કેવાં હતાં ઝવેર બા?
(સરદાર પટેલ તેમનાં માતા અને ભાઈઓ સાથે )
     અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જયંતિની એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. તેમના  વિશે તો અનેક પુસ્તકો લખાયાં છે. પરંતુ તેમનાં પત્ની ઝવેરબા વિશે ઝાઝી માહિતી પ્રાપ્ત થતી નથી.  વિરાટ વ્યક્તિત્વ ધરાવતા વલ્લભભાઈ વિશે લખાયેલ ગ્રંથોમાં તેમનાં પત્ની અંગે તદ્દન મૌન પાળવામાં આવે છે.  પરંતુ ગાંધીજીના પ્રપૌત્ર રાજમોહન ગાંધીએ લખેલ "સરદાર પટેલ એક સમર્પિત જીવન" નામના દળદાર  ગ્રંથમાં આંશિક માહિતી પ્રાપ્ત થાય છે.
    એ સમયે કરમસદ, નડિયાદ, વસો, સોજીત્રા, ધર્મજ અને ભાદરણ આ છ ગામનો પાટીદાર સમાજનો એક ગોળ ગણાતો.  આ છ ગામના પાટીદારો આ ગોળની બહાર આવેલાં ગામોના પાટીદારો જોડે લગ્ન સંબંધ બાંધવામાં હીનપત અનુભવતા. પરંતુ સરદાર સાહેબનાં લગ્ન કરમસદથી ત્રણ માઈલ દૂર,  તેમના ગોળ બહારના  'ગણા' નામના ગામમાં થયેલાં.  દુનિયાને ખબર નથી પણ ગણાના રહેવાસીઓ ઝવેરબના પિયરનું ઘર તાબડતોબ બતાવી શકે છે. અને તેમના લગ્ન વખતે આવેલી જાન જ્યાં ઉતરી હતી તે ઓરડા અને લગ્ન સ્થળ પણ બતાવે છે.
     વલ્લભભાઈનાં લગ્ન થયાં ત્યારે તેમની ઉંમર 17 વરસની હતી. તેઓના માતા પિતા અને કાકા કાકીએ  પસંદ કરેલાં તેમનાં પત્ની ઝવેરબા આશરે  બાર-તેર વરસનાં હતાં. ઝવેરબના પિતાનું નામ દેસાઈભાઈ પૂંજાભાઈ પટેલ હતું. પરંતુ તેમનાં માતાનું નામની માહિતી મળતી  નથી. ઝવેરબા ઉજળા વાને, રૂપાળાં અને સ્વભાવે નરમ હતાં.
     લગ્ન પછી થોડો સમય ઝવેરબા ગણા તેમના પિયરમાં રહ્યાં. અને વલ્લભભાઈ કરમસદથી થોડા દૂર આવેલા વડોદરા રાજ્યના પેટલાદમાં ભણવા ગયા.
      સરદાર પટેલે 1895 માં  ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના ધૂળિયા ગામે વકીલાત શરૂ કરી. વલ્લભભાઈ ગોધરામાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું અને તેમનાં પત્ની ઝવેરબાને પણ ત્યાં તેડાવી લીધાં. વલ્લભભાઈએ મિત્ર પાસેથી નાણાં ઉછીનાં લઈ  ગોધરા ઘર ભાડે રાખ્યું. હરજીમાંથી એક ટેબલ, થોડી ખુરશીઓ , થોડી શેતરંજી લીધાં અને પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. તેમનાં લગ્ન તો સાત- આઠ વરસ પહેલાં થયાં હતાં પણ સહજીવન હવે શરૂ થયું.
       વલ્લભભાઈ 25 વરસના અને ઝવેરબા 20 ની ઉંમરે દુનિયાદારીની શરૂઆત થઈ.  ઝવેરબા અભણ હતાં એવું કહેવાય છે.
સન 1900-1901 માં પ્લેગનું મહાસંકટ આવ્યું. વલ્લભભાઈ તેમના  એકલા રહેતા  મિત્ર રામજીભાઈ પ્લેગમાં સપડાયેલા.    મિત્ર રામજીભાઈની  વલ્લભભાઈએ તેમની સેવા કરી. પરંતુ કોઈ લાભ થયો નહી.  વલ્લભભાઈ પ્લેગમાં સપડાયા. ઝવેરબાની સલામતી માટે તેમને કરમસદ મોકલી દીધાં. ઝવેરબા તેમને છોડીને જવા તૈયાર ન હતાં. પણ પતિ આજ્ઞાને કારણે  પરાણે જવું  પડ્યું. કહેવાય છે કે એ પછી વલ્લભભાઈ નડિયાદ જઈ એક અવાવરું મંદિરમાં એકલા રહ્યા. અને થોડા સમયમાં સ્વસ્થ થયા.
     પ્લેગનો રોગચાળો શમ્યો પછી ઝવેરબા પાછા આવ્યા. પછી વલ્લભભાઈની ચડતી ઝડપભેર થઈ. ત્યારબાદ વલ્લભભાઈ બોરસદ સ્થાઈ થયા.
     એપ્રિલ 1904 માં પ્રથમ સંતાન રૂપે મણિબહેનનો જન્મ થયો અને નવેમ્બર 1905 માં પુત્ર ડાહ્યાભાઈનો જન્મ થયો. આ બંને સંતાનોના જન્મ ઝવેરબાના પિયર ગણામાં થયા.
       વિઠ્ઠલભાઈ બેરિસ્ટરના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેમનાં પત્ની દિવાળી બાને વલ્લભભાઈએ પોતાના ત્યાં રહેવા આમંત્રણ આપ્યું. વલ્લભભાઈ દિવાળીબાને પિયર મોકલી શકે તેમ ન હતા. કારણકે પિયર મોકલે તો વિઠ્ઠલભાઈએ કાઢી મૂક્યાં છે એવી વાત થાય.  મોટાભાઈની આબરૂ સાચવવા અને ભાભીનું માન જાળવવા વલ્લભભાઈ  વિઠ્ઠલભાઈનાં પત્ની દિવાળીબાને પોતાના ત્યાં જ રહેવા બોલવી લીધાં. પરંતુ દિવાળી બાનો સ્વભાવ થોડો આકારો હતો. ન બોલવાનું પણ બોલી નાખે. ઝવેરબાથી આ સહન થતું નહીં.. ઝવેરબા હેરાન થઈ ગયાં. ઘરમાં દિવાળીબા અને ઝવેરબાને ઝાઝું બનતું નહિ. વિઠ્ઠલ ભાઈની ગેરહાજરીમાં દિવાળીબાને પિયર મોકલી શકાય નહીં. એટલે વલ્લભભાઈએ આખરે ઝવેરબાને જ પિયર મોકલી દીધાં. બે વરસના મણિબહેન અને છ મહિનાના ડાહ્યાભાઈને લઈને ઝવેરબા પિયર ગણામાં જઈ બે વરસ રહ્યાં.
       ઓગષ્ટ 1908 માં વિઠ્ઠલ ભાઈ હિન્દુસ્તાન પાછા આવ્યા ત્યારે ઝવેરબા સાસરે આવ્યાં. ઓગણત્રીસ વરસનાં ઝવેરબા આંતરડાના રોગમાં સપડાયાં. વર્ષ 1908 ના આખરમાં વલ્લભભાઈ વહુંછોકરાં લઇને મુંબઈ ગયા. દાક્તરી સલાહ મુજબ આંતરડામાં કેન્સરની ગાંઠ હોવાથી ઓપરેશન કર્યા વગર ચાલે તેમ હતું નહીં. ઝવેરબા અતિશય નબળાં પડી ગયાં  હોવાથી થોડી શક્તિ આવે પછી ઓપરેશન કરવાનું નક્કી થયું.  ઓપેશનની તારીખ નક્કી ન હતી એટલે  ખૂનના એક આરોપીના બચાવ અંગેના એક અગત્યના કેસ માટે  વલ્લભભાઈ આણંદ આવવા નીકળ્યા.  ઓપરેશનની તારીખ નક્કી થાય તો તુરંત જાણ કરવા વલ્લભભાઈએ સૂચના આપી આણંદ આવ્યા. તેઓ આણંદ પહોંચ્યા અને ઝવેરબાની તબિયત એકાએક બગડી તાબડતોબ ઓપરેશન કરવું પડ્યું. ઓપરેશનથી થોડો ફાયદો થયાનો તાર વલ્લભભાઈને મળ્યો. રાહતનો શ્વાસ લઈ સાક્ષીની ઉલટ તપાસ શરૂ કરી. 11 મી જાન્યુઆરીનો એ દિવસ હતો. વલ્લભભાઈ ધારદાર સવાલોનો મારો અદાલતમાં ચાલું જ હતો ત્યાં બીજો તાર આવ્યો. તાર વાંચ્યો. અને ગડી વાળીને ખીસામાં મૂકી  અને સાક્ષી ભાંગી ન પડ્યો ત્યાં સુધી સવાલોનો મારો ચલાવતા રહ્યા.   અદાલતનું કામ પૂરું થયા પછી વલ્લભભાઈએ ઝવેરબાના અવસાનના અત્યંત આઘાત જનક સમાચાર આપ્યા. દૃઢ મનોબળથી વલ્લભભાઈએ પોતાના શોક પર કાબુ રાખ્યો અને પત્નીના સમાચાર જાણ્યા બાદ પણ કેસ લડ્યા  અને જીત્યા પણ ખરા.  પણ દૂર મુંબઈની કામા હોસ્પિટલમાં ઝવેરબાએ જ્યારે આખરી શ્વાસ લીધો ત્યારે તેઓ પાસે પતિ કે માતા પિતા કોઈ ન હતું.  સાડા ચાર વરસનાં મણિબહેન અને ત્રણ વરસના ડાહ્યા ભાઈ વિઠ્ઠલભાઈના બંગલે હતાં.
        ઝવેબાના મૃત્યુંનો શોક સરદારના હૃદયમાં હંમેશા માટે ધરાબાયેલો જ રહ્યો. એને ક્યારેય વર્તનમાં કે વાણીમાં વ્યક્ત જ ન થવા દીધો..
      મણિબહેનને 1987 માં તેમનાં માતા ઝવેરબા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો  "મારાં બા વિશે, કશું જ જાણતી નથી.  મારી બા મૃત્યું પામ્યા બાદ મને નળ નીચે ઊભી રાખી માથાબોળ સ્નાન કરાવવામાં આવ્યું હતું. બસ એટલું જ યાદ છે" 
  કમનસીબે ઝવેરબાની છબી પણ ક્યાંયથી ઉપલબ્ધ થઈ શકતી નથી. 
        ઝવેરબા મૃત્યું પામ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 29 વર્ષની હતી અને સરદાર ની ઉંમર માત્ર 32 વર્ષની જ હતી. એમ છતાં સરદારે બીજા લગ્નનો વિચાર શુદ્ધા ન કર્યો..
(સંદર્ભ : સરદાર પટેલ એક સમર્પિત જીવન, લે. રાજમોહન ગાંધી.)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

No comments:
Post a Comment