"તમારો સમય સીમિત છે - એટલે બીજા કોઈની મરજી મુજબ જીવવામાં તમારી જિંદગી વેડફી ન નાખતા." : સ્ટીવ જોબ્સ
(ગતાંકથી ચાલું )આર્ટીકલનું( આગળનું પ્રકરણ વાંચવા અહીં ક્લિક કરો )
૩૦ વર્ષની ઉંમરે હું મારી જ સ્થાપેલી કંપનીમાંથી બહાર ફેંકાઈ ગયો. તે પણ કેવી રીતે? દુનિયાઆખીએ આ તમાશો માણ્યો તેવી જાહેર રીતે. મારા અસ્તિત્વનું કેન્દ્રબિંદુ જ જાણે ભૂંસાઈ ગયું. હું તદ્દન હચમચી ઊઠ્યો."
થોડા મહિનાઓ સુધી તો શું કરવું તેની કોઈ ગતાગમ જ ન પડી. સાહસિકોની એક નવી પેઢીને મેં છેહ આપ્યો છે અને જેમણે મારા પર શ્રદ્ધા રાખી હતી તેમને મેં દુભાવ્યા છે તેવી લાગણી મને સતાવતી રહી. હું ડેવિડ પેકાર્ડ અને બોબ નોયસને મળ્યો. અને મારા છબરડા માટે તેમની માફી માગી. મારી નિષ્ફળતા અને નાલેશીનો જાણે જાહેર ઢંઢેરો પિટાયો હતો; મારું કાર્યક્ષેત્ર છોડી પલાયન થવાના પણ વિચારો આવ્યા. આવા વખતે મને અંદરથી જ એક સ્ફુરણા થવા લાગી. મેં આજ સુધી જે કાંઈ પણ કર્યું છે. તેમાં મને આનંદ જ આવ્યો છે અને મારી નિષ્ફળતાએ આ હકીકત પર કોઈ જ અસર નહોતી કરી. ભલે હું તરછોડાયો હોઉં, ત્યજાયો હોઉં પણ મારા કાર્ય પ્રત્યેનો મારો પ્રેમ તો સાબૂત જ હતો.
મેં નવેસરથી શરૂઆત કરવાનું નક્કી કર્યું. ત્યારે તો મને કલ્પના પણ નહોતી આવી પણ પછી મને લાગ્યું કે ઍપલમાંથી મારી હકાલપટ્ટી થઈ તે મારા માટે સારામાં સારી ઘટના હતી. સફળતાના ભારેખમ બોજાને સ્થાને નવા નિશાળિયા જેવી હળવાશ લાગવા માંડી—કોઈ પ્રકારની પૂર્વકલ્પિત નિશ્ચિતતા વગરની મોજીલી સ્વતંત્રતા. એ મને દોરી ગઈ મારા જીવનના સૌથી સર્જનાત્મક તબક્કા તરફ. ત્યાર પછીનાં પાંચ વર્ષ મેં મારી નવી કંપની નેક્સ્ટ (Next) સ્થાપવામાં કાઢ્યાં. બીજી કંપની પિક્સાર (Pixar) પણ સ્થાપી અને એક અદ્ભુત સ્ત્રીના પ્રેમમાં પડ્યો - જે મારી પત્ની બની. મારી કંપની પિક્સારે વિશ્વની સૌ પહેલી એવી કમ્પ્યૂટર એનિમેટેડ ફિલ્મ ‘ટૉય સ્ટોરી' બનાવી. પિક્સાર અત્યારે આખી દુનિયામાં સૌથી વધુ સફળ એવો એનિમેશન સ્ટુડિયો ગણાય છે. વળી અમુક નાટ્યાત્મક ઘટનાઓ એવી બની કે ઍપલે મારી કંપની નેક્સ્ટ ખરીદી લીધી. આમ હું સ્વગૃહે એટલે કે ઍપલમાં પાછો ફર્યો. નેક્સ્ટમાં અમે જે તંત્રજ્ઞાન વિક્સાવ્યું તે ઍપલના પુનરુત્થાનનું મૂળ બન્યું. પત્ની લોરેન સાથે મેં અમારો પ્રેમાળ પરિવાર ઊભો કર્યો.
મને તો ખાતરી છે કે જો મારી ઍપલમાંથી હકાલપટ્ટી ન થઈ હોત તો આમાંનું કાંઈ જ શક્ય બન્યું ન હોત. દવા ઝેર જેવી કડવી લાગી હતી પણ ત્યારે દરદીને તેની જરૂર હતી. જિંદગી ઘણી વાર આપણા માથા પર અસહ્ય ઘા કરે છે — તેવે વખતે હિંમત ન હારતાં હું ટકી શક્યો તેનું એકમાત્ર કારણ એ હતું કે મારા કાર્યમાંથી મને આનંદ મળતો હતો. તમને શું ગમે છે તે શોધી કાઢો. આ જેટલું પ્રિયજન બાબતે સાચું છે તેટલું કાર્યની બાબતમાં પણ સાચું છે. આપણા જીવનનો મોટો અંશ આપણા કાર્યમાં વીતવાનો છે અને એટલે જ સંતોષ પામવાનો એકમાત્ર રસ્તો છે, આપણે જેને ગમતું કાર્ય માનતા હોઈએ તેમાં પ્રવૃત્ત રહેવું. ઉત્તમ કામ એટલે આપણને ગમતા કાર્યમાં જીવ રેડવો. જો તમને હજુ સુધી આવું કોઈ કાર્ય નજરે ન પડ્યું હોય તો શોધ ચાલુ રાખો. પ્રેમને લગતી દરેક બાબતમાં થાય છે તેમ તમને આવું કાર્ય જડશે ત્યારે જરૂર એક અલગ અનુભૂતિ થશે. આ બાબતે સમાધાન કે બાંધછોડ ક્યારેય ન કરતા. સાચા સ્નેહ સંબંધોની જેમ જ સમય વીતતો જશે તેમ તેમ તમારું કાર્ય વધુ ને વધુ દીપી ઊઠશે. ટૂંકમાં, આવા કાર્યની નિરંતર શોધમાં રહો, ખોટું સમાધાન કરી ન રહેતા.
મારી ત્રીજી વાત છે મૃત્યુ વિશે. હું લગભગ ૧૭ વર્ષનો હતો ત્યારે મેં એક સુવાક્ય વાંચેલું : “આજનો દિવસ જાણે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે એમ માનીને જિંદગી જીવતાં રહેશો તો એક દિવસ તમે ખરેખર સાચા પુરવાર થશો.' આની મારા પર અમીટ છાપ છે. છેલ્લાં ૩૩ વર્ષથી રોજ સવારે હું અરીસામાં જોઈ મારી જાતને પૂછું છું—‘આજનો દિવસ જો તારા આયુષ્યનો છેલ્લો દિવસ હોય તો આજે જે કામ કરવાનું ઠરાવ્યું છે તે કામ જ કરીશ કે પછી બીજું કાંઈ?” લગાતાર થોડા દિવસો સુધી જો આ પ્રશ્નનો જવાબ નકારાત્મક આવે તો તેનો અર્થ છે મારા કાર્યમાં ધરમૂળથી ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે. થોડા સમયમાં મૃત્યુ આવવાનું છે તેવી સમજને કારણે હું મારા જીવનના અતિ મહત્ત્વના નિર્ણયો લઈ શકવા સક્ષમ બન્યો છું. મૃત્યુની સન્મુખ દરેક બહિર્મુખતા આશા-આકાંક્ષાઓ, અરમાનો, અહંકાર, ભય, સંકોચ, નામોશી – ગૌણ બની જાય છે અને જેમાં ખરું સત્ત્વ છે તેટલું જ ટકે છે. હારના ભયપિંજરમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. આપણે મૃત્યુ પામવાના છીએ તેનો સ્પષ્ટ અહેસાસ. આપણા બધા જ અંચળા ઊતરી ગયા હોય ત્યારે આપણું અંતઃકરણ જ આપણું માર્ગદર્શક બને છે.
એક વર્ષ પહેલાં મને કેન્સર છે તેવું નિદાન થયું. સવારે સાડાસાત વાગ્યે ડૉક્ટરે સ્કેન કર્યો અને મારા સ્વાદુપિંડ (પેનક્રિયાસ) પર કૅન્સરની ગાંઠ સ્પષ્ટ દેખાઈ. મને તો સ્વાદુપિંડ શું તે પણ ખબર નહોતી. ડૉક્ટરે બહુ જ સહાનુભૂતિપૂર્વક મને કહ્યું કે આ એક અસાધ્ય એવું કેન્સર છે અને ત્રણ કે છ મહિનાથી વધુ તમે ખેંચી નહીં શકો. તેમણે કહ્યું તારો કારભાર સંકેલવાની શરૂઆત કર – બીજા અર્થમાં કે હવે તારી ઘડીઓ ગણાઈ રહી છે. એટલે કે મારાં સંતાનોને હું આવતાં દસ વર્ષ સુધી જે કહેવાનો હતો, સલાહ-સૂચનો આપવાનો હતો તે બધું હવે તાબડતોબ કરવાનું રહ્યું. મારા કુટુંબની સુખાકારી માટેની બધી વ્યવસ્થા પણ તરત જ પૂરી કરવાની હતી. બધાને અલવિદા કહેવાનું હતું. આ વ્યથા સાથે આખો દિવસ મેં વિતાવ્યો. રાત્રે ડૉક્ટરોએ મારા કૅન્સરની ગાંઠની બાયોપ્સી કરી - મારા ગળામાંથી પેટમાં અને ત્યાંથી આંતરડામાં એન્ડોસ્કોપ પહોંચાડયું. મારા સ્વાદુપિંડ (પેનક્રિયાસ)માં સોય દાખલ કરી અને ત્યાં રહેલી ગાંઠમાંના થોડા કોષો અલગ કાઢ્યા. હું તો બેભાન હતો પણ મારી પત્ની આ આખી પ્રક્રિયા દરમિયાન હાજર હતી. તેણે કહ્યું કે મારા કેન્સરની ગાંઠમાંથી કઢાયેલા કોષોની જ્યારે ડૉક્ટરોએ વિસ્તૃત તપાસ કરી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં.
મારા કૅન્સરની ગાંઠની સારવાર શસ્ત્રક્રિયા દ્વારા કરી શકાય તેમ હતી. મારા પર શસ્ત્રક્રિયા થઈ, કૅન્સરની ગાંઠ દૂર કરાઈ અને હું આજે સાજો—નરવો છું. મૃત્યુની ભીષણતાનો આ પ્રત્યક્ષ પરિચય; આશા રાખું છું કે થોડા દસકાઓ સુધી મૃત્યુની નિકટ આવવાનું નહીં બને. મૃત્યુને આટલું નજીકથી જોયા પછી તે મારા માટે માત્ર એક ઉપયોગી એવી બૌદ્ધિક કલ્પના જ નથી રહ્યું પણ જીવનની એક અવિભાજ્ય વાસ્તવિકતા બની ગયું છે.
મરવું કોઈને ગમતું નથી. જેમને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે તે પણ મૃત્યુના માર્ગે ત્યાં જવા રાજી નથી હોતા. છતાં મૃત્યુ એ દરેક જીવ માટેનું એક એવું અફર સત્ય છે જેમાંથી આજ સુધી કોઈ છટકી શક્યું નથી. હોવું પણ એમ જ જોઈએ, કારણ કે જીવનની સર્વોત્તમ શોધ જો કાંઈ હોય તો તે છે મૃત્યુ. તેમાં જ જીવનનું પુનરુત્થાન છે. જૂનાને આઘે હડસેલી તે નવા માટે માર્ગ મોકળો કરે છે. આજે તમે નવયુવાન છો પણ કાળક્રમે, થોડા વખતમાં જ, તમે પણ ઘરડા થશો અને આ સાફ-સૂફીના સપાટામાં ઘસડાઈ જશો. તમને આમાં નાટ્યાત્મકતા લાગતી હોય તો માફ કરશો, પણ આ છે આપણા સૌના જીવનની વાસ્તવિકતા.
તમારો સમય સીમિત છે - એટલે બીજા કોઈની મરજી મુજબ જીવવામાં તમારી જિંદગી વેડફી ન નાખતા. બીજાઓએ વિચારી રાખેલા વિચારો અને તેનાં પરિણામોના ગુલામ ન બનતા. તમારા અંતરાત્માના અવાજને આસપાસનાં કોલાહલમાં ઢંકાવા ન દેતા. વળી સૌથી મહત્ત્વની વાત તમારા હૃદયને ગમતી વાતને અનુસરવાની હિંમત કેળવજો. તમારું હૃદય અને તમારો અંતરાત્મા બરાબર જાણે છે કે તમારી જિંદગીનું તમારે શું કરવાનું છે. બાકીની બધી વાતો ગૌણ છે.
મારા બચપણમાં એક અદ્ભુત સામયિક પ્રકાશિત થતું હતું. તેનું નામ હતું “ધી હોલ અર્થ કેટલોગ' (The Whole Earth Catalog). મારી આખી પેઢી આની પાછળ ઘેલી હતી. અહીંથી નજીક આવેલા મેન્લો પાર્ક વિસ્તારના યુવર્ટ બ્રાન્ડ આ સામયિક ચલાવતા. તેમણે પોતાની સમગ્ર સર્જનશીલતા આમાં રેડેલી. આ વાત છે ૧૯૬૦ના દસકાના ઉત્તરાર્ધની. ત્યારે કમ્પ્યૂટર કે ડેસ્કટોપ પબ્લિશિંગની કોઈ કરતાં કોઈ સગવડ નહોતી. ટાઈપરાઈટર, કાતર, પોલારોઈડ કેમેરાની મદદથી પેદા થતું આ સર્જન હતું. ગૂગલના જન્મનાં ૩૫ વર્ષ પૂર્વેનું આ મારી પેઢીનું ગૂગલ (Google) હતું. યૌવનના આશાવાદ અને થનગનાટથી ભરપૂર. સ્ટયુવર્ટ અને તેના સાથીદારોએ આ સામયિકના એક પછી એક ઘણા અંકો કાઢ્યા પણ અંતે પ્રકાશન સમેટી લેવાની નોબત આવી.
૧૯૭૦ના દાયકાના મધ્યમાં તેનો છેલ્લો અંક પ્રકાશિત થયો ત્યારે હું તમારી ઉંમરનો હોઈશ. છેલ્લા અંકના પાછળના પૂંઠા પર એક અદ્ભુત ફોટો હતો. વહેલી પરોઢના ગ્રામીણ વેરાન રસ્તાનો—આજે પણ તમે આવા સમયે એકલા નીકળી પડો તો જોવા મળે તેવો જ રસ્તો. ફોટાની નીચે લખ્યું હતું “ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.” ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તોય વધુ ઉમદા કાર્ય કરવાની ભૂખ જાગ્રત રાખવી તે અર્થમાં ભૂખ્યા રહેજો. જ્ઞાનસંપાદનનો નશો ચડવા માંડે ત્યારે હજુ અણખેડાયેલા જ્ઞાનના મહાસાગર તરફ નજર નાખતાં આપણે મેળવેલા જ્ઞાનની પામરતાનું ભાન થશે તે અર્થમાં ગમાર રહેજો. આ હતો તેમનો વિદાય સંદેશ – “ભૂખ્યાં રહેજો, ગમાર રહેજો.” હું હમેશાં આ સંદેશને અનુસર્યો છું અને આજે જ્યારે તમે આ મહાન વિશ્વવિદ્યાલયમાંથી પદવી ધારણ કરી વિશાળ વિશ્વમાં પ્રવેશો છો ત્યારે તમારા માટે પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે : “ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.'
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
(૧૨મી જૂન ૨૦૦૫ના રોજ સ્ટાનફર્ડ યુનિવર્સિટીમાં આપેલું દીક્ષાંત પ્રવચન.)
Kya bat
ReplyDelete