Sunday, April 25, 2021

અક્ષરવાસી પૂ. ડાહ્યાભાઈ મણીભાઈ પટેલ

 

અક્ષરવાસી પૂ. ડાહ્યાભાઈ મણીભાઈ પટેલ

        


            ધર્મ-ભક્તિ પાક્ષિકના આદ્યસ્થાપક અને બાયડ સ્ટેશન સ્વામિનારાયણ મંદિરના કોઠારી  પૂ.  ડાહ્યાભાઈ મણીભાઈ પટેલ  અક્ષરવાસી થયાના સમાચાર જાણીને ઘેરા શોકની લાગણી અનુભવું છું. 

          મારા કમ નસીબે પૂજ્ય ડહ્યાભાઈને ક્યારેય  રૂબરૂ મળી શક્યો નહીં પરંતુ આદરણીય કનુંભાઈ પટેલ પાસેથી  પૂજ્ય ડાહ્યાભાઈના  જીવન વિશેની ઘણી વાતો સાંભળી પ્રભાવિત થયો હતો. એક સંત જેવું ઉમદા વ્યક્તિત્વ ! "ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ભગવાન પરનો વિશ્વાસ દ્રઢ રાખવો."એ તેમનો જીવન મંત્ર !  

    વર્ષ ૧૯૩૫ માં   માતૃશ્રી શાંતાબાની કૂખે ડાહ્યાભાઈનો  જન્મ થયો હતો. પિતા મણીભાઈ કર્મઠ શિક્ષક. મણીભાઈ 1929 માં ઇડર સ્ટેટના સમયમાં પ્રાથમિક શિક્ષક તરીકે માત્ર 15 રૂ. માસીક પગારથી જોડાયા હતા.    

        ડાહ્યાભાઈને પાંચ વર્ષની ઉંમરે પેરાલીસીસ થયો. જમાનામાં આટલા અસરકારક ઉપચાર હોવા છતાં  માતા-પિતાએ તેમને સાજા કરવા ખુબ પ્રયત્ન કર્યો. આંશીક સફળતા મળી પરંતુ પગે સંપૂર્ણ આરામ થઇ શક્યો. ડાહ્યાભાઈ શરીરે અશક્ત થયા હતા પણ ખૂબ બુદ્ધીશાળી હતા.

        પિતા પૂજ્ય મણીદાદા અને માતૃશ્રી શાંતાબાની ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા , ભક્તિ અને અથાગ મહેનતના કારણે ડાહ્યાદાદા 11 વર્ષે ની ઉંમરે સ્વબળે ચાલતા થયા ..પૂજ્ય મણીદાદા પ્રાથમિક શિક્ષક હતા. તેઓને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે ડાહ્યાભાઈએ ભણતાં ભણતાં અનાજ દળવાની ફેક્ટરી નાખી..ભણવા માં તેઓ હોશિયાર હતા અને તે વખતની ફાયનલની પરિક્ષામાં ગણિતનું પેપર સમયમર્યાદા કરતા પહેલાં પૂર્ણ કરી સમગ્ર ધનસુરા સેન્ટરમાં પ્રથમ ક્રમે રહયા..

          માત્ર  13 વર્ષની નાની ઉંમરે તેમણે ગામમાં પરબડી નજીક મુળચંદ ભોગીલાલની ખડકીમાં બેસતા તસ્તા ઉપર સહજાનંદ ગૃહ વસ્તુ ભંડાર નામની દુકાન કરી જેમાં સ્ટેશનરી, શાળાના પાઠ્યપુસ્તકો, નોટબુકો, સીઝન પ્રમાણેની તમામ જરૂરી ચીજવસ્તુઓ રાખતા અને વેચાણ કરતા. ગામમાં આવી દુકાન માત્ર એક હતી.

        ગામની ઘરાકી સાથે વારેણા ગામની ઘરાકી પણ તેઓની  દુકાને હતી. ડાહ્યાભાઇ વેપારમાં હોંશીયાર હોવા છતાં ઉદાર હતા. તેઓની પાસેથી ઉઘાર લેનારની સંખ્યા વધુ રહેતી. તે પછી તેઓએ ભટ્ટવાડાની બહાર માઘાભાઇ ભટ્ટના ઘરની નીચેની દુકાનમાં નાના પાયે હોટલ પણ કરી હતી. પગે પોલિયો   ની અસર  હોવા છતાં સાયકલ અને મોટર સાયકલ પણ ચાલાવતા.

          પરિવારને સહાયરૂપ થવા માટે તેઓએ એક પછી એક એમ અનેક નવીન વ્યવસાય  કર્યા..વિજય રેસ્ટોરન્ટ, કલ્યાણ પ્રિંનટીગ પ્રેસ,હકીકત સાપ્તાહિક, શ્રીજી મશીનરી સ્ટોર્સ, ઘનશ્યામ ઓઈલ ડેપો અને રાજકોટમાં ઓઇલ એન્જિન બનાવવાનું કારખાનું પણ કર્યું. 47 વર્ષની ઉંમર સુધીમાં એમને 47 થી વધુ વ્યવસાય  કર્યા !!

          તે સમયમાં ડાહ્યાભાઈએ જીવન વિમાની એજન્સી લીધી. એક કરોડપતિ વિમા એજન્ટ તરીકેનું કામ તેઓએ ઘણા વર્ષ કર્યું. એલ.આઇ.સી.ની મોડાસા શાખાની તેઓ સૌથી મોટા વિમા એજન્ટ હતા. બ્રાન્ચમાં તેઓનો ફોટો પણ લગાવેલ હતો.

        તમામ વ્યવ્સાયમાં  તેઓના લઘુ બંધુઓ  આદરણીય ચિમનભાઈ પટેલ  અને આદરણીય કનુભાઈ પટેલે  ખભે ખભા મિલાવી પોતાનું યોગદાન આપ્યું. અને જેના કારણે આજે મણીદાદાનો પરિવાર આર્થિક રીતે સધ્ધર અને સુખી સંપન્ન છે.

              પૂ. ડાહ્યાભાઈએ  નક્કી કરી લીધું હતું  કે તેઓની 52 વર્ષની ઉંમર થાય ત્યારે સાંસારિક ઉપાધિઓને ત્યજીને ફક્ત સ્વામિનારાયણ ભગવાનની સેવામાં પોતાનું જીવન વ્યતિત કરશે. પૂજ્ય મણીદાદા ઘ્વારા બાયડ સ્ટેશન વિસ્તારમાં નવીન સ્વામિનારાયણ મંદિર બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવા બીજા વડીલો સાથે મળી ગામો ગામ ફરી મંદિર માટે ફાળો એકત્રીત કર્યો અને નવીન મંદિરનું નિર્માણ થયું. પૂ. ડાહ્યાભાઈની શારીરીક અશકતતા ના કારણે સમગ્ર કાર્યમા શારદાબાએ પણ પડછાયાની જેમ તેમનો સાથ આપ્યો.

       તેઓના પિતાશ્રી  પૂજ્ય મણીદાદાના અક્ષરવાસ બાદ સને 1987થી ડાહ્યાદાદાએ તમામ સાંસારિક પ્રવૃત્તિઓને પડતી મૂકી અને બાયડ સ્ટેશન સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી તરીકે પૂર્ણ કાલીન સેવાઓ આપવાનું શરૂ કરી સત્સંગ નો વ્યાપ વધારી મંદિરને આર્થિક સધ્ધરતા પણ આપી.મંદિર માં રહીને તેઓએ સંપ્રદાયના પ્રસાર અર્થે  "ધર્મભક્તિ" સાપ્તાહિક પણ બહાર પાડ્યું.

          ભગવાનશ્રી સ્વામિનારાયણની અનન્ય સેવાઓને પૂજ્યપાદ મોટા મહારાજશ્રી તેજેન્દ્ર પ્રસાદજીએ મંદિરના પાટોત્સવ વખતે બિરદાવતા કહ્યું હતું કે "ડાહ્યાભાઈ મંદિરમાં બેસીને જે ભગવાનનું જે સતત ધ્યાન અને રટણ કર્યું છે તે કદાચ સંપ્રદાયના અત્યારના સંતોએ પણ નહીં કર્યું હોય અને તેના કારણે અશક્ત શરીર હોવાના કારણે શારિરીક હલનચલન ઓછું કરી શકવા છતાં તેઓનો ખોરાક ભગવાન પચાવી આપતા હોય તેવું લાગે છે. ભગવાન માટે સંપ્રદાયના એક સંત કરતા તેઓની સેવાઓ ઓછી નથી."

          પૂજ્ય ડાહ્યાભાઈનું સંઘર્ષમય છતાં પાવનકારી અને આધ્યાત્મિક જીવન અનેકો માટે પ્રેરણારૂપ બનશે. ભગવાન સ્વામીનારાયણ પૂ. ડાહ્યાભાઈને તેમના હૃદયમાં સ્થાન આર્પે એજ પ્રાર્થના !

    જય સ્વામીનારાયણ  !

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620 

 

          

 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts