Sunday, November 5, 2023

સંડે સ્પેશિયલ

 

ભૂખ્યા રહેજો, ગમાર રહેજો...

મારાં પાલક માતાપિતાનો સંપર્ક કરાયો; અને તે પણ પત્ર – મધરાતે. પૂછ્યું : અમારી પાસે એક તાજો જન્મેલો પુત્ર દત્તક આપવા માટે અણધાર્યો મળ્યો છે, તમારે જોઈએ છે?”


સ્ટીવ જોબ્સના નામથી કોણ અપરિચિત હશે ? આ ધૂની માણસે ‘એપલ’ની સ્થાપના કરી એક નવી જ ક્રાંતિના મંડાણ કર્યા. આજે દુનિયાને  આ વ્યક્તિની સફળતા જ દેખાય છે પરંતુ  તેના જીવનના સંઘર્ષના  દિવસો વેઠ્યા છે એમાં ડોકિયું કરવા જેવું છે. સામાન્ય નિષ્ફળતા મળતા હારી થાકી ડીપ્રેશનની ખાઈમાં ધકેલાઈ જતા યુવાનો માટે સ્ટીવ જોબ્સે  વર્ષ ૨૦૦૫ માં સ્ટાનફર્ડ યુનિવર્સિટીમાં આપેલું દિક્ષાન્ત પ્રવચન સંજીવની બુટ્ટી સમાન છે.

        સ્ટીવ જોબ્સનું યાદગાર પ્રવચન અહીં પ્રસ્તુત છે.  

"સમગ્ર વિશ્વમાં ટોચનાં વિશ્વવિદ્યાલયોમાંના એકમાંથી આજે તમે જ્યારે પદવી મેળવવાના છો ત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું તેને હું મારું સન્માન ગણું છું. હું તો મારી જિંદગીમાં કોઇ શૈક્ષણિક પદવી મેળવી નથી શક્યો. ખરું કહું તો કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પદવીની જો હું નજીકમાં નજીક પહોંચી શક્યો હોઉં તો તે છે આજનો પ્રસંગ. આજે હું તમને મારા જીવનને લગતી ત્રણ વાતો કહેવા ઇચ્છું છું. બસ તેટલું જ, વધુ નહીં – માત્ર ત્રણ વાતો.

પહેલી વાત છે ટપકાં જોડવાની.

રીડ કૉલેજમાં મેં છએક મહિના અભ્યાસ કરી ભણતર છોડી દીધું. જોકે ત્યાર બાદ પણ     

લગભગ દોઢેક વર્ષ હું કૉલેજમાં આટા-ફેરા કરતો રહ્યો અને પછી કૉલેજને સાવ તિલાંજલિ આપી દીધી. મેં અભ્યાસ અધૂરો કેમ છોડ્યો?

આની શરૂઆત તો મારા જન્મ પહેલાં જ થઈ હતી. મારી જન્મદાત્રી મા કૉલેજની એક અપરિણીત વિદ્યાર્થિની હતી. તેણે મને દત્તક આપવાનો નિર્ણય કર્યો ત્યારે તેનો ખાસ આગ્રહ હતો કે મને દત્તક લેનારા પોતે સ્નાતક હોવા જ જોઈએ. મારુ જન્મ વખતે જ એક વકીલ અને તેની પત્ની મને દત્તક લે તેવું નક્કી કરાયું. હવે થયું એવું કે મારા જન્મ સાથે મને દત્તક લેવાનાં હતાં તે દંપતીએ નિર્ણય બદલ્યો અને કહ્યું કે તેમને તો દીકરી જોઈએ છે. એટલે જેમણે બાળક દત્તક લેવાની યાદીમાં નામ નોંધાવી રાખ્યાં હતાં તેવા દંપતી મારાં પાલક માતાપિતાનો સંપર્ક કરાયો; અને તે પણ પત્ર – મધરાતે. પૂછ્યું : અમારી પાસે એક તાજો જન્મેલો પુત્ર દત્તક આપવા માટે અણધાર્યો મળ્યો છે, તમારે જોઈએ છે?” તેમણે તો રાજીના રેડ થઈ હા પાડી. મારી જન્મદાત્રી માતાને પછી ખબર પડી કે મારી પાલક માતાએ કૉલેજનું શિક્ષણ પૂરું નહોતું કર્યું અને મારા પાલક પિતાએ તો શાળાનું શિક્ષણ પણ અધૂરું મૂક્યું હતું. એટલે મારી જન્મા માતાએ તો દત્તક પ્રક્રિયાના દસ્તાવેજો પર સહી કરવાની સાફ ના પાડી. જ્યારે થોડા મહિનાઓ પછી મને દત્તક લેવા ઇચ્છતાં દંપતીએ તેને ખાતરી આપી કે તેઓ મને  વધુ અભ્યાસાર્થે કૉલેજમાં જરૂર મોકલશે ત્યારે મારી જન્મદાત્રી માએ દસ્તાવેજો સહી  કર્યાં.
અને ૧૭ વર્ષ પછી મેં કૉલેજમાં પ્રવેશ પણ મેળવ્યો. મારી અણસમજને કારણે મેં તમારી સ્ટાનફર્ડ કૉલેજ જેટલી જ મોંઘી કૉલેજ પસંદ કરી; અને જિંદગીભર પરસેવો પાડીને મારાં મા-બાપે જે થોડીઘણી બચત કરી હતી તે બધી મારી કૉલેજના અભ્યાસમાં ખર્ચાઈ ગઈ. શરૂઆતના છ મહિનામાં જ મને આ અભ્યાસ નિરર્થક જણાવા લાગ્યો. મને ન તો મારે મારી જિંદગીમાં શું કરવું છે તેનો ખ્યાલ હતો કે ન તો કૉલેજન અભ્યાસ મને આ નક્કી કરવામાં મદદરૂપ થાય તેમ હતો. અને હું મારાં મા-બાપે મહામહેનતે રળેલી મૂડી મારા અભ્યાસ પાછળ ખર્ચી રહ્યો હતો. એટલે મેં કૉલેજન અભ્યાસ અધૂરો મૂકી દેવાનો નિર્ણય લીધો એ આશા સાથે કે સૌ સારાં વાનાં થઈ રહેશે. તે વખતનો સમય ઘણો બિહામણો લાગતો હતો પણ આજે જ્યારે ભૂતકાળમ નજર નાખું છું ત્યારે લાગે છે કે મારી જિંદગીમાં લેવાયેલો એ સારામાં સારો નિર્ણય હતો. જેવું મેં અભ્યાસ છોડી દેવાનું નક્કી કર્યું કે મને અણગમતા વિષયોના વર્ગમાં હાજરી આપવામાંથી મુક્તિ મળી અને મને જે વિષયોમાં રસ પડતો તે વર્ગોમાં હું જઈ શકતો.
આ અનુભવ જરાય રોમાંચક નહોતો. મારી પાસે તો વિદ્યાર્થીગૃહમાં એક કમરો પણ નહોતો; મારા મિત્રોની રૂમમાં જમીન ૫૨ સૂઈ રહેતો. કોકા-કોલાની ખાલી બાટલીઓ આશાથી. અને દર રવિવારે સાતેક માઈલ જેટલું ચાલીને હરે રામ મંદિરમાં જતો .
પેટ ભરીને ભોજન મળે તે ઇરાદાથી. આ બધામાંથી મને આનંદ મળતો. મારી જિજ્ઞાસાવૃત્તિને કારણે હું જ્યાં જ્યાં ભટક્યો તે અનુભવો મારી ભવિષ્યની જિંદગીમાં મારા માટે વરદાનરૂપ નીવડ્યા. એક દાખલો આપું :

રીડ કૉલેજમાં ત્યારે બીજે ક્યાંય ન ઉપલબ્ધ હોય તેવો અપ્રતિમ અભ્યાસક્રમ હતો. સુલેખન (Calligraphy)નો. આખી કૉલેજમાં દરેક પોસ્ટર કૈ નામની તકતી સુંદર મરોડદાર અક્ષરોથી લખાયેલી હતી. મેં તો ભણવાનું છોડી દીધું હતું એટલે મારે નિયમિત વર્ગો ભરવાની કોઈ જ્વાબદારી નહોતી રહી. મેં સુલેખનના વર્ગો ભરવાનું ઠેરવ્યું. અક્ષરો, તેમની જુદીજુદી ભાતો, આંખને રીઝવે તેવા મરોડ, બે અક્ષરો વચ્ચે છોડવી પડતી સંતુલિત ખાલી જગ્યા, જુદા-જુદા અક્ષરો વચ્ચે કેટલું અંતર રાખીએ તો સુંદર ગોઠવલ લાગે વગેરેમાં મને આનંદ મળવા માંડ્યો. આમાં સૌંદર્ય, કલાત્મકતા, નજાકત હતાં. જે વિજ્ઞાન સમજાવી શકે તેમ નથી.

જોકે આમાંનું કશુંય મારી રોજબરોજની જિંદગીમાં કોઈ જાતના ખપમાં આવશે તેવી તો કોઈ આશા પણ કરવાનો અર્થ નહોતો. પણ દસ વર્ષ બાદ જ્યારે અમે મેકિન્ટોશ કમ્પ્યૂટરની રચનામાં લાગ્યા હતા ત્યારે આ બધું ઉપયોગી નીવડ્યું. મેક કમ્પ્યૂટર (Mac)ની ડિઝાઇનમાં મેં આ જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. સુંદર અક્ષરોની સગવડવાળું તે પહેલું કમ્પ્યૂટર હતું. જો દસ વર્ષ પહેલાં મેં સુલેખનનો અભ્યાસ ન કર્યો હોત તો મેક કમ્પ્યૂટરમાં ક્યારે પણ જાતજાતના સુંદર અક્ષરોની સગવડ ન કરાઈ હોત; અને બીજા કોઈ કમ્પ્યૂટરમાં પણ આ ઉપલબ્ધ ન થયું હોત, કારણ કે વિન્ડોઝ (Windows) તો મેકની નકલ જ છે. જો મેં અભ્યાસ અડધેથી પડતો ન મૂક્યો હોત તો મેં ક્યારેય સુલેખનના વર્ગો ન ભર્યા હોત અને આજનાં કમ્પ્યૂટરોમાં જે સુંદર અક્ષરોની વ્યવસ્થા અને સગવડ મળે છે તે મળી ન હોત એમ હું માનું છું; અલબત્ત, ભવિષ્ય સામે તાકીને ટપકાં જોડી આ અનુભવમાંથી કોઈ ભાત ઊભી કરવાનું ત્યારે શક્ય નહોતું, પણ દસ વર્ષ પછી ભૂતકાળમાં ડોકિયું કરતાં આ બધું દીવા જેવું સ્પષ્ટ લાગેલું.

ભવિષ્ય સામે જોઈ ટપકાં જોડવાનું શક્ય નથી; માત્ર ભૂતકાળનો અનુભવ જ જુદાં જુદાં ટપકાંઓમાંથી એક સ્પષ્ટ ભાત ઉપજાવી શકે. એટલે અત્યારે જુદાં જુદાં ટપકાંઓ જેવી લાગતી વિગતો ભવિષ્યમાં જરૂર કોઈ સુરેખ ભાત પેદા કરશે તેવી શ્રદ્ધાથી આગળ વધો. શ્રદ્ધા તો જોઈશે જ - તમારી બાહોશીમાં, કર્તૃત્વમાં, કર્મોમાં, જિંદગીમાં. આ અભિગમે મને ક્યારેય નિષ્ફળતા નથી આપી અને મારા જીવનમાં જે કરી શક્યો છું તે આને પરિણામે જ.

મારી બીજી વાત છે પ્રેમ અને નુકસાનને લગતી. હું નસીબદાર છું – જિંદગીનાં શરૂઆતનાં વર્ષોથી જ મને શું કરવામાં રસ છે તેની મને જાણ હતી. વોઝ (સ્ટીવ વોઝનૈક) અને મેં સહિયારા પ્રયત્નોથી મારા ઘરનાં ભંડકિયામાં ઍપલ કમ્પ્યૂટર બનાવ્યું. ત્યારે મારી ઉંમર હતી ૨૦ વર્ષની. અમે પૂરી તાકાત લગાવી જહેમત કરી અને દસ વર્ષના ટૂંકા ગાળામાં જ બે વ્યક્તિઓએ ભંડકિયાથી શરૂ કરેલો આ પ્રયત્ન પલટાયો બે અબજ ડૉલર અને ૪,૦૦૦ કર્મચારીઓવાળી કંપનીમાં, અમે અમારું સર્વોત્તમ સર્જન – મેકિનટોશ કમ્પ્યૂટર (Macintosh) બનાવ્યું હતું અને ત્યારે - મારી વય હતી ૩૦ વર્ષ. આવે વખતે મને કંપનીમાંથી પાણીચું પરખાવાયું. તમને થશે એ મેં જ સ્થાપેલી કંપનીમાંથી મને જ પાણીચું – એ કેમ બને? વાત એમ હતી કે જેમ જેમ ઍપલ કંપનીની પ્રગતિ થવા માંડી તેમ મને લાગ્યું કે ધંધો ચલાવવા એક કુશળ વ્યક્તિને પણ હું મારી સાથે સામેલ કરું. પહેલું વર્ષ તો બધું સમુસુતરું ચાલ્યું પણ પછી કંપનીના ભવિષ્ય માટેની અમારી કલ્પનાઓમાં અંતર પડવા માંડ્યું અને તેમાંથી સર્જાયા તીવ્ર મતભેદો. જ્યારે વાત વણસી ત્યારે કંપનીના બીજા ડાયરેક્ટરોએ પેલી વ્યક્તિને સાથ આપવાનું પસંદ કર્યું અને એટલે ૩૦ વર્ષની ઉંમરે હું મારી જ સ્થાપેલી કંપનીમાંથી બહાર ફેંકાઈ ગયો. તે પણ કેવી રીતે? દુનિયાઆખીએ આ તમાશો માણ્યો તેવી જાહેર રીતે. મારા અસ્તિત્વનું કેન્દ્રબિંદુ જ જાણે ભૂંસાઈ ગયું. હું તદ્દન હચમચી ઊઠ્યો." 

(ક્રમશઃ) અનુવાદ : યોગેશ કામદાર - દીપક દોશી.

-ઈશ્વર પ્રજાપતિ    

 

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts