો સાંભળીને વલ્લભભાઈ એ વાતોની મશ્કરી ઉડાવતા એમને થતું કે  “ આ બેરિસ્ટર કાંઇક ગાંડપણ લઈને આવ્યા છે, બ્રહ્મચર્ય પાળે, જાજરું સાફ કરે, દળે, ઘઉં માથી કાંકરા વીણે ,એવા દેશ સેવકો તૈયાર કરવાના છે??? “
              ગાંધીજીની ઠેકડી ઉડાળનાર આ બાહોશ ધારાશાસ્ત્રીએ જ્યારે જોયું કે ગાંધીજીએ ચંપારણમાં મનાઇ હુકમનો ભંગ કરીને અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવી મુક્યા ત્યારે એમને થયું કે આ નરવીર તો માથું હાથમાં લઇને ફરે છે અને આપો આપ એમના પડખે જઇ ઉભા રહ્યા.
               ૧૯૧૯ પોતાની લાખો રૂપિયાની ધિકતી પ્રેક્ટિસ છોડી પોતાનું જીવન દેશસેવા માં સમર્પિત કરી દીધું. ત્યારે તેઓ લખે છે કે “ હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મે થોડા ઈંધણ લાકડાં ભેગાં કર્યા હતાં અને એ સળગાવી કૌટુંબિક લાભો, મારી કરકિર્દી , મારો દરજ્જો એ બધું જ સ્વાહા કરી દિધું હતું.”
             ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ આવી પડ્યો. આ આંદોલનનું સમગ્ર સંચાલન ગાંધીજીએ સરદાર સહેબ ને સોંપ્યુ.વલ્લભભાઈએ પ્રજામાં ખમીર પ્રગટાવ્યું. એમની વણી શક્તિના ઝરા સમાન હતી. સળગાવી મુકે એવા કટાક્ષો એમ્ની વાણીની શોભા હતી. આખરે સરકાર નમી. કનૈયાલાલ મુનશી મારફત સરકારે સમાધાન કર્યું. સત્યાગ્રહનો જયજયકાર થયો. ગાંધીજીએ પ્રજાને ધન્યવાદ આપ્યા. અને વલ્લભભાઈને  “સરદાર” ના વહાલસોયા નામે બિરદાવી નવાજ્યા.  ત્યારથી તેઓ સમગ્ર દેશના “સરદાર” બન્યા.
            ભારતના પ્રથમ વડાપ્રધાન પદ માટે નહેરુ અને સરદારના નામો ચર્ચામાં હતાં. કોગ્રેસના લગભગ બધા જ પ્રાંતિય નેતાઓ અને ૧૫ માંથી ૧૨ પ્રદેશ કમિટિઓએ સરદારના નામની દરખાસ્ત કરી હતી. અને સર્વે સરદારને વડાપ્રધાન બનાવવાના પક્ષમાં હતાં. નહેરુના નામને કોઇ પ્રદેશ કમિટીએ સુચવ્યું ન હતું. પરંતુ કોઇ કારણ સર ગાંધીજીના એક બોલે સરદાર વલ્લભભાઈએ પોતાનું નામ પાછું ખેંચી લઈ  ભારતના સર્વોચ્ચ પદ નો અધિકાર જતો કર્યો.
ભારતને સ્વતંત્રતા મળતાં દેશની ૬૦% પ્રજાને આઝાદી મળી. પરંતું બાકીની  ૪૦% પ્રજા ભરતમાં આવેલાં દેશી રજવાડાંના શાસન તળે હતી. રાજાઓ પ્રજાને ચુસવામાં અને વિલાસી જીવન જીવવામાં રત હતા. ૪૦% પ્રજા રાજાઓના રાજ્યમાંથી મુક્ત થાય તો જ ભારત  અખંડ સંઘ રાજ્ય બની શકે. આ કામ ખુબ જ કપરું હતું પરંતું અસધારણ કુનેહ થી સરદારે દેશી રજવાડાઓને સામ, દામ, દંડ, ભેદની ચાણક્ય નીતિ થી વશ કર્યા.. અને દેશી રાજ્યોનુ ભરતીય સંઘમાં વિલીનિકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યુ. જો આ ન થઈ શક્યુ હોત તો ભારત દેશ અનેક ટુકડાઓમા વિભાજીત હોત. જુનાગઢ ગરવા ગીરનારના દર્શન કરવા માટે પકિસ્તાનના વિઝા લેવા પડતા હોત.
            સતાના સર્વોચ્ચ શિખરે હોવા છતાં પોતાના પરિવારને સરકારી સુખ સહેબી થી દૂર રાખી ત્યાગી જીવન જીવ્યા. મહાવીર ત્યાગી એ સરદાર પુત્રી મણીબહેનની સાડીમાં એક મોટું થીગડું જોઈ મણીબહેનની મજાક કરતાં બોલ્યા.:
“ સરદારની દીકરી થઈ તમે સાંધેલા કપડાં પહેરતાં શરમતાં નથી?” આ સાંભળી સરદાર તાડુક્યા “ ગરીબ માણસની દીકરી છે. સારા કપડાં ક્યાંથી લાવે? એનો બાપ થોડો કમાય છે?”સરદાર સહેબે એમનાં ચશ્માનું ખોખું બતાવ્યું જે ૨૦ વર્ષ જુનુ હતું. એમના ચશ્માની એક જ દાંડી હતી. બીજી બાજુ એ દોરો બાંધ્યો હતો. એ  જ રીતે એમ્ની ઘડિયાળ ત્રણ દયકા જૂની હતી. અને પેન ૧૦ વર્ષ પહેલાંની હતી.
          એક વાર સરદાર સહેબના પૌત્ર એટલે કે ડહ્યાભાઈના પુત્ર બિપિનભાઈ નોકરીની શોધમાં હતા. તેઓ દાદાના આશિર્વાદ લેવા ગયા ત્યારે સરદારે તેઓને સલાહ આપી
 “ જગતમાં જાત જાતનાં અને ભાત ભાતનાં લોકો મળશે.રોટલો ન મળે તો અહીં આવજો પણ સરદાર ના નામે કમાશો નહી. સરદારના નામનો ઉપયોગ કર્શો નહીં. હું દિલ્હીમાં છું ત્યા સુધી દિલ્હી થી હંમેશા દૂર જ રહેજો. “           લેખક   રજની વ્યાસ એમના એક પુસ્તક માં સરદાર વિશે લખે છે કે “ ભલ ભલા ભુતોની ચોટલી પકડનાર આ ભૂવાએ એકેય નરિયેળ પોતના દીકરા તરફ ફેંક્યું નહી.”                  ૧૫ મી ડિસેમ્બર ૧૯૫૦ ના દિવસે આ ફાની દુબનિયા છોડી એક વિરલ વ્યક્તિએ આપણી વચ્ચે થી વિદાય લીધી ત્યારે એમનું બેંક બેંલેંસ ૨૬૫ રુપિયા હતું.  નાયબ વડાપ્રધાન હોવા છતાં  તેઓની અંતિમ વિધિ ખુબ સદાઈથી પુરી કરવામાં આવી હતી. એમના નામે ના કોઇ ઘાટ રચાયો કે ના કોઇ સ્મારક. દાયકાઓ બાદ આ જ્ન્મ દિને ૧૮૨ મિટર ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત કરી ઋણ અદા કરવનો આ પ્રયાસ છે.
સરદાર એસરદાર હતા. સરદાર સૌના બની રહ્યા કરણ કે તેઓ પોતાના રહ્યા ન હતા.    
              આવી રહેલી ૩૧ ઓક્ટોબરે સરદાર સહેબની જન્મ જ્યંતિ નિમિત્તે આ લેખ બિલાડી ની ટોપ ની જેમ ફૂટી નિકળેલા અની પોતાની જાતને  “છોટે સરદાર” તરીકે ઓળખાવતા નેતાઓને અને વિધાનસભા અને સંસદ ભવનને પરિવારવાદથી અભડાવનાર તમામ ભ્રષ્ટાચારી નેતાઓને અર્પણ.


--ઇશ્વર પ્રજાપતિ  

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts