Thursday, October 31, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : માહિપાલ સિંહ જેતાવત


બેલ વગર ચાલતી સ્માર્ટ શાળાના સ્વપ્નદ્રષ્ટા આચાર્ય 
મહિપાલસિંહ જેતાવત.


           સ્વપ્નમાંય આપે એવી શાળાની કલ્પના કરી છે જ્યાં સમય સુચકતા માટે "બેલ" જ ન હોય અને એમ છતાં શાળા સમયે વગર બેલે 100% વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રાર્થનામાં હાજર હોય ?? માન્યામાં ના આવે એવી વાત છે પરંતુ બેલ વિના શિસ્તબદ્ધ ચાલતી આવી અનોખી શાળા નિહાળવી હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની ટીડાણા ગામની "સપનોકી પાઠશાલા" ની મુલાકાત લેવી પડે. સુરેન્દ્રનગર જિલ્લાની પ્રથમ સ્માર્ટ સ્કૂલ હોવાનું ગૌરવ ધરાવતી આ સરકારી શાળાનાં વિદ્યાર્થીઓ પણ સ્માર્ટ છે. શાળાની નોખી કાર્યપ્રણાલી અને સાફલ્ય ગાથાનો પરિચય મેળવવા વર્ષે દહાડે આ જિલ્લાના અને જિલ્લા બહારના અનેક શિક્ષકો, કેળવણીકારો અને શિક્ષણ પ્રેમીઓ આ શાળાની મુલાકાત લેવા આવતા રહે છે. 
               મહિપાલસિંહ સજજનસિંહ જેતાવત. 
             એક કર્મયોગી શિક્ષક અને કર્તવ્યનિષ્ઠ આચાર્ય છે. વર્ષ 2002 ના વર્ષમાં શિક્ષક તરીકેની પ્રથમ નિયુક્તિ આ જ શાળામાં થઈ. છેલ્લાં 17 વર્ષથી આ જ શાળામાં અવિરત ઓતપ્રોત રહી શાળાની કાયાપલટ કરી નાખી. ઘટાદાર વૃક્ષો, લીલીછમ લોન અને જાત જાતના ફૂલ છોડથી મ્હેકતું હરિયાળું શાળા પરિસર અને વિદ્યાર્થીઓને ગમે એવા સુંદર રીતે સજાવેલા વર્ગખંડો જોતાં જ લાગે આ માણસે અહીં જીવ રેડયો છે. અહીંનું ભૌતિક વાતાવરણ જ નહીં પરંતુ શૈક્ષણિક વાતાવરણ પણ લીલુંછમ છે. 
       આજે રૂડી નંદનવન જેવી લાગતી ટીડાણા ગામની આ સરકારી શાળા વર્ષ 1953 માં સ્થપનાથી લઈ આજ દિન સુધીની સાડા છ દાયકાની મઝલ કાપતાં કાપતાં ઘણી તડકી-છાંયી જોઈ છે. વર્ષ 2001 માં ગુજરાતમાં આવેલ ભૂકંપે શાળાના અને શિક્ષકોના ઈરાદાઓને ડગમગાવી દીધા. શાળાના તમામ વર્ગો જમીનદોસ્ત થઇ ગયા. અહીંથી શાળાના શિક્ષકોનો પરિસ્થિતિને બદલવાનો સંઘર્ષ શરુ થાય છે . શરૂના વર્ષોમાં એક રૂમ 4 શિક્ષકો અને એક લીમડો. આ લીમડો એ જ શાળા. લીમડાની નિશ્રામાં સતત બે વર્ષ સુધી શાળા ચાલી. ભલે વર્ગખંડ ન હતા પરંતુ ઝાડની છાયામાં ચાલતી શાળાના શૈક્ષણિક કાર્યના ઉત્સાહ અને ઉમંગમાં કોઈ ઉણપ જોવા ન મળે. આવા સમયે રાજ સોભાગ નામની સંસ્થા આશાનું કિરણ બનીને આવી. અને શાળાને 4 નવા ઓરડા બનાવી આપ્યા. 'દોડવું હતું ને ઢાળ મળ્યો' વર્ગખંડ તૈયાર થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્સાહ ને જાણે પાંખો ફૂટી!! આ શિક્ષણયજ્ઞમાં ફરજનિષ્ઠ શિક્ષકો જોડાતા ગયા. અને સૌના સહિયારા પુરુહાર્થે શાળા એ પ્રગતિનો જે માર્ગ પકડ્યો છે તે આજ સુધી અવિરત ચાલુ રહ્યો છે. એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત શાળા આજે તમામ ઉત્તમ સુવિધાઓ ધરાવતી શાળા બની લાઈટ પંખા વગરની શાળા આજે જીલ્લાની પ્રથમ સ્માર્ટ શાળા બની છે. શિક્ષક દીઠ લેપટોપ, તમામ વર્ગખંડોમાં ચોકલેશ ડીઝીટલ બોર્ડ, પ્રોજેક્ટર , એલ.ઈ. ડી. ટી.વી. ખાનગી શાળા પણ કલ્પી ન શકે એવી એકદમ અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળા. 

                  માત્ર 1200 ની વસ્તી ધરાવતા આ ગામની  શાળાને રાજ્યની એક આદર્શ શાળા બનાવનાર માહિપાલસિંહ છેલ્લાં 12 વર્ષથી એક સફળ અને યશસ્વી આચાર્ય તરીકે ફરજ અદા કરી રહયા છે. મહિપાલસિંહનું મૂળ વતન તો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનું મેધ ગામ. H . Sc . , PTC . સુધીનો અભ્યાસ કરી ટીડાણા ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા ત્યારથી આ ગામને જ પોતાનું વતન બનાવી દીધું. શાળાને જ પોતાનું ધર, શાળાના બાળકોને પોતાનો પરિવાર માની ચોવીસ કલાક શાળા વિકાસ તેમજ બાળકોના જીવન ધડતર કરવા માટે કમર કસી છે. જ્યારે જુઓ ત્યારે શાળાનાં પ્રાંગણમાં જ જોવા મળે. સતત શીખતા રહેવું એ તેઓની પ્રકૃતિ છે. નોકરી દરમિયાન ઇતિહાસ વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેઓના રસનો વિષય કોમ્યુટરના નવીન પ્રવાહોથી માહિતગાર થઇ તેનો શિક્ષણમાં યોગ્ય ઉપયોગ કરી બાળકોને નુતન પ્રવાહો સાથે જોડતા ગયા. 
             મહિપાલસિંહ દ્વારા શાળામાં શિક્ષાના નવતર પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. આજે ધોરણ 2 નો વિદ્યાથી પણ કમ્પ્યુટર નો મુક્ત રીતે ઉપયોગ કરી શકે છે. જેમાં તેમની શાળાના મોટા ભાગના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ કોમ્યુટરનો શૈક્ષણિક હેતુ માટે સારો ઉપયોગ કરી શકે છે . આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે આ બાળકો પોતાની રજા ચિઠ્ઠી ઇમેલ દ્વારા વર્ગ શિક્ષકને મોકલી આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ, હાજરી રીપોર્ટ તૈયાર કરવાની ધમતા ધરાવે છે . Google form નો ઉપયોગ કરી જાતે પ્રશ્નોત્તરી ઘરે બેઠા ક્સોટીઓ આપે છે. આપણે સૌ ભાર વગરના ભણતરની વાત કરીએ છીએ ત્યારે આ શાળાએ છેલ્લા બે વર્ષ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બેગ ફ્રી શાળા બનાવી ભાર વગરના ભણતર અભિગમને સાર્થક કર્યો છે. 
     6 શિક્ષકો અને 130 વિદ્યાર્થીઓ  ધરાવતી  આ નાની અમથી શાળાએ NMMS પરીક્ષામાં 2018 ના વર્ષમાં 100% પરિણામ પ્રાપ્ત કર્યુ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ચિત્રકળા પરીક્ષાનું 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. કલા મહોત્સવ હોય કે ખેલ મહાકુંભ, શૈક્ષણિક સિદ્ધિ હોય કે સહ અભ્યાસીક પ્રવૃત્તિઓ આ શાળા હંમેશા શિરમોર જ રહે છે. શાળામાં અભ્યાસ કરતો એકપણ વિદ્યાર્થી અનિયમિત નથી . આ શાળામાં ધોરણ 3-8 માં અભ્યાસ કરતું એક પણ એવું વિદ્યાર્થી આપણને ન મળે જેણે વય કક્ષા અનુસાર વાંચવા લખતા કે ગણતાં ના આવડતું હોય. ધોરણ - 2 માં નિદાન કસોટીમાં 90% સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા સાત વર્ષથી આ શાળા ગુણોત્સવમાં શ્રેષ્ઠતમ દેખાવ કરી રહી છે. 
                માહિપાલસિંહ આચાર્ય હોવાની સાથે સાથે ધોરણ 1-2 ના પ્રજ્ઞા વર્ગ ગણિત વિષયનો વર્ગ તેઓ બખૂબી સંભળે છે. અને તેઓના  પત્ની પણ આ જ શાળા માં ફરજ બજાવે છે. તેઓ પ્રજ્ઞા ર્ગમાં ભાષાનો વર્ગ સાંભળે છે. માહિપાલસિંહ પ્રજ્ઞાના માસ્ટર ટ્રેઇનર તરીકે પણ સેવાઓ આપી અન્ય શિક્ષકોને પ્રેરણા રૂપ કાર્ય કરી રહ્યા છે. 
            શિક્ષક જ્યારે મન દઈને કામ કરવાનો દૃઢ નીર્ધાર કરે છે ત્યારે તેને કોઈ મર્યાદાઓ નડતી હોતી નથી. શાળા શિક્ષક પરિવાર અને ગામ લોકોના સહિયોગથી ભવ્ય કોમ્પ્યુટર રૂમ અને પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. શાળાના શિક્ષકો પણ શાળામાં યોગદાન આપવા હંમેશા તતપર રહે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી , ગુજ૨ાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા સાહેબના ‘ બેટી બચાવો બેટી પઢાઓ ' ના સૂત્રને તથા વિચારોને સંપૂર્ણ રીતે સાર્થક કરતા આ શાળાના શિક્ષકોએ ધોરણ 1 થી 8 ની તમામ કન્યાઓને શાળા પરિવારે દત્તક લીધેલ છે. શાળામાં અભ્યાસ કરતી તમામ દીકરીઓને વર્ષ દરમિયાન જોઈતી પેન્સિલ, રબ્બર , નોટબુક થી લઈ તમામ શૈક્ષણિક જરૂરિયાત શાળાના શિક્ષકો દ્વારા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. 
          NMMS, PSE, કે અન્ય કોઈ પણ પરીક્ષા હોય કોઈ વિદ્યાર્થી પાસે એ પરીક્ષાની ફી લેવામાં આવતી નથી . એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ ને પરીક્ષા સ્થળ સુધી લાવવા-લઈ જવા થી માંડી રોકવાનો અને જમવા સુધીનો તમામ ખર્ચની વ્યવસ્થા શાળા પરિવાર કરે છે. 
             તેમની આ કાર્યની કદર રૂપે માહિપાલસિંહને ગત પાંચમી સપ્ટેમ્બરના રોજ મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માનિત કરવામાં આવ્યા. તેમના આ કાર્યોની નોંધ લઇને તેમને તથા તેમની શાળા તથા શાળા પરિવારને અનેક સન્માન પ્રાપ્ત થયા છે . ગુણવત્તા એ વોર્ડ , 2017 શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા. પૂજ્ય મોરારિ બાપુ દ્વારા પણ તેઓ સન્માનીત થયા છે. તેઓના કાર્યની કદર રૂપે બીજા અનેક માતબર એ વોર્ડથી સમાનિત થયેલ છે.
        મહિપાલસિંહ ગર્વ સાથે કહે છે. "આ એ મેળવેલી સફળતાએ પરિવારના શિક્ષકમિત્રોની અથાક મહેનતનું પરિણામ છે. મારા તમામ નવીન પ્રયોગમાં શાળા પરિવાર હોંશે હશે સાથ આપે છે .શાળાની આ પ્રગતિમાં પૂર્વના શિક્ષકો ,આચાર્યો નો ખુબ ખુબ સહયોગ મળ્યો છે જેના વગર આ શક્ય ના થઇ શકે .આજે ગામ ના શબ્દો છે કે ગામને શિક્ષકો સારા મળ્યા છે .અને શિક્ષકો કહે છેકે અમને ગામ સારું મળ્યું છે.એક રૂમથી શરૂ થયેલી આ શાળા આજે જિલ્લાની ઉત્તમ શાળા તરીકે પ્રસિદ્ધિ પામી છે"
         એક સમયે ભૂકંપમાં ભાંગી પડેલી શાળા ગુજરાત રાજ્યની મોડેલ શાળા બની છે. માહિપાલસિંહ અને ટીડાણા શાળાના શિક્ષકોને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.

માહિપાલસિંહ જેતાવત સંપર્ક નં. : 97142 12474

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)


Monday, October 28, 2019

સન્ડે સ્પેશિયલ


સાવ સામાન્ય પરિવારમાં જન્મી કેન્દ્રીય મિનિસ્ટરથી લઈ રાજ્યપાલ સુધીના ગરિમા પૂર્ણ હોદ્દાઓ શોભાવનાર  અરવલ્લીનું અણમોલ રતન શ્રી  કે.કે. શાહ
                      

                       કે. કે. શાહ ઉર્ફે કોદરભાઈ કાલીદાસ શાહ.

                 અરવલ્લીની ધરાએ દેશને ભેટ ધરેલા અણમોલ રતનના નામથી આજની નવી પેઢી કદાચ ઝાઝી પરિચિત નહિ હોય. પરંતુ કે.કે. શાહ એટલે એક એવું નામ જેમના નેતૃત્વએ દેશને એક નવી દિશા આપી. દેશી રજવાડાંઓના વિલીનીકરણમાં સરદારની સાથે અડીખમ ઊભા રહ્યા. એક જમાનાના કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર અને તામિલનાડુના રાજ્યપાલ. જે તે સમયના પંથકના નેતૃત્વએ સત્તાના શિખરે પહોંચેલ વ્યક્તિની પ્રતિભાને પારખી વતનના વિકાસની વાટ પકડી હોત તો કદાચ વિસ્તારની સાંપ્રત સ્થિતિ અધિક ભવ્ય હોત. ખેર!! કે.કે. શાહ ની ચીર વિદાયને દાયકાઓ વીતી ગયા એમ છતાં તેઓના સેવાકાર્યોની મહેંક આજે પણ મહેકે છે.

            અરવલ્લીના છેક છેવાડે આવેલું ગાબટ તેઓનું વતન.  27 મી ઓક્ટોબર , 1908 ના રોજ મોસાળ મહારાષ્ટ્રમાં ગોરેગાંવ ખાતે  તેઓનો થયો હતો .  બાળપણમાં દુર્ભાગ્યે એમના પિતાનું અવસાન થયું હોવા છતાં તેઓ એક અતિશય હોશિયાર વિદ્યાર્થી હોવાના કારણે પોતાના ભાઈ માટે બોજારૂપ બન્યા .
              પ્રાથમિક શિક્ષણ ગાબટમાં , માધ્યમિક શિક્ષણ મોડાસા અને અમદાવાદમાં તેમજ કૉલેજ શિક્ષણ પૂનામાં લીધેલું . કાયદાકીય શિક્ષણ લેવા મુંબઈમાં સ્થાયી થયા . વિદ્યાર્થી જીવનમાં અનેક શિષ્યવૃત્તિઓ મેળવી 1919ની સાલમાં સ્નાતકની ઉપાધિ મેળવી . પ્રથમ નંબરે પાસ થઈ વર્ષે પૂનાની પરશુરામ ભાઉ કૉલેજમાં ફેલો બન્યા . એમને પ્રિય વિષય ગણિતશાસ્ત્ર હતો . વિષયમાં પારંગત થવાની એમને પૂર્ણ ઇચ્છા હતી . સંજોગો અનુકૂળ થતાં તેમણે કાયદા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું .               
          કે . કે . શાહ દરેક તરફ ઉચ્ચ કક્ષાની ભાતૃભાવની દૃષ્ટિથી નિહાળતા હોવાથી એમના વિશાળ વર્તુળોમાં  મોટાભાઈ ના હુલામણા નામથી ઓળખાતા હતા . એમનો હસતો ચહેરો હંમેશાં નિરાશજનોને આશ્વાસન અને આશાના સોનેરી કિરણો આપતો . એમની તેજસ્વી આંખો ભલભલાને આંજી નાખતી . એમની સુંદર ને અસરકારક વાણી સંસર્ગમાં આવતા દરેકને ભાતૃભાવથી લાગણીપ્રધાન બનાવતી .

              1930 માં જ્યારે દેશભરમાં એક છે વંટોળ ફરી વળ્યો ત્યારે તેમણે પણ ભારત માતાને બંધનરૂપી બેડીમાંથી મુક્ત કરવાની ઝુંબેશમાં ઝંપલાવ્યું, અને 1932ની સાલમાં એમને જેલ ભેગા થવું પડ્યું. 1943માં જ્યારે દેશભરમાં વ્યાપક આંદોલન અને ભારત છોડોની ચળવળ ચોમેર શરૂ થઈ. વખતે એમણે અગ્રભાગ ભજવ્યો અને જાલીમ અંગ્રેજી સરકારે ફરીથી એમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા .
                 1934 ની સાલમાં એમને સનદ મળી ને તે દિવસથી એક ઉચ્ચ કક્ષાના ધારાશાસ્ત્રી તરીકેની જવલંત કારકિર્દી શરૂ કરી . સમય દરમિયાન મુંબઈ શહેરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી બાલુભાઈ ટી . દેસાઈ અને ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર અને બાહોશ ધારાશાસ્ત્રી મુન્શી સાહેબના પરિચયમાં આવતાં ૧૯૩૪માં મુંબઈ હાઈકોર્ટમાં કાયદાકીય પ્રેક્ટિસ શરૂ કરી . ૧૯૪૬ની સાલમાં ચેમ્બુર ખૂન ખટલામાં શ્રી કે . કે . શાહે આરોપીઓનો ખૂબ સરસ બચાવ કર્યો અને તેમની પ્રશંસા ન્યાયાલયના ક્ષેત્રમાં ચારે તરફ ફેલાઈ . ૧૯૩૯માં નગીના મસ્જિદ રાયટ નામના કેસમાં શ્રી સરદાર પટેલે વિલક્ષણ ધારાશાસ્ત્રીને કાર્ય સોંપ્યું અને એમણે કાર્ય સુંદર રીતે પાર પાડ્યું ..

       વડોદરાના મહારાજાના સલાહકાર તરીકે શ્રી શાહે અનુપમ સેવાઓ બજાવી છે . તેઓ ૧૯૪૮ના સાલમાં મહારાજા ગાયકવાડના સલાહકાર બન્યા. "

         જ્યારે 600 રજવાડાં એકત્રિત કરવાનો સમય માવ્યો ત્યારે વડોદરાના મહારાજાને સમજાવી સરદાર પટેલને મદદ કરનાર શ્રી કે , કે , શાહ હતા . એવા ઉરચ કાર્ય માટે સરદાર પટેલના સેક્રેટરી શ્રી વી . પી . મેનને ' ધી ઇન્ટીગ્રેશન ઓફ ધી સ્ટેટ્સ ' નામના પુસ્તકમાં એમની ભારે પ્રસંશા કરી છે
 .
             જ્યારે સીતાદેવી વડોદરાના મહારાજા . સાથે છુટાછેડા લઈ કરોડો રૂપિયાનું ઝવેરાત લઈ યુરોપ ગયા હતા , ત્યારે દેશની કીમતી દોલતને પાછી મેળવવા માટે સરદાર પટેલે શ્રી શાહને યુરોપ મોકલાવ્યા હતા . વડોદરાના મહારાજાના સલાહકાર તરીકે શાહે વડોદરાની પ્રજાની અનુપમ સેવા બજાવી હતી . .

             1952ની સાલમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં શ્રી શાહ મોટી બહુમતીથી મુંબઈ વિધાનસભામાં ચૂંટાયા . કેળવણીના ક્ષેત્રે આપેલો ફાળો ભારે અમૂલ્ય છે . મુંબઈ વિદ્યાપીઠની સેનેટની તેમજ સિન્ડિકેટના સભ્ય તરીકે બજાવેલી કારકિર્દી હંમેશાં યાદગાર રહેશે . - એમણે અનેક વર્ષો સુધી મુંબઈ સુધરાઈના સભ્ય તરીકે મુંબઈ નગરપાલિકાની સેવા કરી હતી . ઘણીએ કાયદા સમિતિનું પ્રમુખપદ એમણે શોભાવ્યું હતું . મુંબઈ વિદ્યાપીઠની સેનેટના અને સિન્ડિકેટના સભ્ય તરીકે કેળવણીના ક્ષેત્રે પણ સારી સેવાઓ બજાવી છે . સર સયાજીરાવ હીરક મહોત્સવ અને સ્મારકનિધિના માનદ્મંત્રી તેમજ માનનીય ટ્રસ્ટીતરીકે વડોદરા રાજ્યની સેવા કરી હતી . મુંબઈ વિભાગીય કોંગ્રેસના અનેક વર્ષો સુધી મંત્રી તરીકે , 1955માં ઉપપ્રમુખ તરીકે અને 1957માં પ્રમુખ તરીકે સુંદર કામગીરી બજાવી . મુંબઈ કૉંગ્રેસની અનન્ય સેવા કરી હતી .

          ભારત - પાકિસ્તાન સંઘર્ષ વેળા કેન્દ્રીય રાહત સમિતિમાં ઇન્દિરાજીની નેતાગીરીમાં તેમણે જે કામ કર્યું જેથી ઇન્દિરાજીએ તેમને પ્રધાન બનાવી યોગ્ય કદર કરી . 1967માં તેઓ આકાશવાણીના પ્રધાન બન્યા અને તેઓશ્રીએ ટૂંક સમયમાં સુંદર કામગીરી બજાવી હતી તે ભારે પ્રશંસનીય છે . આકાશવાણીને પગભર કરવા માટે અને એના વિકાસ અર્થે તેઓશ્રીએ અનેક યોજનાઓ તૈયાર કરી . જેવી કે આકાશવાણી પર જાહેરખબરોની શરૂઆત કરાવી વગેરે . ત્યારે માનનીય પંતપ્રધાને તેઓશ્રીને રાષ્ટ્રના જવાબદારીભર્યા રહેઠાણ , આરોગ્ય અને કુટુંબ નિયોજનના મંત્રીપદની ભારે જવાબદારી સોંપી . આમજનતા પ્રત્યે અને ગરીબો પ્રત્યે અનન્ય લાગણીને કારણે તેઓશ્રીએ ભારે પ્રશંસનીય કાર્ય કરી બતાવ્યું . મુંબઈ ખાતે વાંદરાની ખાડીમાં ખદખદતા હજારો અગણિત ઝૂંપડાંઓની જગ્યાએ આલિશાન ભવ્ય ગૃહનિર્માણની યોજના તેઓશ્રીએ ઘડી અને શ્રીમતી ઇન્દિરાજીના હાથે ગૃહનિર્માણનું મુહૂર્ત કરાવ્યું હતું . તેમણે ગૃહનિર્માણની અનેક સુંદર યોજનાઓ સારાય દેશ માટે તૈયાર કરી . જેથી અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારામાં સારો અને વધારેમાં વધારે લાભ લઈ શકે . કુટુંબ નિયોજનના પ્રધાન તરીકે તેઓશ્રીનું કાર્ય ખૂબ પ્રશંસનીય બન્યું .
          1970માં દેશમાં ચૂંટણી આવી . શ્રી શાહને દક્ષિણ મુંબઈ તથા મુંબઈના વાયવ્ય વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે વારંવાર વિનંતીઓ પણ થઈ . તેઓશ્રીએ ચૂંટણી લડવા માટે પૂરતી તૈયારીઓ કરી હતી અને તે માટે પ્રચારતંત્ર પણ વ્યવસ્થિત કરી દીધું હતું . આમ જ્યારે શ્રી શાહ ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને વડાપ્રધાન શ્રીમતી ગાંધીનો સંદેશો આવ્યો . શ્રીમતી ગાંધીએ શ્રી શાહને વિનંતી કરી હતી કે તેમણે શાસક કોંગ્રેસની , સમગ્ર દેશ માટેની પ્રચારવ્યવસ્થા સંભાળવી . શ્રી શાહે કોંગ્રેસ માટે ગયા વખતે જે રીતે પ્રચારકાર્ય સંભાળ્યું હતું તે જોતાં વડાપ્રધાનને એમ લાગ્યું હતું કે ભગીરથ કાર્ય શ્રી શાહે પક્ષના હિતમાં ઉપાડી લેવું જોઈએ . - શ્રી શાહની ચૂંટણી લડવાની ઉત્કટ ઇચ્છા છતાં તેમણે વડાપ્રધાનની વિનંતી સ્વીકારી અને ચૂંટણી કાર્યમાં વળગી ગયા . તેઓશ્રીની દેશ માટેની ને વડાપ્રધાન પ્રત્યેની વફાદારી અજોડ અને અનન્ય છે . પોતાની આગવી શૈલીમાં સંસ્થા કોંગ્રેસના આગેવાનો પર કટાક્ષયુક્ત તીખા પ્રહારો કર્યા હતા અને અવારનવાર શાયરીઓ લલકારી શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા .

             દેશના ખૂણેખૂણામાં ફરી ઇન્દિરાજીનો સંદેશ  ગામડે ગામડે ને ઘરે ઘરે પહોંચાડ્યો અને ચૂંટણી માટે સારું એવું ભંડોળ ભેગું કર્યું હતું . શ્રી કે . કે . શાહના બુદ્ધિચાતુર્ય અને પ્રખર કાર્યશક્તિનો - શ્રીમતી ગાંધીના વિજયમાં મોટો ફાળો હતો. રાયબરેલીની 1967ની ચૂંટણી કે . કે . શાહની નિગાહબાની નીચે જીતાઈ હતી . પ્રત્યેક રાજયના ચૂંટણી જંગના આયોજનમાં તેમનો પ્રમુખ હિસ્સો હતો . નાણાં લાવવાથી માંડીને સ્થાનિક સહાય ઊભી કરવાની શ્રી શાહની કુનેહ ચૂંટણી વેળાએ પૂરા ખપમાં આવી અને આને અનુલક્ષીને તેઓશ્રીને પ્રધાનમંડળમાં વડાપ્રધાનના વિશ્વાસુ માણસ તરીકે લેવામાં આવ્યા .

          જૂન 1971માં તામિલનાડુના ગવર્નરની જગ્યા ખાલી પડી . રાષ્ટ્રના આવા મોટા રાજ્યનો કે જેની સામે અનેક અવનવા પ્રશ્નો ઊભેલા છે . એવા રાજયનો દોર કઈ વિશ્વાસુ વ્યક્તિને સોંપવો પ્રધાનમંત્રીને મન એક વિકટ પ્રશ્ન હતો . ઈન્દીરા ગાંધી જાણતાં હતાં કે શ્રી શાહમાં કામ પાર પાડવા, હાથમાં લીધેલા કાર્યને  સફળતા પુર્વક પાર પાડવાની   હોંશિયારી છે . સાથીઓ સાથે કામ લેવાની તેમનામાં આવડત છે . અથાગ મહેનત કરવાની શક્તિ, ધીરજ અને કુનેહ છે અને એટલા વફાદાર મિત્રને દેશના હિતમાં તામિલનાડું નું સુકાન સંભાળવાનું જણાવ્યું. 
             મદ્રાસનું સુકાન સાંભળવાની સાથે શ્રી શાહ પત્રકારોના અનેક પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું : તામિલનાડુ પ્રત્યે વર્ષોથી મને માન છે . પ્રજાએ દેશની સંસ્કૃતિ અને સંસ્કારમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે . સંસ્કૃતિ અને સંસ્કાર વધારે પ્રમાણમાં ખીલે માટે તામિલનાડુના ગવર્નર તરીકે મારાથી બનતા બધા પ્રયત્નો કરીશ . ' ' પ્રજાના નિકટ સંપર્કમાં અવાય અને રાજ્યની અનેક વિકટ પ્રશ્નોની ચર્ચા - વિચારણા થઈ શકે માટે તામિલ ભાષા તેઓશ્રીએ શીખી લીધી હતી અને તેઓ સારી એવી તામિલ બોલી શકતા હતા . દેશમાં ભાષાકીય પ્રશ્ન જયારે ધૂંચવાયેલો છે ત્યારે તેઓશ્રી સારાય દેશમાં એક સુંદર દૃષ્ટાંત બેસાડ્યું છે . કોઈ પણ ભાષા પ્રત્યે રોષ અને દ્વેષ હોવો જોઈએ નહીં . તેઓશ્રીએ મદ્રાસનું રાજભવન આમ જનતાનું રાજભવન બનાવ્યું અને ત્યારે રાજભવનમાં ગામડાનો નાનામાં નાનો ખેડૂત પણ આવી , એના પ્રશ્ન પર તામિલમાં ચર્ચા - વિચારણા કરી એના પ્રશ્ન હલ કરી શકતો . એક ગુજરાતી પત્રકારે ગુજરાત પ્રત્યે સેવા બાબતમાં પૂછેલા પ્રશ્નના ખ્યાલમાં જવાબમાં તેઓશ્રીએ જણાવ્યું હતું : ગુજરાત ગમે તે ઘડીએ મારી સેવાઓની માંગણી કરે ત્યારે ગમે તેવા હોદા કે પદ છોડીને ગુજરાતની સેવા માટે હું સદાય તત્પર છું .

         સમાજવાદી સમાજ રચનાની વિચારસરણી ધરાવતા શ્રી શાહે એક રાજયપાલ તરીકે સુંદર ને અન્ય રાજયપાલ માટે માર્ગદર્શકરૂપ સુંદર દૃષ્ટાંત રજૂ ક્યું છે . સામાન્યમાં સામાન્ય માનવી તેઓશ્રીને સહેલાઈથી મળી શકતો . મદ્રાસના રાજભવનને આમ જનતાનું રાજભવન બનાવ્યું . દરેક રાજયપાલકરતા ઓછામાં ઓછો પગાર તેઓશ્રીએ સ્વીકાર્યો છે . ખોટા દબદબાઓનું તેઓશ્રીએ મહત્ત્વ ઓછું કર્યું ને જનતાના હિતના કાર્યને મહત્ત્વ આપ્યું . જે ભારે આવકારદાયક હતું . તામિલનાડુમાં અરાજકતા અને અસંતોષ વધતા એમને કરુણાનિધિની ડી . એમ કે , સરકાર બરખાસ્ત કરવાની સત્તા કેન્દ્ર આપી અને ટૂંક સમયમાં કરુણાનિધિના વડપણ નીચેની સરકાર બરખાસ્ત થઈ . શ્રી શાહે શાંતિ અને કુનેહથી તામિલનાડુની પ્રગતિમાં સુંદર કાર્ય કરી બતાવ્યું .

             ઉચ્ચ હોદાઓ પર હોવા છતાં તેમનો વતન પ્રેમ અનન્ય હતો. આજે વર્ષે દહાડે લાખો ગરીબ દર્દીઓને નજીવા દરે સેવા સુશ્રુસા પુરી પાડતી વાત્રક હોસ્પિટલ કે.કે. શાહની દુરંદેશી અને વતન પ્રેમની નિશાની છે. માદરે વતન માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી 1965 માં ભારતભરમાં થી દાન મેળવીને સાબરકાંઠા વિસ્તારના ગરીબ અને પછાત દર્દીઓ માટે આરોગ્ય સુવિધાઓ ઘર આંગણે પ્રાપ્ત થાય તે માટે વાત્રક હોસ્પિટલનો પાયો નાખ્યો. આજે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ વિસ્તારના ગરીબ દર્દીઓને માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે.

             તામિલનાડુના રાજ્યપાલ પદ પરથી નિવૃત્ત થઈ તેઓ ગુજરાતમાં ગ્રામોદ્ધારના કાર્યમાં જોડાઈ ગયા અને શ્રી મોરારજીભાઈના માર્ગદર્શન નીચે પોતાની ધર્મપત્ની સાથે ગામડે ગામડે ફરી ગ્રામોદ્ધારની પ્રવૃત્તિ આરંભી . મોટો ભાગ તેઓશ્રી વડોદરામાં ગાળતા . સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ હેઠળ એમણે સુંદર ગર્લ્સ અને બૉયઝ હૉસ્ટેલ શરૂ કરી . યોગનું કેન્દ્ર પણ શરૂ કર્યું અને અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી . પતિ - પત્ની તન - મન અને ધનથી કોઈ પણ અપેક્ષા વિના સેવા ને શિક્ષણ પ્રવૃત્તિમાં ગૂંથાઈ ગયાં . રાજકીય પ્રવૃત્તિને તિલાંજલિ આપી . યોગ ને શિક્ષણ , સામૂહિક પ્રશ્નો વગેરે પર એમના લૅક્ટરોની ગુજરાતનાં શહેરોમાં માગ થવા લાગી અને શ્રી શાહે સમાજના હિતમાં ગામડે ગામડે ને શહેરે શહેરે પ્રવચનો કર્યા .
             કલકત્તા ખાતે રાજભવનમાં તા . 14-3-1986 ના રોજ અચાનક હૃદયરોગથી એમનું અવસાન થયું અને એમણે ચિરવિદાય લીધી.

              હાલ કે.કે. શાહ તો આપણી વચ્ચે નથી પરંતુ તેઓના પુત્ર પ્રકાશભાઈ શાહ પિતાના પગલે માનવતાની મહેંકને પ્રસરાવી રહ્યા છે. તેઓ હાલ તો અમેરિકા કેલિફોર્નીયા સ્થાઈ થયા છે. અમેરિકામાં ઉચ્ચ હોદ્દા સેવાઓ આપી રહ્યા છે એમ છ્તાં પિતાએ વારસામાં આપેલો વતન પ્રેમ તેઓએ હ્રુદયમાં સાચવી રાખ્યો છે. અવાર નવાર તેઓ વતનની મુલાકત લેતા રહે છે.  વાત્રક નદીને કાંઠે કે.કે. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબોની સેવામાંકાર્ય રત છે.  પ્રકાશભાઈ શાહનાં ધર્મ પત્નિ જાનકીબેન પણ સેવા કાર્યમાં પ્રકાશભાઈ ની સાથે ખભેખભો મિલાવી કાર્યરત છે.  


લેખન-   : ઈશ્વર પ્રજાપતિ   
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)




સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts