Sunday, November 19, 2023

સન્ડે સ્પેશિયલ : મૈત્રીના માણસ મોતીભાઈ મ. પટેલ

 

પદ્મ શ્રી ગુણવંત શાહ કહે છે. મોતીભાઈ તો ગયા પણ મારા આયુષ્યમાંથી થોડાંક વર્ષો લેતા ગયા.



                 ડૉ. મોતીભાઈ મ. પટેલના નામ આગળ સ્વ. લખતાં હજી પણ મન નથી માનતું. હજી તેમની વાતો કાનમાં પડઘાય છે. સીત્યાશીમા વર્ષે મોતીદાદાએ લીધેલી અણધારી વિદાયના આઘાતમાંથી બહાર આવવું સાવ સહેલું નથી. અરવલ્લીના અંતરિયાળ એવા છેક છેવાડાના ગામડામાંથી  એક સાધારણ  ખેડૂત પરિવારમાંથી આવતા આ આલગારી માણસે જાણે આખું ગુજરાત માથે લીધું હતું. વર્ષ ૨૦૧૯માં પ્રથમ મુલાકાતમાં તેમને મળી આર્ટીકલ લખ્યો હતો તે અહીં પ્રસ્તુત છે.     

           ડૉ. મોતીભાઈ પટેલ    ગુજરાતના શિક્ષણ જગત અને સાહિત્ય જગતમાં ખૂબ આદર અને ગૌરવ સાથે લેવાતું આ નામ છે. આમ તો આઝાદી પહેલા દસ વર્ષ અગાઉ ઇડર સ્ટેટના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાના નાનકડા ઇસરી ગામમાં તેઓનો જન્મ. મોતીભાઈ પટેલ સાચા અર્થમાં ગુજરાતના શિક્ષણ અને સાહિત્ય જગતમાં એક અણમોલ મોતી છે. ગુજરાતના જાણીતા ચિંતક ગુણવંત શાહ કહે છે " મોતીભાઈ પાસે શિક્ષણની સુગંધ ધરાવતી અત્તર દાની છે." ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરી ફરી તેઓ સુગંધ વહેંચતા રહે છે. મોતીભાઈ પટેલ જે ગુજરાતના પ્રથમ હરોળના શિક્ષણ શાસ્ત્રી તરીકે પોખાયા છે. જેમના હાથ નીચે ઘણા સર્જકો અને ઉત્તમ આચાર્યો અને શિક્ષકો બન્યા હોય. ગુજરાત યુનિવર્સીટી અને ગુજરાત વિદ્યાપીઠમાં મહત્વના હોદ્દા પર રહી એના વિકાસમાં પોતાનું અનન્ય યોગદાન આપ્યું હોય.

જે આવનારી પેઢી માટે એક પ્રેરણા તીર્થ હોય છે. એક મિશાલ છે. 

              અરવલ્લી જિલ્લાનું અંતરિયાળ એવું ઇસરી એ તોઓનું વતન અને મોસાળ પણ ખરું. પિતાના ઘરની આર્થિક સ્થિતિ ઘણી નબળી પરંતુ મામાના ઘરે જાહોજલાલી. ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. ઘરના સૌની ઇચ્છા કે મોતીભાઈ વેપાર-ધંધામાં પલોટાય. નાની ઉંમરે ખેતી પણ કરી. પરંતુ કાચી ઉંમર હોવાથી વાત જામી નહીં. વેપાર માટે મૂક્યા પણ તેમાંય ઠરીઠામ ન થયા. લોટ પીસવાની ચક્કીમાં પણ મૂકી જોયા પણ ત્યારે મોતીભાઈ ન ટક્યા. આખરે મામાના ઘરના નળીયા ચાળતા મામાની ટકોર હૃદયમાં લાગી ગઈ. નળિયા ચારતા હતા ત્યારે મામાએ ભાણેજની લાઈન દોરી આપી કહ્યું 'જોજે ભાણા, તારી લાઇન સીધી રાખજે. લાઈન આડી થઈ તો દુઃખી થઈ જઈશ . કુટુંબના એક વિસુ માણસને ખવડાવવામાં ખેતર નાનું પડે છે અને અનાજ દળવાની ઘંટી એ બેસી રહીશને તો લોટ ફકતો રહીશ.' અને ભાણેજી મામાની વાત ગાંઠે જ નહીં હૈયે પણ બાંધી. 

          દસ રૂપિયા ખિસ્સામાં લઈ  14 વર્ષની ઉંમરે    ઘર છોડી દીધું. શામળાજી તરફ ચાલતી પકડી. હિંમતનગરની હિમ્મત હાઇસ્કુલ સુઈ રહ્યા. દુકાનમાં કામે લાગ્યા. લેવડ-દેવડ, નાની-મોટી મહેનત-મજૂરી કરી . દુકાનના માલિકની પત્ની બપોરે જમવા આપ્યું પણ જુદો બેસાડીને! પિત્તો ગયો ને મોતીલાલ પહોંચ્યા કડિયાદરા. કાકા કડિયાદરાની પ્રાથમિક શાળાના આચાર્ય ત્યાં રહે થોડા દાડા થયા ત્યાં ઘરે થી ટપાલ આવી કે મોતી ભાગી ગયો છે. કડીયાદરામાં પડોશીની દરજીની દુકાને હજુ ગાજબટનની તાલીમ લેતા મોતી પાસે જઈને કાકાએ પીઠ થાબળી. પોતે માસ્તર ખરાને! પાસેના કંટાળું ગામે એક માસ્તરની અવેજીમાં ત્રણ મહિના માટે મોતીભાઈ ને ગોઠવી દીધા. શામળાજીની આદિવાસી સેવા સમિતિ ના સંચાલક નરસિંહભાઈ ભાવસારની પારખુ નજર એ આ પાણીદાર મોતી ચડ્યું અને જાને શિક્ષણનો જીવનભરનો પરવાનો મળી ગયો.

            શામળાજી આશ્રમમાં શિક્ષક થવા ગયા ત્યારે કાનમાં લવિંગિયા અને કેડીયુ પહેરેલા દાખલ થયેલા. છોકરાં માસ્તર કરતા મોટા. ડુંગરા ઉપર ઝૂંપડીની ઝૂંપડીમાં નિશાળ ડુંગરે ડુંગરે ચડી ઉતરી ને નિશાળીયાં ભેગાં કરવાનાં. પાંચને શીખવીને બીજા પાંચ શોધવા જાય ત્યાં પેલા પાંચ ભાગી છૂટે ગામે સીધું આપ્યું ને વિદ્યાર્થીઓએ રોટલા કરતા શીખવું ઇન્સ્પેકશન આવ્યું નિરીક્ષક તો કામથી એવા રાજી થયા કે મોતીભાઈની રાજસ્થાનની સરહદે વાઘપુર બદલ્યા. મોતીભાઈને કાયમી કરવા માટે સંચાલક મંડળે એમની મોકલ્યા નવશિક્ષક તાલીમ કેન્દ્ર બોચાસણ. ત્યાં મળ્યા વિરલ શિક્ષકો શ્રી શીવાભાઇ ગોર અને શ્રી રવિશંકર મહારાજ મોતીબાઈ ખડખડાટ હાસ્ય કરતાં આજે કબૂલે છે કે શિક્ષક તો હતો જ પણ જોડાક્ષર હું બોચાસણમાં માસ્તર થયાના બે વર્ષે શીખ્યો. ઉંમરમાં નાના પણ હોશિયારીમાં મોટા. પછીના બે વર્ષ સ્વરાજ આશ્રમ વેડછીમાં પીટીસી કરી. અહીં હર્ષકાન્ત વોરા, ચીમનભાઈ ભટ્ટ અને જુગતરામ દવે મોતીભાઈ પટેલ ની જિંદગીને અદભુત વળાંક આપ્યો. અહીં વાંચન નો ચસ્કો લાગ્યો. 

             ગુજરાતના બધા અધ્યાપન મંદિરોમાં સર્વ પ્રથમ નંબર મેળવનાર મોતીભાઈની પછી તો બધી જ પરીક્ષાઓમાં પહેલા આવવાની ટેવ પડી ગઈ. શામળાજીની શાળાના આચાર્ય મોતીભાઈ એ ઘેર બેઠા અભ્યાસ કરીને એસએસસી પાસ કર્યું. એ વખતે મોતીભાઈ શિક્ષક હતા. શાળાના હતા પરણેલા હતા અને બે સંતાનોના પિતા પણ હતા. પણ સ્નાતક ન હોવાના કારણે પગાર સવાસોના બદલે 80 નક્કી થયો. એટલે મોતીભાઈએ નોકરી છોડી સ્નાતક થવા ગુજરાત વિદ્યાપીઠ ગયા. સ્વયંપાકી રસોડામાં જોડાયા એટલે ખર્ચ આવે 15 રૂપિયા. બીજા રસોડા કરતા પંદર રૂપિયા ઓછા. અહીં છાપાં વહેંચી, લહિયાગીરી કરીને ખર્ચ કાઢે. 

           એમણે 1962 માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ સ્નાતકની પદવી મેળવી. બીજા જ વર્ષે રાજપીપળા જઈ ગુજરાતમાં પ્રથમ ક્રમે વિશેષ યોગ્યતા સાથે જી.બી.ટી.સી કર્યું. તરત જ અમદાવાદની સી.એન.વિદ્યાલય માં પહેલા પીટીસી કોલેજમાં અને પછી જી.બી.ટી.સી માં અધ્યાપક થયા. ત્યાં ભણાવતા ભણાવતા જ એમ.એડ કર્યું. અહીં મોતીભાઈ ને જયેન્દ્ર દવે નારાયણભાઈ પટેલ જેવા મિત્રો મળ્યા. ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી મોતીભાઈએ જીવનનું એક વિરલ સ્વપ્ન સાકાર કરવા પ્રયાસ કર્યો.પોતાના વતનની ધરતી નજીક આદર્શ વનવાસી વિદ્યાવિહાર ડોડીસરાની સ્થાપના કરી. કવિ ઉમાશંકર જોશી અહીં આવવાના હતા અને વરસાદ વરસે ધોધમાર મોતીભાઈ અને વાલીઓએ કવિને ખભા પર ઉચકી શાળા સુધી હરખભેર લઈ ગયા. આજે પણ મોતીભાઈના ખભા કોઈને કોઈ સાહિત્યકારને ઉચકે છે. એ વહાલથી ખંભાતથી બી.એડ કોલેજના પ્રાચાર્ય આકૃવાલાએ દ્વારિકાની વિદ્યાપીઠ કોલેજની શિક્ષણ વિદ્યાશાખા સંભાળવા મોતીભાઈને મોકલ્યા ચિઠ્ઠીમાં લખ્યું અહીં મને ખોટ પડશે પણ તમારી સંસ્થાની પ્રગતિ માટે મોતીભાઈની ભલામણ કરું છું. પણ એ સાધુ છે અને સાધુ તો ચલતા ભલા એ ન્યાયે એ કેટલું ટકશે એ તમે જાણો.

          મોતીભાઈએ દ્વારકાને જાણે માથે લીધું. તીનબત્તી ચોકમાં બુધવારીયું જમાવ્યું. કોઈ બંધારણ નહીં. કોઇ હોદ્દેદાર નહીં. પણ પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલે. પરિસંવાદ, કાર્યશિબિરો, ગોષ્ઠિઓ, પ્રવચનો, સંગીતની બેઠકો એમ કહોને કે ગુજરાતના સાહિત્યકારો શિક્ષણવિદો દ્વારકામાં માથું ટેકવી ગયા. તેઓ અહીં 15 વર્ષ રહ્યા એમાં ગુજરાતના ગુણવંતી ટહુકા સમા ગુણવંત શાહ પંદર વખત સુરતથી દ્વારકા આવ્યા. જામનગર જિલ્લાની શિક્ષણ સમિતિના સભ્ય આખા જિલ્લામાં પુસ્તકાલયો સમૃદ્ધ બનાવ્યા. ચારેબાજુ વિદ્યાર્થીનું વાતાવરણ સર્જ્યું. ત્યારથી 'પારેવડું'  ત્રિમાસિક શરૂ કર્યું. તે આજે "શમણું"ના નામથી ગુજરાત ભરમાં છવાયેલું છે. 

        છેલ્લો સ્પેલ જબરુ પ્રદાન કરનારો બન્યો. સુરેન્દ્રનગરના નાગજીભાઈ અને શાંતાતાઈના માનવ મંદિરમાં મૈત્રી વિદ્યાપીઠ બી.એડ કોલેજનો પાયો નાખ્યો મોતીભાઈએ. ગુજરાતમાં એક આદર્શ બેનમૂન બી.એડ કોલેજનું સ્વપ્ન સાકાર કર્યું. મોતીભાઈ અહીં પ્રથમ આચાર્ય તરીકે of કેમ્પસ અને શૈક્ષણિક પ્રવાસોઓની શૈક્ષણિક સાચી સંકલ્પના રોચી આપી. મોતીભાઈ જ્યારે સુરેન્દ્રનગર બી.એડ. કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા ત્યારે એમની અંદર બેઠેલો આચાર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. નાગજીભાઈએ લખ્યુ : "ચાંદીના રણકાર જેવો કાનને ગમે એવો અવાજ એ યુવાનનો. મૈત્રીની મહોબ્બતથી ભીંજાઈ જાય અને બીજાની ભીંજવી ન નાખે તો એ મોતીભાઈ શના!!

           મોતીભાઈ પટેલના લેખો સંદેશની એમની કોલમમાં સમકાલીન શિક્ષણ જગતની દશા અને દિશા સંદર્ભે વર્ષો સુધી લખાયેલા. ગુજરાતના શિક્ષણ અને સહિત જગતની અનેક પુસ્તકો તેઓએ ભેટ ધર્યા છે. 'આજીવન શિક્ષણના ભેખધારી રૂપે' શ્રી નટુભાઈ ઠક્કર એવોર્ડ જેવાં અનેક પ્રતિષ્ઠિત સન્માન નથી તેઓને સન્માનવામાં પણ આવ્યા છે. 

               આમ, વૃંદાવન નિવાસી છતાં જાણી પરિવ્રાજક હોય એમ આખું ભારત મોતીભાઈ ખૂંદી વળ્યા છે. તદ્ઉપરાંત થાઇલેન્ડ, હોંગકોંગ, સિંગાપુર પ્રવાસ તેમજ વિશ્વ શાંતિ પરિષદ નિમિત્તે સભી રૂપે જાપાનની યાત્રા ખેડી છે.

             છેલાં 20 વર્ષથી તેઓ નિવૃત્ત છે. નિવૃત્તિ પછી મોતીભાઈ અધિક શોભાયમાન બની રહ્યા. અઢળક વાંચે છે. ભરપૂર લખે છે. અને બે લગામ રખડે છે.  મોતીભાઈ ગુજરાતના ખૂણે ખાંચરે તેઓ પહોંચે છે. કાર્યક્રમોમાં જાય છે. ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ માં જઈને શિક્ષણના વિચારો વહેંચવાનું શરૂ કર્યું. આજે તેઓ વિડછીથી વિસનગર અને વિસાવદર થી વલ્લભવિદ્યાનગર સુધીના વિસ્તારોમાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવચન કરે છે. સૌને પોરસ ચડાવે છે. તથા મિત્રોની ફરિયાદ પણ છે કે મોતીભાઈ વધારે પડતા ગુણગ્રાહી છે. પણ એમનો જવાબ સાંભળવા જેવો છે. ' ખરાબ હોય તો પણ હું જોતો નથી, પણ સારું જોવાની ટેવ પાડશો તો સારું જ મળશે.' તેઓનો મત છે કે જિંદગીની તૃપ્તિ નિવૃત્તિ પછી થઈ છે. કેટલાયને લખતા કર્યા. કેટલાની વાચતાં કર્યા. કેટલાને બોલતા કર્યા. અને સંશોધનની કેડીએ વળ્યા મોતીભાઈએ. 

શિક્ષણ વિદ ભદ્રાયુ વચ્છરાજાની સાહેબે દાદા સાથે કરેલ વિસ્તૃત વાર્તાલાપ જોવા અહીં ક્લિક કરો.

            મૈત્રીનો મોલ કદી સુકાતો નથી. વૃંદાવન નિવાસે સંબંધોની સોગાતો મોતીભાઈની જીવન મૂડી છે. તેઓ હસે  કે બોલે તો પણ એટલા આત્મવિશ્વાસથી કે તમારો નબળો વિશ્વાસ બમણો થાય તમને બધી જ મર્યાદાઓ સાથે સ્વીકારે. મિત્રોની માતબર મૈત્રી નો માભો લઇ ને ફરનાર મોતીબાઈ વગર વાદળ વરસાદના માણસ છે.

ચાર વર્ષ પહેલા લખેલ લેખ અહી સમાપ્ત થાય છે. આવા હતા આપણા સહુના વહાલા મોતીદાદા ! 

( દાદાના પરમ સખા પદ્મ શ્રી ગુણવંત શાહ સાહેબે પાઠવેલ શ્રદ્ધાંજલિ સંદેશ )
પદ્મ શ્રી ગુણવંત શાહ મોતીદાદાને શ્રદ્ધાંજલિ પાઠવતાં કહે છે. મોતીભાઈ તો ગયા પણ મારા આયુષ્યમાંથી થોડાંક વર્ષો લેતા ગયા.

           પૂજ્ય દાદાને અત્યંત ભાવ પૂર્ણ ભાવાંજલિ  

સંદર્ભ : અરવલ્લીનું વનફૂલ  : રમેશ મો. પટેલ

મુઠ્ઠી ઊંચેરા  100 માનવ રત્નો : ભદ્રાયું વચ્છરાજાની

- ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧ ૪૨૬૨૦ 

 

No comments:

Post a Comment