“વનફૂલ” વૃંદાવન છોડી વૈકુંઠની અનંત યાત્રાએ..!
દાદા આપે વરસાવેલા અનિમેષ વહાલના વળતર હું કયા ભવે ચુકવી શકીશ?? કદાચ ક્યારેય નહીં!!
અરવલ્લીનું
“વનફૂલ”, શિક્ષણઋષિ પરમ આદરણીય પૂજ્ય ડૉ. મોતીભાઈ મ. પટેલ ઉર્ફે મોતીદાદાએ ૧૩ નવેમ્બર
સોમવારની મધ્યરાત્રીએ પૃથ્વીલોક પર અંતિમ શ્વાસ
લઈ ‘વૃંદાવન’ છોડી વૈકુંઠની અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. શિક્ષણજગતનો ધ્રુવ તારો જ જાણે
ખરી પડ્યો ! અરવલ્લીના અરણ્યમાં પાંગરેલા એક વિરલ ‘વનફૂલ’ના વિલયની સાથે જ જાણે એક
યુગનો અંત થયો. દાદાએ લીધેલી અણધારી વિદાયથી ગુજરાતના શિક્ષણજગતથી માંડી સાહિત્યજગતના
અનેક લોકો અસહ્ય આઘાતનો આંચકો અનુભવ્યો !
હજી
તો દાદાએ હમણાં સીત્યાશી પૂરાં કર્યા હતાં. સીત્યાશીએ સ્ફૂર્તિતો સત્તરના યુવાનને સરમાવે
તેવી ! શતાયું અને સવાયું જીવન જીવવાનું તો
દાદાએ વચન આપી તેર વર્ષ પહેલાં ચાલી નીકળ્યા
! દાદા વચન આપ્યા પછી એ તોડ્યાનું મારી જાણમાં તો નથી તો છેલ્લું વચન તોડતાં દાદાનો
જીવ કેમ ચાલ્યો હશે !
મારા
જીવતરમાં તો દાદા જાણે સાક્ષાત શામળિયાનો અવતાર ધરીને આવ્યા. દાદા સાથે મારો પાંચ વર્ષથી ઝાઝો પરિચય નહિ. અને એમ છતાં હું દાદા
સાથે એવો તે ગૂંથાયો જાણે અમે ભવોભવના સંગાથી !
જે કોઈપણ દાદાના પરિચયમાં આવ્યા છે તેઓ સુપેરે જાણે છે કે દાદા સગપણ નિભાવી જાણે. સામેના જણની તકલીફ તેમનાથી જરા પણ જોઈ ન જાય. કોઈ હારેલા થાકેલા શુષ્ક જીવતરની વ્યથા કથા સાંભળી જાય તો દાદા તેના પર અનરાધાર વરસી પડે. અજાણી વ્યક્તિનું જીવતર પણ ઉપવન બનાવવા જાત નીચોવી દે.
દાદાના
આર્ટીકલ સંદેશ અખબારમાં નિયમિત છપાતા એનો હું વાચક. પણ દાદાને ક્યારેય મળેલો નહિ ! આશરે પાંચેક
વર્ષ પહેલાં મોડાસા પી.ટી.સી. કોલેજમાં દાદાનું
વ્યાખ્યાન ગોઠવાયું હતું. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સંતોષ દેવકર સાહેબે આમંત્રણ પાઠવ્યું.
અને હું દાદાનું વ્યાખ્યાન સંભાળવા પહોંચી
ગયો. પહેલી જ વાર આ શિક્ષણઋષિને સાંભળી રહ્યો હતો. દાદાની વાણી સાંભળી મંત્રમુગ્ધ બની ગયો.
કાર્યક્રમ બાદ ભીડની વચ્ચે દાદાને મળ્યો. અને દાદાએ જે વહાલથી મારા ગાલને સ્પર્શ કરી
પંપાળી રહ્યા. દાદાની પાણીદાર આંખોમાંથી જાણે અમી વર્ષા થઇ રહી. હું દાદાના વહાલથી
તર-બ-તર થઇ ગયો. દાદાએ ખુબ ભાવ પૂર્વક કહ્યું “દીકરા ક્યારેક મળવા આવ !” દાદા સાથેની આ મારી પહેલી મુલાકાત ! એ દિવસ અને એ
ઘડીથી હું દાદાનો પરમ ભક્ત બની ગયો. દાદાએ મળવાનું આમંત્રણ તો આપ્યું જ હતું એમ
છતાં દાદાને મળવાનો યોગ સધાતો નહતો. પરતું જયારે વર્ષ ૨૦૧૯માં બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારે દાદા વિષે એક
આર્ટીકલ લખવાનું નક્કી કર્યું. દાદાનો ટેલીફોન સંપર્ક કર્યો કે દાદા આપના વિષે
મારે લખવું છે.
૧૫ મી સપ્ટે. ૨૦૧૯ ને રવિવારનાં રોજ દાદા અમદાવાદથી તેઓના વતન ઇસરીના વૃંદાવન ફાર્મ પર
આવવાના હતા. તો તેઓનો સંદેશો મળ્યો કે ' ઈશ્વર ઇસરી આવું છું. અનુકૂળતા હોય તો આવ. મળીએ ' દાદાને મળવાની ઝંખના ખૂબ હતી.
રવિવારે ઇસરી આવવા જવાની મારી તમામ વ્યવસ્થા દાદાએ ફોનથી ગોઠવી દીધી. દાદા સાથે
પુરા બે કલાક નિરાંતે ગાળ્યા. હીંચકે ઝૂલતાં ઝૂલતાં દાદાએ દાયકાઓનું અનુભવનું
ભાથું અમારી આગળ ખુલ્લું મૂક્યું. શિક્ષણ અને સાહિત્ય ગોષ્ઠિ જામી. દાદાએ આગ્રહ
કરી નીતાબેને બનાવેલો લીલી મકાઈના ડોડાનો છૂંદો ખવડાવ્યો. કહો ને કે મોજ પડી ગઈ. મનોરમ્ય વૃંદાવન
ફાર્મ પર ગાળેલા એ બે કલાક જિંદગીની ધબકતી ક્ષણો હતી. હજી એની લીલીછમ યાદ હૃદયમાં
સચવાયેલી છે અને આજીવન સચવાયેલી જ રહેશે. તારીખ ૨૦ મી સપ્ટેમબર ૨૦૧૯ નો એ
દિવસ જીવનનો એક એવો
યાદગાર દિવસ છે જેને હું કદાચ આજીવન નહીં ભૂલી શકું.
એ દિવસે હું ઘરે પહોંચ્યો તો દાદાનો મેસેજ મળ્યો " ઈશ્વર મારી એક
વિનંતી સ્વીકારે તો એક વાત કહું" મેં જવાબ આપ્યો : "દાદા આપે
વિનંતી નહીં આદેશ કરવાનો હોય! બોલો શુ કરવાનું છે મારે આદેશ કરો." દાદાનો વળતો મેસેજ આવ્યો "મારા તરફથી સરસ કૉમ્પ્યુટર લઈ લે. મને કિંમત
જણાવ. તરત મોકલી આપીશ."
હું દાદાને વંદન કહી
નિરુત્તર રહ્યો. બીજા દિવસે ફરી દાદાએ મેસેજ કર્યો "કોમ્પ્યુટર લીધું ??"
હું ફરી નિરુત્તર રહ્યો. હું શું જવાબ આપું?? દાદા પાસેથી કોમ્પ્યુટરના પૈસા કેમ
લેવાય ?? તો એ જ દિવસે સાંજે
હું ઘરે પહોંચું એ પહેલાં વિનોબા ભાવે આશ્રમ શાળાના આચાર્ય કનુભાઈ પંચાલ મારા ઘરે આવી બેઠા હતા.
તેઓ એ મને કહ્યું " દાદાએ આપને કોઈ મેસેજ કર્યો હતો?"
મેં કહ્યું "હા, દાદા કોમ્પ્યુટર લેવાનું કહે છે. પરંતુ મારાથી કેમ લેવાય?"
કનુભાઈ સાહેબે
કહ્યું. "દાદાએ આપના કોમ્પ્યુટરની જવાબદારી મને સોંપી છે. અને આપના માટે Dell નું એકદમ લેટેસ્ટ વરઝનનું
લેપટોપનો ઓર્ડર આપી ને આવ્યો છું. જે આપને બે દિવસમાં મળી જશે"
હું અવાક બની સાંભળી જ રહ્યો. તરત જ દાદાને મેં ફોન જોડ્યો અને
કહ્યું " દાદા સાવ આવું કરવાનું?" દાદા એ કહ્યું "ઈશ્વર, તું જે કામ લઈને નીકળ્યો છે એની સામે આ કંઈ નથી. આ લેપટોપથી તારા
લેખન કાર્યને વેગ મળશે. તું ઝડપથી આગળ વધી શકીશ. અને કોમ્પ્યુટર ની જગ્યાએ લેપટોપ
એટલે આપ્યું કે તું પ્રવાસ દરમિયાન પણ સાથે રાખી શકે. અને લખી શકે."
દાદાની વાત સાંભળતા સાંભળતા જ મારી આંખના ખુણા ભીના થયા. આટલું
ઓછું હોય એમ દાદા વાત આગળ લંબાવતા બોલ્યા "સંભાળ ઈશ્વર, મારુ જો ચાલે તો તને ભાડાના મકાનમાં રહેવા ન દઉં !. તને મકાન બનાવી
આપું" દાદાના શબ્દો
લાગણીથી તરબતર હતા. દાદાની મારા પરની અપાર લાગણી અને અસીમ પ્રેમ જોઈ મારી આંખોમાં પૂર
ઉમટયું. અને આજે
કોમ્પ્યુટર દુકાનમાંથી ફોન આવ્યો. "ઈશ્વરભાઈ તમારું લેપટોપ આવી ગયું છે.
શાળાએથી ઘરે જતાં લેતા જજો."
પહેલી મુલાકાતમાં જ ઝાઝા પરિચય વિના કોઈ વ્યક્તિ આટલું ધોધમાર વરસી શકે એવું ક્યારેય
સાંભળ્યું છે ? એ તો મોતીદાદા જ વરસી જાણે
! એ પછી તો અમારી વચ્ચેનો સ્નેહનો એવો તે ગાઢ સેતુ રચાયો કે જાણે સઘળાં અંતર જ ખરી પડ્યા. ઘરના મોભીની જેમ જ દાદા મારા પરિવારની ખુબ કાળજી લેતા.
વર્ષ ૨૦૧૯માં મોડાસા રહેવા ગયો હતો પણ કોરોના આવતા વતન પાછો આવતો રહ્યો
હતો. દીકરી રાહી ૨૦૨૨માં નવમા ધોરણમાં અવતાં ફરી મોડાસા જવું પડ્યું. ભાડે મકાન લઈ
લીધું. લેપટોપ આપતી વખતે દાદાએ કહેલા શબ્દો “સંભાળ ઈશ્વર, મારુ જો ચાલે તો તને ભાડાના મકાનમાં રહેવા ન દઉં. તને મકાન બનાવી
આપું" હું તો આ વાત વિસરી ચુક્યો
હતો પણ દાદાએ ગાંઠે બાંધી રાખી હતી. દાદા અવાર
નવાર પૂછે કેટલું ભાડું છે ? કેટલા રૂમ છે ? અને પૂછે “મોડાસામાં ફ્લેટ લેવો હોય તો કેટલામાં પડે ?”
દાદાને મારે કહેવું પડતું દાદા અહી ફ્લેટની કિંમત પુછવાનીય મારી હિંમત
નથી.” દાદાએ ફ્લેટ શોધવાનું આ કામ કનુભાઈ પંચાલને
સોપ્યું. કહ્યું કે મોડાસાના સારા વિસ્તારમાં એક આલીશાન ફ્લેટ જોઈએ છે. શોધીને કહે ! કનુંભાઈ પંચાલને
પણ પ્રશ્ન થયો કે દાદા અમદાવાદ રહે છે અને મોડાસામાં ફ્લેટ જોવાનું કેમ કહે છે ?
દાદાએ કહ્યું “ફ્લેટ મારા માટે જ જોઈએ છે. શોધીને કહે. અને ફ્લેટ જોવા જાય તો ઈશ્વરને
બોલાવી લે જે !”
ગયા વર્ષે નવરાત્રીનું ચોથું નોરતું ચાલતું હતું. હું શાળાએથી મોડાસા
જવા નીકળ્યો હતો. ત્યારે કનુભાઈનો ફોન આવ્યો કે “ઈશ્વરભાઈ પાવન સીટીમાં આવો.” (પાવન સીટી મોડાસા ફ્કલેટની જાણીતી સાઈટ છે.) કનુંભાઈનો ફોન આવ્યો એટલે હું ચમક્યો. મને લાગ્યું જ કે દાદાએ જ કોઈ કળા કરી હોવી જોઈએ.
હું સાંજે છએક વાગ્યે પાવન સીટીએ પહોંચ્યો. કનુંભાઈએ મારા આશ્ચર્ય વચ્ચે
કહ્યું “આપણે ફ્લેટ જોવાનો છે.” મેં કહ્યું “કોના માટે ?” કનુભાઈ બોલ્યા “તમારા માટે.”
મેં કહ્યું “કનુભાઈ, હું ફ્લેટ ખરીદી શકું એવી સ્થિતિમાં જ નથી.”
કનુભાઈએ કહ્યું “દાદાનો આદેશ છે અને ફ્લેટ આજે જ લેવાનો છે.” દાદાને
તરત ફોન જોડ્યો દાદા કહે “કનું કહે છે એમ કર. બાકીનું જોયું જશે.” અવઢવ વચ્ચે મેં મારી
પત્ની કીર્તિને ફોન કર્યો. અને પાવન સીટી બોલાવી. એ પણ આશ્ચર્યમાં ગરકાવ હતી. કે અત્યારે
સાંજના સમયે શું કામ અહી બોલાવી હશે. કીર્તિ એ પ્રશ્નાર્થ ભરી નજરે મને જોઈ રહી.
મેં કહ્યું “ફ્લેટ જોવાનો છે?” કીર્તિએ પૂછ્યું “કોના માટે ?” મેં કહ્યું “આપણા માટે”
એના પણ આશ્ચર્યનો પાર રહ્યો નહિ.
દાદાના આદેશ અનુસાર ફ્લેટ જોયો અને પંદર જ મિનીટમાં ફ્લેટ પસંદ કરી લીધો. બિલ્ડર વિનુભાઈ પટેલ પાસે જઈ વાત કરી કે આ ફ્લેટ બૂક કરી દો. બિલ્ડરે સ્વાભવિક રીતે ફ્લેટ બુકિંગ માટે બાનું માગ્યું. હું અને કીર્તિ એકબીજા સામે જોઈ રહ્યા. અમે કહ્યું બાનું નથી લાવ્યા. ત્યારે વિનુભાઈએ કહ્યું "હું બાનામાં લાખ-બે લાખ નથી માંગતો. શુકનના એક હજાર જ આપો તો પણ ચાલશે." એ દિવસ શામળિયાએ બરાબર કસોટી કરી મારા ખીસામાં એક હજાર પણ નહિ.! ફ્લેટનું બાનું શામળિયાએ ચુકવ્યું. દાદાએ આશીર્વાદ રૂપે હુંડી મોકલી આપી. બાકીના પેમેન્ટની સગવડ કઈ રીતે થઇ એ શામળિયો, દાદા, કનુભાઈ પંચાલ, હું અને મારા બે-ત્રણ મિત્રો જ જાણે છે. દશેરાના દિવસે ઘડો મુકવાનું શુભ મૂહર્ત હતું. ઘડો મુકવા દાદા અમદાવાદથી પધાર્યા. મોડાસામાં મકાન લેવા માટે જો દાદાએ હામ ન આપી હોત તો આજે પણ હું ભાડુતી મકાનમાં જ રહેતો હોત.
તાજેતરમાં સુરેન્દ્રનગર વાંચનાલયના ઉદઘાટન માટે દાદાને મુખ્ય મહેમાન તરીકે જવાનું થયું. ત્યારે દાદાએ મારી જૂની અલ્ટો કાર લઈને જ સુરેન્દ્રનગર જવાની જીદ પકડી. મેં દાદાને ઘણું સમજાવ્યા પણ એ ન માન્યા તે ન જ માન્યા. રસ્તામાં ગાડી એ હેરાન પણ કર્યા. એ જ વખતે દાદાએ કહ્યું તારો રથ બદલવાનો છે હવે. મેં કહ્યું “દાદા હમણાં નહિ પહોંચી વળાય મારાથી.” દાદા કહે "તારો દાદો બેઠો છે. તને ગમતી સારામાં સારી કાર લઈ આવ. જન્માષ્ટમીએ નવી કાર આવી જ જવી જોઈએ. દિવાળી પછી હપ્તાનું પણ શામળિયો કાંઇક ગોઠવી આપશે." આ જન્માષ્ટમી પર FRONX કાર દાદાએ લેવડાવી. કારનું ભવિષ્ય શામળિયો જાણે અને વૈકુંઠમાં બેઠા દાદા જાણે ! (શામળિયાએ કારની સઘળી જવાબદારી ઉપાડી લીધી છે.)
દાદાનું આવું હૂંફાળું સાનિધ્ય સાંપડ્યું હોય એવો હું એકલો સદભાગી છું એવું નથી. દાદાની કર્મભૂમી દ્વારિકા અને સુરેન્દ્રનગરની યાત્રા કરી અને દાદાના એનેક શિષ્યોને મળ્યો તો તેમના મોટાભાગના શિષ્યોએ કબુલ્યું કે "દાદાના સધિયારા વગર અમે કાંઈ કરી શક્યા ન હોત. આજે અમે જે પણ કાઈ છીએ એ દાદાના પ્રતાપે !" દાદાએ તેમના શિષ્યોને છાતી ફાડીને પ્રેમ કર્યો છે. તન, મન, ધનથી દાદા શિષ્યોની વહારે ચડ્યા છે. દાદા અનેકોના જીવતરની દશા અને દિશા બદલવામાં નિમિત્ત બન્યા છે. એક નખશિખ શિક્ષક તો ખરા જ સાથે સાથે આજીવન વિદ્યાર્થી રહ્યા. છેલ્લા શ્વાસ સુધી નવું નવું શીખવાની વૃત્તિમાં જરા પણ ઓટ આવી નહીં. સીત્યાશીની વયે પણ ટેકનોલોજીથી અપડેટ રહેતા. સાચા અર્થમાં ગાંધીજન ! વિનોબાજી સાથે ભુદાન સમયે પદયાત્રા કરેલી. જીવ્યા ત્યાં સુધી ખાદી સિવાય બીજું વસ્ત્ર અંગે સ્પર્શવા દીધું નહિ.
દાદા મારા શિક્ષત્વને
સર્જનવૃત્તિને સતત બિરદાવી ઉચ્ચત્તમ શિખરે પહોંચાડવા સતત ટપોરતા રહેતા. મારો આર્ટીકલ
ક્યાંય છપાય, મારું પુસ્તક પ્રગટ થાય તો મારા
કરતાંય અધિક આનંદ દાદાને થાય. મે ૨૦૨૩ માં મારાં બે પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમની
આમંત્રણ પત્રિકામાં નિમંત્રક તરીકે દાદાએ એમનું નામ લખાવી મને ધન્ય કર્યો હતો.
છેલા બે મહિનાથી દાદાને કોઈ અગમ અણસાર આવી ગયો હોય એમ બેફીકરાઇ અને મસ્તીથી અલગારી આનંદ માણતા. તેઓએ જ્યાં દાયકાઓ સુધી શિક્ષણની ધૂણી ધખાવી કર્મભૂમિ બનાવી હતી એવી દ્વારિકા અને સુરેન્દ્રનગરની યાત્રા પણ કરી આવ્યા. જે જે સ્થળો તેમના પ્રિય હતાં એ સ્થળો એ જઈ ધ્યાન મગ્ન થઇ ભૂતકાળની દાદો તાજી કરી લીધી. રંજનબેન સાથે ગાળેલી પ્રેમની પળો પણ વાગોળી લીધી. તેમના પ્રિય શિષ્ય અને શિષ્યાને મળી આવ્યા. નવો રથ (અર્ટીકા કાર ) પણ લઇ લીધો. વહાલાં સાથે વાળું નામે સુંદર સ્નેહ મિલન કરી સૌ પ્રિયજનોને નોતરી હેતે ભોજન જમાડ્યાં. છેલ્લે છેલ્લે કંટાળું હનુમાનજી મંદિરના પ્રાંગણમાં નવ દિવસીય રામકથાનો મનોરથ પણ પૂર્ણ કરી લીધો. દાદાનું અત્યંત પ્રિય એવું ખેતઘર (ફર્મ હાઉસ) “વૃંદાવન”ને પણ નવા કલેવર સજાવી સજ્જ કરી દીધું. છેલ્લા અડતાલીસ વર્ષથી ચાલતું સામાયિક સમનુંના ડીસેમ્બર મહિનાના આર્ટીકલનું સંકલ કરી મારી પાસે જ પ્રેસમાં ઈ-મેલ કરાવ્યા. કોઈ અગમ અનંત યાત્રાએ નીકળવાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આ બધું જ છેલ્લા બે મહિનામાં તૈયાર કર્યું.
મારી છેલ્લી મુલાકાત ૧૧ નવેમ્બરે થઇ. ૧૦ તારીખે દાદાનો મેસેજ હતો કે “ફ્રુટ લઇ પરિવાર સાથે ઇસરી આવ.” પરિવારને સાથે લઇ જઈ ન શક્યો પણ હું એકલો દાદા માટે ફ્રુટ લઇ ઇસરી જવા નીકળ્યો. રેલ્લાવાડા પહોંચ્યો ત્યાં ફોન આવ્યો “ઈશુ, કેટલે પહોંચ્યો ? હું રેલ્લાવાડા છું. તું પણ અહી આવી જા.” દાદા કનુભાઈ અને નીતાબેન સાથે અહી વાસણની દુકાનમાં વાસણ ખરીદી રહ્યા હતા. દાદા હવે ઇસરી જ રહેવાના હતા. એટલે જરૂરી તમામ વાસણ ખરીદી લીધા. દાદાએ ભોજન માટે કાંસાની થાળી વાટકી પણ લીધાં. જો કે એ થાળી વાટકી લેવાની જવાબદારી દાદાએ મને સોંપી હતી. એ હું અમદાવાદ જઈ ન શક્યો અને દાદા માટે થાળી વાટકી ખરીદી ન શક્યો. એ વખતે દાદાએ મને પૂછ્યું પણ ખરું. તું થાળી વાટકી લાવ્યો ? દાદા ગમ્મતથી મારા માથે હાથ ફેરવતા ફેરવતા ઘેલ કરી રહ્યા.ત્યાંથી અમે કંટાળું હનુમાનજીના દર્શને ગયા. એ દિવસ શનિવાર અને કાળી ચૌદશનો સુભગ સમન્વય હતો. યોગાનુયોગ નીતાબેનનો જન્મ દિવસ પણ હતો.
દર્શન કરી વૃદાવન ફાર્મ પર પરત આવી મારે ઘરે જવાની ઉતાવળ હતી એમ છતાં સાથે બેસાડી જમાડ્યો.
અને પછી મને જવાની રજા આપી. હું નીકળતા દાદાએ એક લેખ પણ મારા હાથમાં મુક્યો અને
કહ્યું આ લેતો જા. ટાઈપ કરી મને મોકલજે. એમાં દાદા એ લખ્યું હુતું “વનફૂલ સીત્યાશી
વર્ષે વૃંદાવનમાં રહેવા આવી ગયું છે અને બાકીના તેર વર્ષ અહીં જ વિતાવશે.”
આ લખી રહ્યો છું ત્યારે દાદાના હસ્તાક્ષરોથી લખેલો પત્ર મારી નજર સામે છે. એ જોઈ આંખો ભીંજાય જાય છે. એક દમ સ્વાસ્થ્ય લગતા દાદા સાથેની મારી એ છેલ્લી મુલાકાત હતી એ ક્યાં ખબર હતી ? ખબર હોત તો દાદાને વળગીને બરાબર ભેટી પડત. કસીને બાથમાં લઇ દાદાને વહાલથી નવડાવી દેત !
અરવલ્લીના આ અરણ્ય વિસ્તાર માટે દાદાના ઘણા સપના હતા. દાદાને હજી મારે ઘણું કરવું હતું. છેલ્લા શ્વાસ સુધી આદિવાસી
બાળકોના હિત માટે, એમના હકો માટે લડતા રહ્યા. જાપાન યાત્રાના પુસ્તકનું પ્રૂફ જોઈ પ્રકાશકને
મોકલવા મને આપતા ગયા. એ પ્રૂફ હજી મારા ટેબલ પડ્યું પડ્યું મને તાકી રહ્યું છે. દાદા સતત કામ કરતા રહ્યા. અવિરત મથામણ કરતા રહ્યા
તોય સીત્યાશી વર્ષનું આયખું ઘણું ઓછું પડ્યું.
પિતાની છત્ર છાયા ગુમાવી એ દિવસે ચોધાર આંસુએ રડ્યો હતો. એ પછી એક આજનો દિવસ છે કે આંખોના આંસુ સુકાતાં નથી. દાદાએ આપેલાં એટલાં સ્મરણો છે એ કેમે કરી વિસરતાં જ નથી. ઘરનો મોભ તૂટી પડ્યાની વેદના અનુભવું છું. છત્રછાયા ગુમાવી જાણે મારો આખો પરિવાર નોંધારો થઇ ગયાની અનુભૂતિ થઇ રહી છે. અરવલ્લીના ઇશાનિયા મલાકમાં પાકેલું આવું પાણીદાર 'મોતી' લાખોમાં એક પાકે!
આદરણીય ગુણવંત શાહ કહેતા " મોતીભાઈ પાસે શિક્ષણની સુગંધ ધરાવતી અત્તર દાની છે." દાદા ભલે સદેહે નથી રહ્યા પણ તેઓએ ચોમેર પ્રસરાવેલી શિક્ષણ સૌરભ ચીરકાળ સુધી અમર રહેશે એમાં કોઈ બેમત નથી.
દાદા મને ઘણી વાર કહેતા “ઈશ્વર, તારામાં હું મારું પ્રતિબિબ જોઉં છું.”
દાદાને શ્રદ્ધાંજલિ આપવા મને શબ્દો જડતા નથી. શામળિયાને પ્રાર્થું છું કે દાદા આપના સેવેલા સપના પુરા કરી શકું, આપે ચાતરેલા ચીલે બે ડગ ચાલી શકું, આપની જેમ જ કોઈ અજાણી દુઃખી વ્યક્તિના આંસુ લુછી એના મુખ પર સ્મિતનું કારણ બની શકું. પાસે આવેલા કોઇપણ ઉપર કારણ વગર જ નિસ્વાર્થ અને નિખાલસ વહાલ વરસાવી શકું. ધૂપસળી જેમ જાત બાળી ચોમેર સુવાસ પ્રસરાવી શકું તોય ઘણું !
હું ૧૧ નવેમ્બરે છેલ્લે મળ્યો ત્યારે તેમના ટેબલ ઉપર સદગુરુ લિખિત પુસ્તક પડ્યું હતું. એ પુસ્તકનું નામ હતું "મૃત્યું" !આને શું સમજવું??? આ એક કોયડો જ રહ્યો !
દાદા આપે વરસાવેલા અનિમેષ વહાલના વળતર તો હું કયા ભવે ચુકવી શકીશ?? કદાચ ક્યારેય નહીં!!
- ઈશ્વર પ્રજાપતિ
૯૮૨૫૧ ૪૨૬૨૦
ઓમ શાંતિ
ReplyDeleteસરસ લેખ.
ReplyDeleteહ્રદય ની ભીનાશ વર્તાય છે.
શિક્ષણ મર્મી અને શિક્ષણ કર્મી ની ખોટ પુરાય તેમ નથી.
મોતીદાદા મનમોજી અને અલગારી વ્યક્તિત્વ હતુ.. શિક્ષક પ્રત્યેનો એમનો પ્રેમ અને શ્રધ્ધા અદભૂત હતી. બી.એડ્. કૉલેજ ના વ્યાખ્યાતા કાર દરમિયાન સારો પરિચય થયેલો. એમના મિત્ર સ્વ. પી.જી. પટેલ (પ્રગતિશીલ શિક્ષણ ના તંત્રી) મારા શૈક્ષણિક ગુરુ હતા.. ગુણવંત શાહ, પી.જી.પટેલ અને મોતીદાદા ની ત્રિપુટી ની વાતોમાં યુવાનોની તાજગી દેખાતી.. ઈશ્વરભાઈ આપની વેદના સાહજિક છે. મારી સંવેદનાઓ પાઠવી છુ
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteમોતીદાદાને હું પણ મળેલો છું. એમનો સ્નેહ અને લાગણી ખૂબ જ અપાર હતી. ઈશ્વરભાઈ હું આપની વેદના સમજી શકું છું જ્યારે માથે થી છત્ર છાયા જતી રહે તેનું દુઃખ અપાર હોય છે. ભગવાન મોતીદાદા ની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના...ઓમ શાંતિ..
Deleteમોતી દાદા ના આત્માને પ્રભુ પરમાત્મા પરમ શાંતિ આપે એવી પ્રાર્થના.
ReplyDelete